અનન્યભક્તિ વિના ચતુર્ભુજરૂપનાં દર્શનની દુર્લાભતાનું અને ફળસહિત અનન્યભક્તિનું કથન
અર્જુન બોલ્યા
दृष्टवेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत:।।५१।।
અર્થ : અર્જુન કહે છે-હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાંતિકર માનુષ રૂપ જોઈને હમણાં હું સ્થિરચિત્ત થયો છું અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૫૧।।
અનવધિકાતિશય સૌન્દર્ય, લાવણ્ય, સૌકુમાર્ય યુક્ત આપનું અસાધારણ મનુષ્ય સંસ્થાનરૂપે અતિ સૌમ્ય આ રૂપ જોઈને મને ખૂબજ સુખ થયું છે, મને શાંતિ થઈ ગઈ છે. વિરાટરૂપને જોઈને હું ભયભીત થઈ ગયો હતો, તે બધો ભય હવે દૂર થયો છે. વ્યથા ચાલી ગઈ છે ને સ્વસ્થ થઈ ગયો છું. (प्रकृतिंगत:) જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ જોઈને ગોપ-ગોવાળ, ગાયો, પશુ, પક્ષીઓ, ઝાડ, પહાડો કે નદીઓ પણ ભાન ભૂલી જતા હતા. મહારાજને જોઈને હિંસક પશુઓ હિંસકતા ભૂલી જતા હતા. મહારાજના સ્વરૂપને જોઈને બધાના નાડીપ્રાણ ખેંચાઈને સમાધિ લાગી જતી હતી. જેમાંથી સર્વ અવતારો પ્રગટ થઈ પાછા લીન થતા, એવું ભગવાનનું માનુષી રૂપ જોઈને અર્જુન અતિ શાંતિ પામ્યા.
શ્રી ભગવાન બોલ્યા
सुदुर्दर्शमिदं रू पं दृष्टवानसि यन्मम।
देवा अप्यस्य रू पस्य नित्यं दर्शनकाङ्क्षिण:।।५२।।
અર્થ : શ્રી ભગવાન કહે છે-આ મારું જે વિશ્વ-વિરાટ્રૂપ તેં દીઠું, તે રૂપનું દર્શન તો અતિશય દુર્લભ છે. બ્રહ્માદિક દેવો પણ આ રૂપના દર્શન નિરંતર ઈચ્છયાજ કરે છે. ।।૫૨।।
મેં તને જે મારું વિશ્વસ્વરૂપ બતાવ્યું જે સર્વ જગતના મૂળમાં રહીને સર્વ જગતનું સંચાલન કરનારું છે અને તમામના આશ્રયભૂત છે. જે સર્વજગતના કારણભૂત છે તેને તમોએ જોયું છે. તે અતિ સુદુદર્શન છે અર્થાત્તે કોઈથી જોઈ શકાતું નથી. આ સ્વરૂપના દર્શન કરવા તો દેવતાઓ પણ નિત્ય આતુર રહે છે તો પણ તેમને દર્શન થતા નથી. એવું એ સ્વરૂપ દુર્લભ છે.
અહીં એક શંકા થાય છે કે દેવતાઓ આ દર્શનની નિત્ય લાલસા રાખે તો તેમને કેમ દર્શન થતા નથી? જ્યારે ભગવાનના દર્શનની નિત્ય લાલસા રહેવી તે તો અનન્ય ભક્તિ છે. તો એનું સમાધાન એ છે કે વાસ્તવમાં દેવતાઓની નિત્ય લાલસા એ અનન્ય ભક્તિ નથી અને આ મારા સ્વરૂપનું દર્શન તો અનન્ય ભક્તિ-અનન્ય લાલસાવાળાને જ થાય છે. અનન્ય લાલસા રાખવાનું તાત્પર્ય એ છે કે નિત્ય નિરંતર એક પરમાત્માની જ લાલસા લાગેલી રહે અને બીજી કોઈ લાલસા ન રહે. એવી અનન્ય લાલસા જાગે તો દુરાચારીમાં દુરાચારી મનુષ્ય પણ ભગવાનનો ભક્ત બની જાય છે અને તેને ભગવત્પ્રાપ્તિ થઈ જાય છે; પરંતુ એવી અનન્ય લાલસા દેવોની હોતી નથી. તેઓની વૃત્તિ ભોગમાં વધારે તણાયેલી રહે છે. કારણ કે તેઓ ભોગ ભોગવવાની લાલસાથી તો દેવો થયા છે. પોતાની પાસે પુણ્યનું બેલેન્સ(વધારો) છે ને ભોગની લાલસા છે. તેથી ભગવાને તેને દેવતા બનાવી દીધા છે. પુણ્યનો જથ્થો હોય ને તેને ભોગ લાલસા બિલકુલ ન હોય તો ભગવાન તેનું અંતર શુદ્ધ હોવાથી પોતાની ભક્તિનું બીજારોપણ કરી દે છે; પરંતુ દેવતાઓને તો પુણ્ય બેલેન્સ છે પણ તેનો ઉદ્દેશ્ય ભોગ ભોગવવાનો મુખ્ય છે. એટલી વાત જરૂર વિશેષ છે કે વિમુખ અને સુખી(પુણ્યવાળા) મનુષ્યોને ભગવાનની મહત્તાનું બિલકુલ ભાન જ નથી. જ્યારે દેવતાઓને એટલું તો ભાન છે કે ભગવાન અતિ દુર્લભ વસ્તુ છે પણ ભોગ લાલસા છૂટતી નથી. જેમ બીજા આસ્તિક માણસો હોય છે તેમને પણ ભગવત્પ્રાપ્તિનું અહોપણું તો હોય છે પણ ભોગ અને સંગ્રહની રુચી જેવી હોય તેવી ચાલુ જ રહે છે, ઘટતી નથી. તેથી તેઓ ભગવાનના માર્ગ પર આવી શકતા નથી. એ માણસો-દેવતાઓ કેવા છે તો ‘मार्गे प्रयाते मणिलाभवत् मे लभेत मोक्षो यदि तर्हि धन्य:’ માર્ગમાં ચાલતા કોઈને મણિ મળી જાય એવી જ રીતે (ગૌણપણ) અમારી મુક્તિ થઈ જાય, તો અમે ધન્ય ધન્ય થઈ જઈએ. જો આમ જ ભગવાન અમને દર્શન આપી દે, તો તો દર્શન કરી લઈએ. દેવતાની દર્શનાભિલાષા આવી હોય છે.
દેવતા લોકો ‘અમે આટલા ઊંચા પદ ઉપર છીએ. અમારા લોક, શરીર અને ભોગ દિવ્ય છે. અમે મોટા ભાગ્યશાળી છીએ. આથી અમને ભગવાનના દર્શન થવા જોઈએ.’ એવી કોરી અભિલાષા રાખનારા છે. એટલા માટે તેને કદી દર્શન થતા નથી. કારણ કે તેઓમાં દેવત્વ, પદ વગેરેનું અભિમાન છે. અભિમાનથી કે પદ વગેરેથી ભગવાનના દર્શન થઈ શકતા નથી. એટલા માટે અર્જુને દસમાં અધ્યાયના ચૌદમાં શ્લોકમાં કહ્યું છે કે, ‘હે ભગવન્, આપના પ્રગટ થવાને દેવતા અને દાનવ પણ નથી જાણતા’ આ રીતે અર્જુને ભગવાનને ન જાણવામાં દેવતા અને દાનવોને એક શ્રેણીમાં લીધા છે અને તે જ શ્રેણીમાં આ લોકમાં ખૂબ સુખી અને વૈભવવાળા, ભગવાનથી વિમુખ માણસો પણ આવી જાય છે. એમ ગણવામાં એ જ તાત્પર્ય છે કે, જેવી રીતે દેવતાઓ પાસે વૈભવ છે એવી જ રીતે દાનવો પાસે વિચિત્ર પ્રકારની માયા છે અને સિદ્ધિઓ છે. અહીંના લોકો પાસે પણ જરૂર કરતાં વધારે વૈભવો છે; પરંતુ તેમના બળ પર તેઓ ભગવાનને નથી જાણી શકતા. એવી જ રીતે દેવતાઓ ભગવાનના દર્શનની લાલસા પણ રાખે છે તો પણ તેઓને દેવત્વ શક્તિથી ભગવાનના દર્શન નથી થઈ શકતા. કેમ કે ભગવાનના દર્શનમાં દેવત્વ કારણ નથી. તાત્પર્ય એ છે કે ભગવાનને ન તો દેવત્વ શક્તિથી જોઈ કે પામી શકાય છે, ન યજ્ઞ, દાન, તપ વગેરે કેવળ શુભ કર્મોથી. (ગી. ૧૧/૫૭) એમનાં દર્શન તો અન્ય આશા છોડીને અનન્ય ભક્તિથી જ દેવતા અને મનુષ્ય બધા જ કરે તો ભગવાનને જોઈ શકે છે.
‘देवा अपि’ કહેવાનું તાત્પર્ય એ છે કે પુણ્યોને કારણે દેવતાઓને ઊંચું પદ મળ્યું છે. ઊંચા(દિવ્ય) ભોગ મળ્યા છે, તે પુણ્યોના બળથી. પદ વગેરેના બળથી તેઓ ભગવાનનાં દર્શન નથી કરી શકતા. તાત્પર્ય એ છે કે પુણ્ય કર્મ ઊંચા લોક અને ઊંચા ભોગ તો આપી શકે છે; પરંતુ ભગવાનનું દર્શન કરાવવાનું તેઓમાં સામર્થ્ય નથી. ભગવાનને પામવામાં આ પ્રાકૃત મહત્ત્વ કોઈ પણ મૂલ્ય નથી રાખતું.
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा।।५३।।
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप।।५४।।
અર્થ : જેવા પ્રકારથી તેં મને દેખ્યો, તેવી રીતે તો હું વેદોથી પણ નથી દેખવામાં આવતો કે નથી તપથી દેખાતો, કે નથી દાનથી, કે નથી યજ્ઞથી પણ દેખવામાં શક્ય થતો. ।।૫૩।।
પરંતુ-હે પરન્તય અર્જુન ! મારામાં અનન્ય ભક્થિી તો આવા પ્રકારે જાણવાને, દેખવાને-સાક્ષાત્કરવાને અને તત્ત્વે કરીને પ્રવેશ કરવા-મારી સાથે પરમસામ્ય પામવા માટે પણ હું શક્ય થાઉં છું. ।।૫૪।।
આગળના બાવનમાં શ્લોકનું પ્રતિપાદન આ શ્લોકોથી કરે છે. મારું દર્શન જેવું તને થયું છે એવું દર્શન વેદો દ્વારા થતું નથી. અર્થાત્વેદાધ્યયન દ્વારા પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રોનો સાર, વેદો બીજાને ભણાવે, અધ્યાપન કરાવે. પ્રવચન કરે અને યથાર્થ વિધિપ્રમાણે કરે, તો પણ પરમાત્માના દર્શન થવાના તુલ્ય થતા નથી. દાન કરે, હોમ કરે, તપસ્યા કરે તો પણ ભક્તિ રહિતે સાધનો પૂરા વિધાનથી કરે તો પણ મારું આવું દર્શન તેમને શક્ય બનતું નથી. એક સિદ્ધાંતની વાત એ છે કે જે ચીજ કોઈ મૂલ્યથી ખરીદવામાં આવે છે. દા.ત. એક ઘડિયાળ-૫૦૦ રૂ.માં ખરીદવામાં આવે છે ત્યારે તે ચીજ તે મૂલ્યથી ઓછી-કિમતની જ હોય છે. દુકાનદારને કે બનાવનારાને તે ઘડિયાળ પાંચસોથી ઓછી કિમતમાં પડી હશે. મૂલ્ય આપનારો વધારે પૈસો આપીને પોતાની માલિકીની બનાવી લે છે. હવે જ્યારે ભગવાનને માટે એવું કોઈ મૂલ્ય આ દુનિયામાં છે નહિ, કે તેને ખરીદવા તેનાથી વધારે કિમતવાળું હોય. માટે વેદોનું અધ્યાપન-પ્રવચન, દાન, યજ્ઞ તે બધી કેટલીયે મહાન ક્રિયા કેમ ન હોય, તો પણ તેના દ્વારા ભગવાનને પોતાની માલિકાના કરી લેવા શક્ય નથી-ખરીદી લેવા શક્ય નથી. તમામ-સાધનો-તમામ યોગ્યતા સાથે મળીને પણ ભગવાનને મેળવવામાં બરાબર થતા નથી. ભગવાનની પ્રાપ્તિનું મૂલ્ય થતા નથી. તેનાથી ભગવાન ઉપર અધિકાર નથી જમાવી શકાતો. સંસારમાં ઓછી યોગ્યતાવાળા ઉપર વધારે યોગ્યતા વાળો, વધારે સત્તાવાળો, વધારે ધનવાળો અધિકાર મેળવી લે છે. તેના ઉપર રૂઆબ કરી શકે છે પણ ભગવાન ઉપર કોઈ સાધન, યોગ્યતા વગેરેથી અધિકાર થઈ શકતો નથી. ભગવાન કહે છે મારું જે દર્શન તને થયું તેવું યથાર્થ જગત કારણરૂપે દર્શન તે કોઈ સાધનોથી થતું નથી. એમનું એક જ સાધન છે અને તે મારા વિષેની અનન્ય ભક્તિ. જ્યારે સાધક પોતાની સાધના, બળ, યોગ્યતા વગેરેનું કિંચિત્માત્ર પણ અભિમાન નથી કરતો અને સાધનો યથાયોગ્ય કરવા છતાં સર્વથા નિર્મળ(અભિમાન શૂન્ય) થઈને પોતાની જાતને ભગવાનને ચરણે ધરી દે છે. ભગવાનને શરણે થઈ જાય છે, ત્યારે ભગવાન તેમની સામે તત્કાળ પ્રગટ થઈ જાય છે. કારણ કે પોતે કૃપાસિંધુ છે પોતાની કૃપાથી જ અનન્ય ભક્તને પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી મનુષ્યના અંતઃકરણમાં પ્રાકૃત વસ્તુ, યોગ્યતા, બળ, બુદ્ધિ વગેરેનું મહત્ત્વ અને સહારો રહે છે ત્યાં સુધી ભગવાન તેનાથી દૂર રહે છે. અનન્યતાનો અર્થ છે કેવળ એક ભગવાનનો જ આશ્રય રહે, આતુરતા રહે. તેના વિના વ્યાકુળતા અનુભવાય, બીજામાં એક ક્ષણ પણ ચેન ન પડે. ત્યારે તેને પ્રાપ્ત થઈ જાય છે. અનન્ય ભક્તિનું બીજું તાત્પર્ય એ છે કે પોતાની કોઈપણ યોગ્યતા, સાધન વગેરેનો કિચિંત્માત્ર પણ સહારો નહિ. અર્થાત્તે સાધનોના અહંકારથી શૂન્યપણું આવવું જોઈએ. જ્યાં સુધી કિચિંત્માત્ર પણ પોતાની યોગ્યતાનું અભિમાન છે, ત્યાં સુધી ભગવાન તેમને સ્વીકારતા નથી. જ્યારે પોતાની યોગ્યતા મૂકી ભગવાનની કૃપા પર નિર્ભર થાય ત્યારે તેને જાણે છે, તેના દર્શનને યોગ્ય બને છે અને તત્વતઃ પ્રવેશ એટલે પરિપૂર્ણ પ્રાપ્તિ તેને થાય છે.
मत्कर्मकृन्मत्परमो मद्भक्त: सङ्गवर्जित:।
निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव।।५५।।
અર્થ : હે પાણ્ડવ ! જે પુરુષ કેવળ મારે માટે જ સઘળા કર્મ કરનારો થાય છે. મારા પરાયણ વર્તે છે. મારામાં ભક્તિવાળો જહોય છે. સંગ-આસક્તિ વિનાનો હોય છે અને સર્વ ભૂત-પ્રાણીમાં વૈર ભાવે રહિત હોય છે. તે પુરુષ મને પામે છે. ।।૫૫।।
આ શ્લોકમાં પાંચ વાત આવી છે. આ પાંચેયને ‘સાધનપંચક’ પણ કહી શકાય છે. આ પાંચેય વાતોમાં બે વિભાગ (૧) ભગવાનની સાથે ઘનિષ્ઠતા (૨) સંસારની સાથે સંબંધ વિચ્છેદ. પહેલા વિભાગમાં ‘मत्कर्मकृत्’ मत्परम: અને मद्भक्त: આ ત્રણ વાતો છે અને બીજા વિભાગમાં सङ्गवर्जित: અને निर्वैर: सर्वभूतेषु આ બે વાતો છે.
मत्कर्मकृत्-वेदाध्ययनादीनि सर्वाणि कर्माणि मदाराधनरूपाणि इति य: करोति स मत्कर्मकृत्-અનન્ય ભક્તિનો તથા नाहं वेदैर्न तपसाનું તાત્પર્ય ભગવાનનું એવું નથી કે તે ન કરવા; પરંતુ ભગવાનની આરાધનાના સાધનરૂપ જાણીને કરવા. ભક્તિના માધ્યમ રૂપ જાણીને કરવા; પરંતુ અભિમાનની સામગ્રીરૂપ ન બની જવા જોઈએ. તેનો ખ્યાલ રાખવાનો છે. ત્યારે તે ભક્ત લૌકિક કર્મ કરતો હશે તો પણ मत्कर्मकृत् થઈ જશે. તમામ નિવૃત્ત કર્મો ભગવાનની પ્રસન્નતાના હેતુ કરવાના છે. તે કર્મોને છોડી દેવાના નથી તેમ જ તેનું અભિમાન કરવાનું નથી. ભગવાનનો ભક્ત શરીર, ઈન્દ્રિયમન બુદ્ધિથી જે કાંઈ કર્મ કરે છે તે તમામ ભગવાનને પ્રસન્ન કરવા માટે થવાં જોઈએ. ત્યારે તે મત્કર્મપર થયો ગણાશે.
मत्परम:- सर्वेषां आरम्भमाणानां अहं एव परमोद्देश्य यस्य स: मत्परम:। કર્મ કરતી વેળાએ તેના ફળરૂપે-સાધ્યરૂપે એક માત્ર પરમાત્માને પામવાની ઈચ્છા અથવા એક માત્ર પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાની પૂર્તિ માટે-ઉદ્દેશ્ય માટે, કર્મ કરાય તો તે મત્પરમ-મારા આશ્રય વાળો ગણાય. જીવનમાં પરમાત્માનો અચળ આશ્રય રાખનારો એવો.
मद्भक्त:-अत्यर्थमत्प्रियत्वेन मत्कीर्तन स्तुति ध्यानार्चन प्रणामादिभिर्विना आत्मधारणमलभमान: मदेकप्रयोजनतया य: सततं तानि करोति स: मद्भक्त:।
લૌકિક મનુષ્યો જેમ અન્નપાનાદિક વિના જીવન ધારણ કરી શકતા નથી. જીવન જીવી શકતા નથી. તેમ આ ભક્ત કીર્તન, સ્તુતિ ધ્યાન અર્ચન પ્રણામ આદિક ભક્તિ કર્યા વિના દેહ ધારણ ન કરી શકે એવો થકો સતત તે કરતો રહે. તેને ભગવાન અહીં મદ્ભક્ત કહે છે. જેને મનમાં એવો નિશ્ચય થઈ ગયો છે કે હું કેવળ ભગવાનનો જ છું અને કેવળ ભગવાન જ મારા છે. તથા હું અન્ય કોઈનો પણ નથી અને અન્ય કોઈ પણ મારા નથી. એવું થવાથી ભગવાનનમાં અતિશય અને દૃઢ પ્રેમ થઈ જાય છે. જે પોતાનો હોય તે આપોઆપ જ પ્રિય લાગે છે. પ્રેમની જાગૃતિમાં પોતાપણું મુખ્ય છે.
सङ्गवर्जित: मदेकप्रियत्वेन इतर सङ्गमसहमान:। ભક્તિનો પરિપાક અથવા પારાકાષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે જેવી નિસંગતા આવવી જોઈએ તે બતાવતાં કહે છે કે, અમૃત ભોજનમાં કાંકરા આવે ને જેમ વસમું લાગે, તેમ મારા સિવાય-પરમાત્મા સિવાય ઈતર સંગને સહન કરવા શક્તિમાન ન થાય. ભગવાનમાં ભક્તિનો એવો પ્રવાહ ચાલે છે કે, જેથી ઈતર આસક્તિ, મમતા, કામના વગેરે દૂર થઈ જાય છે અને તે પોતાના અંતરમાં અસહ્ય બની જાય છે.
निर्वैर: सर्वभूतेषु- मत्संश्लेष वियोग सुखदु:खस्वभावत्वात् स्वदु:खस्य स्वापराध निमितत्वानुसंधानात् च सर्वभूतानां परमपुरुषपरतंत्रत्वानुसंधानाच्च सर्वभूतेषु वैर निमित्ता भावात् तेषु निर्वैर:।
ભક્તિના પ્રભાવથી કેવળ શાસ્ત્રના અંકુશથી તે બીજાની સાથે સારું આચરણ કરનારો છે એટલું જ નથી પણ જ્યાં કારણનો જ નાશ થઈ ગયો છે, ત્યાં કાર્ય કેવી રીતે ઉદય થાય? એ ન્યાયે પરમાત્મામાં જ એક આસક્તિ અને ઈતરમાં વૈરાગ્યને કારણે સંસારના સુખ-દુઃખોની અતિ ઉપેક્ષા રહે છે. તેથી તેના પ્રવર્તક કે નિવર્તક સાથે વેર પ્રવૃત્તિનો સદંતર અભાવ રહે છે. કોઈ પોતાનો અપરાધ કરે તો દ્વેષનો વિષય થતો નથી. કે કોઈની સાથે વેર થઈ જાતું નથી.
છેલ્લા બન્ને વિશેષણો તેને સંપૂર્ણપણે સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરાવી દે છે.
स मामेति તે મારો ભક્ત મને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્જેના અવિદ્યાદિ સમગ્ર દોષ ગંધ દૂર થયા છે એવો થકો આગળ બતાવ્યું છે કે પ્રવેષ્ટું અર્થાત્અવિદ્યાદિ પુનરંકુરિત થવાની સંભાવના નહિ રહેવાથી જેને ફરી કયારેય સંસારમાં આવવું પડતું નથી. એવા ભાવથી ભગવાનમાં પ્રવેશ થાય છે. અર્થાત્શાશ્વત ધામને પામે છે; પરંતુ જળમાં જળની જેમ પ્રવેશનું તાત્પર્ય નથી
શ્રીમદ્ભગવદ્ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો વિશ્વરૂપદર્શનયોગ નામે અગિયારમો અધ્યાય સંપૂર્ણ