ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૪૭ થી ૫૦

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનાં દર્શનના મહિમાનું કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્યરૂપ દેખાડવું

શ્રી ભગવાન બોલ્યા

मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात्‌।
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्‌।।४७।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! અનુગ્રહ પૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારું પરમ તેજોમય સર્વનું આદિભૂત અને સીમાએ રહિત વિરાટરૂપ તને બતાવ્યું છે કે જે તારા સિવાય બીજા કોઈએ આથી પૂર્વે દેખ્યું નહોતું. ।।૪૭।।

ભગવાનનું ઉગ્રરૂપ જોઈને અર્જુનને થયું કે, ભગવાન ભારે ક્રોધે ભરાયા છે. તેથી વારંવાર પ્રસન્ન થવા પ્રાર્થના કરે છે. અર્જુનની તે ભાવનાને દૂર કરવા ભગવાન કહે છે-

मया प्रसन्नेन… હે અર્જુન ! તું વારંવાર એમ કહી રહ્યો છે કે આપ પ્રસન્ન થાઓ (ગી. ૧૧/૨૫, ૩૧, ૪૫) પરંતુ મે જે આ વિશ્વરૂપ બતાવ્યું છે તે પોતાની પ્રસન્નતા વડે જ બતાવ્યું છે ભાઈ ! કાંઈ ક્રોધે ભરાઈને બતાવ્યું નથી. તેમાં કાંઈ તારી કોઈ યોગ્યતા કે પાત્રતા કારણ હોય તેવું પણ નથી. આ વિશ્વરૂપ જોવા માટે મારી ઈચ્છાથી પ્રેરિત કર્યો છે ને મેં દિવ્ય નેત્રો આપ્યાં છે. આ બધી મારી પ્રસન્નતાની જ વાત છે ભાઈ ! માટે વિશ્વરૂપને બતાવવામાં મારી પ્રસન્નતા માત્ર જ છે. તારી જોવાની ઈચ્છા તો નિમિત્તમાત્ર છે અને તે પણ મારી પ્રેરણાથી ઊભી થયેલી છે. આ વિશ્વરૂપને બતાવવામાં મેં કોઈની સહાય લીધી નથી; પરંતુ ‘आत्मयोगात्‌’ મેં કેવળ મારી સામર્થીથી તને બતાવ્યું છે. આ મારું વિશ્વરૂપ ‘परम’ અત્યંત શ્રેષ્ઠ છે. ‘तेजोमयम्‌’ અત્યંત તેજોમય છે. જેને દિવ્યચક્ષુ આપવા છતાં તું સંપૂર્ણ જોવાને સમર્થ નથી થયો. આ રૂપનો કોઈ આદિ અંત નથી અને તારા સિવાય પહેલાં કોઈએ આવું જોયું નથી. અહીં એક શંકા થાય છે કે, ભગવાને કહ્યું કે તારા સિવાય પૂર્વે કોઈએ જોયું નથી. તો રામાવતારમાં માતા કૌશલ્યાજીએ અને કૃષ્ણવતારમાં યશોદાજીએ તો જોયું હતું તથા કૌરવ સભામાં ભીષ્મ, દ્રોણ, સંજય, વિદુર અને ઋષિઓએ જોયું હતું. એનો ઉત્તર એ છે કે ‘एवं रूपम्‌’ (ગી. ૧૧/૪૮) આવું ભયંકર કે જેના મુખમાં મોટા મોટા સેનાપતિઓ હોમાઈ રહ્યા છે. એવું ભયંકર કોઈએ હજુ સુધી જોયું નથી. બીજી વાત એ છે કે અર્જુન સામે યુદ્ધનો સમય હોવાથી આવું ભયંકર દેખાડવાની આવશ્યકતા હતી. વળી અર્જુન જેવા શૂરવીર જ આવા ભયંકરરૂપને જોઈ શકે; પરંતુ કૌશલ્યાજી કે યશોદાજીને આવું ઉગ્રરૂપ બતાવવાની જરૂર પણ નથી અને તેઓ જોઈ પણ ના શકે. વળી ભગવાને એમ કહ્યું કે પૂર્વે કોઈએ જોયું નથી; પરંતુ વર્તમાનમાં તારા સિવાય કોઈએ જોયું નથી. એમ નથી કહ્યું. કારણ કે અર્જુન સિવાય સંજય પણ જોતા જ હતા. તેથી ગીતાના અંતમાં સંજય જ એવું બોલ્યા છે કે, ભગવાનના અતિ અદ્ભુત વિશ્વરૂપનું વારંવાર સ્મરણ કરીને મને બહુ ભારે વિસ્મય થઈ રહ્યો છે અને હું વારંવાર હર્ષિત થઈ રહ્યો છું.

ભગવાન દ્વારા ‘મેં પ્રસન્નતાથી અને કૃપાથી જ તને આ વિશ્વરૂપ બતાવ્યું છે.’ એવું કહેવાથી એક વિલક્ષણ ભાવ નીકળે છે કે, સાધક પોતાના ઉપર ભગવાનની જેટલી કૃપા માને છે તેનાથી અનેક ગણી અધિક ભગવાનની કૃપા હોય છે. તેને માની શકવાની પણ સાધકમાં શક્તિ હોતી નથી. સાધક પ્રાયઃ અનુકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં જ ભગવાનની કૃપા માની લે છે. સત્સંગ મળે, સાધન ઠીક ચાલે, વૃત્તિઓ ઠીક રહે, મન ભગવાનમાં રહે વગેરેમાં ભગવાનની કૃપા માને છે. આ રીતે અનુકૂળતામાં જ કૃપાને માનવી તે તો ભગવાનની કૃપાને મર્યાદામાં બાંધવા જેવું થયું. જેનાથી અસીમ કૃપાનો અનુભવ થતો નથી. તેવી કૃપામાં જ રાજી થવું એ તો કૃપાને ભોગવી ગણાય. એવો કૃપાનો ભોગ ન કરવો જોઈએ. તેનાથી બંધન થઈ શકે. ‘सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ (१४/६) સુખ થવું અથવા સુખનું જ્ઞાન થવું, એમાં દોષ નથી; પરંતુ તેની સાથે આસક્તિ કરવી એમાં દોષ છે. સાધનજન્ય સાત્ત્વિક સુખ ભોગવવાથી ગુણાતીત થવામાં બાધા આવે છે. તે સાધક લાંબા સમય સુધી સાત્વિક ભાવનામાં જ રોકાઈ રહે છે પણ જલ્દી ત્રણ ગુણના ભાવ છોડી ગુણાતીત થતો નથી. આથી સાધકે સાવધાની રાખી સાધનજન્ય સુખમાં પણ રોકાઈ રહેવું ન જોઈએ અને એ સાધનજન્ય સુખથી પણ અનાસક્ત થઈને સાધ્યસુખ-પરમાત્માના સ્વરૂપના સુખમાં, મૂર્તિના સુખમાં જ દૃષ્ટિ પહોંચાડવી જોઈએ. જો કે સાધનજન્ય સુખ પણ સામાન્ય સુખથી તો ઘણી જ ઊંચી વાત છે. જો તેમને તેમ તેમાં લાંબો સમય વળગી રહે તો આપોઆપ તેમાંથી તેને અરુચિ થઈને ગુણાતીતના માર્ગે આગળ વધશે; પરંતુ સૂક્ષ્મ વિવેકને ધ્યાનમાં લઈને સાધનજન્ય સુખમાં પણ અનાસક્ત રહે તો તત્કાળ તેને ભગવાનના સ્વરૂપસુખમાં સ્થિતિ થાય છે.

न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रै:।
एवंरू प: शक्य अहं नृलोके दृष्टुं त्वदन्येन कुरुप्रवीर।।४८।।

અર્થ : કુરૂકુળમાં શ્રેષ્ઠ હે અર્જુન ! મનુષ્ય લોકમાં આવા પ્રકારે વિશ્વરૂપે હું નહિ તો વેદોથી, કે નહિ યજ્ઞોથી, કે નહિ અધ્યયનો કરવાથી, તેમજ નહિ દાનોથી, કે નહિ ક્રિયાઓથી, અગર તો નહિ ઉગ્ર તપોથી પણ, તારા સિવાય બીજા કોઈએ દેખવામાં આવી શક્તો હોઉં. ।।૪૮।।

હે અર્જુન ! આ મેં જે તને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે અર્થાત્જેમ હું યથાવસ્થિત છું તે સ્વરૂપના દર્શન કરાવ્યા છે, તેવા દર્શન ભક્તિવાન એવા તારા સિવાય ભક્તિ રહિત જે છે, તેનાથી યજ્ઞ, દાન વગેરેથી, કેવળ તે સાધનોથી મારું આવું દર્શન શક્ય નથી.

मा ते व्यथा मा च विमूढभावो दृष्टवा रूपं घोरमीदृङ्‌ममेदम्‌।
व्यपेतभी: प्रीतमना: पुनस्त्वं तदेव में रू पमिदं प्रपश्य।।४९।।

અર્થ : મારું આ આવું ઘોર-ભયાનક રૂપ જોઈને તને વ્યથામાં થાઓ ! અને વિમૂઢ ભાવ પણ માં થાઓ ! તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઈને ફરીથી મારું શંખ, ચક્ર, ગદા અને પદ્મ. તેણે યુક્ત ચતુર્ભુજ રૂપ સારી રીતે જો ! ।।૪૯।।

मा ते व्यथा मा च विमूढभावो… હે અર્જુન ! આવું (આગળ બતાવ્યું તેવું) ઘોર રૂપ જોઈને તને જે વ્યથા-પીડા થાય છે અને તને જે વિમૂઢ ભાવ થઈ રહ્યો છે, તે ન થાઓ. હું પ્રસન્ન થઈને જ આ રૂપ બતાવી રહ્યો છું. તું બતાવી રહ્યો છે કે, મારો મોહ ચાલ્યો ગયો છે. (ગી. ૧૧/૧) વાસ્તવમાં તારો મોહ ગયો નથી. જો મોહ ચાલ્યો ગયો હોત તો તને વ્યથા અને વિમૂઢભાવ ન થવો જોઈએ. હે અર્જુન ! તને જે ભય લાગી રહ્યો છે, કેવળ દેહ ભાવનાથી અને પ્રાકૃત બુદ્ધિથી લાગી રહ્યો છે. જ્યાં સુધી દેહ ભાવના છે, જ્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ છે. જ્યાં સુધી મારાપણું છે ત્યાં સુધી ભય જતો નથી અને મોહ પણ જતો નથી. માટે તું મોહને છોડી દે. નૃસિંહ ભગવાનનું વિકરાળ મુખ અને કાળના લબકારા જેવી ફરતી જીભ જોઈને દેવતાઓ ભય પામી ગયા પણ પ્રહ્લાદને ભય જ ન લાગ્યો અને એ તો નૃસિંહ ભગવાનના ચરણમાં ઢળી પડયા. માટે હે અર્જુન ! તું મોહ છોડીને નિર્ભય બની જા.

અર્જુને પીસ્તાલીસમાં શ્લોકમાં કહ્યું હતું-भयेन च प्रव्यथितं मनो मे-तेषां भयेन- માટે અહીં કહે છે व्यपेतभी: બની જા અને ‘प्रव्यथितं मन:’ માટે કહ્યું કે प्रीतमना: बभूव-પ્રસન્ન મનવાળો બની જા.

पुनस्तदेव मे रूपमिदं प्रपश्य-त्वया अभ्यस्तपूर्वं सौम्य रूपं दर्शयामि तद्‌एव इदं मम रूपं प्रपश्य-તને જોવાની આદત પડી ગઈ છે અને તને જે મારા રૂપ જોવાથી સુખ થાય છે એવું મારું સ્વરૂપ(ફરી કૃષ્ણરૂપે-ચાબુક લગામધારી સ્વરૂપે) જો. એમ કહીને આગળના શ્લોકમાં ભગવાન વિશ્વરૂપ સંકેલીને મૂળરૂપમાં આવી ગયા.

આવી રીતે અર્જુનની દિવ્યદૃષ્ટિ અહીં સુધી રહી છે. સંજયને વેદ વ્યાસજીએ યુદ્ધના આરંભમાં દિવ્યદૃષ્ટિ આપી હતી. જેનાથી તેઓ ધૃતરાષ્ટ્રને યુદ્ધના સમાચાર સંભળાવતા રહ્યા; પરંતુ અંતમાં જ્યારે દુર્યોધનનું મૃત્યુ થતાં સંજય પણ શોકથી વ્યાકુળ થઈ ગયા ત્યારે સંજયની એ દૃષ્ટિ ચાલી ગઈ. (મહા. સૌપ્તિક પર્વ-૯/૬૨) અર્જુન પણ ભગવાનનું ઘોરરૂપ જોઈને ભયભીત અને વ્યથિત મનવાળા થઈ ગયા ને ખૂબ પ્રાર્થના કરી, ત્યારે ભગવાને વિશ્વરૂપ સંકેલીને પૂર્વરૂપે થઈ ગયા અને અર્જુનની દિવ્યદૃષ્ટિ પણ ચાલી ગઈ. એકાવનમાં શ્લોકમાં સ્વયં અર્જુને જ કહ્યું છે કે ‘હું આપના સૌમ્ય મનુષ્યરૂપને જોઈને સચેત થયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો છું.’

અહીં શંકા થાય છે કે અર્જુન તો પહેલાં પણ વ્યથિત હતા. दृष्टवा लोका: प्रव्यथितास्तथाहम्‌ (ગી. ૧૧/૨૩) दृष्ट्‌वाहि त्वां प्रव्यथितान्तरात्मा (ગી. ૧૧/૨૪) આથી ત્યાં જ તેમની દિવ્યદૃષ્ટિ સમાપ્ત થઈ જવી જોઈએ. તો એનું સમાધાન એ છે કે ત્યાં અર્જુન એટલા ભયભીત નહોતા થયા, જેટલા અહીં થયા છે. અહીં તો અર્જુન ભયભીત થઈને વારંવાર નમસ્કાર કરે છે અને પૂર્વરૂપ બતાવવા પ્રાર્થના કરે છે. માટે દિવ્યદૃષ્ટિ ચાલી જાય છે. બીજું કારણ એ પણ માની શકાય કે પહેલા અર્જુનની વિશ્વરૂપ જોવાની વિશેષ રુચિ(ઈચ્છા) હતી. ‘दृष्टुमिच्छामि ते रूपम्‌’ ((ગી.૧૧/૩) એટલા માટે ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી. જ્યારે અહીં અર્જુનની વિશ્વરૂપ જોવાની ઈચ્છા જ ન રહી. પૂર્વરૂપ જોવાની પ્રબળ ઈચ્છા થઈ. તેથી દિવ્યદૃષ્ટિ ચાલી ગઈ. જો સંજય અને અર્જુન શોકથી કે ભયથી વ્યથિત ન થાત તો એમની દિવ્યદૃષ્ટિ લાંબા સમય સુધી રહેત; પરંતુ શોક અને ભયથી વ્યથિત થવાને કારણે તેમની દિવ્યદૃષ્ટિ ચાલી ગઈ. આ રીતે જ્યારે મનુષ્ય મોહથી સંસારમાં આસક્ત થઈ જાય છે ત્યારે ભગવાનની આપેલી વિવેકદૃષ્ટિ કામ નથી કરતી. જેમ કે મનુષ્યને રૂપિયામાં જેમ અધિક મોહ થતો જાય છે. તેમ ચોરી કરે છે, લૂંટ કરવા લાગી જાય છે, હત્યા કરવા લાગી જાય છે એમ જેમ જેમ મોહ વધતો જાય છે તેમ તેમ વિવેક લુપ્ત થતો જાય છે. જો મનુષ્ય મોહમાં ન ફસાઈને પોતાની વિવેકદૃષ્ટિને મહત્ત્વ આપે. તો પોતાનો ઉદ્ધાર કરીને બીજાનો પણ ઉદ્ધારક બની શકે છે.

સંજય બોલ્યા

इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूय:।
आश्वासयामास च भीतमेनं भूत्वा पुन: सौम्यवपुर्महात्मा।।५०।।

અર્થ : સંજય કહે છે-વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે કહીને ફરીથી પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને ફરીથી મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને સૌમ્ય-અક્રોધ સુંદર મૂર્તિ થઈને ભય પામેલા અર્જુનને આશ્વાસન કરીને ધીરજ આપી. ।।૫૦।।

इत्यर्जुनं… અર્જુને જ્યારે ભગવાનને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવવાને-થવાને માટે પ્રાર્થના કરી, ત્યારે ભગવાને વિશ્વરૂપ સંકેલીને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને ત્યાર પછી પોતે અર્જુનની પ્રસન્નતા માટે ફરીથી દ્વિભૂજ-સ્વરૂપે-મનુષ્ય રૂપે પ્રગટ થયા અને વિશ્વરૂપને દેખવાથી ભયભીત થયેલા અર્જુનને આશ્વાસન આપવા લાગ્યા.

અહીં એક પ્રશ્ન થાય છે કે, શ્રીકૃષ્ણ ભગવાન દ્વિભુજ હતા કે ચતુર્ભુજ અથવા તો એમ કહો કે ભગવાનનું પરસ્વરૂપ છે અથવા મૂળ સ્વરૂપ તે દ્વિભુજ છે કે ચતુર્ભુજ? તો તેનો ઉત્તર એ છે કે તે વિષયમાં આચાર્યોની અલગ અલગ માન્યતા છે. ઘણું કરીને ભક્તિ માર્ગને અનુસરનારા વૈષ્ણવ પરંપરાના આચાર્યો જે રામાનુજાદિક છે તે ભગવાનના ચતુર્ભુજ રૂપને પ્રધાન ગણે છે. એ વિષયમાં વચનામૃતને આધારે શ્રીજી મહારાજના તથા ઉપનિષદ મતે ભગવાનનું મૂળ સ્વરૂપ દ્વિભુજ છે. જો કે ભગવાન જ્યાં જેને જેમ ઘટે તેમ દર્શન આપતા હોય છે તો પણ મૂળ ઉપાસ્ય સ્વરૂપ કેવું છે તેની નિશ્ચિતતા સ્પષ્ટ હોવી જરૂરી છે અને તેમાં શ્રીજી મહારાજ ભગવાનનું મૂળ સ્વરૂપ મનુષ્યાકૃતિ દ્વિભુજ છે અને મહારાજના મતે બે ચરણની ઉપાસના છે. રાધા આદિ ભક્તો આદર્શ સેવકના નમૂના છે. ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્રભુજ આદિ રૂપે જે દર્શન દેવું તે ભગવાન અને ઈતર વચ્ચે ભેદ બતાવવા માટે છે. ભગવાન અને બીજા વચ્ચે વિલક્ષણતા બતાવવા માટે હોય છે. અને ઉપનીષદ વગેરે ની દ્રષ્ટિએ દ્વિભુજ પણ હોય એવું સર્વે કરતાં જણાઈ આવે છે. શ્રીકૃષ્ણ ભગવાને અનેક સ્થળોએ વિશેષ પ્રસંગોમાં ચતુર્ભૂજ દર્શન આપ્યાં છે. જ્યારે શ્રીજી મહારાજે એવા વિશિષ્ટ પ્રસંગોમાં અક્ષરધામાધિપતિ સ્વરૂપે દ્વિભુજ જ દર્શન આપ્યા છે.

જેમ અર્જુન ઉપર તેમ જ દરેક મનુષ્ય ઉપર ભગવાનની અનહદ કૃપા કહેવાય. ભગવાને વિભૂતિ દ્વારા અને વિશ્વરૂપ દર્શન દ્વારા ભગવાનને કેવા ચિંતન કરવા તેનું માર્ગદર્શન પોતે આપ્યું છે. આ તકનો ઉપયોગ આપણા જીવનમાં કરવો જોઈએ.