ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૩૫ થી ૪૬

ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજરૂપનું દર્શન કરવા માટે પ્રાર્થના

સંજય બોલ્યા

एतत्‌ श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी।
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्‌गदं भीतभीत: प्रणम्य।।३५।।

અર્થ : સંજય કહે છે-કેશવ ભગવાનનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર-થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઈ જઈને પ્રણામ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યે ગદ્ગદ વાણીથી કહેવા લાગ્યો. ।।૩૫।।

અર્જુન પ્રથમથી તો ભયભીત હતા જ. પછી ભગવાને કહ્યું, ‘હું કાળ છું, બધાને ખાઈ જઈશ.’ એવું કહીને ડરેલાને વધારે ડરાવી દીધા. તાત્પર્ય એ છે કે ‘कालोऽस्मि’ ત્યાંથી લઈને ‘मया हतांस्त्वम्‌ जहि’ ત્યાં સુધી ભગવાને મારી નાખવાની જ ભયંકર વાતો કરી તે સાંભળીને અર્જુન ડરથી થરથર કાંપવા લાગ્યા અને હાથ જોડીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા.

અર્જુને ઈન્દ્ર સહાય માટે જ્યારે કાળ, ખંજ વિગેરે રાક્ષસોને માર્યા હતા, ત્યારે ઈન્દ્રે પ્રસન્ન થઈને અર્જુનને સૂર્યના સમાન પ્રકાશવાળો એક દિવ્ય ‘કિરીટ’(મુગટ) આપ્યો હતો. એનાથી અર્જુનનું નામ ‘કિરીટી’ પડી ગયું હતું. અહીં કિરીટી કહેવાનું તાત્પર્ય એ છે કે જેમણે મોટા મોટા રાક્ષસોને મારીને ઈન્દ્રને સહાય કરી હતી. તે અર્જુન પણ ભગવાનના વિરાટ રૂપને જોઈને કંપિત થઈ ગયા. આજુ-બાજુ જ્યારે ભગવાનના અતિ-ઉગ્ર વિરાટ રૂપને જોયું તો અર્જુનને લાગ્યું કે ભગવાન કાળના પણ કાળ છે-મહાકાળ છે. માટે અર્જુન ભયભીત થઈને વારંવાર પ્રણામ કરે છે. છતાં પણ અર્જુન હજુ બોલી શકે છે, માટે એટલા બધા ભયભીત નથી થયા કે બોલી પણ ન શકે.

અર્જુન બોલ્યા

स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्ध संघा:।।३६।।

અર્થ : અર્જુન કહે છે-હે અન્તર્યામિન્! આપના નામ અને ગુણ તથા પ્રભાવનું કીર્તન કરવાથી સઘળું જગત્અતિ હર્ષત થઈ રહ્યું છે અને આપનામાં અતિ સ્નેહાતુર બની જાય છે. તેમજ ભયભીત થયેલા રાક્ષસગણો ચોતરફ દિશાઓમાં દોડી જાય છે અને સર્વ સિદ્ધગણો નમસ્કાર કરી રહ્યા છે.।।૩૬।।

અતિ ડરી ગયેલા-ભયભીત થયેલા વ્યક્તિ કશું બોલી શકતા નથી, તો પણ અર્જુન જ્યારે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, તેનું તાત્પર્ય એ છે કે, અર્જુનને ખાલી ભય જ ન હતો, હર્ષ પણ હતો. ‘अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्‌वा’ भयेन च प्रव्यथितं मनो मे’ (૧૧/૪૫) તેથી હર્ષ પણ હોવાથી એટલા બધા ડરી ગયા ન હતા કે બોલી ન શકે. અર્જુન ભગવાન સામે પોતાની બધી ઊર્મિઓ રજૂ કરી શકતા હતા. તેથી અહીં સ્તુતિ કરી રહ્યા છે.

હે હૃષીકેશ ! આ યુદ્ધને જોવા આવેલા આકાશમાં એકઠા થયેલા દેવ ગન્ધર્વો, સિદ્ધ, યક્ષ, વિદ્યાધર, કિન્નર વગેરે સમગ્ર જગત તમારી કૃપાથી તમને જોઈને તમારી કીર્તિનું ગાન કરીને પ્રહર્ષિત થઈ રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે. તમારું આ ભયંકર રૂપ જોઈને રાક્ષસો દિશાઓના છેડા સુધી દૂર ભાગી રહ્યા છે. તે ખરેખર યુક્ત જ છે, યોગ્ય જ છે. સર્વે સિદ્ધો તમને નમસ્કાર કરે છે. તે બધું બરાબર છે, યોગ્ય જ છે. અર્થાત્તમે નમસ્કાર કરવા જેવા જરૂર છો.

જગતની તરફ ચાલવાથી તો કોઈને હર્ષ કે આનંદ થતો નથી. જગતની તરફ ચાલવાથી તો બધાને બળતરા થાય છે. પરસ્પર રાગદ્વેષ થાય છે; પરંતુ જેઓ આપનામાં પ્રીતિ કરે છે, તેે તમામ જીવોને શાંતિ મળે છે. તે તમામ પ્રસન્ન થઈ જાય છે. ત્યાં સુધી કે સ્થાવર જંગમ તમામ જીવો આનંદિત થઈ જાય છે. જ્યારે નબળાઈ ધરાવનારા ડરીને ભાગી જાય છે. જેઓને સંગ્રહ અને ભોગમાં વૃતિ તણાઈ ગઈ છે, તેઓને ભગવાનના સ્વરૂપથી શાંતિ થતી નથી. ઊલટો ડર લાગે છે.

कस्माच्च ते न नमेरन्महात्मन्‌ गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत्‌।।३७।।

અર્થ : હે મહાત્મન્! સર્વથી મહાન્અને બ્રહ્માના પણ આદિકર્તા એવા આપને કેમ તેઓ નમસ્કાર ન કરે ? કેમકે હે અનન્ત ! હે દેવેશ ! હે જગન્નિવાસ ! સત્કાર્ય અને અસત્કારણ એ બન્નેરૂપ આ સઘળું વિશ્વ અને તે સર્વથી પણ પર એવું જે અક્ષર તે પણ આપજ છો. ।।૩૭।।

સર્વના આદિ એવા આપને, સર્વે ગુરુઓના પણ ગુરુ એવા આપને, બ્રહ્માના પણ આદિ કર્તા આપને આ બધા સિદ્ધો કેમ ન નમે. જે આપને નમાસ્કાર કરે છે તે યોગ્ય જ છે. તમે સ્વરૂપ સ્વભાવથી અનંત છો. દેવતાઓના પણ દેવતા છો. જગતના અંતર્યામી છો અને તમે અક્ષર સ્વરૂપ છો સમગ્ર જડ ચેતન આપમાં નિવાસ કરીને રહ્યા છે.

त्वमादिदेव: पुरुष: पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम्‌।
वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरू प।।३८।।

અર્થ : આપ આદિદેવ અને પુરાણ-સનાતન પુરુષ-પરમાત્મા છો. આપ જ આ વિશ્વના પરમ આધાર છો. જાણનારા છો અને જાણવા યોગ્ય ધામ પણ આપજ છો. હે અનન્તરૂપ ! આપેજ આ સઘળું વિશ્વ વ્યાપેલું છે. અર્થાત્આપજ સર્વત્ર પરિપર્ણ છો. ।।૩૮।।

તમે સર્વેના આદિ દેવતા છો, પુરાણ પુરુષ છો, તમે જગતના નિધાન છે. આ વિશ્વ તમારામાં સમાઈ રહ્યું છે. તમે જ તેને ધારી રહ્યા છો. જાણનારા અને જાણવા યોગ્ય પણ તમે જ છો. સર્વના આત્માપણે અંર્તયામીપણે તમે રહ્યા છો અને સર્વને પ્રાપ્ત કરવા યોગ્ય પણ તમે જ છો. તમે સમગ્ર જગતમાં આંતર-બહાર વ્યાપીને રહ્યા છો.

वायुर्यमोऽग्निर्वरुण: शशाम: प्रजापतिस्त्वं प्रपितामहश्च।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्व: पुनश्च भूयोऽपि नमो नमस्ते।।३९।।

અર્થ : આપજ વાયુ, ધમ, અગ્નિ, વરૂણ, ચન્દ્રમા, પ્રજાઓના સ્વામી બ્રહ્મા અને તેના પણ પિતા વૈરાજ છો. આપને હજારો વાર નમસ્કાર છે. નમસ્કાર છે. વળી આપને ફરીથી પણ વારંવાર નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. ।।૩૯।।

હે ભગવન્! તમે જ સર્વદેવમય છો. વધારે તો તમને હું શું સ્તુતિ કરું? પણ તમને હજાર હજાર વાર નમસ્કાર કરું છું.

नम: पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व।
अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्व:।।४०।।

અર્થ : હે અનન્ત-અપાર સામર્થ્યવાળા પ્રભો ! આપને આગળથી પણ નમસ્કાર છે અને પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વાત્મન્! આપને સર્વ બાજુએથી નમસ્કાર છે. કારણ કે આપ તો અનન્ત-અમાપ પરાક્રમવાળા છો અને સર્વમાં વ્યાપીને રહેલા છો. માટે આપજ સર્વરૂપ છો. ।।૪૦।।

અર્જુન અતિ ભાવ અને ડરમાં છે. તેથી શું બાલે છે એમનું વચ્ચે ભાન ભુલાઈ જઈ રહ્યું છે. શું બોલે છે તેની ખબર નથી રહેતી. તેથી બતાવી રહ્યા છે કે, હું તમને સર્વ દિશાઓથી નમસ્કાર કરું છું. હે મહારાજ ! આપ અપરિમિત શક્તિવાળા છો અપરિમિત પરાક્રમ વાળા છો. તમારાથી આ સમગ્ર જગત ચિક્કાર ભરાઈ રહ્યું છે. તમારા સિવાયનું કાંઈ છે નહિ.

सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति।
अजानता महिमानं तवेदं मया प्रमादात्‌ प्रणयेन वापि।।४१।।
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु।
एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम्‌।।४२।।

અર્થ : આવો તમારો મહિમા નહિ જાણતાં મેં આપ મારા સખા છો એમ માનીને પ્રેમથી અથવા તો ક્યારેક પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખે ! એવા શબ્દો કહ્યા હોય, તેમજ હે અચ્યુત ! આપને મેં હાસ્ય-વિનોદ પ્રસંગે વિહાર, શય્યા, આસન અને ભોજન વિગેરેના પ્રસંગે, આપ એકલા હો ત્યારે અથવા આપના સખા વિગેરેના સમક્ષમાં પણ અપમાનિત કર્યા હોય, તે સઘળા અપરાધની અપાર મહિમાવાળા અપ્રમેયસ્વરૂપ આપની પાસે હું ક્ષમા માગું છું. ।।૪૧-૪૨।।

અર્જુન જ્યારે વિરાટ ભગવાનના અતિ ઉગ્ર રૂપને દેખે છે ત્યારે તે જોઈને ભયભીત થાય છે. જેથી તેઓ ભગવાનના સ્વરૂપાનુસંધાનને ભૂલી જાય છે. પૂછી દે છે કે, ઉગ્રરૂપવાળા આપ કોણ છો? પરંતુ જ્યારે તેમને ભગવાન શ્રીકૃષ્ણની સ્મૃતિ થઈ આવે છે કે, તેઓ આ જ છે. ત્યારે ભગવાનના પ્રભાવ વગેરેને જોઈને તેમને સખાભાવે કરેલા જૂના વ્યવહારોની યાદ આવી જાય છે. તેને માટે તેઓ ભગવાન પાસે ક્ષમા માગી રહ્યા છે.

सखेति मत्वा-મોટા માણસો હોય છે કે શ્રેષ્ઠ પુરુષો હોય છે તેમને સાક્ષાત્નામથી નથી બોલાવાતા. તેમને માટે તો ‘આપ’, ‘મહારાજ’, ‘નામદાર’ વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે; પરંતુ મેં તો આપને કયારેક ‘હે કૃષ્ણ’ કહી દીધું છે. ‘હે યાદવ’ કહી દીધું છે અને કયારેક ‘હે સખા’ કહી દીધું છે તેનું કારણ શું હતું? તો ‘अजानता महिमानं तवेदम्‌’ એનું કારણ એ હતું કે મે આપના આવા મહિમાને અને આપના સ્વરૂપને જાણ્યું ન હતું કે આપ આવા અદ્ભુત અને વિલક્ષણ છો. આપના કોઈ એક અંશમાં અનંતકોટિ બ્રહ્માંડ વિરાજમાન છે-એવું હું પહેલા નહોતો જાણતો. આપના પ્રભાવની તરફ મારી દૃષ્ટિ જ કયારેય ગઈ નથી. મેં કયારેય વિચાર્યું જ નથી કે આપ કોણ છો? તમારો અમિત મહિમા શું છે?

જો કે અર્જુન ભગવાનના સ્વરૂપને, મહિમાને અને પ્રભાવને પહેલા પણ જાણતા હતા, ત્યારે તો એમણે એક અક્ષૌહિણી સેનાને મૂકીને ‘નિઃશસ્ત્ર’ ભગવાનનો સ્વીકાર કર્યો હતો. તો પણ ભગવાનના શરીરના કોઈ એક અંશમાં અનંતકોટિ બ્રહ્માંડ યથાવકાશ રહેલા છે-એવા પ્રભાવને, સ્વરૂપને અને મહિમાને નહોતો જાણ્યો. જ્યારે ભગવાને કૃપા કરીને વિશ્વરૂપ દેખાડયું ત્યારે તેને દેખીને જ અર્જુનની દૃષ્ટિ ભગવાનના તરફ ગઈ અને એમને મનમાં થયું કે કયાં હું અને કયાં આ દેવોના પણ દેવ ! પરંતુ મેં પ્રમાદથી અથવા પ્રેમથી હઠપૂર્વક, અવિવેકથી જે મનમાં આવ્યું તે બોલી દીધું છે. ‘मया प्रमादात्‌ प्रणयेन वापि’ બોલવામાં, બોલાવવામાં મેં જરા પણ સાવધાની નથી રાખી.

વાસ્તવમાં તો ભગવાનના મહિમાને કોઈ જાણી જ શકતું નથી. કેમ કે ભગવાનનો મહિમા અનંત છે. જ્યારે ભગવાના સામર્થ્યથી ઉત્પન્ન થવાવાળી વિભૂતિઓનો પણ અંત નથી ત્યારે ભગવાન અને એમના મહિમાનો અંત આવી જ કેવી રીતે શકે?

यच्चावहासार्थमसत्कृतोऽसि મેં આપને મારા જેવડી ઉંમર છે, એવું સમજીને મિત્ર સમજીને, ઠઠામશ્કરી કરતી વેળાએ, સૂતાં જાગતાં, બેસતાં, ઊઠતાં, ભોજન કરતાં જે કાંઈ અપમાનના શબ્દો કહ્યા હોય, આપનો અસત્કાર થયો હોય તે બધાની હું આપની પાસે ક્ષમા માગુ છું. ‘तत्क्षामये त्वामहमप्रमेयम्‌’

અર્જુન અને ભગવાન વચ્ચે ગાઢ મિત્રતા હોઈને ભગવાનનું સન્માન યથાર્થ જળવાયું ન હોય. અર્જુનની ભગવાનની સાથે ખૂબ જ ઘનિષ્ઠતાનો વ્યવહાર થયો હોઈ, હવે અર્જુન એ વાતોને યાદ કરીને કહે છે કે, હે ભગવાન ! મેં આપના જાણે કેટલાય તિરસ્કાર કર્યા છે. જો કે આપે મારા અપરાધ તરફ કયારેય ખ્યાલ નથી જ કર્યો. છતાં મારા દ્વારા આપના અગણિત અપરાધ થયા છે. અપ્રમેય, અપ્રમિત સ્વરૂપ આપની પાસે હું વારંવાર અપરાધની ક્ષમા યાચના કરું છું.

पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान्‌।
न त्वत्समोऽस्त्यभ्यधिक: कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव।।४३।।

અર્થ : આપ આ સ્થાવર-જંગમાત્મક સકળ લોકના પિતા અને આ સર્વ વિશ્વના પૂજ્ય ગુરુ અને સર્વ ગુણોથી ગરિષ્ઠ-સર્વશ્રેષ્ઠ છો. હે અતુલ પ્રભાવવાળા પ્રભો ! આ ત્રણેય લોકમાં પણ આપને તુલ્ય બીજો કોઈ નથી, તો પછી આપનાથી અધિક તો હોઈ જ કેમ શકે ? ।।૪૩।।

બાળકના અપરાધ માતા-પિતા કયારેય ગણતા નથી. આપ તો મારા તો શું પણ ચરાચર સમગ્ર જગતના તાત છો, પૂજ્ય છો, ગુરુ છો. તમારા જેવો અનંત કોટિ બ્રહ્માંડમાં કોઈ નથી. તો તમારાથી અધિક તો હોય જ કયાંથી ! અને કયારેય થવાના પણ નથી. આપનો પ્રભાવ અતુલનીય છે. આપની તુલના કોઈની સાથે કરી શકાય તેમ નથી.

तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्‌यम्‌।
पितेव पुत्रस्य सखेव सख्यु: प्रिय: प्रियायार्हसि देव सोढुम्‌।।४४।।

અર્થ : તેથી હે પ્રભો ! આપના ચરણોમાં આ શરીરને અર્પણ કરીને પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય સકળ વિશ્વના સ્વામી આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું. હે દેવ ! પિતા જેમ પુત્રનો, સખા જેમ સખાનો અને પ્રિય-પતિ જેમ પ્રિયા-પત્નીનો અપરાધ સહન કરે છે. એજ પ્રમાણે આપ મારો અપરાધ સહન કરવા યોગ્ય છો. ।।૪૪।।

આપ અનંત બ્રહ્માંડોના અધિષ્ઠાતા છો. તમે જ સર્વેના આદિ પિતા છો, પૂજ્ય છો, ગુરુ છો. કરુણા, દયા વગેરે ગુણોના સાગર છો. તે ગુણોમાં સર્વથી અધિક છો. એટલા માટે તમામ દ્વારા સ્તુતિ કરવા માટે યોગ્ય છો. આપના ગુણ, પ્રભાવ, મહત્ત્વ અનંત છે. આથી જ ઋષિ-મહર્ષિ, દેવતા તથા મહાપુરુષો આપની નિત્ય નિરંતર સ્તુતિ કરતા રહે છે તો પણ પાર નથી પામતા. એવા સ્તુત્ય આપને હું પૃથ્વી પર આપના ચરણોમાં પડીને(દંડવત્પ્રણામ કરીને) આપને પ્રાર્થના કરું છું. આપ પ્રસન્ન થાઓ. મારી ભૂલોને પિતા પુત્રને જેમ, મિત્ર મિત્રને જેમ, પતિ પત્નીને જેમ ક્ષમા કરે છે તેમ ક્ષમા કરવા યોગ્ય છો. કોઈનું અપમાન થાય તો તેમાં ત્રણ કારણો હોય છે (૧) પ્રમાદ(અસાવધાની)થી (૨) ઠઠ્ઠા મશ્કરી, વિનોદમાં ખ્યાલ ન રહેવાથી (૩) પોતાપણાની ઘનિષ્ઠતાથી. જેવી રીતે પિતાની ગોદમાં બેઠેલું નાનુ બાળક અજ્ઞાનવશ પિતાની દાઢી મૂછ ખેંચે છે. મોઢા ઉપર થપ્પડ લગાવે છે કયારેક કયાંક લાત મારી દે છે. તો બાળકની એવી ચેષ્ટા જોઈને પિતા રાજી થાય છે, પ્રસન્ન થાય છે. પિતા કયારેય એવો ભાવ લાવતા જ નથી કે પુત્ર મારું અપમાન કરી રહ્યો છે. મિત્ર પણ કયારેક ઠઠ્ઠા મશ્કરી કરે તો બીજો મિત્ર અપમાન સમજતો નથી પણ મીઠું લાગે છે. તેમ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે, અજ્ઞાની બાળક તુલ્ય ગણી મને ક્ષમા કરવા પ્રાર્થના કરું છું.

अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्‌वा भयेन च प्रव्यथितं मनो मे।
तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास।।४५।।

અર્થ : મેં પહેલાં નહિ દેખેલું આપનું આવું આશ્ચર્યમય રૂપ જોઈને હર્ષિત થયો છું. તેમજ વળી મારું મન ભયથી પણ વ્યાકુળ બની ગયું છે, માટે હે દેવ ! મને તેજ પ્રથમ હતું તેજ રૂપ બતાવો ! અને હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૪૫।।

જેવી રીતે વિશ્વરૂપ બતાવવા પ્રાર્થના કરી ત્યારે ભગવાને વિશ્વરૂપ બતાવી દીધું. એવી જ રીતે પ્રથમનું સૌમ્યરૂપ બતાવવા પ્રાર્થના કરીશ તો જરૂર ભગવાન તે પણ બતાવશે જ એવી આશાથી અર્જુન પ્રાર્થના કરે છે.

अदृष्टपूर्वं हृषितोऽस्मि…

હે ભગવાન્! અતિ અદ્ભુત અને અતિ ઉગ્ર આવું તમારું સ્વરૂપ મેં પ્રથમ કયારેય જોયું નથી. મેં કલ્પના પણ કયારેય કરી નથી. તે આપની કૃપા હું માનું છું. એનો મને ખૂબ જ હર્ષ થાય છે, પ્રસન્નતા થાય છે. મારી જાતને હું ભાગ્યશાળી માનું છું; પરંતુ સાથે સાથે આપનું અતિ ઉગ્ર રૂપ જોઈને મને ખૂબ ડર લાગી ગયો છે. હું વ્યથિત થઈ ગયો છું, વ્યાકુળ થઈ ગયો છું. માટે તમારું જે સૌમ્ય રૂપ છે. દેવતા સ્વરૂપ ચર્તુભુજ રૂપ છે તે બતાવો. આપ તો દેવોના પણ દેવ છો, બ્રહ્માદિકના પણ આરાધ્ય છો. તમારે વિષે સમગ્ર જગત રહ્યું છે, એવા આપ સમર્થ છો. માટે એ રૂપના આપ દર્શન કરાવો.

ભગવાનનું વિશ્વરૂપ દિવ્ય છે, અવિનાશી છે અને અક્ષય છે. આ વિશ્વરૂપમાં અનંત બ્રહ્માંડો ગવાક્ષમાં રજઃકણોની જેમ ઊડે છે. ઉત્પન્ન થાય છે અને તેમ લય થાય છે. છતાં પણ આ રૂપ અવ્યય હોવાથી જેમ છે, તેમ જ રહે છે. આ વિશ્વરૂપ અલૌકિક અને દિવ્ય છે. હજારો ભૌતિક સૂર્યનો પ્રકાશ પણ તેના તુલ્ય નથી. તેને દિવ્યચક્ષુ વિના કોઈ દેખી શકતું નથી. બ્રહ્માદિ દેવતા પણ તેને જોવા ઝંખી રહ્યા છે. (देवा अप्यस्य रूपस्य नित्यं दर्शन काङ्क्षिण:) એવું આ ભગવાનનું સ્વરૂપ છે (જે कारणं तु ध्येयम्‌, भावनात्रय रहितं कारणम्‌ વગેરે ઉપનિષદ વિષયની તરફ ઈંગિત કરી રહ્યું છે) (મહારાજના શરીરમાંથી અવતારો પ્રગટ થઈ ને તેમાં લીન થઈ રહ્યા છે તે દિશા બતાવી રહ્યું છે) ‘જ્ઞાનચક્ષુઓ’ દ્વારા સંસારના મૂળમાં સત્તારૂપે જે પરમાત્મતત્ત્વ છે. તેને બુદ્ધિગમ્ય કહી શકાય છે. ‘ભાવચક્ષુ’થી સંસાર ભગવત્રૂપ દેખાય છે; (જ્યાં જુએ ત્યાં રામજી…’ એવું થાય છે) પરંતુ આ બન્ને ચક્ષુઓથી વિશ્વરૂપનું (મૂળરૂપનું) દર્શન નથી થતું. એ તો ભગવત્પ્રદત્ત દૃષ્ટિથી-દિવ્યદૃષ્ટિથી જ થાય છે. જેમ પર્વતભાઈને ભગવાને પોતાના સ્વરૂપમાંથી ચોવીસ અવતાર પ્રગટ થતાં અને પોતામાં લીન થતાં બતાવ્યા. ‘ચર્મચક્ષુ’થી ન તો તત્ત્વનો(મહિમા) નો બોધ થાય છે ન તો સંસાર ભગવત્સ્વરૂપ દેખાય છે અને ન તો વિશ્વરૂપ(મૂળરૂપ)નું દર્શન થાય છે. કેમ કે ચર્મચક્ષુ પ્રકૃતિનું કાર્ય છે. એટલા માટે તેનાથી પ્રકૃતિના સ્થૂલ કાર્યને જ એનાથી દેખી શકાય. ભગવાનની માધુર્ય લીલામાં-અવતાર લીલામાં ભગવાન દ્વિભુજ જ દેખાય છે અને શ્રીજી મહારાજે તો વચ.કા.૮માં એ જ મૂળ રૂપ બતાવ્યું છે. અર્જુનની પ્રાર્થના પછી અર્જુનને પણ યથાપૂર્વ જ દેખાયા છે; પરંતુ મનુષ્ય લીલામાં દ્વિભુજ સ્વરૂપનો આવો અલૌકિક, અમિત, અનંત મહિમા માની શકાતો નથી. બુદ્ધિની મર્યાદા બહારનો છે. તેથી યથાર્થપણે ગળે ઊતરી શકતો નથી. એટલે ભગવાનને આવું બતાવવું પડે છે, તે સહેતુક છે. મનુષ્ય જેવું દેખાતું સ્વરૂપ નિર્હેતુક, મૂળરૂપ છે. એવો મહારાજનો આશય વચ.કા-૮ના આધારે જણાય છે. ભગવાન દિવ્ય દૃષ્ટિ આપે છે ત્યારે તે સ્વરૂપની અલૌકિતા દેખાય છે. તે પણ જેવું પાત્ર હોય, જેવી યોગ્યતા અને જેવી રુચિ હોય તેને અનુસાર ભગવાન તેને દર્શન કરાવે છે. તેનાથી ભગવાનના સ્વરૂપનો ‘इति’ આવી ગયો એમ નથી. ભગવાનનું સ્વરૂપ તો ‘नेति’ છે. જેમ અર્જુનને પ્રથમ તો અદ્ભુત દેવરૂપનું(ગી. ૧૧/૧૫-૧૧માં) દર્શન કરાવ્યું. પછી ઉગ્રરૂપનું(ગી. ૧૧/૧૯-૨૨માં) અને તેના પછી અતિ ઉગ્રરૂપનું,(ગી. ૧૧/૨૩-૩૦ માં) પ્રાધાન્ય રહ્યું. અતિ ઉગ્રરૂપને જોઈને અર્જુન ભયભીત થઈ ગયા. ત્યારે ભગવાને પોતાના આગળ રૂપો બતાવવા બંધ કરી દીધા. આથી તાત્પર્ય એ થયું કે અર્જુનને દિવ્યદૃષ્ટિ આપી હોવા છતાં જ્યાં સુધી તેની શક્તિ, પાત્રતા હતી ત્યાં સુધી બતાવ્યું. જેટલી બતાવવાની જરૂર હતી. જેથી ભગવાનના સ્વરૂપનો અંત આવી ગયો તેમ નથી. અર્જુન ક્ષત્રિય પ્રકૃતિ હતા તેથી તેને ભયંકરતાનો પડકાર(ચેલેંજ) બતાવ્યો. સામે બીજા કોઈ ભક્ત હોત તો તેને અનુરૂપ બતાવત. જેમ કે યશોદા, અક્રૂર વગેરેને તેને અનુરૂપ બતાવ્યા હતા.

किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां दृष्टुमहं तथैव।
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते।।४६।।

અર્થ : હું આપને મુકુટધારી, ગદાધારી અને ચક્ર હસ્તમાં જેમને છે, એવા દેખાવા ઈચ્છું છું, માટે હે વિશ્વસ્વરૂપ ! હે સહસ્ત્રબાહો ! આપ તે પ્રમાણેજ-તે ચર્તુભુજરૂપે જ થાઓ ! દર્શન આપો ।।૪૬।।

હે મહારાજ ! હું આપનું પૂર્વનું સૌમ્યરૂપ જોવાને ઈચ્છુ છું. જો કે પૂર્વરૂપ તો અર્જુનની આગળ દ્વિભુજ કૃષ્ણ હતા અને શ્રીજી મહારાજનું તાત્પર્ય પણ ભગવાનનું મૂળરૂપ મનુષ્યાકૃતિ દ્વિભુજ જ છે; છતાં પણ અર્જુને અહીં સાથે સાથે ચર્તુભૂજરૂપે મને તમારું દર્શન આપો, એવી પ્રાર્થના કરી છે. તેમાં પણ तथैव અને तेनैव એમ બે વખત एवकार વાપર્યો છે. એકવાર વિશ્વરૂપ નિષેધાર્થે વાપર્યો છે. અર્જુન વિશ્વરૂપથી એવા તો ડરી ગયા છે કે તેને મનમાં શંકા રહે છે કે ફરી પાછું આવું ને આવું કાંઈક બતાવી દે નહિ. માટે બેવાર નિષેધ કરી દીધો છે અને પૂર્વરૂપ જે દૃષ્ટિથી દૂર ચાલ્યું ગયું છે(વાસ્તવમાં તે સામે જ છે પણ દિવ્ય દૃષ્ટિ પછી તે દેખાતું બંધ થઈ ગયું છે !) તે બતાવવા વધારે ભાર આપે છે.

इदमस्तु सन्निकृष्टे समीपतर वर्तिचैतदो रूपम्‌।
अदसस्तु विप्रकृष्टे तदिति परोक्षे विजानीयात्‌।।

આ ઉક્તિ અનુસાર-इदम्‌ શબ્દ સમીપ માટે, एतत्‌ શબ્દ અત્યંત સમીપ માટે अदस् શબ્દ થોડે દૂર પણ દૃષ્ટિથી દેખાય તેમ असौ वटे यक्षो निवसति આ સામે દેખાય તે વડમાં ભૂત રહે છે. તેમ અને તત્શબ્દ આંખથી દેખાતું ન હોય તેનાથી લઈને ગમે તેટલું દૂર હોય તેને માટે વપરાય છે. અહીં વિશ્વરૂપમાં બધા જ શબ્દોનો પ્રયોગ થયો છે; પરંતુ तेनैव શબ્દમાં પોતાની દૃષ્ટિથી અતિ દૂર થઈ ગયું હોય તેવું અર્જુનને વિશ્વરૂપના ભયથી જણાયું છે. વાસ્તવમાં તો સૌમ્ય કૃષ્ણનું સ્વરૂપ તો સામે જ હતું; છતાં પરોક્ષવાચક શબ્દનો તેના માટે પ્રયોગ કર્યો છે અથવા એમ માની લો કે જે કોઈ મૂળ રૂપ છે તે મને બતાવો. તેને માટે ‘તત્’ શબ્દનો પ્રયોગ થયો હોય પણ આ વિશ્વરૂપ તો આપ જલ્દી સંકેલી લો. એવી અર્જુન પ્રાર્થના કરી રહ્યા છે.