ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।।
અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે.
ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે ભગવાને કહ્યા છે. કર્મો તે કર્મો નથી પણ કર્મના બહાના નીચે તે કેવળ જ્ઞાનાભ્યાસ કરે છે. कर्मणि-अभिप्रवृतोऽपि नैव किञ्चित् करोति स: એક માત્ર કર્મમાં નિમગ્ન થયો હોવા છતાં તે કોઈ કર્મ કરતો નથી, नैव किञ्चित् करोति-केवलं कर्मापदेशने ज्ञानाभ्यासम् एव करोति કર્મના આધારથી પરમાત્માની ઉપાસના જ કરે છે. એવી રીતે ભગવાને કર્મયોગની અથવા નિષ્કામ સેવાયોગની જે ક્રિયાઓ છે તે સાક્ષાત્પરમાત્માની આરાધનાની ચેષ્ટાઓ બની રહે છે. એવું બતાવીને કર્મયોગીની વધારે પરિશુદ્ધ સ્થિતિ બતાવતાં આ શ્લોકમાં કહે છે કે
ब्रह्मार्पणम् બ્રહ્મ છે તે જ સૃક્સૃવાદિ (સરવો વગેરે) અર્પણનું સાધન છે. अर्प्यते अनेन इति अर्पणम् સૃક્ સૃવાદિ અને બ્રહ્મ જ हवि: हविष्यान्न છે. અગ્નિ પણ બ્રહ્મ છે. હોમ કરનારો કર્તા પણ બ્રહ્મ છે. બ્રહ્મરૂપની ભાવના કરીને યજ્ઞ કરનારો છે. ब्रह्मकर्मसमाधिना-ब्रह्मात्मके कर्मणि समाधि: अनुसन्धानं यस्य स: કર્મમાં સાક્ષાત્પરમાત્માનું જ અનુસંધાન છે જેને એવો થકો કર્મ કરનારો કર્મયોગી તેને ब्रह्म एव तेन गन्तव्यम् તે જ્ઞાનયોગના વ્યવધાન વિના પણ પરમાત્માની પ્રાપ્તિનું સાધન આ કર્મ બને છે. एव કારનો એવો અભિપ્રાય છે.
ભગવાને અહીં કર્મયોગીના ક્રિયાકલાપને સર્વાંગીણ યજ્ઞનું રૂપક બતાવીને મહિમા બતાવ્યો છે. યજ્ઞમાં આહુતિનું મુખ્યપણું હોય છે. સર્મપણનું જ મુખ્યપણું હોય છે. કર્મયોગમાં પણ સર્મપણ-આંતરિક સર્મપણનું પ્રાધાન્ય જ છે. સર્મપણ વિના યોગની સંભાવના પણ થઈ શક્તી નથી. જેમ હવિષ્ય વિના યજ્ઞની સંભાવના શક્ય નથી. યજ્ઞમાં અર્પણ કરેલી આહુતિ જ્યારે અગ્નિરૂપ બની જાય છે, ત્યારે પૂર્ણ થઈ જાય છે. હવ્ય પદાર્થની અગ્નિથી અલગ સત્તા જ્યારે ન રહે ત્યારે આહુતિ પૂર્ણ થઈ ગણાય. એવી જ રીતે કર્મયોગની અતિ ઉત્કૃષ્ટ દશામાં સાધનો અને સાધ્ય અલગ ન ભાસે પરંતુ ભાવનાની પરિશુદ્ધિ અને વેગથી સાધનો જ જ્યારે સાધ્યના આકારમાં દેખાવા લાગે ત્યારે સાધન-સાધ્ય બન્ને એકરૂપ બની જાય છે. ત્યારે સાધકને સાધનમાં જ સીધું સાધ્યનું દર્શન થાય છે. જેમ લોભી મનુષ્ય વેપાર કરતો હોય અને તે ૧ લાખ ડબા તેલનો સોદો કરે; ત્યાર પછી ભાવ દર ડબાનો ૧૦૦ રૂપિયા વધી જાય તો વેપારીને માનસપટમાં તે ડબા દેખાતા બંધ થઈ જાય ને ડબા દીઠ સોની નોટો જ દેખાવા લાગે. ડબાનો જ્ઞાનપ્રલય થઈ જાય ને નોટોની સમાધિ લાગી જાય. આવી કર્મયોગીની ઉત્તમ દશા હોય છે. સાચા નિષ્કામ સેવાયોગીને ક્રિયા કે કોઈ કાર્ય ન દેખાય પણ તે ક્રિયાકલાપ જ પોતાના આરાધ્ય પરમાત્મારૂપે (ભાવાતિરેકથી) જ દેખાય. એ વસ્તુને અહીં શ્લોકમાં બતાવી છે.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે શ્રીજી મહારાજે એક વખત આનંદસ્વામી, મુક્તાનંદસ્વામી અને સ્વરૂપાનંદસ્વામીને બોલાવ્યા અને કહ્યું કે અમે તમને કોઈ કાર્ય કરવાનું કહીએ ત્યારે તમે કેમ કરો? ત્યારે આનંદ સ્વામી કહે મહારાજ તમે જેમ કહો તેમ કરું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે મહારાજ, હું તો એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને પાછી એક હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે શાંતિ થાય. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ હું ક્રિયા કરવા જાઉં ત્યાં તમારી મૂર્તિ જ દેખાય છે પણ ક્રિયા તો દેખાતી જ નથી. ત્યારે બધાને શંકા થઈ કે ક્રિયા ન દેખાય ને મૂર્તિ જ દેખાય તે કાંઈ શક્ય છે? કેવી રીતે બને? ત્યારે સ્વામી કહે જેમ તીરમાં લીંબું ખોસ્યું હોય પછી તીર જે બાજુ કરે તે બાજુ લીંબુ જ દેખાય, તીર ન દેખાય. તેમ વૃત્તિમાં ભગવાન રાખ્યા છે તે જે બાજુ વૃત્તિ કરીએ તે બાજુ તમારી મૂર્તિ દેખાય છે. ક્રિયા દેખાતી નથી. તે સાંભળીને મહારાજ રાજી થયા. માટે આવી પણ એક વિદ્યા છે. તે લોકમાં અને શાસ્ત્રમાં બતાવેલ છે. માતા યશોદા જ્યારે કનૈયા માટે રોટલી અથવા પાક બનાવે છે ત્યારે તેને પ્રેમાતિરેકથી રોટલી નથી દેખાતી પણ કનૈયો જ દેખાય છે. માટે તે ખોટું તો નથી, પણ અઘરું જરૂર છે. આ જ અધ્યાયના સાડત્રીસમા શ્લોકમાં ભગવાન બતાવે છે કે
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन।
ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात्कुरुते तथा।। (४/३७)
तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति ४/३८
કર્મયોગ સંસિદ્ધઃ જે પુરુષોને થઈ હોય તેના પાસેથી પામી શકાય છે. જેના હૃદયમાં ઈશક જાગે છે. (વચ.કા.૧૦) જેના હૃદયમાં વેગ લાગે છે (વચ.ગ.અં.પ્ર. ૩૯) તથા જેના હૃદયમાં ‘બર્નિંગ ડીઝાયર’ લાગે છે, તેને એ વસ્તુ સિદ્ધ થાય છે. નહિ તો ક્રિયામાં ‘ब्रह्मार्पण ब्रह्महवि:…’ થતું નથી. અહીં ભગવાને કોઈ શાસ્ત્રમાં ન હોય તેવો શબ્દ ब्रह्मकर्मसमाधिना વાપર્યો છે. ‘‘ब्रह्मात्मके कर्मणि समाधि: अनुसन्धानं यस्य स: तथोक्त: साधक:।। (गत्याभावात् व्य. बहु.) (તાત્પર્ય ચં.) અથવા कर्म एव समाधि: ब्रह्मात्मकं कर्म एव समाधि: यस्य स: પરમાત્માને સમર્પિત કર્મો કરવામાં જ જેને સર્વે આધિ-વ્યાધિઓ શાંત થઈ જાય છે. પરમાત્માની મૂર્તિથી તો બધાને આધિ-વ્યાધિ શાંત થાય જ છે; પરંતુ અહીં તો પરમાત્માર્થે જે ક્રિયા છે, તેનાથી જ સમાધિ જેવી શાંતિ અનુભવાય છે. તે પરમાત્માની નિષ્ઠાની પારાકાષ્ઠા છે. જેને ભગવાનને રાજી કરવાની ક્રિયા અને ભગવાનના ભક્તની સેવાની ક્રિયા કરતાં કરતાં દેહભાવ ઓછો થતો જણાય અને ભગવાનની મૂર્તિની સ્મૃતિ ઘાટી થતી જણાય તે સાધક આ ब्रह्मकर्म समाधि ના માર્ગે ચાલ્યો છે એમ ગણાય છે. અંતે વાસ્તવિકતા તો સર્વત્ર ब्रह्मदर्शन પરમાત્માનું દર્શન જ છે; પરંતુ તેને અંતરાય રૂપ આડો આપણો દેહભાવ અને આસક્તિઓ બ્રહ્મદર્શન થવા દેતાં નથી. તે ક્રિયા કરતાં કરતાં વધુ ઊભરી આવે છે. તેથી ક્રિયા કરતા તો બ્રહ્મદર્શન નથી થતું પણ ક્રિયા છોડીને બેસી રહે તો પણ દેહાનુસંધાન દર્શન જ થાય છે પણ પરમાત્માનું દર્શન થતું નથી.
दैवमेवापरे यज्ञं योगिन: पर्युपासते।।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति।।२५।।
અર્થઃ બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક્પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે.
આગળના શ્લોકમાં કર્મયોગીની સ્થિતિની પારાકાષ્ઠા વર્ણવીને હવે ભગવાન તેના પ્રકારો વર્ણવે છે. તે કર્મયોગ સાધકની સ્થિતિ અને અંગને અનુસારે અનેક પદ્ધતિથી-ક્રિયાકલાપથી થઈ શકે છે, તેનું વર્ણન કરીને કહે છે. શ્રીજી મહારાજે વચ.ગ.મ.પ્ર.૮માં આ વાતનો ઉલ્લેખ કરેલ છે અને મહારાજે પણ આ પ્રકારના યજ્ઞો કરજો એવી ભલામણ કરીને તેને સર્વે ‘યજ્ઞ કરજો’ તેમાં સાત્ત્વિક યજ્ઞો કરવા આજ્ઞા કરી છે. જે યજ્ઞમાં દશ ઈન્દ્રિયો ને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિષે (ભગવાનના સ્વરૂપમાં જોડવા) હોમવા. તેને મહારાજે યોગયજ્ઞ કહ્યો છે. જે અહીં ગીતામાં પણ ભગવાને બતાવ્યો છે અને બીજો જ્ઞાનયજ્ઞ મહારાજે બતાવ્યો છે. તે જ્ઞાનયજ્ઞ એટલે જે અંતર્દૃષ્ટિએ કરીને ભગવાનના ભક્તને વર્તવું તેને જ્ઞાનયજ્ઞ કહેવાય. ત્યારે અંતર્દૃષ્ટિ એટલે શું? તો બાહેર અથવા માંહીલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી તે અંતર્દૃષ્ટિ છે માટે મહારાજ કહે છે કે, ભગવાનનું દર્શન, પૂજન તથા ભગવાનનાં કથા કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ (સેવા વગેરે) હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે. એ સર્વે જ્ઞાનયજ્ઞ છે. તમે સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરજો. યજ્ઞરહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી.
કેટલાક નિષ્કામ કર્મયોગી (योगिन:)એ ‘દેવયજ્ઞ’ કહે છે સમસ્ત ક્રિયાઓ અને પદાર્થોને પોતાના અને પોતાને માટે નહિ માનીને ભગવાનના અને ભગવાનને માટે જ માનવા એ ‘દેવયજ્ઞ’ છે અર્થાત્ભગવદ્અર્પણરૂપી યજ્ઞ છે.ભગવાન દેવોના પણ દેવ છે. તેથી બધું જ એમને અર્પણ કરી દેવાને જ અહીં ‘દેવયજ્ઞ’ કહેવામાં આવ્યો છે.
બીજા કેટલાક યોગીઓ ‘બ્રહ્મઅગ્નિ’માં યજ્ઞથી હોમ કરે છે. પોતાને દેહથી વ્યતિરિક્ત માનીને બ્રહ્મ-અક્ષરબ્રહ્મને પોતાનું સ્વરૂપ માને છે. અર્થાત્દેહાનુસંધાન યુક્ત પોતાનું સ્વરૂપ અથવા માન્યતાનો હોમ કરે છે. તો તે પણ યજ્ઞ થયો છે.
श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति।।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति।।२६।।
અર્થઃ અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઈન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઈન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમતા રહે છે.
અહીં સંયમરૂપી યજ્ઞ કહ્યો છે. ઈન્દ્રિયો હોમવાનાં છે. દશે ઈન્દ્રિયોનો પૂર્ણ સંયમ સિદ્ધ થાય તેને યજ્ઞ થયો એમ ગણવામાં આવ્યું છે.
બીજા યોગીઓ શબ્દાદિક વિષયો , શ્રોત્રાદિક ઈન્દ્રિયોને વિષે હોમવારૂપી યજ્ઞ કહે છે. અર્થાત્યજ્ઞમાં હોમેલું તદ્દન નિરર્થક તેના સ્વભાવશૂન્ય બની જાય છે તેમ ઈન્દ્રિયોને વિષયનો જોગ થાય તો પણ વિકારરહિત સ્થિતિ કેળવે છે અથવા વિષયોને ઈન્દ્રિયોથી દૂર કરે છે. આ બન્ને પરિસ્થિતિમાં વિષયોને ઈન્દ્રિયોમાં હોમ કર્યો કહેવાય અને એવો યજ્ઞ કરે છે.
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे।।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते।।२७।।
અર્થઃ અન્ય યોગીજનો ઈન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમયોગરૂપી અગ્નિમાં હોમી દે છે.
ઈન્દ્રિયો-વિષયોનું નિયમન કહી દીધું-હવે ‘अर्थेभ्यश्च परं मन:’ એ ક્રમથી મનનો સંયમ કહે છે. અહીં આત્મ શબ્દ મનના અર્થમાં છે. મનના સંયમરૂપી યોગાગ્નિમાં હોમ કરવાનો છે. તે પણ ‘ज्ञानदीपित’ છે એટલે કે ત્રણ દેહથી વિલક્ષણ શુદ્ધ બ્રહ્મ પોતાનું સ્વરૂપ છે, એવું અનુસંધાન કરવું તે ज्ञानदीपितता છે અથવા તો ઈન્દ્રિય ક્રિયાઓની અને પ્રાણક્રિયાઓની પ્રણવતા છોડાવવારૂપી સંયમ કરીને યજ્ઞ કરે છે.
द्रव्ययज्ञास्तपोयज्ञा योग यज्ञास्तथापरे।।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतय: संशितव्रता:।।२८।।
અર્થઃ અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલા પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે.
દ્રવ્યયજ્ઞો કહેવાથી અનેકવિધ યજ્ઞો કહેવાયા છે. દ્રવ્યથી જે યજ્ઞો સંપાદિત થાય અથવા દ્રવ્યમય યજ્ઞોને દ્રવ્યયજ્ઞ કહેવાય. બીજા જીવોના હિતને માટે કૂવા, તળાવ, મંદિર, ધર્મશાળા વગેરે બંધાવી દેવાં. અભાવગ્રસ્ત લોકોને અન્ન, વસ્ત્ર, ઔષધ વગેરે દાન દેવું, એ બધા દ્રવ્ય યજ્ઞો છે; તે કરવા. તે પ્રત્યેક ન્યાયથી મેળવેલા દ્રવ્યથી કરાય તો યજ્ઞ થયો કહેવાય.तपोयज्ञा-तप: शास्त्रीयो भोगसमोच:। વિહિત ભોગ સંકોચને તપ કહેવાય છે તથા નિષ્કામભાવે સેવા કરતાં પોતાના કર્તવ્યપાલનમાં જે જે પ્રતિકૂળતાઓ, મુશ્કેલીઓ આવે તેને હસતે મોઢે સહન કરીને પોતાનો સેવાયજ્ઞ ચાલુ રાખવો તે પણ મોટું તપ છે. ભગવાનને પ્રસન્ન કરવા એકાદશી વગેરે તપ કરવું, મૌન રાખવું વગેરે તપશ્ચર્યારૂપી યજ્ઞ કરનારા કેટલાક યોગીઓ છે.
અહીં યોગ સંયોગના અર્થમાં લેવાનો છે. નહિ તો પાછળ પણ યોગ આવે છે, જેથી પુનરાવર્તન થશે. માટે તીર્થ-પુણ્ય તીર્થો, મંદિર, પવિત્ર પુરુષોનો આશ્રમ વગેરેમાં નિવાસ કરવાના અર્થમાં યોગ-સંયોગ-પ્રાપ્તિ યજ્ઞ કહ્યો છે.
સ્વાધ્યાય યજ્ઞ એટલે અભ્યાસપરાયણતા-સદ્ગ્રંથોનો અભ્યાસ, તેના અર્થોનું ગહન ચિંતન, ગ્રંથકર્તાનું તાત્પર્ય વિચારવું એ પણ એક યજ્ઞ છે. તેમાં અભ્યાસ કરવો તે સ્વાધ્યાય છે. પાઠ કરવા તે સ્વાધ્યાય છે. અર્થાભ્યાસ તે જ્ઞાનયજ્ઞ છે. પોતાની વૃત્તિનો અને પોતાના જીવનનો અભ્યાસ કરવો તે પણ સ્વાધ્યાય યજ્ઞ થયો કહેવાય.
यतय: એટલે યજ્ઞનિષ્ઠામાં પ્રયત્નશીલ હોવાથી यतय: કહ્યા છે અને संशितव्रता: એટલે લીધેલ માર્ગને પૂરો કરવામાં દૃઢતાવાળા.-संशितत्वम्-अकुष्ठत्वम् अर्थात् दृढत्वम् एव
अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे।
प्राणापानगती रुद्धवा प्राणायामपरायणा:।।२९।।
अपरे नियताहारा: प्राणान्प्राणेषु जुह्वति।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपित कल्मषा:।।३०।।
અર્થઃ બીજા કેટલાય યોગીજનો અપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામપરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે; આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે.
પૂરક કરવો એટલે અપાનમાં પ્રાણને હોમવો ગણાય. રેચકમાં અપાનને પ્રાણમાં હોમ્યો ગણાય અને કુંભકમાં એટલે પ્રાણોને પ્રાણમાં જ હોમ કરે છે. આમ પ્રાણાયામ રૂપી યજ્ઞ કરે છે. પ્રાણાયામ સર્વ પાપોને નષ્ટ કરનારો છે. નિયત આહારવાળા જ આ પ્રાણાયામરૂપ યજ્ઞ કરી શકે છે. વધારે કે બહુ જ ઓછું ભોજન કરવાવાળા અથવા બિલકુલ ભોજન ન કરવાવાળો આ પ્રાણાયામ નથી કરી શકતો. એમ ભગવાને કહ્યું છે. (૬-૧૬/૧૭) માટે અહીં नियताहारा: કહ્યા છે.
ઉપરના અનેક પ્રકારે કર્મયોગના ભેદો કહ્યા. તેમાં કોઈ ઉચ્ચ પ્રકારના જેમને પ્રાણાયામ વગેરે યજ્ઞો તથા કોઈ નીચા પ્રકારના યજ્ઞો છે, કે બધા સરખા છે? તે શંકાનું નિવારણ કરતાં ભગવાન કહે છે કે, सर्वे अपि एते यज्ञ विद: બધા જ કહેવાનું તાત્પર્ય એ છે કે તેમાં કોઈ નાનો મોટો નથી. યજ્ઞ ભેદમાં તો કેવળ સાધકની સામર્થી અને પસંદગી જ કારણરૂપ છે. સાધક કયો યજ્ઞ સહેલાઈથી સાંગોપાંગ કરી શકે છે. તેની રુચિ શેમાં છે? એ તેને માટે શ્રેષ્ઠ છે. તમામ યજ્ઞો ભગવાનને પમાડનારા, સરખું ફળ આપનારા છે અને આ બધા યજ્ઞો સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરાવનારા છે. પરમાત્મા સાથે સંબંધ પ્રગટાવનારા છે, એવી રીતે જાણવું. તેને અહીં યજ્ઞવિદ્કહ્યા છે અર્થાત્યજ્ઞના તત્ત્વને જાણવાવાળા બતાવ્યા છે.
યજ્ઞ કરતી વખતે યજ્ઞમાં હુતદ્રવ્યની આહુતિ આપવામાં આવે છે.પ્રથમ આહુતિદ્રવ્ય અને અગ્નિ અલગ અલગ હોય છે; પરંતુ અગ્નિમાં આહુતિ આપ્યા બાદ તેમનાં રૂપો અલગ નથી રહેતા. અગ્નિમાં હોમેલી ઘી, તલ, જવ તથા અન્ય તમામ વસ્તુઓ અગ્નિરૂપ બની જાય છે. આ જ રીતે પરમાત્માની પ્રાપ્તિને માટે જે સાધનોનું યજ્ઞરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે તેનું સંપૂર્ણ રીતે પરમાત્માને સમર્પણ થવું જોઈએ. એ વાત ભગવાને નીચેના શ્લોકમાં યથાર્થ કહી છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफल हेतुर्भूर्मा ते सङगोऽस्त्वकर्मणि ।।
એમાં કોઈ ભાગમાં જરા પણ ખામી હોય તો કર્મ ભસ્મીભૂત ન થયું ગણાય અને યજ્ઞનું અનુષ્ઠાન થયું ન ગણાય. જો ભગવાને બતાવ્યા મુજબ યથાર્થ નિષ્કામ સેવાયજ્ઞ થાય તો આ અધ્યાયના ત્રેવીસમા શ્લોકમાં બતાવ્યા મુજબ यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते સમગ્ર કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. આ કર્મો કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કે ભગવાનના ભક્તની સેવા માટે કરવામાં આવે તો સંસાર સાથેનો સંબંધ તૂટીને અનાસક્તિ તો આવી જ જાય છે પણ તેની સાથે વધારે વિલક્ષણ વાત એ થાય છે કે તેને ભગવાનમાં અનન્ય ‘પ્રેમ’ પણ થઈ જાય છે.
यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम्।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्य: कुरुसत्तम।।३१।।
અર્થઃ હે કુરુશ્રેષ્ઠ ! યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક કયાંથી સુખદાયક હોય ?
ભગવાને ચોવીસથી ત્રીસ શ્લોક સુધીમાં બાર પ્રકારના યજ્ઞો બતાવ્યા. પછી યજ્ઞ કરનારાની પ્રશંસા કરી. હવે યજ્ઞ કરનારાને લાભ અને ન કરનારાને હાનિ બતાવે છે. યજ્ઞ કરવાથી અર્થાત્નિષ્કામભાવપૂર્વક બીજાને સુખ પહોંચાડવાથી, ખાસ કરીને ભગવાનના ભકતોને સુખ પહોંચાડવામાં સાધકના હૃદયમાં પરમાત્માની પોતાના ઈષ્ટદેવની અનુભૂતિ થઈ જાય છે. એને જ यज्ञशिष्टामृतभूज ‘યજ્ઞશિષ્ટ અમૃતનો ભોગ કરનારો’ કહેવાય છે. અમૃત અર્થાત્અમરતાનો અનુભવ કરાવવાવાળા સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.
સ્વરૂપથી જીવાત્મા અમર જ છે પણ મરવાવાળા દેહ આદિક પદાર્થોનો ઘાટો સંગ થઈ જવાથી તેને મૃત્યુનો અનુભવ થાય છે. આ વસ્તુઓને જ્યારે સનાતન પરબ્રહ્મ પરમાત્માની સેવામાં જોડી દે છે, ત્યારે તેને સ્વતઃસિદ્ધ અમરતાનો અનુભવ થાય છે.
કર્મમાત્ર કેવળ પરમાત્માને પ્રસન્ન કરવાને માટે અથવા તેમના અનન્ય ભક્તોને સુખ પહોંચાડવા માટે કરવામાં આવે, ત્યારે તે કર્મયજ્ઞ બની જાય છે. જે કર્મ બીજાઓના સુખને માટે કરવામાં આવે છે તે જ કર્તવ્ય હોય છે. જે કર્મ પોતાને માટે કરવામાં આવે છે, પોતાના સુખ માટે કરવામાં આવે છે તે કયારેય કર્તવ્ય નથી હોતું; પરંતુ કર્મ માત્ર બની જાય છે. તે કયારેય યજ્ઞ નથી બની શકતું. તેથી તેના વડે મનુષ્ય બંધાય છે. यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन:। (३/९) તેથી યજ્ઞમાં તો કેવળ આપવાનું અને આપવાનું જ હોય છે. લેવાનું હોય તો કેવળ દેહનિર્વાહ પૂરતું લેવાનું હોય છે તો જ તે યજ્ઞ બની રહે છે. નહિ તો યજ્ઞ પણ સામાન્ય કર્મ બની રહે છે. શરીર યજ્ઞ કરવા માટે સમર્થ રહે-એટલા પૂરતું, માત્ર શરીરનિર્વાહને માટે વસ્તુઓનો ઉપભોગ કરવો. એટલું યજ્ઞની અંતર્ગત છે. મનુષ્ય શરીર ભગવાને બતાવેલા યજ્ઞને માટે જ કલ્પાયેલું છે; પરંતુ લગ્નને માટે કયારેય નથી કલ્પાયેલું. માન, મોટાઈ, સુખ, આરામ વગેરે માટે પણ નહિ. તેમાં શરીરને જોડવું તે બંધન ઊભું કરવા માટે બની રહે છે. કેવળ યજ્ઞાર્થ કર્મો કરવાથી મનુષ્ય બંધનરહિત થઈને સનાતન બ્રહ્મ પરમાત્માને પામે છે.
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्य: ।।
જેવી રીતે ત્રીજા અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મ ન કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહિ થાય. એવી જ રીતે અહીં કહે છે કે, યજ્ઞ ન કરવાથી તને આ લોકના લાભો પણ નહિ મળે. પછી પરલોકનો એટલે કે મોક્ષલાભની તો વાત જ કયાંથી થાય ? આ લોકમાં પણ કેવળ પોતાના સ્વાર્થ માટે કર્મો કરવાથી આ લોકમાં પણ સઘંર્ષ ઊભો થઈ જશે અને સુખ શાંતિ રહેશે નહિ. પરલોકમાં કલ્યાણ પણ નહિ થાય. પોતાનું કર્તવ્ય ન કરવાથી અને માત્ર હક, અધિકાર (માત્ર ફળ) ભોગવવાની ચેષ્ટા કરવાથી ઘર-પરિવારમાં પણ ભેદ અને સઘંર્ષ પેદા થઈ જાય છે અને ખટપટ વધી જાય છે. ઘરમાં કોઈ નરી સ્વાર્થી અને જિદ્દી વ્યક્તિ હોય તો ઘરવળાઓને પણ તેની સાથે રહેવું ગમતું નથી. પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ત્યાગ કરીને બીજાને સુખ પહોંચાડવું એ ઘરમાં અથવા સંસારમાં શાંતિથી રહેવાની વિદ્યા છે. એનાથી ઘરમાં સહેજે શાંતિ આવી જાય છે. પોતાનું કર્તવ્ય ઉલાળી નાખીને અધિકારો કે હકોમાં જ ગીધદૃષ્ટિ રાખનારાને આ લોકમાં પણ સુખપૂર્વક જીવવાનું કઠિન થઈ જાય છે. તેઓ આજુબાજુ બીજાને પણ સુખી રહેવા દેતા નથી. ત્યારે તેના પરલોકની સારી આશાની તો વાત જ કેમ કરવી ? એનાથી વિરુદ્ધ પોતાના હકો અને અધિકારોને બીજાના ફાયદામાં યોજીને કેવળ ભગવત્પ્રસન્નતાર્થે પોતાનું કર્તવ્ય સારી રીતે પાલન કરવાથી તેને આ લોક પણ સુખદાયી બને છે અને અંતે પરમાત્માને પામે છે. તેના સંપર્કથી અનેક દુઃખી લોકો પણ સુખની અનુભૂતિ કરે છે.
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे।।३२।।
અર્થઃ આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઈન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ.
एवं बहुविधा यज्ञा… ચોવીસથી ત્રીસમા શ્લોક સુધીમાં બાર પ્રકારના યજ્ઞો બતાવ્યા તે સિવાય બીજા અનેક પ્રકારના યજ્ઞોનું વેદોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સાધકોની પ્રકૃતિ અનુસાર તેમની નિષ્ઠાઓ પણ અલગ-અલગ હોય છે અને તદાનુસાર તેમનાં સાધનો પણ અલગ અલગ હોય છે.
વેદોમાં વધારે પડતું સકામ અનુષ્ઠાનોનું વર્ણન કરાયું છે; પરંતુ અહીં ભગવાન તે સકામ અનુષ્ઠાનોની વાત નથી કરતા. તેમાં પણ કોઈ કોઈ ભાગમાં પરમાત્માની પ્રાપ્તિનાં સાધનોનું શ્રવણ, મનન, નિદિધ્યાસ, પ્રાણાયામ, સમાધિ વગેરે અનુષ્ઠાનોનું પણ વર્ણન થયું છે. તેમને અહીં લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યું છે. જેમના અનુષ્ઠાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ‘यान्ति ब्रह्म सनातनम्’ (४/३१) અને યજ્ઞોનું અનુષ્ઠાન કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ કરવું જોઈએ. અહીં ગીતામાં વર્ણવાયેલા તથા વેદોમાં વર્ણવાયેલા યજ્ઞોને માટે જ અહીં ભગવાન तान् सर्वान् શબ્દોનો પ્રયોગ કરે છે. તે બધા જ યજ્ઞો कर्मजान् विद्धि કર્મથી સિદ્ધ થનારા છે. કર્મ વિના તે એક પણ સિદ્ધિ થઈ શકે તેવા નથી. શરીર વડે, વાણી વડે અને મન વડે જે ક્રિયાઓ થાય છે, તેનાથી તે યજ્ઞો સિદ્ધ થાય છે.
અર્જુન પોતાનું કલ્યાણ તો ઈચ્છે છે; પરંતુ યુદ્ધરૂપી કર્તવ્યકર્મને પાપ માનીને તેનો ત્યાગ કરવાને ઈચ્છે છે. તેથી कर्मजान् विद्धि પદો વડે અર્જુનથી પોતાનો સિદ્ધાંત તદ્દન વિરુદ્ધ બતાવે છે. ભગવાન કહે છે કે વાસ્તવમાં યુદ્ધરૂપી કર્તવ્યકર્મનો ત્યાગ કરીને તું જે સાધન કરીશ તે પણ કર્મ જ હશે. ખરેખર કલ્યાણ કર્મથી નથી થતું પણ કર્મો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થવાથી જ થાય છે. માટે જો તું યુદ્ધરૂપી કર્તવ્યકર્મને પણ નિર્લિપ્ત રહીને કરશે તો તેમનાથી પણ તારું કલ્યાણ થઈ જશે. કેમ કે મનુષ્યોને કર્મો નથી બાંધતા પણ કર્મ અને તેના ફળમાં આસક્તિ જ બાંધે છે. (૬/૪)
ભગવાને આ જ અધ્યાયના ચૌદમા શ્લોકમાં બતાવ્યું કે કર્મફળમાં મારી સ્પૃહા નથી તેથી મને કર્મો નથી બાંધતા. આ રીતે મને જે જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો. एवं ज्ञात्वा विमोक्ष्यसे નું તાત્પર્ય એ છે કે જેણે કર્મો કરતા રહીને તેમાં નિર્લિપ્ત રહેવાની વિદ્યા (કર્મફળમાં સ્પૃહા ન રાખવી)ને શીખીને તેનો અનુભવ કરી લીધો છે, તે કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા અથવા અન્યને સુખ પહોંચાડવામાં કર્મો કરવાથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
સંસારમાં અથવા આપણી આસપાસ અસંખ્ય ક્રિયાઓ થતી હોય છે; પરંતુ જે ક્રિયાઓ સાથે મનુષ્ય પોતાનો સંબંધ (માનસિક) જોડે છે. તેમનાથી તે બંધાય છે. ઘણી વખત મોટા માણસો જાતે ક્રિયા ન કરતા હોય પણ બીજા પાસે કરાવતા હોય પણ તે ક્રિયા અને ક્રિયાના ફળ સાથે સાક્ષાત્જોડાયેલા (માનસિક રીતે) હોય છે અને ક્રિયાના પ્રત્યક્ષ કરનારા માનસિક રીતે તેની સાથે જોડાયેલા હોતા નથી. માટે ક્રિયાના કરનારા ક્રિયામાં બંધાતા નથી પણ માનસિક રીતે જોડાયેલ વ્યક્તિને ક્રિયા બંધન કરનારી બને છે. તે જ વ્યક્તિ રાજી અથવા કુરાજી થાય છે.