ગીતા અધ્યાય-૦૧, શ્લોક ૧૨ થી ૧૯

શ્લોક ૧૨-૧૯

બન્ને સેનાઓના શંખ-ધ્વનિનું કથન

तस्य संजयन्हर्षं कुरुवृद्ध: पितामह:।

सिंहनादं विनद्यौच्चै: शंखं दध्मौ प्रतापवान्‌।।१२।।

ભીષ્મપિતા કુરુકુળમાં બાહિ્‌લક સિવાય સર્વથી વૃદ્ધ હતા. તેથી કુરુવૃદ્ધ કહ્યા છે. વળી બન્ને પક્ષના સરખા સંબંધી હતા-દાદા હતા. અવસ્થામાં વૃદ્ધ હોવા છતાં તેજ, બળ, પરાક્રમ વગેરે ક્ષાત્રગુણો યુવાનથી પણ અધિક હતા. તેથી प्रतापवान्‌ એમ લખ્યું છે. બીજી ધ્યાન દેવા યોગ્ય એ વાત છે કે, દ્રોણાચાર્યને દુર્યોધને બધી વાત કરી છતાં દ્રોણાચાર્ય કશું બોલ્યા નથી. તેથી દુર્યોધનની ઉદાસી ટાળવા માટે વાત્સલ્ય ભાવથી દાદા ભીષ્મે સિંહનાદ કરીને શંખધ્વનિ કરીને દુર્યોધનને હર્ષિત કર્યો અને દુર્યોધનને જે પોતાને વિષે જે શંકા હતી તે દૂર કરી.

ખરેખર યુદ્ધની શરૂઆત પાંડવોએ કરવી જોઈએ. કારણ કે, આક્રમણ પાંડવોનું છે. છતાં તેમનામાં શાંતિપ્રિયતા અને ધર્મપ્રાધાન્ય હોવાથી તેઓ હજુ પણ યુદ્ધ ટાળવા તૈયાર છે. જ્યારે કૌરવો તૈયાર નથી તેથી તેની સેનાએ યુદ્ધના શંખનાદની શરૂઆત કરી.

तत: शंखाश्च भेर्यश्च पणवानकगोमुखा:।

सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्‌।।१३।।

અર્થઃ પછી શંખ, નગારાં, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગાં વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઊઠયા; તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો.

કૌરવોમાં યુદ્ધનો ઉત્સાહ ખૂબ જ હતો તેથી ભીષ્મનો શંખ વાગતાં જ કૌરવ સેનામાં શંખધ્વનિ થઈ ઊઠયા. ખરેખર ભીષ્મપિતાએ યુદ્ધારંભ માટે શંખ વગાડ્યો ન હતો પણ દુર્યોધનને પ્રસન્ન કરવા માટે શંખ વગાડયો હતો. છતાં કૌરવ સેનાએ યુદ્ધની ઘોષણા માની લીધી અને પોતપોતાનાં વાદ્યોનો ઘોષ કર્યો. અહીં अभ्यहन्यन्त કર્મકર્તૃ પ્રયોગ થયો છે. ક્રિયા સહજ રીતે થઈ છે. એવું બતાવવા આ પ્રયોગ થાય છે. તેથી વાજાંઓ સ્વયં વાગ્યાં એવો અર્થ થાય છે. વગાડવાં પડ્યાં નથી. ભીષ્મપિતાના શંખનો એવો ભયંકર અવાજ થયો છે કે, બધાં જ વાજિંત્રો વાગી ઊઠ્યાં. ખરેખર આ કૌરવોનું અમંગળ પણ સૂચવે છે એમ ઘણા વ્યાખ્યાકારો કહે છે.

स शब्दो तुमुलोऽभवत्‌ ખૂબ ભયંકર અવાજ થયો એમ કહ્યું પણ પાંડવો પર તેની શી અસર થઈ તેમ કહ્યું નથી. તેને ભય ઉપજ્યો નથી; પરંતુ પાંડવોના શંખધ્વનિથી ધાર્તરાષ્ટ્રોના હૃદય વિદીર્ણ થયા તેમ આગળ કહ્યું છે.

ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે કે, મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું ? તેમાં મારા પુત્રોએ શું કર્યું તેના જવાબમાં સંજયે આ શ્લોક સુધી વર્ણન કર્યું. હવે પાંડુના પુત્રોએ શું કર્યું તેનું હવે વર્ણન કરે છે. ગીતા પૂર્ણ થયા સુધી તે વાત ચાલે છે.

तत: श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ।

माधव: पाण्डवश्चैव दिव्यौ शंखौ प्रदध्मतु:।।१४।।

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनंजय:।

पौण्ड्रं दध्मौ महाशंखं भीमकर्मा वृकोदर:।।१५।।

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिर:।

नकुल: सहदेवश्च सुघोषमणिपुष्पकौ।।१६।।

અર્થઃ ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડયા. શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌણ્ડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનન્તવિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા.

तत: श्वेतैर्हयैर्युक्ते-ત્યાર પછી શ્વેત ઘોડાઓ જોડેલો એવો-અત્યાર સુધી તો શાંતિના સંદેશની રાહ જોવાતી હતી પણ જ્યારે વિપક્ષીની રણભેરી વાગી ત્યારે પાંડવોએ પણ યુદ્ધનો નિશ્ચય કર્યો. ચાર સફેદ ઘોડાએ યુક્ત જોડેલા રથમાં-ચિત્રરથ ગંધર્વે અર્જુનને સો દિવ્ય ઘોડાઓ આપેલા તેમાંથી ગમે તેટલા મરે પણ સો ના સો જ રહે ઓછા ન થાય. વળી તે પૃથ્વી, સ્વર્ગ, પાતાળ ગમે તે સ્થાનોમાં જઈ શકે. એવા દિવ્ય ઘોડાઓ હતા. તેમાંથી મુખ્ય ચાર અર્જુનના રથમાં જોડેલા હતા. महति स्यन्दने स्थितौ-મહાન રથમાં રહેલા એવા અહીં ૧૮ અક્ષૌહિણીમાંથી કોઈપણના રથનું વર્ણન કરવામાં આવ્યું નથી. એક અર્જુનના જ રથનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેને महति એવું વિશેષણ આપવામાં આવ્યું છે. તેની વિલક્ષણતા બતાવવા એ વિશેષણનો નિર્દેશ થયો છે. કારણ કે, યુદ્ધને અંતે કોઈના રથ કે ઘોડા રહ્યા નથી. જ્યારે સમગ્ર યુદ્ધમાં અર્જુનના રથ કે ઘોડાને કોઈપણ હાનિ થઈ હોય એવું સંભળાતું નથી. બીજાના ઘોડા મરતા, રથ તૂટતા પણ અર્જુનના ઘોડા મર્યા નથી. રથ તૂટયો નથી. એ બતાવવા महति એવું વિશેષણ આપવામાં આવ્યું છે.વળી એમાં ૯ બળદગાડીમાં જેટલાં શસ્ત્રો આવી શકે એટલાં આ એક રથમાં સમાઈ શકતાં.

યજ્ઞોની આહુતિના ઘીથી અજીર્ણ થયેલા અગ્નિદેવને ખાંડવદહનમાં સહાય આપતા અગ્નિદેવે પ્રસન્ન થઈને આ રથ આપેલો છે. અહીં स्थितौ એવો શબ્દ વાપરેલો છે. એટલે આ રથમાં ભગવાન અને અર્જુન બેઠા તેથી રથની શોભા પણ અનેક ગણી વધી ગઈ હતી.

माधव: पाण्डवश्चैव-રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુન તેમણે દિવ્ય શંખો વગાડ્યા. અહીં માધવ શબ્દનો પ્રયોગ થયો છે. माधव એટલે લક્ષ્મીપતિ. તે એમ સૂચવે છે કે, લક્ષ્મીપતિ જ જ્યાં યુદ્ધ નેતા છે ત્યાં તેમને છોડીને વિજયલક્ષ્મી કયાં જાય? અહીં આ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે, ભગવાને યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે પણ યુદ્ધનું બ્યુગલ પાંડવો તરફથી પહેલાં પોતે જ વગાડે છે. તેથી વિપક્ષોને એ સૂચના આપી છે કે, શસ્ત્ર ન ઉપાડવા છતાં યુદ્ધનો નેતા તો હું જ છું.

पाञ्चजन्यं हृषीकेशो-पञ्चजना: मनुष्या: स्यु:पुमांस: पञ्चजना: अमरकोश:। એટલે જેને પંચ કહેવામાં આવે છે અને पञ्चजनेभ्यो हित: इति पाञ्चजन्य:। ભગવાને પોતાનો શંખ વગાડયો નથી એટલે કે પોતાની ઈચ્છા વ્યક્ત કરી નથી પણ જગતના હિત માટે અને કૌરવોના પણ હિત માટે યુદ્ધની ઘોષણા શંખથી કરી છે. પોતાના સ્વાર્થ માટે નહિ. આ પાંચજન્ય શંખ પંચજન નામના રાક્ષસને મારીને ભગવાને મેળવેલો છે.

હૃષિકેશ એટલે ઈન્દ્રિયોના (કંટ્રોલર) નિયામક. તે શબ્દ જ બતાવે છે કે જેણે પોતાનાં ઈન્દ્રિયો જીત્યાં છે. તેનો જ જગતમાં જય થાય છે. देवदत्तं धनञ्जय-અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડયો. ઈન્દ્રને જ્યારે નિવાત કવચ નામના અસુરો સાથે યુદ્ધ થયું ત્યારે ઈન્દ્રના પક્ષમાં રહી અર્જુને નિવાત કવચોને મારી નાખ્યા. એટલે પ્રસન્ન થઈ દેવરાજ ઈન્દ્રે અર્જુનને આ શંખ આપેલો હતો. અર્જુન દેવોએ દીધેલા શંખને વગાડે છે. દેવોની પ્રેરણાથી વગાડે છે. પોતાના સ્વાર્થ માટે નથી વગાડતો-દૈવી સંપત્તિના રક્ષણ માટે વગાડે છે. રાજસૂય યજ્ઞ વખતે અર્જુન અઢળક ધન જીતી લાવેલા તેથી ફરી વખત વિજય આનો જ થશે એવી યાદ અપાવતાં ધનંજય એવો શબ્દ પ્રયોગ કર્યો છે.

ભયંકર કર્મ કરનારા ભીમે પોતાના પૌંડ્ર નામનો મહા શંખ વગાડયો. હિડમ્બાસુર, બકાસુર, જટાસુર આદિ અસુરો અને કીચક, જરાસંધ આદિ વીરોને મારવાને કારણે એને ભયંકર કર્મ કરનારો કહ્યો છે અને વૃક નામનો બળવાન અગ્નિ તેના ઉદરમાં હોવાથી તેને વૃકોદર કહ્યો છે. જેથી ખૂબ જ વધારે ખાધેલ ભોજન પચી જતું હતું. ભીમના નામ પ્રમાણે તેનો શંખ પણ મહા ભયંકર હતો.

ત્યાર પછી કુંતીપુત્ર મહારાજા યુદ્ધિષ્ઠિરે અનંતવિજય નામનો પોતાનો શંખ વગાડયો. કુંતીપુત્ર વિશેષણ દેવાનો એ ભાવ છે કે નકુળ સહદેવ માદ્રી પુત્રો હતા. જ્યારે તેમની સાથે ગણવાથી કોઈ માદ્રીપુત્ર ન સમજે તે ભ્રમ દૂર કરવા માટે કુંતીપુત્ર એવું વિશેષણ મૂકયું. રાજા શબ્દ કહીને બતાવે છે કે, વનવાસ પ્રથમ તે પોતે રાજા હતા. ન્યાયની દૃષ્ટિએ અત્યારે અધિકારી છે અને આગળ જતાં પણ સમગ્ર ભૂમંડળના રાજા તે થશે. એવો ભાવ વ્યકત થાય છે. અનંત વિજય નામથી વિજય અંતે યુધિષ્ઠિરનો જ થશે અને પોતે નિર્માની હોવાથી તે વિજય ભગવાનનો છે. એમ માને છે. એમ કહ્યું છે.

અહીં એક વિચાર કરવાનો છે કે, ભીમાજુર્ન પછી યુધિષ્ઠિરે કેમ શંખ ધ્વનિ કર્યો ? તો મહારાજ યુધિષ્ઠિર સર્વથી મોટા છે પણ શાંતિપ્રિય છે અને તેથી જ તેમની યુદ્ધની ઈચ્છા સર્વથી ઓછી છે. આમ બન્ને ભાઈઓના પ્રારંભને અનુમતિ આપવા પોતે પછી શંખ વગાડ્યો છે. નકુળ અને સહદેવે પણ પોતપોતાના શંખ વગાડ્યા છે.

આધ્યાત્મિક અર્થઃ

અર્જુનના રથના ઘોડા સફેદ છે. શરીરરૂપી રથના ઘોડા ઈન્દ્રિયો-સફેદ છે કે નહિ ? વિષય વાસના એ એની કાળાશ છે. તે દૂર થાય તો જ રથમાં શ્રીકૃષ્ણ બેસે અને જીવન સંગ્રામમાં તેનો જય થાય. ઉપનિષદ્‌માં દેહને રથનું રૂપક આપવામાં આવ્યું છે.

काश्यश्च परमेष्वास: शिखण्डी च महारथ:।

धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजित:।।१७।।

द्रुपदो द्रौपदेयाश्च सर्वश: पृथिवीपते।

सौभद्रश्च महाबाहु: शंखान्‌दध्मु: पृथक्‌पृथक्‌।।१८।।

અર્થઃ શ્રેષ્ઠ ધનુર્ધારી કાશિરાજ, મહારથી શિખણ્ડી, ધુષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકિ, રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ-આ સૌએ, હે રાજન્‌! બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા.

મોટા ધનુષ્યવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પાંચ પુત્રો, મહાબાહુ અભિમન્યુ એ બધાએ પોતપોતાના અલગ અલગ શંખો વગાડ્યા.

શિખંડી પણ એક સમર્થ યૌદ્ધો છે છતાં પણ ભીષ્માદિની તુલનાએ તેની પ્રબળતા નથી. છતાં પણ ભીષ્મનું ભાવિ મૃત્યુ આમના હાથે નિર્માણ થયું છે. તેથી મુખ્ય યોદ્ધામાં તેની ગણતરી થઈ છે.

पृथिवीपते ! એ ધૃતરાષ્ટ્રને સંબોધન છે. સંજય કટાક્ષમાં સંબોધન કરે છે કે, આ યુદ્ધના શંખ પાંડવોનો વિજય સૂચવે છે. માટે હવે પૃથ્વીપતિ આપ નહિ રહો. અહીં કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મનું એકનું જ નામ વર્ણવ્યું. તેના શંખનું નામ પણ આપ્યું નથી. જ્યારે પાંડવ પક્ષનું વર્ણન કરતાં પાંડવોના શંખ સહિત નામ નિર્દેશ તથા બીજા ઘણાં પણ નામો લઈ બતાવ્યાં છે. તે પાંડવસેનાના વિજયને સૂચવે છે. સંજયને પણ હૃદયથી ધર્મિષ્ઠ પાંડવોનો પક્ષ રહે છે.

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत्‌।

नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन्‌।।१९।।

અર્થઃ તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતાં ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓનાં હૃદય ચીરી નાખ્યાં.

શંખધ્વનિ એટલો ભયંકર થયો કે સમગ્ર પૃથ્વી અને આકાશને ધુ્રજારીથી ભરી દીધું અને ધૃતરાષ્ટ પુત્રોનાં હૃદય ચીરી નાખ્યાં.

કૌરવ સેના મોટી હતી છતાં તેમના શંખધ્વનિનો પ્રભાવ પાંડવ સેના પર કશો જ પડ્યો નથી. જ્યારે પાંડવોના શંખધ્વનિથી તેમનાં હૃદય ભેદાઈ ગયાં. કારણ કે એમના હૃદયમાં અધર્મ, પાપ અને અન્યાય હોવાથી તથા એવા અન્યાયીનો પક્ષ લીધેલો હોવાથી તેમનાં હૃદય કમજોર થઈ ગયા હતાં.

અહીં સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યો છે, ત્યારે પોતાના માલિકને धार्तराष्ट्राणां એમ કહેવું ઠીક નથી તેથી धृतराष्ट्रस्य अपत्यानि पुंमांस: इति धार्तराष्ट्रा: એવો અર્થ નહિ લેતા अन्यायेन धृतं राष्ट्रं यै: ते इति धृतराष्ट्रा:, धृतराष्ट्रा: एव धार्तराष्ट्रा: એવો અર્થ લેવો સભ્ય પ્રણાલી ગણાશે અથવા તો સંજય એમ કહેવા માગે છે કે એવો ભયંકર નાદ થયો કે, આકાશમાં ઊડનારા धार्तराष्ट्रा: હંસોનાં પણ હૃદય વિદીર્ણ થઈ ગયા. હંસોનું એક નામ ધૃતરાષ્ટ્રઃ છે અને પૃથ્વી કંપી ઊઠવાથી સંર્પોનું હૃદય પણ કંપી ઊઠ્યું-કારણ કે धृतराष्ट्र નાગની-સર્પોની એક જાતિ પણ છે.
हृदयानि व्यदारयत હૃદય ચીરી નાખ્યાં. શંખધ્વનિ શસ્ત્રોની જેમ હૃદય કેમ ચીરી શકે? તો તેનો ભાવ એમ છે કે, આપણો જ વિજય થશે. આપણો જ વિજય થશે એમ ગોખણપટ્ટી કરતા અને માનતા કૌરવોની માન્યતા આ શંખધ્વનિ સાંભળીને તૂટી પડી આ માન્યતા તૂટી પડવી એ જ એનો હૃદય ભેદ છે.