ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૦૫ થી ૦૮

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન

શ્રી ભગવાન બોલ્યા

पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रश:।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।५।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! મારાં સોએ-સો, અને હજારો-હજાર નાના પ્રકારનાં, અનેક વર્ણવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિક રૂપોને તું જો ।।૫।।

पश्य मे पार्थ रूपाणि અર્જુનની સંકોચપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને ભગવાન અત્યધિક પ્રસન્ન થયા. આથી અર્જુનને માટે ‘પાર્થ’ સંબંધોન કર્યું છે. એ ખૂબ પ્રસન્નતા બતાવનારું સંબોધન છે. ભગવાન કહે છે કે, હે અર્જુન ! તું મારા રૂપોને જો. એક બે ત્રણ નહિ-હજારો રૂપોને જો. અગણિત રૂપોને જો. ભગવાને જેવી રીતે પોતાની વિભૂતિઓના વિષયમાં કહ્યું કે, મારી વિભૂતિઓનો અંત આવી શકયો નથી. એવી જ રીતે ભગવાને અહીં પોતાના રૂપોની પણ અનંતતા બતાવી છે. ભગવાન એ રૂપોની વિશેષતાઓ બતાવતા કહે છે કે, नानाविधानि અનેક પ્રકારની બનાવટ છે. નાના-મોટા જાડા-પાતળા વગેરે તેમના રંગ પણ અનેક પ્રકારના છે. યુગ પ્રમાણે ભગવાનના વર્ણ જુદા વર્ણવ્યા છે. અહીં અર્જુનને એક સાથે જ બધા સ્વરૂપો ભગવાન બતાવી રહ્યા છે. આકૃતિઓ પણ અનેક પ્રકારની છે. વળી તમામ દિવ્ય છે. ભગવાનનું સ્વરૂપ દેવતાનું સ્વરૂપ પણ નથી. મનુષ્ય સ્વરૂપ-પાર્થિવ દ્રવ્ય પણ નથી સર્વથી વિલક્ષણ દ્રવ્ય છે. દેખાવામાં માણસ દેવ સજાતીય હોવા છતાં તમામથી વિલક્ષણ એવું દિવ્ય સ્વરૂપ છે. તેના અર્જુનને ભગવાન દર્શન કરાવી રહ્યા છે.

पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत।।६।।

અર્થ : હે ભરતકુળોત્પન્ન-અર્જુન ! મારામાં રહેલા બાર આદિત્યો, આઠ વસુઓ, અગીયાર રૂદ્રો, બે અશ્વિનીકુમારો તથા ઓગણપચાશ મરૂતોને જો ! તેમજ પૂર્વે કદી નહિ જોટેલાં એવાં ઘણાંક આશ્ચર્યકારી રૂપોને પણ જો ! ।।૬।।

ભગવાન કહે છે આ મારા સ્વરૂપમાં ૧૨ આદિત્યો, ૮ વસુઓ, ૧૧ રુદ્રો, બે અશ્વિનીકુમારો, ૪૯ વાયુઓને તું જો. તેના સિવાય કયારેય સાંભળ્યા ન હોય તેવા આશ્ચર્યરૂપ સ્વરૂપો પણ જો.

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम्‌।
मम देहे गुडाकेश यच्चान्यद्‌ द्रष्टुमिच्छसि।।७।।

અર્થ : હે ગુડાકેશ ! હમણાં આ મારા શરીરમાં એક ભાગમાં રહેલું સચરાચર સઘળું વિશ્વ જો ! તેમજ-તું જે કાંઈ બીજું જોવા ઈચ્છતો હોય તે પણ ! ।।૭।।

ભગવાન અર્જુનને કહે છે કે ‘इह एकस्थम्‌’ હું તારી સામે-‘માનવાકૃતિ’ ઈભો છું. તે સામાન્ય માનવ જેવો લાગું છું. પણ મારામાં ગમે ત્યાં તું સમગ્ર બ્રહ્માંડોને-વર્તમાન બ્રહ્માંડો-ભૂતકાળના, ભવિષ્યમાં થનારાને તું જોઈ શકે છે. તે પણ ‘अद्य’ અત્યારે જ જોઈ શકે છે, તેની કોઈ વાર નથી. દસમા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું હતું કે

यद्‌ यद्‌ विभूतिमत्‌ सत्त्वं, श्रीमद्‌ ऊर्जितं एव वा।
तत्‌ तत्‌ एव अवगच्छ त्वं मम तेजोंऽशसंभवम्‌। (१०/४१)
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन
विष्टभ्याहमिदं कृत्स्नं एकांशेन स्थितो जगत्‌। (१०/४२)

સમગ્ર જગતને મારા સાડા ત્રણ હાથના શરીરના એક અંશથી-કરોડમા ભાગ માત્રથી ધરી રહ્યો છું. ભગવાન કહે છે, શરીરના કોઈ વિશેષ અંશથી-ભાગથી ધારી રહ્યો છું, એવું ન માન. આ શરીરમાં તું ગમે ત્યાં જોવા ઈચ્છીશ ત્યાં તું તે દેખીશ. વર્તમાન સૃષ્ટિમાં તો વર્તમાન વસ્તુઓ જ જોઈ શકાશે; પરંતુ મારા સ્વરૂપમાં અગણિત-પૂર્વ બ્રાહ્માંડો-અગણિત-ભાવિ બ્રાહ્માંડો અને તે પણ આ સ્વરૂપમાં એક કરોડમા અંશમાં તું જોઈ લે.

જેવી રીતે દસમાં અધ્યાયમાં ભગવાન બતાવે છે કે, મારી વિભૂતિને જે જાણી લે છે તેને મારામાં ભક્તિ થાય છે. આ વાતને સાંભળીને જ અર્જુને ભગવાનની સ્તુતિ-પ્રાર્થના કરીને વિભૂતિઓ પૂછી હતી. એવી જ રીતે દસમાં અધ્યાયના અંતે ‘મારા એક અંશમાં સમગ્ર સૃષ્ટિ રહી છે. તેને હું ધારી રહ્યો છું’ એવું ભગવાનનું વચન સાંભળીને અર્જુને વિશ્વરૂપ જોવાની ઈચ્છા કરી, પ્રાર્થના કરી છે ત્યારે ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું છે. આથી સિદ્ધ થાય છે કે ભગવાને અતિ કરુણા-કૃપા કરીને પોતાનું વિશ્વરૂપ બતાવવાની ઈચ્છા કરી છે. જો ભગવાને વાત જ ન કરી હોત તો અર્જુન ઈચ્છા પણ ન કરત પણ ભગવાનની અનહદ કૃપાથી ભગવાનને આ રૂપ બતાવવું છે. તેથી ભગવાને જ સંવાદ ઊભો કરવાનું બીજારોપણ પોતે કર્યું છે. એવી જ રીતે ભગવાને કૃપા કરીને ગીતાનું પ્રગટ કરવું હતું ત્યારે ભગવાને કૌતુક કરીને એવું આયોજન કર્યું. અર્જુને કહ્યું બન્ને સેના વચ્ચે મારો રથ ઉભો રાખો. ત્યારે ભગવાને બરોબર ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે જઈને રથ રાખ્યો અને કહ્યું કે ‘कुरू न्‌ पश्य’ એથી એવું માલૂમ પડે છે કે, ભગવાનને ગીતા પ્રગટ કરવી છે,એવો આશય દેખાય છે. જો ભગવાન એવું આયોજન ન કરત ને કાંઈક બીજું કરત તો અર્જુનને શોક-મુંઝવણ ન થાત ને ભગવાનને ગીતા કહેવાની તક ઊભી ન થાત. તાત્પર્ય એ થયું કે ભગવાને કૃપા કરીને પોતાના તરફથી ગીતા પ્રગટ કરી છે.

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा।
दिव्यं ददामि ते चक्षु: पश्य मे योगमैश्वरम्‌।।८।।

અર્થ : પણ મને તું આ તારા પ્રાકૃત-માયિક ચક્ષુથી તો જોવા સમર્થ નહિજ થાઉં માટે હું તને દિવ્ય ચક્ષુ-આપું છું. એનાથી તું મારું ઈશ્વરભાવને જણાવનારું યોગ સામર્થ્ય જો ! ।।૮।।

ભગવાન કહે છે, હે અર્જુન તારા જે ચર્મચક્ષુઓ છે એમની શક્તિ ખૂબ જ અલ્પ અને સીમિત છે. પ્રાકૃત હોવાને કારણે એ ચર્મચક્ષુઓ કેવળ પ્રકૃતિના તુચ્છ કાર્યને જ જોઈ શકે છે; પરંતુ ભગવાનનું કાર્ય જે સૃષ્ટિ સજર્કતા, સૃષ્ટિ પાલન તથા સૃષ્ટિ સંહારકતા વગેરે ક્રિયાઓ આ પ્રાકૃત નેત્રોથી દેખવા શકય નથી. આ નેત્રોથી તો પ્રાકૃત મનુષ્ય, પશુ, પક્ષીઓ તથા તેનાં કાર્યો જ દેખી શકાય છે. તે નેત્રો બુદ્ધિ ઈન્દ્રિયોથી અતીત મારું રૂપ અને મારાં કાર્યો દેખવા સમર્થ નથી. માટે હું તને અતીન્દ્રિય અને અલૌકિક એવા મારા રૂપ તથા કાર્યને જોવા સામર્થીવાળા દિવ્યચક્ષુઓ આપું છું. અર્થાત્તારા આ ચર્મચક્ષુઓમાં દિવ્યશક્તિ આપી રહ્યો છું. જેનાથી તું અતીન્દ્રિય અને અલૌકિક એવા મારા રૂપ તથા કાર્યને જોવાની સામર્થીવાળા દિવ્ય ચક્ષુઓ અતીન્દ્રિય અને અલૌકિક પદાર્થો પણ જોઈ શકે અને સાથો સાથ તેની દિવ્યતાને પણ જોઈ શકે.

જો કે દિવ્યતા જોવી એ નેત્રનો વિષય નથી; પરંતુ બુદ્ધિનો વિષય છે. નેત્રથી (પાંચેય ઈન્દ્રિયોથી) સ્થૂળ પ્રાકૃત વસ્તુ દેખાય છે.(અનુભવાય છે) અને બુદ્ધિ દ્વારા તેમાં દિવ્યતાના અથવા અતિ તુચ્છતાના દર્શન થાય છે. તો પણ ભગવાન કહે છે કે મારા આપેલા દિવ્યચક્ષુઓથી તું દિવ્યતાને અર્થાત્સ્થૂળ પદાર્થમાં પણ રહેલા મારા ઈશ્વર સંબંધી અલૌકિક પ્રભાવને દેખી શકીશ. તાત્પર્ય એ છે કે, મારા વિરાટરૂપ દેખવાને માટે દિવ્યચક્ષુઓની આવશ્યકતા છે. ‘पश्य’ ક્રિયાના બે અર્થ થાય છે. બુદ્ધિથી (વિવેકથી) જોવું અને નેત્રોથી જોવું. નવમાં અધ્યાયના પાંચમાં શ્લોકમાં ભગવાને ‘पश्य मे योगमैश्वरम्‌’ કહીને બુદ્ધિ દ્વારા દેખવાની(જાણવાની) વાત કહી હતી. અહીં ‘पश्य मे योगमैश्वरम्‌’ કહીને નેત્રો દ્વારા દેખવાની વાત કહે છે. તેવી જ રીતે ‘દર્શન’ શબ્દ પણ તત્ત્વજ્ઞાન-બુદ્ધિસ્થ સમજણના અર્થમાં અને રૂપદર્શનના અર્થમાં વપરાય છે.

જેમ વચનામૃતમાં જે લખ્યું છે, તે જેમને બિલકુલ અક્ષરજ્ઞાન નથી, તેમને તો એમાં કેવળ કાળા કાળા લીટા દેખાય છે. જેમને વર્ણમાળાનું જ્ઞાન છે, તેને તેમાં અક્ષરો દેખાય છે; પરંતુ જેમને શાસ્ત્રનું પુરું જ્ઞાન છે તથા વચનામૃતનું ગહન મનન છે તેમને તો ‘વચનામૃતમ્’ એવું લખેલું દેખતાં જ દરેક વચનામૃતોની એક એક વાત તથા તે વાતોની ગહનતા-વિલક્ષણતા-દિવ્યતા વિગેરે દેખાવા લાગશે. એવી જ રીતે અર્જુનને જ્યારે ભગવાને દિવ્ય ચક્ષુઓ આપ્યા, ત્યારે તેમને અલૌકિક વિશ્વરૂપ તથા તેની દિવ્યતા દેખાવા લાગી. જે સાધારણ બુદ્ધિનો વિષય નથી.(અર્થાત્ભગવાને દિવ્યચક્ષુઓ તેમજ અર્જુનને દિવ્યબુદ્ધિ પણ પ્રદાન કરી.) તેનાથી ભગવાનની સાડાત્રણ હાથની માનવ કાયામાં અનંત બ્રહ્માંડો દેખાવા લાગ્યા અને તેની અલૌકિકતા-દિવ્યતા દેખાવા લાગી.
અહીં એક શંકા થાય છે કે જ્યારે અર્જુને ચોથા શ્લોકમાં કહ્યું કે જો હું આપના વિશ્વરૂપને જોઈ શકું(જોઈ શકવા સમર્થ કે યોગ્ય હોઉં?) તો આપ પોતાના વિશ્વરૂપને દેખાડી દો. ત્યારે એના ઉત્તરમાં ભગવાને આઠમો શ્લોક કહેવો જોઈતો હતો કે, તું પોતાના આ ચર્મચક્ષુઓથી મારા વિશ્વરૂપને નહિ દેખી શકે, એટલા માટે હું તને દિવ્ય ચક્ષુઓ આપું છું; પરંતુ ભગવાને ત્યાં એવું ન કહ્યું. ઊલટાનું દિવ્યચક્ષુ આપતા પહેલાં જ ‘पश्य पश्य’ કહીને વારંવાર દેખવાની આજ્ઞા કરી. ત્યારે ભગવાન શું નહોતા જાણતા કે અર્જુન મારા વિશ્વરૂપને દેખી શકવાનો નથી. પછી જ્યારે અર્જુનને દેખાયું નહિ ત્યારે એને ન દેખાવાનું કારણ બતાવીને પછી દિવ્યચક્ષુ આપીને તેનું નિરાકરણ કર્યું. આવી લાંબી ઝંઝટ ભગવાને કેમ કરી હશે? તો સાધક પર ભગવાનનો કેવો ક્રમશઃ કૃપાનો વિસ્તાર થાય છે ! એ બતાવવાને માટે જ ભગવાને આમ કર્યું છે. કેમ કે ભગવાનનો એવો સ્વભાવ છે, ભગવાન અત્યધિક કૃપાળુ છે. એ કૃપાસાગરની કૃપાનો કદી અંત નથી આવતો. ભક્તો ઉપર કૃપા કરવાનો એમનો વિચિત્ર ઢંગ છે. જેમ કે પહેલાં તો ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. ઉપદેશના દ્વારા અર્જુનના અંતરના ભાવોનું પરિવર્તન કરાવીને તેમને પોતાની વિભૂતિઓનું જ્ઞાન કરાવ્યું. એ વિભૂતિઓને જાણવાથી અર્જુનમાં એક વિલક્ષણતા આવી ગઈ. જેનાથી તેમણે ભગવાનને કહ્યું કે, આપનાં અમૃત વચનો સાંભળતા મને તૃપ્તિ નથી થતી. વિભૂતિઓનું વર્ણન કરીને અંતમાં ભગવાને કહ્યું કે આવા જાતજાતની વિભૂતિઓવાળાં અનંત બ્રહ્માંડો મારા એક અંશમાં સમાયેલાં છે. ત્યારે અર્જુનને એ રૂપ દેખવાની ઈચ્છા થઈ અને તેના માટે તેણે પ્રાર્થના કરી. ત્યારે ભગવાને પોતાનું વિરાટરૂપ બતાવ્યું અને તેને જોવા માટે વારંવાર આજ્ઞા આપી; પરંતુ અર્જુનને વિરાટરૂપ દેખાયું નહિ. ત્યારે તેમને ભગવાને દિવ્યચક્ષુ આપ્યાં. સારાંશ એ થયો કે ભગવાને જ વિરાટરૂપ દેખાડવાની ઈચ્છા કરી, પ્રથમ અર્જુનને જોવાની જિજ્ઞાસા જાગૃત કરાવી. વિશ્વરૂપ બતાવ્યું. અર્જુનને ન દેખાયું તો દિવ્યચક્ષુ આપ્યાં. આથી તાત્પર્ય એ થયું કે ભગવાનને શરણે થતાં શરણાગતના બધા જ કામ કરવાની જવાબદારી ભગવાન પોતે જ લઈ લે છે.