સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને ઉદેશીને વિશ્વરૂપનું વર્ણન
સંજય બોલ્યા
एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरि:।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्।।९।।
અર્થ : સંજય કહે છે કે-હે રાજન્મહાયોગેશ્વર અને સ્મરણમાત્રથી પાપને હરનારા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહીને તુરત જ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૯।।
ભગવાને કહ્યું કે, હું તને દિવ્યચક્ષુ આપું છું તેનાથી મારા વિશ્વરૂપને જો ‘एवम् उक्त्वा’ થી તેનો સંકેત આપીને હવે સંજય ધૃતરાષ્ટને તે વિરાટરૂપનું વર્ણન કરે છે. હવે થોડીવાર સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદમાં ગીતા ચાલે છે. સંજયને પણ વેદ વ્યાસજી મહારાજ પાસેથી દિવ્યદૃષ્ટિ મળી હતી. એટલા માટે અર્જુનની સાથે ને સાથે એમણે પણ ભગવાનના દર્શન, અર્જુનના મનોભાવો સહિત કર્યા હતા (ગી. ૧૮/૭૭) હવે સંજય એ જ વિશ્વરૂપનું વર્ણન ધૃતરાષ્ટ્ર પ્રત્યે કરે છે. ચોથા શ્લોકમાં અર્જુને ભગવાનને ‘योगेश्वर’ કહ્યા અને અહીં સંજય ભગવાનને ‘महायोगेश्वर’ કહે છે. ત્રીજા શ્લોકમાં અર્જુને જે રૂપે ‘रू पमैश्वरम्’ કહ્યું. એ જ રૂપને માટે અહીં સંજયે ‘परमं रू पमैश्वरम्’ કહ્યું. તેનું તાત્પર્ય એ છે કે અર્જુન ભગવાનથી થોડા નજીક હતા. સંજય ભગવાનથી થોડા દૂર હતા. મોટી વસ્તુને યથાર્થ જોવા માટે દૂરથી દૃષ્ટિ કરવી જોઈએ. તેનાથી યથાર્થ દેખાય છે. અમસ્તુ એ ભગવાન અને મહાપુરુષોની મહાનતા નજીકના માણસોને મોટે ભાગે યથાર્થ દેખાતી હોતી નથી. એટલો જ લાભ કે તેઓ તેમના કામમાં આવે છે.
अनेकवक्त्रनयनमनेकाद्भूतदर्शनम्।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम्।।१०।।
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम्।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम्।।११।।
અર્થ : અનેક મુખ અને અનેક નેત્રોએ યુક્ત, અનેક અદ્વુત-આશ્ચર્યકારી દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોએ યુક્ત અને અનેક ઉગામેલાં દિવ્ય આયુધો ધારી રહેલું. દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રો ધારણ કરી રહેલું, દિવ્ય ગન્ધનું બધે શરીરે જેને લેપન કરેલું છે. સર્વ આશ્ચર્યોથી પૂર્ણ, ચોતરફ સીમાએ રહિત, સર્વ બાજુએ મુખવાળું એવું વિરાટ રૂપ ભગવાને અર્જુનને બતાવ્યું. ।।૧૦-૧૧।।
અહીં અર્જુને તથા સંજયે જોયેલા વિરાટરૂપનું વર્ણન સંજય કરે છે. વિરાટરૂપમાં જેટલાં મુખ, નેત્રો દેખાઈ રહ્યા છે તથા પ્રાણીઓ, સૃષ્ટિ જે કાંઈ દેખાઈ રહ્યું છે, તે તમામ દિવ્ય છે. કારણ કે ભગવાન પોતે તે રૂપે થયા છે. જેમ બ્રહ્માજીને બતાવવા ભગવાન વાછરડા, ગોપ બાળકો, શીગડી, ભથરણા લાકડી વગેરે તમામ રૂપ પોતે ધાર્યા હતા, તેમ અહીં પણ જે જે દેખાય છે તે તે રૂપે ભગવાન થયા છે. માટે તે દિવ્ય છે, વિરાટમાં જે જે રૂપ, આકૃતિઓ દેખાય છે તે દિવ્યની સાથે અદ્ભુત પણ છે. ‘न भूतो न भविष्यति’ એવી અદ્ભુત છે. ભગવાને પોતાના અંગોમાં અનેક ઘરેણાં પહેર્યાં છે. આયુધો ઉગામી રહ્યા છે. અનેક પ્રકારની માળા વસ્ત્રો ધાર્યા છે. તે તમામ જગત કરતાં વિલક્ષણ અને દિવ્ય છે. જોનારાને ચક્તિ કરી દેનારા છે. અનંતરૂપવાળા અને ચારે તરફ મુખ-સન્મુખ દેખાય છે.
दिवि सूर्य सहस्त्रस्य भवेद्युगपदुत्थिता।
यदि भा: सदृशो सा स्याद् भासस्तस्य महात्मन:।।१२।।
અર્થ : આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉદય પામ્યા હોય અને તેનો જેવો પ્રકાશ થાય, તે પ્રકાશ પણ મહાત્મા-વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશને તુલ્ય કદાચિત્થાય કે ન પણ થાય. ।।૧૨।।
હવે સંજય ભગવાનના એ દ્યુતિમાન સ્વરૂપના પ્રકાશનું વર્ણન કરી રહ્યા છે. જેવી રીતે આકાશમાં હજારો તારાઓ એકી સાથે ઊદિત થવા છતાં પણ એ બધાનો એકત્રિત પ્રકાશ એક ચંદ્રમાના પ્રકાશના સરખો નથી થઈ શકતો અને હજારો ચંદ્રમાઓનો એકત્રિત પ્રકાશ એક સૂર્યના પ્રકાશના સરખો નથી થઈ શકતો. એવી જ રીતે આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉદિત થવા છતાં પણ એ બધાનો એકત્રિત પ્રકાશ વિરાટ-વિશ્વરૂપ ભગવાનના પ્રકાશના સરખો નથી થઈ શકતો. હજારો સૂર્યના પ્રકાશને પણ ઉપમેય બનાવવામાં સંજયને સંકોચ થઈ રહ્યો છે. કારણ કે સૂર્યનો પ્રકાશ ભૌતિક છે. જ્યારે ભગવાનનો પ્રકાશ દિવ્ય છે. તે બન્નેની તુલના કેમ થઈ શકે? બન્નેની જાતિ જ અલગ-અલગ છે. તેથી તેઓની પરસ્પર તુલતા થઈ શકતી નથી. હા, અંગુલી નિર્દેશની જેમ ભૌતિક પ્રકાશ દ્વારા દિવ્ય પ્રકાશનો સંકેત કરી શકાય છે. અહીં પણ સંજય હજારો-હજારો સૂર્યની કલ્પના કરીને ભગવાનના પ્રકાશનું લક્ષ્ય કરાવી રહ્યા છે.
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा।।१३।।
અર્થ : પાણ્ડુપુત્ર અર્જુને તે સમયમાં અનેક પ્રકારે ભિન્ન ભિન્ન રહેલું સઘળું જગત્દેવોના પણ દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એક ભાગમાં રહેલું દીઠું. ।।૧૩।।
પ્રથમ તો ભગવાનના સ્વરૂપના તેજનું લક્ષ્ય કરાવીને હવે અર્જુન ભગવાનના વિશ્વરૂપમાં શું જોઈ રહ્યા છે, તે સંજય બતાવે છે. અર્જુને ‘तत्रैकस्थं’ ભગવાનન શરીરના એક ભાગમાં(એકાંશમાં) અનેક વિભાગમાં વહેંચાયેલું જગત અર્થાત્આ દેવતા છે આ મનુષ્યો છે. આ પશુપક્ષીઓ છે, આ પૃથ્વી છે, સમૂહ છે, આકાશ છે, નક્ષત્રો છે, વગેરે(प्रविभक्त) સંકીર્ણપણે નથી, ઊલટા વધારે વિસ્તાર સહિત દિવ્યચક્ષુઓથી જોયું. અર્થાત્કોઈ ભ્રમજાળ કે જાદુથી નહિ પણ વસ્તુસ્થિતિ નિહાળી. જેમ વ્રજમાં યશોદાજીએ નાનકડા કાનુડાના મુખમાં અનંત બ્રહ્માંડો જોયા હતા તેમ ભગવાનના શરીરના એક દેશમાં -હજારોમાં ભાગમાં છતાં સંપુર્ણપણે જોયા. જેમ ભારત કરતાં અમેરિકા વિલક્ષણ છે, અમેરિકા કરતાં સ્વર્ગલોક વિલક્ષણ છે. તેમ દેવલોક કરતાં પણ ભગવાન અનંતગણા વિલક્ષણ છે. કેમ કે તે બધા તો પ્રાકૃત છે. ભગવાન તો પ્રકૃતિથી અતીત છે માટે ભગવાન અનંત દેવતાઓના પણ દેવ (માલિક) છે.
तत: स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जय:।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत।।१४।।
અર્થ : અને તે પછી આવા આશ્ચર્યથી ચક્તિ અને રોમાંચ શરીરવાળો અર્જુન પ્રકાશમય વિશ્વરૂપ શ્રીકૃષ્ણ પરમાત્માને શ્રદ્ધા-ભક્તિપૂર્વક મસ્તકથી નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યો. ।।૧૪।।
ભગવાનનું અલૌકિક વિરાટરૂપને જોયા પછી અર્જુન કેવા ભાવિત થયા-અર્જુનના ઉપર તેની શી અસર થઈ તે સંજય હવે આગળના શ્લોકમાં બતાવે છે.
અર્જુને ભગવાનના રૂપ વિષયમાં કલ્પના પણ કરી ન હતી, એવું અદ્ભુત રૂપ જોઈને તેમની રોમાવલી ઊભી થઈ ગઈ. અહો !આવું અદ્ભૂત રૂપ બતાવીને ભગવાને મારા ઉપર અનહદ કૃપા કરી.એમ ભગવાનની કૃપાથી અર્જુનનું હૃદય ભરાઈ ગયું. આ કૃપાનો બદલો હું શું કરી શકું તેનો કોઈ માર્ગ સૂઝતો નથી એવો ભાવ ઉમટયો છે. તેથી કેવળ બે હાથ જોડીને દંડવત્પ્રણામ કરી રહ્યા છે. પોતાની જાતને જ ભગવાનને પૂર્ણપણે સમર્પિત કરી રહ્યા છે અને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે.