ગી.અ-11, શ્લોક 15 to 31

અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોવું અને એમની સ્તુતિ કરવી

અર્જુન બોલ્યા

पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंधान्‌।
ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्‌।।१५।।

અર્થ : અર્જુન કહે છે-હે પ્રકાશમૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને તથા શંકરને તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું દેખું છું. ।।૧૫।।

ભગવાને અર્જુનને એવી વિલક્ષણ દિવ્યદૃષ્ટિ આપી છે કે, તેને દેવલોક, સમગ્ર ત્રિલોકી તથા તેના ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના લોક સામે દેખાઈ રહ્યા છે. તેથી અર્જુન કહે છે, હું આ બધાને એક સાથે છતાં પણ સંપૂર્ણપણે અલગ અલગ(प्रविभक्तम्‌) જોઈ રહ્યો છું. તે કમલાસન બ્રહ્માને જોઈ રહ્યા છે, તેથી જેના નાભિમાંથી કમલ થયું છે, એવા વિષ્ણુને પણ જોતા હોય તેમ જણાય છે. ઋષિઓને પાતાળ લોકના સર્પોને બધાને હું જોઈ રહ્યા છું.

ભગવાને અર્જુનને કહ્યું છે કે, તું મારા શરીરમાં એક જગ્યાએ ચરાચર વિશ્વને જો ‘इहैकस्थं… मम देहे’ (૧૧/૭) વ્યાસજી દ્વારા પ્રાપ્ત દિવ્યદૃષ્ટિવાળા સંજય પણ એ જ વાત કહે છે કે, અર્જુને ભગવાનના શરીરમાં એક જગ્યાએ સ્થિત સકળ જગતને જોયું. ‘तत्र एकस्थं… देवदेवस्य शरीरे’ (૧૧/૧૩) પછી અહીં અર્જુન કહે છે કે, હું આપના શરીરમાં સઘળા ભૂતસમુદાયને જોઉં છું. ‘तव देव देहे’ આ રીતે ભગવાન અને સંજયના વચનોમાં તો ‘एकस्थम्‌’(એક જગ્યાએ રહેલું) પદ આવ્યું છે; પરંતુ અર્જુનના વચનોમાં આ શબ્દ કયાંય આવ્યો નથી. એનું કારણ એ છે કે અર્જુનની દૃષ્ટિ ભગવાનના શરીરમાં જે કોઈ એક સ્થાને ગઈ ત્યાં જ તેમને વિશ્વરૂપ દેખાવા લાગી ગયું. એ વેળાએ અર્જુનની દૃષ્ટિ જ્યાં ગઈ ત્યાં અનંત સૃષ્ટિઓ દેખાવા લાગી ગઈ. તેથી અર્જુનની દૃષ્ટિ તેમાં જ ખેંચાઈ ગઈ તેથી અર્જુન ‘एकस्थम्‌’ કહી ન શકયા. ‘एकस्थम्‌’ તો ત્યારે કહી શકે કે તેને વિશ્વરૂપ દેખવાની સાથે સારથિ રૂપે બેઠેલા ભગવાનનું શરીર પણ દેખાય પણ અર્જુન તો કેવળ વિશ્વરૂપ જ જોઈ રહ્યા છે. જ્યારે સંજયને અર્જુનને દેખાતું વિશ્વરૂપ અને સારથિ રૂપે બેઠેલા ભગવાન બન્ને દેખાય છે. માટે તેના શબ્દોમાં એકસ્થ આવ્યું. જ્યારે અર્જુનને તો વિશ્વરૂપનો જ અંત નથી આવતો, એટલે મૂળરૂપમાં તે આવી શકયા નથી. ભગવાન તો પોતે પોતાના શરીરમાં એક સ્થળમાં વિશ્વરૂપ બતાવી રહ્યા છે. માટે તે તો ‘एकस्थम्‌’ એવું કહે છે. સંજય કહે છે પણ અર્જુનના શબ્દોમાં તે આવતું નથી.

હવે પ્રશ્ન એ થાય છે કે, અર્જુને ભગવાનના શરીરમાં કયા ભાગમાં વિશ્વરૂપ જોયું? જેમ યશોદાજીએ મુખમાં જોયું હતું. તેમ અર્જુનને કયા ભાગમાં વિશ્વરૂપ દેખાયું હતું? તેનો ઉત્તર એ છે કે, અર્જુને ભગવાનના શરીરમાં અમુક જ ભાગમાં વિશ્વરૂપ જોયું એવો નિર્ણય કરી શકાતો નથી. કારણ કે ભગવાનના શરીરના એક એક રોમદ્વારમાં(છિદ્રમાં) અનંત કોટિ બ્રહ્માંડો વિરાજમાન છે. क्वेदृग्विद्या विगणिताण्ड पराणुचर्या वाताध्वरोम विक्षरस्य च ते महित्वम्‌ ‘બ્રહ્માજી કહે છે, હે પ્રભો ! તમારા એક-એક રોમ છિદ્રોમાં એવા અગણિત બ્રહ્માંડો એવી રીતે ઊડતા ફરે છે, જેવી રીતે ઝરૂખાની જાળીમાંથી આવવાવાળા સૂર્યનાં કિરણોમાં રજના નાના નાના પરમાણુઓ ઊડી રહેલા દેખાય આવે છે.’ માટે જ્યાં અર્જુનની પ્રથમ દૃષ્ટિ ભગવાનના શરીર પડી ત્યાં પરોવાઈ ગઈ. ત્યાં તેને વિશ્વરૂપ દર્શન થયું પણ વિશ્વરૂપમાં એવા તો અર્જુન ભાવિત્ઓતપ્રોત થઈને અને ધ્રુજી ગયા કે કયા સ્થાનમાં દેખ્યું તે બતાવી શકયા નથી.

ભગવાને પણ એમ જ કહ્યું હતું કે, મારા શરીરના એક સ્થળે તું ચરાચર સમગ્ર વિશ્વને જો. (૧૧/૭) એટલા માટે જ્યાં અર્જુનની દૃષ્ટિ એકવાર પ્રથમ પડી ત્યાં જ તેમને સમગ્ર વિશ્વરૂપ દેખાવા લાગી ગયું.

अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरू पम्‌।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरू प।।१६।।

અર્થ : હે વિશ્વના સ્વામી સમર્થ દેવ ! હું આપને અનેક ભુજા, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા સર્વ બાજુએ અનન્ત રૂપે દેખાતા જોઉં છું. હે વિશ્વરૂપ ! હું આપનો નથી અન્ત છેડો દેખતો કે નથી મધ્ય દેખતો તેમજ આપનો આદિ ભાગ પણ હું નથી જ દેખતો. ।।૧૬।।

મને આપનામાં અનેક હાથ, અનેક મુખ, પેટ, અનેક નેત્રો દેખાય છે. તમે સમગ્રપણે અનંત છો. હું તમને ચારે તરફથી એવા દેખું છું. તમારો કોઈ અંત નથી. આદિ નથી, મધ્ય નથી. સહુથી પહેલા શ્લોકમાં અંત શબ્દ કહેવાનો ભાવ એ છે કે જ્યારે કોઈ કોઈકને દેખે છે તો સીમાઓ ઉપર પ્રથમ દૃષ્ટિ જાય છે. એની સીમાઓ કયાં સુધી લંબાયેલી છે ! તેને આધારે તેની મહાનતા મપાય છે. તેથી વિશ્વરૂપનો તો અંત જ નથી. પછી આદિ દેખવામાં આવે છે. જો આ બન્ને મહત્તાવાળા હોય તો મધ્યમ તો મહત્તાવાળું હોય જ. તેમ જેનો આદિ કે અંતનો થાહ લઈ શકાતો નથી તો મધ્યમાં પણ તેવા જ છે. તેથી વિશ્વરૂપ છો, અને વિશ્વના માલિક પણ તમે છો.

किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दिप्तिमन्तम्‌।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम्‌।।१७।।

અર્થ : હું આપને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા તથા સર્વથા તેજના સમૂહરૂપ અને સર્વ બાજુએથી મહા કાન્તિમાન તથા બળતો અગ્નિ અને સૂર્યને સમાન પ્રકાશમય અને સર્વ બાજુએથી અમાપસ્વરૂપ અને સામું પણ ન જોઈ શકાય એવા દુર્નિરીક્ષ્યરૂપ આપને દેખું છું. ।।૧૭।।

હું આપને શંખ, ચક્ર, ગદા અને કિરીટથી યુક્ત જોઉં છું. અર્થાત્અર્જુનને વિશ્વરૂપમાં પણ ચર્તુભુજ વિષ્ણુરૂપે દેખાતા હતા. આપ તો તેજોરાશિ છો, તેજનો સમૂહ છો. તમારો પ્રકાશ ચારે બાજુ પ્રસરી રહ્યો છે. આપની કાંતિ અતિ દેદીપ્યમાન હોવાથી આપની સામે નેત્રો ધારી શકાતા નથી, એવા દુર્નિરીક્ષ્ય છો. અહીં એક મોટા આશ્ચર્યની વાત એ છે કે ભગવાને અર્જુનને દિવ્યદૃષ્ટિ આપી છે પણ એ દિવ્યદૃષ્ટિવાળા અર્જુન પણ એ વિશ્વરૂપને જોવાને પૂરા સમર્થ નથી થઈ શકતા. એવું દેદીપ્તમાન ભગવાનનું સ્વરૂપ છે. આપ સર્વ તરફથી અપ્રમેય અપરિમિત છો. આપ પ્રમાનો વિષય બની શકતા નથી. પ્રમાણો તમને માપવા ટૂંકા પડે છે, તેથી સંકેત નિર્દેશ કરી શકે છે. इदं तया નથી કહી શકતા.

त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम्‌।

त्वमव्यय: शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे।।१८।।

અર્થ : આપજ જાણવા યોગ્ય-સેયસ્વરૂપ પરમ અક્ષર છો. આપજ આ સકળ વિશ્વના પરમ નિધાન-આશ્રય છો. શાશ્વત-સનાતન ધર્મના રક્ષક આપજ છો તથા અવ્યય. સ્વરૂપ સનાતન પુરુષ-પરમાત્મા આપજ છો. એમ મારો મત-અભિપ્રાય છે. ।।૧૮।।

ઉપનિષદ્માં કહેવામાં આવ્યું છે જે, પરા અને અપરા-‘દ્વે વિદ્યે વેદિતવ્યે’ બે વિદ્યા જાણવા યોગ્ય છે તેમાં ‘अथ परा यया तदक्षरमधिगम्यते (मु. १-१-५) જે પરા વિદ્યાથી જાણવા યોગ્ય અક્ષર છે, તે આપ છો. તમે अस्य विश्वस्य परं निधानम्‌-તમે આ વિશ્વના પરમાધાર છો. ‘निधियन्ते’ अस्मिन्‌ इति निधानम्‌ निधानानाम्‌ अपि निधानम्‌ इति परं निधानम्‌ એવા આપ છો. તમો અવ્યય સ્વરૂપ છો. તમારું જે સ્વરૂપ, ગુણો, વૈભવ તે સનાતન-સર્વદા રહેનારા છે. એવા આપ છો. તમે શાશ્વત ધર્મના -રક્ષક છો. सनातनस्त्वं पुरुषो मतो मे-‘वेदाहमेतं पुरुषं महन्तम्‌’ ઈત્યાદિ મંત્રોમાં કહેલા સનાતન પુરુષ તમે જ છો. તેનું મને આજે ભાન થાય છે. સાક્ષાત્કાર થાય છે કે એ બધા વર્ણનોમાં બતાવેલા પરોક્ષ સ્વરૂપો તે યદુકુલતિલક સ્વરૂપ સાક્ષાત્તમે જ છો.

अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम्‌।
पश्यामि त्वां दीप्त हुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम्‌-।।१९।।

અર્થ : આપને આદિ, મધ્ય અને અન્તે વજિર્ત, અનન્ય વીર્ય-પરાક્રમવાળા, અનન્ત ભુજાઓવાળા, ચન્દ્ર-સૂર્યરૂપ નેત્રોવાળા, પ્રજ્વલિત જવાળાઓવાળો અગ્નિ જેના મુખમાં રહેલો છે અને પોતાના તેજથી આ સઘળા વિશ્વને તપાવતા એવા હું જોઉં છું. ।।૧૯।।

અત્યાર સુધી આશ્ચર્યચકિત કરવાવાળા દિવ્યરૂપનું વર્ણન કરીને હવે પરમાત્માના ઉગ્રરૂપનું-કાળ સ્વરૂપનું વર્ણન કરે છે. હે ભગવન્! આપ આદિ, મધ્ય, અંત રહિત છો, अनन्तवीर्यम्‌ આપ પ્રચંડ શક્તિવાળા છો. અહીં વીર્ય શબ્દથી એકલી તાકાત જ નહિ પણ જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય શક્તિ, તેજ એ છએ ઐશ્વર્યના પ્રતીક રૂપે લેવાના છે. ‘सन्नियोग विशिष्टानाम्‌ अन्यतरउक्तौ इतरत्‌ अपि सिध्यति-इति अभिप्राय:’ આ છએ ગુણો ભગવાનમાં સાથે જ રહેનારા હોવાથી એકના ઉલ્લેખથી બધાનો ઉલ્લેખ લઈ લેવો જોઈએ. તેથી આપ અનવધિકાતિશય જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, તેજના ધણી છો, ધારણ કરનારા છો. અનંત બાહુથી પણ એકલા બાહુ જ નહિ પણ તમામ અંગોની અનંતતા લેવાની છે. ‘शशिसूर्यनेत्रम्‌’ ચંદ્ર જેવા અને સૂર્ય જેવા નેત્રોવાળા અર્થાત્પ્રસાદ-પ્રતાપયુક્ત નેત્રવાળા-દૃષ્ટિવાળા દેવતા આદિ અનુકૂલપણે રહીને નમસ્કાર કરનારાને કૃપા-પ્રસાદ તેનાથી વિરુદ્ધ અસુરોને પ્રતાપ જણાવનારા એવા તેમાં પણ કેટલાક ચંદ્ર તુલ્ય અને કેટલાક સૂર્ય તુલ્ય નેત્રો છે એમ નહિ; પરંતુ બધા જ નેત્રોમાં પ્રસાદ-પ્રતાપ ધારણ કરનારા-दीप्तहूताशवक्त्रम्‌ प्रलयाग्निसमान-સંહારને અનુરૂપ કાલ મુખવાળા स्वतेजसा विश्वमिदं तपन्तम्‌-तेज: पराभवं सामर्थ्यम्‌ પોતાના પરમ તેજથી સમગ્ર જગતનો પરાભવ કરનારા આપ છો. त्वां पश्यामि એવા તમોને હું દેખું છું. આવા સર્વના સ્રષ્ટા, સર્વના આધાર, સર્વના શાસક, સંહારક, જ્ઞાનાદિ અપરિમિત ગુણસાગર તમે જેવા તમને બતાવ્યા હતા તેવા જ અત્યારે હું સાક્ષાત્કાર કરી રહ્યો છું.

द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वा:।
दृष्टवाद्‌भूतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्‌।।२०।।

અર્થ : હે મહાત્મન્! સ્વર્ગ લોક અને આ પૃથ્વી લોક એ બેનો વચલો સઘળો આકાશનો ભાગ તથા સર્વ દિશાઓ તમો એકલાથી જ વ્યાપ્ય-પૂર્ણ છે અને આ આપનું આશ્ચર્યકારી અને ઉગ્ર-ભયંકર રૂપ જોઈને સઘળી ત્રિલોકી અતિશય તથા પામી ગઈ છે. ।।૨૦।।

દ્યુલોક અને પૃથ્વીલોકની વચ્ચે સમગ્રપણે તમારું શરીર સમાઈ રહ્યું છે. તેનું તાત્પર્ય ઉપરના તમામ લોકો અને નીચેના તમામ લોકો તથા વચ્ચે રહેલો આકાશ સંપૂર્ણપણે તમારા શરીરથી ભરાઈ ગયો છે. ઓગણીસમાં શ્લોકમાં તથા આ વીસમાં શ્લોકના પૂર્વાર્ધમાં ઉગ્રરૂપનું વર્ણન કરીને હવે બાવીસમાં શ્લોક સુધી ઉગ્રરૂપના પરિણામનું-અસરનું વર્ણન કરે છે. આપના આ અદ્ભુત દેદીપ્યમાન અને ભયંકર ઉગ્રરૂપને જોઈને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં રહેવાવાળા બધા જ પ્રાણીઓ વ્યથિત થઈ રહ્યા છે અને ભયભીત થઈ રહ્યા છે. જો કે આ શ્લોકમાં સ્વર્ગ અને પૃથ્વીની જ વાત કરી છે(द्यावा पृथिव्यो:) તો પણ અર્જુન દ્વારા ‘लोकत्रयम्‌’ કહેવા અનુસાર અહીં તમામ લોક લઈ લેવા યોગ્ય છે. કારણ કે અર્જુનની દૃષ્ટિ ભગવાનના શરીરના કોઈ એક ભાગમાં પડી રહી છે અને ત્યાં અર્જુનને જે દેખાઈ રહ્યું છે એ દૃશ્ય કયારેક પાતાળનું છે, કયારેક મૃત્યુલોકનું છે અને કયારેક સ્વર્ગ લોકનું છે.આ રીતે અર્જુનની દૃષ્ટિના સામે બધા દૃશ્યો વિના ક્રમે આવી રહ્યા છે.

અર્જુને સ્વર્ગથી પાતાળ સુધી તથા પાતાળથી સ્વર્ગ સુધી ક્રમપૂર્વક વિશ્વરૂપને જોયું હોય એમ નથી લાગતું. અર્જુન ભગવાનની આપેલી દિવ્યદૃષ્ટિથી સ્વર્ગ, ભૂમંડલ, પાતાલ બધાને એક સાથે જોઈ રહ્યા છે અને જેમ જોઈ રહ્યા છે તેમ જ બોલી રહ્યા છે. હે દેવ ! હું આપના શરીરમાં દેવતાઓને જોઈ રહ્યો છું. પ્રાણીઓના અલગ-અલગ સમુદાયોને જોઈ રહ્યો છું. કમલપર બેઠેલા બ્રહ્માજીને જોઈ રહ્યો છું. કૈલાસ પર વિરાજમાન શંકરને જોઈ રહ્યો છું. તમામ ઋષિઓને જોઈ રહ્યો છું, સર્પોને જોઈ રહ્યો છું. (ગી. ૧૧/૧૫) વગેરે વગેરે અર્જુનને એમ કહેવામાં તો વાર લાગી છે; પરંતુ એવા(બધાને એક સાથે) દેખવામાં વાર નથી લાગી. એટલા માટે અર્જુનના વચનોમાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ વગેરે લોકોનો કોઈ ક્રમ નથી.

અહીં એક શંકા થાય છે કે, જો વિશ્વરૂપને જોઈને ત્રિલોકી(અર્થાત્ત્રિલોકના વાસીઓ) વ્યથિત થઈ રહ્યા છે તો દિવ્યદૃષ્ટિ વિના ત્રિલોકવાસીને વિશ્વરૂપ દેખાયું કેવી રીતે? ભગવાને તો કેવળ અર્જુનને જ દિવ્યદૃષ્ટિ આપી હતી. ત્રિલોકવાસી કેવી રીતે દેખી શકે? કારણ કે ચર્મચક્ષુથી તો વિશ્વરૂપ જોઈ શકાતું નથી અને અર્જુન બતાવી રહ્યા છે કે ‘विश्वमिदं तपन्तम्‌’ (૧૧/૧૯) ‘लोकत्रयं प्रव्यथितम्‌’ ત્રિલોકના વાસીઓ સંતપ્ત અને વ્યથિત થયાનું બતાવી રહ્યા છે.

તેનું સમાધાન એ છે કે, ભગવાન પોતાનું વિશ્વરૂપ અર્જુનને જ બતાવવા ઈચ્છતા હતા. શરૂઆત પણ એમ જ કરી હતી કે, ‘दर्शयामास पार्थाय’ (૧૧/૯) દેવતાને તો અધિકાર નથી પ્રાપ્ત થયો(ભક્તિના અભાવે) તો પણ દેવતાને ભગવાનના દર્શનમાં ઈચ્છા તો રહે જ છે. પછી ભગવાને વિચાર્યું છે કે મારા અવતારના બધાને વગર પુણ્યે દર્શન થાય જ છે તો ત્યારે દેવતા તો અતિ પુણ્યશાળી છે. વળી મારું નિત્યદર્શન કરવાની ઈચ્છા છે જ. ‘देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: (૧૧/૫૨) અને ત્રીજી વાત એ વિચારી કે અર્જુનને પોતાનું નિરંકુશ ઐશ્વર્ય બતાવવા કે મારું આ રૂપ જોઈને તો મોટા મોટા દેવતા ધ્રૂજી જાય છે, એવું અર્જુનને વાસ્તવિક માહાત્મ્ય બતાવવા અધિષ્ઠાતા દેવોને તથા ઋષિઓને જે બધા યુદ્ધ જોવા તો આવેલા જ હતા તેને દર્શન થયા છે. માટે અર્જુનને પોતાનો મહિમા બતાવવા ખાતર પણ ભગવાને તેઓને દર્શન કરાવ્યા છે. તેથી અર્જુન એવું બોલી રહ્યા છે કે ત્રિલોકીના વાસીઓ સંતપ્ત અને વ્યથિત થઈ ગયા છે.

દેખવા, સાંભળવા અને સમજવામાં આવવાવાળો સમગ્ર સંસાર સાચે જ ભગવાનનું વિરાટ શરીર છે. ભગવાન તેના શરીરી છે. સંસારમાં જે જડતા, પરિવર્તનશીલતા અને અદિવ્યતા દેખાય તે ભગવાને સહેતુક રાખી છે. પોતાનું સ્વરૂપ ઓળખાવવા જ એવું આયોજન કરેલું છે. પરમાત્માની દિવ્ય ઝલક આ જડ સંસારમાં પણ વ્યાપેલી છે અને જોવાવાળાને સાક્ષાત્દેખાય છે. સંસારની જે અદિવ્યતા છે, તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જ્યારે દિવ્યતાની-ભગવત્તાની તો સ્વતંત્ર સત્તા છે. અર્જુનને ભગવાને દિવ્યદૃષ્ટિ આપી પોતાનું દર્શન કરાવ્યું; પરંતુ પરમાત્માના એકાંતિક ભક્તોને ભાવદૃષ્ટિથી સમગ્ર સંસાર પરમાત્મા સ્વરૂપ દેખાય છે. સર્વત્ર પરમાત્માનું દર્શન થાય છે. ‘वासुदेव: सर्वम्‌’ इति જેમ બચપણમાં બાળકોને રમતી વખતે કાંકરા પથરામાં ભાવ રહે છે. મોટો થતાં તે ભાવ રહેતો નથી. એવી જ રીતે ભોગદૃષ્ટિ રહે છે ત્યાં સુધી તેને માટે સંસાર છે; પરંતુ ભોગદૃષ્ટિ દૂર થતાં સંસાર તેને સંસારરૂપ નથી દેખાતો. પરમાત્માની લીલાના ઉપકરણરૂપ દેખાશે. તેમાં પરમાત્માના દર્શન થશે.

જેમને ભોગદૃષ્ટિ હોય છે તેમને સંસાર સત્ય દેખાય છે, જે ચર્મદૃષ્ટિ છે. વિવેકદૃષ્ટિથી સંસાર પરિવર્તનશીલ અને નાશવંત દેખાય છે. ભક્તિની પરાકાષ્ટાથી ભગવાન સ્વરૂપ દેખાશે અને દિવ્યદૃષ્ટિથી વિરાટરૂપ-ભગવાનના શરીરરૂપ દેખાય છે. શરીરનો એક દેશ-ભાગરૂપ દેખાય છે.

अमी हि त्वां सुरसंधा विशन्ति केचिद्‌भीता: प्राञ्जलयो गृणन्ति।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघा: स्तुवन्ति त्वां स्तुतिभि: पुष्कलाभि: ।।२१।।

અર્થ : આ સઘળા દેવતાઓના સમૂહો આપના પ્રત્યેજ પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે તેમજ મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો ‘કલ્યાણ હો’ એમ કહીને ઘણાં ઉત્તમ સ્તુતિવચનરૂપ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. ।।૨૧।।

દેવતાઓના સમૂહો આપના દર્શનથી હર્ષ પામી આપની સમીપ સેવા અર્થે આવી રહ્યા છે. કેટલાક આપનું ઉગ્ર રૂપ જોઈ ડરીને સ્તુતિઓ કરી રહ્યા છે. મહર્ષિ સમૂહ અને સિદ્ધોના સમૂહો સ્વસ્તિ આદિ મંગલ શબ્દો ઉચ્ચારીને સ્તુતિઓ ઉચ્ચારી રહ્યા છે.

અહીં શંકા થાય છે કે, અર્જુનમાં એક તો પોતાનું સાર્મથ્ય છે અને બીજુ ભગવાને આપેલું સાર્મથ્ય(દિવ્યદૃષ્ટિ) છે. છતાં પણ અર્જુન વિશ્વરૂપને જોઈને ડરી ગયા; જ્યારે સંજયે પણ તે જ વિશ્વરૂપ જોયું પણ તે ડરી ગયા નથી. આનું શું કારણ છે? તો સંતો તેનું સમાધાન એવું આપે છે કે ભીષ્મ, વિદુર, સંજય અને કુંતી-આ ચારેય ભગવાન શ્રીકૃષ્ણના તત્ત્વને વિશેષતાથી જાણવાવાળા હતા. એટલા માટે સંજય પહેલેથી જ ભગવાનના તત્ત્વને અને એમના પ્રભાવને જાણતા હતા. જ્યારે અર્જુન ભગવાનના તત્ત્વને એટલું નહોતા જાણતા. અર્જુનનો વિમૂઢભાવ(મોહ) હજુ સર્વથા દૂર નહોતો થયો.(ગી. ૧૧/૪૯) આ વિમૂઢ ભાવને કારણે અર્જુન ભયભીત થયા; પરંતુ સંજય ભગવાનના તત્વને જાણતા હતા. અર્થાત્એમનામાં વિમૂઢભાવ નહોતો. આથી તેઓ ભયભીત ન થયા.

ઉપર્યુક્ત વિવેચનથી એક વાત સિદ્ધ થાય છે કે, ભગવાન અને મહાપુરુષોની કૃપા વિશેષરૂપથી અયોગ્ય મનુષ્ય ઉપર થાય છે; પરંતુ એ કૃપાને વિશેષરૂપથી યોગ્ય મનુષ્યો જ જાણે છે. જેવી રીતે નાના બાળક ઉપર માનો અધિક સ્નેહ હોય છે; પરંતુ મોટો દીકરો માને જેટલી જાણે છે તથા માનો સ્નેહ અધિક છે, તે જાણે છે તેટલું નાનો દીકરો નથી જાણતો. એને ખબર નથી કે અતિ અમૂલ્ય માનો નિર્વ્યાજ સ્નેહ મારા ઉપર સૌથી વધારે છે. તે પાછો મોટો દીકરો જાણે છે; પરંતુ મોટા ઉપર એવો સ્નેહ રહેતો નથી. તેના ઉપર તો જેટલો ઘટે તેટલો રહે, વધારાનો નહિ. જેમ ભલાભોળા અને સીધાસાદા વ્રજવાસી, ગ્વાલબાલ, ગોપી, ગોવાળ અને ગાય-આમના ઉપર ભગવાન જેટલો અધિક સ્નેહ કરે છે એટલો સ્નેહ જીવનમુક્ત મહાપુરુષો ઉપર નથી કરતા(એવું અવતાર લીલામાં દેખાય છે); પરંતુ જીવનમુક્ત મહાપુરુષો ગ્વાલબાલ વગેરેની અપેક્ષાએ ભગવાનને વિશેષરૂપે જાણે છે. સંજયે વિશ્વરૂપને માટે પ્રાર્થના પણ નથી કરી અને કદાચ કરી હોત તો તેને ભગવાન બતાવે કે કેમ? એ પ્રશ્ન છે. જ્યારે વિશ્વરૂપ જોવાને માટે અને બતાવવા માટે ભગવાને જ બધી ભૂમિકા બનાવી તૈયારી કરી અને અર્જુનને પણ તૈયાર કર્યો, ઉત્કંઠિત કર્યો અને પોતાનું વિશ્વરૂપ દેખાડયું. કેમ કે સંજયની અપેક્ષાએ ભગવાનના તત્ત્વને જાણવામાં અર્જુન નાના અને કાચા હતા અને ભગવાનની સાથે સખા ભાવ રાખતા હતા. તેથી અર્જુન પર ભગવાનની કૃપા અધિક હતી. આ કૃપાને કારણે જ અંતમાં અર્જુનનો મોહ નષ્ટ થયો, ‘नष्टो मोह:… त्वत्प्रसादात्‌ (૧૮/૭૩) અને ભગવાનની અકારણ કૃપાને અર્જુને સવળા અર્થમાં લીધી. આથી સિદ્ધ થાય છે કે કૃપાપાત્ર જો સવળું લે, તો તેનો મોહ જલદી નષ્ટ થઈ જાય છે.

दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्‌वैव कालानलसन्निभानि।
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास।।२५।।

અર્થ : આપના દાઢોને લીધે ભયંકર લાગતાં અને પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજ્વલિત મુખો જોઈને હું દિશાઓ પણ જાણતો નથી, તેમ મને સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૨૫।।

યુગાન્ત-પ્રલયકાળના અગ્નિની જેમ સર્વ સંહારમાં પ્રવૃત્ત થયેલા અતિ ભયંકર તમારા મુખો જોઈને અતિ ભયભીત થઈ જવાથી મને કોઈ દિશાઓ દેખાતી નથી અને કયાંય સુખ પણ થતું નથી. માટે હે મહારાજ ! મારા પર પ્રસન્ન થાઓ. જો કે ભગવાનનો ક્રોધ કે વિકરાળતા અર્જુન પ્રત્યેની ન હતી તો પણ અર્જુન કહે છે, મને પૂર્વની માફક સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી કૃપા કરો.

अमी च त्वां धृतराष्ट्रस्य पुत्रा: सर्वे सहैवावनिपालसंघै:।
भीष्मो द्रोण: सूतपूत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यै:।।२६।।
वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि।
केचिद्‌विलग्ना दशनान्तरेषु संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गै:।।२७।।

અર્થ : આ સઘળા ધૃતરાષ્ટ્રના છોકરાઓ સર્વ અવનિપાળોએ સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, આ ભીષ્મ-પિતામહ, દ્રોણાચાર્ય અને આ સૂતપુત્ર-કર્ણ તથા અમારા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓએ સહિત સહુ કોઈ અતિ ત્વરાપૂર્વક વિકરાળ દાઢોને લીધે અતિ ભયાનક આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાક તો ભાંગી ગયેલાં મસ્તકોએ સહિત આપના દાંતોના અંતરાળ ભાગમાં વળગી રહેલા દેખાય છે. ।।૨૬-૨૭।।

આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રો-દુર્યોધન આદિ સર્વે, ભીષ્મ, દ્રોણ, કર્ણ અને તેના પક્ષમાં આવેલા બીજા રાજાઓના સમૂહ સર્વે તથા અમારા પક્ષના પણ કેટલાક યોદ્ધાઓ એકદમ વેગથી ભયંકર દાઢોથી વિકરાળ મુખોમાં વિનાશ માટે પ્રવેશ કરી રહ્યા છે. તેમાં કેટલાકના તો માથાઓ ચૂરો થઈ ને આપની દાઢોમાં ચોટી રહ્યા છે. અહીં એક શંકા થાય છે કે આ બધા યોદ્ધા લોકો હજુ તો જીવતા છે અને સામે ઊભા છે તો પછી અર્જુનને વિરાટના મુખમાં જઈ રહેલા કેમ દેખાયા? એનું સામાધાન એ છે કે ભગવાન વિરાટરૂપમાં અર્જુનને નિકટના ભવિષ્યની વાત દેખાડી રહ્યા છે .ભગવાને વિરાટ રૂપ દેખાડતી વેળાએ અર્જુનને કહ્યું હતું કે, તું બીજું પણ જે કાંઈ જોવા ઈચ્છે છે તે પણ મારા આ વિશ્વરૂપમાં જોઈ લે. (ગી. ૧૧/૭) અર્જુનના મનમાં સંદેહ હતો કે યુદ્ધમાં અમારી જીત થશે કે કૌરવોની? (ગી. ૨/૬) એટલા માટે એ સંદેહને દૂર કરવાને માટે ભગવાને અર્જુનને નિકટનું ભવિષ્ય દેખાડીને જાણે એ બતાવ્યું છે કે યુદ્ધમાં તમારી જીત થશે.

यथा नदीनां बहवोऽम्बुवेगा: समुद्रमेवाभिमुखा द्रवन्ति।
तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति।।२८।।
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगा:।
तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगा:।।२९।।

અર્થ : જેમ નદીઓના ઘણાક જળના પ્રવાહો સ્વાભાવિકપણે સમુદ્ર તરફ જ વેગપૂર્વક દોડે છે. એટલે કે સમુદ્રમાં જ જેમ પ્રવેશ કરે છે. તેમજ આ સઘળા નર લોકના વીરો પણ આપના અતિ પ્રજવલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. ।।૨૮।।

જેમ બળતા અગ્નિ પ્રત્યે પતંગીઆઓ આંધળા થઈને પોતાના નાશ અતિ વેગથી દોડતા થકા પ્રવેશ કરે છે. તેજ પ્રમાણે આ સઘળા લોક પણ પોતાના નાશને માટેજ આપના મુખોમાં અતિ વેગપૂર્વક દોડતા પ્રવેશ કરી રહ્યા છે. ।।૨૯।।

આ રાજાઓ તથા યોદ્ધાઓ સમુદ્રમાં જેમ અનેક નદીઓના પ્રવાહો વેગપૂર્વક પ્રવેશ કરે છે, તેમ જ પ્રદીપ્ત અગ્નિમાં પતંગિયા આત્મનાશ માટે વેગથી દોડીને પડે છે તેમ જ આપના કરાળ મુખમાં આત્મનાશ માટે ધસી રહ્યા છે. પોતે જ પોતાના નાશ માટે ઉતાવળા થઈ રહ્યા છે.

लेलिह्यसे ग्रसमान: समन्ताल्लोकान्‌ समग्रान्‌ वदनैर्ज्वलद्‌भि:।
तेजोभिरापूर्य जगत्‌ समग्रं भासस्तवोग्रा: प्रतपन्ति विष्णो।।३०।।

અર્થ : આપ આ સઘળા લોકોને પ્રજ્વલિત મુખોથી ગળી લેતા થકા ચોતરફથી ચાટી રહ્યા છો. હે વિષ્ણો ! આપની ઉગ્ર કાન્તિઓ સમગ્ર જગત્ને પોતાના તેજથી ભરી કાઢીને અતિ તપાયમાન જણાય છે. તપી રહી છે. ।।૩૦।।

આપ સઘળાં પ્રાણીઓને ગ્રસી રહ્યા છો અને કોઈ આમ તેમ ચાલ્યું ન જાય માટે જીભની ચારે બાજુ લપેટ લઈ રહ્યા છો અને મોઢામાં લઈને તેનું ગ્રસન કરી રહ્યા છો. તાત્પર્ય એ છે કે ભગવાનની જીભની લપેટમાંથી કોઈ પ્રાણી બચી શકતું નથી. તમારું તેજ અતિ ઉગ્ર છે. તે સમગ્ર જગતમાં પરિપૂર્ણ થઈને બધાને સંતપ્ત કરી રહ્યું છે, વ્યથિત કરી રહ્યું છે.

आख्याहि मे को भवानुग्ररू पो नमोऽस्तु ते देववर प्रसीद।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्‌।।३१।।

અર્થ : મને કહો ! કે આવા ઉગ્ર-ભયાનક રૂપવાળા આપ કોણ છો ! હે દેવવર ! આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ ! આદિપુરુષ આપને હું વિશેષપણે જાણવા ઈચ્છું છું. કેમ કે-આપની આ પ્રવૃત્તિ મારા સમજવામાં નથી આવતી. ।।૩૧।।
અર્જુને આ અધ્યાયના શરૂઆતમાં નિવેદન કર્યું કે, હે મહારાજ ! આપે મારા ઉપર ઘણી જ કૃપા કરી. આપની સમગ્ર વિભૂતિઓ કહી બતાવી છે. તે જો મારી યોગ્યતા હોય તો તે સમગ્રપણે આપનું સ્વરૂપ જોવાની ઈચ્છા છે, તો આપ બતાવો. ત્યારે ભગવાન કબૂલ થયા. દિવ્યદૃષ્ટિ પણ આપી. ભગવાન એક પછી એક પોતાના રૂપ બતાવવા લાગ્યા ત્યારે અર્જુનને વિસ્મય થયો. ભગવાનના અતિ ઘોર-ભયંકર રૂપો જોઈને ભય પણ લાગ્યો. અર્જુને વિચાર્યું કે વિભૂતિ સાંભળવામાં તો લલચામણી અને સુંવાળી જણાતી હતી. તેમાં આવી ભયંકરતાનો કોઈ અંદાજ પણ આવતો ન હતો. તો તમે આ બધું શું બતાવી રહ્યા છો? અથવા આપ કોણ છો? જો કે અર્જુન ભગવાનના વ્યક્તિત્વથી અત્યાર સુધીમાં સારી રીતે પરિચિત થઈ ગયા છે. માટે એ પ્રશ્નને કોઈ અવકાશ નથી તો પણ તાત્પર્ય એ છે કે આપની આવું ઉગ્રરૂપ દેખાડવા પાછળ કઈ પ્રવૃત્તિ કરવાનું તાત્પર્ય છે. ‘नहि प्रजानामि तव प्रवृत्तिम’ તમે તો મને તમારું સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા કરી હતી; પરંતુ આવા અતિ ભયંકર સ્વરૂપો બતાવીને આપ ભવિષ્યમાં શું કરવા ધારી રહ્યા છો? એવો અર્જુનનો પ્રશ્નાશય છે. તે શાંત થવા અર્જુન પ્રાર્થના પણ કરી રહ્યા છે. કહે છે કે, આ રૂપ મારાથી સહન થતું નથી