ગી.અ-04, શ્લોક 19 to 23

યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા

यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।।

અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે.

यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં ‘આ વિષય સારા છે, ખૂબ કામમાં આવે તેવા છે, મેળવી લીધા હોય તો જીવનમાં ઉપયોગમાં આવે તેવા છે અને સુખ આપવાવાળા છે.’ એવી બુદ્ધિ-સ્પષ્ટબુદ્ધિ થવી તેને ‘સંકલ્પ’ કહેવાય છે અને આ વિષય પદાર્થો અમારે માટે સારા નથી, હાનિકારક છે-એવી બુદ્ધિ થવી એને વિકલ્પ કહેવાય છે. આવા સંકલ્પો અને વિકલ્પોની બુદ્ધિમાં ધારાઓ થતી રહે છે. જ્યારે તેઓનું વારંવાર પુનરાવર્તન થઈને વિકલ્પ દૂર થઈને પરિપાક રૂપે કેવળ એક મજબૂત સંકલ્પ રહી જાય છે ત્યારે આ વિષય પદાર્થો અમને મળવા જ જોઈએ. આ અમારા થવા જ જોઈએ. આવી રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે પ્રબળ ઈચ્છા પેદા થઈ જાય-તેને કામ (કામના) કહેવાય છે. જે થયા પછી તેના વિના રહેવાતું નથી અને તેના અભાવમાં માનસિક વિહ્વળતા કે વિકળતા અનુભવાય તેને કામ કહેવાય. જ્યારે દેહ અને આત્માનું ભેળું અનુસંધાનાત્મક ચિંતન થવું તે સંકલ્પ કહેવાય છે. અહીં કામ એ જ સંકલ્પ અથવા સંકલ્પ એ જ કામ. એવો કર્મધારય (તત્પુરુષ) સમાસ કરવામાં નથી આવ્યો. જો એમ હોય તો પર્યાપ્ત બનીને વ્યર્થ પ્રયોગનો દોષ આવે. कामानां समल्प: એવો ષષ્ઠી તત્પુરુષ પણ નથી કારણ કે ઊભય પદાર્થપ્રધાન દ્વન્દ્વની સંભાવના હોય તો એક પદાર્થપ્રધાન તત્પુરુષ નથી કરી શકાતો અર્થાત્એક મુખ્ય અને એકને ગૌણ બતાવવાનો આપણો અધિકાર નથી, માટે અહીં ઊભય પદાર્થપ્રધાન દ્વન્દ્વ સમાસ લેવામાં આવે છે. અહીં સંકલ્પ અને કામ બન્ને શબ્દો પોતપોતાના અર્થમાં મુખ્ય છે. તેથી અહીં समल्पाश्च कामाश्च इति… संकल्पकामा: એમ થશે. પછી દ્વન્દ્વમાં જે ઓછા સ્વરવાળો શબ્દ પ્રથમ આવે છે તેથી काम समल्पा: એમ થશે. तै: वर्जिता: इति कामसमल्पवर्जिता: રૂપ બનશે. આથી કર્મયોગથી સિદ્ધ થયેલા અર્થાત્નિષ્કામ સેવાયોગથી સિદ્ધ થયેલ મહાપુરુષોમાં સંકલ્પ અને કામના-બન્નેમાંથી એક પણ નથી રહેતા ન તો તેમાં કામનાઓનું કારણ સંકલ્પો રહેતા અને ન સંકલ્પોનું કાર્ય કામના રહે છે. આથી તેના દ્વારા જે કાંઈ કર્મો થાય છે તે બધા સંકલ્પ અને કામનાથી રહિત થાય છે.

સંકલ્પ અને કામના-એ બન્ને કર્મનાં બીજ છે અર્થાત્બંધનનાં બીજ છે. સંકલ્પ અને કામના ન રહેતાં કર્મ તે અકર્મ બની જાય છે અર્થાત્તે કર્મો બાંધવાવાળા નથી બનતા. દેહ અને આત્માને એક માનીને એના અનુસંધાનથી ઊઠતા ભાવોને સંકલ્પ કહેવાય છે. દેહભાવના અનુસંધાનથી જે ભાવો ઊભા થાય છે તે સંકલ્પો છે, તેથી દેહના સંબંધી, પદાર્થો વગેરેમાં મમત્વબુદ્ધિ વગેરે પણ આવી જાય છે. નિષ્કામ સેવાયોગથી અથવા કર્મયોગથી સિદ્ધ મહાપુરુષોમાં આવા સ્વાર્થિક અથવા આ લૌકિક ઈચ્છાવાળા સંકલ્પો અને કામનાઓ નહિ રહેવાથી તેના દ્વારા થવાવાળાં કર્મો પણ બંધનકારક થતાં નથી. તેના દ્વારા લોકસંગ્રહ માટે અથવા કર્તવ્ય પરંપરાના સુરક્ષાર્થે સઘળાં કર્મો થતાં હોવાથી તેઓ તે કર્મોથી તમામ પ્રકારે નિર્લિપ્ત રહે છે.

ભગવાને ગીતામાં કોઈક જગ્યાએ સંકલ્પોનો, (૬/૪) કોઈક જગ્યાએ કામનાઓનો (૧/૫૫ प्रजहाति यदा…) અને કોઈક જગ્યાએ સંકલ્પો અને કામના બન્નેનો (૬/૨૪,૨૫) ત્યાગ કરવાનો બતાવ્યો છે. આમ જ્યાં સંકલ્પોનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં કામનાઓનો અને જ્યાં કેવળ કામનાઓનો ત્યાગ બતાવવામાં આવ્યો છે ત્યાં સંકલ્પોનો પણ ત્યાગ સમજી લેવાનો છે. કેમ કે સંકલ્પ એ કામનાઓનું મૂળ છે. (असमल्पात्‌ जयेत्‌ काम:।) અને કામના સંકલ્પોનું કાર્ય છે. તાત્પર્ય એ છે કે સાધકે તમામ સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવો જોઈએ.

મોટરની ચાર અવસ્થા હોય છે.

(૧) મોટર ગેરેજમાં પડી હોય ત્યારે એન્જિન પણ ચાલતું નથી અને પૈડાં પણ ચાલતા નથી. (૨) મોટર ચાલુ કરતાં એન્જિન તો ચાલુ થઈ જાય છે પણ પૈડાં ચાલતા નથી. (૩) મોટર રસ્તા ઉપર રવાના થાય ત્યારે એન્જિન અને પૈડાં બેય ચાલે છે (૪) મુશ્કેલી વિનાનો ઢાળ આવે તો સારો ડ્રાઈવર એન્જિન બંધ કરી દે છે તો પણ પૈડાં ચાલતા રહે છે. આવી જ રીતે મનુષ્યની ચાર અવસ્થાઓ હોય છે.

(૧) કામના પણ નથી હોતી ને કર્મ પણ નથી થતાં. (૨) કામના હોય છે પણ કર્મ નથી થતાં (૩) કામના પણ હોય ને કર્મ પણ થાય છે (૪) કામના નથી હોતી ને કર્મ થાય છે.

મોટરની સૌથી ઉત્તમ (ચોથી) અવસ્થા એ છે કે એન્જિન ચાલુ ન રહે અને પૈડાં ચાલતા રહે અર્થાત્પેટ્રોલ ન બળે ને રસ્તો કપાય. એ જ રીતે મનુષ્યની પણ સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય ને કર્મો થતાં રહે. એવી અવસ્થાવાળાને જ્ઞાનીજનો પંડિત કહે છે. उहापोहक्षमा हि बुद्धि: पण्डा। અથવા વિવેક વિષયિણી બુદ્ધિ પણ્ડા-એવી બુદ્ધિવાળાને અહીં પંડિત કહ્યા છે.

समारंभ પદનો એ ભાવ છે કે નિષ્કામ કર્મયોગ-સેવાયોગથી સિદ્ધ મહાપુરુષો દ્વારા દરેક કર્મ સુચારુરૂપથી, સાંગોપાગ અને તત્પરતાપૂર્વક થાય છે અને વળી તે શાસ્ત્રસંમત પણ હોય છે. માટે તે કરવા જેવા હોય છે. જેનાથી કોઈનું અહિત થતું હોય તે કર્મ તેનાથી કદી થતું નથી. વળી તેની સર્વે ક્રિયાઓ કામના અને સંકલ્પો અર્થાત્દેહભાવાનુસંધાન રહિત હોય છે.

ज्ञानग्निदग्धकर्माणम्‌ આ કર્મયોગથી સિદ્ધ થયેલ મહાપુરુષોનું વિશેષણ છે. જ્ઞાનરૂપી અગ્નિથી જેનાં પ્રાચીન-સંચિત કર્મો દગ્ધ થયા છે. અર્થાત્બળીને ખાખ થઈ જવાથી બંધન કરવાની ક્ષમતાવાળા રહેતા નથી એવા. ज्ञानाग्नि એટલે શું ? તો ज्ञानाग्नि-इत्यत्र ज्ञानम्‌ उक्तसमल्पप्रतिभट्टम्‌ અર્થાત્ અહીં અગ્નિ કયાં છે તે સંકલ્પ પ્રતિભટ્ટ જ્ઞાનરૂપી અગ્નિ છે. દેહભાવના અનુસંધાનથી જે ભાવનાઓ કે મનસૂબાઓ ઊઠે છે તેના કટ્ટર વિરોધી ભાવ એટલે આત્મભાવથી ઊઠતી ભાવનાઓ, પરમાત્માના મહિમાના અનુસંધાનમાં ઊઠતી ભાવનાઓ, ભગવાન અને તેના અનન્ય ભક્તના સેવાભાવ અંગે ઊઠતી ભાવનાઓ. આ બધા જ્ઞાનાગ્નિ છે. એ ભાવનાઓથી ઊઠતી ભાવના દ્વારા જે કર્મો થાય છે, પરમાત્માની ભક્તિ થાય છે અથવા તેમના અનન્ય ભક્તોની સેવા થાય છે તે સમગ્ર-પ્રાચીન કર્મોને પણ ભસ્મીભૂત કરી નાખે છે. તેના બંધનથી નિવૃત્ત કરી દે છે. વર્તમાન અને પ્રાચીન બન્ને નષ્ટ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મો પણ કેવળ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં તેની સામે આવીને નષ્ટ થઈ જાય છે; પરંતુ ફળથી અસંગ હોવાને કારણે તે પુરુષોને ફળભોગરૂપે સુખી-દુઃખી નથી કરી શકતા. તેથી પ્રારબ્ધ કર્મો પણ અસ્થાયી પરિસ્થિતિ માત્ર ઊભી કરીને નષ્ટ થઈ જાય છે.

तमाहु: पण्डितं बुधा: જે મનુષ્યો કર્મોનો ત્યાગ, સ્વરૂપથી કરીને પરમાત્મામાં લાગેલા છે, તેને સમજવાનું સુગમ છે. જે સાધક કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરતો નથી ઊલટો કર્મોને સુચારુરૂપથી કરતો હોય છતાં તેમાં કિંચિત્માત્ર લિપ્ત થયા વિના તત્પરતાપૂર્વક કર્મો કરી રહ્યો હોય તેને સમજવો ઘણો કઠણ છે. સંસારમાં બહારથી ત્યાગ કરવાવાળા ત્યાગી પુરુષનો મહિમા તો બધા ગાય છે; પરંતુ બીજાને માટે અદલ કર્મો કરીને જે નિર્લિપ્ત રહે છે, એવો અંદરનો ત્યાગ કરવાવાળો કોઈક વિરલો જ હોય છે. તેને સમજવામાં ઘણી વખત શાસ્ત્રને જાણનારા પુરુષો પણ ભૂલ ખાઈ જતા હોય છે. જેમ કમળનું પાન જળમાં રહીને જળથી લિપ્ત થતું નથી તેમ એવા પુરુષો કર્મમાં પ્રવૃત્ત રહીને પણ કર્મની કલુષિતતાથી નિર્લિપ્ત રહે છે. કર્મો અદલ કરીને તેનાથી લિપ્ત ન થવું તે કાંઈ સાધારણ બુદ્ધિમાનનું કામ નથી. અઢારમા શ્લોકમાં ભગવાને તેને બુદ્ધિમાન કહ્યો છે. અહીં પણ ભગવાને કહ્યું કે તેને જ્ઞાનીજનો પંડિત કહે છે. તે પંડિતોનો પણ પંડિત છે.

निवृत्तिरपि मूढस्य प्रवृत्तिरुपजायते।
प्रवृत्तिरपि धीरस्य निवृत्तिर्फलदायिनी
गृहेषु पण्डिता: केचित्केचिन्मूर्खेषु पण्डिता:। (અષ્ટાવક્રગીતા ૧૬/૬૧)
सभायां पण्डिता: केचित्‌ केचित्‌ पण्डित पण्डिता:।।
त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रय:।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति स:।।२०।।

અર્થઃ કર્મફળની આસક્તિ છોડીને, જે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે. તે બધાં કર્મોમાં પ્રવૃત્ત હોવા છતાં કંઈ જ કરતો નથી.

त्यक्त्वा कर्मफलासङ्ग જ્યારે કર્મ (ક્રિયા) કરતી વખતે કર્તાનો એ ભાવ રહે છે કે શરીર વગેરે કર્મ સામગ્રી મારી, હું કર્મ કરું છું, કર્મ મારું છે અર્થાત્મારી તાકાતનું પરિણામ છે. મારા સદ્ગુણનું પરિણામ છે. મારી આવડત, કુનેહનું પરિણામ છે. મારી યોગ્યતાનું પરિણામ છે તથા કર્મ મારા માટે છે તથા એનું મને અમુક ફળ મળશે અથવા મળવું જોઈએ. આવી ધારણાઓ સાથે કર્મ (ક્રિયા) કરે છે, ત્યારે તે કર્મફળની ઈચ્છાવાળો બની જાય છે. નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગથી સિદ્ધ થયેલ મહાપુરુષને પ્રાકૃત પદાર્થથી સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને પરમાત્માનો આશ્રિત અને સમર્પિત હોવાથી તેની સાથે સંબંધ જોડાઈ જાય છે. તેથી કર્મ કરવાની સામગ્રીમાં, કર્મમાં અને કર્મફળમાં કિંચિત્માત્ર પણ આસક્તિ ન રહેવાને કારણે (त्यक्त्वा कर्मफलासङ्गं) તે કર્મફળની ઈચ્છાવાળો નથી બનતો.

સેના વિજયની ઈચ્છાથી યુદ્ધ કરે છે. વિજય થાય તો વિજય સેનાનો નહિ પણ રાજાનો માનવામાં આવે છે. કારણ કે રાજાએ જ સેનાના જીવનનિર્વાહનો પ્રબંધ કર્યો છે. તેને યુદ્ધ કરવાની સામગ્રી આપી છે અને તેને યુદ્ધ કરવાની પ્રેરણા કરી છે અને સેના પણ રાજાને માટે યુદ્ધ કરે છે. એવી જ રીતે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ગુણ, આવડત વગેરે કર્મસામગ્રીની સાથે અહંતા-મમતા દ્વારા સંબંધ જોડવાથી જ જીવ તેમના દ્વારા કરેલાં કર્મના ફળનો ભાગીદાર બને છે. મહાપુરુષોનો કર્મસામગ્રીની સાથે કિચિંત્માત્ર પણ અહં મમતા ભાવ ન રહેવાને કારણે તેનો કર્મફળની સાથે કોઈ સંબંધ હોતો નથી વાસ્તવમાં ચેતનનો ચેતન સાથે સંબંધ સંભવી શકે પણ જડ પદાર્થો સાથે સંબંધ સંભવી શકતો નથી. જીવાત્મા ચેતન છે. કર્મ અને કર્મફળ બન્ને જડ છે. બન્નેનો સંબંધ સંભવી શકતો નથી તો પણ જીવે ભૂલથી માની લીધો છે. આ માની લીધેલો સંબંધ જ બંધનનું કારણ બને છે. જો આ માની લીધેલો સંબંધ દૂર થઈ જાય તો તેમાં કર્મ અને કર્મફળ સાથે સ્વતઃસિદ્ધ નિર્લિપ્તતા આવી જાય છે.

नित्यतृप्त: निराश्रय: જીવાત્મા ચેતન છે. તેને નિત્ય તૃપ્તિ સ્વરૂપથી જ છે. (आत्मनि आत्मना तुष्ट:) તેને તૃપ્તિ માટે બીજી સામગ્રીનો આધાર રાખવાની જરૂર નથી પણ જ્યારે ભ્રાંતિથી-મૂર્ખતાવશ પોતાની જડ સામગ્રીની સાથે એકતા માની લે છે. તેની સાથે પોતાનો તાદાત્મ્ય સંબંધ સ્થાપિત કરી લે છે ત્યારે તે પોતાનામાં અલ્પતા અને અતૃપ્તિનો અનુભવ કરે છે. પછી તેને પૂરી કરવા અજ્ઞાનવશ થઈને જગત પદાર્થો પાછળ દોડવાનું શરૂ કરે છે. તેથી તે પોતાનામાં તૃષ્ણાનો અનુભવ કરે છે અને તે તૃષ્ણાને પૂરી કરવા જગત પદાર્થોનો આશ્રય કરે છે અર્થાત્દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેનો આશ્રય લે છે અને સંસારના દુઃખોથી કુટાય છે. જ્યારે કર્મયોગથી સિદ્ધ મહાપુરુષોને પોતાના સ્વરૂપમાં અને પરમાત્માના સ્વરૂપમાં જ પરમ તૃપ્તિનો અનુભવ થતાં તેઓ કર્મસામગ્રીનો કિંચિત્માત્ર પણ આશ્રય કરતા નથી પણ પરમાત્માનો આશ્રય કરે છે. તેથી તેઓ નિત્યતૃપ્ત અને નિરાશ્રય બની જાય છે.

कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति स:। અહીં अभिप्रवृत: પદનું તાત્પર્ય છે ‘તદૈકપરતા.’ અર્થાત્જ્ઞાનમાર્ગનો જરાપણ ભાગ ન હોવા છતાં તે કોઈપણ કર્મ કરતો નથી અર્થાત્કર્મના બહાને કેવળ જ્ઞાનાભ્યાસ જ કરી રહ્યો છે. વિશેષ ફકત એટલો છે કે વિપરીત વિષયમાં સંચરણ સ્વભાવવાળા હોવાથી સીધા જ્ઞાનાભ્યાસના વિરોધી ઈન્દ્રિયોને અનુકૂળ (યોગને) વિષયમાં સંચરણ આપીને કેવળ યોગનો જ અભ્યાસ કરે છે પણ તે કર્મ કરતો નથી. વળી કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી મહાત્માઓ દ્વારા કરવામાં આવેલાં કર્મો સાંગોપાંગ સુચારુ રીતથી થાય છે. કેમ કે કર્મફળમાં તેને કિંચિત્માત્ર પણ આસક્તિ હોતી નથી. તેનાં સઘળાં કર્મો, કેવળ ભગવાનને રાજી કરવા કે તેમના અનન્ય ભક્તોની સેવા માટે અથવા બીજાના હિત માટે હોય છે. જેને કર્મફળમાં આસક્તિ હોય છે, તે સાંગોપાંગ સુચારુ રીતથી કર્મ કરી શકતો નથી. કારણ કે ફળની સાથે સંબંધ અને આસક્તિ હોવાથી કર્મ કરતાં કરતાં વચ્ચે વચ્ચે ફળનું ચિંતન થાય છે. તેથી તેની શક્તિ વ્યર્થભાગમાં ખર્ચાય છે. જેથી તેની શક્તિ પૂરી કર્મ કરવામાં નથી વપરાતી. તેથી કર્મ સુચારુ ઢંગથી ઓછું થાય છે.

अपि પદનો પણ એ જ ભાવ છે કે સર્વથા નિર્લિપ્ત થઈને કર્મ કરતો હોવાને કારણે કર્મ તેને સ્પર્શતાં જ નથી. તે તો કેવળ જ્ઞાનાભ્યાસમાં અથવા કહો કે પરમાત્મામાં મશગૂલ રહી શકે છે. એટલે તેનાં તમામ કર્મો અકર્મ બની જાય છે અને મુક્તિનું સાધન બની જાય છે.

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रह:।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्‌।।२१।।

અર્થઃ જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઈન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્યયોગી કેવળ શરીરસંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને પામતો નથી.

૧૯મા શ્લોકમાં કર્મયોગથી સિદ્ધ મહાપુરુષની નિર્લિપ્તતાનું વર્ણન કર્યું. હવે ભગવાન એકવીસમા શ્લોકમાં નિવૃત્તિપરાયણ કર્મયોગી અને ૨૨મા શ્લોકમાં પ્રવૃત્તિપરાયણ કર્મયોગીની કર્મો સાથેની નિર્લિપ્તાનું વર્ણન કરે છે. સંસારમાં આશા કે ઈચ્છા રહેવાને કારણે જ અર્થાત્ભોગ, માન, બડાઈ, પદ વગેરે સંબંધી આશા કે ઈચ્છા રહેવાથી વ્યક્તિનાં બુદ્ધિ, મન, ઈન્દ્રિયો, શરીર કાબૂમાં નથી રહેતા. તેથી ભગવાન આ શ્લોકમાં निराशी: પદથી બતાવ્યું છે કે કર્મયોગીને અથવા નિષ્કામ સેવકને કોઈપણ ભોગ કે પંચવિષયની ઈચ્છા કે આશા નથી રહેતી. તેથી તે यतचित्तात्मा પણ બની રહે છે અર્થાત્તેના બુદ્ધિ, મન, ઈન્દ્રિયો, શરીર વગેરે સારી રીતે વશમાં રહે છે. આ બધા વશમાં નહિ રહેવાનું મૂળ કારણ છે કોઈપણ જાતની લૌકિક વાસના-आशी: જે અંતરમાં ઊંડી નિવાસ કરીને રહે છે. તે જ વિષયો ભોગોના યોગમાં અને વિયોગમાં સાધકને વિહ્વળ બનાવે છે. જ્યારે કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીને પરમાત્માના આશ્રયથી સહજે કર્મયોગનું આલંબન આપીને ઈતરનો નિષેધ કરવા શક્તિમાન બની જાય છે. જ્યારે જ્ઞાનયોગીને કોઈ પણ આધાર વિના તેનો સંયમ કરવાનો હોય છે. જે સાધકને કઠણ પડે છે. નિષ્કામ સેવાયોગનો સાધક ઈચ્છા કે આશા કે વાસનાનો સર્વથા ત્યાગ કદાચ ન પણ કરી શકે તો તેનો દૃઢપણે ઉદ્દેશ્ય તો તેનો ત્યાગ કરવાનો રહે છે. માટે આપોઆપ તેના શરીરાદિ કર્મયોગમાં નિમગ્ન થઈને ઈતરનો નિષેધ સિદ્ધ કરી શકે છે. તેથી તેનાથી નકામી કોઈ ક્રિયા થતી નથી. તેથી તે त्यक्तसर्वपरिग्रह: આસાનીથી રહી શકે છે. તેમાં પણ કર્મયોગ-નિષ્કામ સેવાયોગ- જો ત્યાગાશ્રમમાં હોય તો બધી જાતની ભોગ સામગ્રીના સંગ્રહનો સ્વરૂપથી જ ત્યાગ કરી દે છે. જો તે ગૃહસ્થાશ્રમમાં હોય તો તે ભોગબુદ્ધિથી (પોતાના સુખને માટે) કોઈપણ સામગ્રીનો સંગ્રહ નથી કરતો. તેની પાસે જે કાંઈ સામગ્રી હોય તેને તે પોતાની અને પોતાને માટેની અંતર્યામીની સાક્ષીએ નથી માનતો અને પરમાત્માની પ્રસન્નતાર્થે, ભગવાનના ભક્તોની સેવા અને બીજાના હિતને અર્થે વાપરે છે. તેમાં ભોગબુદ્ધિનો ત્યાગ કરવો તેે સાધકમાત્રને માટે જરૂરી છે. આવો નિવૃત્તિપરાયણ શ્લોક ગીતામાં બીજે કોઈ સ્થાને નથી આવ્યો. એ તેની વિશેષતા છે. છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં ધ્યાનયોગીને માટે અને અઢારમા અધ્યાયના ત્રેપનમા શ્લોકમાં જ્ઞાનયોગીને માટે પરિગ્રહનો ત્યાગ કરવાની વાત આવી છે; પરંતુ તેનાથી પણ ઊંચી શ્રેણીના પરિગ્રહત્યાગની વાત त्यक्तसर्वपरिग्रह: પદથી અહીં આવી છે. કેમ કે પરિગ્રહની સાથે ‘સર્વ’ શબ્દ કેવળ અહીં જ આવ્યો છે.

शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्‌ शारीरं कर्म

(શરીર સંબંધી કર્મ)ના બે અર્થ થાય છે. એક તો શરીરથી થવાવાળું કર્મ અને બીજું શરીરના નિર્વાહ માટે કરવામાં આવતું કર્મ. શરીરથી થવાવાળા કર્મની વાત પાંચમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં (कायेन मनसा वाचा केवलैरिन्द्रियैरपि। योगिन: कर्म कुर्वन्ति सङगं त्यक्त्वात्मशुद्धये।।) પણ આવી છે. વળી તેની આગળ આઠમાં શ્લોકમાં પણ મન, બુદ્ધિ, અહંકારને તેનાથી અલગ કરીને કેવળ સ્થૂળ શરીરરૂપે સાંગોપાંગ કર્મ કરે છે પણ અસંગતાથી કર્મ કરે છે એવો ભાવ છે. બીજો ભાવ એ છે કે પ્રથમ પંક્તિમાં કહ્યું તેવો થઈને પછી યાવત્જીવન શરીર નિભાવનાં કર્મો કરે તો પણ કિલ્બિષને નથી પામતો અર્થાત્સંસારને નથી પામતો પણ પરમાત્માને પામે છે. અત્રે નિવૃત્તિપરાયણને માટે કર્મયોગ લાગુ પડે છે. માટે શરીર નિભાવનાં કર્મો કરતો રહે એ ભાવ વધારે લાગુ પડશે. સાધક શરીરનિર્વાહ માટે કરવામાં આવતા આવશ્યક કર્મો-ખાવું, પીવું, શૌચ, સ્નાન, સૂવું વગેરેનું ધ્યાનમા રાખીને બતાવતા હોય તેવો અર્થ પ્રતીત થાય છે. વાસનારહિત કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી પોતાનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ, રાગ નથી રાખતો. માટે તેનાં તમામ કર્મો ‘અકર્મ’ જે ભક્તિસ્વરૂપ બની જાય છે. જો કે નિવૃત્તિપરાયણ હોવા છતાં કર્મયોગી કે સેવાયોગી આળસ, પ્રમાદ કરતો નથી. આળસ, પ્રમાદ પણ એક જાતનો ભોગ છે. જેમ વિષયભોગને વ્યક્તિ ભોગવે છે તેમ આળસ-પ્રમાદ પણ ભોગ છે અને તેને વ્યક્તિ ભોગવી શકે છે. તે (આળસ) એકાંતમાં કાંઈ કર્યા વિના પડ્યા રહેવાથી ભોગવાય છે અને શાસ્ત્ર વિરુદ્ધ તથા નિરર્થક (ધ્યેય વિનાનાં) કર્મો કરવાથી પ્રમાદને ભોગવાય છે. આ પ્રમાણે નિવૃત્તિમાં આળસનો ભોગ સવાર થઈ જાય છે ને પ્રવૃત્તિમાં પ્રમાદનો ભોગ જો ધ્યેયની સ્પષ્ટતા ન હોય તો સવાર થઈ જાય છે. આથી આળસ અથવા પ્રમાદ પણ પાપ અને બંધનનાં સાધનો જ છે. નિવૃત્તિપરાયણ કર્મયોગી ખૂબ જ ઓછાં કર્મો કરે છે અથવા નિવૃત્તિપરાયણ કર્મો-ત્યાગ, ભજન, તપ, ઉપાસના, મનન વગેરે કરે છે પણ તેમાં આળસ-પ્રમાદ બિલકુલ હોતાં નથી. જો તેમાં આળસ-પ્રમાદ આવે તો અથવા સ્થાન હોય તો नाप्नोति किल्बिषम्‌ એમ ભગવાન ન કહેત. વળી यतचित्तात्मा છે માટે પણ તેમાં તેને સ્થાન નથી.

અહીં એક શંકા થઈ શકે છે કે તે यतचित्तात्मा છે અને આળસ-પ્રમાદને કોઈ સ્થાન નથી. કિલ્બિષને કોઈ અવકાશ જ નથી તો પછી નિર્દેશ કરવાની શું જરૂર છે !

તેનું સમાધાન એ છે કે ક્રિયામાત્રના આરંભમાં (પૂર્ણ કરવામાં) કેટલાક અનિવાર્ય દોષ મળી આવતા હોય છે. सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता: (१८/४८) મૂળમાં અસત્નો સંગ, કામના, મમતા અને આસક્તિથી જ પાપો લાગે છે. કેવળ શારીરિક ક્રિયાઓથી નહિ. નિષ્કામ સેવા અથવા કર્મયોગીને રાગ, મમતા કામના કે આસક્તિ હોતી નથી અથવા તેના ઉદ્દેશ્યમાં કામના, મમતા કે આસક્તિનો કોઈ ભાગ હોતો નથી. તેથી તેને કર્મ અંગેનું પાપ લાગતું નથી.

બીજી શંકા એ થાય છે કે ત્રીજા અધ્યાયમાં ભગવાને સિદ્ધ મહાપુરુષોને પણ (પોતાને માટે કાંઈ બાકી કર્તવ્ય ન હોવા છતાં પણ) લોકસંગ્રહને માટે કર્મો કરવાની પ્રેરણા કરી છે. (૩/૨૫-૨૬) પોતાને માટે પણ ભગવાને કહ્યું છે કે, ત્રિલોકમાં કાંઈ કર્તવ્ય અને પ્રાપ્તવ્ય ન હોવા છતાં પણ હું સાવધાનીપૂર્વક કર્મો કરું છું (૩/૨૨ થી ૨૪) અન્યથા આ સમગ્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો દોષ મને પ્રાપ્ત થાય. (મને તેનું પાપ લાગે) એમ ભગવાને કહ્યું છે. શરીરનિર્વાહ માટે કર્મ કરવાવાળા યોગીને લોકસંગ્રહનો ત્યાગ કરવાથી (शङकरस्य च कर्ता स्यामुपहन्यामिमां प्रजा:) આ દોષ નહિ લાગે? તો તેનું સમાધાન એ છે કે આસક્તિ, કામના, મમતા, વગેરે દોષો ન રહેવાને કારણે તેને દોષો નથી લાગતા. જો કે પરમાત્મામાં તો એ દોષો બિલકુલ નથી હોતા તો પણ ભગવાને બતાવ્યું છે કે હું દોષનો ભાગી થાઉં. તે તો એક સંભાવના અને પ્રેરણા છે. બાકી લોકસંગ્રહ કરવો એ એની દયા અને કરુણા છે. તે લોકસંગ્રહ કરવો અથવા ન કરવો તેમાં તેઓ સ્વતંત્ર છે. એમના ઉપર કોઈ જવાબદારી નથી (नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ३/१८) અને વસ્તુતાએ તો એવી રીતે વર્તવું (આ શ્લોકમાં બતાવ્યા મુજબ) તે પણ એક જાતનો લોકસંગ્રહ જ છે ને ! (ઋષભદેવ ભગવાન, દતાત્રેય ભગવાન વગેરે સાધુ સ્વરૂપે આવેલા અવતારોમાં આ જાતનો લોકસંગ્રહ થોડો ઘણો જરૂર જોવા મળે છે.)

ત્રીજી એક શંકા એમ પણ થઈ શકે છે કે ત્રીજા અધ્યાયના તેરમા શ્લોકમાં ભગવાને કેવળ પોતાના શરીરનું પોષણ કરવાવાળા મનુષ્યને પાપી કહ્યો છે. (भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्‌ ३/१३) તો પણ ભગવાન અહીં કહે છે કે કેવળ શરીર નિર્વાહને કરવાવાળો પાપને નથી પ્રાપ્ત થતો-એ બન્નેનું ઔચિત્ય કેવી રીતે કહેવાય ? તો એનું સમાધાન એમ છે કે જ્યાં સુધી ભોગબુદ્ધિ છે અને જ્યાં સુધી દેહાભિમાનની ભાવના છે ત્યાં સુધી તેને કર્મો અને પદાર્થોમાં પણ આસક્તિ રહેલી છે. ત્યાં સુધી કર્મો કરવાથી અથવા ન કરવાથી પણ પાપ લાગે જ છે. એટલા માટે તથા पचन्ति आत्मकारणात्‌ શબ્દો લખ્યા છે; પરંતુ જે સાધકને શરીરને વિષે અહંભાવ એટલે દેહાત્મભાવ અને કર્મો તથા પદાર્થોમાં આસક્તિ નથી. આવા સર્વથા નિર્લિપ્ત પુરુષોને કર્મો કરવાથી અથવા ન કરવાથી કિચિંત્માત્ર પણ પાપ લાગતું નથી.

અહીં પ્રશ્ન એ થાય કે આ શ્લોકને સાંખ્યયોગીપરક માની લઈએ તો શું વાંધો છે ? કેમ કે એમાં આવેલાં બધાં લક્ષણો સાંખ્યયોગીમાં બંધ બેસે છે. તેના ઉત્તરમાં પ્રથમ વાત તો એ છે કે અહીં કર્મયોગનું પ્રકરણ ચાલે છે. આગળ-પાછળ કયાંય સાંખ્યયોગનો પ્રસંગ નથી. માટે આ શ્લોક કર્મયોગી અંગેનો જ છે. બીજી વાત સાંખ્યયોગી પોતાને કર્તા માનતો નથી તેઓમાં ‘હું કાંઈ પણ નથી કરતો’ (नैव किञ्चित्करोमीति…५/८) એવો સ્પષ્ટ તેને વિવેક રહેતો હોય છે. પછી તેને માટે કર્મો કરવા છતાં પાપને નથી પામતો એમ કહેવાનો પ્રસંગ જ રહેતો નથી.

કર્મયોગના સાધકમાં અથવા નિષ્કામ સેવાયોગમાં એવો આત્મા અનાત્માનો સ્પષ્ટ વિવેક જાગ્રત ન હોવા છતાં પણ તેને એવો નિશ્ચય તો રહેતો હોય છે કે ‘આ મળેલ સામગ્રીમાં મારું કાંઈ નથી અને મારા સ્વાર્થભાવને પોષણ કરવા માટે કાંઈ થવું ન જોઈએ. જે કાંઈ કરવું છે તે પરમાત્માની પ્રસન્નતા, અનન્ય ભક્તોની સેવા અને બીજાના હિત માટે થવું જોઈએ. આવી વાતનો તેના અંતરમાં દૃઢ નિર્ણય રહેવાને કારણે એ કર્મો કરતો હોવા છતાં પણ તેમનાથી નિર્લિપ્ત રહે છે.

લોકોમાં બહુધા એવી માન્યતા હોય છે કે, કર્મયોગી ગૃહસ્થાઆશ્રમમાં અને જ્ઞાનયોગી (સાંખ્યયોગી) સન્યાસ-આશ્રમવાળા જ હોય છે અથવા હોવા જોઈએ; પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. દ્વારિકામાં શ્રીકૃષ્ણ ભગવાન સાંખ્યયોગને આશર્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ આદિ ત્યાગી સંતો મંદિરોની સેવા કરતાં કરતાં કર્મયોગ-નિષ્કામ સેવાયોગને આશર્યા હતા. જેને શરીરથી પોતાની અલગ સત્તાનો સ્પષ્ટ વિવેક જાગૃત છે તે જ્ઞાનયોગી છે અને તે ગૃહસ્થાશ્રમમાં પણ હોઈ શકે અને ત્યાગાશ્રમમાં પણ હોઈ શકે છે અને જેનામાં એવો વિવેક જાગ્રત હોય અથવા ન પણ હોય ઉપર બતાવેલી ત્રણ બાબતોનો પાકો નિશ્ચય હોય તે કર્મયોગી જ છે, પછી તે ભલે ત્યાગી હોય અથવા ગૃહસ્થાશ્રમી હોય.

यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सर:।।
सम: सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते।।२२।।

અર્થઃ ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ- શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે-એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો.

આગળના શ્લોકમાં બતાવ્યું કે ‘‘शारीरं कर्म कुर्वन्‌’’ એમ કહેવાથી શરીર ધારણ માટે દ્રવ્યાદિ અજર્નની અવશ્ય પ્રવૃત્તિ થશે. તેથી ગરમી-ઠંડી તથા અનુકૂળ-પ્રતિકૂળતા અવશ્ય આવવાની. ત્યારે પોતે કરેલ અથવા કરવા ધારેલ પ્રવૃત્તિનો જે વિઘાત કરનાર પર ક્રોધ પણ જરૂર થવાનો અને ફળદાયી પ્રવૃત્તિ નાશ થાય તો હૃદયમાં સંતાપ પણ થશે. લાભ થશે તો હર્ષ થશે. માટે કર્મયોગ અથવા નિષ્કામ સેવા જ ‘આત્મદર્શન વિરોધી’ અને ‘પરમાત્માની પ્રસન્નતા વિરોધી’ બધા શત્રુને ઊભા કરનારો બની જશે. તેનું નિવારણ કરવા માટે ભગવાન કહે છે કે, તેવું નહિ બને. કારણ કે રાગથી પ્રેરિત પ્રવૃત્તિકર્મ અને નિષ્કામ સેવાથી પ્રેરિત પ્રવૃત્તિમાં તફાવત રહેશે. જો રાગ પ્રેરિત કર્મો-ક્રિયાઓ કરતો હશે તો તો આ શંકાઓ પ્રમાણે જરૂર થશે અને નિષ્કામ સેવાભાવથી પ્રેરિત પ્રવૃત્તિ હશે તો ભગવાને આ શ્લોકમાં બતાવ્યા પ્રમાણેનાં લક્ષણો તેમાં જરૂર હશે, તેથી તેને શત્રુઓને શિકાર નહી થવું પડે. તે કર્મયોગી અથવા નિષ્કામ સેવાવ્રતધારી તમામ કર્મો નિષ્કામભાવપૂર્વક સાંગોપાંગ રીતિથી કરે છે. ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય ન રાખીને કર્મો કરતો હોવાથી પ્રવૃત્તિના ફળના રૂપમાં તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા, લાભ કે હાનિ, બહુમાન કે અપમાન સ્તુતિ કે નિંદા જે કાંઈ મળે છે તેનાથી તેના અંતઃકરણમાં કોઈ અસંતોષ કે હતાશા પેદા થતા નથી. ઊલટાનું પરમાત્માને પ્રસન્ન કરવા માટે હું આ કરું છું. પરમાત્માને રાજી કરવા ખાતર કદાચ થોડી પ્રતિકૂળતા કે વિરોધ થાય પણ ખરો તો પણ ત્યારે તેના હૃદયમાં નિરાશાને બદલે પરમાત્માને માટે સમર્પિત થઈ જવાનું ઝનૂન પેદા થાય છે. જેમ કે કોઈ પરમાત્માના કલ્યાણકારી સિદ્ધાંતનો ફેલાવો કરવામાં કયારેક સફળતા કે કયારેક નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય. દા.ત. પ્રભુપાદ સ્વામી, આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, વલ્લભાચાર્યજી, વગેરે મોટા પુરુષો થયા. તેમના જીવનમાં સ્પષ્ટ જોઈ શકાય છે. લાભ-હાનિની તેમના અંતઃકરણ ઉપર કોઈ અસર થતી નથી. તાત્પર્ય એ છે કે તેમને લાભહાનિનું જ્ઞાન તો છે તથા તેનો યોગ્ય પ્રતિકાર-ચેષ્ટા પણ કરે છે; છતાં પણ પરિણામથી સુખીદુઃખી નથી થઈ જતા. શરૂઆતના સાધકોને અંતઃકરણમાં અનુકૂળતા-પ્રતિકૂળતાથી થોડી અસર પડી પણ જાય તો પણ સાધકે ગભરાવું જોઈએ નહિ. કારણ કે સાધકના હૃદયમાં તેનો પ્રભાવ ચિરસ્થાયી નથી રહેતો, જલદી દૂર થઈ જાય છે.

કર્મયોગી દ્વન્દ્વાતીત હોય છે. લાભની લાલસાથી જ દ્વન્દ્વો ઊભા થાય છે. લાભનો અર્થ અનુકૂળતા મળી જવી એટલો માત્ર નથી પણ લાભ ને વ્યાપક અર્થમાં લેતાં લાભ-હાનિ, અનુકૂળતા-પ્રતિકૂળતા જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ માનનારો અર્થાત્‘ભગવાનની ઈચ્છામાં સંતોષ માનનારો હોય છે. તેથી તેને હર્ષ-શોક, રાગ-દ્વેષ વિગેરે વિકારો નથી થતા. સિદ્ધિ મળી કે ન પણ મળી તો પણ સાધક સમતા ધારી રહે છે. ધ્યેય પ્રત્યે સમર્પિત રહે છે. તેથી તે વિમત્સર રહી શકે છે. કોઈ પણ લાભ પામી જવાની મુરાદવાળી વ્યક્તિ કદાપિ મત્સર-ઈર્ષા વિના રહી જ ન શકે. ઈર્ષ્યા-મત્સર દોષ બહુ જ સૂક્ષ્મ છે. બે વ્યાપારી દુકાનદાર હોય અને પરસ્પરમાં સારી મિત્રતા રાખતા હોય. તેમનામાં એકની દુકાન બીજાની અપેક્ષાએ વધુ ચાલે તો બીજામાં થોડી ઈર્ષ્યા-મત્સર પેદા થઈ જશે કે તેની દુકાન વધારે ચાલી અને મારી ઓછી ચાલી. આ રીતે મત્સરને કારણે મિત્રથી પણ મિત્રની ઉન્નતિ સહન નથી થતી. જ્યાં પરસ્પર પ્રેમ હોય, એકતા હોય, મિત્રતા હોય તો પણ મત્સર-ઈર્ષા આવી જાય છે. તો પછી અંતરમાં વિરોધ જ હોય ત્યાં તો કહેવાનું જ રહેતું નથી. બે સાધકો વચ્ચે અધ્યાત્મ ઉન્નતિ વધુ થાય તો તેમાં પણ મત્સર-ઈર્ષા આવી જાય છે. તેથી શ્રીજી મહારાજે પણ કારિયાણીના ૬ઠ્ઠા વચનામૃતમાં મત્સરને બહુ ઝીણો કહ્યો છે. આથી કર્મયોગના સાધકે આ દોષથી બચવા ખૂબજ સાવધાન રહેવું જોઈએ. પ્રથમથી જ પોતાનું ધ્યેય સ્પષ્ટ કરી લેવું જોઈએ અને પછી તે પ્રમાણે પુરુષાર્થ કરે તો મત્સરની સંભાવના થોડી રહે છે, છતાં સાવધાની જરૂરી છે.

सम: सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते કોઈપણ કર્તવ્યકર્મ નિર્વિઘ્નરૂપે પૂરું થઈ જવું એ સિદ્ધિ છે. કોઈપણ પ્રકારે વિઘ્ન કે બાધાને કારણે તેનું પૂરું ન થવું એ અસિદ્ધિ છે. કર્મનું ફળ પૂરું મળી જવું એ સિદ્ધિ છે અને ન મળવું અથવા અધૂરું મળવું તે અસિદ્ધિ છે. સિદ્ધિ અને અસિદ્ધિમાંથી હર્ષ-શોક, રાગ-દ્વેષ વગેરે કર્તામાં રહ્યા કરે છે. આ વિકારોને ન આવવા દેવા એ જ સિદ્ધિ-અસિદ્ધિમાં સમાન રહેવું કહેવાય. બીજા અધ્યાયના અડતાલીસમા શ્લોકમાં આ જ વાત બતાવી છે કે  सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते સિદ્ધિ અને અસિદ્ધિમાં સમત્વ ધારણ કરીને અર્થાત્એક પરમાત્માની જ ઈચ્છાનેે આધીન રહીને જે નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગમાં વળગી રહે છે તેને જ ભગવાને યોગ અથવા કર્મયોગ કહ્યો છે. જો એમ ન થાય તો તે સામાન્ય કર્મ, સામાન્ય ક્રિયા બની જશે. તે નિષ્કામ સેવાયોગ નહિ બને અને જે ફળ અહીં બતાવે છે તે પ્રાપ્ત નહીં થાય. હું જે કાંઈ કરું છું તે મારા કોઈ જાતના દુન્યવી સ્વાર્થપૂર્તિ માટે કરતો નથી. જે કાંઈ મારાથી થાય છે તે પરમાત્માને પ્રસન્ન કરવા માટે તેના અનન્ય ભક્તોની સેવા માટે અને બીજા સામાન્ય જીવોના હિતને માટે હું કરું છું. આવી વાત પોતાના અંતરના આશયમાં ગોઠવાઈ જાય ત્યારે સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા જાળવી શકાય છે, નહિ તો જાળવી શકાતી નથી. અહીં कृत्वापि न निबध्यते શબ્દોથી સ્પષ્ટતા કરે છે કે નિષ્કામ સેવાયોગી કર્મ કરતો રહીને જ્ઞાનનિષ્ઠા વિના પણ નથી બંધાતો પછી કર્મો ન કરવાનો અથવા ન કરતો હોય ત્યારે બંધાવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. બન્ને અવસ્થાએમાં નિર્લિપ્ત રહે છે. આગળના શ્લોકમાં ભગવાને બતાવ્યું કે કર્મયોગ કે નિષ્કામ સેવાને માટે કર્મ કરનારો કેવળ શરીર નિર્વાહને માટે કર્મ કરે તો પણ બંધાતો નથી .તેવી જ રીતે આ શ્લોકનું તાત્પર્ય છે કે તેવો સાધક શાસ્ત્રવિહિત તમામ કોઈપણ કર્મો કરીને પણ બંધાતો નથી.

વસ્તુતાએ જોતાં કર્મયોગમાં કર્મ કરવું, અધિક કરવું અથવા ઓછું કરવું એ બંધન અથવા મુક્તિનું કારણ નથી; પરંતુ તેમની સાથે જે લિપ્તતા (આસક્તિ) છે તે જ બંધનનું કારણ છે અને જે નિર્લિપ્તતા છે તે જ મુક્તિનું કારણ બને છે. જેમ નાટકમાં એક વ્યક્તિ લક્ષ્મણનો વેશ અને બીજી વ્યક્તિ મેઘનાદનો વેશ ધારે છે. પછી બન્ને વ્યક્તિ પોતાના વેશને અદલ રીતે નભાવે છે તો પણ પોતે અંતરમાં તેમાંથી નિર્લિપ્ત રહે છે અર્થાત્પોતાને કયારેય લક્ષ્મણ કે મેઘનાદ માની નથી બેસતા. વેશ જેટલો અદલ ભજવાય તેનાથી અંતરમાં રાજી થાય છે તો પણ પોતાને તે રૂપ માની નથી લેતા. વેશની ચેષ્ટાઓ છે તે તો પ્રેક્ષકોને રાજી કરવા માટે છે. એ જ ન્યાયે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં સાધકે પોતાને તે તે ક્રિયાથી અને દેહાદિકથી નોખું પડીને અલગ માનવાનો છે, પોતાને પરમાત્માનો સેવક માનવાનો છે અને એવું અનુસંધાન રાખીને સેવાયોગનો અદલ નિભાવ કરવાનો છે. પોતાનો સંબંધ પરમાત્મા સાથે સ્થાપિત કરવાનો છે. ક્રિયા કે પદાર્થો કે લૌકિક વ્યક્તિઓથી તોડવાનો છે. તેનું સાધન તે આ સેવાયોગ છે. એમ માનીને અંતરની પ્રામાણિકતાથી કરવાનો છે. તો જ कृत्वापि न निबध्यते શકય બની શકે અને સિદ્ધિ અસિદ્ધિમાં સમતા જળવાઈ શકે. નહિતર જળવાઈ શકતી નથી.

गतसङगस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस:।।
यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते।।२३।।

અર્થઃ જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂકયો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે-એવા કેવળ યજ્ઞસંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે.

કર્મયોગીનાં સઘળાં કર્મો વિલીન થવાની વાત સમગ્ર ગીતામાં કેવળ આ શ્લોકમાં જ આવી છે. જેમ ૧૮મા અધ્યાયના ૬૬મા શ્લોકમાં ભગવાને અર્જુનને બાંયધરી આપી કે अहं त्वाम्‌ सर्वपापेभ्यो હું તને સર્વ પાપ થકી મૂકાવીશ. તું શોક ન કર. તેવી જ રીતે અહીં કર્મયોગીને માટે સમગ્ર કર્મ प्रविलीयते તેનાં સમગ્ર કર્મોનો નાશ થશે, એવી બાંયધરી આપી છે. આવી વાત કર્મયોગીને માટે આ એક જ શ્લોકમાં બતાવી છે.

ક્રિયાઓનો, પદાર્થોનો, ઘટનાઓનો, પરિસ્થિતિઓનો કે વ્યક્તિઓનો જે સંગ છે, તેમની સાથે હૃદયની જે આસક્તિ છે તે જ વાસ્તવમાં બાંધવાવાળું અથવા જન્મમરણ અપાવવાવાળું છે. (कारणं गुणसङगोऽस्य सदसद्योनिजन्मसु-१३/२१) પોતાનો વ્યક્તિગત સ્વાર્થભાવ છોડીને કેવળ પરમાત્માને પ્રસન્ન કરવાને માટે, ભગવાનના ભક્તોની સેવા કરવા માટે અથવા બીજા જીવોનું હિત કરવાને માટે, લોકસંગ્રહાર્થે કર્મો કરતા રહેવાથી સાધક ક્રિયાઓ, પદાર્થો વગેરેથી અસંગ થઈ જાય છે અર્થાત્તેની આસક્તિ સર્વથા દૂર થઈ જાય છે.

વાસ્તવમાં असङ्गो ह्ययं पुरुष: (બૃહદારણ્યક ૪/૩/૧૫) જીવાત્મા સ્વરૂપથી અસંગ જ છે; પરંતુ અસંગ હોવા છતાં આ શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ પરિસ્થિતિ, વ્યક્તિ વગેરે સાથે પોતાનો સંબંધ માનીને અર્થાત્‘મારાં છે’ અથવા ‘પરાયાં છે’ એવું માનીને સુખની ઈચ્છાથી તેઓમાં આબદ્ધ થઈ જાય છે. મારું ગમતું થાય અર્થાત્હું જે ઈચ્છુ છું, તે જ થાય અને જે હું નથી ઈચ્છતો તે ન થાય-એવો ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આ સંગ વધતો રહે છે. વાસ્તવમાં થાય તો તે જ, જે થવાવાળું છે અથવા પરમાત્માએ જે કરવા ધાર્યું છે અને જે થવાવાળું છે કે ભગવાને ધાર્યું છે. તેની ઈચ્છા કરો અથવા ન કરો તે તો થઈ જ જવાનું છે. જે નથી થવાનું તેની ઈચ્છા કરી કરીને થાકી જશો તો પણ તે નથી જ થવાનું. આથી પોતાનું મનગમતું કરવા, મનુષ્ય વિના કારણનો ફસાય છે અને દુઃખી થાય છે.

નિષ્કામ સેવા કરનારો સાધક તમામ સામગ્રીને પોતાની અને પોતાના સ્વાર્થ માટે નહિ માનીને તેને પરમાત્મા અને તેના સાચા ભક્ત અને બીજા જીવોના હિતાર્થે સમર્પણ કરી દે છે. તેથી બંધનનો પ્રવાહ છૂટીને તેને પોતાના હૃદયમાં અસંગતાનો અનુભવ થઈ જાય છે. નિષ્કામ કર્મયોગી અથવા નિષ્કામ સેવકનો અહં પણ પરમાત્મા સંબંધિત થાય છે. તેના અહંની સાથે પરમાત્માનું ચિંતન અને સમર્પણને યાદ કરાવનારો બને છે. તેથી તેને તેનું અભિમાન નથી ઊભું થતું અને બાંધનારું બનતું નથી. સેવા થવાથી અંતઃકરણમાં એક જાતની પ્રસન્નતા થાય છે; એ ઉલ્લાસને પણ અલગ કરીને કેવળ પરમાત્માની સેવા-પ્રસન્નતાનું જ જો લક્ષ્ય રાખે તો સાધક છતે દેહે જીવનમુક્ત બની જાય છે. તેને મૃત્યુ પછી ‘મુક્ત’ થવું એવું નહિ રહે. છતે દેહે જ તેના હૃદયમાં અનુભૂતિ થઈ જશે.

ज्ञानावस्थिचेतस: નો અભિપ્રાય એ છે કે જ્ઞાનમાં જેના મનની સ્થિતિ થઈ છે અર્થાત્એનો સીધો અર્થ લેવો હોય તો પરમાત્માના સ્વરૂપમાં જેના મનની સ્થિતિ થઈ છે. અહીં કર્મયોગનું પ્રકરણ હોવાથી ‘જ્ઞાન’નો અર્થ પરમાત્માનો મહિમા અથવા સ્વરૂપ વધારે વ્યવસ્થિત ગણાશે. કર્મયોગમાં-ક્રિયા અને જ્ઞાન બે વસ્તુ છે. ક્રિયાવ્યાપાર ઉપરનું સ્તર છે જ્યારે ક્રિયાવ્યાપારના આંતરભાગમાં ક્રિયાને-સેવાને સક્રિય રાખવા પ્રેરણાબળ તરીકે પરમાત્માના મહિમાનું જ્ઞાન પડ્યું છે. તેથી જ તો ભગવાને કર્મયોગ-પ્રકરણમાં પોતાના જન્મ સંબંધી દિવ્યતા વગેરે પ્રકરણ અંદર સમાવ્યા છે. તેથી મહારાજ અને વચનામૃત જેવા ગ્રંથનો આધાર લઈને અર્થ કરવો હોય તો પરમાત્માના સ્વરૂપમાં જે સાધકના મનની સ્થિતિ થઈ છે, એવો નિષ્કામ સેવાયોગી એવો અર્થ વધારે બંધ બેસતો રહેશે-

यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते।

અહીં ગીતામાં ભગવાન यज्ञ શબ્દ હોમ હવનના સ્થાનરૂપ यज्ञને બદલે એક વિશિષ્ટ અર્થમાં यज्ञ શબ્દનો ઉપયોગ કરે છે. આગળ यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन:। કહ્યું કે यज्ञ સિવાયના અન્ય કર્મ જે છે તે આ જીવને બંધન કરનારા બને છે. વળી ત્રીજા અધ્યાયના તેરમા શ્લોકમાં ભગવાન કહે છે કે यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। ….. યજ્ઞનું શેષ રહેલું ભોજન કરીને સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. વળી ચોથા જ અધ્યાયના એકત્રીસમા શ્લોકમાં यज्ञशिष्टामृतभूजो यान्ति ब्रह्म सनातनम्‌ (४/३१) यज्ञ પસ શબ્દ સહિતના તમામ શ્લોકો કર્મયોગ પ્રકરણના છે અને તે પરમાત્માના અર્થમાં વપરાયા છે. यज्ञो वै विष्णु:।यज्ञ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને સમર્પિત થઈને જે કર્મ કરે છે તે તેના તમામ પૂર્વનાં કર્મોને લીન કરી નાખે છે, નાશ કરી નાખે છે. જ્યારે यज्ञार्थात्‌ कर्मणोऽन्यत्र પરમાત્માને સમર્પિત અર્થમાં કર્મ નથી થયું એટલે કે પોતાના કોઈપણ જાતના દુન્યવી સ્વાર્થમાં ગોઠવાયેલું કર્મ તેને જરૂર બંધનકર્તા બને છે. यज्ञ શબ્દ કર્મયોગથી આરાધ્ય એવા પરમાત્માના સ્વરૂપ માટે વપરાયો છે. એવું તમામ શ્લોકોને સાથે લઈને વિચારતા જણાય છે. કર્મમાં અકર્મને જોવાનો અર્થ પણ એ જ છે કે જીવનમાં કોઈપણ ભાગના કર્મને યજ્ઞાર્થ-પરમાત્માર્થ બનાવવું કે તેના અનન્ય ભક્તોને અર્થે અથવા બીજા જીવોના હિતને અર્થે બનાવવું તો તે કર્મ યજ્ઞાર્થ બનશે અને તે સિવાય यज्ञार्थात्‌ कर्मणोऽन्यत्र બની જશે.

પ્રકૃતિનું કાર્ય છે-ક્રિયા અને પદાર્થ. બન્ને પ્રકૃતિના ભાગ જ છે. બન્ને વસ્તુ જીવને બંધન કરનારાં બને છે. તેમાં પણ પદાર્થના બંધન કરતાંય ક્રિયાનું બંધન વધારે બળવાન છે. ક્રિયાનો સંપૂર્ણ ત્યાગ કોઈ પણ કરી શકતું નથી. જ્યારે પદાર્થનો ત્યાગ થોડે અંશે સહેલો છે.

મનુષ્ય મોટે ભાગે ક્રિયા કરે છે, તે આંતર પ્રેરણાથી કરે છે. સર્વે મનુષ્યોની સામાન્ય આંતર પ્રેરણા રાગ છે. આ સંસારના કોઈ ને કોઈ રાગ તેને ઊભો કરીને ક્રિયામાં જોડે છે, ક્રિયા કરવાની પ્રેરણા કરે છે. માટે ફળની ઈચ્છાથી જ ક્રિયામાં જોડાય છે. ફળની ઈચ્છા જ તેને બંધનનું કારણ બની રહે છે. ફળની ઈચ્છા એટલે ભોક્તાપણું, ભોક્તાપણાને આધારે તેમાં કર્તાપણું અવશ્ય આવે જ છે. ભોક્તાપણું જ્યારે હોય ત્યારે કર્તાપણાથી કોઈ પ્રકારે બચી જ શકાતું નથી. હજુ કર્તાપણું-કર્મ કરતો હોય ને તેને બચવું હોય તો ભોક્તાપણાથી બચી શકાય છે. કર્મના ફળને ન ઈચ્છે, અંતરથી ત્યાગ કરી દે તો તેમાં જીવ સ્વતંત્ર છે. ભોક્તા બનીને ઈચ્છા કરે કે તે કર્તાપણું મને ન સ્પર્શે તો તે શકય નથી.

કર્મયોગમાં ભોક્તાપણાનો અર્થાત્કર્મફળનો ખાસ ત્યાગ કરવાનો છે. જ્યારે જ્ઞાનયોગમાં તો કર્તાપણાનો પણ ત્યાગ કરવાનો છે. કર્મયોગમાં મમતા-આસક્તિનો ત્યાગ કરવાનો છે. જ્યારે જ્ઞાનયોગમાં અહંકારનો ત્યાગ કરવાની મુખ્યતા છે. મમતા મોટેભાગે જીવ કર્મના ફળમાં જ બાંધે છે અને બીજે કયાંય બાંધે તો પણ ફલાનુસંધાનથી જ બાંધે છે. તેથી તેનો ત્યાગ થતાં કર્મો કરવાના ચાલુ રહે તો પણ તે કર્મો બંધનકારક નથી થતા.એમ ભગવાન કહે છે. એટલું જ નહિ પણ પરમાત્માને માટે તે કર્મો જો થાય તો-समग्रं प्रविलीयते તેના સંચિત કર્મો પણ નાશ થઈ જાય છે ને તે દેહ છતાં મુક્ત ભાવને પામી જાય છે. શ્રીજી મહારાજ પણ એ જ કહે છે કે ભગવાનના સંતની સેવા કરે ભગવાનનું ચિંતન કરે અને નિષ્કામ સેવાયોગ કરે છે તેને મરીને ભગવાન પાસે જાવું એમ નથી. એ તો છતે દેહે ભગવાનનો પાર્ષદ બની રહ્યો છે.

આ અધ્યાયના ૯મા શ્લોકમાં ભગવાને કહ્યું કે, મારાં જન્મો ને કર્મો દિવ્ય છે. એમ જાણે છે તે મને પામે છે. જન્મો તો કેવળ ભગવાનના જ દિવ્ય હોઈ શકે; પરંતુ કર્મો તો મનુષ્ય માત્ર જો ઈચ્છે તો દિવ્ય કરી શકે છે. પોતાનાં કર્મોને દિવ્ય કેમ કરવાં તેની સંપૂર્ણ પ્રક્રિયા ભગવાને આ અધ્યાયના ત્રેવીસ શ્લોક સુધીમાં બતાવી છે.

ભગવાને બતાવ્યું કે શાસ્ત્રમાં કહેલ મર્યાદિત ‘કામના’ સહિત ક્રિયા કરવાથી તે કર્મ બને છે. શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાને ઉલઘં ને જ્યારે ‘કામના’ ભળે છે ત્યારે તે વિકર્મ બની જાય છે. એટલે કે પાપકર્મ બની જાય છે. જ્યારે ક્રિયામાંથી ‘કામના’ મૂળ સહિત નાશ પામી જાય ત્યારે તે અકર્મ બની જાય છે. નિર્બંધક કર્મ બની જાય છે. આ કર્મનું તત્ત્વ ભગવાને જાણવાનું બતાવ્યું છે