ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૦૧ થી ૧૧

અર્જુનવિષાદયોગ

શ્લોક ૧-૧૧

બન્ને સેનાઓના મુખ્ય-મુખ્ય શુરવીરોની ગણના તેમજ સામર્થ્યનું કથન

ધૃતરાષ્ટ્ર બોલ્યા

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव:।

मामका: पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।१।।

અર્થઃ હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ?

धर्मक्षेत्रे कुरुक्षेत्रे  : સરસ્વતી નદીનો દક્ષિણ ભાગ અને દ્રુષદ્‌વતી નદીના ઉત્તર ભાગના મધ્યમાં આવેલા પ્રદેશને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે. તેની લંબાઈ પહોળાઈ પાંચ પાંચ યોજન માનવામાં આવે છે. અત્યારે આ સ્થાન અંબાલાથી દક્ષિણ અને દિલ્હીથી ઉત્તર બાજુએ આવેલું છે. અત્યારે પણ એ વિસ્તારનું નામ ‘કુરુક્ષેત્ર’ જ છે. સમંતપંચક નામથી પણ ઓળખાય છે.

કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં દેવતાઓએ યજ્ઞ કર્યો હતો. कुरुक्षेत्रं देवयजनम्‌। એવી શ્રુતિ પણ છે. વળી કુરુ રાજાએ અહીં તપ કરેલું હતું. તેથી તેનું નામ કુરુક્ષેત્ર પડયું છે અને દેવતાઓની યજ્ઞ ભૂમિ હોવાથી તેને ધર્મક્ષેત્ર પણ કહેવાય છે.

ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર-આ બન્ને શબ્દોની સાથે ક્ષેત્ર શબ્દ જોડાયેલો છે. સંસારમાં ઘણું કરીને ભૂમિ, ધન અને સ્ત્રી માટે જ લડાઈ થતી હોય છે. ‘જર, જમીન અને જોરુ, ત્રણેય કજિયાના છોરુ’ તેમાં પણ રાજાઓની લડાઈ જમીન (રાજ્ય) માટે જ થતી હોય છે. તેમાં પણ અહીં कुरु એવો શબ્દ સાથે જોડાયેલો છે. આ જમીન કુરુની છે. એટલે કૌરવ-પાંડવો બન્ને કુરુ હોવાથી બન્નેનો સરખો અધિકાર છે. એક પિતાની મિલકત છે. તેની વહેંચણી માટે યુદ્ધે ચડ્યા છે એવો ભાવ જણાય છે.

આધ્યાત્મિક અર્થ

धर्मो विष्णु: धर्मस्य क्षेत्रम्‌ अर्थात्‌ विष्णो: क्षेत्रम्‌। વિષ્ણુનું સ્થાન એટલે આ શરીર. કારણ કે શરીરમાં ભગવાન અખંડ રહ્યા છે. તેને રહેવાનું આ ઠેકાણું છે. માટે આ શરીર તે ભગવાનનું ક્ષેત્ર છે.

કુરુક્ષેત્ર પણ આ શરીર છે. कुरव: करणानि तेषां क्षेत्रं शरीरम्‌। એટલે કુરુક્ષેત્ર પણ શરીર જ છે. વળી શ્રીજી મહારાજે ગ.પ્ર.૭૦ના વચનામૃતમાં કહ્યું છે કે, જીવના હૃદયમાં કુરુક્ષેત્રની માફક દૈવી અને આસુરી સંપત્તિનું યુદ્ધ ચાલે છે. માટે આ શરીર પણ કુરુક્ષેત્ર છે. તેમાં દૈવી સંપત્તિનો વિજય થાય એ માટે ગીતાના જ્ઞાનની જરૂર છે.

समवेता युयुत्सव:- समवेता એટલે મળેલા અને युयुत्सव: એટલે યુદ્ધની ઈચ્છાવાળા. ખરેખર યુદ્ધ કરવાની ઈચ્છા વિશેષરૂપે તો દુર્યોધનની જ હતી. પાંડવોની ઈચ્છા હતી નહિ. છતાં માતા કુંતીની આજ્ઞાથી તેઓ યુદ્ધ કરવા તૈયાર થયેલા. માતા કુંતી પણ ખૂબ જ સહનશીલા અને પતિવ્રતા હતાં. જેણે ભગવાન પાસે દુઃખનું વરદાન માગ્યું હતું તેથી તે સુખલોલુપ ન હતા પણ દ્રૌપદીની લાજ અને વિષ્ટિ સમયે દુર્યોધનાદિ દ્વારા થયેલા કૃષ્ણના અપમાન જેવા અધમ કૃત્યો જોઈને આ દુષ્ટોનું મૃત્યુ એ એમના ભલા માટે છે. વધુ જીવશે તો વધુ પાપ કરશે. માટે તેમનો અંત એ જ સારું છે. આમ વિચારીને આજ્ઞા આપેલી અને યુધિષ્ઠિરે પણ એ આજ્ઞા શિરોમાન્ય કરી, નહિ કે રાજ્ય સુખના લોભે યુદ્ધ કરવાની ઈચ્છા કરી હતી.

શરીર=ક્ષેત્ર, અંતઃકરણ=ક્ષેત્ર, ધર્મ=ભગવાન

समवेता: એટલે समवाय सम्बन्धेन स्थित:। જે બે પદાર્થો નિત્ય સંબંધથી જોડાયા હોય તે સમવેત કહેવાય. પાંડવો અને કૌરવો વચ્ચે નિત્ય એવો લોહીનો સંબંધ રહેલો છે. બન્ને એક જ વંશના છે; છતાં પણ યુદ્ધ કરવા તૈયાર થયા છે. તેવી જ રીતે મનરૂપી એક જ સ્થળ (વંશ)માં કામ પણ પેદા થાય ને બ્રહ્મચર્ય પણ. સંતોષ અને લોભ પણ. ક્રોધ અને સમાધિ વગેરે દૈવી અને આસુરી સંપત્તિના ગુણ દોષો મનરૂપી એક જ પિતાના સંતાન હોવા છતાં બન્ને વચ્ચે સઘંર્ષ ચાલ્યા જ કરે છે. समवेता अपि युयुत्सव:। मामका: पाण्डवाश्चैव= मामका: એટલે મારા દુર્યોધનાદિ સો પુત્રો અને તેના યોદ્ધાઓ અને पाण्डवा: એટલે યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવો અને સૈનિકો. અહીં ખરેખર તો કૌરવો અને પાંડવોના એક પિતાને સ્થાને ધૃતરાષ્ટ્ર રહેલા છે. તેની દૃષ્ટિ એ બંનેમાં સમાન હોવી જોઈએ અને પાંડવો પણ તેને પોતાના પિતા તુલ્ય માને છે. છતાં ધૃતરાષ્ટ્રને મોહને કારણે તેમાં વિષમ દૃષ્ટિ આવી છે. ખરેખર धृतराष्ट्र પોતાના નામાનુસાર ગુણો ધરાવે છે. धृत: राष्ट्र: येन स:। રાજ્ય પાંડુનું છે. તે પાંડવોને જ મળવું જોઈએ પણ વચ્ચેથી એમણે પકડી રાખ્યું છે. છોડતા નથી માટે તેનું નામ ધૃતરાષ્ટ્ર છે. તેવી જ રીતે આ દુનિયા પ્રભુની છે. માલિક તે છે; છતાં પણ જીવ વચ્ચેથી મારું મારું કરીને પકડી રાખે છે અને ધૃતરાષ્ટ્ર થઈ બેઠો છે. धृतराष्ट्र એટલે આંતર દૃષ્ટિહીન, જગતની સાથે મિથ્યા સંબંધ જોડનાર. આવા ધૃતરાષ્ટ્રની વિષમ દૃષ્ટિ તેમના શબ્દોમાં જણાઈ આવે છે.

मामका:-આસક્તિ સૂચક આ શબ્દ છે. मम मम इति कथयन्ति गायन्ति इति ममका:, ममका: एव मामका:। મારું મારું જે કરે તે મામકાઃ – કૌરવો છે. જેવો ભાવ અંતરમાં પડયો હોય તેવો વાણીમાં વ્યકત થાય છે. पाण्डवा: એવો શબ્દ એમ સૂચવે છે કે પાંડુ કોઈ ઈતર વ્યક્તિ હોય, જેને પોતાની સાથે કોઈ સંબંધ ન હોય એવો ભાવ શબ્દમાં જણાઈ આવે છે.

किम्‌ अकुर्वत- किम्‌ શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે. (૧) વિ`કલ્પ (૨) નિંદા અને (૩) પ્રશ્ન. હવે આગળ તેર અધ્યાય સુધી યુદ્ધ વર્ણન સાંભળ્યું છે. તેથી યુદ્ધ કર્યું કે નહિ? એવા વિકલ્પને અહીં અવકાશ નથી. આ શું કરી બેઠા (ખૂબજ ખોટું કર્યું છે.) એવો પણ ધૃતરાષ્ટ્રના હૃદયમાં ભાવ નથી. તેથી યુદ્ધ સાંભળ્યું હોવા છતાં પણ વિશેષરૂપથી કોનું કોની સાથે યુદ્ધ થયું ? તેનું શું પરિણામ આવ્યું ? એવો અહીં ધૃતરાષ્ટ્રનો ભાવ છે.

હે સંજય ! એ સંબોધનનો ભાવ પણ रागद्वेषादिदोषानां कृत: सम्यक्‌ जय: येन स:। હે સંજય તું રાગદ્વેષ રહિત છે માટે મને નિષ્પક્ષ હકીકત કહીશ.

આ શ્લોકના આદિમાં ધર્મશબ્દનું ઉચ્ચારણ હોવાથી સહજ રીતે શાસ્ત્રનું મંગલાચરણ પણ આવી જાય છે.

ખરેખર ગીતામાં किमकुर्वत… એ પ્રશ્નનો ઉત્તર यत्र योगेश्वर: कृष्ण:... એ શ્લોકમાં અપાયેલો છે. કારણ કે, દુર્યોધનની વિજયબુભુત્સાથી ધૃતરાષ્ટ્રે પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન એમ છે કે, પ્રશ્ન અને તેના ઉત્તરમાં આટલો બધો વિલંબ કેમ ? તો ધૃતરાષ્ટ્રના હૃદયમાં વિશ્વાસ આવે એટલા માટે અવાન્તર वृतांत વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રશ્નનો ગર્ભિત ભાવ દુર્યોધન વિજય બુભુત્સા કેમ હોઈ શકે ? તો મહાભારતના પૂર્વાપર વર્ણનો જોતાં તે સ્પષ્ટ થાય છે. समवेता युयुत्सव: યુદ્ધ કરવા તો આવ્યા જ છે. તે યુદ્ધ જ કરે માટે પ્રશ્નનો સવાલ રહેતો નથઞ. માટે પ્રશ્નનો આશય બીજો છે. તો પછી પ્રશ્નનો આશય એ હોય કે કોણ કોની સાથે લડ્યું તે સાંભળવાની ઈચ્છા હોય તો તે પણ ઘટતું નથી. કારણ ? તે સંબંધી પ્રશ્ન ગીતા પૂરી થતાં ધૃતરાષ્ટ્રે પૂછેલો જ છે. તો પછી किमकुर्वत નો ભાવ શો ? જેમ બુભુત્સુ જમવા બેઠો અને તે સંબંધી કોઈ પ્રશ્ન કરે કે તેણે શું કર્યું ? તો તે શું કરવાનો છે ? જમવાનો જ. પ્રશ્નની આકાંક્ષા એ નથી પણ પ્રશ્નની આકાંક્ષા એવી છે કે, એણે માનસીપૂજા કરી ? વિશ્વદેવ, સ્તુતિ પાઠ કર્યા કે સીધો જમવા માંડ્યો ? તેમ અહીં પણ યુદ્ધ માટે તો આવ્યા જ છે પણ ધર્મક્ષેત્રે કહીને વિજયસૂચક અવાંતર પ્રવૃત્તિ કોણે કોણે શું કરી ? તેના જવાબમાં સંજયે સમગ્ર ગીતા वृतांत કહી બતાવ્યું અને છેલ્લે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ કહી જે હેતુક પ્રશ્ન હતો તેનો ઉત્તર આપ્યો.

સંજય બોલ્યા

दृष्टवा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा।

आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत्‌।।२।।

અર્થઃ તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યાં.

तदा तु व्यूढं पाण्डवानीकं दृष्टवा=तदा એટલે યુદ્ધોદ્યોગ સમયે અને तु શબ્દ વૈલક્ષણ્ય બતાવનારો છે. વૈલક્ષણ્ય શું ? તો ધૃતરાષ્ટે પોતાના પુત્રો અને પાંડુના પુત્રોના વિષયમાં પ્રશ્ન પૂછયો છે તો તેમાં તો બન્નેમાં ખૂબ જ વિલક્ષણતા છે. એવું કહેવા માટે ટૂ શબ્દનો પ્રયોગ કર્યો છે. સેના જોઈને અર્જુન સહજ ક્ષત્રિય સ્વભાવથી બોલ્યા કે ‘‘सेनयोरुभयोर्मध्ये… कैर्मया सह… અને દુર્યોધન પાંડવોની સેના જોઈને ભયભીત થઈ આચાર્ય પાસે દોડી ગયો. આ તેનું વૈલક્ષણ્ય છે. પાંડવોની સેના વ્યૂહ રચનાથી ગોઠવાયેલી છે. વજ્ર વ્યૂહમાં ઊભેલી છે. વળી દેખાવમાં પણ બીજા પર પ્રભાવ પાડનારી છે. તેમની સેનામાં એક જ ભાવ છે, મતભેદ નથી. વળી તેમાં ધર્મિષ્ઠ યોદ્ધાઓ અને સ્વયં શ્રીકૃષ્ણ ઊભા છે. તેથી થોડી સેના હોવા છતાં ખૂબજ ઊંડી અસર પાડનારી છે. કારણ કે જે પક્ષમાં ધર્મ અને ભગવાન હોય તેની બીજા પર ખૂબ અસર પડે છે. તેથી દુર્યોધન પર ઊંડી અસર પડી છે.

राजा दुर्योधन: દુર્યોધન સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે ગયો. અહીં દુર્યોધન માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો એવો ભાવ છે કે, દુર્યોધન કેવળ શોભાનું પૂતળું જ છે. राजते इति राजा તેનામાં ક્ષત્રિય સ્વભાવ નથી. જ્યારે અર્જુન શ્રીકૃષ્ણને કહે છે ત્યારે धनुरुधम्य पाण्डव પાંડુનો પુત્ર એવો પ્રયોગ કર્યો છે. ક્ષત્રિયનો દીકરો યુદ્ધમાં આગળ ધસે પણ ગભરાય નહિ. પોતાનું સ્થાન છોડે નહિ. વળી રાજા શબ્દનો એ પણ ભાવ છે કે, દુર્યોધનને રૂઢ થઈ ગયું છે કે હું જ આનો રાજા છું. તે પોતાનું રાજ્ય ઓછું કરવા હજુ પણ મચક આપતો નથી.

आचार्यमुपसङगम्य-દ્રોણાચાર્યની પાસે જઈને એનો ભાવ એમ છે કે, પાંડવ સેનાની વ્યૂહ રચના એવી વિચિત્ર ઢંગથી કરાયેલી હતી કે દુર્યોધન ચકિત થઈને તેની સૂચના આપવા સ્વયં આચાર્ય પાસે ગયો કે જેથી તેના કરતાં પણ વધારે વિચિત્ર રૂપથી આપણી સેનાની રચના કરવા ભીષ્મને સલાહ આપે. પ્રશ્ન એ થાય છે કે દુર્યોધન સેનાપતિ ભીષ્મપિતામહ પાસે કેમ ન ગયો અને દ્રોણાચાર્ય પાસે શા માટે ગયો ? તો તેનો ભાવ એમ છે કે, મહાભારતના પ્રસંગોનુસાર દુર્યોધન ખુદ ભીષ્મથી ડરે છે અને તેમાં પણ સંવાદને જોતાં બધી ખામીઓ સેનાપતિ ભીષ્મને વધુ લાગુ પડે છે; પરંતુ ભીષ્મને મુખોમુખ તો કેમ કહી શકાય ! તેથી આડકતરી રીતે દ્રોણાચાર્ય પાસે રજૂ કરી છે. ખરેખર તો શ્લોકો પરથી દુર્યોધનની અતિ માનસિક અસ્વસ્થતા દેખાઈ આવે છે. પ્રથમ તેને દ્રોણાચાર્ય પાસે જવું જોઈએ. પ્રણામ કરીને પછી સેના દર્શન કરવું જોઈએ અથવા પોતે રાજા છે માટે સેનાપતિને પોતા પાસે બોલાવવા જોઈએ. વળી પોતે ક્ષત્રિય છે માટે યુદ્ધ ભૂમિમાં પોતાનું સ્થાન છોડવું ન જોઈએ. ગુરુને આજ્ઞા ન આપવી જોઈએ. છતાં પણ આ બધું થયું છે. તેનો ભાવ એ છે કે પોતે અત્યંત ભયભીત થયેલો છે. માનસિક અસ્વસ્થ છે તે ભય પાંડવ સેનાનો અને પોતાના ભીષ્મ, દ્રોણાદિ યોદ્ધાઓનો પણ છે. માટે કોઈપણ અધર્મી વ્યક્તિ કયારેય પણ નિર્ભય હોઈ શકે નહિ. તે દુર્યોધન અધર્મી જેવી માનસિક તાણ અનુભવી જ રહ્યો હોય છે. વળી દ્રોણાચાર્યનું સ્થાન કૌરવ સેનામાં ખૂબજ અગત્યનું છે તેથી પણ દુર્યોધન તેમની પાસે ગયો હોય આમ આ પંક્તિના અનેક ભાવ નીકળે છે.

वचनम्‌ अब्रवीत्‌-‘દુર્યોધન વચન બોલ્યો’ અહીં राजा अब्रवीत्‌ એટલું જ કહ્યું હોત તો પણ ચાલત. વચન શબ્દ મૂકવાની જરૂર નહતી; છતાં પણ વચન શબ્દ મૂક્યો છે તેનો એ ભાવ છે કે, દુર્યોધનને પોતે શું બોલે છે ? તે યોગ્ય કે અયોગ્ય છે કે નહિ તેની પૂરી સભાનતા નથી. પોતે ગુરુને આજ્ઞા કરી રહ્યો છે અને અસ્તવ્યસ્તતા જોઈને કેવળ બોલવા ખાતર કંઈક બોલ્યો છે.

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्‌।

व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता।।३।।

અર્થઃ હે ગુરુદેવ ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ.

હે આચાર્ય ! तव शिष्येण धीमता द्रुपदपुत्रेण व्यूढां महतीं चमूम्‌ મૂળ શ્લોકમાં દુર્યોધનના બોલવામાં જે વિનયથી, હે આચાર્ય ! એવું સંબોધન થવું જોઈએ તે ચુકાઈ ગયું છે અને સીધી આજ્ઞા સરી પડી છે पश्य एतां એટલે આ ખૂબજ નજીકમાં ઊભેલી સેના, તેનો ભાવ એ છે કે તમારા જેવા મહા શૂરવીરને પણ નહિ ગણીને નિર્ભયપણે અતિ નજીક રહેલી આ સેનાને તમે જુઓ.

તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યૃમ્ને વ્યૂહ રચના કરેલી છે. तव शिष्येण કહેવાનો ભાવ એ છે કે, તમારો શિષ્ય તમારી પાસેથી વિદ્યા શીખીને તમારી સામે મોરચો માંડીને બેઠો છે.

धीमता કહેવાનો ભાવ એ છે કે, તમારા વધ માટે જેનો જન્મ થયો છે; છતાં તમારી જ પાસેથી સમગ્ર શસ્ત્રવિદ્યા ભણી ગયો છે. આપ ભોળા હૃદયના છો. તે આવો કૂટનીતિજ્ઞ છે અને કેવી વ્યૂહરચના કરી છે કે અલ્પ સેના પણ અતિ મોટી અને ભયાવહ દેખાય છે.

द्रुपदपुत्रेण-ધૃષ્ટદ્યુમ્ન ન કહેતાં દ્રુપદપુત્ર એવો પ્રયોગ કેમ કર્યો ? દુર્યોધન ખૂબ ચતુર કૂટનીતિજ્ઞ છે. ધૃષ્ટદ્યુમ્ન પ્રત્યે પ્રતિહિંસા અને પાંડવો પ્રત્યે દ્રોણાચાર્યની ખરાબ-ક્રૂર ભાવના ઉત્પન્ન કરવા માટે અને તેમના પ્રત્યે ઉત્તેજિત કરવા માટે દુર્યોધન દ્રુપદપુત્રનો પ્રયોગ કરે છે. મૈત્રીની માગણી કરવા ગયેલા દ્રોણનું દ્રુપદે હડહડતું અપમાન કરેલું. દ્રોણાચાર્યે તેનું વેર વાળવા-પાંડવો દ્વારા પરાજિત કરી, બંદીવાન બનાવી, તેનું અપમાન કરેલું, તે પ્રસંગના વેરની યાદી આપવા માટે દુર્યોધને દ્રુપદપુત્રનો પ્રયોગ કર્યો છે. ધૃષ્ટદ્યુમ્ન કહે તો આ શબ્દ જેટલો ઉત્તેજિત ન થાય. કારણ કે, જાણે છે છતાં કોઈ ઘટના ઘટી નથી. તેથી તેવી ઉત્તેજના ન આવે અને બીજું કે કદાચ ધૃષ્ટદ્યુમ્ન નામ સાંભળતાં ઈશ્વરે જ આના દ્વારામારું મોત નિર્માણ કર્યું છે. એવી સ્મૃતિ થતાં શિથિલ પણ બની જાય માટે ‘દ્રુપદપુત્ર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. पाण्डुपुत्राणां महतीं चमूम्‌ અહીં પાંડુના દીકરાઓની સેના એમ શબ્દ પ્રયોગ કર્યો છે. તેનો ભાવ એ છે કે, पाण्डु पुत्राणां કહેવાથી પાંડુ રાજાની સ્મૃતિ થશે જેને આંખે દેખ્યો કોઈ સંબંધ દ્રોણને નથી. મેળાપ જ થયો નથી. જો અર્જુનની સેના કહે તો શિષ્ય પ્રત્યેનો વાત્સલ્ય ભાવ ઊભરાઈ આવે. યુધિષ્ઠિરની સેના કહે તો ધર્મરાજ પ્રત્યેનો આદરભાવ ઊભરાઈ આવે. તે ન થાય અને તેમના પ્રત્યે ક્રૂર બને એવા ભાવથી આ શબ્દ પ્રયોગ કર્યો છે.

महती કહેવાનો એ ભાવ છે કે એક તો એવા વ્યૂહમાં એ પણ કારણ છે કે, પાંડવોની સેનામાં એક રાગ છે-મતભેદ નથી અને કૌરવની સેનામાં બહુ વિખવાદ છે. તેથી પાંડવ સેના સંખ્યામાં નાની હોવા છતાં બળમાં મોટી છે.

ગોઠવાયેલી છે કે તે થોડી હોવા છતાં પણ વિશાળ અને ભયાવહ દેખાય છે. બીજું કે દુર્યોધનની ધારણા કરતાં અતિ વિશાળ આ સેના છે. કારણ કે દુર્યોધન ધારતો હતો કે, પાંડવો વનવાસી છે. તેના પક્ષમાં રહીને કોણ લડવા આવશે ! છતાં પણ ધારણા બહાર આવડી સેના થઈ. વળી બીજું

अत्र शूरा महेष्वासा भीमार्जुन समा युधि।

युयुधानो विराटश्च द्रुपदश्च महारथ:।।४।।

धृष्टकेतुश्चेकितान: काशिराजश्च वीर्यवान्‌।

पुरुजित्‌कुन्तिभोजश्च शैब्यश्च नरपुंगव:।।५।।

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्‌।

सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा:।।६।।

અર્થઃ આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર-સાત્યકિ, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશિરાજ, પુરુજિત, કુન્તિભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો-બધા જ મહારથીઓ છે.

अत्र એટલે પ્રકૃત પ્રકરણથી ‘પાંડવોની સેનામાં’ એવો અર્થ થાય. शूरा, महेष्वासा, युधि भीमार्जुन समा: અને महारथा: આ ચારેય વિશેષણો સર્વ યોદ્ધાઓના છે અને વચ્ચે વચ્ચે આવનારાં વિશેષણો તે તે યોદ્ધાના વધારે ઉત્કર્ષને બતાવનારાં છે.

પાંડવ સેનામાં સૈન્ય થોડું હોવા છતાં યોદ્ધાઓ શૂરવીર છે અને महेष्वासा એટલે इषव:अस्यन्ते क्षीप्यन्ते एभि: इति इष्वासा: महान्त: इष्वासा: येषां ते महेष्वासा:। મોટા મોટા ધનુષ્યવાળા ધનુષ્ય પર બાણ ચઢાવવામાં અને પ્રત્યંચા ખેંચવામાં વધારે બળ પડે છે અને તેને ફેકેલું બાણ પણ વિશેષે કરીને દૂર સુધી લક્ષ્યને વીંધી શકે છે. આવાં બાણો જેની પાસે હોય તે યોદ્ધાઓ મામૂલી યોદ્ધાઓ ન હોઈ શકે માટે કહ્યું કે યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન, અર્જુન અતિ શૂરવીર અને ત્રિલોક પ્રથિત પાત્ર છે. તેથી ભીમ સમાન બળવાળા અને અર્જુન સમાન અસ્ત્ર શસ્ત્રની કળામાં નિપુણ એવા આ બધા છે.

युधि શબ્દનો અન્વય अत्र ની સાથે નહિ કરતાં भीमार्जुनसमा સાથે કેમ કર્યો ? તો તેનું સમાધાન એમ છે કે, अत्र સાથે તેનો અન્વય થઈ શકે જ નહિ કારણ કે, હજુ યુદ્ધ શરૂ થયું નથી. બીજું આગળ સેના વર્ણન ચાલે છે. તેથી પ્રકરણાનુસાર अत्र શબ્દનો અર્થ તેમાં આવી જાય છે. તેમાં युधि વિશેષણની કોઈ જરૂર રહેતી નથી. તેથી भीमार्जुन समा: સાથે તેનો અન્વય થાય છે.

युयुधान = सात्यकी તેનું બીજૂં નામ યુયુધાન હતું. તે અર્જુન પાસેથી ધનુર્વેદ શીખ્યો હતો અને અર્જુનનો શિષ્ય હતો. શૂરાઓમાં પ્રથમ તેનું નામ આપવામાં એવો ભાવ છે કે, સાત્યકી નારાયણી સેના માંહેનો એક છે છતાં પણ તે સેનાનો ત્યાગ કરીને પોતાનું ગુરુ ઋણ અદા કરવા અર્જુનના પક્ષમાં રહીને લડે છે. જ્યારે તમારા શિષ્ય અર્જુને તમારી પાસેથી રહસ્યતમ વિદ્યા શીખીને તમારી સામે જ મોરચો માંડયો છે. આમ કહીને દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષભાવ પેદા કરવામાં બધા મહારથીઓમાં યુયુધાનનું નામ પ્રથમ કહે છે.

विराट = મત્સદેશનો રાજાનું વિરાટનગર કે જ્યાં પાંડવો અજ્ઞાતવાસ રહ્યા હતા.

द्रुपद = ખરેખર તો દુર્યોધને યુયુધાન પછી દ્રુપદનું નામ બતાવવું જોઈતું હતું પણ પોતાની કૂટનીતિનો અને પોતાના કપટનો ગુરુને ખ્યાલ ન આવે કે, આવાં આવાં નામ લઈને મને અર્જુન સામે ઉશ્કેરી રહ્યો છે. તેથી વચ્ચે વિરાટનું નામ મૂકીને પોતાના મનમાં ઘોળાતું દ્રુપદનું નામ બોલે છે.

धृष्टकेतु=શિશુપાલનો પુત્ર હતો, છતાં પણ શ્રીકૃષ્ણના પક્ષમાં ગયો છે.

चेकितान=યાદવ માંહેલો હતો, છતાં પાંડુ પક્ષમાં રહીને લડે છે.

काशिराज=કાશીરાજ બહુ જ શૂરવીર મહારથી હતા.

पुरुजित्‌, कुंतिभोजश्च=પુરુજિત અને કુંતિભોજ બન્ને કુંતીના ભાઈ એટલે પાંડવોના સગા મામાઓ હતા.

शैब्य= शैब्य યુધિષ્ઠિરના સસરા હતા.

विक्रान्त युधामन्यु, वीर्यवान्‌-उत्तमौजा આ બન્ને પાંચાલ દેશના ખૂબ જ બળવાન પરાક્રમી રાજકુમારો હતા. જે વીર અર્જુનના રથના પૈડાની રક્ષામાં નિમાયેલા હતા.

सौभद्र=અભિમન્યુ (સુભદ્રા પુત્ર)

द्रौपदेया: =દ્રૌપદીના પાંચ પુત્રો (૧) યુધિષ્ઠિરથી પ્રતિવિન્ધ્ય (૨) ભીમથી સુતસોમ (૩) અર્જુનથી શ્રુતકર્મા (૪) નકુલથી શતાનિક અને (૫) સહદેવથી શ્રુતસેન થયા હતા.

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम।

नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते।।७।।

भवान्‌भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जय:।

अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च।।८।।

अन्ये च बहव: शूरा मदर्थे त्यक्तजीविता:।

नानाशस्त्रप्रहरणा: सर्वे युद्धविशारदा:।।९।।

અર્થઃ હે દ્વિજશ્રેષ્ઠ ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે, તેમને હું કહું છું, આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે.

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम। હે દ્વિજશ્રેષ્ઠ ! જેમ પાંડવોની સેનામાં મહારથીઓ તેમ આપણી સેનામાં પણ મહારથીઓ છે. तु નો અર્થ ‘પણ’ એવો લીધો છે.. अस्माकं तु શબ્દનો ભાવ એવો પણ નીકળે છે કે, આ જે યોદ્ધાઓ છે. તે આપણા પક્ષમાં શ્રેષ્ઠ છે. જેમ युधि भीमार्जुनौ समा: તે નિરપેક્ષ સમગ્ર પૃથ્વી પર શ્રેષ્ઠ છે. તેમ આ યોદ્ધાઓ છે કે કેમ ? તેનો સ્પષ્ટ નિર્દેશ નથી પણ શંકિત છે.

निबोध શબ્દનો ભાવ એ છે કે પાંડવોના યોદ્ધાઓ સામે હતા માટે पश्य એમ કહ્યું પણ પોતાના યોદ્ધાઓ દ્રોણાચાર્યની પાછળ છે માટે તેને તમે જાણો એમ કહ્યું છે. યોદ્ધાઓની ગણતરી કરાવતા-આપ, ભીષ્મ, કર્ણ અને સમરવિજયી કૃપાચાર્ય. અહીં ખરેખર ભીષ્મને પ્રથમ ગણાવવા જોઈએ ને દ્રોણાચાર્ય બીજે નંબરે પણ આચાર્યને સારું લગાડવા એમને મોઢે તેમને પોતાને જ પ્રથમ ગણાવે છે. દુર્યોધનનો આશય એવો છે કે, દ્રોણાચાર્યનું નામ પ્રથમ આપું એટલે એ ખૂબ પ્રસન્ન થાય ને ઉત્સાહથી યુદ્ધ કરે. વળી પોતાના શિક્ષાગુરુ છે તેથી પણ પ્રથમ ગણાવવા યોગ્ય છે. તે બન્ને પછી કર્ણનું નામ લે છે. ખરેખર કૃપાચાર્યનું નામ તેની પહેલાં આવવું જોઈએ, છતાં પણ દુર્યોધનને જેવો કર્ણ પર વિશ્વાસ છે, તેવો કૃપાચાર્ય પર નથી. ખરેખર તો દુર્યોધનની દૃષ્ટિએ શ્લોકના અને યુદ્ધના કેન્દ્રમાં કર્ણ જ છે પણ દ્રોણાચાર્ય પાસે તે વ્યકત કરી શકાય નહિ માટે તેની જીભે દ્રોણ અને ભીષ્મ પછી કર્ણનું નામ સરી પડયું છે. વળી વિચાર થયો કે ભીષ્મ તથા દ્રોણ આ અવિનયને સહન નહિ કરે એમ જાણીને સારું લગાડવા કૃપાચાર્યને समितिञ्जय એવું વિશેષણ આપી દીધું.

નામાવલીમાં પ્રથમ ચાર એ વિશિષ્ટ યોદ્ધાઓ છે અને બીજા ચાર એ સૈન્ય નાયકો છે. એમ વિભાગ કર્યો છે. નાયકો તરીકે અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તિ= ભૂરિશ્રવાનાં નામ ગણાવ્યાં છે.

ખરેખર પાંડવોની (થોડી) સેનામાંથી પણ ૧૭ યોદ્ધાઓનાં નામ ગણાવ્યાં ને પોતાની મોટી સેનામાંથી તો ૭ યોદ્ધાઓનાં જ નામ ગણાવ્યાં. તેથી વસ્તુ પરિસ્થિતિ તો જે હોય તે પણ દ્રોણાચાર્યને શંકા ન થાય તે માટે દુર્યોધન પોતાનું અભિમાન જાળવવા માટે કહે છે કે अन्ये च बहव: शूरा બીજા પણ ઘણા શૂરાઓ આપણી સેનામાં છે. તે બધા मदर्थे त्यक्त जीविता: સરસ્વતીએ જ દુર્યોધનની જીભ ઉપર રહીને બોલાવ્યું છે કે, આ બધા त्यक्तजीविता: મરવા જ આવ્યા છે. મોત નિશ્ચિત છે. સત્ય અસત્યનો વિવેક નહિ હોવાથી દુર્યોધનની મૂર્ખ વિચારણાને આધીન થઈને મરવા જ આવ્યા છે. કેવળ મરી જાણનારા છે, નહિ કે પોતાના કે પારકા શ્રેય માટે મરી જાણનારા.

વળી सर्वे युद्ध विशारदा: સર્વે યોદ્ધાઓ યુદ્ધકલામાં વિશારદ છે. તેનો ભાવ એ છે કે, આ સેનામાં સર્વે ઝગડાખોર જ ભેળા થયા છે. પાંડવોની સેના વખતે सर्वे एव महारथा: એવું વિશેષણ આપ્યું છે.

વળી मदर्थे त्यक्तजीविता: શબ્દ પરથી અર્જુન અને દુર્યોધનનો તફાવત સ્પષ્ટ થાય છે. એકની દૈવી સંપત્‌અને બીજાની આસુરી સંપત્‌દેખાઈ આવે છે. અર્જુન બીજાના શ્રેય માટે લડે છે. પોતે જ આગળ કહે છે કે येषामर्थे काङ्क्षितं (१-३२) વળી અર્જુન ધર્મને માટે લડે છે. જ્યારે દુર્યોધન मदर्थे त्यक्तजीविता: તે બધા મરીને પણ મને જીવાડશે તેથી તેની સ્વાર્થપરાયણ આસુરી સંપત્તિ અને અર્જુનની અભિજાત દૈવી સંપત્તિ સ્પષ્ટ થાય છે.

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्‌।

पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्‌।।१०।।

અર્થઃ ભીષ્મે રક્ષેલી આપણી આ સેનાનું બળ અમાપ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની એ સેનાનું બળ મર્યાદિત છે.

આ શ્લોક ઉપર વ્યાખ્યાકારોએ અનેક રીતે વ્યાખ્યા કરેલી છે. વળી મહાભારતના કૂટ શ્લોકોમાં આની પણ ગણતરી થાય છે. अपर्याप्त અને पर्याप्त શબ્દના અર્થમાં મતભેદ છે. સામાન્ય રીતે પર્યાપ્ત એટલે સમર્થ અને अपर्याप्त એટલે અસમર્થ એવો અર્થ થાય છે. તે અનુસાર ભીષ્મથી રક્ષાયેલી અમારી સેના અસમર્થ છે અને ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના સમર્થ છે; પરંતુ આવો અર્થ કરવો યોગ્ય લાગતો નથી. દુર્યોધન જેવો અભિમાની પુરુષ પોતાની ન્યૂનતા બતાવે એ સંભવ નથી અને રાજનીતિના માર્ગમાં પણ આ અર્થ વિરુદ્ધ છે અને એમ કહે તો દુર્યોધનનો ભય પણ સંપૂર્ણ અભિવ્યક્ત થઈ જાય અને તે એક પૂર્ણ રાજનીતિજ્ઞ પુરુષને માટે અયોગ્ય ગણાય. કેટલાક વિદ્વાનો એમ વ્યાખ્યા કરે છે કે, સેના મોટી હોવા છતાં અને ભીષ્મથી રક્ષાયેલી હોવા છતાં પણ તે અસમર્થ છે. કારણ કે ભીષ્મ ઊભયપક્ષપાતી છે. તેની દૃષ્ટિમાં કૌરવો ને પાંડવો સમાન છે. જ્યારે પાંડવોની સેના નાની હોવા છતાં પણ ભીમથી રક્ષાયેલી છે તેથી સમર્થ છે કારણ કે તે એક જ પક્ષપાતી છે.

વળી આ બીજા જવાબમાં તેઓ એવું પણ સમર્થન કરે છે કે, કૌરવ સેનામાં મતભેદ હોવાથી તે અપર્યાપ્ત છે અને પાંડવ સેનામાં મતભેદ ન હોવાથી તે પર્યાપ્ત છે. આ વાત સિદ્ધ કરવા વ્યાકરણાનુસાર કલ્પના કરવામાં આવી છે કે ભીમ અને અને ભીષ્મ બન્ને શબ્દ निभि भये ધાતુમાંથી અને એક જ પ્રત્યય લાગવાથી બનેલા છે. ભીષ્મમાં षुक्‌ આગમ થયો છે અને आगम मित्रवत्‌ પ્રવૃત્તિ કરે છે. તેથી ભીષ્મમાં ઊભય પક્ષપાતીતા આવે છે. તેથી ભીષ્મની બન્ને તરફ મૈત્રી છે.

આ કલ્પના ચમત્કૃતિવાળી છે પણ અત્યંત યોગ્ય લાગતી નથી આગળ જ ભીષ્મની રક્ષા કરવાનું કહ્યું છે. જો તેમને કટાક્ષ કરવો હોય તો તેની રક્ષાપર ભાર દેવામાં ન આવે. વળી ભીષ્મ સેનાપતિ છે અને મહાભારતના પ્રસંગો અનુસાર દુર્યોધન તેનાથી ડરે છે તો તેને સાંભળતાં આમ કહી ન શકે. તેથી આ શ્લોકમાં पर्याप्त અને अपर्याप्त શબ્દોના અર્થ પ્રકરણાનુસાર ‘પરિમિત’ અને ‘અપરિમિત’ કરવા જોઈએ. ત્યારે સ્પષ્ટ અર્થ એ થશે કે આપણી સેના અપરિમિત અર્થાત ખૂબ મોટી છે. એના રક્ષક મહાપ્રતાપી ભીષ્મ છે અને પાંડવોની સેના પરિમિત અર્થાત્‌આપણાથી ખૂબ જ નાની છે અને એનો રક્ષક વિવેકહીન જાડી બુદ્ધિવાળો ભીમ છે તેથી આપણો વિજય નિશ્ચિત છે.

અહીં એક શંકા છે કે, પાંડવોની સેનાનો મુખ્ય યોદ્ધો અર્જુન છે એ પ્રસિદ્ધ છે તો અહીં દુર્યોધન તેનો રક્ષક ભીમ છે એમ શા માટે બતાવે છે ? અને પહેલાં પણ भीमार्जुन समा युधि એમાં પણ ભીમને પહેલા લીધો છે. એનું કારણ એ છે કે યુદ્ધની ઉત્સુકતા સર્વ કરતાં ભીમને અધિક છે અને ભીમ જ સોએ ભાઈઓને મારવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે. તેથી દુર્યોધનના મનમાં સહુ કરતાં ભીમનો ભય વધારે છે. તેથી તેના શબ્દોમાં ભીમની વાત સહજ સરી પડે છે.

વળી દુર્યોધન અહીં સેનાપતિનું વિવેચન નથી કરતો; પરંતુ સેનાના બળાબળનો વિચાર કરી રહ્યો છે અને ભીમના બળનો પ્રભાવ દુર્યોધન પર પહેલાથી જ પડેલો છે. તેથી જ કહ્યું भीमाभिरक्षितम्‌।

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिता:।।

भीष्ममेवाभिरक्षन्तु भवन्त: सर्व एव हि।।११।।

અર્થઃ આથી બધાં વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મપિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો.

બધી વાતોનો ઉપસંહાર આ છે કે, યુદ્ધભૂમિના ભિન્ન ભિન્ન વિભાગોના પોતાના સ્થાન પર ઊભા રહીને સેનાપતિ ભીષ્મની રક્ષા કરો. અહીં છેલ્લે हि પોતાની વાત પર બળ દેવા માટે વાપરેલો છે અર્થાત ‌આમ જ કરવાનું છે.

ભીષ્મની રક્ષા એટલે શું ? ભીષ્મ તો પોતાની રક્ષા માટે સમર્થ છે. તો એનો ભાવ એ છે કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે, શિખંડી સાથે હું યુદ્ધ નહિ કરું તે સ્ત્રી છે. તેથી દુર્યોધને બધાને ચેતવ્યા છે કે, મોરચાબંધીમાં તમારે બધાને એ જ ખ્યાલ રાખવાનો છે કે, ભીષ્મદાદા સામે યુદ્ધમાં શિખંડી ન આવી બેસે-એ જ એનું રક્ષણ છે. કેટલાક વિનોદી વ્યાખ્યાકારો એમ કહે છે કે, ભીષ્મનું રક્ષણ કરો એટલે ભીષ્મનું ધ્યાન રાખજો. તે ઊભય પક્ષપાતી હોવાથી કાંઈ ગરબડ કરી બેસે નહીં.