ગી.અ-12, શ્લોક 13 to 20

ભગવત્પ્રાપ્ત પુરુષોનાં લક્ષણો

अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च।
निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी।।१३।।
सन्तुष्ट: सततं योगी यतात्मा दढनिश्चय:
मय्यर्पितमनोबुद्धिर्यो मद्‌भक्त: स मे प्रिय:।।१४।।

અર્થ : સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય આપવારૂપ ક્ષમા રાખનારો, અને જે ભક્ત-યોગી સદાય સંતોષી રહેતો હોય, મન ઈન્દ્રિયોને કાબુમાં રાખનારો અને મારા સ્વરૂપના દૃઢ નિશ્ચયવાળો હોય, મારામાં મન આદિક ઈન્દ્રિયો અને બુદ્ધિને અર્પણ કરીને મારી જ ભક્તિ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય છે. ।।૧૩-૧૪।।

આ શ્લોકોમાં ભગવાન અનભિસંહિત કર્મફલથી પોતાનું કર્તવ્ય બજાવતા થકા તદર્ન્તગત ભક્તિ કરતા એવા પોતાના ભક્તના લક્ષણો બતાવે છે.

अद्वेष्टा सर्वभूतानाम्‌-પોતાના મનથી વિદ્વેષ કરનારાઓનો તથા વાણી અને ક્રિયાથી અપકાર કરનારાઓનો પણ દ્વેષ નહિ કરનારા પ્રસક્ત પ્રતિષેધ ન્યાયથી સામાન્યનો દ્વેષ તો નથી કરતા પણ પોતાનો કોઈ મનથી વિદ્વેષ કરતો હોય અથવા દેહ-વાણીથી અપકાર કરતો હોય ત્યારે તો સહજપણે દરેકને તેનો દ્વેષ થાય છે તો પણ તેના પ્રત્યે દ્વેષ નથી કરતા.

અનિષ્ટ કરનારાઓમાં બે પ્રકાર છે. (૧) ઈષ્ટ પ્રાપ્તિમાં અર્થાત્‌આ લોકની દૃષ્ટિએ ધન, માન, મોટાઈ, આદર સત્કાર વગેરેમાં વિઘ્નો ઊભા કરવાવાળા અને (૨) અનિષ્ટ પદાર્થ, ક્રિયા, વ્યક્તિ, ઘટના વગેરેનો સંયોગ ઊભો કરાવી દેવાવાળા. ભક્તને પ્રતિકૂળ ગમે તેટલો વ્યવહાર કરે તો પણ ભક્તના હૃદયમાં તેમના પ્રત્યે દ્વેષ થતો નથી. તે કયારેય તેનું હીણું ઈચ્છતા નથી. અનિષ્ટ કરવાવાળામાં ભગવાનની કોઈ ઈચ્છા સમજીને સહન કરે છે. ત્યારે જ તે ભગવાનમાં સાચો પ્રેમ કરી શકે છે.

b: करुण एव च-ઉપર બતાવ્યા તેવા વિદ્વેષ અને અપકાર કરવાવાળા પ્રત્યે દ્વેષ રહિત છે. એટલું જ નહિ પણ તેના પ્રત્યે મૈત્રી અને દયા-કરુણા આચરનારા છે. અર્થાત્‌તેનું હિત આચરનારા અને તે જ્યારે દુઃખી થાય તો તેને દુઃખમાં અહૈતુક મદદ કરનારા હોય છે. ભગવાન પોતે પ્રાણીમાત્રના સુહૃદ છે. માટે તે ભક્તમાં પણ ભગવાનના સ્વભાવની ઝલક આવતી હોય છે. તેથી ભક્તો પણ અપરાધી પ્રત્યે પણ હિત કરવાપણું અને દુઃખમાં મદદ કરવાપણું દાખવનારા હોય છે. પાતંજલ યોગ દર્શનમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા-આ ચાર ચિત્તશુદ્ધિના ઉપાય બતાવ્યા છે. પોતાના પ્રત્યે વિદ્વેષ કે અપકાર કરનારા પ્રત્યે તેના સમાન પ્રતિભાવના કરવી તે ભલે કદાચ ન્યાયની દૃષ્ટિએ યોગ્ય હોય પણ એવું કરીને તે પોતાના પવિત્ર અંતરને દૂષિત તો જરૂર કરે છે. પરમાત્માને અંતરમાં પધરાવવા માટે અને અંતરની પવિત્રતા જાળવવા માટે ભક્ત તે માર્ગથી પાછો ફરીને પવિત્ર બનાવવાના માર્ગે મૈત્રી અને કરુણાનું આચરણ કરે છે. ભગવાને ચારેય સાધનોને અહીં મૈત્રી અને કરુણા, એમ બેમાં જ ચારેયનો સમાવેશ કરી લીધો છે. સુખી અને પુણ્યાત્માઓ પ્રતિ મૈત્રીનો ભાવ અને દુઃખી તથા પાપાત્માઓ પ્રત્યે પણ કરુણાભાવ રાખે છે. દુઃખ પામવાવાળા પ્રત્યે તો કરુણા થઈ શકે છે પણ દુઃખ આપવાવાળા પ્રત્યે કરુણા ભાવ દાખવવો તે વિરલ વ્યક્તિમાં જ હોય છે. જેના અંતરમાં ભગવાન હોય તે જ દાખવી શકે છે. તે એક પરમાત્માનો જ ગુણ છે. પરમાત્માને પ્રતાપે પરમાત્માના વારસદાર એવા સાચાભક્તો જ તેનું આચરણ કરી શકે છે. શ્લોકમાં ‘एव’ કારનો અભિપ્રાય પણ એ જ છે કે વિદ્વેષ અને અપકાર કરનારા પ્રત્યે પણ મૈત્રી કરુણા જ રાખનારા.

निर्मम: દેહ, ઈન્દ્રિય અને તેના સંબંધીઓ પ્રત્યે મમતા રહિત. જો કે તમામ પ્રાણીમાત્ર પ્રતિ ભક્તને મૈત્રી રહે છે અને કરુણા રહે છે. તેના દુઃખે દુઃખી થાય છે તો પણ કોઈના પ્રત્યે મમતા નથી. જગત દુઃખી થાય છે, તે મમતાને કારણે દુઃખી થાય છે. પ્રાણીઓમાં અને પદાર્થોમાં મમતા જ મનુષ્યને સંસારમાં બાંધવાવાળી બને છે. ભક્ત આવી મમતાથી સર્વથા રહિત હોય છે.

निरहंकार: દેહાત્માભિમાનથી રહિત હોય છે અને મમતા રહિત થવામાં પણ નિરહંકારપણું જ કારણરૂપ બને છે. ભક્તમાં રહેલા વિરલ સદ્‌ગુણોનું પણ તે કયારેય અભિમાન રાખતા નથી. સદ્‌ગુણો તમામ મેળવે છે. મેળવવા પ્રયત્ન પણ કરે છે પણ તેનો ઉપયોગ પરમાત્માને પ્રસન્ન કરવાના હેતુ માટે કરે છે પણ પોતાના અભિમાનનો વધારો થવામાં કયારેય આવવા દેતા નથી.

समदु:खसुख: ભક્ત સુખ-દુઃખોની પ્રાપ્તિમાં સમાન રહે છે. અર્થાત્‌અનુકૂળતા પ્રતિકૂળતા તેના હૃદયમાં રાગદ્વેષ, હર્ષશોક વગેરે વિકારો ઉત્પન્ન કરી શકતા નથી. ગીતામાં સુખ-દુઃખ પદ અનુકૂળતા-પ્રતિકૂળતાની પરિસ્થિતિ જે સુખ-દુઃખ ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે. તેને માટે તથા તેને યોગે થવાવાળા હર્ષશોક વગેરે વિકારોને માટે પણ આવ્યું છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ મનુષ્યને સુખીદુઃખી કરીને જ બાંધે છે. એટલા માટે સુખ-દુઃખમાં સમાન હોવાનો અર્થ છે-અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં પોતાનામાં હર્ષ શોક વગેરે વિકારો ન આવવા દેવા.

ભક્તના શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ તેને અનુકૂળ કે પ્રતિકૂળ પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિ, ઘટના વગેરેનો સંયોગ ને વિયોગ થતાં તેને અનુકૂળતા કે પ્રતિકૂળતાનું ‘જ્ઞાન’ તો જરૂર થાય છે; પરંતુ તેની પ્રતિક્રિયારૂપ હર્ષ, શોક વગેરે કોઈ ‘વિકાર’ ઉત્પન્ન નથી થતો. અહીં એ વાત સમજી લેવી જોઈએ કે પરિસ્થિતિનું જ્ઞાન થવું એ કોઈ દોષરૂપ નથી પરંતુ તેના આધારે પોતાના અંતઃકરણમાં વિકાર ઉત્પન્ન થવો એ જ દોષ છે. ભક્ત રાગદ્વેષ, હર્ષશોક વગેરે વિકારોથી સર્વથા રહિત હોય છે. જેનું પ્રારબ્ધાનુંસાર ભક્તના શરીરમાં કોઈ રોગ થતાં તેને શારીરિક પીડાનું જ્ઞાન તો થશે; પરંતુ તેના પ્રત્યે તેના અંતઃકરણમાં કોઈ શોક, દુઃખ વગેરે પ્રતિકારરૂપ વિકાર નહિ થાય.

क्षमी-પોતાનો કોઈ જાતનો પણ અપરાધ કરવાવાળાને કોઈપણ પ્રકારનો દંડ આપવાની ઈચ્છા ન રાખીને ક્ષમા કરી દેવાવાળાને क्षमी કહે છે. જો કે અદ્વેષા પદથી પોતાનો અપરાધ કરવાવાળા પ્રત્યે દ્વેષનો અભાવ તો બતાવ્યો જ છે. હવે અહીં क्षमी પદથી એમ બતાવે છે કે ભક્તમાં પોતાનો અપરાધ કરવાવાળા પ્રત્યે એવો ભાવ રહે છે કે, તેને ભગવાન અથવા કોઈના અન્યના દ્વારા પણ દંડ ન મળે-એવી એમની ઈચ્છા રહે છે. આવો ક્ષમાભાવ ભક્તની એક વિશેષતા છે-વિરલતા છે.

संतुष्ट: सततम्‌ મોટે ભાગે સંતોષ શબ્દની સાથે ‘यदृच्छा लाभसन्तुष्ट:’ અથવા ‘येनकेनचित्‌ ’ શબ્દો જોડવામાં આવે છે. અહીં सततम्‌ નો પણ તે જ અર્થમાં પ્રયોગ થયો છે. આગળ ૧૯માં શ્લોકમાં પણ ‘सन्तुष्ट: येनकेनचित्‌’ પ્રયોગ આવ્યો છે. જે ઘણું કરીને સમાન અર્થમાં જ પ્રયોગ થયો છે. જીવને અનુકૂળતા મળે ત્યારે ગમે તેટલી મળે તો પણ મનમાં સંતોષ થતો નથી. તે જીવ પ્રાકૃત જીવ છે. તે પરમાત્માને માર્ગે ચાલી શકતો નથી. પરમાત્માની ઈચ્છાથી પોતાના પ્રારબ્ધાનુસાર જે કાંઈ સાંસારિક પદાર્થો, પરિસ્થિતિ પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહીને ભગવાનનું ભજન કરનારા હોય છે.

योगी-પરમાત્માના સ્વરૂપનું પોતાના અંતરમાં નિત્ય નિરંતર અનુસંધાન રાખનારા છે. કારણ કે સાક્ષાત્યોગ અહીં નિષ્કામ કર્મયોગી પ્રકરણમાં ઘટિત નહિ બને. માટે સતત તેનું અનુસંધાન રાખનારા અને તેના દ્વારા અનાત્મ ચિંતનને દૂર કરનારા એવા. પરમાત્મ ચિંતન કરવું અને અનાત્મચિંતનને દૂર કરવું તે પણ યોગના અંગભૂત ગણવામાં આવે છે.

यतात्मा-જેને મન, બુદ્ધિ, ઈન્દ્રિયો સહિત શરીર પૂર્ણપણે સંયમિત કર્યા છે, તેને અહીં यतात्मा કહ્યા છે. તમામ કરણો વશ હોવાથી એમાં કોઈ પ્રકારના ઈન્દ્રિયજન્ય દુર્ગુણ દુરાચારના આવવાની સંભાવના જ નથી રહેતી. વાસ્તવમાં મન, ઈન્દ્રિયો બુદ્ધિ વગેરે સ્વાભાવિકપણે સન્માર્ગમાં ચલાવવા માટે જ ભગવાને આપ્યા છે; પરંતુ સંસારમાં રાગ હોવાથી માર્ગચ્યુત થઈ જવાય છે. ભગવાનના ભક્તે તે રાગનો ત્યાગ કર્યો હોય છે. માટે તેની ક્રિયા આદર્શરૂપ હોય છે.

दृढनिश्चय: અધ્યાત્મ શાસ્ત્રમાં કહેલા અર્થોને વિષે જ્યાં બીજાઓને સંદેહ રહે છે અથવા થાય છે ત્યાં ભગવાનના ભક્તને ભગવાન તથા શાસ્ત્રમાં અતિ આસ્તિકતા હોવાથી તેનું અનુષ્ઠાન કરવામાં સંદેહ રહેતો નથી. તેથી તેનું આચરણ વિષયમાં દૃઢપણે નિશ્ચયવાળું હોય છે. જગતનું પ્રધાનપણું જ્યારે હૃદયમાં વિશેષ થાય છે, ત્યારે તેને અધ્યાત્મ સંબંધી અનુષ્ઠાનોમાંથી આસ્થા ઓછી થઈ જાય છે. તેમાં વિપર્યય અને સંશયયુક્ત બુદ્ધિ રહે છે. તે કયારેય અધ્યાત્મ માર્ગમાં સ્થિર થતી નથી તો દૃઢ તો થાય જ શી રીતે? માટે ભગવાનના ભક્તને જગત પ્રધાન ન હોવાથી ભગવાન તથા શાસ્ત્રોક્ત ઉપાયોમાં-અનુષ્ઠાનોમાં ચાલવાનો દૃઢ નિશ્ચય હોય છે.”

“નિમિત્ત હોય તો પણ ભગવાનની ઈચ્છા જાણીને પોતાના મનમાં ન લઈ ને ઉદ્વેગને પામતા નથી. વાસ્તવમાં સાચા કર્મયોગી ભક્ત પોતાના ઉદ્દેશ્યમાં એટલા નિમગ્ન હોય છે કે, તેને કોઈના પ્રતિ ઉદ્વેગ કરવાનો કે વેર-વિરોધ કરવાનો સમય કે ઈચ્છા હોતી જ નથી. તે પરમેશ્વરને ગમતું કરવામાં જ પોતાનો સમય ગાળે છે.

हर्षामर्षभयोद्वेगैर्मुक्तो य: स च मे प्रिय: હર્ષથી મુક્ત થઈને રહે છે તેનો અર્થ એવો નથી કે, એવો કર્મયોગી ભક્ત સર્વથા પ્રસન્નતાશૂન્ય રહે છે. ઊલટાની તેની પ્રસન્નતા તો નિત્ય, એકરસ, વિલક્ષણ અને અલૌકિક હોય છે. હા, તેનો હર્ષ સાંસારિક પદાર્થોના સંયોગ વિયોગથી ઉત્પન્ન થનાર ક્ષણિક નથી હોતો. તે લૌકિક વિકારોથી સર્વથા રહિત રહે છે.

કોઈના ઉત્કર્ષ-ઉન્નતિને સહન ન થઈ શકવાને અહીં અમર્ષ કહ્યો છે. તેના પરિણામરૂપે તેના પર ક્રોધ થવાને પણ અમર્ષ કહેવાય છે. બીજા લોકોને ખાસ કરીને પોતાના મનથી માનેલા પ્રતિદ્વન્દ્વીને પોતાના સમાન કે પોતાનાથી અધિક સુખ, સુવિધા, ધન, મહિમા, વિદ્યા, આદર સત્કાર પ્રાપ્ત થયેલા જોઈને સાધારણ પ્રાકૃત મનુષ્યને તેના પ્રતિ ઈર્ષા-અમર્ષ થવા લાગે છે. કેમ કે તેનાથી બીજાનો ઉત્કર્ષ સહન નથી થતો પણ ભગવાનનો ભક્ત કર્મયોગી એવા નબળા સ્વભાવથી મુક્ત થયેલો હોય છે. જો સાધકના હૃદયમાં બીજાની આધ્યાત્મિક ઉન્નતિ જોઈને એવો ભાવ ઉત્પન્ન થાય કે હું પણ તેવી જ આધ્યાત્મિક ઉન્નતિ કરું, તો તે સ્પર્ધા કહેવાય છે. ઈર્ષ્યાથી રહિત સ્પર્ધા હોય તો સાધકને બાધ કરનારી બનતી નથી. ઊલટાની સાધનામાં સહાય કરનારી થાય છે; પરંતુ જો સાધકના હૃદયમાં એવો ભાવ પેદા થાય કે આની ઉન્નતિ કેમ થઈ ગઈ? તો એવા દુર્ભાવને કારણે તેના હૃદયમાં અમર્ષ ઉત્પન્ન થાય છે. જે તેને પતનની તરફ લઈ જશે. સાચો કર્મયોગી ભક્ત આવા ભાવથી મુક્ત થયેલો હોય છે.

ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને ‘ભય’ કહેવાય છે. ભય બે કારણોથી થાય છે. બાહ્ય કારણોથી- જેમ કે સિંહ, સાપ, ચોર, ડાકુ વગેરેથી અનિષ્ટનો ભય અને આંતરિક કારણોથી જેમ કે ચોરી, લૂંટ, કપટ, વ્યભિચાર વગેરે શાસ્ત્ર વિરુદ્ધ આચરણોથી થવા વાળો ભય. સર્વથી મોટો ભય મનુષ્યને મૃત્યુનો હોય છે. વિવેકશીલ કહેવાનારા મનુષ્યોને પણ બહુધા મોતનો ભય રહ્યા કરે છે. આ તમામ ભય દેહભાવને આભારી છે. શરીરભાવને આશરીને સર્વ ભય હોય છે. ભગવાનનો ભક્ત કર્મયોગી દૃઢપણે ભગવાનનો આશ્રય ધારી રહે છે, તેથી તે બધા ભયથી મુક્ત થાય છે.

આ શ્લોકમાં ઉદ્વેગ ત્રણ વખત વપરાયો છે. તેથી ઉદ્વેગનો અર્થ અહીં જુગુપ્સા થાય છે. ભક્તના હૃદયમાં હીન ભાવો ઊઠતા નથી. ઉદ્વેગ થવામાં અજ્ઞાન અને આસુરી સ્વભાવ જ કારણભૂત થાય છે. તેને ભક્ત ભગવાનના આશ્રયથી દૂર કરીને વર્તે છે, માટે તેનાથી મુક્ત રહે છે.

આ શ્લોકમાં ભગવાને ‘भक्त’ પદ ન આપીને ‘मुक्त’ પદ આપ્યું છે. તેનો આશય એ છે કે ભક્ત તમામ દુર્ગુણ-દુરાચારોથી સર્વથા રહિત હોય છે. કોઈપણ સારા ગુણોનું અભિમાન થવાથી દુર્ગુણો આપોઆપ આવી જાય છે. સાચો કર્મયોગી ભક્ત કોઈપણ જાતના અભિમાનથી રહિત રહે છે. તેથી એવો ભક્ત મને ખૂબ જ પ્રિય હોય છે.

अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्द्भक्तः स मे प्रियः ।।१६।।

અર્થ : જે કોઈની અપેક્ષા નથી રાખતો, અંદર-બહાર શુદ્ધ રહે છે. ચતુર, પક્ષપાતે રહિત વર્તનારો અને દુઃખાદિકની વ્યથા નહિ પામનારો, તેમજ સર્વ આરંભપાત્રનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય-વ્હાલો છે. ।।૧૬।।”

“अनपेक्ष: એક પરમાત્માને પામવા માત્રની અપેક્ષા હોવાથી તદવ્યતિરિકત પદાર્થોમાં અત્યંત નિરીહપણે રહે છે. તેની જરા પણ અપેક્ષા હૃદયમાં કરતા નથી. જો કે વાસ્તવમાં કેવળ ઈચ્છા કરવાથી શરીરનિર્વાહના પદાર્થો મળતા હોય તથા ઈચ્છા ન કરવાથી ન મળતા હોય-એવો કોઈ નિયમ નથી. વાસ્તવમાં ચેતનને શરીર આપીને તેના નિર્વાહનો નિરધાર પરમાત્માએ પ્રથમથી જ કંઈક વિચારી રાખેલો હોય છે. પ્રબળ ઈચ્છાના વિષયમાં તો બહુધા એવું જોવામાં આવે છે કે લેવાની પ્રબળ ઈચ્છાવાળા(ચોર વગેરે)ને કોઈ આપવા નથી ઈચ્છતા. એનાથી વિપરીત કોઈ વસ્તુની ઈચ્છા ન રાખવાવાળા વિરક્ત ત્યાગી પુરુષો અને બાળકની આવશકયતાઓનો અનુભવ આપોઆપ બીજાઓને થાય છે અને બીજા લોકો તેમના શરીરનિર્વાહનો આપોઆપ પ્રસન્નતાપૂર્વક પ્રબંધ કરે છે. આનાથી એ સિદ્ધ થાય છે કે અપેક્ષા-ઈચ્છા ન કરવાથી જીવનનિર્વાહની આવશ્યક વસ્તુઓ વિના માગ્યે આપોઆપ મળે છે. આથી ભગવાનના ભક્ત નિષ્કામ કર્મયોગી શરીરનિર્વાહ માટે પણ અપેક્ષા કરતા નથી. તે સર્વથા નિરપેક્ષ રહે છે. કોઈ કોઈ ભક્તતો ભગવાન દર્શન દે અથવા ન દે તો તેની પણ અપેક્ષા કરતા નથી. તે તો કેવળ તેની સેવામાં કે પ્રસન્નતા પામવાના ઉપાયમાં નિમગ્ન અને મસ્ત રહે છે. આવા નિરપેક્ષ ભક્તની પાછળ પાછળ ભગવાન પણ ધૂમ્યા કરે છે. તે ભગવાન પોતે કહે છે કે,

निरपेक्षं मुनिं शान्तं निर्वैरं समदर्शनम्‌।
अनुव्रजाम्यहं नित्यं पूयेयेत्यङि्‌घ्ररेणुभि:।। भा. ११-१४-१६

જે સર્વથા નિરપેક્ષ, નિરંતર મારું મનન કરવાવાળો, શાંત, દોષ રહિત, બધાના પ્રત્યે સમદૃષ્ટિ-ભગવદ્‌દૃષ્ટિવાળો છે તે મહાત્માની પાછળ પાછળ હું સદા એવું વિચારીને ઘૂમ્યા કરું છું કે તેની ચરણરજ મારા પર પડી જાય અને હું પવિત્ર થઈ જાઉં. કોઈ વસ્તુની ઈચ્છા રાખીને ભગવાનની ભક્તિ કરવાવાળો વસ્તુતઃ એ ઈચ્છિત વસ્તુનો જ ભક્ત હોય છે. ભગવાનનો નહિ. છતાં ભગવાનની એ ઉદારતા છે કે તેને પણ પોતાનો ભક્ત માને છે. (ગી. ૭/૧૬) એટલું જ નહિ પણ ભગવાન, ભક્ત ધ્રુવની જેમ તેની ઈચ્છા પૂરી કરીને તેને સર્વથા ઈચ્છાથી રહિત કરીને નિઃસ્પૃહ બનાવી દે છે.

शुचि: શાસ્ત્રવિહિત દ્રવ્યથી શરીર નિભાવ કરનારા અને શાસ્ત્ર વિહિત વિહાર ચેષ્ટાઓ રાખનારા. દેહધારીઓને સંપૂર્ણપણે પવિત્ર હોવું અશક્ય હોવાથી આવી રીતે રહે તેને ‘शुचि’ પવિત્ર કહે છે. ભગવાનનો કર્મયોગી ભક્ત પવિત્ર આહાર, પવિત્ર વિચાર અને પવિત્ર કર્મો કરીને આંતરબહાર પવિત્ર રહે છે. એનાથી એવા ભક્તના દર્શન, સ્પર્શ, વાર્તાલાપ અને યાદ કરવાથી બીજા લોકો પણ પવિત્ર થઈ જાય છે. આવા ભક્તો તીર્થોને પણ તીર્થત્વ પ્રદાન કરે છે. અર્થાત્‌તીર્થ પણ તેના ચરણ સ્પર્શથી પવિત્ર થાય છે. કારણ કે તે પોતાના હૃદયમાં ભગવાનને ધારીને સર્વત્ર વિચરે છે. तीर्थीकुर्वन्ति तीर्थानि स्वान्तस्थेन गदाभृता(ભા. ૧-૧૩-૧૦) મહારાજા ભગીરથ ગંગાજીને પણ કહે છે-

साधवो न्यासिन: शान्ता ब्रह्मिष्ठा: लोकपावना:।
हरत्यधं तेऽङ्गसङ्गात्‌ तेष्वास्ते ह्यधभिद्धरि:।। (ભા.૯-૯-૬)

હે માતા ! જેઓએ લોકપરલોકની સમસ્ત કામનાઓનો ત્યાગ કરી દીધો છે. જેઓ સંસારથી ઉપરત થઈને પરમાત્મામાં શાંત થયેલા છે. જેઓ બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરવાવાળા પરોપકારી સાધુપુરુષો છે. તેઓ પોતાના સ્પર્શથી તમારા (જે પાપીઓના સ્નાન કરવાથી આવેલા છે) સમસ્ત પાપોને નષ્ટ કરી દેશે. કેમ કે તેમના હૃદયમાં સમસ્ત પાપોનો નાશ કરવાવાળા ભગવાન સર્વદા નિવાસ કરી રહ્યા છે.

दक्ष: શાસ્ત્રીય ક્રિયાના અનુષ્ઠાનમાં સામર્થીવાળાને દક્ષ કહેવાય છે. અન્યથા વિહિત વ્યતિરિક્ત વિષયમાં ઉદાસીન રહે છે. જેણે મનુષ્ય શરીર પામીને કરવા યોગ્ય કામ છે તે કરી લીધું છે, તે જ દક્ષ(કુશળ, હોંશિયાર) છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ભગવત્પ્રાપ્તિ છે એને જ માટે મનુષ્ય શરીર મળ્યું છે. જેણે પોતાનો આ ઉદ્દેશ્ય પૂરો કરી દીધો એ જ વાસ્તવમાં દક્ષ અથવા ચતુર છે. સાંસારિક દક્ષતા વાસ્તવમાં દક્ષતા નથી. એક દૃષ્ટિએ તો ભગવાનને માર્ગે ચાલનારા માટે વ્યવહારમાં અધિક દક્ષતા હોવી એ કલંક રૂપ જ છે. સાંસારિક દક્ષતા સાધકના મનમાં દુન્યવી પદાર્થોની મહતા વધારે છે, દુન્યવી પદાર્થોની મહત્તા વિના સાંસારિક મહત્તા આવવી દુર્લભ છે. માટે ભગવાનના માર્ગે ચાલવાવાળા માટે ઉપર્યુક્ત દક્ષતા જે સાંસારિક હોઈને પણ પરમાત્માના માર્ગે મદદરૂપ હોય અથવા બીજા માણસો છેતરવાનું કરે ત્યારે પોતાની જાતને બચાવનારી હોય એટલી જ સાધકને માટે જરૂરી રહે છે. એવી દક્ષતાએ યુક્ત નિષ્કામ કર્મયોગીમાં હોય છે. એવું તાત્પર્ય છે.

उदासीन: ઉદાસીનનો અર્થ છે, ઊંચો બેઠેલો. જેની સ્થિતિ દુન્યવી લાભાલાભથી પર થઈ છે. ઊંચી થઈ ગઈ છે એવો. તટસ્થ, પક્ષપાત રહિત હોય તેવો. વિવાદ કરવાળી બે વ્યક્તિ પ્રત્યે જેનો સર્વથા તટસ્થભાવ રહે છે, તેને ઉદાસીન કહેવામાં આવે છે. ઉદાસીન શબ્દ નિર્લિપ્તતાનો દ્યોતક છે. જેવી રીત ઊંચા પર્વત ઉપર ઊભા રહેલા પુરુષ ઉપર નીચે પૃથ્વી ઉપર લાગેલી આગ કે પાણીનું પૂર વગેરેની કોઈ અસર થતી નથી. એવી જ રીતે કોઈપણ સાંસારિક અવસ્થા, ઘટના, પરિસ્થિતિના હાનિલાભ વગેરે ભક્ત ઉપર કોઈ અસરકારક થતા નથી. તે સદા નિર્લિપ્ત રહે છે. જે મનુષ્ય ભક્તનું હિત ચાહે છે તથા તેને અનુકૂળ આચરણ કરે છે, તે તેનો મિત્ર સમજવામાં આવે છે. જે મનુષ્ય ભક્તનું અહિત ચાહે છે તથા તેને પ્રતિકૂળ આચરણ કરે છે તે તેનો શત્રુ સમજવામાં આવે છે. આ રીતે મિત્ર અને શત્રુ સમજવામાં આવનારી વ્યક્તિ પ્રત્યે ભક્તના અંતરમાં પક્ષપાત, દ્વેષ કે કોઈ ભેદભાવ રહેતો નથી. હા, કદાચ તેના બાહ્ય વ્યવહારમાં કિંચિત્‌ફેર હોઈ શકે. પણ ભક્તને મનમાં કોઈ શત્રુ નથી, કોઈ ચાહવા યોગ્ય નથી. તે બન્ને પક્ષોથી ઉદાસીન અને નિર્લિપ્તપણે રહે છે.

गतव्यथ: શાસ્ત્રીય ક્રિયા-અનુષ્ઠાન પૂર્ણ કરવામાં અવશ્યપણે પ્રાપ્ત થતા શીત-ઉષ્ણ પરુષસ્પર્શ વગેરેથી જે દુઃખ કે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેની પીડા રહિતપણું. કર્મયોગી ભક્તને અનુકૂળતાની પ્રાપ્તિ થતાં ચિત્તમાં જે પ્રસન્નતા તથા પ્રતિકૂળતાની પ્રાપ્તિ થતાં ચિત્તમાં જે ખિન્નતાની હલચલ થાય છે, તે જ વ્યથા છે. આવી અનુકૂળતા તથા પ્રતિકૂળતાથી અંતઃકરણમાં થવાવાળા રાગદ્વેષ, હર્ષશોક, પ્રસન્નતા-ખિન્નતા વગેરે વિકારોથી રહિત હોય છે.

सर्वारम्भपरित्यागी-વિહિતયોગના સિવાય અર્થાત્‌પરમાત્માને પામવા માટે થતા પુરુષાર્થ અને પરમાત્માને પ્રસન્ન કરવા કરાતો પુરુષાર્થ સિવાય, અન્ય સર્વ પુરુષાર્થ કે આરંભોનો ત્યાગ કરનારા. ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યથી કરવામાં આવતા એવાં કર્મો-આરંભોનો ત્યાગ કરનારા. સુખભોગના ઉદ્દેશ્યથી નવીનવી ચીજો એકઠી કરવી. તેને માટે ધન સંગ્રહ કે તેનો ઉદ્યમ કરવો. તેવા સઘળાં કર્મોનો ત્યાગ કરનારા હોય છે.

જેનો રાગ વિશેષ કરીને પંચવિષય ભોગમાં છે જેનો ઉદ્દેશ્ય સંસારનો છે અને તેને માટે જે વર્ણ, આશ્રમ, વિદ્યા, બુદ્ધિ, યોગ્યતા, પદ, સત્તા અધિકાર વગેરેને લીધે પોતાનામાં શ્રેષ્ઠતા કે કંઈક વિશેષતા દેખે છે તે કયારેય નિષ્કામ કર્મયોગી કે ભક્ત નથી હોઈ શકતો. નિષ્કામ કર્મયોગી ભગવાનનો ભક્ત પોતાને માટે અર્થાત્‌પોતાના આ લોકના સ્વાર્થ કે કોઈ હેતુ માટે કોઈ આરંભ-કર્મ કરતો નથી. તેના ઉદ્યમો પાછળ કેવળ ભગવાનના ભક્તોની સેવા કરવી અથવા ભગવાનની પ્રસન્નતા કરવી એજ હોય છે.

यो मद्‌भक्त: स मे प्रिय: આ બધા સદ્‌ગુણો બતાવ્યા તે નિષ્કામ કર્મયોગના અતિ સહાયક અને પુષ્ટિદાયક ગુણો છે. તેણે સહિત મારી ભક્તિ હોય એવો ભક્ત મને ઘણો વહાલો છે. તદ્‌ગુણવિશિષ્ટ ભક્તિ મારી પ્રીતિમાં કારણભૂત છે.

यो न हृष्यति न द्वेष्टि न शोचति न काड्‌क्षति।
शुभाशुभपरित्यागी भक्तिमान्य: स मे प्रिय:।।१७।।

અર્થ : જે ક્યારેય હર્ખાઈ જતો નથી રાખતો અને સારા-નરસાનો સર્વનો પરિત્યાગ કરીને મારામાં ભક્તિવાળો જે ભક્તજન તે મને બહુજ પ્રિય-વ્હાલો છે. ।।૧૭।।”

“यो न हृष्यति… હવે આ શ્લોકમાં ભગવાનની ઈચ્છાથી પણ કાંઈ પ્રિય અપ્રિય આવી પડે. ત્યારે પણ હર્ષશોકનો અભાવ હોવો અને અનાગતમાં અને જેનો નિષેધ નથી કરાયેલો એવા વિષયમાં વાંછના-પ્રાપ્તિ, ઈચ્છા રહિતપણું અને તેના કારણોનો ત્યાગ. આ શ્લોકથી બતાવે છે. પ્રથમના શ્લોકોમાં જે નિષેધ બતાવ્યો છે, તે જેતે કાંઈક પ્રયત્ન કરવા અંગે અને તે પ્રયત્નથી મેળવેલ વિષયનો બતાવ્યો છે, એટલો તફાવત છે. પંદરમાં શ્લોકમાં ‘हर्षामर्षभयोद्वेगै:’ દ્વારા કોઈ પુરુષ વિશેષ નિમિત્તે હર્ષાદિકનો નિષેધ બતાવ્યો છે. આ શ્લોકમાં કોઈક અર્થલાભાદિક નિમિત્તના હર્ષનો નિષેધ કરે છે, તે કહે છે. यो न हृष्यति અહીં આ પંક્તિમાં ચાર વિકારોનો નિષેધ બતાવ્યો છે. રાગ, દ્વેષ, શોક(દુઃખ), હર્ષ. જ્યાં સુધી આ ચારેય વિકારોના હેતુનું સાંનિધ્ય ન હોય ત્યાં સુધી તો સર્વ જનસાધારણ પણ નિર્વિકારપણે દેખાય છે પણ વિકાર હેતુનું સાંનિધ્ય હોય, ત્યારે પણ નિષ્કામ કર્મયોગી ભક્ત નિર્વિકાર રહે છે. તેને ભગવાન બતાવે છે.

હર્ષ અને શોક એ બન્ને રાગ દ્વેષના જ પરિણાપરૂપ છે. જેના પ્રત્યે રાગ હોય છે તેના સંયોગથી અને જેના પ્રત્યે દ્વેષ હોય છે તેના વિયોગથી ‘હર્ષ’ થાય છે આનાથી વિપરીત જેના પ્રત્યે રાગ હોય છે તેના વિયોગ કે વિયોગની આશંકાથી અને જેના પ્રત્યે દ્વેષ હોય છે તેના સંયોગ કે સંયોગની આશંકાથી શોક થાય છે.(દુઃખ થાય છે) પ્રચલિત ભાષામાં કોઈના મૃત્યુથી મનમાં થવાવાળી વ્યથાને માટે ‘શોક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે અહીં શોક શબ્દનું તાત્પર્ય અંતઃકરણના દુઃખરૂપી વિકારની સાથે છે. નિષ્કામ કર્મયોગી ભક્ત આ વિકારોથી રહિત થઈને કર્મયોગ કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે આચરે છે. જેમ રાત્રિને સમે અંધકારમાં દીપક પ્રગટાવવાની ઈચ્છા(કામના) થાય છે. દિપક પ્રગટવાથી હર્ષ થાય છે જો કોઈ દીપક બુઝાવે તો તેના પ્રતિ દ્વેષ કે ક્રોધ થાય છે. ફરીથી દીપક કેવી રીતે પ્રગટે તેની ચિંતા થાય છે. રાત્રી હોવાથી આ બધી વાતો થાય છે; પરંતુ મધ્યાહનકાળે સૂર્ય તપતો હોય તો દીપક પ્રગટાવવાની કામના નથી થતી. દીપક પ્રગટવાથી હર્ષ નથી થતો. દીપક બુઝાવનારા ઉપર દ્વેષ કે ક્રોધ નથી થતો અને અંધારું ન હોવાથી પ્રકાશના અભાવની ચિંતા પણ થતી નથી. એવી જ રીતે ભગવાનથી વિમુખ અને સંસારથી સન્મુખને તમામ વિકારો થાય છે. જ્યારે જેમને પરમાત્માનો સાચો માર્ગ મળ્યો છે.(મધ્યાહ્નના સૂર્યની જેમ છે) તેનામાં આ કોઈ વિકારો નથી રહેતા.

शुभाशुभपरित्यागी-શુભાશુભ પરિત્યાગનું તાત્પર્ય અહીં પાપનો ત્યાગ કરવો અને તેની સાથે પુણ્ય પણ બંધનનું કે નવા જન્મનું કારણ બને છે, તેથી તેનો પણ ત્યાગ કરવો. પાપનો તો દૂરથી જ ત્યાગ કરવાનો છે અહીં તેનો ઉલ્લેખ દૃષ્ટાંત માટે કર્યો છે. કેની જેમ ત્યાગ કરવો? તો પાપની જેમ જ પુણ્યનો પણ ત્યાગ કરવો. જેને સંસારનું સર્વ બંધન છોડીને પરમાત્માની સેવામાં પરમાર્થપણે જોડાવું છે તેને તેનો પણ ત્યાગ કરવો. શાસ્ત્રની દૃષ્ટિથી અનિષ્ટ પ્રાપ્ત કરાવનારું પાપ છે તેમ જ શાસ્ત્રની દૃષ્ટિએ પુણ્ય પણ બીજો જન્મ લેવનાવનારું હોઈને અનિષ્ટનું કારણરૂપ બની રહે છે. નિષ્કામ કર્મયોગી ભગવાનનો ભક્ત પાપની સાથે દ્વેષથી પાપનો ત્યાગ નથી કરતો પણ શાસ્ત્રદૃષ્ટિથી કે શાસ્ત્રની આજ્ઞાથી પાપનો ત્યાગ કરે છે. કારણ કે ભગવાનનો ભક્ત રાગ અને દ્વેષથી શૂન્ય હોય છે. આવા ગુણેયુક્ત નિષ્કામ કર્મયોગ અને ભક્તિ ભગવાનની પ્રીતિનું પાત્ર બને છે. એવું તાત્પર્ય છે.

सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो:।
शीतोष्णसुखदु:खेषु सम: सङ्ग विवर्जित:।।१८।।
तुल्यनिन्दास्तुतिर्मोनी सन्तुष्टो येन केनचित्‌।
अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर:।।१९।।

અર્થ : જે નિન્દા અને સ્તુતિને સમાન સમજે છે. મનન કરવાના સ્વભાવવાળો છે, શરીરના નિર્વાહમાં જે-કોઈ પદાર્થ મળી આવે તેનાથી જે સદાય સંતોષી રહેનાર છે, એકજ સ્થાનમાં નિયત વાસ નહિ રાખનારો અને મારામાં સદાય સ્થિર બુદ્ધિ રાખનારો મારામાં ભક્તિમાન પુરુષ મને બહુજ વ્હાલો છે. ।।૧૮-૧૯।।”

“सम: शत्रौ च मित्रे च… આ બે શ્લોકમાં અનેક વિષયમાં સમતા કહે છે. તેરમા શ્લોકમાં ‘अद्वेष्टा सर्वभूतानाम्‌’ માં શત્રુ-મિત્રાદિકમાં દ્વેષ કે રાગ રહિતપણું કહ્યું; પણ અહીં શત્રુ કે મિત્રની સન્નિધિ પ્રાપ્ત થાય અથવા સાથે રહેવાનું થાય ત્યારે વિકૃતિનો ઉદય ન થવો ને માનસિક સમતુલા જળવાઈ રહે, તે વસ્તુ અહીં બતાવી રહ્યા છે. વિકૃતિના બીજ તો આંતર ભાગમાં પડેલા જ હોય છે પણ તેના ઉદ્દીપનની સન્નિધિ જ તેને વધારે ઉશ્કેરે છે ને સપાટી ઉપર લાવે છે. માટે અદ્વેષ્ટા કરતાં આ જુદા પ્રકારની વિશેષતા છે અને થોડી કઠિન પણ ખરી. દૂર હોય કે સનિહિત હોય તેમાં અદ્વેષ્ટાપણે રહેવું અને શત્રુ હોય કે મિત્ર હોય તેની સન્નિધિ હોય ત્યારે બન્નેમાં સમ ચિત્ત રહેવું, તે બન્નેમાં અલગતા છે. પુનરાવૃત્તિ નથી. આગળ ચર્ચા કરી છે તેમ. તેનો અર્થ એવો નથી કે તેને કોઈ શત્રુ કે મિત્ર નથી માનતા. લોકો પોતાની મેળે પોતાના સ્વભાવ પ્રમાણે અનુકૂળતા કે પ્રતિકૂળતા જોઈને તેનામાં મિત્રતા કે શત્રુતાનો આરોપ કરી લે છે. સાધારણ સંસારી લોકો તો તેવું કરે જ છે પણ સાધક ભક્તો પણ મોટે ભાગે તેવું કરી બેસતા હોય છે. જ્યારે સાચો નિષ્કામ કર્મયોગી ભક્ત પોતાના હૃદયમાં કોઈના પ્રત્યે એવો ભાવ ઊઠવા દેતો નથી. જો કે વ્યવહારને ધ્યાનમાં રાખીને જ અહીં ભગવાને શત્રુ, મિત્રથી રહિત ન કહીને ‘શત્રુ, મિત્રમાં સમાન’ એવું કહ્યું છે.

तथा मानापमानयो: માન અપમાન પરકૃત ક્રિયાઓ છે. આગળ અદ્વેષ્ટા વગેરે તથા શત્રુ મિત્રમાં સમતા વિગેરે સ્વપ્રયોજિત છે પણ માન અપમાન પારકાઓ આપણા ઉપર પ્રયોગ કરે છે, ત્યારની સમતા છે. તેમાં પણ માનનો આંતર બાહ્ય અસ્વીકાર અને અગત્યા તેનો સ્વીકાર કરીને હર્ષ-પ્રસન્નતા શૂન્ય રહેવું અને અપમાનનો સહર્ષ સ્વીકાર અને તેની પ્રતિક્રિયાથી શૂન્ય રહેવું. ત્યારે બન્નેમાં સમતા આવી ગણાશે અને આવવી શક્ય બનશે. અથવા અપમાન વત્‌માનને અનુભવવું અથવા માનવત્‌અપમાનમાં પણ ખુશી રહેવું તે માનાપમાનમાં સમતા ગણાશે.

शीतोष्ण सुखदु:खेषु सम: અહીં બે સમતા બતાવી છે એક શીત-ઉષ્ણમાં સમતા અને બીજી સુખ-દુઃખમાં સમતા. શીતઉષ્ણનો અર્થ શરદી ગરમી થાય છે. શરદી ગરમી ત્વચા ઈન્દ્રિયનો વિષય છે. ભક્ત કેવળ ત્વચા ઈન્દ્રિયના વિષયમાં જ સમાન રહેતો હોય એમ નથી. તે તો સમસ્ત ઈન્દ્રિયોના વિષયમાં સમ રહે છે. આથી અહીં ‘શીતોષ્ણ’ એ સમસ્ત ઈન્દ્રિયોના વિષયોમાં અનુકૂળ-પ્રતિકૂળ વિષયો-સારા નરસા વિષયોનો વાચક માનવાનો છે. તે તે વિષયને પામીને ભક્તને હર્ષ શોક નથી થતો, તેમાં સમાન રહે છે. અર્થાત્‌અનુકૂળ વિષયો પામીને પ્રસન્નતા કે હર્ષ થતો નથી અને પ્રતિકૂળ વિષયોને પામીને ગ્લાનિ કે શોક થતો નથી. તે યાવત્‌અર્થ નિભાવ પૂરતા વિષયને ગ્રહણ કરીને અટકી જાય છે.

સાધારણ મનુષ્ય ધન વગેરે અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિમાં સુખ તથા પ્રતિકૂળ પદાર્થોની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ કરે છે; પરંતુ ભગવાનનો ભક્ત નિષ્કામ સેવાયોગી તે બન્નેમાં સમતા ધરી રહે છે. ‘સુખ-દુઃખમાં સમાન’ રહેવું તથા ‘દુઃખથી રહિત’ હોવું-એ બન્નેમાં ગીતામાં એક જ અર્થમાં પ્રયોગ થયો છે. સુખ-દુઃખની પરિસ્થિતિ અવશ્યંભાવી છે. આથી તેનાથી રહિત હોવું, એ સંભવિત નથી. તેથી સાધક અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાનપણે રહે છે. અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે અંતઃકરણમાં જે હર્ષશોક થાય છે, તે હર્ષશોકથી રહિત બની જઈ શકાય છે. આ દૃષ્ટિએ ગીતામાં જ્યાં ‘સુખ-દુઃખમાં સમાન’ હોવાની વાત આવી છે ત્યાં સુખ-દુઃખ આપનારી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાન રહેવાનું સમજવાનું છે. જ્યાં ‘સુખ-દુઃખથી રહિત’ હોવાની વાત આવી છે ત્યાં અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિની પ્રાપ્તિથી થવાવાળા હર્ષ શોકથી રહિત થવાનું સમજવું જોઈએ.

सङ्गविवर्जित: ‘સંગ’ શબ્દનો અર્થ સંબંધ તથા આસક્તિ બન્ને થાય છે. મનુષ્ય જીવનને માટે (સાધક જીવનને માટે પણ) એ સંભવિત નથી કે તે સ્વરૂપથી બધા પદાર્થોનો સંબંધ છોડી શકે. કારણ કે શરીર આદિ તો છોડી શકાતા નથી. કેટલાક પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરી શકાય છે; પરંતુ તેમાં થોડી પણ આસક્તિ હોય તો તેનો સ્વરૂપથી ત્યાગ કરવાનો ઝાઝો અર્થ રહેશે નહિ. બીજી બાજુ તેમનો સંબંધ ચાલુ રહેવા છતાં પણ તેમાં કિંચિત્માત્ર પણ આસક્તિ જો ન રહે તો વાસ્તવમાં તેનો સંબંધ વિચ્છેદ થઈ ચૂકયો છે. ‘मिथिलायां प्रदिप्तायां न मे दह्यति किञ्चन’મુજબ જનક રાજાને સંબંધ વિચ્છેદ થઈ ચૂકયો હતો. માટે મનથી ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. કેમ જે જનક જેવા રાજા હતા. અર્થાત્‌સર્વ પદાર્થનો સંબંધ હતો તો પણ મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. જો પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરવાથી જ સંપૂર્ણ ત્યાગ થઈ જતો હોત તો મરવાવાળી દરેક વ્યક્તિ મુક્ત થઈ જાત. કેમ કે તેમણે તો પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો છે; પરંતુ એવી વાત નથી. અંતઃકરણમાં આસક્તિ રહેતાં શરીરનો ત્યાગ કરવા છતાં પણ સંસારનું બંધન ચાલુ રહે છે, છૂટતું નથી. આથી મનુષ્યને સાંસારિક આસક્તિ જ બાંધવાવાળી છે. તેને દૂર કરવી તે જ વધારેમાં વધારે મહત્ત્વનું છે. તે દૂર થયા પછી સાંસારિક પ્રાણી પદાર્થનો ત્યાગ થાય અથવા ન થાય તે અકિંચિત્કર રહે છે. આસક્તિને દૂર કરવા માટે પદાર્થનો સ્વરૂપથી ત્યાગ કરવો એ પણ એક સાધન થઈ શકે છે; પરંતુ તે કરવા માત્રથી પૂર્ણતા ન માની લેવી એવું તાત્પર્ય છે. આસક્તિથી નિવૃત્તિ ભગવાને બીજા અધ્યાયના ઓગણસાઈઠમાં શ્લોકમાં ‘परं दृष्टवा निवर्तते’ ભગવાનની ભક્તિ-ઉપાસના કરવાથી નિવૃત્ત થાય છે. તે જ વાત શ્રીજી મહારાજે વચ.ગ.અંત્ય. પ્ર.૩૨માં વચનામૃતમાં વિસ્તારપૂર્વક બતાવી છે. આસાક્તિનું કારણ અવિવેક છે. તેને દૂર કરવાથી પણ આસક્તિ દૂર થાય છે.

तुल्यनिन्दास्तुति: નિંદા સ્તુતિ પણ માન-અપમાનની જેમ પરકૃત ચેષ્ટા છે માનાપમાન ઘણું કરીને પ્રત્યક્ષ વિષયમાં થાય છે. જ્યારે નિંદા-સ્તુતિ પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે થાય છે પણ પ્રત્યક્ષમાં કરાયેલી નિંદા સ્તુતિ માનાપમાનમાં ખપે છે. પરોક્ષપણે કરાયેલી નિંદા મોટે ભાગે વ્યક્તિના નામની, ઈજ્જત આબરૂની થાય છે. નિષ્કામ કર્મયોગી ભક્તને પોતાની નિંદા સ્તુતિમાં સમતા રહે છે. તેને સ્તુતિ કરવાવાળા પ્રત્યે રાગ, પક્ષપાત કે સાંભળવામાં પ્રસન્નતા થતી નથી અને નિંદા કરનારા પ્રત્યે દ્વેષ કે સાંભળવામાં ખિન્નતા થતી નથી. સાધારણ મનુષ્યોને પોતાની પ્રશંસા થવાની અંદર કામના રહે છે. તેથી તેઓ પોતાની નિંદા સાંભળીને દુઃખ અને સ્તુતિ સાંભળીને સુખનો અનુભવ કરે છે પણ ભક્તના અંતરમાં તે વસ્તુની કિચિંત્‌માત્ર કામના ન હોવાથી તે સમતા રાખી શકે છે. નિંદાસ્તુતિ મોટે ભાગે વ્યક્તિના કાર્યો અને સદ્‌ગુણ દુર્ગુણ અંગેની ટિપ્પણીરૂપ હોય છે. ભગવાનના ભક્તથી અશુભ કર્મો તો થતાં જ નથી. અર્થાત્‌કરતા નથી અને શુભકર્મોનું કારણ પણ ભગવાનને માને છે. જેથી સમતા રાખી શકે છે.

मौनी-મૌનનું તાત્પર્ય અહીં ‘વાણીનું મૌન રાખવાવાળો’ એવું નથી માની લઈ શકાતું. કારણ કે એવું માનવાથી સંકીર્તન, નામ જપ વગેરે ભક્તિના અંગરૂપ છે તે શક્ય નહિ બને. તેમ જ અમુક સમય પૂરતું મૌન એવું પણ બંધ બેસતું નથી. કારણ કે પૂર્વોતર સંગતિ મળતી નથી. પૂર્વમાં ‘तुल्यनिन्दास्तुति:’ શબ્દ પછી તુરત ‘मौनि:’ શબ્દ આવ્યો છે. તેનો આશય એ છે કે લોકમાં ‘निन्दन्तं हि निन्दन्ति लौकिका:, स्तुवन्तं च स्तुवन्ति’ નિંદાની સામે નિંદા કરતા હોય છે ને પ્રશંસકની પ્રશંસા કરતા હોય છે ;પણ નિષ્કામ કર્મયોગી ભક્ત નિંદા-સ્તુતિ પ્રસંગમાં પ્રતિનિંદાસ્તુતિમાં ઉતરતો નથી પણ મૌન રહે છે. તે નિંદા કરનારાની સામે નિંદા કરવા લાગી જતો નથી અને સ્તુતિ કરનારાની પ્રશંસા કરવા લાગી જતો નથી. અન્યથા જો અહીં વાણીનું મૌન આશય હોય તો એવા ભક્ત થવું ઘણું સહેલું બની જતાં એવા ભક્તો પણ ઘણી સંખ્યામાં નીકળી પડત પણ સંસારમાં ભક્તોની સંખ્યા એટલા બહોળા પ્રમાણમાં દેખવામાં આવતી નથી. વળી આસુરી સ્વભાવવાળી દંભી વ્યક્તિ પણ હઠપૂર્વક એવું મૌન રાખી શકે છે; પરંતુ અહીં તો નિષ્કામ કર્મયોગી સિદ્ધ ભક્તનાં લક્ષણો બતાવી રહ્યા છે, ત્યારે એ અર્થ સુસંગત થતો નથી.

सन्तुष्टो येनकेनचित्‌ ભગવાનનો ભક્ત પ્રારબ્ધાનુસારે જે કાંઈ પ્રાપ્ત થયું ,તેમાં પરમાત્માની ઈચ્છા માની સંતોષ માને છે. વળી પ્રશંસા વગેરેમાં પણ સાંભળીને પોતાનું અંતઃકરણ અતિ ‘હચમચી’ જતું નથી. એ વિષયમાં પણ સંતોષ કરીને સ્થિરમતિ રહે છે. વળી તેને પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિથી બીજી અપેક્ષાઓ ન રહેવાથી સદાકાળ સંતુષ્ટ રહે છે.”

“अनिकेत: જેમને કોઈ વાસસ્થાન ન હોય એટલું જ अनिकेत માં પૂરતું નથી પણ જેને કોઈ વાસસ્થાન પ્રતિ આસક્તિ-ખેંચાણ ન હોય તે જરૂરી છે. એવા અનિકેતન ગૃહસ્થ ભક્ત પુરુષો પણ થઈ શકે. અન્યથા પ્રારબ્ધને યોગે ભટકતા રંકજનો પણ ઉત્તમ ભક્તના લક્ષણમાં ખપી જશે. માટે અનિકેતનનું તાત્પર્ય સારા-નરસા નિવાસસ્થાનમાં અનાસક્ત ભાવથી રહેનારા ‘ગૃહમેં રહે મહેમાન જ્યુ મમજન’ એવું મુક્તાનંદ સ્વામીએ બતાવ્યું તે અનુસારે રહેનારા.

स्थिरमति: ‘સ્થિર બુદ્ધિ’ અનેક અનુસંધાનથી લઈ શકાય છે; પરંતુ પ્રકરણાનુસાર નિષ્કામ કર્મયોગી નિંદા-સ્તુતિમાં પોતાની મતિને વિચલિત થવા દેતો નથી. પ્રાપ્ત અપ્રાપ્ત વસ્તુને માટે ભક્ત મતિને વિચલિત થવા દેતો નથી અને સર્વ કરતાં ભગવાનના સ્વરૂપમાં જેની મતિ-બુદ્ધિ સ્થિર થઈ છે એવો હોય. ભગવત્‌તત્ત્વને સ્વીકારવામાં કે ઊંડી માન્યતા કરવામાં તેને કોઈ પ્રમાણ કે તર્ક(શાસ્ત્રવિચાર) ની જરૂર પડતી નથી. સ્વાધ્યાયની જરૂર પડતી નથી. તે સ્વાભાવિકપણે ભગવાનના સ્વરૂપને પકડી લે છે ને તેમાં નિરાધારપણે પણ હલચલ-હિચકિચાટ વિના ભગવાનના સ્વરૂપમાં રહે છે. ભગવાનને પામવાના ઉપાયરૂપ નિષ્કામ કર્મયોગ-નિષ્કામ સેવાયોગમાં જે સ્થિરપણે રહે છે, તેને અહીં स्थिरमति: કહ્યો છે.સ્થિરબુદ્ધિ થવામાં સાધકને આ લોકની કામના જ બાધક બને છે.(ગી.૨/૪૪) આથી કામનાઓના ત્યાગથી જ સ્થિરબુદ્ધિ થવી સંભવિત છે.(ગી.૨/૫૫)

भक्तिमान्‌ मे प्रियो नर: અહીં ‘भक्तिमान्‌ શબ્દમાં भक्ति શબ્દ સાથે નિત્યયોગના અર્થમાં ‘मतुप्‌’ પ્રત્યય થયો છે. તેનું તાત્પર્ય છે કે સાધકમાં સ્વાભાવિક અને ચિરંતન ભગવત્‌પ્રેમ કે ભગવાન પ્રત્યેની ભક્તિ હોવી જોઈએ. તે પણ ઉપર કહ્યા તેવા ગુણો સહિત જે ભક્તિ તે ભગવાનની પ્રીતિનું કારણ બને છે. આ બે શ્લોકમાં પાંચ દ્વન્દ્વોમાં સમતા રાખવાનું ભગવાને બતાવ્યું છે. શત્રુ-મિત્ર, માન-અપમાન, શીત-ઉષ્ણ(સારા-નરસા વિષયો), સુખ-દુઃખ અને નિંદાસ્તુતિ. આ પાંચમાં સમતુલા રાખતા સાધક શીખી જાય તો બાકીના બીજા સ્થાનોમાં તે જરૂર સમતુલા રાખી શકશે.

અહીં તેરથી માંડીને ઓગણીસ શ્લોક સુધીમાં જુદી જુદી વાર પાંચ વખત ભગવાને પોતાને તે ભક્ત પ્રિય છે. એવા ભાવના વાક્યો બોલ્યા છે. તેથી એવા સિદ્ધ ભક્તોના લક્ષણોના પાંચ જૂથ બનાવ્યા છે. સમગ્ર લક્ષણો એક ભકત માટે છે એમ નહિ. તેનું કારણ એ પણ છે કે જો એક પ્રકરણ હોત તો ભગવાન એક જ વખત બતાવી દેત કે ‘स मे प्रिय:’ પણ વારંવાર ન કહેત. બીજું પાંચેય વિભાગમાં ઘણાં લક્ષણો સરખા જ ભાવના કહેનારા, પુનરાવર્તન થઈ રહ્યા છે. રાગદ્વેષથી રહિતપણું, હર્ષશોકથી રહિતપણું વગેરે અનેક શબ્દો દ્વારા એક જ ભાવ કહેવામાં આવ્યો છે. જો અનેક પ્રકરણ ન માનીએ તો પુનરાવૃતિ દોષ ગણાય; પરંતુ ભગવાનના વચનોમાં તે સંભવ ન હોય. માટે બીજું તાત્પર્ય જરૂર હોય તે શોધવું રહ્યું. આમ આ પાંચેય પ્રકરણો સ્વતંત્રપણે સિદ્ધ ભક્તોના લક્ષણો બતાવી રહ્યા છે. તેથી કોઈ એક પ્રકરણનાં બધાં લક્ષણો જેનામાં હોય તે ભગવાનને પ્રિય બની શકે છે. પાંચની વિવિધતા બતાવવાનું કારણ રુચિ, અંગ, પ્રકૃતિ, પરિસ્થિતિ ભેદથી અનેક ભક્તોને પોતપોતાને અનુરૂપ અંગ પ્રાપ્ત થઈને ભગવાનની પ્રીતિનું પાત્ર દરેક ભક્તને મળવાની તક મળે. માટે પોતાના અંગમાં કોઈ એક પ્રકરણ મેળવી પોતાના જીવનનું ઘડતર કરે અને તેમાં સ્થિરતા મેળવ્યા પછી બીજા પ્રકરણના પણ ગુણો પ્રાપ્ત કરવા સમગ્રતા કરવા પ્રયત્ન કરે. તે ભક્ત ભગવાનને વિશેષ પ્રીતિ પાત્ર બને છે.

ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रिया:।।२०।।

અર્થ : હે અર્જુન ! જે પુરુષ આ મારા ભક્તિ-યોગરૂપ ધર્મમય અમૃતનું મારા કહેવા પ્રમાણે વર્તીને પર્યુપાસન કરે છે અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈને મત્પરાયણ વર્તે છે. તે મારા ભક્તો મને અતિશયજ પ્રિય-વ્હાલામાં વ્હાલા છે. ।।૨૦।।”

“ये तु…. અહીં ये શબ્દથી જેમના વિષયમાં અર્જુને પહેલાં શ્લોકમાં ‘य’ પદનો પ્રયોગ કરીને પ્રશ્ન કર્યો હતો તેના ઉત્તરનો સંકેત કરવા ભગવાન બતાવી રહ્યા છે. આગળ તેરથી ઓગણીસ શ્લોક સુધી સિદ્ધ કક્ષાના ભક્તોને કહીને આ શ્લોકમાં શ્રદ્ધાળુ ભગવત્પરાયણ કર્મયોગી સાધકો માટે આવ્યું હોય એમ જણાય છે. તેની પુષ્ટિમાં ‘શ્રદ્ધધાના’ શબ્દનો ભગવાને પ્રયોગ કર્યો છે. સિદ્ધ ભક્તોના લક્ષણોમાં શ્રદ્ધાની વાત કયાંય નથી આવી. કારણ કે જ્યાં સુધી ભગવાનને પૂર્ણપણે અનુભવી ચૂકયા નથી ત્યાં સુધી અજ્ઞાત ભૂમિકામાં શ્રદ્ધા-વિશ્વાસની જરૂર પડે છે. તેથી આ શ્લોક શ્રદ્ધાળું સાધક ભક્તોને માટે હોય તેમ જણાય છે. જો કે ભક્તિના સાધનમાં શ્રદ્ધા અને પ્રેમનું મહત્ત્વ હોય છે. જ્યારે જ્ઞાનના સાધનમાં વિવેકનું મહત્ત્વ હોય છે.

मत्परमा: સાધક ભક્તોને સિદ્ધ ભક્તોના ગુણોમાં ખૂબ જ આદરભાવ હોય છે. આનાથી તે ગુણોનું આચરણ કરવા તેઓ ભગવાનને પરાયણ થઈને તેઓ આસ્તિકતાપૂર્વક પ્રયત્ન કરે છે. ભગવાનનું ગરજપૂર્વક ચિંતન કરતાં કરતાં અને ભગવાનની ઉપર નિર્ભરતા રાખીને તેઓ તે તે ગુણો જલ્દી મેળવી લે છે.

धर्म्यामृतमिदं-यथोक्तम्‌ धर्मात्‌ अनपेतं इति धर्म्यम्‌-धर्म्यम्‌ च तत्‌ अमृतम्‌ च (કર્મધારય સમાસ) ધર્મ્યમ્‌અર્થાત ધર્માંશથી યુક્ત અર્થાત્‌સાધનાંશથી યુક્ત. ગીતામાં નિષ્કામ કર્મયોગને અવારનવાર સ્વધર્મથી કહેવામાં આવ્યો છે. અહીં લક્ષણો સિદ્ધ ભક્તના બતાવ્યા હોવા છતાં તેમાં સાધનાંશ કે નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગની ઝાંખીવાળાં લક્ષણો બતાવ્યાં છે. છતાં તે કોઈક ઊણપ યુક્ત છે કે ન્યૂન કક્ષાના છે એવું નથી. એટલા માટે જ તેને માટે ‘अमृतम्‌’ શબ્દ વાપર્યો છે. તેમાં સાધનાંશનો લેશ નથી. તેમાં પૂર્ણ ભોગ્યતા કે પ્રાપ્યતા બતાવવામાં આવી છે. અમૃત પૂર્ણપણે ભોગ્ય છે. તેમ અહીં નિષ્કામ કર્મયોગની છાયાવાળાં લક્ષણો હોવા છતાં પૂર્ણ સિદ્ધોને પણ જીવનમાં માણવા યોગ્ય-ઉતારવા યોગ્ય અને રહસ્યપણે અનુભવવા યોગ્ય લક્ષણો બતાવ્યા છે. જેનું પરિશીલન કરવા યોગ્ય છે.

આ સાધનમાં સાધ્ય વિરોધી હેયાંશ બિલકુલ નથી. સિદ્ધ દશામાં પણ પૂર્ણપણે આચરવા યોગ્ય છે. સાધક અવસ્થામાં ગુણોની સાથે થોડા અવગુણો પણ રહેલા હોય છે; છતાં અવગુણોનો સર્વથા ત્યાગ થઈ શકે છે અને કરવાનો છે. જ્યારે ગુણોનો સર્વથા ત્યાગ થઈ શકતો નથી. જો ગુણોનો ત્યાગ કરી દે તો તે સાધક જ રહી શકતો નથી. પછી સિદ્ધ ભક્તની તો વાત જ કયાં રહી? માટે સાધનો અને સ્વભાવને અનુસારે સિદ્ધ ભક્તોમાં પણ ઉપર ગણાવ્યા પ્રકરણો અનુસાર ગુણોનું તારતમ્ય રહે છે. ગુણોની ન્યૂનાધિકતા તેઓમાં પણ જરૂર દેખાય છે પણ અવગુણ કોઈ પ્રકારનો બિલકુલ તેમાં હોવો ઘટતો નથી. તે સર્વથા ત્યાજ્ય છે. તેમાં વિભાગીકરણ ઘટતું નથી. ગુણોમાં વિભાગીકરણ શકય છે, માટે ‘यथोक्तं पर्युपासते’ એમ બતાવવામાં આવ્યું છે. જેમ અવગુણ સર્વથા ત્યાજ્ય છે, તેમ કોઈપણ પ્રકારના ગુણોનું અભિમાન પણ સર્વથા ત્યાજ્ય છે. યથોક્‌તનું તાત્પર્ય એ છે કે અવગુણો સર્વથા ત્યાગ કરીને તથા જે ગુણોનું અનુષ્ઠાન થાય છે, તેનું અભિમાન પણ સર્વથા ત્યાગ કરીને જે ભક્ત વર્તે છે, તે મને અતિશય વહાલો છે, મારો આત્મા છે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો ભક્તિયોગ નામે બારમો અધ્યાય સંપૂર્ણ.”

“શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતન