કડવું-16

ધન્યાશ્રી

વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી;

તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી. ૧

ઢાળ

રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર;

અડગ ઊભા એક પગ ભર, ધારી દૃઢતા મન ધીર. ૨

રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય;

આવે એવાં વળી દુઃખ દેવા, પણ બિવે નહિ મનમાંય. ૩

ગૃજ્ય ગીધ ચિલ ચીબરી, કાક કરુરી સુઘરી કપોત;

ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે ખદ્યોત. ૪

એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ;

તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દૃઢ અંગ. ૫

ખાન પાનની ખબર નથી, નથી કરતા નિદ્રા નયણે;

ભજે છે શ્રીભગવાનને, વારમવાર વયણે. ૬

શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ;

પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ. ૭

તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય;

તેહ વિના તન મન બીજે, રાખ્યું નહિ કહું ક્યાંય. ૮

જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર;

માનવ દાનવ દેવતાને, કહો કેમ ના’વે મને મે’ર. ૯

વિષ્ણુ તેહને વિલોકીને, રીયા અતિ રમાપતિ;

નિષ્કુળાનંદ કહે નાથજી, ઈચ્છ્યા દેવા પૂરણ પ્રાપતિ. ૧૦

વિવેચન : 

હવે ધ્રુવજી તો રાત્રિ-દિવસ ટાઢ-તડકો સહન કરતા તપશ્ચર્યા કરવા લાગ્યા તેમને તો ભગવાનને રાજી કરવા હતા માટે કષ્ટથી મનમાં બિલકુલ દુઃખી થતા ન હતા, મનમાં ઉદ્વેગ લાવતા ન હતા. એક પગે ધીરજથી અડગપણે ઊભા રહી જે કંઇ દુઃખ પડે તે સહન જ કરતા હતા, પણ તે જરાય બીતા ન હતા. જંગલી પશુઓ રોજડાં, ગેંડા, અરણા પાડા, સાબર, જંગલી ગાયો એવા ઘણા ઘણા પ્રાણીઓ પાસે આવી આવીને દુઃખ દેતા હતા પણ ધ્રુવજી જરાય બીતા ન હતા. ગૃધ્ર, ગીધ, સમડી, ચીબરી, કાગડા, કાબરો, સુઘરીઓ, હોલાં વિગેરે પોતાના ભય પમાડે તેવા અવાજો કરતા હતા. તેમજ ભમરા, તમરાં ટીડડાંના પણ વિચિત્ર અવાજો થતા હતા. વળી અંધારામાં ઠેકઠેકાણે આગિયાઓ ચમકતા હતા. એવા અનેક ત્રાસજનક તત્ત્વો એક એકથી અધિક ધ્રુવજીના ભજનમાં ભંગ પાડતા હતાં. તો પણ ધ્રુવજી દૃઢતાપૂર્વક ધીરજ ધારણ કરીને જરા પણ થડકતા ન હતા. ધ્રુવજીને ખાનપાનની પણ સૂધ નથી. નિંદ્રા પણ ધ્રુવજી કરતા નથી. માત્ર ભગવાનનું નામ જ મુખથી વારંવાર જપી રહ્યા છે. શ્વાસોશ્વાસે સુખને આપનારા એવા ઘનશ્યામ પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. એક પળ પણ ભજનથી વિરામ પામતા નથી. આમ શરીરથી તપ અને મનથી જપ-આ સિવાય બીજી તમામ વાત તજી દીધી છે આવા આ બાળ તપસ્વીનું કઠણ તપ જોઇને દેવ, દાનવ કે માનવ-ગમે તે હોય પણ તેને દયા આવ્યા વિના કેમ રહે? ભગવાન આવી તપશ્ચર્યાથી તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા ને તેમને પૂર્ણ પ્રાપ્તિ આપવાની ઇચ્છા કરી.