સાંખ્યયોગનો વિષય
ભગવાન બોલ્યા
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।।
અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.
अशोच्यानन्वशोचस्त्वं-ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હે અર્જુન ! જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે. સંસારમાં બે પ્રકારના પદાર્થો છે. सत् અને असत्, शरीर અને शरीरी તેમાં शरीरी એ સત્છે, અવિનાશી છે અને શરીર એ અસત્છે અને વિનાશી છે. છતાં બન્ને અશોચ્ય છે. શોક કરવા યોગ્ય નથી. કારણ કે, અવિનાશીનો કોઈ દિવસ નાશ થઈ શકતો નથી. કોઈ તેનો નાશ કરી શકતું નથી અને નાશવંત પદાર્થ કોઈ ઉપાયે ટકી શકતું નથી. માટે બન્નેનો શોક કરવો નિરર્થક છે. શોકનું કારણ પદાર્થ થઈ શકતા જ નથી; પરંતુ શોકનું કારણ તો પોતાનો અવિવેક જ છે. કેવળ મૂર્ખતા જ શોકનું કારણ છે. વળી શોકનાં નિમિત્તો જે કાંઈ સુખ-દુઃખ હોય છે તે પોતે કરેલાં કર્મનું જ ફળ છે. તેને જોઈને શોક કરવો એ પણ નરી મૂર્ખતા છે. सुखस्य दु:खस्य न कोऽपि दाता परो ददाति इति वृथाभिमान:। વળી પોતાના કર્મના ફળરૂપ પરિસ્થિતિ આવે છે તે પણ સદાકાળ તો રહેતી નથી, બદલાયા જ કરે છે.
रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ता…
प्रज्ञावादांश्च भाषसे-તું વાત કરે છે મોટો જ્ઞાની હો તેવી અને રુએ છે, श्याला: सम्बन्धिनस्तथा કહીને પોતાના સંબંધીઓને માટે ! સાચો જ્ઞાની કોને કહેવાય ? अक्रोध वैराग्यजितेन्द्रियत्वं क्षमा दया सर्वजनप्रियत्वम्। निर्लोभदानं भयशोक हानं ज्ञानस्य चिह्नं दशलक्षणं च।।
પહેલા અધ્યાયના ૩૧મા શ્લોકથી ૪૪મા શ્લોક સુધી અને બીજા અધ્યાયના ચોથા શ્લોકથી છઠ્ઠા શ્લોક સુધી અર્જુને કુળનાશથી મહાન પાપ થાય છે. અમે આ ધર્મ સમજીએ છીએ. મૂર્ખ દુર્યોધનાદિક આ વસ્તુ સમજતા નથી. આદિક પંડિતાઈની વાતો કરી છે. તેને લક્ષ્યમાં રાખીને ભગવાન આ પ્રમાણે તેને કહે છે. પિંડદાન અને પાણી ન મળવાથી પિતૃઓનું પતન થશે, તેઓ નરકે પડશે. આવી ચિંતા વ્યકત કરી છે અને વળી શોક સંબંધીઓનો કરે છે. માટે તે નરી મૂર્ખતા છે.
ભગવાન હસીને બોલ્યા છે. એક તો આવે સમયે હસવું એ કઠોરતા કહેવાય અને તેમાંય ભગવાન જે બોલ્યા છે તે તો વળી તેથી પણ કઠોર છે. ભગવાનને અર્જુનની મૂર્ખતા પર હસવું આવ્યું છે. ભગવાન અર્જુનને કહે છે કે તું શાસ્ત્રની ભાષા બોલે છે પણ પંડિત નથી. મૂઢ છો, મૂર્ખ છો. કારણ કે, શાસ્ત્રની ભાષા બોલતાં બોલતાં પણ જે નિર્ણયો આપી રહ્યો છે તે તારા પોતાના છે. શાસ્ત્રના નથી. અર્જુન શાસ્ત્રની ભાષા બોલી રહ્યો છે. શાસ્ત્રની ભાષામાં પોતાનું ચોકઠું ફીટ કરી રહ્યો છે. શાસ્ત્રની ભાષા દ્વારા જે જે નિષ્કર્ષ લેવા ઈચ્છે છે તે પોતાના હૃદયમાં ઊઠેલા નિષ્કર્ષો છે પણ શાસ્ત્રના નથી. શાસ્ત્રમાંથી તો ફકત હું જે આ નિર્ણયો લઉં છું તેની શાસ્ત્ર સાક્ષી પૂરે છે અને સમર્થન કરે છે એટલા માટે શાસ્ત્ર વચન બોલે છે.
મૂર્ખ અને પંડિતમાં એક જ તફાવત છે. મૂર્ખ પણ શાસ્ત્રની ભાષા બોલી શકે છે. ઘણું કરીને બોલતા જ હોય છે. કુશળતાપૂર્વક બોલતા હોય છે. કારણ કે, મૂર્ખતા અને શાસ્ત્રની ભાષા એ બન્ને વચ્ચે કોઈ વિરોધ નથી; પરંતુ મૂર્ખ શાસ્ત્રને પોતા તરફ ખેંચે છે. પોતાનામાં શાસ્ત્ર ગોઠવે છે. જ્યારે જ્ઞાની છે તે શાસ્ત્રમાં પોતાને ગોઠવે છે. અર્થાત્પોતાનું જીવન-નિર્ણયો હોય છે. એ જ તફાવત છે.
જે વ્યક્તિ શાસ્ત્રને પોતાના પક્ષમાં ખેંચીને ઊભું રાખવા મથે છે તે ઘણું કરીને પોતે શાસ્ત્ર ઉપર છે એવું બતાવતા પણ શીખી ગયા હોય છે અને આનાથી વધારે ખતરનાક બીજું કાંઈ નથી. શાસ્ત્રમાંથી પણ તે પોતાની વાતો ખોળી કાઢે છે. અર્જુનનું પણ અત્યારે કંઈક આવું બન્યું છે અને ભગવાનને હસવું તો એ વાતનું આવ્યું છે કે, શાસ્ત્રોનો સાર મૂર્તિમંત હું સામે ઊભો છું અને અર્જુન મને જ શાસ્ત્ર સમજાવવા બેઠો છે. મૂર્તિમંત જ્ઞાન હું એની સામે છું ને એ મને સમજાવે છે. આવું મૂર્ખ સિવાય કોણ કરી શકે ? તેથી તો ભગવાન હસ્યા છે. વળી અર્જુન ‘હે ભગવાન !’ એવું સંબોધન કરે છે પણ ભગવાન તરફ જરા પણ લક્ષ્ય આપતો નથી અને ભગવાને જે વાત કરી છે તે સ્પષ્ટ અને સીધી વાત કરી છે. આવી સ્પષ્ટ વાત ભાગ્યે જ કોઈ કહેતા હોય છે. એ તો કૃષ્ણ જ કહી શકે; છતાં પણ કરુણાની વાત એ છે કે, અર્જુન આવી સ્પષ્ટ વાત સાચા અર્થમાં સાંભળશે કે કેમ ? એ પ્રશ્ન છે. આખી ગીતામાં અર્જુને આંધળા અને બહેરાપણાનું જ પ્રદર્શન કર્યું છે. જો એકવાર અર્જુન સાંભળી લે તો ગીતા અહીં જ પૂરી થઈ જાય; પરંતુ એ ભગવાન ! ભગવાન ! કહ્યા કરે છે ને એમના તરફ ધ્યાન પણ આપતો નથી.ખુદ ભગવાન જો સારથિ હોય તો પછી લગામ એમના હાથમાં જ સોંપવી. પોતાના પર ભાર લઈને શા માટે ફરવું ? પરંતુ અત્યારે તે ભગવાન ! કહે છે પણ જાણતો નથી. અત્યારે તો તે પોતાના મિત્ર છે, સારથિ છે એટલું જ જાણે છે. સાથે બેઠા છે એટલે વાત પૂછી છે.
गतासूनगतासूंश्च-गतासून्-જે મરી ગયા છે તે પિતૃઓ અર્જુને પ્રથમ કહ્યું છે કે पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाम्। મૃત પિતૃઓનો શોક કરે છે તે પણ યોગ્ય નથી કારણ કે કર્મ પ્રમાણે એની ગતિ અનિવાર્ય છે. તેમાં અન્યથા થઈ શકતું નથી.अगतासून्-અને જે જીવે છે તે પણ પૂર્વના કર્મના પ્રમાણે સુખદુઃખને અવશ્ય પામે છે. તેનો પ્રતિકાર થઈ શકતો નથી. માટે તેની પણ ચિંતા વ્યર્થ છે. अवश्यं भावि भावानां प्रतिकारो भवेद्यदि तदा दु:खैर्न युज्येरन्नलराम युधिष्ठिरा:।
गतासून्-अगतासूंश्च નો અર્થ ઘણા વ્યાખ્યાકાર લક્ષણા લઈને પ્રાણ સાથે સંબંધિત શરીર અને પ્રાણ સાથે જેને કોઈ સંબંધ નથી એવા જીવ, એનો પણ શોક કરવો યોગ્ય નથી.
ભગવાને તત્ત્વજ્ઞ પુરુષોને માટે અહીં બે શબ્દોનો ઉપયોગ કર્યો છે. (૧) प्रज्ञावान् અને (૨) पण्डित-पण्डा એટલે (૩)सत्असत् ના વિવેકવાળી બુદ્ધિ. આવી બુદ્ધિ જેની વિકસિત થયેલી છે, તેને પંડિત કહેવામાં આવે છે અને प्रज्ञा નો અર્થ છે ચેતના=કલ્યાણના માર્ગમાં બાધક સંશયોને નિવૃત્ત કરવા સમર્થ બુદ્ધિ છે. તેને प्रज्ञा કહેવામાં આવે છે. प्रज्ञा અને पाण्डित्य બન્ને એક બીજાને અપેક્ષિત છે. કેવળ પાંડિત્ય પ્રજ્ઞા વિના પાંગળું છે. કેવળ પ્રજ્ઞા પાંડિત્ય વિના આંધળી છે. માટે બન્નેની પરસ્પર અપેક્ષા રાખીને.
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्याम: सर्वे वयमत: परम्।।१२।।
અર્થઃ હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને આપણે બધાય હવે પછીના સમયમાં પણ નહીં હોઈએ એમ તો નથી જ, અર્થાત્હોઈશું જ.
न त्वेवाहं जातु नासं-હે અર્જુન ! હું કયારેય ન હતો એવું નથી (એટલે કે હતો જ) અને તું પણ કયારેય ન હતો એમ નથી. આ બધા પહેલાં ન હતા, એમ નથી. આપણે સર્વે હતા જ. અહીં ભગવાને એમ સીધું જ કહ્યું હોત કે, હું, તું અને આ બધા પહેલાં હતા તો ચાલત પણ એમ ન કહેતાં નિષેધ મુખથી ભગવાને શા માટે પ્રતિપાદન કર્યું છે ? કારણ કે વિધિમુખથી પ્રતિપાદન અને નિષેધમુખથી પ્રતિપાદન એ બન્નેમાં ઘણો જ તફાવત છે. જ્યારે કોઈપણ વસ્તુનું અતિ સચોટપણે પ્રતિપાદન કરવું હોય ત્યારે નિષેધ મુખથી પ્રતિપાદન થાય છે.
આ સમજવા માટે દા.ત. કોઈ આપણને પૂછે કે, આ વ્યક્તિમાં કોઈ સદ્ગુણ છે ? તમારે જો હા કહેવી હશે તો તમારે સમગ્ર જિંદગીનો તપાસ નહિ કરવો પડે; પરંતુ કોઈપણ પળમાં અનાયાસે દેખાઈ ગયેલા એકાદ સદ્ગુણની પણ તમને માહિતી હશે તો તમે ચોક્કસપણે કહી શકશો કે હા એમાં સદ્ગુણ છે પણ જો આ જ પ્રશ્નનો તમારે નકારાત્મક જવાબ આપવો હશે તો તમે જલ્દી નિર્ણય કરી શકો નહિ. તમારે તેની સમગ્ર જિંદગીનું વિશ્લેષણ કરવું પડશે. નજર સામે રાખવી પડશે ને પછી જ ચોક્કસપણે નિર્ણય આપી શકશો. જો તમારે નકાર મુખથી વિધિનું પ્રતિપાદન કરવું હશે તો આનાથી પણ એક પગલું આગળ સમગ્ર જિંદગીનો તપાસ કરવા ઉપરાંત એવો કોઈ એક સદ્ગુણ તમારા દૃષ્ટિગોચર થયો છે કે જેને મોટે ભાગે કોઈ જાણતું નથી. એટલું જ નહિ પણ ઉપરછલી દૃષ્ટિથી તે દેખાતો પણ ન હોય તેવા સદ્ગુણનું વિધિમુખથી પ્રતિપાદન કરવામાં સામે બધા શંકા સેવતા હશે. ત્યારે તમને એ બાબતની ચોક્કસ ખાતરી છે. એ બાબતને રજૂ કરવા માટે આ ત્રીજી રીત અપનાવાય છે. ભગવાને અહીં એ રીત અપનાવી છે. એમાં ભગવાનની સર્વજ્ઞતા પણ છતી થઈ જાય છે. ભગવાને સાંખ્યયોગનું બીજ આ શ્લોકમાં મૂકયું છે. બીજા શ્લોકમાં કોઈને કોઈ રીતે ફક્ત તેનો વિસ્તાર છે. હાર્દ આ શ્લોક છે. તેથી તાત્પર્ય એ થયું કે, નિત્ય તત્ત્વોનો કયારેય પણ અભાવ નથી. એમાં પણ વળી जातु શબ્દનો પ્રયોગ કર્યો છે. जातु અર્થાત્કદાચિત એટલે કોઈપણ કાળ, દેશ, પરિસ્થિતિ, અવસ્થા, ઘટના વસ્તુ વગેરેમાં પણ આત્મતત્ત્વનો કયારેય અભાવ નથી. ત્રણે કાળમાં જેની સત્તા હોય તેને નિત્યતા કહેવામાં આવે છે. અહીં ભગવાને ભૂત અને ભવિષ્યની સત્તા બતાવી છે. આત્માની નિત્યતામાં ઘણા પ્રકારની યુક્તિઓ આપવામાં આવે છે. તેમાં એક એમ છે કે આપણે બધા પહેલાં ન હોત તો આજે પણ ન હોત. બીજ વિના ઉત્પત્તિ થતી નથી એવો સંસારનો નિયમ છે. પૂર્વ કર્મ એ ઉત્પત્તિનું બીજ છે અને પૂર્વે કરેલાં કર્મોનાં ફળ ભોગવવાં એ આ જન્મનું પ્રયોજન છે. માટે વર્તમાન શરીરથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને તેનું પણ પૂર્વ કર્મ ન હોય તો તે શરીર મળી શકે નહિ. માટે આ પ્રમાણે જન્મની પરંપરાઓ ઉપર દૃષ્ટિ કરો તો આત્માની અનાદિતા સિદ્ધ થાય છે અને તે જ પાયા પર ભવિષ્યનો વિચાર કરતાં આત્માની અનંતતા સિદ્ધ થાય છે. બીજી વાત એમ છે કે, બધા ઈશ્વરવાદીઓ ઈશ્વરને નિત્ય માને છે. જો ઈશ્વરને ઉત્પન્ન થયેલા માને તો એ ઈશ્વરને ઉત્પન્ન કરનાર બીજો ઈશ્વર માનવો પડે. તેને ઉત્પન્ન કરનાર ત્રીજો ઈશ્વર માનવો પડે ને એમ અનવસ્થા આવશે માટે ઈશ્વરને અનાદિ જ સ્વીકાર્યે જ છૂટકો છે. અનાદિ એવા શ્રીકૃષ્ણ જ કહે છે કે આપણે બધા ભૂતકાળમાં હતા ભવિષ્યમાં હોઈશું માટે ઈશ્વરની જેમ જીવોની પણ નિત્યતા સિદ્ધ થાય છે.
વળી ભગવાન अहं, त्वां, इमे એ આદિક શબ્દપ્રયોગ કરીને જીવ તથા ઈશ્વરનો સ્પષ્ટ ભેદ પ્રગટ કરીને તે ભેદ પણ અનાદિ છે. એવું પ્રતિપાદન થાય છે. बहूनि मे व्यतितानि जन्मानि तव चार्जुन, तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप। ત્યાં ભગવાને પોતાની મહત્તા પ્રકટ કરી છે અને સાથો સાથ ભેદ પ્રગટ કર્યો છે. જ્યારે અહીં પણ નિત્યત્વની દૃષ્ટિએ સમાનતા હોવા છતાં ભેદ અનાદિ છે. અહીં આ યુક્તિ આપવામાં આવે છે કે, ઈશ્વર અનાદિ છે તો આપોઆપ ભેદ પણ અનાદિ સિદ્ધ થશે. કારણ કે, ईशन् અર્થાત્નિયંત્રણ કરનાર ઈશ્વર અનાદિ છે તો જ્યારે જ્યારે ઈશ્વર હશે ત્યારે ત્યારે ईशितव्य પદાર્થ જીવ પણ અલગ હોવો જરૂરી છે. નહિ તો ईशन् કોનું કરશે અને જો ईशन् નહિ હોય તો તે ઈશ્વર પણ નહિ થઈ શકે. માટે ઈશ્વર અનાદિ છે તો જીવભેદ પણ અનાદિ સિદ્ધ છે.
જે વાત શાસ્ત્ર કહે છે તે જ વાત અત્યારનું વિજ્ઞાન પણ કહે છે. એ વાતને વિજ્ઞાનથી સ્પષ્ટ કરવી એ વધારે સુગમ રહેશે. શાસ્ત્ર શિખરની વાતોનું વર્ણન કરે છે. જ્યારે વિજ્ઞાન પાયાની વાતો કરે છે. વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોમાંની એક એ છે કે, અસ્તિત્વને અનસ્તિત્વમાં કોઈપણ ફેરવી શકતું નથી. કેવળ તેનું રૂપાંતર કરી શકાય છે. રેતીના એક નાનામાં નાના કણને આખી દુનિયાના તમામ વૈજ્ઞાનિકોનું જ્ઞાન તથા સમસ્ત જગતની પ્રયોગશાળાઓ સામટી મળીને પણ વિનષ્ટ કરી શકતા નથી. રૂપાંતરિત કરી શકે છે. તેની આકૃતિઓ બદલી શકે છે પણ એની અંદર છુપાયેલી सत् વસ્તુ અપરિવર્તિત જ રહે છે. જેમ ચક્રની અંદર ધરી હોય છે. ચક્ર ફરે છે પણ ધરી સ્થિર હોય છે. ફરનારી-પરિવર્તિત કોઈપણ વસ્તુ અપરિવર્તનશીલ-સ્થિર વસ્તુને આધારે જ હોય છે. જો સ્થિર વસ્તુનો આધાર ન હોય તો ફરનારી વસ્તુનું અસ્તિત્વ જ ન રહે. ધરી સ્થિર હોય તો જ ચક્ર ફરી શકે. સ્થિર આધાર સિવાય પરિવર્તિત પદાર્થ રહી શકે જ નહિ. દેહાદિક પદાર્થો પણ સતત પરિણામી છે. અનિત્ય છે તે પણ નિત્યપદાર્થ એવા અપરિણામી-સ્થિર એવા આત્માને જ આધારે રહેલા છે. દેહાદિક બદલાયા જ કરે છે પણ એનો આધાર જે આત્મા તે કાયમ સ્થિર-એ જ સ્થિતિમાં રહે છે.
જેને આપણે સજર્ન કહીએ છીએ તે વસ્તુના નવા રૂપનું નિર્માણ છે પણ અસ્તિત્વનું નહિ અને જેને આપણે વિનાશ કહીએ છીએ તે વસ્તુની આકૃતિનો નાશ છે પણ વસ્તુના અસ્તિત્વનો નાશ થતો નથી. આમ આકૃતિ બદલાય છે, રૂપ બદલાય છે; પરંતુ તેની અંતર્ગત રહેલી વસ્તુ અપરિવર્તિત છે. અહીં અર્જુન અને કૃષ્ણની દૃષ્ટિ જુદી છે. અર્જુન રૂપની વાત કરે છે તો ભગવાન અરૂપ પદાર્થની વાત કરે છે.
અહીં બીજી એક વસ્તુ લક્ષ્યમાં લેવા જેવી એ છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે એવો નિર્દેશ કરે છે કે, ભૂતકાળમાં હું, તું અને આ બધા હતા. ભવિષ્યમાં પણ આપણે બધા હોઈશું. તેથી જે વસ્તુ ભૂતકાળમાં હોય અને ભવિષ્યમાં પણ હોય તેના અસ્તિત્વની વર્તમાનમાં સહેજે સિદ્ધિ થઈ જાય છે. તેથી હું, તું અને આ બધા ત્રિકાળમાં છીએ એવું ભગવાનના શબ્દોથી સિદ્ધ થાય છે. તેથી જીવ અને પરમાત્મા વચ્ચે પારમાર્થિક ભેદ સિદ્ધ થાય છે અને જીવોમાં પણ પરસ્પર પારમાર્થિક ભેદ સિદ્ધ થાય છે. કારણ કે ભગવાનનું આ સનાતન પ્રમાણભૂત વાક્ય છે. ભગવાનના આ સનાતન વાક્યનું કોઈ રીતે ખંડન કરવું, તે કૃષ્ણના વ્યક્તિત્વનું ખંડન કરવા બરાબર છે અને કૃષ્ણનું ખંડન થયા પછી ગીતાનું કોઈ આધ્યાત્મિક ક્ષેત્રે મહત્ત્વ રહેતું નથી. તે એક સામાન્ય દુન્યવી પુસ્તક બની જાય છે પણ તે ઠીક નથી. માટે જીવ, ઈશ્વરમાં પારમાર્થિક ભેદ છે તે સિદ્ધ થાય છે.
રામાનુજ ભાષ્યની અંદર ઐક્યવાદનું ખંડન કરતાં આ પ્રમાણે કહ્યું છે. જો આત્મા અને પરમાત્મામાં ઔપાધિક ભેદ છે પણ તાત્ત્વિક નથી એમ માનીએ તો પણ ભગવાન અત્યારે અર્જુનને તત્ત્વોપદેશ કરે છે. તત્ત્વોપદેશ સમયે અતાત્ત્વિકનો નિર્દેશ કરવો તે યોગ્ય નથી માટે તે ભેદ તાત્ત્વિક છે અને શ્રુતિ પ્રામાણિત છે. કેટલાક આચાર્યો આ ભેદને અજ્ઞાનકૃત માને છે; પરંતુ પરમ પુરુષ પરમાત્માની અંદર અજ્ઞાન હોવું સંભવતું નથી. પૂર્વપક્ષી ભગવાનને અજ્ઞાન નથી પણ તેમને તો અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે; છતાં પણ બાધિતાનુવૃત્તિથી આ ભેદજ્ઞાન ચાલ્યું આવે છે. દગ્ધપટની માફક તે ભગવાનને બંધનકર્તા નથી.
સિદ્ધાન્તઃ તે યોગ્ય નથી. ઝાંઝવાનું જળ છે. એમ જ્ઞાન થયા છતાં પણ તેની અનુવૃત્તિ ચાલે છે. છતાં જલાહરણ રૂપ પ્રવૃત્તિ કોઈ કરતું નથી. ઘટ લઈને દોડતું નથી. તેમ ભગવાનને જો અદ્વૈતજ્ઞાન થયું હોય તો ઉપદેશરૂપ પ્રવૃત્તિ ઘટતી નથી અને વળી પરમાત્માને પહેલા અજ્ઞાન હતું અને શાસ્ત્રાધ્યયન દ્વારા તે નિવૃત્ત થયું અને તે અજ્ઞાનની અનુવૃત્તિ અત્યારે ચાલી આવે છે. એમ કહેવું શકય નથી. ભગવાનને અજ્ઞાન હતું ને જ્ઞાન થયું એમ ન કહી શકાય. એના જ્ઞાનશકત્યાદિક તો સ્વાભાવિક છે અને એ બાબતમાં શ્રુતિ-સ્મૃતિ સાથે પણ વિરોધ આવશે.
સિદ્ધાન્તઃ અને અમે એ પ્રશ્ન પૂછએ છીએ કે પરમપુરુષ પરમાત્મા શ્રીકૃષ્ણ અને અત્યારની તમારી અદ્વૈત પરંપરા તેને આત્મૈકત્વનો નિશ્ચય થયા છતાં ભેદજ્ઞાન અનુવર્તન થાય છે. ત્યારે પોતાના નિશ્ચયને અનુસાર આત્મૈકત્વ જ્ઞાનનો કોને ઉપદેશ આપશે ? એ પ્રશ્ન છે. (કારણ કે, એક આત્મા સિવાય જગતમાં તેને બીજા તો દેખાતું નથી.)
પૂર્વપક્ષી-પ્રતિબિંબની માફક પ્રતીત થતાં અર્જુન આદિકને ભગવાન ઉપદેશ આપે છે.
સિદ્ધાન્તઃ એ પણ યોગ્ય નથી. ગાંડો માણસ હોય તો પણ પોતાના પ્રતિબિંબને જોઈને આ પ્રતિબિંબ અને હું જુદા નથી. એમ જાણતો હોય તો એ પ્રતિબિંબને ઉદ્દેશીને કંઈ પણ ઉપદેશ આપશે નહિ તો પરમાત્માને તો એ ક્રિયા ઘટે જ કેમ ? અને બાધિતાનુવૃત્તિ પણ તેમાં છે એમ કહેવું શક્ય નથી. ભેદજ્ઞાનનું કારણ અજ્ઞાન છે આત્મૈકત્વ જ્ઞાન તેનું નિવર્તક છે. આત્મૈકત્વ જ્ઞાનથી જ્યારે ભેદજ્ઞાન વિનષ્ટ થાય છે પછી બાધિતાનુવૃત્તિ શક્ય નથી. પૂર્વપક્ષી-શક્ય છે. જેમ ચન્દ્રૈકત્વ જ્ઞાન હોવા છતાં ઘણી વખત દ્વિચંદ્રની અનુવૃત્તિ ચાલુ જ રહે છે. તેમ અહીં પણ ભગવાનને એકત્વ જ્ઞાન હોવા છતાં ભેદજ્ઞાનની બાધિતાનુવૃત્તિ ચાલુ જ રહે છે.
સિદ્ધાન્તઃ દ્વિચંદ્ર જ્ઞાનની અનુવૃત્તિ રહે છે, તેમાં આંખની અંદર તિમિર દોષ રહ્યો છે. એ તિમિરદોષ આત્મૈકત્વ જ્ઞાનથી દૂર થતો નથી પણ ઔષધથી દૂર થાય છે; છતાં પણ તે દૃષ્ટાંત અહીં અસ્થાને રહેશે. ચંદ્રૈકત્વ જ્ઞાન થયા પછી આંખમાં રહેલો તિમિર દોષ હજુ વર્તમાન છે. તેથી અદ્વૈકત્વ જ્ઞાન અકિંચિત્કર બને છે અને અનુવૃત્તિ ચાલુ રહે છે. અહીં ભગવાનમાં તિમિર દોષની જેમ કયો દોષ ચાલુ છે કે જેથી ભગવાનને ભેદ જ્ઞાનની અનુવૃત્તિ ચાલુ રહે છે ? અહીં તો વસ્તુ યાથાત્મ્ય જ્ઞાનથી ભેદજ્ઞાનનું વિષય અને કારણ સહિત અપારમાર્થિકત્વ સાબિત થયું છે તો પછી બાધિતાનુવૃત્તિ કેમ સંભવે છે ? તેથી સર્વેશ્વર શ્રીકૃષ્ણ અને અત્યારના તમારા ગુરુ પરંપરાના ગુરુ, તેમને જો તત્ત્વજ્ઞાન હોય તો ભેદજ્ઞાન દર્શન અને ભેદકાર્ય સંબંધી ઉપદેશ દેવો નિરર્થક છે અને જો તમે એમ કહેતા હો કે, તેમને તત્ત્વજ્ઞાન નથી તો પછી તેમને જ જો અજ્ઞાન હોય તો એને ઉપદેશ દેવાનો કોઈ હેેતુ નથી. કારણ કે, ગુરુના આત્મૈકત્વજ્ઞાનથી જ શિષ્યનું ભેદરૂપી અજ્ઞાન કાર્ય સહિત નાશ પામે છે. માટે શિષ્યને ઉપદેશ દેવો ઘટે પણ ગુરુ જ જો અજ્ઞાની હોય તો ઉપદેશ દેવાનો કોઈ અર્થ નથી.
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति।।१३।।
અર્થઃ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી.
આ સાંખ્યજ્ઞાનના શ્લોકોમાં મોટે ભાગે એકની એક વસ્તુનું પુનરાવર્તન કરતા હોય એવું પ્રથમ દૃષ્ટિએ ભાસે છે; પરંતુ એમ નથી. દરેક શ્લોકનો સ્વતંત્ર અલગ અલગ વિષય સ્પષ્ટપણે રહેલો છે.
देहिनोऽस्मिन्यथा देहे कौमारं योवनं जरा-દેહધારીના શરીરમાં પ્રથમ બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા આવે છે. શરીરમાં કદી એક અવસ્થા રહેતી નથી. બદલાવ આવ્યા જ કરે છે. દેહધારી (શરીરી) કહેવાનો મતલબ છે કે દેહ અને દેહધારી વચ્ચેની ભેદરેખા છે તે ભગવાન બતાવવા માગે છે. શરીરી જુદો છે શરીર જુદું છે. શરીરમાં જે પરિવર્તન છે તે શરીરીમાં નથી. શરીર અને શરીરીની બન્નેની આયુષ્ય પણ જુદી જુદી છે. શરીરની આયુષ્ય સીમિત છે. શરીરીની આયુષ્ય અસીમિત છે.
તથા देहान्तर प्राप्ति: જેમ શરીરની અવસ્થા બદલાય છે તેમ શરીર પણ બદલાય છે અવસ્થા બદલવાથી કયારેય શોક થતો નથી. તો શરીર બદલવાથી પણ શોક થવો ન જોઈએ. બાલ્યાવસ્થાનું મૃત્યુ થયે યુવાવસ્થા પ્રાપ્ત થાય છે. યુવાવસ્થાનો અંત થયે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. તેમ વૃદ્ધાવસ્થાને અંત થાય ત્યારે દેહાન્તર પ્રાપ્તિ થાય છે. બાલ, યુવા ને વૃદ્ધાવસ્થા એ સ્થૂળ શરીરની બદલાયેલી અવસ્થા છે. જ્યારે દેહાન્તર પ્રાપ્તિ એ સૂક્ષ્મ અને કારણ શરીરની બદલાયેલી અવસ્થા છે.
સ્થૂળ શરીરમાં બાલ, યુવા, વૃદ્ધાવસ્થાનું પરિવર્તન થાય છે. આ તો ખૂબ સ્થૂળ વસ્તુ છે. જે અજ્ઞાનીઓને પણ સર્વ વિદિત છે ને સ્વીકાર્ય છે, પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો સ્થૂળ શરીર ક્ષણે ક્ષણે પરિવર્તન પામી રહ્યું છે. નષ્ટ થઈ રહ્યું છે. કોઈ ક્ષણ એવી નથી જેમાં શરીરનું પરિવર્તન ન થતું હોય. એવી જ રીતે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું પણ પરિવર્તન થતું રહે છે.
હવે વિચાર કરવાનો છે કે સ્થૂળ શરીરનું તો આપણને જ્ઞાન થાય છે પણ સૂક્ષ્મ અને કારણ શરીર બદલાય છે તેનું જ્ઞાન આપણને કેવી રીતે થઈ શકે ? તેનો ઉત્તર એ છે જેવી રીતે સ્થૂળ શરીરનું જ્ઞાન તેની અવસ્થાઓમાં બદલાવને લઈને થાય છે તેમ સૂક્ષ્મ શરીર અને કારણ શરીરમાં આવતા બદલાવથી જાણી શકાય છે. તે બદલાવ તેની અવસ્થાઓ સ્વપ્ન અને સુષુપ્તિ પરથી જાણી શકાય છે. બાલ્યાવસ્થામાં માણસ સ્વપ્નમાં પોતાને બાળકરૂપ દેખે છે. યુવાવસ્થામાં યુવાન અને વૃદ્ધપણામાં વૃદ્ધ દેખે છે. આથી સિદ્ધ થયું કે સૂક્ષ્મ શરીરમાં પણ પરિવર્તન આવે છે. આવી જ રીતે સુષુપ્તિ અવસ્થા દ્વારા કારણનું સચોટ અનુમાન કરી શકાય છે. સુષુપ્તિ અવસ્થા એ ઘોર અજ્ઞાન અવસ્થા છે. અજ્ઞાન અવસ્થા લીધેલા ઊલટા નિર્ણયોના સમૂહરૂપ છે અને પ્રાણાંત જડતા અને જડતાપૂર્વકની પકડરૂપ છે. છતાં તે કોઈક અવસરે બદલતી જોવામાં આવે છે. દા.ત. કોઈ ઉંમરલાયક કન્યા હોય તે પરણીને સાસરે જાય ત્યારે તે પોતાનો પરિચય (આઈડેન્ટીફીકેશન) બદલે છે. માબાપના કુળ-ગોત્ર-અટક વગેરે જીવમાંથી કાઢીને સાસરા પક્ષને જીવમાં ભરે છે. જો કે આ લોકના આવા ગલત નિર્ણયો જીવમાં ભરવાને પકડી રાખવા એ જ કારણ શરીર છે. પછી તે સ્ત્રીને આ સમય જતાં આ પરિચય જ રૂઢ થઈ જાય છે ને તે ક્ષેત્રમાં જ મમત્વ ને મોહ રૂઢ થાય છે. અહીં તેના કારણ શરીરમાં બદલાવ થયો છે. સુધારો થયો નથી પણ બદલાવ થયો છે. જ્યારે કોઈ મુમુક્ષુ સાધુ થાય છે ત્યારે તો તેના નામ સુદ્ધાનું પરિવર્તન થાય છે. વર્ષો સુધી તે આશ્રમમાં રહેતાં તે રૂઢ થઈ જાય છે. પછી સ્વપ્નમાં પણ પોતાના ભગવાં કપડાં દેખે છે અને ઘોર સુષુપ્તિમાંથી પોતે નવા નામથી જાગે છે. માટે કારણ શરીર તો ઘોર અજ્ઞાન રૂપ છે. એટલે કે અજ્ઞાનના પરિણામરૂપ લેવાયેલા નિર્ણયોની જડતાપૂર્વકના ગ્રંથિ સમૂહરૂપ છે. તો પણ આને આ શરીરમાં કોઈક સંજોગોમાં સર્વ જન અનુભવે તેમ બદલાતું દેખાય છે. બાકી બીજા દેહમાં જાય ત્યાં તો બિલકુલ પરિવર્તન પામે છે. જેમ કે કોઈ જીવ મનુષ્ય યોનિમાંથી કૂતરાની યોનિમાં ગયો તો કૂતરાના દેહમાં તે પોતાને માણસ નહિ માને પણ પોતાની માન્યતા બદલીને પોતાને કૂતરો જ માને છે. જો તેમ ન થયું હોય તો તેને કોઈ રોટલો નાખે તો હરખથી ખાત નહિ પણ હડહડતું અપમાન ગણી પીંડીએ ચોટીને બચકું ભરી લેત.
માટે આ રીતે કારણ શરીરનું પરિવર્તન થાય છે. તેના સ્વભાવ ટેવો બદલાય છે. તે બધાં કારણ શરીરનાં પરિવર્તનો છે. કારણ શરીરમાં સ્વભાવ, ટેવો રહેલાં છે. આ ટેવો દરેક યોનિમાં માણસ કૂતરા વગેરેમાં જુદી જુદી હોય છે. માટે સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તેમાં પરિર્વતન થાય છે; પરંતુ શરીરીમાં બદલાવ થતો નથી. તેની સત્તા એકધારી રહે છે. જો શરીરીમાં પરિવર્તન થતું હોત તો અવસ્થા બદલાયા પછી હું જે બાળક હતો તે જ હું અત્યારે વૃદ્ધ થયો છું. એવી બુદ્ધિ (પ્રત્યભિજ્ઞા) ન થાત માટે તેમાં પરિવર્તન થતું નથી. માટે શરીર અને શરીરીની ભેદરેખા આ શ્લોક દ્વારા ભગવાન બતાવવા માગે છે. આ બધાની આયુષ્ય પણ અલગ અલગ છે. સ્થૂળ શરીરના જન્મ ને મૃત્યુ વચ્ચેની તેની આયુષ્ય છે. સૂક્ષ્મ શરીરનો જન્મ આ સૃષ્ટિના જન્મ સાથે થઈને મુક્તિપર્યંત જીવની સાથે રહે છે. જ્યારે કારણ શરીર અનાદિ છે તેનો આદિભાગ નથી પણ મુક્તિ થતાં તેનો અંત જરૂર છે. જ્યારે શરીરીની આયુષ્ય અનંત છે. એકેય બાજુ છેડો નથી.
અહીં બીજી એક શંકા એ છે કે શરીરની અવસ્થા બદલાતા પણ તેમાં થયેલું જ્ઞાન નષ્ટ નથી થતું. જ્યારે શરીરાન્તરમાં થયેલ બધું જ્ઞાન ભુલાઈ કેમ જાય છે ? તો તેનો ઉત્તર એ છે કે મૃત્યુનું અને જન્મનું કષ્ટ એટલો બધો ફટકો મારે છે કે દેહાન્તરનું જ્ઞાન તેને ભુલાઈ જાય છે. ફકત ‘હું છું’. પૂર્વે હતો, તે જ હું છું એટલું જ્ઞાન માત્ર રહે છે. તે સ્વરૂપ માત્રનું જ્ઞાન છે. પોતાની સત્તાનું જ્ઞાન અખંડ રહે છે. પોતાની સત્તાના અભાવનું જ્ઞાન કયારેય થતું નથી. અજ્ઞાન દશામાં પણ થતું નથી. ત્યારે પણ સત્તાનું જ્ઞાન અખંડ રહે છે અને તે જ જ્ઞાન મુક્તિ દશામાં પણ રહે છે. જીવનમુક્ત દશામાં તેને ભૂતકાળના શરીરોનું જ્ઞાન ભલે ન હોય પણ હું ત્રણે શરીરથી જુદો છું, એવું જ્ઞાન અખંડ રહે છે. એવી અનુભૂતિ થવી એ જ મુક્તિનું કારણ છે. કદાચ દેહાંતરનું જ્ઞાન હોય તો પણ તેનો કોઈ અર્થ રહેતો નથી. હું આ ત્રણે દેહથી અલગ છું. એ વાતને સ્પષ્ટ કરવી એ જ આ શ્લોકનો વિષય છે. શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.પ્ર.૪૪માં દરજીના ડગલાનું-દેહાંતર પ્રાપ્તિ માટે દૃષ્ટાંત આપ્યું છે. ડગલો સિવડાવીને દરજીને માબાપ માને તે મૂર્ખ કહેવાય. તેવી મૂર્ખતા તો આપણે કરતા નથી પણ એ દૃષ્ટાંત દ્વારા જે સમજવાનું કહ્યું છે, તે વિષયમાં તો પૂરી મૂર્ખતા કરીએ છીએ. धीरस्तत्र न मुह्यति-ભગવાન કહે છે કે ઉપરના પરિવર્તનોમાં કે અદલાબદલીમાં ધીર પુરુષો મોહ પામતા નથી. ભગવાન કહે છે કે દેહાન્તર પ્રાપ્તિમાં ધીર પુરુષને મોહ થતો નથી. એનો અર્થ એમ નથી કે ધીર પુરુષને દેહાન્તર પ્રાપ્તિ થાય છે. ખરેખર તો ભગવાને કહ્યા એવા ધીર પુરુષને દેહાન્તર પ્રાપ્તિનો પ્રસંગ જ આવતો નથી તો ‘न मुह्यति’ નો પ્રસંગ કેમ હોઈ શકે ? તો તેનું સમાધાન એ છે કે ધીરને દેહાન્તરનો પ્રસંગ નથી પણ અત્યારે ત્રણ દેહનો પ્રસંગ તો છે જ. તેથી ધીર પુરુષો પોતાને ત્રણ દેહ અવસ્થા ગુણથી વિભિન્ન માને છે અને એ બધાના પ્રભાવમાં કયારેય આવતો નથી. તે જાણે છે કે નિત્ય-અનિત્ય, સત્અસત્, વિકારી-અવિકારી, કયો પદાર્થ છે એને તેની સાથે કેવો વર્તાવ અને સંબંધ રાખવાથી મુક્તિ થાય છે ને કેવો સંબંધ રાખવાથી બંધન થાય છે. તેમાં ધીર પુરુષો કયારેય ભૂલતા નથી. એ મોહ પામતા નથી. આ બધા ટોળાથી પોતાની અલગતાનું, સાથે રહેવા છતાં અખંડ ભાન રહે છે.
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु:खदा:
आगमापायीनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ।।१४।।
અર્થઃ હે કુંતીપુત્ર ! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઈન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો આગમન-ગમન સ્વભાવવાળા છે, અનિત્ય છે; માટે હે ભારત ! તેમને તું સહન કર.
मात्रा स्पर्शास्तु… मीयते अनेन इति मात्रा જેનાથી માપતોલ થઈ શકે. અર્થાત્જેનાથી જ્ઞાન થાય છે, તેને માત્રા કહેવાય છે. એટલે કે ઈન્દ્રિયો તથા અંતઃકરણ માત્રા કહેવાય છે અને ઈન્દ્રિયો અંતઃકરણથી જેનો સંયોગ થાય છે, તે स्पर्शा: એટલે કે તમામ વિષયો તથા જગતના તમામ પદાર્થો એ स्पर्शा:।
અથવા માત્રા એટલે શબ્દ સ્પર્શાદિ વિષયો तन्मात्राणां कार्यत्वात् માત્રા તેઓ તન્માત્રાના કાર્ય હોવાથી તેને અહીં માત્રા કહ્યા છે અને માત્રાણામ્સ્પર્શાઃ તે વિષયોનો સ્પર્શ એટલે કે સંયોગ તે સ્પર્શઃ તે मात्रास्पर्शा:. तु શબ્દ भिन्नाभि प्रकरणे નિત્યદેહીની વાત ચાલતી હતી તેમાં આ અનિત્યની વાત છે, એટલે तु શબ્દ લખ્યો છે.
અહીં मात्रास्पर्शा: શબ્દથી વિષયો અને પદાર્થો જ શા માટે લેવામાં આવે છે તેમનો સંબંધ પણ કેમ સાથે લેવામાં આવતો નથી ? તેનું સમાધાન એ છે કે અહીં मात्रास्पर्शा: શબ્દથી વિષય સંબંધી એવો અર્થ લઈએ તો ‘आगमापायिनोऽनित्यान्’ એવું જે વિશેષણ આવે છે તે સંબંધ માટે ઘટી શકતું નથી. સંબંધ પદાર્થની જેમ આવવા જવાવાળો ન કહી શકાય. કારણ કે સંબંધની સ્વીકૃતિ કેવળ અંતકરણમાં નહીં થઈને સ્વયંમાં (અહંમાં) થાય છે. ચૈતન્યમાં થાય છે. સ્વયં નિત્ય છે. આથી ચૈતન્યમાં જે સ્વીકૃતિ થઈ જાય તે નિત્ય જેવી જ થઈ જાય. સામાન્ય રીતે સંબંધ અનિત્ય છે પણ ચૈતન્ય જ્યારે નિત્ય છે, ત્યારે જ્યાં સુધી એ પોતે સ્વીકૃતિને છોડે નહિ ત્યાં સુધી એ સ્વીકૃતિ જેવી હતી તેવીને તેવી ચાલુ રહે છે. પદાર્થનો વિયોગ થઈ જવા છતાં પણ અર્થાત્સંબંધિત સાચા પદાર્થનો વિયોગ થઈ જવા છતાં પણ તે પદાર્થનું અત્યારે અસ્તિત્વ નહિ હોવા છતાં પણ સંબંધ ચાલુ રહે છે. જેમ કે કોઈ સ્ત્રી વિધવા થઈ છે. અર્થાત્તેના પતિથી સદા વિયોગ થઈ ગયો છે; પરંતુ પચાસ વર્ષ પછી પણ કોઈ પરિચય પૂછે તો કહે કે ફલાણભાઈના પત્ની તરીકે કહે છે અને તે પણ પતિનું નામ પડતાં વિહ્વળ બની જાય છે. આથી સિદ્ધ થાય છે કે પદાર્થ હાજર ન હોય તો પણ સંબંધ ચાલુ રહે છે. તેથી સંબંધને આવવા જવાવાળો કહેવું બનતું નથી. છતાં તેના નાશનો એ ઉપાય છે. માટે मात्रास्पर्शा: થી જગત પદાર્થો જ લેવાના છે.
આવો માનેલો જે સંબંધ છે તે કેવળ અસ્વીકૃતિથી જ અર્થાત્પોતામાં નહિ માનવાથી જ નાશ પામે છે અને એ પણ વિકલ્પમાં તેને કોઈ નિત્ય પદાર્થ (પરમાત્માનું દાસપણું અથવા ભક્તોનો સંબંધ વગેરે)નો વિકલ્પ આપીને અથવા પ્રથમ અસ્વીકૃતિ અને તુરત વિકલ્પ ગ્રહણ કરવાથી જ તેનો નાશ સરળતાથી થઈ શકે છે. પોતાના ચૈતન્યમાં આ લોકના નાશવંત પદાર્થો સાથેનો સંબંધ કદાપિ થઈ શકતો નથી. કદાચ માની લે તો કાયમ રહી શકતો નથી. આમ છતાં માનેલા સંબંધની પોતાના જીવમાં જ્યાં સુધી અસ્વીકૃતિ દૃઢ ન કરે ત્યાં સુધી ગમે તેટલો ઉપરથી ત્યાગ કરવામાં આવે, ગમે તેટલો તેનો નાશ કરવા કષ્ટ ભોગવવામાં આવે, કાળ જતાં શરીરમાં ગમે તેટલું પરિવર્તન થઈ જાય. (વૃદ્ધાવસ્થા આદિકથી) તેને નાબૂદ કરવા માટે ગમે તેટલી તપશ્ચર્યા કરવામાં આવે તો પણ માનેલો સંબંધ નાશ પામતો નથી. જેવો હતો તેવો ને તેવો જ ચાલુ રહે છે. તેથી જ તો શ્રીજી મહારાજે વચ.ગ.મ.૩૨માં કુટુંબ સાથેના સંબંધને ‘થોર’ના ઝાડ જેવો નાશ ન પામે તેવો બતાવ્યો છે. તેનો ત્યાગ કરવા અંતરથી અસ્વીકૃતિ થવી જરૂર છે.
शीतोष्ण सुखदु:खदा:-આવા આગમાપાયી સ્વભાવવાળા પદાર્થો તથા વિષય છે તે કેવા છે ? તો શીત અને ઉષ્ણ, અનુકૂળ અને પ્રતિકૂળ સ્વભાવવાળા છે તથા સુખ અને દુઃખ આપવાના સ્વભાવવાળા છે. જેની ઈચ્છા રહે છે એવી અનુકૂળ વસ્તુઓ સુખદાયક થાય છે. જેનો દ્વેષ કરીએ છીએ એવી વસ્તુ, પદાર્થ, ઘટના, કાળ વગેરે દુઃખ દેનારા થાય છે.
અહીં અનુકૂળતા-પ્રતિકૂળતા એ કારણ છે, સુખદુઃખ એ કાર્ય છે. વાસ્તવમાં જોવામાં આવે તો આ પદાર્થોમાં સુખદુઃખ દેવાનું સામર્થ્ય નથી. (આપણી સામર્થીથી આપણે લઈ લઈએ છીએ) મનુષ્ય આની સાથે સંબંધ જોડીને આમનામાં અનુકૂળતા પ્રતિકૂળતાની ભાવના ઊભી કરીને, સુખદુઃખ આપનારા થાય છે. માટે ભગવાને અહીં તેને सुखदु:खदा કહ્યા છે.
आगमापायिन: अनित्या: એ બધા પદાર્થો આવવા જવાના સ્વભાવવાળા છે. તેઓ સ્થાયી સ્વભાવવાળા નથી. વળી અનિત્ય છે. નાશ થઈ જવાના સ્વભાવવાળા છે. તે પદાર્થો જ અનિત્ય અને પરિવર્તનશીલ છે. એટલું નથી, જેના વડે એનું જ્ઞાન થાય છે એવા ઈન્દ્રિયો, અંતઃકરણ પણ પરિવર્તનશીલ છે. તે પરિવર્તનને કેમ સમજી શકાય ? તો દિવસ દરમિયાન કાર્ય કરતાં કરતાં ઈન્દ્રિયો અંતઃકરણમાં થકાવટ આવી જાય છે. વળી સારી રીતે નિદ્રા લેવાથી તાજગી આવી જાય છે. બાળ, યુવાનીમાં તેજ હોય, વૃદ્ધ થઈ ઈન્દ્રિયો પણ જજર્રિત થઈને તેવું કામ આપવા સક્ષમ રહેતાં નથી. તેથી તેમાં પણ પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. અહીં પદાર્થમાત્રને સ્થૂળરૂપથી આગમાપાયિનઃ અને સૂક્ષ્મરૂપથી अनित्या: કહેવામાં આવ્યા છે. આગળ શ્લોક-૧૬માં અનિત્યથી પણ સૂક્ષ્મ બતાવવા ‘असत्’ કહેશે, અને નિત્યતત્ત્વને ‘सत्’ કહેશે.
तांस्तितिक्षस्व भारत। मात्रास्पर्शा: જેટલા વિષયો સામે આવે ત્યારે આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એમ જણાય તે દોષરૂપ નથી. એને લઈને અંતઃકરણમાં રાગદ્વેષ, હર્ષશોક વિગેરે વિકારો પેદા થવા એ દોષ યુક્ત છે. તેથી અનુકૂળતા પ્રતિકૂળતા જણાય તો પણ વિકારોને ઉત્પન્ન થવા ન દેવા. અર્થાત્નિર્વિકાર રહેવું તેને જ સહન કરવું કહ્યું છે. શ્રીજી મહારાજ વચ.ગ.મ.૨૩માં જણાવે છે કે સારા વિષયમાં મન ટાઢું ન થાય અને નરસા વિષયમાં મન તપી ન જાય તેને જ ભાગવત સંત જાણવા. તેણે મન જીત્યું જાણવું. એ જ અહીં तितिक्षस्व શબ્દથી કહેવા માગે છે અને અનુકૂળતા-પ્રતિકૂળતાથી ઉપર ઊઠવાનું ભગવાન કહે છે. એ અનુકૂળતા-પ્રતિકૂળતાથી ઉપર ઊઠયો એટલે પદાર્થથી પણ ઊંચે ઊઠી જવાય છે.
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदु:खसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।। १५।।
અર્થઃ કેમ કે હે પુરુષશ્રેષ્ઠ ! દુઃખ-સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઈન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.
આ શ્લોકમાં ભગવાને અર્જુનને પુરુષર્ષભ સંબોધન કર્યું છે. પુરુષોમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન! મનુષ્ય ઘણું કરીને પરિસ્થિતિઓને બદલવાનો વિચાર કરતો હોય છે. જે કદી બદલી શકાતી નથી. પોતે તેનો વિરોધ કરીને હોમાઈ જાય છે પણ પોતે બદલવા માગતો નથી. પોતાના કલ્યાણનો વિચાર કરી પોતાનો થોડો બદલાવ કરે તો આત્મકલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય પ્રણાલી પ્રમાણે અહીં પણ એ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. અર્જુન પ્રથમ તો પોતાનો નિશ્ચય બદલવા માગતો નથી પણ સદ્ભાગ્ય છે કે ખુદ પરમાત્માના પ્રભાવથી હવે અર્જુને પોતાનું આત્મકલ્યાણ વિચાર્યું છે અને પરમાત્માને શરણે થવા વિચારે છે. આ જ તેનું શ્રેષ્ઠપણું છે.
समदु:खसुखं धीरं। ધીર મનુષ્ય સુખદુઃખમાં સમાન રહે છે. પ્રકૃતિ સાથે એકાત્મતા સાધવાથી જ તેને સુખ અને દુઃખ અલગ અલગ દેખાય છે. પોતાના ચૈતન્યને બ્રહ્મની સાથે-પરમાત્માની સાથે એકત્વભાવ કરે તો તેને સુખ-દુઃખ એ સુખ-દુઃખ રહેતા નથી. સાધક તેનાથી પર થાય છે. તેથી સુખ અને દુઃખમાં સમભાવ આવે છે. એને વૈરાગ્યવાન્પુરુષ કહેવાય છે, તેને ધીર પુરુષ કહેવાય છે.‘‘विकार हैतौ सवि विक्रियन्ते येषां न चेतांसि स एव धीर:। અંતઃકરણને વિકૃતિ થવાના નિમિત્ત હોવા છતાં જેનું ચિત્ત વિકૃતિ પામતું નથી એવા પુરુષને ધીર પુરુષ ગણાય છે. અનુકૂળતા-પ્રતિકૂળતા સામે લક્ષ નહિ આપીને આત્મકલ્યાણરૂપ લક્ષ્ય સામી દૃષ્ટિ રાખે છે, ત્યારે એવી સ્થિતિ કેળવી શકાય છે.
यं हि न व्यथयन्त्येते पुरुषम् ધીરપુરુષને તે मात्रास्पर्शा: એટલે સમગ્ર વિષયો તથા પ્રકૃતિના પદાર્થમાત્ર વ્યથા પહોંચાડી શકતા નથી. માયિક પદાર્થના સંયોગથી જે સુખ થાય છે તે સુખ પણ શાંતિવાળું નથી હોતું. વ્યથાવાળું હોય છે. આત્મકલ્યાણમાં તિતિક્ષાથી જે દુઃખ થાય છે તે દુઃખ પણ શાંતિ પ્રદાન કરવાવાળું હોય છે. માટે માયિક પદાર્થના વિયોગથી જે દુઃખ થાય છે તે પણ વ્યથા છે. પરંતુ જેની દૃષ્ટિ પરમાત્મા તરફ છે તથા પોતાની ફરજ બજાવીને પરમાત્માને પ્રસન્ન કરવા તરફ દૃષ્ટિ છે તેને તે પ્રાકૃતિક પદાર્થો સુખી દુઃખી કરી શકતા નથી. પરમાત્મા પ્રાપ્તિરૂપ લક્ષ્ય તરફ દૃષ્ટિ રહેવાથી અનુકૂળતાને લીધે સુખનું જ્ઞાન તો થાય છે પણ તેમાં ભોગબુદ્ધિ નહિ થવાથી અંતઃકરણમાં તેનો સ્થાયીરૂપે સંસ્કાર પડતો નથી. એવી જ રીતે પ્રતિકૂળતામાં દુઃખનું જ્ઞાન તો થાય છે. પણ દુઃખમાં વિહ્વળ ન થઈ જવાથી અને અલગ એવું પોતાના આત્માનું તથા પરમાત્માને રાજી કરવાનું અનુસંધાન કરવાથી દુઃખ ભોગવતા છતાં સંપૂર્ણપણે અલિપ્ત રહેવાથી દુઃખના સંસ્કારો અંતઃકરણમાં પડતા નથી. તેથી તે સુખ અને દુઃખથી વ્યથિત થતો નથી.
सोऽमृतत्वाय कल्पते। એવો ધીર મનુષ્ય-અમરતા મેળવવા એટલે કે પોતાનું આત્મકલ્યાણ સાધવા યોગ્ય બને છે. સામર્થીવાળો થાય છે. कल्पते એટલે कृप-सार्म्थ्ये-કલ્યાણ મેળવવાની સામર્થી તે પામે છે. પામર થઈને ભોગ ભોગવવામાં આ જીવની તમામ સામર્થી ખલાસ થઈ જાય છે. જ્યારે ભોગમાંથી ભોગબુદ્ધિ દૂર થતાં જ તેનો તે શક્તિ પ્રવાહ બચી જાય છે. જેનો ઉપયોગ ઈહલૌકિક-પારલૌકિક ફરજ બજાવીને કલ્યાણ મેળવવા સમર્થ બને છે. આવી સામર્થીને યોગ્યતા આવવાથી તે જરૂર અમર બની જ જાય છે. ખરેખર તો તેની અમરતા સ્વતઃ સિદ્ધ છે જ પણ ભોગની પાછળ પામરતા આવવાથી અમરતાની વિસ્મૃતિ થઈ ગઈ હતી તે જ તેની ભૂલ હતી.
વિશેષ વાતઃ મનુષ્ય યોનિ સુખ દુઃખ ભોગવવા માટે નથી મળી. ઊલટું સુખદુઃખથી ઊંચા ઊઠી પરમાત્માની પ્રાપ્તિ અને તેનો રાજીપો મેળવવવા માટે મળી છે. પરમ આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ માટે મળી છે. જે મેળવ્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. (ગી.૬/૨૨) મનુષ્ય યોનિમાં સુખ-દુઃખ ભોગવવાનાં નથી પણ તેનો આપણે સદ્ઉપયોગ કરવાનો છે. જો અનુકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેના હોવામાં અથવા એમની સંભાવનામાં સુખી થઈશું તો તેઓને પ્રાપ્ત કરવાની આપણામાં કામના અને લોલુપતા જાગશે. જેથી આપણે અનુકૂળતાનો સદ્ઉપયોગ નહિ કરી શકીએ. તેનો સદ્ઉપયોગ કરવાનું સામર્થ્ય અને શક્તિ આપણને પ્રાપ્ત થશે નહિ. કારણ કે સદ્ઉપયોગ કરવાની શક્તિ ભોગવવા વપરાઈ ગઈ તેથી અનુકૂળતાનો સદ્ઉપયોગ થશે નહિ પણ ઉપભોગ થશે. તેવી જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ આવવાથી અથવા તેની આશંકાથી આપણે દુઃખી દુઃખી થઈ જઈશું તો પ્રતિકૂળતાનો જે સદ્ઉપયોગ નહીં થાય; પરંતુ ઉપભોગ થશે અને દુઃખને સહન કરવાનું આપણામાં સામર્થ્ય નહિ રહે. આપણું મન કાયમ દુઃખના ઢગલામાં જ ફસાયેલું રહીને દુઃખી દુઃખી થઈ જશે.
અનુકૂળ પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ, ગુણ, શક્તિ, ઘટના વગેરે પ્રાપ્ત થતાં સુખસામગ્રીનો પોતાના સુખ, આરામ કે સુવિધા માટે ઉપયોગ કરીએ અને એનાથી રાજી થઈએ તો એનો ઉપયોગ થયો કહેવાય પણ સદ્ઉપયોગ થયો ન કહેવાય. સદ્ઉપયોગ ત્યારે થયો ગણાય કે તે અનુકૂળતામાંથી यावद् પ્રયોજન જીવનનિર્વાહ ચલાવે અને તેનો વધારેમાં વધારે ભાગ ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં વિનિયોગ કરે ત્યારે તેનો સદ્ઉપયોગ થયો ગણાય. આમ જે અનુકૂળતા મળી છે તે પરમાત્માએ આપી છે, માટે તેની સમજવી અને ભગવાન અને ભક્તના અર્થે કે ફાયદામાં વાપરવી. જો એમ ન કરીએ ને કેવળ આપણા મન માન્યા ભોગ ભોગવીએ તો આપણે ચોર છીએ.
तैर्दत्तानप्रदायैभ्योयो भुङक्ते स्तेन एव स: ३/१२
અને આપણામાં કૃતઘ્નતા આવશે. તેથી પરમાત્માએ આપેલું તેમની અને તેમના ભક્તોની સેવામાં વાપરવું એ આપણું કર્તવ્ય છે.
હવે એ વિચારવાનું છે જે પ્રતિકૂળતાનો સદ્ઉપયોગ કેવી રીતે કરવો ? પ્રતિકૂળતાનો મોટો સદ્ઉપયોગ એ છે કે તેના આધારે માણસ ધારે તો વધારેમાં વધારે ભગવાનને યાદ કરી શકે, સ્મરણ કરી શકે. શ્રીજીમહારાજ પ્રત્યે પોતાની નિષ્ઠા મજબૂત કરી શકે. જેને નિષ્ઠા મજબૂત કરવી છે તેને પ્રતિકૂળતા જેવો સુવર્ણ સમય ઓછો મળે છે. પ્રતિકૂળતામાં આપણા આજુબાજુના સમાજનું સાચું જ્ઞાન થાય છે. સાચું સ્વરૂપ-ચિત્ર જોવા મળે છે. ત્યારે આપણી ઘણી ભ્રમણાઓ દૂર થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાચા વૈરાગ્ય અને વ્યક્તિત્વની તેજસ્વિતા વધે છે.
વળી દુઃખનું કારણ સુખની ઈચ્છા અને આશા જ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી ત્યારે જ બને છે કે જ્યારે અંતરમાં સુખની પ્રબળ ઈચ્છાઓ હોય. જો સાવધાનીથી તેનો ત્યાગ કરી દઈએ તો પછી પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આપણને દુઃખી નથી કરી શકતી. ડોકટર વાઢકાપ કરે તો પણ દર્દી મનમાં પ્રસન્ન રહે છે. તે પ્રસન્નતા ભાવિની છે. તેમ દુઃખ અને પીડાને ભગવાનની ઈચ્છા, પ્રારબ્ધ જાણી પ્રસન્નતાપૂર્વક સહન કરે તો તેને કલ્યાણનો માર્ગ સૂઝે છે. ભર્તૃહરિએ પણ આજ ભાવનો શ્લોક કહ્યો છે.
अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया
वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून्।
व्रजन्त: स्वातन्त्र्यादतुल परितापाय मनस:।।
स्वंयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ।। (वैरा. १२)
ભતૃહરિજી કહે છે કે વિષયો (પદાર્થો-સુખ વગેરે) અવશ્ય જવાના સ્વભાવવાળા છે. વિષયો આપણને છોડે અથવા આપણે વિષયને છોડી દઈએ તો જવાના તો છે જ. તે બન્નેમાં શો તફાવત છે ? તો ઘણો મોટો તફાવત છે. જો સમય આવતાં અસાવધાન વ્યક્તિને વિષયો છોડે છે ત્યારે અતુલ પરિતાપને આપીને જાય છે. જ્યારે વ્યક્તિ સ્વયં વિષયને છોડીને નિવૃત્ત થાય છે તો અનંત સુખનો અધિકારી બને છે. (તેમાં પણ વિશેષે કરીને તો તેમની માનસિક ઈચ્છા અને આસક્તિ જ છોડવાની છે, એટલી સ્થૂળ છોડવાની જરૂર નથી.)
જો આપણે સુખ-દુઃખનો ભોગ કરતા રહીશું તો આપણે ભવિષ્યમાં ભોગયોનિમાં જઈશું. ત્યારે તો સ્વર્ગ, નરક, પાતાળ વગેરે લોકમાં અવશ્ય જવું પડશે. કારણ કે તે ભોગનાં સ્થાનકો છે. જ્યારે તેનો ત્યાગ કરીશું ત્યારે ભગવાન પાસે જઈશું. જ્યાં સુધી ભુક્તિની રુચિ છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આ રીતે આપણે સુખ-દુઃખમાં સુખીદુઃખી થવાનું નથી પણ બન્નેમાંથી જે પ્રાપ્ત થયું હોય તેનો સદ્ઉપયોગ કરવાનો છે. એવા ધીર પુરુષો જ મુક્તિ, આત્મકલ્યાણ કે અમૃતના અધિકારી બને છે,બીજા નહિ.
नासतो विद्यते भावो नाभावो विद्यते सत्:।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभि:।।१६।।
અર્થઃ અસત્પદાર્થનો ભાવ નથી અને સત્વસ્તુનો અસદ્ભાવ નથી.આ સત્અસત્એ બન્નેનો પણ ખરો સાર-નિર્ણય તો તત્ત્વદર્શી મહાત્માઓએ જાણેલો છે.
मात्रास्पर्शा: तथा यं न व्यथयन्ति-१४-१५ બન્ને શ્લોકમાં વિષયને આનુષંગિક વાત કરીને ફરી પાછા ભગવાન પ્રકરણના મૂળ વિષય ઉપર આવે છે. પ્રથમ શ્લોક-૧૨મા ‘न त्वेवाहं जातु… શ્લોકથી અવિનાશી તત્ત્વોની વસ્તુસ્થિતિ બતાવે છે. પછી શ્લોકમાં देहिनो शरीर-શરીરનો એટલે કે આત્મા-અનાત્માનો વિવેક બતાવે છે. તે જ વિષયને આગળ વધારવા ભગવાન આ શ્લોકમાં સત્અને અસત્વચ્ચેની ભેદરેખા સમજાવે છે.
नासतो विद्यते भावो આ શ્લોકના અર્થમાં ત્રણ ધાતુઓ-ક્રિયાપદો વપરાયા છે. એક તો भू-સતાયામ્જેમ કે अभाव: અને भाव: બીજું अस्-भुवि જેમકે असत: અને सत्’: ત્રીજું विद् સતાયામ્જેમ કે વિદ્યતે ત્રણેના અર્થનું તાત્પર્ય-નિત્યત્વને લક્ષ્ય કરાવવાનું જ છે. असत: भाव: न विद्यते અને सत्: अभाव: न विद्यते અસત્ પદાર્થો કે ક્રિયાઓ કે જે પ્રકૃતિ થકી સર્જાયા છે, તેની સત્તા કયારેય હોતી નથી. સત્ની સત્તાનો અભાવ કયારેય હોતો નથી. અર્થાત્અસત્જો દૃશ્યમાન થાય છે તો પણ તેનો અભાવ જ છે, એમ માનવું. શા માટે ? તો તેનું સતત પરિવર્તન થતું જ રહે છે. તે એક સ્થિતિમાં કદાપિ રહી શકતું નથી. અસત્વર્તમાન નથી. અસત્ની ઉપસ્થિતિ રહેતી નથી. અસત્વર્તમાન નથી હોતું. અસત્ની પ્રાપ્તિ હોતી નથી. અસત્મળ્યું એવું અનુભવાતું નથી. અસત્ની હાજરી હોતી નથી. અસત્કાયમ નથી. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તેનો નાશ અવશ્ય હોય છે. ઉત્પન્ન થતાંની ક્ષણે જ તેનો નાશ શરૂ થઈ જાય છે. તેનો નાશ એટલો તેજગતિથી થઈ જાય છે કે તેને બીજી વાર એ જ સ્થિતિમાં જોઈ શકાતું નથી. એવો સિદ્ધાંત છે કે જે કોઈ વસ્તુનો કયારેય પણ અભાવ છે તેનો સદા અભાવ છે. તેથી સંસારનો સદા અભાવ છે. સંસારને કેટલુંયે મહત્ત્વ દઈએ, સત્તા દઈએ પણ વાસ્તવમાં તેની વિદ્યમાનતા છે જ નહિ. અસત્પ્રાપ્ત થતું નથી. કયારેય કોઈને થયું નથી. ભવિષ્યમાં કોઈને થનારું છે નહિ. તેની પ્રાપ્તિનો કોઈ સંભવ જ નથી. જ્યારે તેનાથી બિલકુલ ઊલટું.
नाभावो विद्यते सत्: સત્નો અભાવ વિદ્યમાન નથી ઊલટું સત્નો ભાવ વિદ્યમાન છે. કારણ તેમાં કયારેય પરિવર્તન થતું નથી. જેનો અભાવ થઈ જાય તેને સત્કહેવાય પણ નહિ. સત્ની સત્તા નિરંતર રહે છે. સત્નિરંતર વર્તમાન છે. સત્નિરંતર ઉપસ્થિત રહે છે. સત્ની પ્રાપ્તિ નિરંતર છે. સત્નિરંતર મળેલું છે. સત્ની નિરંતર હાજરી છે. કોઈ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયામાં સત્ની ગેરહાજરી હોતી નથી. દેશ, કાળ, વસ્તુ વગેરે સતત પરિવર્તનશીલ છે પણ તેમાં છુપાયેલ સત્તેના પરિવર્તનની હાજરીમાં પણ જેમનું તેમ અપરિવર્તિત રહે છે. તેમાં કિંચિત્માત્ર પણ બદલાવ આવતો નથી, કમી આવતી નથી. પરમાત્મતત્ત્વ અને આત્મતત્ત્વનો ગમે તેવો અસ્વીકાર કરે, તેની કેટલીયે ઉપેક્ષા કરે, તેનાથી ગમે તેટલો વિમુખ થઈ જાય. તેનો ગમે તેવો તિરસ્કાર કરે, તેનું કેટલીયે યુક્તિઓ દ્વારા ખંડન કરે પણ તેનો અભાવ થતો નથી. સંભવ પણ નથી. તેનો અભાવ કોઈ કરી શકતું નથી. ખાલી માની શકે છે.
उभयोरपि दृष्टोऽन्त: त्वनयोस्तत्त्वदर्शिभि:
અસત્ની સત્તા નથી અને સત્નો અભાવ નથી-આ એક સનાતન સત્ય છે-આ સત્યનો સ્વીકાર કરવો એ સાધકનું કામ છે. સાધકને હજુ અનુભવ હોય અથવા ન હોય પણ સનાતન સત્યનો હૃદયથી સ્વીકાર કરી લે તો અનુભૂતિ ધીરે ધીરે થવા લાગે છે અને મોહથી કે બીજા કોઈ કારણસર સનાતન અસત્ય પકડાઈ જાય તો તેમાં અજ્ઞાન અને સંસારના દોષો આપોઆપ વધવા લાગે છે. માટે સાધકને સત્યનો હૃદયથી સ્વીકાર કરવાનો છે અને જે ભગવાનની દૃષ્ટિએ અસત્ય છે, ખરેખર અસત્ય છે. તેનો અસ્વીકાર-ત્યાગ કરવાનો છે. આવો વેદાંતનો અને ગીતાનો સાર છે. નિષ્કર્ષ છે. તેથી ભગવાન કહે છે કે उभयो रपि दृष्टोऽन्त:-उभयो શબ્દથી વિવેક બતાવ્યો છે સત્અને અસત્નો સાધકને પાકો અને દૃઢ વિવેક હોવો જોઈએ. પૂર્વેના મહાપુરુષોને તે હતો અને अन्त: શબ્દથી તત્ત્વજ્ઞાન બતાવ્યું છે અને दृष्टः શબ્દથી અનુભૂતિ બતાવી છે. અર્થાત્જ્યાં સુધી સાધકના હૃદયમાં સત્ની સાથે અસત્ની પણ સત્તા રહે છે, ત્યાં સુધી બન્ને વચ્ચે વિવેકની જરૂર પડે છે. જ્યારે અસત્ની સત્તા હૃદયમાંથી દૂર થતાં તેને તત્ત્વજ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનનો પરિપાક અનુભૂતિમાં પરિણમે છે. આમ વિવેકની પરિણતિ તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનની પરિણતિ તત્ત્વની મહત્તાની અનુભૂતિમાં થાય છે. તેથી આ પ્રકરણના-૧૧મા શ્લોકમાં नानुशोचन्ति पण्डिता: એમ કહ્યું વળી-૧૩માં धीरस्तत्रन मुह्यति ૧૫માં समदु:ख सुखं धीर: આમ આગળ જેને पण्डित અને ધીર કહ્યા છે તેને જ ભગવાને અહીં તત્ત્વદર્શી કહયા છે. પંડિત શબ્દ વિવેક પ્રાધાન્યવાળો છે. ધીર તત્ત્વપ્રધાન અને તત્ત્વદર્શી અનુભૂતિનું પ્રાધાન્ય સૂચિત કરે છે. તેથી ભગવાન અહીં સૂચવે છે કે શાસ્ત્રો ને મહાપુરુષો દ્વારા બતાવેલ અસત્નો અસ્વીકાર અને સત્નો જે સ્વીકાર કરે છે તેને વિવેકબુદ્ધિ આપોઆપ ઊભી થાય છે અને તેમાંથી તત્ત્વજ્ઞાન (પરમાત્મ તત્ત્વનું જ્ઞાન) થાય છે અને છેવટે અનુભૂતિ થઈને તે મુક્તિદશાને અનુભવે છે.
अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम्।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति।।१७।।
અર્થઃ નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી.
अविनाशी तु तद्विद्धि-તુ શબ્દ અહીં વિશેષ ધ્યાન ખેંચવા માટે કહ્યો છે. ભગવાન આગળ સત્અસત્બન્નેની વાત કરતા આવે છે. તે બેમાં સત્ની વધારે વિલક્ષણતા બતાવવા ‘તુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે અવિનાશી તત્ત્વને તું જાણ-સમજ. અહીં અવિનાશી નિત્ય તત્ત્વને પરોક્ષપણે નિર્દેશ કર્યો છે. ઘણું કરીને તત્ત્વને પરોક્ષપણે શાસ્ત્રમાં કહેવાયું છે. શા માટે ? તો એક તો ઈદંતાથી જેવો પ્રાકૃતિક પદાર્થનો નિર્દેશ થઈ શકે છે તેવો આત્મ પરમાત્મ તત્ત્વનો કયારેય થઈ શકતો નથી. ખરેખર તો ઈદંતાથી દેખાવાવાળા આ સંપૂર્ણ સંસારમાં પરોક્ષ રીતે કહેવાયેલું તત્ત્વ જ વ્યાપીને સાંસારિક પદાર્થોને સંચાલિત કરી કહ્યું છે. પરોક્ષથી નિર્દેશ કરવાનો મતલબ એવો નથી કે તે તત્ત્વ ઘણું દૂર છે. ખરેખર તો તે તત્ત્વ જેટલું નજીક છે તેટલા સાંસારિક પદાર્થો નજીક નથી પણ એટલું તો જરૂર કે તે તત્ત્વ ઈન્દ્રિયો, અંતઃકરણનો સાક્ષાત્વિષય થઈ શકતું નથી. માટે તેનું મોટે ભાગે પરોક્ષપણે નિરૂપણ થાય છે.
येन सर्वमिदं ततम्-તેને પરોક્ષપણે બતાવ્યું. તે તત્ત્વથી આ સઘળો સંસાર વ્યાપીને રહ્યો છે. સત્તા સાંસારિક પદાર્થોની નથી પણ તે તત્ત્વની સત્તા છે અને તે તત્ત્વ જ જાણવા યોગ્ય છે.‘येन सर्वमिदं ततम्’ આ શબ્દો ગીતામાં ત્રણ વખત આવ્યા છે. એ પૈકી અહીં (૨/૧૭) આ પદો શરીરીને માટે વપરાયા છે. તેથી ચેતન તત્ત્વથી આ સઘળો સંસાર સંચાલિત થઈ રહ્યો છે, એવો અર્થ પ્રાપ્ત થાય છે. આ સાંખ્યની દૃષ્ટિથી કહ્યું છે. બીજીવાર આ પદો (અ. ૮/૨૨)માં આવ્યા છે.
पुरुष: स: पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया।
यस्यान्त: स्थानि भूतानि येन सर्वमिदं ततम्।
અહીં એ શબ્દો પરમાત્માને માટે કહેવાયા છે કારણ કે ત્યાં ભક્તિનો વિષય ચાલે છે. ત્રીજી વખત આ પદો (અ. ૧૮/૪૬)માં આવ્યા છે.
यत: प्रवृत्ति भूतानां येन सर्वमिदं ततम्।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: अ.१८/४६
અહીં પણ ભક્તિના પ્રકરણમાં આવ્યા હોવાથી પરમાત્માને માટે કહેવાયા છે.
अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण:।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत।।१८।।
અર્થઃ આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન ! તું યુદ્ધ કર.
अनाशिन: अप्रेमस्य, नित्यस्य, शरीरिण:, इमे देहा: अन्तवन्त: उक्ता:। કોઈપણ કાળમાં, કોઈપણ કારણથી, કિંચિત્માત્ર પણ જેમાં પરિવર્તન થતું નથી. જેની ક્ષતિ થતી નથી અને જેનો અભાવ થતો નથી. એનું નામ અનાશી-અથવા અવિનાશી તત્ત્વ કહેવાય અને જે પ્રમાનો સાક્ષાત્વિષય ન હોય તેને અહીં અપ્રેમય કહ્યું છે. પ્રમા એટલે ઈન્દ્રિય અંતઃકરણ રૂપ પ્રમાણો. તેનો સાક્ષાત્ વિષય આત્મા બની શકતો નથી. માટે અપ્રેમય છે. આત્મતત્ત્વમાં શાસ્ત્ર અને સંત તથા મહાપુરુષ જ પ્રમાણ બને છે. પરંતુ તે પણ જે શ્રદ્ધાળુ છે, તેને માટે જ ઉપયોગી બને છે. જેને તેઓમાં શ્રદ્ધા નથી તેને માટે તે પ્રમાણરૂપ જણાતા નથી. આથી આ તત્ત્વ કેવળ શ્રદ્ધાનો વિષય છે.
नाभावो विद्यते सत्: સત્નો અભાવ વિદ્યમાન નથી ઊલટું સત્નો ભાવ વિદ્યમાન છે. કારણ તેમાં કયારેય પરિવર્તન થતું નથી. જેનો અભાવ થઈ જાય તેને સત્કહેવાય પણ નહિ. સત્ની સત્તા નિરંતર રહે છે. સત્નિરંતર વર્તમાન છે. સત્નિરંતર ઉપસ્થિત રહે છે. સત્ની પ્રાપ્તિ નિરંતર છે. સત્નિરંતર મળેલું છે. સત્ની નિરંતર હાજરી છે. કોઈ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ક્રિયામાં સત્ની ગેરહાજરી હોતી નથી. દેશ, કાળ, વસ્તુ વગેરે સતત પરિવર્તનશીલ છે પણ તેમાં છુપાયેલ સત્તેના પરિવર્તનની હાજરીમાં પણ જેમનું તેમ અપરિવર્તિત રહે છે. તેમાં કિંચિત્માત્ર પણ બદલાવ આવતો નથી, કમી આવતી નથી. પરમાત્મતત્ત્વ અને આત્મતત્ત્વનો ગમે તેવો અસ્વીકાર કરે, તેની કેટલીયે ઉપેક્ષા કરે, તેનાથી ગમે તેટલો વિમુખ થઈ જાય. તેનો ગમે તેવો તિરસ્કાર કરે, તેનું કેટલીયે યુક્તિઓ દ્વારા ખંડન કરે પણ તેનો અભાવ થતો નથી. સંભવ પણ નથી. તેનો અભાવ કોઈ કરી શકતું નથી. ખાલી માની શકે છે.
उभयोरपि दृष्टोऽन्त: त्वनयोस्तत्त्वदर्शिभि:
અસત્ની સત્તા નથી અને સત્નો અભાવ નથી-આ એક સનાતન સત્ય છે-આ સત્યનો સ્વીકાર કરવો એ સાધકનું કામ છે. સાધકને હજુ અનુભવ હોય અથવા ન હોય પણ સનાતન સત્યનો હૃદયથી સ્વીકાર કરી લે તો અનુભૂતિ ધીરે ધીરે થવા લાગે છે અને મોહથી કે બીજા કોઈ કારણસર સનાતન અસત્ય પકડાઈ જાય તો તેમાં અજ્ઞાન અને સંસારના દોષો આપોઆપ વધવા લાગે છે. માટે સાધકને સત્યનો હૃદયથી સ્વીકાર કરવાનો છે અને જે ભગવાનની દૃષ્ટિએ અસત્ય છે, ખરેખર અસત્ય છે. તેનો અસ્વીકાર-ત્યાગ કરવાનો છે. આવો વેદાંતનો અને ગીતાનો સાર છે. નિષ્કર્ષ છે. તેથી ભગવાન કહે છે કે उभयो रपि दृष्टोऽन्त:-उभयो શબ્દથી વિવેક બતાવ્યો છે સત્અને અસત્નો સાધકને પાકો અને દૃઢ વિવેક હોવો જોઈએ. પૂર્વેના મહાપુરુષોને તે હતો અને अन्त: શબ્દથી તત્ત્વજ્ઞાન બતાવ્યું છે અને दृष्टः શબ્દથી અનુભૂતિ બતાવી છે. અર્થાત્જ્યાં સુધી સાધકના હૃદયમાં સત્ની સાથે અસત્ની પણ સત્તા રહે છે, ત્યાં સુધી બન્ને વચ્ચે વિવેકની જરૂર પડે છે. જ્યારે અસત્ની સત્તા હૃદયમાંથી દૂર થતાં તેને તત્ત્વજ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનનો પરિપાક અનુભૂતિમાં પરિણમે છે. આમ વિવેકની પરિણતિ તત્ત્વજ્ઞાન છે. તત્ત્વજ્ઞાનની પરિણતિ તત્ત્વની મહત્તાની અનુભૂતિમાં થાય છે. તેથી આ પ્રકરણના-૧૧મા શ્લોકમાં नानुशोचन्ति पण्डिता: એમ કહ્યું વળી-૧૩માં धीरस्तत्रन मुह्यति ૧૫માં समदु:ख सुखं धीर: આમ આગળ જેને पण्डित અને ધીર કહ્યા છે તેને જ ભગવાને અહીં તત્ત્વદર્શી કહયા છે. પંડિત શબ્દ વિવેક પ્રાધાન્યવાળો છે. ધીર તત્ત્વપ્રધાન અને તત્ત્વદર્શી અનુભૂતિનું પ્રાધાન્ય સૂચિત કરે છે. તેથી ભગવાન અહીં સૂચવે છે કે શાસ્ત્રો ને મહાપુરુષો દ્વારા બતાવેલ અસત્નો અસ્વીકાર અને સત્નો જે સ્વીકાર કરે છે તેને વિવેકબુદ્ધિ આપોઆપ ઊભી થાય છે અને તેમાંથી તત્ત્વજ્ઞાન (પરમાત્મ તત્ત્વનું જ્ઞાન) થાય છે અને છેવટે અનુભૂતિ થઈને તે મુક્તિદશાને અનુભવે છે.
अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम्।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति।।१७।।
અર્થઃ નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી.
अविनाशी तु तद्विद्धि-તુ શબ્દ અહીં વિશેષ ધ્યાન ખેંચવા માટે કહ્યો છે. ભગવાન આગળ સત્અસત્બન્નેની વાત કરતા આવે છે. તે બેમાં સત્ની વધારે વિલક્ષણતા બતાવવા ‘તુ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તે અવિનાશી તત્ત્વને તું જાણ-સમજ. અહીં અવિનાશી નિત્ય તત્ત્વને પરોક્ષપણે નિર્દેશ કર્યો છે. ઘણું કરીને તત્ત્વને પરોક્ષપણે શાસ્ત્રમાં કહેવાયું છે. શા માટે ? તો એક તો ઈદંતાથી જેવો પ્રાકૃતિક પદાર્થનો નિર્દેશ થઈ શકે છે તેવો આત્મ પરમાત્મ તત્ત્વનો કયારેય થઈ શકતો નથી. ખરેખર તો ઈદંતાથી દેખાવાવાળા આ સંપૂર્ણ સંસારમાં પરોક્ષ રીતે કહેવાયેલું તત્ત્વ જ વ્યાપીને સાંસારિક પદાર્થોને સંચાલિત કરી કહ્યું છે. પરોક્ષથી નિર્દેશ કરવાનો મતલબ એવો નથી કે તે તત્ત્વ ઘણું દૂર છે. ખરેખર તો તે તત્ત્વ જેટલું નજીક છે તેટલા સાંસારિક પદાર્થો નજીક નથી પણ એટલું તો જરૂર કે તે તત્ત્વ ઈન્દ્રિયો, અંતઃકરણનો સાક્ષાત્વિષય થઈ શકતું નથી. માટે તેનું મોટે ભાગે પરોક્ષપણે નિરૂપણ થાય છે.
येन सर्वमिदं ततम्-તેને પરોક્ષપણે બતાવ્યું. તે તત્ત્વથી આ સઘળો સંસાર વ્યાપીને રહ્યો છે. સત્તા સાંસારિક પદાર્થોની નથી પણ તે તત્ત્વની સત્તા છે અને તે તત્ત્વ જ જાણવા યોગ્ય છે.‘येन सर्वमिदं ततम्’ આ શબ્દો ગીતામાં ત્રણ વખત આવ્યા છે. એ પૈકી અહીં (૨/૧૭) આ પદો શરીરીને માટે વપરાયા છે. તેથી ચેતન તત્ત્વથી આ સઘળો સંસાર સંચાલિત થઈ રહ્યો છે, એવો અર્થ પ્રાપ્ત થાય છે. આ સાંખ્યની દૃષ્ટિથી કહ્યું છે. બીજીવાર આ પદો (અ. ૮/૨૨)માં આવ્યા છે.
पुरुष: स: पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया।
यस्यान्त: स्थानि भूतानि येन सर्वमिदं ततम्।
અહીં એ શબ્દો પરમાત્માને માટે કહેવાયા છે કારણ કે ત્યાં ભક્તિનો વિષય ચાલે છે. ત્રીજી વખત આ પદો (અ. ૧૮/૪૬)માં આવ્યા છે.
यत: प्रवृत्ति भूतानां येन सर्वमिदं ततम्।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: अ.१८/४६
અહીં પણ ભક્તિના પ્રકરણમાં આવ્યા હોવાથી પરમાત્માને માટે કહેવાયા છે.
अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण:।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत।।१८।।
અર્થઃ આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન ! તું યુદ્ધ કર.
अनाशिन: अप्रेमस्य, नित्यस्य, शरीरिण:, इमे देहा: अन्तवन्त: उक्ता:। કોઈપણ કાળમાં, કોઈપણ કારણથી, કિંચિત્માત્ર પણ જેમાં પરિવર્તન થતું નથી. જેની ક્ષતિ થતી નથી અને જેનો અભાવ થતો નથી. એનું નામ અનાશી-અથવા અવિનાશી તત્ત્વ કહેવાય અને જે પ્રમાનો સાક્ષાત્વિષય ન હોય તેને અહીં અપ્રેમય કહ્યું છે. પ્રમા એટલે ઈન્દ્રિય અંતઃકરણ રૂપ પ્રમાણો. તેનો સાક્ષાત્ વિષય આત્મા બની શકતો નથી. માટે અપ્રેમય છે. આત્મતત્ત્વમાં શાસ્ત્ર અને સંત તથા મહાપુરુષ જ પ્રમાણ બને છે. પરંતુ તે પણ જે શ્રદ્ધાળુ છે, તેને માટે જ ઉપયોગી બને છે. જેને તેઓમાં શ્રદ્ધા નથી તેને માટે તે પ્રમાણરૂપ જણાતા નથી. આથી આ તત્ત્વ કેવળ શ્રદ્ધાનો વિષય છે.
શાસ્ત્ર અને સંત કે મહાપુરુષો કોઈને ફરજ પાડતા નથી કે જબરજસ્તી કરતા નથી કે તમે અમારામાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખવા અથવા નહિ રાખવામાં મનુષ્ય સ્વતંત્ર છે. જો તે શાસ્ત્ર અને સંતનાં વચનોમાં શ્રદ્ધા રાખશે તો જ આ આત્મતત્ત્વ તેની શ્રદ્ધાનો વિષય બને છે અને જો તે નહિ રાખે તો આ તત્ત્વો એની શ્રદ્ધાનો વિષય નથી (વચ.સારંગપુર ૧૮)
આ તત્ત્વ નિત્ય છે. કયારેય નાશ થનારું નથી. સદાકાળમાં રહેનારું છે તથા જેટલાં શરીરો છે તે બધાં જ અંતવાળાં કહેવામાં આવ્યાં છે. અહીં ભગવાને શરીરીને માટે એકવચન વાપર્યું છે. જ્યારે શરીરોને માટે બહુવચન પ્રયોગ કર્યો છે. એનું એક કારણ તો એ છે કે દરેક શરીરીને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવાં એક કરતાં વધુ શરીરો રહેલાં છે. બીજું કારણ એ છે કે શરીરો અનેક આવી ગયાં છે પણ તેમાં શરીરી સળંગ એક છે. તેથી તેને ગીતામાં सर्वगत: કહ્યો છે. એટલે કે બધી જગ્યાએ ફરીને આવ્યો છે અથવા ગમે તે બધાં જ શરીરોમાં વ્યાપવા સમર્થ છે; પરંતુ બધાં જ શરીરોમાં એક સાથે વ્યાપીને રહ્યો છે એમ નથી. કારણ કે તે તો પરમાત્માનો વિષય છે. અહીં જીવાત્માનો વિષય ચાલી રહ્યો છે. આમ શરીરીના કહેવાતા બધા જ શરીરો નાશવંત છે અને જેવી રીતે અવિનાશીનો કોઈ વિનાશ કરી શકતું નથી, તેમ વિનાશીને કોઈપણ રીતે અવિનાશી બનાવી શકાતું નથી. તે તો સદાય નાશ પામતા રહેવાના છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે તમામ પ્રકારનાં શરીરો છે તે નાશવંત છે પણ તે કોનાં છે ? તો नित्यस्य: તે શરીરો નિત્યનાં છે. એવું હોઈ શકે ? નિત્ય અને અનિત્ય તત્ત્વને સંબંધ કેમ સ્થાપિત થઈ શકે ? તો પરમાત્માને અહીં એ વસ્તુ જ અર્જુનના લક્ષ્યમાં મૂકવાની છે. બન્ને વચ્ચે કદાપિ નિત્ય સંબંધ થઈ શકતો નથી અને રહી શકતો નથી પણ વિટંબણા એ છે કે નિત્ય એવા જીવાત્માએ અનિત્ય તત્ત્વોને પોતાનાં માન્યાં છે અને પોતાને અનિત્ય તત્ત્વોનો માનવા લાગ્યો છે. પોતાને શરીરનો માલિક અથવા સંબંધી માનવાથી પોતાનામાં પ્રાકૃતિક અહં ઊભો થાય છે અને શરીરોને પોતાની ચીજ માનવાથી અહં પછી મમત્વ ઊભું થાય છે. જે સમગ્ર સંસારના દુઃખનું મૂળ છે. જેમ પોતાને ધનનો માલિક માને તે પોતાને ધનિક સમજે, વિદ્યાનો માલિક માને તો પોતાને વિદ્વાન સમજે. તેમ શરીરનો માલિક છે માટે શરીર છું એમ સમજે છે અને પોતાનામાં જે વસ્તુ માની લે છે, ત્યાં મમત્વ થતું જાય છે. જેમ ધન મારું છે, બુદ્ધિ મારી છે તેમ શરીર મારું છે.
આમ જડ પદાર્થો સાથે હું અને મારાપણાનો સજ્જડ સંબંધ થવા માત્રથી જ વિકારોની હારમાળા સર્જાય છે; પરંતુ વિવેકને જો આદર આપે તો જ તેમાંથી બચી શકાય.
तस्मात्युध्यस्व भारत।
માટે ભગવાન કહે છે કે સત્અસત્નો વિવેક સમજી, સત્તત્ત્વને પ્રાપ્ત કરવા માટે, અનુભૂતિમાં સિદ્ધ કરવા માટે તમે યુદ્ધ કરો. અર્થાત્પ્રાપ્ત કર્તવ્યનું પાલન કરો. ભગવાનને અહીં ૧૭ તથા ૧૮ શ્લોકમાં સત્નો બોધ કરાવવાનું લક્ષ્ય છે. એટલે સત્અસત્નો વિવેક થયા પછી સત્તત્ત્વનું લક્ષ્ય પ્રાપ્ત થાય અને તેને લક્ષ્ય રાખી પ્રમાદ છોડી પ્રાપ્ત કર્તવ્યનું પાલન કરવાથી અસત્ની આપોઆપ નિવૃત્તિ થઈ જાય. સત્તત્ત્વની પ્રાપ્તિ તો છે જ પણ તેની અનુભૂતિ આપોઆપ થવા લાગશે. ભગવાને કહ્યું છે જે कालेनात्मनि विन्दति। આ વિવેચનથી સિદ્ધ થાય છે કે ગીતાનું તાત્પર્ય યુદ્ધ કરાવવામાં નથી. ગીતાનું તાત્પર્ય પોતાના કર્તવ્યનું પાલન કરાવવાનું છે. અર્જુન ક્ષત્રિય છે, શૂરવીર છે, તેથી ભગવાન તેને ‘युद्धस्व’ એવી આજ્ઞા કરે છે. આપણા માટે ‘કર્તવ્યપાલન કર’ એ અર્થ છે. ભગવાને કહ્યા મુજબ નિઃસંગ થઈ કર્તવ્યપાલન કરવાથી સાધકના હૃદયમાં સત્અસત્નો વિવેક ન હોય તો પણ આવે છે. આ વિવેક પછી તત્ત્વદર્શન અને પછી તત્ત્વાનુભૂતિ-એવો ક્રમ છે. તેમાં યુદ્ધસ્વ (કર્તવ્યપાલન) મુખ્ય અને પ્રથમ સોપાન છે. તે વિના આ માર્ગે આગળ વધી શકાતું નથી.
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।१९।।
અર્થઃ જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો.
य: एनं वेत्ति हन्तारं…. અહીં एनं શબ્દ અન્વાદેશમાં વપરાયો છે. જેનું વર્ણન પહેલાં થઈ ચૂકયું છે. એને બીજીવાર કહેવું તેને અન્વાદેશ કહેવાય. આગળના શ્લોકમાં શરીરીની વાત કરી છે. તે જ શરીરીની અહીં વાત કરવા માટે અન્વાદેશ કર્યો છે. જે આ શરીરીને મારવાવાળો જાણે છે, તે બરાબર નથી સમજતા કારણ કે શરીરીમાં સાક્ષાત્કર્તાપણું નથી. જેમ કોઈ કારીગર ગમે તેટલો ચતુર કેમ ન હોય છતાં ઓજાર વિના તે કાર્ય નથી કરી શકતો. એવી જ રીતે આ શરીરી, શરીર વિના પોતે કાંઈ પણ નથી કરી શકતો. આથી તેરમા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश:।
य: पश्यति तथात्मानमकर्तारं स पश्यति। (गीता १३/२९)
હરવું, ફરવું, જોવું, સાંભળવું, ચિંતવન, ધ્યાન, સમાધિ વગેરે તમામ ક્રિયાઓ ત્રણ શરીરમાં થાય છે. ત્રણ શરીર પ્રકૃતિથી નિર્માણ થયાં છે. તેથી તમામ ક્રિયા પ્રકૃતિની સહાય વિના શરીરી કરી જ શકતો નથી. ઉપરાંત જે કાંઈ ક્રિયાનો આધાર-અધિકરણ પ્રકૃતિ એટલે તેમાંથી નિર્મિત થયેલાં ત્રણ શરીરો-ઈન્દ્રિયો, અતઃકરણ જ છે અને આત્મા અકર્તા છે. પણ શરીર સાથે तादात्म्य સંબંધ જોડીને શરીરમાં થવાવાળી ક્રિયાઓમાં પોતાને કર્તા માની લે છે પણ જો આ શરીરની સાથે પોતાનો સંબંધ ન જોડે તો આ કોઈ પણ ક્રિયાનો કર્તા નથી.
વળી ભગવાન કહે છે કે જે એને મરેલો માને છે તે પણ બરાબર સમજતો નથી. જેવી રીતે આ શરીરી મારવાવાળો નથી તેવી રીતે આ મરવાવાળો પણ નથી. કારણ કે એમાં કોઈ વિકૃતિ આવતી નથી. જેમાં વિકૃતિ આવે છે અને પરિવર્તન થાય છે અર્થાત્જે ઉત્પત્તિ-વિનાશશીલ હોય છે તે જ મરે છે.
उभौ तौ न विजानीतो… તેઓ બન્ને નથી જાણતા અર્થાત્જે આ શરીરીને મારવાવાળો જાણે છે તે પણ બરાબર નથી જાણતો અને જે આને મરવાવાળો માને છે તે પણ બરાબર નથી જાણતો.
नायं हन्ति न हन्यते। કારણ કે આ શરીરી વાસ્તવમાં નાશ કરનારો પણ નથી અને નષ્ટ થવાવાળો પણ નથી. એ નિર્વિકારરૂપથી નિત્ય નિરંતર જેમ છે તેમ રહેવાવાળો છે. આથી આ શરીરીને લઈને કોઈ પ્રકારનો શોક ન કરવો જોઈએ.
જે મનુષ્યો શરીરની જેમ શરીરીને પણ મરવાવાળો અને મારવાવાળા જાણે છે તે વાસ્તવમાં ભગવાને બતાવેલાં શરીર અને શરીરીના વિવેકને મહત્ત્વ નથી દેતા. અર્થાત્તે વિવેક તેનો હૃદયમાં સ્થિર થયો નથી. ઊલટું તે અવિવેકને અતિ મહત્ત્વ આપે છે. તે વાતનો ભગવાનને અર્જુન પ્રત્યેનો રંજ છે.
અર્જુન સમક્ષ યુદ્ધનો પ્રસંગ હોવાથી જ અહીં શરીરીને મરવા મારવાની ક્રિયાથી રહિત બતાવવામાં આવ્યો છે. વાસ્તવમાં ભગવાનનો કહેવાનો હેતુ એવો છે કે આ જીવાત્મા સઘળી ક્રિયાઓથી રહિત છે અને સમગ્ર ભોગથી નોખો છે. મારવું-મરવું તે કર્તાપણું ભોકતાપણાનાં પ્રતીક છે. તે ક્રિયાથી જીવાત્મા રહિત છે અર્થાત્કર્તાપણું અને ભોક્તાપણાથી રહિત આ શરીરી છે.
અહીં એક શંકા થાય છે કે ભાષ્ય વગેરે ગ્રંથોમાં શરીરીને કર્તા તરીકે સ્વીકાર્યો છે અને‘स्वतंत्र कर्ता’ સૂત્ર છે. તેનું શું સમજવું ? અને સારાંનરસાં કર્મોનું ફળ કોના ઉપર જશે ?
તો તેનું સમાધાન એ છે કે રામાનુજાચાર્યજીએ જીવાત્માનું જ્ઞાનકર્તૃત્વ સ્વીકાર્યું છે; સંકલ્પ કર્તૃત્વ સ્વીકાર્યું છે અને એ તેની યોગ્યતા પણ છે. છતાં જે તે કર્તૃત્વમાં માયિક ભાવોથી લિપ્તતા છે તે પ્રકૃતિજન્ય છે અને પ્રકૃતિનું પરિણામ છે. તેથી નિષ્કર્ષ એ થશે કે માયિક કર્તવ્ય ભોકતૃત્વ જીવાત્માના સ્વરૂપગત ધર્મો નથી. તે તેણે પ્રકૃતિ સાથે ઘાટો સંબંધ સ્થાપીને ઉછીના લીધેલા છે. જ્યારે પ્રકૃતિથી પર શુદ્ધ સ્વરૂપે થઈને પરમાત્માની દાસભાવે સેવા કરવી તે પણ કર્મ જ છે. તે પ્રકૃતિના સંબંધવાળું કર્મ નથી અને એવી કર્તૃત્વતા તો જીવમાં છે ને એવી કર્તૃત્વતા ઈષ્ટ પણ છે. તેથી માયિક ભાવવાળી કર્તૃત્વતા જીવમાંથી ઉત્થાપીને પેલી કર્તૃત્વતાથી ભાવિત થવાનું છે. તેમાં કોઈ દોષ નથી. ઊલટું મુક્તિનું કારણ પણ છે અને તે જ મુક્તિ છે. હવે પ્રશ્ન રહ્યો કર્મફળના ભોક્તાપણાનો. તેનું સમાધાન એ છે કે જ્યાં સુધી દેહની સાથે ગાઢ સંબંધથી વળગી રહ્યો છે. એટલે કે પોતાપણાની માનીનતા છે, ત્યાં સુધી તેને કર્મ લાગે છે ને ભોગવવાં પડે છે. જ્યારે ત્રણ દેહથી પર દિવ્ય ભાવના સિદ્ધ થાય, પછી કર્મનું ફળ તેના ઉપર નથી. છતાં પરમાત્માના દર્શન, સ્પર્શ, શ્રવણ વગેરે દિવ્ય ભોગ દિવ્ય દેહથી તો છે. તેથી તેવા ભોક્તાપણાનો નિષેધ પણ નથી અને એવો ભોક્તા જીવને માનવામાં દોષ નથી.
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूय:।
अजो नित्य: शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।।२०।।
અર્થઃ આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી.
આ શરીરી મારવાવાળો-મરવાવાળો શા માટે નથી તેના ઉત્તરમાં કહે છે કે આ શરીરી ષડ્વિકારોથી રહિત છે. શરીરમાં છ વિકારો રહેલા છે. जायतेऽस्ति विपरिणमते वर्धतेऽपक्षीयते विनश्यति (निरुक्त-१/१/२) ઉત્પન્ન થવું, અસ્તિત્વમાં દેખાવું, વધવું, બદલાવું, ઘટવું, નષ્ટ થવું. આ છયે વિકાર શરીરીમાં નથી.
न जायते म्रियते वा कदाचित्…
જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે એવી રીતે શરીરી કદી ઉત્પન્ન થતો નથી. ભગવાને તેને પોતાનો અંશ બતાવીને સનાતન છે એમ કહ્યું છે. जीवभूत: सनातन: (અ. ૧૫/૭)
આ શરીરી કદી મરતો પણ નથી. મરણ તે પામે છે જે જન્મે છે અને म्रियतेનો પ્રયોગ ત્યાં થાય છે. જ્યાં પિંડપ્રાણનો વિયોગ થાય છે. પિંડપ્રાણનો વિયોગ શરીરમાં થાય છે; પરંતુ શરીરીમાં સંયોગ કે વિયોગ કાંઈ નથી. જેમ છે તેમ જ રહે છે. તેનું મરણ થતું નથી.
બધા જ વિકારોમાં જન્મવું ને મરવું એ બે વિકારો જ મુખ્ય છે. આથી ભગવાને એમને બે વાર શરીરીમાં નિષેધ કર્યો છે. જેને પહેલાં न जायते કહ્યો તેને જ બીજીવાર अज: કહ્યો છે અને જેને પહેલાં ન મ્રિયતે કહ્યો, તેને જ બીજીવાર न हन्यते हन्यमाने शरीरे કહ્યો છે.
नायं भूत्वा भविता वा न भूय:।
અવિનાશી નિત્ય તત્ત્વનું જન્મપૂર્વક અસ્તિત્વ નથી હોતું. તેનું તો स्वत: સિદ્ધ અસ્તિત્વ છે. જેમ કોઈપણ વસ્તુનો પ્રથમ જન્મ, પછી તે છે એવું કહી શકાય પણ નિત્ય તત્ત્વ એવા શરીરીમાં જન્મપૂર્વકનું અસ્તિત્વ આ છે એવું નથી. તે તો શરીરના જન્મ પહેલાં પણ ‘છે’ એવી જ રીતે નિર્દેશ થાય છે. કારણ કે અવિનાશી સત્તાનો આરંભ અને અંત નથી હોતો. શરીરી અવિનાશી સત્તા છે. अज: તે જન્મતો નથી. શરીરનો જ ફકત જન્મ થાય છે. શરીરી તો नित्य: આ શરીરી નિરંતર રહેવાવાળો છે. તેનો નાશ નથી થતો. શરીર તો અર્ધી ઉંમર પછી ઘટવા લાગે છે. બળ (પ્રાણ) ક્ષીણ થવા લાગે છે. ઈન્દ્રિયોની શક્તિ ઓછી થવા લાગે છે. આમ શરીર, પ્રાણ, ઈન્દ્રિયો, અંતઃકરણ ક્ષીણ થાય છે. તેવી ક્ષીણતા નિત્યતત્ત્વ એવા શરીરીમાં કદી આવતી નથી માટે તે નિત્ય છે.
शाश्वत:- નિરંતર એકરૂપ રહેવાવાળું તત્ત્વ છે. તેમાં અવસ્થાઓ પ્રમાણે બદલાવ પણ આવતો નથી.
पुराण:- આ અવિનાશી તત્ત્વ એટલું બધું પ્રાચીન છે કે એ કદી પેદા થયું જ નથી; છતાં પણ નવીન જ છે. पुरा अपि नव: इति पुराण: જે વસ્તુ નવી હોય તે તાજગીથી ભરપૂર હોય છે. તેવી તાજગી જૂની વસ્તુમાં નથી હોતી. ઉત્પન્ન થનારી દરેક વસ્તુમાં શરૂઆતની તાજગી અંતે નથી દેખાતી. જરૂર તેમાં ઝાંખપ અનુભવાય છે. જ્યારે આ વસ્તુ્સર્વથી પુરાણી હોવા છતાં આ ક્ષણમાં ઉત્પન્ન થયેલી વસ્તુ જેટલી જ તાજગી અને નવીનતા ધરાવે છે. પ્રકૃતિનાં કોઈપણ તત્ત્વમાં આ વસ્તુ શકય જ નથી. તેમાં પરિવર્તન વિના તાજગી આવતી નથી. ઊલટું જૂનાપણું આવતું જાય છે. જ્યારે શરીરી તત્ત્વમાં નિત્ય નવીન તાજગી છે. જૂનામાં જૂનો-પ્રાચીન પદાર્થ હોવા છતાં આ જૂનાપણાનો સ્પર્શમાત્ર, ગંધમાત્ર જેનામાં ન હોય એવો પદાર્થ છે માટે તેને पुराण: કહ્યો છે.
न हन्यते हन्यमाने शरीरे… શરીરનો નાશ થવા છતાં પણ અને શરીરમાં હાજરી હોવા છતાં પણ શરીરીનો નાશ નથી થતો. આ બધાં શરીરીના આશ્ચર્યો છે. ભગવાન આગળ કહેવાના છે. (અ.૨/૨૯) કે आश्चर्यवत्पश्यति कश्चिदेनम्। તે આશ્ચર્ય શું છે ? તો આ બધાં જ એનાં આશ્ચર્યો છે, જે પ્રકૃતિનાં કોઈ ભાગમાં નથી દેખાતાં.
આ શ્લોકમાં ભગવાને શરીર અને શરીરીનું જેવું સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કર્યું છે, એવું ગીતામાં બીજી કોઈ જગ્યાએ નથી. અર્જુન યુદ્ધમાં કુટુંબીઓના મરવાની આશંકાથી વિશેષ શોક કરી રહ્યા છે. તે શોકને દૂર કરવા માટે ભગવાન કહે છે કે શરીરના મરવાથી શરીરી મરતો નથી. એનો અભાવ થતો નથી માટે શોક કરવો અનુચિત છે. ભગવાનનું તાત્પર્ય એવું છે કે શરીર અને શરીરીનો સ્વભાવ બિલકુલ અલગ અલગ છે. આપણે શરીરની સાથે ચોટેલા કે મળેલા પણ નથી. તેમ શરીર આપણી સાથે ચોટેલું કે મળેલું નથી. અત્યાર સુધીમાં આપણે અનંત શરીર ધારણ કરીને છોડી દીધાં છે. તેનાથી આપણી સત્તામાં શું ફર્ક પડયો છે ? શરીરીએ શું ગુમાવ્યું છે ? કશું નહિ. જ્યાંનો ત્યાં અને જેમનો તેમ જ રહ્યો છે. भूतग्राम: स एवायं भूत्वा भूत्वा प्रलीयते (८/१९) વળી બીજી વાત એ છે કે જેમ હાથ, પગ, આદિક શરીરનાં અંગ છે, એમ શરીર એ શરીરીનું અંગ પણ નથી. જે અંગીને છોડીને વહી જવાના સ્વભાવવાળું છે. વળી અંગીને છોડીને પોતે માત્ર વિકારને ધારણ કરનારું હોય, તેને અંગ ન કહેવાય. જેમ કફ, પેશાબ આદિક નિરંતર શરીરમાંથી વહેતાં હોવાં છતાં તેને શરીરનું અંગ ન કહેવાય. ગૂમડું વગેરે શરીરની વિકૃતિ હોવાથી તે શરીરનું અંગ ન ગણાય. તેવી જ રીતે શરીર પણ વહી જનારું છે. તે કીર્તનમાં કહ્યું છે કે એ પ્રમાણે ‘જગત જાય છે જળની પેઠે વહેતું જી, નાના મોટા નિત્ય મરે છે, અમર નથી કોઈ રહેતું જી.’ અને શરીર વિકારી પણ હોવાથી શરીરીનું અંગ પણ નથી. બિલકુલ અલગ છે. મોહથી અને રાગથી જીવે ફકત આ બધું પોતાનામાં માની લીધેલું છે.
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम्।
कथं स पुरुष: पार्थ कं घातयति हन्ति कम्।।२१।।
અર્થઃ હે પાર્થ ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે?
ઓગણીસમા શ્લોકમાં ભગવાને જણાવ્યું કે આ શરીરી મારતો ય નથી અને મરતોય નથી. તેમાં મરવાનો નિષેધ-૨૦મા શ્લોકમાં કરીને મારવાનો નિષેધ કરવા આ શ્લોકમાં કહે છે.
આ શરીરીનો કદી નાશ થતો નથી. એમાં કદી પરિવર્તન આવતું નથી. એને કદી જન્મ નથી થતો. એમાં કદી કોઈ પ્રકારની ઊણપ નથી આવતી. એવો જે અનુભવ કરી લે છે-य: एनं वेद તે પુરુષ કેવી રીતે કોને મારે અને કોને મરાવે ? અર્થાત્બીજાઓને મારવાની અને મરાવવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી. તે કોઈ ક્રિયાનો ન તો કર્તા બની શકે છે અને ન તો કરાવનાર બની શકે છે.
नित्य: सर्वगत: स्थाणुरचलोऽयं सनातन:।।२४।।
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते।
तस्मादेवं विदित्वैनं नानुशोषितुमर्हसि।।२५।।
અર્થઃ આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી. કેમ કે આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. આ આત્મા અવ્યકત, અચિંત્ય અને વિકારરહિત કહેવાય છે; તેથી હે અર્જુન ! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી.
પૂર્વ શ્લોકમાં અર્જુન ભગવાનનો શરણાગત થઈ તો ગયો છે; પરંતુ મનમાં ડર લાગ્યો કે, ભગવાન મને હમણાં જ કહેશે કે તું યુદ્ધ કર અને યુદ્ધ તો મને ધર્મયુક્ત લાગતું નથી માટે કરવું નથી. વળી અર્જુન વિચારે છે કે, ભગવાન એમ વિચારતા હશે કે અર્જુન યુદ્ધ કરશે. વિજય થશે, રાજ્ય મળશે અને અર્જુનના ચિંતા શોક ટળી જશે; પરંતુ એ શકય નથી. અર્જુન મોહગ્રસ્ત મનથી આવા વિચારો કરી રહ્યો છે કે, માટે હું અગાઉથી જ ભગવાનને વાત કરી દઉં તો યુદ્ધની ભગવાન આજ્ઞા ન આપે. વળી આમ પણ હોઈ શકે-અર્જુન વિચારે છે કે, હું ભગવાનને શરણે થયો છું. માટે હૃદયના ઊંડાણમાં પડેલા તમામ ભાવો ભગવાન પાસે નિષ્કપટપણે રજૂ કરી દેવા જોઈએ અને તો જ તેનો યથાર્થ ઉપાય કરી શકે માટે ભગવાન પાસે રજૂઆત કરે છે કે…
न हि प्रपश्यामि ममापनुद्याद्यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम्।।८।।
અર્થઃ કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઈન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે.
अवाप्य भूमावसपत्नमृद्धम् પૃથ્વી ઉપરનું રાજ્ય શત્રુઓથી ભરેલું હોય છે. કદાચ તે શત્રુ રહિત રાજ્ય મળે અને સંપત્તિહીન હોય તો પણ નકામું છે પણ કદાચને સંપત્તિથી ભરપૂર રાજ્ય મળે, અરે ! પૃથ્વીનું રાજ્ય તો શું? પણ દેવતાઓનું રાજ્ય એટલે કે ઈન્દ્રનું આધિપત્ય પ્રાપ્ત થાય તો પણ મારો શોક દૂર નહિ થાય. આ શોક કેવો છે ? તો ઈન્દ્રિયોને પણ શોષણ કરનારો છે.
સંજય બોલ્યા
एवमुक्त्वा हृषीकेशं गुडाकेश: परंतप।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह।।९।।
અર્થઃ હે રાજા, નિદ્રાને જીતનારા અજર્ુન અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને ‘યુદ્ધ નહીં કરું’ એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.
एवमुक्त्वा અર્થાત્ कथं भीष्ममहं संख्ये (૨/૪) થી લઈને राज्यं सुराणामपि चाधिपत्यं (૨/૮) સુધીની વાત કહીને न योत्स्ये હું યુદ્ધ નહિ કરું, એમ કહીને અર્જુન ચૂપ થઈ ગયો. અર્જુન લડવાનો ન હતો અને ભિક્ષાવૃત્તિ અર્થે યુદ્ધ ભૂમિ છોડવાનો હતો. એ જાણી ધૃતરાષ્ટ્ર ખૂબ રાજી થયા હશે પણ સંજયે અહીં તેમના બે વિશેષણો મૂકયા છે. અર્જુન પોતાના શત્રુઓને હણવામાં સમર્થ છે. गुडाकेश: गुडाकाया: ईश: निद्राजित અર્જુન ઈન્દ્રિયજીત છે અને ઈન્દ્રિયજીતનો જ વિજય થાય છે. એમ કહીને સંજયે ધૃતરાષ્ટ્રનો આનંદ દૂર કર્યો ને ફરી નિરાશામાં ડૂબાડ્યો. વળી થોડા વખત માટે કુટુંબપ્રેમને લીધે ઉત્પન્ન થયેલા જૂઠા મોહમાં ડૂબ્યો; છતાં શિષ્ય તરીકે સર્વોચ્ચ ગુરુ શ્રીકૃષ્ણને શરણે ગયો છે. જે શ્રીકૃષ્ણ કોણ છે ? હૃષિકેશ છે हृषीकाणां ईश: ઈન્દ્રિયોના સંચાલક છે. પ્રાણ શક્તિઓના નિયંતા છે. સર્વશક્તિમાન છે. પોતાના વિચારો અનુસાર કામ લેવા સમર્થ છે. તેથી અર્જુન પાસેથી જે ઈચ્છશે તે કામ લઈ શકશે. બીજું નામ છે ગોવિંદ અર્થાત્વેદવાણીના પ્રવકતા, વેદોના પ્રતિપાદક, સર્વજ્ઞ તેથી જે ઈચ્છશે તે સમજાવી શકશે.
આમ કહી સંજયે ધૃતરાષ્ટ્રના આનંદના મિનારા તોડી નાખ્યા છે.
तमुवाच हृषीकेश: प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच:।।१०।।
અર્થઃ હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર ! બન્ને સેનાઓના મધ્યે જ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે હૃષીકેશ-ભગવાન મલકતા હોય જ આ વચન બોલ્યા.
હે ધૃતરાષ્ટ્ર ! અહીં ધૃતરાષ્ટ્રને માટે ભારત સંબોધન થયું છે. કારણ કે, તે ભરતના વંશમાં જન્મ્યા છે; પરંતુ જ્યાં અર્જુનને ભારત સંબોધન કરાયું છે ત્યાં કેવળ વંશના સંબંધથી નથી પરંતુ વંશ ઉપરાંત પ્રતિભાના સંબંધથી પણ તે ભારત કહેવાયો છે. આ બન્નેના સંબોધન વચ્ચે તફાવત છે.
અર્જુન શૂરવીરતા અને ઉત્સાહપૂર્વક યોદ્ધાઓને જોવા બન્ને સેના વચ્ચે રથ રાખવા ભગવાનને કહ્યું હતું અને ત્યાં આવીને વિષાદમગ્ન બની ગયો. ખરેખર જે ઉદ્દેશથી આવ્યો હતો તે ઉદ્દેશ માટે કટિબદ્ધ થઈ જવું જોઈએ પણ ચિંતા અને શોકમાં ફસાઈ ગયો છે. ભગવાન તેને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે.
प्रहसन्निव ભગવાન હસ્યા, શા માટે ? અર્જુનનો ભાવ પલટો જોઈ અને ભગવાન હસ્યા. શૂરવીરતાને સ્થાને કાયરતા આવી ગઈ તે જોઈને ભગવાન હસ્યા. બીજી વાત અર્જુને પ્રથમ કહ્યું કે, હું તમારે શરણે છું. આપ મને ઉપદેશ આપો અને સાથે સાથે નિવેદન કર્યું કે હું યુદ્ધ નહિ કરું. ભગવાન તેની આ માનસિક બેડોળ સ્થિતિ જોઈને હસ્યા. प्रहसन्निव-इव નું તાત્પર્ય એ છે કે જોરથી હાસ્ય આવવા છતાં ભગવાન મંદમંદ હસીને જ બોલવા લાગ્યા છે. ભગવાન હસ્યા એ ભગવાનની ભગવત્તા બતાવે છે. ભગવાને પ્રથમ શંખ વગાડીને પાંડવ સેનાનું નેતૃત્વ-ચિંતા પોતે સ્વીકારી છે. એ સેનાનો મુખ્ય યોદ્ધો કે જેના પર આખા યુદ્ધનો આધાર છે, તે ભાંગી પડયો છે. યુદ્ધ કરવા જ તૈયાર નથી. આવી ભયાનક પરિસ્થિતિ પણ ભગવાનને વિચલિત નથી કરી શકી. આવા વિષમ સમયે પણ ભગવાનના મુખ ઉપર હાસ્ય ફરકી ઊઠયું છે. प्रहसन्निव भारत।। હવે બીજા અધ્યાયના ૧૧મા શ્લોકથી ગીતાનો ઉપદેશ શરૂ થાય છે. અલંકાર શાસ્ત્રોમાં ઉપદેશોના ત્રણ પ્રકાણ કરવામાં આવ્યા છે. (૧)प्रभुसंमित ઉપદેશ (૨) सुहृदसंमित ઉપદેશ (૩) कान्तासंमित ઉપદેશ.
(૧)प्रभुसंमित ઉપદેશઃ સ્વામી પોતાના ભૃત્યોને કેવળ આજ્ઞા આપે છે કે, અમુક કાર્ય કરો. કયારેક પોતાની ઈચ્છા હોય તો કાર્યના ફળ અને ઉછેરની વાત કરે; પરંતુ બધી જગ્યાએ બતાવવાની જરૂર નહિ અને કિંકરોને તે સંબંધી પૂછવાનો અધિકાર પણ હોતો નથી કે, આ કાર્ય શા માટે કરીએ. કેવળ સ્વામીની આજ્ઞા છે માટે કરવું જ જોઈએ. આવા ઉપદેશને પ્રભુસંમિત ઉપદેશ કહેવામાં આવે છે. વેદોનો ઉપદેશ આ પ્રકારનો મનાય છે. જ્યાં કેવળ આજ્ઞા જ હોય છે કે ‘‘પ્રતિદિન સંધ્યા કરો, સાંજ સવાર અગ્નિહોત્ર કરો.’’ સ્મૃતિ ગ્રંથોમાં પણ જે આચારસંહિતાઓ છે તે આ પ્રકારનો ઉપદેશ છે.
(૨) मित्रसंमित ઉપદેશ એક મિત્ર બીજા મિત્રને ઉપદેશ આપે છે. એમાં આજ્ઞાની પ્રધાનતા હોતી નથી; પરંતુ હિતાહિત કે કાર્યકારણભાવ બતાવીને કર્તવ્ય માટેના ગુણદોષ બતાવાય છે. પછી શ્રોતા પોતાના કર્તવ્ય માર્ગમાં જાતે જ નિશ્ચય કરી લે છે. પુરાણ અને ઈતિહાસો આ પ્રકારનો ઉપદેશ આપે છે. તે પ્રાચીન ઘટનાઓને શ્રોતા સામે રજૂ કરી અને બતાવી દે છે કે, આ સત્ય માર્ગ છે. તેનું ફળ આવું છે. આ અસત્ય માર્ગ છે. તેનું ફળ આવું ખરાબ છે. જેમ કે સંપૂર્ણ રામાયણ સાંભળીને-यान्ति न्यायप्रवृत्तस्य तीर्यञ्चोपि सहायताम्। अपन्थानं तु गच्छन्तं सोदरोऽपि विमुञ्चति।। આનાથી ન્યાય માર્ગ પર ચાલવાનો ઉપદેશ મળે છે. આ ઉપદેશ પદ્ધતિ પ્રથમ કરતાં ખૂબ જ વ્યાપક અને પ્રશંસનીય છે. આનાથી ઘણા ઉદ્ધત અને કુકર્મીઓ પણ સદ્રસ્તે વળી રહે છે.
(૩) कान्तासंमित ઉપદેશ ઉપરના બન્ને કરતાં વ્યાપક અને સુકુમાર ઉપદેશ પ્રકાર આ કાન્તાસંમિત ઉપદેશને માનવામાં આવ્યો છે. પોતાની અત્યંત પ્રેયસી સતિ સાધ્વી સ્ત્રી પોતાના પતિને અતિ વહાલથી મનરંજન કરતી થકી કર્તવ્ય અકર્તવ્યનો સંકેત આપતી હોય છે. જેમાં એની રીત ખૂબ જ સુકુમાર હોય છે અને રસભરી હોય છે. પ્રેમના બંધનવાળી હોય છે. કાવ્ય તથા નાટકો દ્વારા આ પ્રકારનો ઉપદેશ દેવામાં આવે છે. ઉપદેશના નામથી પણ ચિડાતા એવા મનુષ્યોને પણ મનોવિનોદ કરીને, આનંદ પમાડીને સદ્રસ્તે આ પ્રકારનો ઉપદેશ દોરે છે.
ગીતાનો ઉપદેશ બીજા પ્રકારનો ઉપદેશ છે. હૃષિકેશ અને ગુડાકેશ વચ્ચે ચાલતો આ સંવાદ છે. બન્ને ગાઢ મિત્રો છે. બેઉ મિત્ર તરીકે સમકક્ષ હતા પણ એક સ્વેચ્છાએ બીજાનો શિષ્ય થયો છે. અર્જુને પ્રાર્થના કરતાં જ કૃષ્ણે ગુરુપદ ધારણ કર્યું અને પૂરા ગાંભીર્યથી વાતની શરૂઆત કરી છે.
અર્જુન શોકાવિષ્ટ થયો છે. મનુષ્યને શોક ત્યારે થાય છે કે જ્યારે સંસારના પ્રાણી પદાર્થોમાં આ મારું છે અને આ મારું નથી એવો પોતાના કે પરાયાનો વિભાગ કરે છે. મમતા થયા પછી આસક્તિ થાય છે અને આસક્તિથી ચિંતા, ભય, ઉદ્વેગ, સંતાપ આદિક દોષ પેદા થાય છે અને એવો કોઈપણ દોષ નથી કે જે આસક્તિમાંથી ઉત્પન્ન થતો ન હોય. એ સિદ્ધાંત વાત છે. ધૃતરાષ્ટ્રની દૃષ્ટિમાં પણ પોતાનું-પરાયું જ હતું ત્યાર પછી અર્જુનને પણ સ્વજનોનો મોહ જાગ્યો છે. જો કે તેની કક્ષા ધૃતરાષ્ટ્રની સમાન નથી છતાં પણ મોહ તે મોહ જ છે. તે ગુણ થઈ શકતો જ નથી. તેથી તેને પોતાના કુટુંબીઓના મરવાનો શોક થઈ રહ્યો છે. ભગવાન તેને ગીતાનો ઉપદેશ આપીને છેવટે કહે છે કે, सर्वधर्मान्.. मा शुच:। તું સર્વ પ્રકારે મારો આશ્રય લે. કારણ કે, સંસારનો આશ્રય લેવાથી જ શોક થાય છે ને મારો આશ્રય લેવાથી જ શોક સંતાપ ટળી જશે.
ઘા લાગે તો દવા લગાડીને, સંબંધી રિસાય તો સમજાવીને, સમાધાન કરવામાં આવે છે. પણ માનસિક પીડામાં શું કરશો ? તેમાં થોડી દવા ખવાશે ? શોક અને મોહ એ સ્વજનોનો વિયોગ નથી, તેઓનું મરણ નથી, ધનનું હરણ નથી. તો પછી શોક અને મોહ શું છે ? તો તે કેવળ માનસિક આકૃતિઓ છે. માનસિક વિકૃતિઓ છે. એનું પરિવર્તન કરવા માટે ઔષધ ખાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તે જ્ઞાને કરીને નાશ પામે છે. તેની ટેબલેટ બુદ્ધિને પીવડાવવી પડે છે અને તે કર્તવ્ય એવા કર્મયોગનું જ્ઞાન, માહાત્મ્યે સહિત ભક્તિયોગનું જ્ઞાન અને યથાર્થ આત્માનું જ્ઞાન, તેનાથી નાશ પામે છે.
ઉપનિષદોમાં કહ્યું છે કે श्रूतमेतत्भगवदृशेभ्य: ऋषिभ्य: तरति शोकं आत्मवित इति। सोअहं भगवान शोचामी तं मां भगवान शोकस्य पारं तारयतु। આત્મવિત્પુરુષો શોક તરી જાય છે. એમ ઉપનિષદો કહે છે. અર્જુન પણ અહીં શોકાવિષ્ટ થયેલો છે. તેના આ શોકની નિવૃત્તિને માટે ભગવાન પણ અહીંથી જ્ઞાનોપદેશની શરૂઆત કરે છે.
सुखस्य दु:खस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा।
अहं करोमीति वृथाभिमान: स्वकर्म सूत्रग्रथितो हि लोक:।
આગળના શ્લોકમાં શરીરીના નિર્વિકારપણાનું વર્ણન કરીને ફરી આગળના ત્રણ શ્લોકોથી પ્રકારાંતરથી વર્ણન કરે છે.
नैनं छिन्दन्ति… આ શરીરીને શસ્ત્રો છેદી શકતા નથી. કારણ કે જેટલાં પણ શસ્ત્રો છે તે બધાં પૃથ્વી તત્ત્વથી ઉત્પન્ન થયાં છે. આ પૃથ્વી તત્ત્વ શરીરી સુધી પહોંચી જ શકતું નથી. તો પછી તેને આઘાત તો કેવી રીતે પહોંચાડી શકે? તેથી તેમાં કોઈ વિકૃતિ કાંઈ લાવી શકતા નથી.
नैनं दहति पावक: અગ્નિ બાળી શકતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી. પવન તેને સૂકવી શકતો નથી. અર્થાત્આ તત્ત્વો તેને પહોંચી જ શકતા નથી. તો પોતાનો પ્રભાવ તેના પર કેમ જણાવી શકે? અહીં ચાર ભૂતોની પ્રતિક્રિયા વર્ણવી છે. આકાશ અંગે કશું કહ્યું નથી. કારણ કે આકાશમાં કોઈ પ્રકારની ક્રિયા સંભવી શકતી નથી. માટે તેનાથી આકાશને અહીં વર્ણવ્યો નથી. આ ચારેય ભૂતો આકાશમાંથી ઉત્પન્ન થયા છે. આ ચારેય ભૂતો પોતાની ક્રિયાથી આકાશનું છેદન, દહન, ભીંજન વિગેરે કરી શકતા નથી તો તેથી પણ સૂક્ષ્મ અને નિર્લેપ એવા આત્મામાં તેની ક્રિયા-પ્રતિક્રિયા કેમ કરી શકે ? ન જ કરી શકે.
अच्छेद्यो… શસ્ત્રોથી શરીરીનું છેદન થઈ શકતું નથી. અગ્નિથી દહન, જળથી ભીંજન અને પવનથી શોષણ થઈ શકતું નથી. જેમ યાજ્ઞવલ્કયના શાપથી શલ્યનું માથું કપાઈ ગયું (બૃહદારણ્યક) દમયંતીના શાપથી વ્યાધ બળીને ભસ્મ થઈ ગયો. અગત્સ્ય ઋષિએ સમુદ્રનું શોષણ કર્યુ, તેમ કોઈનાથી શરીરી એવા આત્મામાં કશું થાય તેવું નથી. એમ ભાર દઈને ભગવાન કહે છે. नित्य શબ્દથી પરિવર્તન રહિત, य सर्वगत: સર્વગતઃ શબ્દથી સમગ્ર બ્રહ્માંડમાં ભમેલો છતાં પોતાના સ્વરૂપથી વિચલિત થતો નથી તેથી અચલ અને स्थाणु શબ્દથી સ્વયંમાં ક્રિયાના અભાવવાળું, સ્થાયીપણું તથા એક સમાન સ્થિતિમાં રહેવાપણું એ સનાતનનું તાત્પર્ય છે.
अव्यक्तोऽयम्… કોઈ ઈન્દ્રિયોનો સાક્ષાત્વિષય થતો નથી. તેમ જ અચિન્ત્ય છે. ઘણી વખત સ્થૂળ ઈન્દ્રિયોનો વિષય ન હોય પણ મન બુદ્ધિથી તેનો સાક્ષાત્કાર શક્ય હોય છે પણ આ શરીરીનો તો તે પણ વિષય કરી શકતા નથી તથા અવિકારી છે.
અહીં એક શંકા થાય છે કે જીવાત્માનું ચિંતન પણ શકય ન હોય તો તેનો શાસ્ત્રમાં સાક્ષાત્કાર કહ્યો છે તે કેમ થાય ? તો તેનું સમાધાન એ છે કે તેનું ઈદંતાથી અભિવ્યક્તિ કે ચિંતન થઈ શકતા નથી; પરંતુ તે તત્ત્વના સાક્ષાત્કારને પામેલા મહાપુરુષો તથા શાસ્ત્રોનાં વચનોને આધારે શ્રવણ, મનન, ચિંતન જરૂર થઈ શકે છે અને સાક્ષાત્કાર પણ થઈ શકે છે. (उपदेक्ष्यति ते ज्ञानं ज्ञानिन: तत्त्वदर्शिन:।)
આ શ્લોકોમાં અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય, અચલ, અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય એવા આઠ વિશેષણો દ્વારા દેહીનું નિષેધાત્મકરૂપે અને નિત્ય, સર્વગત, સ્થાણુ અને સનાતન આ ચાર વિશેષણો દ્વારા દેહીનું હકારાત્મક રૂપે વર્ણવવા છતાં પણ કહે છે કે વાસ્તવમાં એનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે તે મન વાણીનો વિષય નથી. વાણી મન વગેરે સાક્ષાત્કારનાં સાધનો છે. તેના વડે સચેતનાને પામે છે. તો તે તેને કેમ વર્ણવી શકે ? માટે દેહીનો અહીં બતાવ્યો તેવી હૃદયમાં અનુભૂતિ કરવી એ જ તેનું વર્ણન કર્યા બરાબર છે. આવો જાણ્યા પછી તેનો શોક કરવાનો રહેતો નથી.
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि।।२६।।
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।२७।।
અર્થઃ અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો ! આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે; તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી.
આ બે શ્લોકમાં ભગવાન કહે છે કે ધારો કે શરીરીને નિર્વિકાર નહિ માનીને વિકારી માની લેવામાં આવે (જે સિદ્ધાંતથી બિલકુલ વિરુદ્ધ છે) તો પણ શોક કરવાનું કોઈ કારણ નથી. ભગવાન કહે છે, જો કે સાચી વાત તો મેં આગળ કહી તે છે અને માની લો કે તમે તેને અંતરથી સ્વીકારી શકતા નથી અને શરીરીને વિકારી, જન્મવા-મરવાવાળો માનો છો તો પણ રડવાને તથા શોક કરવાને કોઈ કારણ નથી. કારણ કે જે જન્મે છે તે જરૂર મરવાનો જ છે ને મરે છે તે અવશ્ય બીજી જગ્યાએ જન્મ લેશે જ. આ હકીકતનો પરિહાર-નિવારણ શકય નથી. આમાં કોઈપણનું લેશમાત્ર ધાર્યું થતું નથી. એ રીતે જન્મવું અને મરવું તેનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે ને અનંતકાળ સુધી ચાલશે. તેને કોઈ રોકી શકનાર છે નહિ. જ્યાં સંપૂર્ણ અશક્યતા છે તેને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તેને સ્વીકારીએ તો જ આપણે શોક રહિત જીવી શકીએ. માટે હે અર્જુન ! તેને તારે સ્વીકારવું જ રહ્યું.’ ભગવાને આ બે શ્લોકમાં જે વાત કહી તે કાંઈ પોતાનો વાસ્તવિક સિદ્ધાંત નથી. છતાં ભગવાન કહે, મારા સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ સિદ્ધાંત (માન્યતા) તું માનતો હો તો પણ શોક કરવા યોગ્ય નથી. તને શોક થાય છે (शोकसंविग्न मानस:) માટે તારી પાસે કોઈ સ્પષ્ટ માન્યતા નથી. હું શું માનું છુ અને શું નથી માનતો તેની સ્પષ્ટતા પણ તારા અંતરમાં નથી.
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना।।२८।।
અર્થઃ હે અર્જુન ! સઘળાં પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો ?
જોવામાં, સાંભળવામાં અને સમજવામાં આવવાવાળા જેટલા પ્રાણીઓ છે તે જન્મ અગાઉ ન હતાં. મર્યા પછી પણ નહિ રહેવાનાં. તેનો અર્થ એ છે કે તેની વાસ્તવિક સત્તા નથી જ. માટે તે નથી રહેતા. (आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा) માંડુક્ય ઉપનિષદ ૪/૩૧ અને શરીરી ત્રણે કાળમાં રહેનારો છે માટે તેની વાસ્તવિક સત્તા છે. માટે કોઈનો શોક કરવો યોગ્ય નથી. તે બન્ને પદાર્થો પોતપોતાની સ્થિતિમાં જ રહે છે. સ્થિતિ વ્યત્યાસ કરતા નથી અથવા થતો નથી. જો સ્થિતિ વ્યત્યાસ થાય, તો શોક કરવો યોગ્ય બને પણ તેમ તો થતું નથી.
आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्य:।
आश्चर्यवच्चैन मन्य: शृणोणि श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्।।२९।।
અર્થઃ કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્ત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી.
आश्चर्यवत् पश्यति…. આ દેહીને કોઈક આશ્ચર્યની માફક જાણે છે. पश्यति શબ્દના બે અર્થ થાય છે. એક તો નેત્ર વડે જોવું અને બીજો અર્થ થાય છે પોતા વડે પોતાને જાણવો. દર્શન શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાય છે અહીં पश्यति જાણવાના અર્થમાં આવ્યો છે.
નેત્રથી થતાં જ્ઞાનમાં ત્રિપુટી હોય છે. એક તો જોવાવાળો દૃષ્ટા હોય છે. બીજું જોવાનાં સાધનો નેત્ર આદિક કરણો હોય છે અને ત્રીજું જોવાની વસ્તુ-દૃશ્ય હોય છે. સાંસારિક દરેક પદાર્થનું દરેક વિષયના જ્ઞાનમાં ત્રિપુટી અવશ્ય હોય છે; પરંતુ દેહીને પોતાનું સ્વયંનું જ્ઞાન થવા માટે ત્રિપુટી હોતી નથી. અર્થાત્સ્વયંનું જ્ઞાન કરણ સાપેક્ષ નથી. સ્વયંનું જ્ઞાન તો સ્વયં દ્વારા જ થાય છે. જેમ ‘હું છું’ એવું જે પોતાના હોવાપણાનું જ્ઞાન તેમાં કોઈ પ્રમાણની તથા કોઈ જાતના કરણની જરૂર પડતી નથી. આ પોતાના હોવાપણાનું જ્ઞાન આંખ આદિ ઈન્દ્રિયોથી જોઈ શકાતું નથી. આ જ્ઞાન બુદ્ધિજન્ય પણ નથી પણ એ જ્ઞાન તો સ્વયંને પોતાને સ્વયંમાં પોતાનામાં જ થાય છે. માટે આશ્ચર્યવત્ पश्यति कश्चिदेनम તેને જાણનારા તેને આશ્ચર્યની જેમ જોવે છે-અર્થાત્જાણે છે.
પ્રાકૃતિક પદાર્થોથી શરીરીને જાણવાની રીત ભિન્ન છે, અલૌકિક છે. જેમ અંધારા ઓરડામાં કોઈ વસ્તુ શોધવા દીવાની જરૂર પડે પણ પ્રકાશિત દીવાને શોધવા બીજા દીવાની જરૂર ન પડે. તેમ બીજા તમામ પદાર્થો માટે કરણની જરૂર પડે છે પણ શરીરીનું જ્ઞાન કરણ નિરપેક્ષ છે માટે આશ્ચર્યરૂપ છે.
સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરો છે. અન્નજળથી બનેલું સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીર ઈન્દ્રિયોનો વિષય છે. આ સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે તે ૧૯ તત્ત્વનું બનેલું છે. આ સૂક્ષ્મ શરીર ઈન્દ્રિયોનો વિષય બનતું નથી; પરંતુ બુદ્ધિનો વિષય બને છે તેમ બુદ્ધિ પણ જીવાત્માનો વિષય બને છે. જ્યારે જીવાત્મા બીજા કોઈનો વિષય બનતો નથી પણ તેની અનુભૂતિ પોતાને જ થાય છે. એટલે કે પોતે જ પોતાનો વિષય બને છે. દેહીને બીજાં કોઈ કરણો વિષય બનાવી શકતા નથી. તે અનન્ય કરણાધીન છે. તે જ્યારે પ્રકૃતિ અને પ્રાકૃતિક પદાર્થોથી વિમુખ થઈને જ્યારે પોતાનામાં સ્થિત થાય છે ત્યારે પોતે જ પોતાને જાણી લે છે તેથી આશ્ચર્યવત્पश्यति કહ્યું છે.
અહીં ભગવાને એવું કહ્યું કે ‘एनं वेद कश्चित्’ એને કોઈક જ જાણે છે. બધા તેને જાણી શકતા નથી. વળી ભગવાન સાતમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહે છે કે कश्चित्मां वेत्ति तत्त्वत:। ७/३ આ પદોથી એવી પ્રતીતિ થાય છે કે આ અવિનાશી તત્ત્વને જાણવું ઘણું કઠિન છે અને દુર્લભ છે; પરંતુ વાસ્તવમાં એવી વાત નથી. આ તત્ત્વને જાણવું એ કઠિન નથી; પરંતુ એ તત્ત્વને જાણવાવાળાઓની તથા તેના તરફ ચાલવાવાળાઓની અછત છે. આ અછત જિજ્ઞાસા ઓછી હોવાને કારણે છે.
आश्चर्यवद्धदति तथैव चान्य: એવી જ રીતે બીજો પુરુષ આ દેહીનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે. આ જો કે વાણીનો વિષય નથી. વાણીને પણ પ્રકાશ કરનારું છે. તેથી વાણી તેનું વર્ણન કેમ કરી શકે ? જે મહાપુરુષો આ તત્ત્વનું વર્ણન કરે છે, તે શાખા-ચંદ્રન્યાયની જેમ વાણીથી ખાલી સંકેત માત્ર કરે છે. જેથી સાંભળનારનું એના તરફ લક્ષ્ય થાય. તેથી એ આશ્ચર્યરૂપ હોય છે.
અહીં જે अन्य પદ આવ્યું છે તેનું તાત્પર્ય એ નથી કે જે જાણવાવાળો છે, એનાથી આ કહેવાવાળો બીજો છે. કારણ કે જે જાણતો નથી તે વર્ણન શું કરશે ? આથી આ પદનું તાત્પર્ય એ છે કે જેટલા જાણવાવાળા છે, તેમાંથી પણ વર્ણન કરવાવાળો તો કોઈક વિરલો જ હોય છે. કારણ કે એ બધા જ અનુભવી તત્ત્વજ્ઞ મહાપુરુષો એ તત્ત્વનું વિવેચન કરીને શ્રોતાઓને એ તત્ત્વ સુધી નથી પહોંચાડી શકતા એને અંગેની શંકાઓનું અને તકરેનું પૂરેપૂરી રીતે સમાધાન કરવાની ક્ષમતા તે એ બધામાં નથી હોતી. તેથી વર્ણન કરનારાઓની વિલક્ષણ ક્ષમતા ઉપર પ્રકાશ પાડવા માટે જ આ अन्य પદ આપવામાં આવ્યું છે. તેવી તત્ત્વની વિશદતા અને અતિશય જાણકારીતા કોઈ વિરલમાં જ હોય છે.
आश्चर्यवच्चैनमन्य: श्रृणोति… બીજો કોઈ આ દેહીને આશ્ચર્યવત્સાંભળે છે. તાત્પર્ય એ છે કે સાંભળનારાએ શાસ્ત્રોની, લોકાંતરોની જેટલી વાતો સાંભળી છે તે બધાથી આ દેહીની વાત વિલક્ષણ માલૂમ પડે છે. તે તમામ તો ઈન્દ્રિયો, મન, બુદ્ધિનો વિષય થાય છે. જ્યારે આ દેહી તે કોઈનો વિષય થતો નથી. ઊલટો તેને ચેતનાનો પૂરનારો છે એથી તેને આશ્ચર્યની જેમ સાંભળે છે.
श्रुत्वाप्येनं वेद न चैवं कश्चित् આને સાંભળીને પણ કોઈ નથી જાણતો. તાત્પર્ય એ છે કે સાંભળવા માત્રથી તેને જાણી લેવાતો નથી. એ તો જીવનમાં ઊતારી અનુભૂતિમાં લાવે તો જ જાણી શકે છે.
અહીં કોઈ એમ કહે કે શાસ્ત્રો અને ગુરુજનો પાસેથી સાંભળીને જ્ઞાન તો થાય છે જ. તો પછી અહીં ‘સાંભળીને પણ કોઈ જાણતો નથી’ એવું કેમ કહે છે ? તો આ વિષયમાં થોડું ઊડું વિચારવા જેવું છે, શું ? તો શાસ્ત્રો ઉપર શ્રદ્ધા શાસ્ત્રો પોતે નથી કરાવતા અને ગુરુજનો ઉપર શ્રદ્ધા ગુરુજનો પોતે નથી કરાવતા. પોતે કેમ કહી શકે કે તમે અમારા ઉપર પૂરી શ્રદ્ધા રાખો અને કહેનારા હોય તો તે વિશ્વાસને પાત્ર પણ કદાચ ન હોય ! પરંતુ સાધક પોતે જ શાસ્ત્ર અને ગુરુજનો ઉપર શ્રદ્ધા વિશ્વાસ કરે છે અને એનાં વચનો મુમુક્ષુ પ્રથમ ઝીલવા તત્પર થાય છે. આંતર વલણથી સન્મુખ થાય છે. જો તેવી રીતે સન્મુખ થયા વિના કેવળ સાંભળવાથી જ જ્ઞાન થઈ જતું હોય તો આજ સુધીમાં ઘણા જ અવતારો થયા છે અને મોટા-મોટા જીવનમુક્તો થયા છે. એમને સાંભળીને કોઈ અજ્ઞાની રહેવો સંભવી જ ન શકે. અર્થાત્બધાને તત્ત્વજ્ઞાન થઈ જવું જોઈતું હતું; પરંતુ એવું જોવામાં નથી આવતું. ઘણું કરીને દીવા તળે જ ઝાઝું અંધારું અનુભવાય છે. તેનું કારણ તત્પરતાનો અભાવ છે. સુલભતા આવ્યા પછી તત્પરતા આવવી ઘણી જ કઠણ છે. જો અતિ તત્પર થાય તો તેની આત્મામાં કે પરમાત્મામાં સ્થિતિ થાય તો તેને યથાર્થ જાણી શકે. એ સ્થિતિ થવા તો પોતે જ પ્રયત્ન કરવો પડે છે અને એવા પ્રયત્ન કરનારા વિરલ હોય છે. સાંભળનારાનો તો પાર નથી પણ તત્પર થનારા દુર્લભ હોવાથી ‘कश्चित्’ પદ આપ્યું છે. આથી ઉપર્યુક્ત પદોનું તાત્પર્ય તત્ત્વજ્ઞાનને અસંભવ બતાવવામાં નથી; પરંતુ સાધકની તત્પરતાની જરૂર બતાવવામાં છે અને ઊલટુ તેને કરણ નિરપેક્ષ બતાવવામાં છે. મનુષ્ય કોઈપણ રીતે જાણવાનો પ્રયત્ન કેમ ન કરે પણ તત્પર થઈને પોતે જ તેમાં નિમગ્ન થવાની જરૂર છે. શ્રવણ, મનન, તત્ત્વજ્ઞાનમાં પરંપરાગત સાધનો માની શકાય છે પણ વાસ્તવિક બોધ કરણ નિરપેક્ષ (પોતેપોતાનાથી) જ થાય છે.
પોત પોતાનાથી પોતાને જાણવું એ શું હોય છે ? તો એક હોય છે કરવું, એક હોય છે જોવું અને એક હોય છે જાણવું. કરવામાં કર્મેન્દ્રિયો, જોવામાં જ્ઞાનેન્દ્રિયો અને જાણવામાં સ્વયં મુખ્ય હોય છે.
જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણવાનું નથી હોતું ઊલટું જોવાનું હોય છે. જે વ્યવહારમાં ઉપયોગી થાય છે. પોતાના દ્વારા (વિચાર દર્શન) પોતાને જાણવાનું હોય છે. તેમાં બે પ્રકારનું છે. એક તો શરીર-સંસારની સાથે મારી સદા ભિન્નતા છે અને પરમાત્મા સાથે મારી સદા સજાતીયતા છે, એકતા છે. બીજા શબ્દોમાં પરિવર્તનશીલ નાશવંત પદાર્થો સાથે મારે કિંચિત્માત્ર પણ સંબંધ નથી અને અપરિવર્તનશીલ, અવિનાશી પરમાત્મા સાથે મારો નિત્ય સંબંધ છે.
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि।।३०।।
અર્થઃ હે અર્જુન ! આ આત્મા સૌનાં શરીરોમાં હંમેશાં અવધ્ય છે; એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી.
અત્યાર સુધી દેહ-દેહીનો જે વિષય ચાલી રહ્યો હતો તેનો ઉપસંહાર કરતાં કહે છે કે મનુષ્ય, દેવતાથી માંડીને કીટપર્યંત તમામ પ્રાણધારીઓનાં શરીરમાં આ દેહી નિત્ય છે, અવધ્ય છે. તેનો નાશ કોઈપણ ઉપાયથી કરી જ શકાતો નથી. જ્યારે બીજી બાજુ કોઈપણના દેહને ગમે તેટલા ઉપાય કરવા છતાં તે રહી જ શકતો નથી. तस्मात् એટલે આ બન્ને બાબતનો વિચાર કરતાં કોઈનો પણ શોક કરવાને કોઈ કારણ નથી. અર્થાત્શોક ન કરવો જોઈએ.
અહીં અગિયારમા શ્લોકથી ત્રીસ શ્લોક સુધીનું જે પ્રકરણ છે એ વિશેષરૂપે દેહી-દેહ, નિત્ય-અનિત્ય, સત્અસત્અવિનાશી-વિનાશી આ બન્નેના વિવેક માટે છે. અર્થાત્આ બન્નેને ભિન્ન ભિન્ન દર્શાવવા માટે જ છે. કારણ કે દેહી ભિન્ન છે, નિત્ય છે. જ્યારે દેહ ભિન્ન છે. આવો વિવેક જાગ્રત નહિ થાય ત્યાં સુધી કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કોઈ પણ યોગ અનુષ્ઠાનમાં નહિ આવે. કોઈપણ યોગના આચરણમાં બિલકુલ રસ પડશે નહિ. તેને તો દેહના પોષણ સંબંધમાં જ રસ પડશે. જે જગતમાં અત્યારે ચાલે છે. વિવેકી મુમુક્ષુને તેનાથી જુદું પડવાનું છે. મોક્ષની વાત તો અલગ છે પણ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ માટે અને ત્યાં જઈને તેના ઉત્તમ ભોગ મેળવવા માટે પણ દેહ-દેહીનો ભેદ સમજવો આવશ્યક છે. કારણ કે દેહથી ભિન્ન દેહી ન હોય તો દેહનું મરણ થતાં સ્વર્ગમાં જશે કોણ ? અને અહીંથી ઉત્તમ એવા ત્યાંના ભોગને ભોગવશે કોણ ? એટલા માટે જેટલા પણ આસ્તિક દાર્શનિકો છે, તેઓ ભલે કોઈપણ મતને માનતા હોય પણ શરીર-શરીરીના ભેદને સ્વીકારીને જ આગળ ચાલે છે અને ભગવાન પણ આ ભેદને સ્પષ્ટ કરવા માગે છે.
ભગવાને અહીં આ વિષયમાં જે વાત કહી છે, તે બધાં મનુષ્યોના અનુભવમાં આવે તેવી અને સહજ સમજી શકાય તેવી વાત કહી છે. જેમ કે દેહ બદલાય છે દેહી બદલાતો નથી. અવસ્થાઓ બદલાય પણ દેહી તેનો તે જ રહે છે. તેથી બદલાવાવાળો અને નહિ બદલાવાવાળો એક ન ગણાય. વળી તેમાં શબ્દો પણ તત્ત્વજ્ઞાનના નહિ પણ જીવનમાં સમજી શકાય તેવા વાપર્યા છે.જેથી આ વિષયને કોઈ તત્ત્વજ્ઞાન સમજીને માત્ર ભણવાનો ને જાણવાનો વિષય જ સમજી લે નહિ. આ જીવનમાં ઉતારવાનો વિષય છે. આ તત્ત્વોને ગમે તેવી રીતે ઊંડાણથી ભણી લેવાથી શોક દૂર થતો નથી. થોડા પણ જીવનમાં ઉતારવાથી જરૂર શોક ઓછો થાય છે. એક તો છયે દર્શનનો અભ્યાસ કરવાનો હોય છે. (ષડ્દર્શનાચાર્ય) અને એક તો તેને જીવનમાં ઉતારવાના હોય છે. આ બેય બાબતો જુદી જુદી છે અને તેમાં અંતર પણ ઘણું છે. જાણવાવાળો તો જાણકારી વધારવા માગે છે. વિદ્યાનો સંગ્રહ કરવા માગે છે (જેથી ઉપદેશ આપતી વખતે બીજાને કહી શકાય) અને શ્રોતાનો ઝાઝામાં ઝાઝો લાભ ઊઠાવી શકાય. જ્યારે સાધક અને મુમુક્ષુ ભક્ત છે તે માયાના તત્ત્વો સાથેથી સંબંધ તોડવા માગતો હોય છે ને ભગવાન સાથે પોતાનો અખંડ સંબંધ સ્થાપિત કરીને ભગવાનને શરણે જવા માગતો હોય છે. માટે બન્ને વસ્તુ સરખી દેખાતી હોવા છતાં ઘણી જ અલગ છે.
અર્જુનના મનમાં કુટુંબીઓના મરવાનો શોક હતો અને ગુરુજનોને મારવાના પાપનો ભય હતો. જે શોકને દૂર કરવા શ્લોક ૧૧ થી ૩૦ સુધીના વિષયની ચર્ચા કરી. હવે પછીના શ્લોકમાં ભય દૂર કરવા બાબતે કહે છે
અને चेत શબ્દ સંભાવનાના અર્થમાં આવ્યો છે. એનું તાત્પર્ય એ છે કે-જો કે તું યુદ્ધ કર્યા વિના રહી નહિ શકે; પોતાના ક્ષાત્ર સ્વભાવને વશ થઈને તું યુદ્ધ નક્કી કરશે જ. (ગી.અ. ૧૮/૬૦) છતાં પણ જો તું માની લે કે યુદ્ધ નહિ કરે તો તારા ક્ષત્રિય ધર્મનો ત્યાગ થશે. તેથી તને પાપ લાગશે, અને તારી કીર્તિનો પણ નાશ થશે.
अकीर्तिं चापि भूतानि… મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ વગેરે જેનો તારા સાથે કોઈ સંબંધ નથી એવા भूतानि સાધારણ પ્રાણધારીઓ પણ તારી અપકીર્તિ અને અપયશનું ગાન કરશે. ते-तव કહેવાનો ભાવ એ છે કે ત્રિલોક પ્રસિદ્ધ એવો તું કે જેની ત્રિલોકીમાં ધાક જામેલી છે, એવા તારી અપકીર્તિ ગવાશે. अव्ययाम् નો એ ભાવ છે કે માણસ પોતાની શ્રેષ્ઠતાને લીધે જેટલો પ્રસિદ્ધ હોય છે, તેની કીર્તિ અને અપકીર્તિ પણ એટલી જ લાંબો સમય સ્થિર રહેવાવાળી હોય છે.
સર્વસામાન્ય વાત એ છે કે સંસારની દૃષ્ટિએ એકવાર ઊંચે ચડી ગયા, શ્રેષ્ઠ મનાઈ ગયા પછી એવા મનુષ્યની જ્યારે અપકીર્તિ થાય છે, ત્યારે એ અપકીર્તિ એને માટે મરણથી પણ વધારે દુઃખદાયી થાય છે. એકવાર શ્રેષ્ઠ થયા પછી પોતાના કર્તવ્યથી ચ્યુત થાય તો તેનો ઘણો ભયંકર અપયશ થાય છે. भयाद्रणादुपरतम्…
તું એમ માને છે કે દયાથી કે ધર્મને સાચવવા માટે હું યુદ્ધ છોડી રહ્યો છું પણ યુદ્ધના મહારથીઓ એવું માનવાના નથી. એ તો એમ માનશે કે અમારા ભયથી અર્જુન બહાનું કાઢીને ભાગી ગયો. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, શલ્ય વગેરેની દૃષ્ટિમાં તારી શૂરવીરતા પ્રત્યે માન છે ને તેની દૃષ્ટિમાં તું બહુ માન્ય થઈ ચૂકયો છે. તેઓ માને છે કે અર્જુને અનેક યુદ્ધમાં દૈત્યો, દેવતાઓ, ગંધર્વો વગેરેને હરાવ્યા છે; પરંતુ અત્યારે તું યુદ્ધથી નિવૃત્ત થઈશ તો તું તેની દૃષ્ટિમાંથી નીચે ઊતરી જઈશ. હલકો પડી જઈશ.
अवाच्यवार्दांश्च..
અહિત એટલે શત્રુ-અહિત કરવાવાળા એવા દુર્યોધન, દુશાસન, કર્ણ વગેરે શત્રુઓ પ્રત્યે તું મનમાં વેર નથી રાખતો તો પણ તેઓ મનમાં તારી સાથે વેર રાખીને તારું અહિત કરવાવાળા છે. તેઓ જાણે છે કે અર્જુન ત્રિલોક પ્રસિદ્ધ શૂરવીર છે. તારી સામર્થીને તેઓ જાણે છે, છતાં તારી સામર્થીની નિંદા કરશે. નહિ સંભાળી શકાય તેવા શબ્દો તારા વિષે કહેશે. એનાથી વધારે દુઃખ કયું હોઈ શકે ?