ગીતા અધ્યાય-૧૧, શ્લોક ૩૨ થી ૩૪

ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો

શ્રી ભગવાન બોલ્યા

कालोऽस्मि लोकक्षयकृत्‌ प्रवृद्धो लोकान्‌ समाहर्तुमिह प्रवृत्त:।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा:।।३२।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે સામા પક્ષની સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે. તે સઘળાય પણ એક તારા સિવાય નહિ રહે. અર્થાત્તું યુદ્ધ નહિ કરું તોય તે સર્વ જીવવાના નથી. મરવાના જ છે. ।।૩૨।।

ભગવાનનું વિશ્વરૂપ વિચાર કરતાં બહુ જ વિલક્ષણ માલૂમ પડે છે. કેમ કે તેને જોવામાં અર્જુનની દિવ્યદૃષ્ટિ પણ પૂરી રીતે કામ નથી કરી રહી અને તેઓ વિશ્વરૂપને કઠિનતાથી જોઈ શકવાને યોગ્ય બતાવે છે. ‘दुर्निरीक्ष्यं समन्तात्‌’ (ગી. ૧૧/૧૭) અહીં પણ તેઓ ભગવાનને પૂછી બેસે છે કે ઉગ્રરૂપવાળા આપ કોણ છો? અને એવું પણ માલૂમ પડે છે કે અર્જુન ભયભીત થઈને આવું ન પૂછત, તો ભગવાન આનાથી પણ વધુ વિકરાળ રૂપ પ્રગટ કરતા જાત; પરંતુ અર્જુનના વચમાં જ પૂછવાથી અને પ્રાર્થનાથી વધારે આગળનું રૂપ દેખાડવાનું બંધ કરી દીધું અને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપવા લાગ્યા.

कालोऽस्मि लोकक्षयकृत्‌ प्रवृद्ध:-પૂર્વ શ્લોકમાં અર્જુને પૂછયું હતું કે, ઉગ્રરૂપવાળા આપ કોણ છો? –आख्याहि मे को भवानुग्ररूप:? તેના ઉત્તરમાં વિરાટ ભગવાન કહે છે કે, હું તમામ લોકોનો ક્ષય(નાશ) કરવાવાળો અતિ ભયંકર રૂપથી વધેલો કાળ છું.

लोकान्समाहर्तुमिह प्रवृत्त:-અર્જુને પૂછયું હતું કે, હું આપની પ્રવૃત્તિને નથી જાણતોन हि प्रजानामि तव प्रवृत्तिम्‌ અર્થાત્ આપે શું કરવા ધાર્યું છે ! આવું બધું રૂપ બતાવીને, તેનો મને ખ્યાલ નથી આવતો. તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે, હું આ સમયે બન્ને સેનાઓનો સંહાર કરવા માટે અહીં આવ્યો છું.

ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वेऽवस्थिता: प्रत्यनीकेषु योधा: અર્જુને પ્રથમ કહ્યું હતું કે, હું યુદ્ધ નહિ કરું न योत्स्ये (૨/૯) તો શું તમારા યુદ્ધ કર્યા વિના આ પ્રતિપક્ષીઓ નહિ મરે? અર્થાત્તમારા યુદ્ધ કરવા અને ન કરવાથી કોઈ ફરક નહિ પડે. કારણ કે હું પોતે જ બધાનો સંહાર કરવાને માટે પ્રવૃત્ત થયો છું. આ વાત તમે વિરાટ સ્વરૂપમાં પણ જોઈ લીધી છે કે બન્ને પક્ષની સેનાઓ મારા ભયંકર કાળરૂપી મુખમાં પ્રવેશ થઈ રહી છે.

અહીં એક શંકા થાય છે કે અર્જુને વિશ્વરૂપમાં પોતાની અને કૌરવ પક્ષની સેનાના બધા જ લોકોને ભગવાનના કાળરૂપી મુખમાં જઈને નષ્ટ થતા જોયા હતા. તો પછી ભગવાને અહીં(આ શ્લોકમાં) કેવળ પ્રતિપક્ષની જ વાત કેમ કહી કે, તમારા યુદ્ધ કર્યા વિના પણ આ પ્રતિપક્ષીઓ નહિ રહે. એનું સમાધાન એ છે કે, જો અર્જુન યુદ્ધ કરત તો કેવળ પ્રતિપક્ષીઓને જ મારત અને યુદ્ધ ન કરત તો પ્રતિપક્ષીઓને ન મારત. આવું અર્જુનના મનમાં જોઈને ભગવાન કહે છે કે, તમારા માર્યા વિના પણ આ પ્રતિપક્ષીઓ ભીષ્મ, દ્રોણ વગેરે નહિ બચે. કેમ કે હું કાળરૂપે બધાને ખાઈ જઈશ. તાત્પર્ય એ છે કે આ બધાનો સંહાર તો થવાવાળો જ છે. તમે કેવળ પોતાના યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કરો.

સાધકને પોતાની સાધનામાં બાધકરૂપે નાશવાન પદાર્થોનું અને વ્યક્તિઓનું જે આકર્ષણ દેખાય છે, (મોહ) તેનાથી તે ગભરાઈ જાય છે. રખે મારી સાધના કે કર્યું કારવ્યું કોઈ ખરાબ કરી દેશે તો? બગાડી નાખશે તો? એવા સાધકોને ભગવાન અહીં ધીરજ આપતા કહે છે કે, ‘मेयैवैते निहता: पूर्वमेव’ ડરો નહિ હું સાચાના પક્ષમાં છું. ધર્મ અને ન્યાયના પક્ષમાં છું. તેના વિરોધીઓનો નાશ હું પહેલેથી કરી દઉ છું. તમે નિશ્ચિંત થઈને સાધના કરતા રહો. નિષ્ફળતાની બીક અને ક્ષોભ છોડી દો. ફરજ યથાર્થ બજાવો અને મને સાથે રાખો. કદાચ નિષ્ફળ થાઓ તો પણ તેમાં શત્રુને નિમિત્ત ન માનો. તમારી કર્તવ્યતાની ખામી જુઓ. ભગવાન તમારા પક્ષે જરૂર ઊભા છે. ‘जेतासि रणे सपत्नान्‌’ તમારો જય થશે.
સાધકને એવું થયા કરે છે કે દુર્ગુણ દુરાચાર દૂર નથી થઈ રહ્યા, હું શું કરુ? આવી ચિંતા કે ઉતાવળ એ સાધકનું દેહાભિમાન છે, કર્તવ્ય નિષ્ઠા નથી. જો અંતરની પ્રામાણિકતાથી તેનો સાચો જ પ્રયત્ન અને પરમાત્માનો આશ્રય-વિશ્વાસ હોય તો એવું થવાને કોઈ સ્થાન નથી. પરમાત્માનો સાચો આશ્રિત હોય તેણે પોતાને પાપી સમજવો તે દેહાભિમાન છે. પોતાને અધૂરો સમજવામાં દોષ નથી. તે તો ભગવાનને રસ્તે ચાલનારાના ભાગ્ય સમજવા. કારણ પોતાનામાં ખામી જોવી અને ભગવાનમાં ગુણ જોવો તે ભાગ્યશાળી સાધકને જ પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનના આશ્રયનું બળ લઈને પોતાનું નિયત કર્તવ્ય ન કરવું-નિયત સાધન ન કરવું. તે પણ દેહાભિમાનનું જ એકરૂપ છે. તે વધારે ભયંકર છે. જલદી સાધકથી પકડાય તેમ નથી. માટે અહીં ભગવાન અર્જુનને કહે છે, ‘युध्यस्व’ તું તારું કર્તવ્ય બજાવ. મેં મારું કર્તવ્ય પ્રથમ બજાવીને આ બધાનું મૃત્યુ નિયુક્ત કરી દીધું છે. તેમ જ સાચા સાધકના આંતર-બહારના શત્રુઓના નાશ કરનારા પરમાત્મા છે તેની ચિંતા સાધકને કરવાની હોતી નથી. તેને પરમાત્માનો બની રહેવાની અને પરમાત્માની આજ્ઞા કે ઈચ્છા અનુસાર બરાબર સાવધાનીપૂર્વક કર્તવ્ય બજાવવાની કરવાની છે. ભગવાન કહે છે(આશીર્વાદ આપે છે) તમારો વિજય થશે. સાધકની અને અર્જુનની મૂંઝવણ સમાન છે. અર્જુનની સામે ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ તે કોઈ રીતે મરી શકે તેવા ન હતા. કોઈ યોદ્ધો તેમના મૃત્યુની કલ્પના પણ ના કરી શકે; પરંતુ ભગવાન કહે મેં તેમને પણ મારી દીધા છે. હવે તું યુદ્ધ કર. નિમિત્તમાત્ર બની જા. તેમ અંતરબાહ્ય શત્રુને જીતવાની કોઈ શકયતા દેખાતી ન હોય તો પણ સાચા સાધકે થડકાટ અનુભવવાની જરૂર નથી. એટલું જ તપાસવાની જરૂર છે, તમે પ્રામાણિકતાથી પરમાત્માના સાચા આરાધક, ઉપાસક કે આશ્રિત છો? જો હા હોય તો ચિંતા છોડી દો અને કાળજી રાખો.