ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૨૦ થી ૨૭

શ્લોક ૨૦-૨૭

અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગ
अथ व्यवस्तिान्‌ दृष्टवा धार्तराष्ट्रान्‌ कपिध्वज:

प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डव:।।२०।।
हृषीकेश तदा व्यक्यमिदमाह महीपते।

અર્થઃ હે રાજન્‌! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું.

अथ શબ્દનું તાત્પર્ય એ છે કે હવે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ ભગવદ્‌ગીતાનો આરંભ થાય છે. ખરેખર ગીતાનો આરંભ તો બીજા અધ્યાયના ૧૧મા શ્લોકથી થાય છે પણ શ્રીકૃષ્ણાજુર્ન સંવાદનો આરંભ આ શ્લોકથી થાય છે તેથી મંગલવાચક અઠ શબ્દનો પ્રયોગ થયો છે ને પ્રકરણભિન્નમાં પણ अथ શબ્દ વપરાયો છે.

प्रवृत्ते शस्त्रसंपाते- प्रवृत्त શબ્દમાં ‘आदि कर्मणि निष्ठा’ આ વ્યાકરણ વચનથી ‘त्त’ પ્રત્યય થય છે. તેથી અર્થ એ નીકળે છે કે, શસ્ત્રો ચલાવવાની શરૂઆત હજી થઈ નથી પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી ત્યારે…

व्यवस्थितान्‌ धार्तराष्ट्रान्‌ दृष्टवा  તૈયાર થયેલા કૌરવોને જોઈને ગાંડીવ ધનુષ્ય ઊઠાવીને, શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું. અહીં પાંડવ સેના જોઈને દુર્યોધન ભયભીત થઈને દ્રોણાચાર્ય પાસે દોડી ગયો. જ્યારે કૌરવ સેના જોઈને અર્જુનનો સહજ હાથ ગાંડીવ ધનુષ્ય પર ગયો. તેથી દુર્યોધનના અંતરમાં કેટલો ભય છે અને અર્જુન કેટલો નિર્ભય છે તે સ્પષ્ટ થાય છે.

અહીં कपिध्वज: पाण्डव નો ભાવ એમ છે કે, અર્જુનની ધજામાં લંકા દહન કરતા હનુમાનજીનું ચિત્ર છે. એમ કહીને હનુમાનજીની અર્જુન ઉપર થયેલી કૃપા, ‘જે મારા ભયંકર શબ્દોથી શત્રુના પ્રાણ હું હરી લઈશ.’ એ પ્રસંગની યાદી સંજય ધૃતરાષ્ટ્રને દેવડાવે છે.

हृषीकेशं तदा वाक्यमिदमाह महिपते ત્યારે હૃષિકેશ ભગવાન શ્રીકૃષ્ણને આ પ્રમાણે વાક્ય કહ્યું-અહીં ભગવાન માટે હૃષિકેશ શબ્દ વાપર્યો છે. જે લીલા માત્રથી જગતને ખેંચીને પોતાનામાં સમાવી દે છે. તે હૃષિકેશ અર્જુનના રથ ઉપર બેઠા છે અને हृषीकाणिइन्द्रियाणि તેના સ્વામી-સર્વજનની ઈન્દ્રિયોના સ્વામી એવા શ્રીકૃષ્ણ જે પક્ષમાં છે. તેમની સાથે યુદ્ધ કરીને તમે વિજયની આશા રાખો છો એ કેટલું અજ્ઞાન કહેવાય ? એમ સંજય ધૃતરાષ્ટ્રને કહેવા માગે છે.

અર્જુન બોલ્યા

सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत।।२१।।
यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान्‌।
कैर्मया सह योद्धव्यमस्मिन् ‌रणसमुद्यमे।।२२।।
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागता:।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षव:।।२३।।

અર્થઃ ‘‘હે અચ્યુત ! મારા રથને બન્ને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં; કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે ! દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો !’’

હે અચ્યુત ! બન્ને સેનાઓના મધ્ય ભાગમાં મારા રથને ઊભો રાખો. અહીં અચ્યુત સંબોધન કર્યું છે. તેનો ભાવ એ છે કે, ભગવાન આપે ભલે સારથિપદ સ્વીકાર્યું છતાં પણ આપનું મહત્ત્વ જેમનું તેમ જ બની રહે છે. આપ ભગવાન જ છો. હું રથી અને તમે સારથિ અને હું આજ્ઞા કરનાર અને તમે આજ્ઞા અનુસરનાર એવું દેખાતું હોવા છતાં હકીકતમાં એવું નથી.

सेनयोरुभयोर्मध्ये-બન્ને સેનાઓના મધ્યભાગમાં મારો રથ ઊભો રાખો. અહીં મધ્ય એટલે કયું સ્થાન ? એવડી મોટી સેનાનો મધ્યભાગ પણ ખૂબ વિશાળ હોય માટે કયા સ્થાને મારે રથને ઊભો રાખવો. તો બીજા શ્લોકમાં કહે છે કે यावदेतान्निरीक्षेहं-यावत्‌ થી સ્થાન નિર્દેશ કરાયો છે. જે સ્થાનેથી શત્રુસેનાનું સારી રીતે નિરીક્ષણ કરી શકું એ સ્થાનમાં ઊભો રાખો.

योद्धुकामान्‌ શબ્દથી અર્જુનનો એ ભાવ છે કે, યુદ્ધ કરવાની પ્રબળ ઈચ્છા તો દુર્યોધનાદિકની જ છે. અર્જુનના મનમાં તો તેઓ સંબંધી જ દેખાય છે. તેથી સંધિ કરવા પણ તત્પર જ છે. માટે આ રણસંગ્રામમાં તે કેવા કેવા યોદ્ધાઓને લઈને આવ્યા છે કે આટલો ઉત્સાહ યુદ્ધમાં વર્તે છે ? અથવા યુદ્ધ તો સમબલ સાથે થાય. માટે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે ?

દુર્બુદ્ધિ એવા ધૃતરાષ્ટ્રના પુત્રનું યુદ્ધથી પ્રિય કરવાની ઈચ્છાવાળા, નહિ કે તેને સમજાવીને તેની દુષ્ટબુદ્ધિ દૂર કરીને તેનું પ્રિય કરવાની ઈચ્છાવાળા; એવા જે રાજાઓ ભેળા થયા છે તેને હું જોઉં.

અહીં ૨૨ અને૨૩ શ્લોકમાં પુનરુક્તિ થઈ હોય એવો ભાસ થાય છે; પરંતુ તે પુનરુક્તિ અર્જુનના ચિત્તનો આવેગ બતાવે છે અને વળી પ્રથમ પદમાં  योद्धुकामान्‌ અને બીજા પદમાં योत्स्यमान्‌ શબ્દ વપરાયો છે તેથી પ્રથમ શ્લોકનો ભાવ એ છે કે કોણ કોણ યુદ્ધની ઈચ્છાથી રણસંગ્રામમાં અહીં આવ્યા છે ? મારે કોની સાથે લડવાનું છે ? એ નિરીક્ષણ કરી લઉં અને योत्स्यमानानवेक्षे શબ્દનો એ ભાવ છે કે દુષ્ટબુદ્ધિ દુર્યોધનના પક્ષમાં ભળ્યા માટે તે પણ દુષ્ટ બુદ્ધિવાળા હોવા જોઈએ માટે તે યુદ્ધ કરી રહેલાઓને પણ યુદ્ધની મજા ચખાડું.

सेनयोरुभयोर्मध्ये શબ્દ ગીતામાં ત્રણ વખત આવ્યો છે. ૧/૨૧, ૧/૨૪ અને ૨/૧૦ શ્લોકમાં આવ્યો છે. પ્રથમ અર્જુન શૂરવીરતાથી ભગવાનને આજ્ઞા આપે છે. પછી સગાંસંબંધીઓને જુએ છે. જેમાંથી એને મોહ થાય છે એને એ જ બન્ને સેનાની મધ્યે ભગવાને એને ગીતાનું જ્ઞાન આપ્યું છે. જે એના મોક્ષનું કારણ બન્યું. આમ કલ્યાણના માર્ગમાં સ્થાન કરતાં પણ અધિક મહત્તા દૃષ્ટિની છે. ક્ષાત્રદૃષ્ટિમાં શૂરવીરતા આવી. સગાંસંબંધીની મમતા દૃષ્ટિમાં મોહ આવ્યો. જગ્યા તો એ જ હતી અને જ્ઞાનદૃષ્ટિમાં મોહ નાશ પામ્યો ને પ્રભુની પહેચાન થઈ. સ્થાન તો એનું એ જ હતું પણ દૃષ્ટિ બદલી ગઈ તો મોક્ષ થઈ ગયો.

સંજય બોલ્યા                

एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्‌।।२४।।
भीष्मद्रोणप्रमुखत: सर्वेषां च महीक्षिताम्‌।
उवाच पार्थ पश्यैतान्‌ समवेतान्‌ कुरूनिति।।२५।।

અર્થઃ હે ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હૃષીકેશ શ્રીકૃષ્ણચંદ્રે બન્ને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, ‘‘હે પાર્થ ! યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો.’’

અહીં અર્જુનને માટે गुडाकेश શબ્દ વપરાયો છે. गुडाका એટલે નિદ્રા અને गुडाकेश એટલે નિદ્રાનો સ્વામી એટલે નિદ્રા જેણે જીતી લીધી છે. નિદ્રાનો-વિષયભોગનો એ દાસ નથી અને गुडाकेश નો બોજો અર્થ એ થાય છે કે गुडा= વાંકડિયા केश=વાળ જેના વાંકડિયા વાળ છે તે.

નિદ્રા-આળસનો સ્વામી એટલે અતિશય જાગ્રત અને અતિશય વિવેકી ભગવાનના ભક્ત કેવા હોય તે બતાવે છે.

અને ભગવાનને માટે હૃષિકેશ શબ્દ વપરાયો છે. हृषीकाणि इन्द्रियाणि અને इन्द्रियो સ્વામી=સર્વજનની ઈન્દ્રિયોને પ્રવર્તાવનારા. આમ કહીને સંજય ધૃતરાષ્ટ્રને કટાક્ષ કરે છે કે, વિષયોને આધીન અને વિષયોનો દાસ એવો તમારો પુત્ર, જીતેન્દ્રિય અર્જુન અને હૃષિકેશ ભગવાનને કેમ જીતી શકશે ? અને આવા પરમ વિવેકી ભક્તની આજ્ઞા ભગવાન પણ અનુસરે છે. વળી હૃષિકેશ કહીને એ કહ્યું છે કે, ભગવાન ઈન્દ્રિયોના સ્વામી છે. તેમને અભિમાન નથી. માટે પોતે મોટા હોવા છતાં પણ અર્જુનની આજ્ઞા પ્રમાણે કરે છે.

બન્ને સેનાના મધ્યભાગમાં ભીષ્મ, દ્રોણ એ આદિક રાજાઓને દેખતા જ ઉત્તમ રથને ઊભો રાખીને उवाच पार्थ पश्येतान्‌समवेतान्‌कुरुनिति હે પાર્થ ભેળા થયેલા કુરુઓને તું જો !

અહીં समवेतान्‌ कुरुन એમ શા માટે કહ્યું ? समवेतान्‌ धार्तराष्ट्रान्‌ એમ પણ કહી શકાત પણ આ સેનામાં જેટલા મનુષ્યો છે તે બધા તારા વંશના અને તારા સ્વજનો છે. એમ યાદ અપાવીને અર્જુનના હૃદયમાં ઊંડે ઊંડે રહેલો મોહ તેને જાગ્રત કરવો છે. તે જગાડવામાં આ શબ્દ જાણો બીજરૂપ થઈ ગયા છે. જેમ વૈદ્ય ડોકટરો પ્રથમ ગૂમડાની ચિકિત્સા કરવા માટે પ્રથમ ઉત્તેજક દવાઓ આપીને તેને પકવે છે પછી તેને તોડીને રૂઝ લાવે છે. તેમ કરુણાસાગર કૃષ્ણ ભક્તવર અર્જુનના હૃદયમાં પડેલાં મોહનાં બીજને પ્રથમ બહાર લાવીને પછી તેની ચિકિત્સા કરીને અર્જુનને નિમિત્ત બનાવી ભાવિ પ્રજાના કલ્યાણને માટે ભગવાનના મુખારવિંદથી નીકળેલ ત્રિલોક પાવન ગીતામૃતની પરમ મધુર ધારા પ્રગટ કરીને અનંતકાળ સુધી જીવોના પરમ કલ્યાણ કરવા માટે ગીતાનું નિર્માણ કર્યું. ભગવાને ગીતા દ્વારા કૌટુંબિક સ્નેહને તોડીને અર્જુનમાં સાચો ભગવત્‌પ્રેમ જગાડયો અને ભાવિ મુમુક્ષુને જગાડવાનો રસ્તો બતાવ્યો.

કૌટુંબિક સ્નેહ

(૧) કુટુંબમાં મમતાયુક્ત સ્નેહ થઈ જાય છે, ત્યારે અવગુણો તરફ ખ્યાલ જતો નથી પણ આ મારા છે એવી ભાવના જ રહે છે.

(૨) ક્રિયા અને શરીરાદિ પદાર્થોની મુખ્યતા રહે છે.

(૩) મૂઢતા (મોહ) હૃદયમાં વ્યાપેલો રહે છે.

(૪) હૃદયમાં અંધારું રહે છે.

(૫) મોહવશ થઈને કર્તવ્યભ્રષ્ટ થાય છે.

(૬) કુટુંબીઓની મુખ્યતા રહે છે.

ભગવદ પ્રેમ

(૧) ભગવાન અને ભક્તમાં સ્નેહ થાય છે ત્યારે તેમના (ભક્તના) અવગુણ તરફ ખ્યાલ જતો નથી પણ આ મારા છે એવો શુદ્ધ ભાવ રહે છે.

(૨) ભાવની મુખ્યતા રહે છે.

(૩) આત્મીયતાનું મુખ્યપણું રહે છે.

(૪) હૃદયમાં પ્રકાશ રહે છે.

(૫) તલ્લીનતાને લઈને કયારેક કર્તવ્ય પાલનની વિસ્મૃતિ થાય છે પણ કર્તવ્ય ભ્રષ્ટતા આવતી નથી.

(૬) આમાં ભગવાન અને ભક્તોનું પ્રાધાન્ય રહે છે.

तत्रापश्यत्स्थितान्‌ पार्थ: पितृनथपितामहान्‌।
आचार्यान्‌ मातुलान्‌ भातृन्‌, पुत्रान्‌, पौत्रान्‌, सखींस्तथान्‌।।२६।।
श्वशूरान्‌ सुहृदश्चैव सेनयोरुभयोरपि।
तान्‌ समीक्ष्य स कौन्तेय: सर्वान्‌ बन्धूनवस्थितान्‌।।२७।।
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्‌।

અર્થઃ ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બન્ને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુન્તીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતાં આ વચનો બોલ્યા.

ત્યાં રહેલા પોતાના સંબંધીઓને અર્જુન જુએ છે. पितृन्‌-ભૂરિશ્રવા पितामहान्‌-ભીષ્મ, સોમદત્ત અને બાહિ્‌લક आचार्यान्‌-દ્રોણ, કૃપ આદિ        मातुलान्‌-પુરુજિત, કુંતિભોજ, શલ્ય, શકુનિ, भ्रातृन्‌-દુર્યોધનાદિ पुत्रान्‌-अभिमन्यु, પ્રતિવિંધ્ય, ઘટોત્કચ, આદિ सखिन्‌=કૃતવર્મા, અશ્વત્થામા આદિ. श्वशुरान्‌=દ્રુપદ, શલ્ય, सुहृद:=હેતુ વિના ચાહનાર, સાત્યકી, આદિ.

तान्‌ समीक्ष्य सर्वान्‌ बन्धूनवस्थितान्‌=बन्धून्‌ શબ્દથી અહીં જેના સંબંધની શ્લોકમાં સ્પષ્ટતા કરી નથી. એવા ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી આદિ સાળાઓ તથા જયદ્રથ આદિ બનેવી તથા બીજા સંબંધીઓને કહેવા માગે છે.

स कौन्तेय=તે કુંતીનંદન અર્જુન. એમ કહેવાનો એ ભાવ છે કે, માતા કુંતીએ જેને યુદ્ધનો સંદેશો મોકલેલ છે અને જેણે ‘‘कैर्मया सह यौद्धाव्यं’’ એમ બોલીને ગાંડીવ ઊઠાવ્યું છે. એ અર્જુન અત્યારે બધા સંબંધીઓને જોઈને પ્રથમ કૃપાથી આવિષ્ટ થયો છે. અર્થાત્‌પોતાના સંબંધીઓને દુઃખ થાશે એવી ભાવનાથી અર્જુનના મનમાં કાયરતા આવી ગઈ છે. આ કાયરતા અત્યંત કરુણાજનિત હોવાથી સંજયે परया कृपया એવો શબ્દ વાપર્યો છે. અને તે કરુણાથી કાયર થઈને સ્વજન સ્નેહમાં મોહિત થયો છે અને તેમનો ભાવિ વિયોગ વિચારીને વિષાદ્‌ગ્રસ્ત થયો છે.

ष्ट

અહીં હકીકત એક જ છે કે, અર્જુન લાગણીવશ થઈને યુદ્ધ કરવાથી અટકે છે તે વસ્તુને સંજય परया कृपयावि એ શબ્દથી કહે છે. જ્યારે અર્જુન પોતે પણ कार्पण्यदोषोपहत: स्वभाव: એમ કહે છે અને ભગવાન कश्मलं-हृदयदौर्बल्यं-क्लैब्यं એવા શબ્દોથી ફટકારે છે. વસ્તુ એકની એક છે પણ સંજય અર્જુનની પ્રતિભાથી પ્રભાવિત થયેલો છે અને ભગવાનની તો દૃષ્ટિ જ અલૌકિક છે તેથી ત્રણેયને જુદું જુદું દેખાય છે.

અહીં એક વાત વિચારવા જેવી છે કે, અર્જુનમાં સંબંધીઓને જોઈને કાયરતાપણું આવી ગયું એમાં અનૌચિત્યનો ભાસ થાય છે. કારણ કે, આ પ્રસંગ અકસ્માત તેમની સામે આવ્યો નથી. તે પોતે જાણતો હતો કે, મારે ભીષ્મ અને દ્રોણ સાથે લડવાનું છે અને એટલા માટે તો વ્યાસ ભગવાનની સલાહથી તેણે ઈન્દ્રકીલ પર્વત ઉપર જઈને તપશ્ચર્યા અને શસ્ત્રારાધના કરી હતી અને પછી પણ તે જાણતો જ હતો કે, બન્નેનો વિનાશ થયેથી જ આ યુદ્ધ પૂરું થશે. તો પછી યુદ્ધ સમયે તેને વ્યામોહ કેમ થયો ? તે અસ્વાભાવિક લાગે છે. તો તેનું સમાધાન એમ છે કે, ઉપરથી ભલે એમ દેખાતું હોય પણ જગતના અનુભવી પુરુષો અને ઐતિહાસિક ઘટનાઓ આ વસ્તુને વાસ્તવિક ગણે છે. ગમે તેવી માનસિક તૈયારી હોય તો પણ મનુષ્યને અમુક સમયે એકાએક લાગણીના આધિક્યથી આવી પરિસ્થિતિ આવી જાય છે. દા.ત. યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને પણ આવો જ વ્યામોહ થયેલો. ખુદ ભગવાન રામને પણ રાવણને માર્યા પછી સીતાને જોઈને. તેને ગ્રહણ કરવી અનુચિત માની હતી ને અગ્નિ પરીક્ષા દેવી પડી. કલિંગવિજય પછી સમ્રાટ અશોકને થયેલો પશ્ચાતાપ, ભોજનો ત્યાગ કર્યા પછી મુંજને થયેલો પશ્ચાતાપ. એવી રીતે અર્જુનને એકાએક બધાને સામે લડવા (મરવા) ઊભેલા જોઈ કરુણા-વિષાદ ઊભરી આવ્યો