ગી.અ-01, શ્લોક 28 to 47

શ્લોક ૨૮-૪૭

મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા,સ્નેહ અને શોકભરેલા વચનો

મોહથી વ્યાપેલા અર્જુનનાં કાયરતા, સ્નેહ અને શોકભરેલાં વચનો.

અર્જુન બોલ્યા

दृष्ट्‌वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्‌।।२८।।
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।।

અર્થઃ હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન-સમુદાયને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી.

હે કૃષ્ણ ! इमं युयुत्सुं समुपस्थितं स्वजनं दृष्ट्‌वा -હે કૃષ્ણ ! યુદ્ધની ઈચ્છાવાળા ભેળા થયેલા આ સ્વજનોને જોઈને મને પીડા થાય છે. ધૃતરાષ્ટ્રે પ્રથમ समवेता युयुत्सव: કહેલું છે. અહીં અર્જુન પણ युयुत्सुं समुपस्थितं કહેલું છે પણ બન્નેની દૃષ્ટિમાં મોટું અંતર છે. અર્જુન તુરત स्वजनं એવો શબ્દ પ્રયોગ કરે છે. જ્યારે ધૃતરાષ્ટ્ર मामका: पाण्डवा: એવા શબ્દો કહે છે. બન્નેને ચિંતા છે પણ ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોની જ, પોતાના સ્વાર્થની જ ચિંતા છે. જ્યારે અર્જુનને કોઈ સ્વાર્થની ચિંતા નથી તેથી તો આગળ કહે છે કે મારે રાજ્ય કે સુખભોગ જોઈતા નથી. માટે તેમને તો કેવળ કરુણા જ છે. આમ અર્જુનના મહાપૌરુષિક ગુણો જુદા પડી આવે છે.

મારાં ગાત્રોમાં પીડા થાય છે, મુખ સુકાય છે, શરીર ધ્રૂજે છે, રોમાવલિ બેઠી થાય છે. ગાંડીવ હાથમાંથી સરી પડે છે. મારી ચામડી બળે છે, હું ઊભો રહેવા પણ સમર્થ નથી. મારું મન ભમે છે.

અહીં અર્જુને જે જે વાત કરી તે ખરેખર તાવનાં લક્ષણો છે. તાવ અનેક રીતે આવે છે.

व्याधेरनिष्ट संस्पर्शाच्छ्रमादिष्टविवर्जनात्‌।
चतुर्भि: कारणै: रोगा: प्रजायन्ते शरीरिषु।।

વ્યાધિ-ચિંતા, અનિષ્ટની પ્રાપ્તિ, શ્રમ અને ઈષ્ટવિયોગ. આ ચાર કારણોથી શરીરમાં રોગ થાય છે. શોક અને ભયથી પણ તાવ ચઢી આવે છે. અર્જુનને મોહ વ્યાપી ગયો છે અને ભાવિ ચિંતા થઈ આવી છે.

અહીં અર્જુનને મોહ વ્યાપ્યો છે અને ગીતા અવતરણનો એ અસાધારણ હેતુ બને છે. ગીતાનો હેતુ મોહનો નાશ કરવાનો છે અને તેથી જ અંતમાં અર્જુન કહે છે કે नष्टो मोह: स्मृतिर्लब्धा તેથી ગીતાનો અસાધારણ હેતુ મોહ નાશ કરવાનો છે. અર્જુન કંઈ અહિંસક વૃત્તિવાળો બન્યો હતો એવું નથી. એને સામે ઊભેલા સગાંવહાલાં દેખાયા છે. તેથી આસક્તિ જન્મી છે અને મોહ વ્યાપ્યો છે અને પોતાના ક્ષાત્રધર્મમાંથી ભ્રષ્ટ થયો છે; પરંતુ પોતાની ખામીને ઢાંકવા અર્જુન ધર્મનું બહાનું આગળ ધરીને ઊલટો શ્રીકૃષ્ણને સમજાવવા બેસી ગયો છે. કર્તવ્યનિષ્ઠ માણસો જ્યારે મોહમાં પડે છે, ત્યારે ખુલ્લે ખુલ્લા કર્તવ્યચ્યુત થઈ શકતા નથી. તે પોતાની કર્તવ્યચ્યુતિને એકાદ સારા વિચારનો કે સદ્‌ગુણનો વેશ ઓઢાડે છે અને ધર્મને ઓથે કર્તવ્યભ્રષ્ટતાનું પ્રતિપાદન કરે છે. અર્જુનનું પણ એવું થયું છે. યુદ્ધના મૂળમાં જ પાપ છે. કુળક્ષય થશે, ધર્મલોપ થશે, વ્યભિચારવાદ વધશે, પિતૃઓ નરકે પડશે-આવા આવા મુદ્દાઓ ભગવાનની આગળ રજૂ કર્યા છે; પરંતુ કેવળ પોતાનો મોહ કે આસક્તિને કૃષ્ણ મુખે પ્રમાણિત કરવા માટે આ મુદ્દાઓ રજૂ થયા છે.

निमित्तानि च पश्यामि विपरीतानि केशव।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे।।३१।।

અર્થઃ હે કેશવ ! હું તો લક્ષણો પણ અવળાં જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો.

હે કેશવ ! कश्च ईशश्व केशौ ब्रह्मेशौ, तौ वाति गच्छति प्रेरयति इति केशव:। तत्संबुद्धौ हे केशव।

આ સંબોધન કરવાનો એવો ભાવ છે કે, હે ભગવાન ! તમે બ્રહ્મા, શિવના પણ પ્રેરક છો. માટે મને દેખાતાં આ વિપરીત નિમિત્તો આપની જ પ્રેરણાથી મને કંઈક સૂચવી રહ્યાં છે. યુદ્ધભૂમિમાં સ્વજનોને હણીને હું કલ્યાણને જોતો નથી.જો કે, આ જે અપશુકનોની નિશાનીઓ અર્જુનને દેખાય છે, તે વાસ્તવમાં અપશુકન નથી. આખરે અર્જુનનો તો વિજય થવાનો છે પણ શોકથી ઈન્દ્રિયો શરીર, મન અને બુદ્ધિમાં થતા વિકારો માત્ર છે અને તે શોક પણ અર્જુનની મોહબુદ્ધિનો છે.

વળી શ્લોકમાં पश्यामि અને अनुपश्यामि શબ્દોથી पश्यामि ભૂત અને વર્તમાનના ચિહ્નોને વિષય કરનારું છે અને अनुपश्यामि ભવિષ્યના શ્રેયને વિષય કરનારું છે.

न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।
किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा।।३२।।

અર્થઃ હે કૃષ્ણ ! હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ; હે ગોવિંદ ! અમારે આવા રાજ્યનું શું પ્રયોજન ? અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ ?

હે કૃષ્ણ ! હું વિજયને ઈચ્છતો નથી. રાજ્ય કે સુખોને પણ ઈચ્છતો નથી. સંબંધીઓને હણીને રાજ્ય, ભોગ કે લાંબા આયુષ્યથી પણ શું ?

વિજય, રાજ્ય અને ભોગ ત્યારે જ સુખ આપી શકે જ્યારે અંતરમાં તેની કામના, પ્રિયતા, મહત્તા હોય. મારે તો તેની ઈચ્છા જ નથી એટલે કેવી રીતે મને સુખ આપી શકે ?

येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा: सुखानि च।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च।।३३।।
आचार्या: पितर: पुत्रास्तथैव च पितामहा:।
मातुला: श्वशुरा: पौत्रा: श्याला: सम्बन्धिनस्तथा।।३४।।
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन।
अपि त्रैलोक्यराज्यस्य हेतो: किं नु महीकृते।।३५।।

અર્થઃ અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ, તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે ! અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. હે મધુસૂદન ! હું હણાઉં છતાં પણ અથવા ત્રણે લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું ?

ભારતીય સંસ્કૃતિમાં જે કાંઈ ભોગ સુખો ભોગવાય છે તે કુટુંબ સહિત ભોગવવામાં જ સુખ છે. કેવળ કદર્થની પેઠે એકલા ભોગવવામાં સુખ નથી. અર્જુન અભિજાત છે. તેથી તેને એકલા પોતાને માટે ભોગ રુચતા નથી. તેથી કહે છે કે येषां अर्थे काङ्क्षितं नो જેને અર્થે રાજ્યાદિક ઈચ્છાય છે इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च તેનો ભાવ એ છે કે આપણે જીવતા રહીશું અને આપણને ધન મળશે એવી ઈચ્છાઓ છોડીને તો એ યુદ્ધમાં ઊભા છે. ખરેખર પ્રાણ છોડીને ઊભા નથી પણ પ્રાણ રહેવાની આશાને તો જરૂર છોડીને ઊભા છે.

પ્રથમ છવ્વીસમા શ્લોકમાં સંબંધીઓને ગણાવતાં અર્જુન पितृनथपितामहान्‌। કહીને પ્રથમ પિતા અને પિતામહોને લીધા છે. જ્યારે આ શ્લોકમાં आचार्य: पित्तर: पुत्रान्‌ કહીને આચાર્યોનું નામ પહેલાં લીધું. તેનું તાત્પર્ય એમ છે કે, તે શ્લોક કૌટુંબિક સ્નેહની પ્રધાનતા બતાવતો શ્લોક વ્યાસ ભગવાને લખ્યો છે. માટે પિતાનું નામ બધાથી પહેલાં લખ્યું છે. જ્યારે અહીંયાં ન મારવાનો વિષય ચાલી રહ્યો છે. માટે સર્વ પ્રથમ આદરણીય, પૂજ્ય અને જીવના પરમ હિતેષી ગુરુજનોનું નામ લીધું છે.

કેટલાક વિનોદી વ્યાખ્યાકારો એવી વ્યાખ્યા કરે છે કે, संबंधिन: શબ્દ श्याला: શબ્દની સાથે મૂકવાનો શો ભાવ છે ? તો બધાં સંબંધો તો છે જ પરંતુ સર્વ શ્રેષ્ઠ સંબંધ સાળાની સાથે હોય છે. માટે સંબંધી શબ્દ તેની સાથે મૂકયો છે અને અહીં તો ભગવાન પોતે અર્જુનના સાળા છે માટે યુદ્ધમાં કંઈક થાય તો મને કેટલું દુઃખ થાય ? માટે યુદ્ધ કરવું નથી. (તમને કંઈક થાય તો મારે ઘેરે જઈને મોઢું શું બતાવવું ?)

આ (૩૫) શ્લાકેમાં अपि શબ્દ બે વાર વપરાયો છે. એનું તાત્પર્ય એવું છે કે હું એના સ્વાર્થમાં વિઘ્ન કરતો નથી તો મને શા માટે મારશે ? પણ માની લો કે, ‘અર્જુને પ્રથમ અમારી ઘણી ખુવારી કરી છે.’ એમ માનીને મારો નાશ કરે તો પણ घ्नतोपि હું મારવા ઈચ્છતો નથી.

ત્યાં मधूसूदन એવું સંબોધન કરીને અર્જુન ભગવાનને યાદી આપતો હોય એમ જણાય છે કે, આપ મધુ નામના દૈત્યને મારનારા છો પણ આ દ્રોણાદિ આચાર્ય અને ભીષ્માદિ પિતામહ દૈત્ય થોડા છે કે જેથી એને મારવાની ઈચ્છા કરું ! તેઓ તો અમારા નજીકના સંબંધી છે. તેને માટે તો પ્રાણ ન્યોછાવર કરું તો પણ ઓછા છે. વળી ત્રિલોકનું રાજ્ય મળે તો પણ તેમને મારવાને હું ઈચ્છતો નથી તો પૃથ્વીના રાજ્ય માટે તેમની સામે કેમ હથિયાર ઊઠાવું ?

પ્રલયનો સમય હતો એકાર્ણવ જળમાં બધું ડૂબેલું હતું. શેષશય્યા પર ભગવાન વિષ્ણુ પોઢ્યા હતા. તે સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે અસુરો ઉત્પન્ન થયા ને જળમાં જ મોટા થયા. અતિશય ઉન્મત્ત થયા. પોતાની સત્તા કાયમ બની રહે તે માટે તેઓ ચિંતા કરવા લાગ્યા. ત્યાં આકાશવાણી થઈ અને તેઓ આરાધનામાં લાગી ગયા. ભગવાનની યોગમાયા તેમના પર પ્રસન્ન થઈ અને કહ્યું ‘વર માગો.’ ત્યારે તેમણે સ્વેચ્છા મરણનું વરદાન માગ્યું. દેવી ‘તથાસ્તુ’ કહી અદૃશ્ય થયા બન્ને ઉન્મત્ત હતા અને વધુ ઉન્મત્ત બન્યા. ફરતાં ફરતાં એક વખત કમલાસન પર બેઠેલા ચતુર્મુખ બ્રહ્માને જોયા અને તેમને કહ્યું હે સુવ્રત ! તમે અમારી સાથે યુદ્ધ કરો અને નહિ તો આ સુંદર આસન ખાલી કરીને ચાલ્યા જાઓ. બ્રહ્માએ વિચાર્યું કે હું તપથી જજર્રિત થયો છું અને આ બન્ને યુવાન અને શૂરવીર છે માટે હવે શું થશે ? કંઈ ઉપાય સૂઝયો નહિ. ત્યારે શેષશય્યાપર પોઢેલા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ભગવાન તો યોગનિદ્રાને ગ્રહણ કરી પોઢેલા હતા. યોગનિદ્રાની તથા ભગવાનની સ્તુતિ કરી. ભગવાન જાગ્યા. બ્રહ્માએ પ્રાર્થના કરી. ભગવાને બ્રહ્માને આશ્વાસન આપ્યું ને આવવાનું પ્રયોજન પૂછયું. બ્રહ્માજીએ કહ્યું કે, આ મહાબલી મધુ અને કૈટભ જે આપના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા છે, તે મારી પાછળ પડયા છે. તેનાથી બચાવો. ભગવાન કહે ચિંતા ન કરો અહીં બેસી જાઓ. એમને આવવા દો હું તેમને મારી નાખીશ. દૈત્યો આવ્યા. ભગવાનને તેની સાથે યુદ્ધ થયું. પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું ! છતાં પણ હાર્યા નહિ ! પછી ભગવાને તેને પોતાની યોગમાયા દ્વારા મોહિત કર્યા ત્યારે તેમની બુદ્ધિ બદલાઈ ગઈ. એ વિચારવા લાગ્યા કે આપણે બન્ને મળીને પ્રાણ ઉપર આવીને લડીએ છીએ ને તે તો એકલો જ છે તો પણ હારતો નથી. આમ તેને પ્રતિસ્પર્ધાને બદલે ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ ત્યારે વિષ્ણુને કહ્યું કે, અમે તમારાં પરાક્રમથી પ્રસન્ન થયા છીએ. તમે વરદાન માગી લો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, તમારા બન્નેનું મોત મારા હાથે થાઓ. દૈત્યોને પોતાની ભૂલ સમજાઈ. તેઓએ ચાલાકી કરી કે અહીં કયાંય જળ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહિ માટે કહ્યું કે એવી જગ્યાએ મારો, જયાં જળ ન હોય. ત્યારે ભગવાને પોતાનો સાથળ ફેલાવી તે સાથળ ઉપર પછાડી મારી નાખ્યા.

મધુ-કૈટભ જીવના રાગ-દ્વેષ છે. મધુ-રાગ છે. કૈટભ એ દ્વેષ છે અને તે સાંભળવાથી ઉત્પન્ન થાય છે. विष्णुकर्णमलोद्भुतौ તેવી જ રીતે રાગ અને દ્વેષ પણ સાંભળવાથી જ ઉત્પન્ન થાય છે. વિષયના ગુણદોષની ચર્ચાથી રાગદ્વેષ ઊભા થાય છે અને વિષયના ગુણદોષની ચર્ચા એ જ મળસ્વરૂપ છે અને આ રાગદ્વેષ કરે છે શું ?

તો મધુ-કૈટભ हन्तुं ब्रह्मणमुद्यतौ ચતુર્મુખ બ્રહ્માને મારવા તૈયાર થયા છે. અંતઃકરણ પણ ચતુર્મુખ છે અને તેના દેવતા પણ બ્રહ્મા છે. બ્રહ્માનું વાહન છે હંસ. એ વિવેકનું પ્રતીક છે. હંસ ઉપર બેઠેલા બ્રહ્મા એટલે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ. રાગ અને દ્વેષ વિવેકબુદ્ધિનો નાશ કરવા તત્પર રહે છે.

જ્યાં સુધી રાગદ્વેષ (મધુ કૈટભ) કહે નહિ ત્યાં સુધી ભગવાન તેને મારે નહિ. માટે શું કરવું ? તો… રાગદ્વેષ સાથે જીવ તદાત્મકપણે વર્તે છે. રાગદ્વેષ તો જડ છે. માટે તદાત્મકપણે જીવની પ્રાર્થના-હે ભગવાન મારા રાગદ્વેષ ટાળો તે મધુ કૈટભની પ્રાર્થના જ છે. મધુ કૈટભે ભગવાનને કહ્યું કે आवां जहि न यत्रोर्वि सलीले न परिप्लुता। હે ભગવાન ! તમે અમને રસહીન જગ્યાએ મારો.

વિષયરસહીન જગ્યાએ મારો અર્થાત્‌મધુ કૈટભ જળમાં જ મોટા થયા છે. રાગદ્વેષ વિષયરસથી જ પુષ્ટ બને છે. વિષયરસનું સેવન કરતા થકા ભગવાનને પ્રાર્થના કરશો તો પણ રાગદ્વેષ નહિ ટળે. તેના માટે તો વિષયરસહીન ભૂમિકાનું નિર્માણ કરવું પડશે. મધુ કૈટભને મારવા ભગવાને સમુદ્રમાં જાઘં પ્રસારી. જળરહિત સ્થળ ઊભું કરી તેનો નાશ કર્યો તેમ રાગદ્વેષ મારવા માટે વૈરાગ્ય અને નિયમ રૂપી જાંધ પ્રસારી વિષય રસને દૂર કરી ભગવાનને પ્રાર્થના કરો તો રાગદ્વેષ દૂર થાય.

निहत्य धार्तराष्ट्रान्न: का प्रीति: स्याज्जनार्दन।

पापमेवाश्रयेदस्मान्‌ हत्वैतानाततायिन:।।३६।।

અર્થઃ હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે ? આ આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે.હે જનાર્દન આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શી પ્રસન્નતા થવાની છે ? કારણ કે અમને પાપ જ લાગવાનું છે. તે ભલે આતતાયી હોય, છતાં પણ અમે તો પાપના જ અધિકારી થઈશું.

આતતાયીનાં બધાં જ લક્ષણો કૌરવોમાં મળી આવે છે. अग्निदो गरदश्चैव शस्त्रपाणि र्धनापह:क्षेत्रदारापहर्ता च षडेते ह्याततायिन:। (વસિષ્ઠ સ્મૃતિ ૩/૧૯) કૌરવોએ પાંડવોને લાક્ષાગૃહમાં આગ લગાડીને બાળવા પ્રયત્ન કર્યો હતો. ભીમસેનને ઝેર ખવડાવ્યું હતું. શસ્ત્રો લઈને તો ઊભા જ હતા. કપટ દ્યુતથી ધન અને રાજ્ય હરી લીધાં હતાં. કૌરવ સભામાં દ્રૌપદીને લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેઓ આતતાયી જ હતા.

तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्‌ स्वबान्धवान्‌।
स्वजनं हि कथं हत्वा सुखिन: स्याम माधव।।३७।।

અર્થઃ માટે હે માધવ ! પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રપુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી; પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું ?

स्वबान्धवान्‌-૨૮ શ્લોકથી આ શ્લોક સુધી અર્જુને જે જે દલીલો કરી છે. તેમાં स्वजनम्‌, संबंधिन: એ આદિક શબ્દોથી તેનો પોતાનાં કુટુંબીઓનો વ્યામોહ ભગવાનની આગળ સ્પષ્ટ તરી આવે છે અને તેથી જ તો તે આ બધી દલીલો કરે છે. ‘અમે ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા માટે યોગ્ય નથી. ‘સ્વજનને મારીને અમે કેમ સુખી થઈએ ?’ પરંતુ હવે આગળના શ્લોકમાં પોતાના મોહને ગુણનું સ્વરૂપ આપવા માટે અર્જુન ધર્મની ચર્ચામાં ઉતરે છે.

यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतस:।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकुम्‌।।३८।।


कथं न ज्ञेयमस्माभि: पापादस्मान्निवर्तितुम्‌।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन।।३९।।

અર્થઃ જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતાં પાપને જોતાં નથી; છતાં પણ હે જનાર્દન! કુળ-નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું ?

સોળમા અધ્યાયમાં ભગવાને કામ, ક્રોધ અને લોભ એ ત્રણેયને નરકનાં દ્વાર કહ્યાં છે. વાસ્તવમાં એક કામના જ એ ત્રણેય રૂપો છે. જે સાંસારિક પદાર્થોને મહત્ત્વ દેવાથી પેદા થાય છે. કામનાની બે પ્રકારની ક્રિયા હોય છે. (૧) ઈષ્ટ પ્રાપ્તિ (૨) અનિષ્ટ નિવૃત્તિ. ઈષ્ટ પ્રાપ્તિ પણ બે પ્રકારની હોય છે. (૧) સંગ્રહ કરવો અને (૨) સુખ ભોગવવું. સંગ્રહની ઈચ્છાને લોભ કહે છે અને સુખભોગની ઈચ્છાને કામ કહે છે. ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ નિવૃત્તિમાં બાધા નાખનાર પદાર્થ ઉપર જે અંતઃકરણનો ક્ષોભ થાય છે ને તેને ક્રોધ કહેવામાં આવે છે.અર્જુન કહે છે કે, લોભવૃત્તિને કારણે દુર્યોધનની વિવેકશક્તિ લુપ્ત થઈ ગઈ છે. તેથી કુલક્ષય કરવાનું જે પાપ અને મિત્રદ્રોહ કરવાનું પાપ તે જોઈ શકતો નથી પણ તે દોષને જાણનારા અમારે તેનો વિચાર કેમ ન કરવો જોઈએ ?

ભાવ એમ છે કે, પ્રથમ વસ્તુઓનો અભાવ હોય ત્યારે એટલું દુઃખ થતું નથી પણ વસ્તુ પ્રાપ્ત થઈને પછી નાશ પામી જાય ત્યારે અત્યંત દુઃખ થાય છે. વસ્તુસ્થિતિ એક હોવા છતાં પછી જે દુઃખ થાય છે, તેનું કારણ લોભ છે. જો લોભરૂપી દોષ ન હોય તો વસ્તુના સંયોગમાં સુખ પણ ન થાય અને મળ્યા પછી નાશ પામતાં દુઃખ પણ ન થાય. તેવી જ રીતે આસક્તિરૂપી મોહ ન હોય તો કુટુંબીઓને જોઈને સુખ પણ ન થાય અને તેનો નાશ થતાં દુઃખ પણ ન થાય. લાલચરૂપી દોષ ન હોય તો સંગ્રહનું સુખ ન થાય. તાત્પર્ય એમ છે કે સંસારનું સુખ કોઈને કોઈ દોષમૂલક હોય છે. જો કોઈપણ દોષ ન હોય તો સંસારમાં સુખ થાય જ નહિ પણ લોભ અને આસક્તિ આદિક દોષોને કારણે આવા વિચાર કરી શકતા નથી. દોષો તેની વિવેકબુદ્ધિને લુપ્ત કરી દે છે.વળી અર્જુન પોતાની પણ વાત અહીં કરે છે કે લોભથી નષ્ટ થયેલી છે દૃષ્ટિ જેની એવા દુર્યોધન આદિકને આ દોષ સૂઝતો નથી પણ તેને જાણનારા એવા અમારે તો એનો વિચાર કરવો જોઈએ. અહીં અર્જુનની દૃષ્ટિ દુર્યોધનના લોભ ઉપર જાય છે પણ પોતાની કૌટુંબિક આસક્તિ ઉપર નથી જતી. એક નિયમ છે કે મનુષ્યની દૃષ્ટિ બીજાના દોષ તરફ જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી પોતાનો દોષ દેખાશે નહિ. ઊલટું પોતામાં એ દોષ નથી એવું અભિમાન આવશે તે કદી પણ એમ વિચાર કરી શકતો નથી કે, એનામાં આ દોષ છે તો મારામાં અવશ્ય કોઈક દોષ હોવો જોઈએ અને કોઈપણ દોષ ન હોય તો પણ બીજાના દોષ જોવા એ પણ એક દોષ જ છે છતાં અહીં એક બાબત વિચારણીય છે કે, અર્જુન અને દુર્યોધન સમાન ન ગણી શકાય. અર્જુનનો દોષ પોતાને જ અન્યાય કરનારો છે, જ્યારે દુર્યોધનનો દોષ પોતાને અને બીજાને પણ અન્યાય કરનારો છે. બીજાનો દોષ દેખવો અને પોતામાં સારાપણાનું અભિમાન કરવું એ બન્ને દોષ સાથે જ રહે છે.

कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा:सनातना:।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत।।४०।।

અર્થઃ કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતાં સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે.

કુળનો નાશ થયાથી પરંપરાથી ચાલ્યો આવતો કુળધર્મ પણ નાશ પામી જાય છે અને કુળમાંથી ધર્મ નાશ પામ્યો ત્યારે અધર્મ કુળને દબાવી દેશે.

જ્યારે કુળમાં ધર્માચરણ કરનારા વડીલો ન રહે ત્યારે ધર્મ કયા આધાર ઉપર રહી શકે? કારણકે ધર્મ તો अनुष्ठानापेक्ष છે. જ્યારે અનુષ્ઠાન કરવાવાળા ન રહે ત્યારે ધર્મની સ્થિતિ કેમ રહે ? અધર્મ, ધર્મનો વિરોધી છે. ધર્મ નહિ હોય તો અધર્મનો તો પ્રસાર થવાનો જ છે. કારણ કે, અધર્મ સહજપ્રસર છે અને ધર્મ, શિક્ષાથી પ્રાપ્ત થાય છે. धर्मस्तु प्रयत्न साध्य: શિક્ષા ગુરુનો ઉપદેશ સાંભળીને તથા પૂર્વજોનું આચરણ જોઈને પ્રાપ્ત થાય છે. એટલે જ નીતિવેત્તાઓએ લખ્યું છે કે आचारो विनयो विद्या प्रतिष्ठा तीर्थ दर्शनम्‌। निष्ठा वृत्ति: तपो दानं नवधाकुललक्षणम्‌।। મનુષ્ય જેવા કુળમાં ઉત્પન્ન થાય છે, તે કુળના સંસ્કાર નવ રૂપે મનુષ્યમાં વિદ્યમાન રહે છે. (૧) आचार-દરેક કુળની રૂઢિ અલગ અલગ હોય છે તે (૨)विनय-વિવેક, શિષ્ટાચાર (૩)विद्या-વિદ્યા (૪)प्रतिष्ठा-કુળનું, ગુરુનું, સંપ્રદાય વગેરેનું ગૌરવ (૫) तीर्थदर्शम्‌= કુલદેવની ભક્તિ, નિષ્ઠા વગેરે (૬)निष्ठा-બીજા લોકોની પોતા વિષેની શ્રદ્ધા-વિશ્વાસ (૭)जीविका-આજીવિકાની રીતિ (૮)तप-સહનશક્તિ (૯)दानर्-દરેક કુળની દાનની ક્ષમતા.

અધર્મ સ્વભાવથી પ્રાપ્ત છે. अधर्मस्तु सहजप्रसर:। કામચાર અને કામવાદ અને કામભક્ષની શિક્ષા કોઈને આપવી પડતી નથી. બાલ્યાવસ્થાથી જ તેમાં સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. ઊલટું તેને રોકવા માટે ધર્મની શિક્ષા ગ્રહણ કરવી પડે છે. જ્યારે વડીલો કોઈ રહેશે નહિ, ત્યારે નાના બાળકો કોને જોઈને શિક્ષા ગ્રહણ કરશે ? માટે તેમને અધર્મ દબાવી દેશે.

અહીં એક શંકા થાય છે કે, જ્યારે કુળનો નાશ થશે ત્યારે અધર્મ કયાં પ્રવર્તશે ? તો યુદ્ધમાં ધર્માચરણ કરનારા વડીલ પુરુષોનો જ નાશ થાય છે. સ્ત્રીઓ અને બાળકો તો કુટુંબમાં રહેવાના જ તેમાં અધર્મ પ્રસરી જશે.

अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रिय:।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकर:।।४१।।

અર્થઃ હે કૃષ્ણ ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય ! જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.

અધર્મ વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને તેથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. આર્ય જાતિમાં રક્તશુદ્ધિ ઉપર વિશેષ ધ્યાન દેવાયું છે. આપણાં ધર્મશાસ્ત્રો ને ઈતિહાસ બન્ને તેની સાક્ષી પૂરે છે. વર્ણસંકરતા દેશ અને સમાજને ઘાતક છે અને તે વર્ણસંકરતાથી સમાજને બચાવવા માટે આર્ય સંસ્કૃતિમાં પતિવ્રતા ધર્મને ખૂબ ઊંચું સ્થાન અપાયું છે. જે અન્ય ધર્મમાં ઓછું જોવા મળે છે. પાતિવ્રાત્યના મહાન પ્રભાવથી ભારતની આર્ય રમણીઓએ અનેક ઐતિહાસિક ઘટનાઓ સર્જી છે. સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિને છોડાવ્યો હતો. પદ્મિની આદિએ પોતાના ધર્મનું રક્ષણ કરવા જૌહર કરેલાં છે.રક્તશુદ્ધિનું જતન કરવા માટે સનાતન ધર્મમાં વિવાહ સંસ્થાનું નિર્માણ થયું છે. અમેરિકાના ખ્યાતનામ વૈજ્ઞાનિકોએ વર્ણવ્યવસ્થાની વૈજ્ઞાનિકતાની પરીક્ષા પણ કરી છે અને તે ઉપરથી જ રક્ત વિભાજક યંત્રની શોધ કરી છે. જે યંત્ર દ્વારા રક્તના ચાર પ્રકાર-ઓ.એ.બી. અને એબી સિદ્ધ કર્યા છે અને એ લોહીના પરીક્ષણથી મનુષ્ય અને પ્રાણીઓની રુચિ, વ્યવહાર આદિનો ખ્યાલ આવી શકે છે. તેથી એ પણ નિર્ણિત કરી શકાય છે કે, આ કોનું સંતાન છે. વિદેશોની અદાલતોમાં એનો ઉપયોગ થાય છે. એ યંત્રો દ્વારા તે વિદ્વાનોએ તારણ કાઢયું છે. તેનો સૂર એવો પણ છે કે, જુદા જુદા લોહીના મિશ્રણથી જે એક શરીર પેદા થશે આપણા શબ્દોમાં કહીએ તો જે વર્ણસંકર થશે તેમાં માતા અને પિતા બન્નેના દોષો જ પ્રચુર માત્રામાં આવશે. ગુણ એકેયનો નહીં આવે. એ સંતાન ઉન્મત્ત, વિક્ષિપ્ત અને નીચ પ્રકૃતિનું ઘણું કરીને થશે. ભગવાન મનુએ લખ્યું છે કે, ‘‘पित्र्यं वा भजते शीलं मात्र्यं वोभयमेव वा न कथंचन दुर्योनि: प्रकृतिं स्वां नियच्छति।। અર્થાત્‌વર્ણસંકરમાં પિતા અથવા માતાના અથવા તો બન્નેના દુષ્ટ સ્વભાવની અનુવૃત્તિ થાય છે. તે દુષ્ટ યોનિવાળો વર્ણસંકર પોતાની ટેવને વશમાં કરી શકતો નથી તેથી એ સિદ્ધ થાય છે કે, આપણા ધર્મશાસ્ત્રોની વાતો કેટલી વૈજ્ઞાનિક છે કે વિદ્વાનોએ એ પણ સિદ્ધ કર્યું છે. લોહીના મુખ્ય ચાર અને અવાંતર ઘણા ઉપભેદ છે અને દેશ અનુસારે પણ લોહીના પ્રભાવમાં ખૂબ જ અંતર પડી જાય છે. એક જ ઉપભેદવાળા લોહીનો પરસ્પર સંબંધ થવાથી સંતાન કાં તો થાય જ નહિ અને થાય તો જલદી મરી જાય અને જો આગળ ચાલે તો પણ એ વિકૃત મનવાળા જ પુરુષો એમાં પેદા થાય તેથી આપણી લગ્ન વ્યવસ્થા સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

આર્ય જાતિના છૂતાછૂત પણ વર્ણસંકરથી બચાવવા માટે જ છે. તેમાં દ્વેષ નહિ પરંતુ પવિત્રતાની રક્ષા જ કેવળ ઉદ્દેશ હતો. શાસ્ત્રોમાં નિકૃષ્ટ વર્ણસંકર જાતિઓને જ અસ્પૃશ્ય માનવામાં આવે છે. જેમાં પિતા ઉચ્ચવર્ણનો અને માતા નીચ વર્ણની હોય તે ‘અનુલોમ સંકર’ કહેવાય છે. તેને બહુ દોષિત નથી માનવામાં આવતા કારણ કે બીજની પ્રધાનતા છે. ભૂમિમાં દોષ હોવા છતાં પણ ઉત્તમ બીજથી ઉત્તમ અન્ન જ થાય છે. થોડી ન્યૂનતા રહે; પરંતુ માતા ઉચ્ચવર્ણની અને પિતા નીચવર્ણનો તે પ્રતિલોમ સંકર છે. તેમાંથી કેટલીક નિકૃષ્ટ જાતિઓ થઈ છે. જેમાં બીજ બહુ નાના વર્ણનું હોય તેને અસ્પૃશ્ય માનવામાં આવે. એના સંસર્ગથી હાનિ સમજી સંસર્ગનો જ નિષેધ કર્યો છે. સંસર્ગથી અંતઃકરણના દોષોનું સંક્રમણ થાય છે, શરીરના રોગોની જેમ જ. તેવી જાતિના દોષ તેના સંતાનોમાં પણ આવે છે અને ત્યાં એવા જ કર્મબંધનવાળા જીવો જન્મ લે છે. એટલે સંકર જાતિ ને અસ્પૃશ્ય માનવામાં પણ રક્તશુદ્ધિ જાળવવાનો જ ઉદ્દેશ છે. સ્ત્રીઓ અપવિત્ર થવાથી ભારતના આ બધા ગૌરવપૂર્ણ ધર્મોનો નાશ થઈ જશે એમ અર્જુન કહેવા માગે છે.

संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रिया:।।४२।।
दोषैरेतै: कुलघ्नानां वर्णसंकरकारकै:।
उत्साद्यन्ते जातिधर्मा: कुलधर्माश्च शाश्वता:।।४३।।
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम।।४४।।

અર્થઃ વર્ણસંકર સંતતિ તો કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. એટલું જ નહિ, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.

વર્ણમિશ્રણથી ઉત્પન્ન થયેલા વર્ણસંકરમાં ધાર્મિક બુદ્ધિ હોતી નથી. પૂર્વજો પ્રત્યે આદરબુદ્ધિ પણ હોતી નથી. તેથી પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાની ભાવના હોતી નથી. કદાચ લોકલાજમાં આવીને શ્રાદ્ધ તર્પણ કરે તો પણ શાસ્ત્રવિધિ અનુસાર તર્પણમાં તેનો અધિકાર ન હોવાથી પિંડદાન પિતૃઓને મળતું નથી. તેથી પિતૃઓનું પતન થાય છે અને નરકમાં પડે છે. જ્યારે સામે પક્ષે કુળનો નાશ કરવાથી મોટું પાપ લાગે છે અને તેઓ પણ નરકના અધિકારી થાય છે.

કુળનો નાશ, કુળધર્મનો નાશ, પાપોની વૃદ્ધિ અને તેથી કુળની સ્ત્રીઓમાં વ્યભિચારાદિ દોષ. આ દોષથી કુળમાં પરંપરાથી ચાલ્યા આવતા જાતિધર્મ અને કુળધર્મ મૂળમાંથી નાશ પામી જાય છે. એક એક કુળની અલગ અલગ પરંપરાઓ અને મર્યાદાઓ હોય છે. તેને કુળધર્મ કહેવાય છે અને બધા જ કુળોની સામાન્ય મર્યાદાઓ હોય તેને જાતિધર્મ કહેવાય છે. જે જાતિધર્મ શાસ્ત્રમાંથી જાણવા મળે છે અને કુળધર્મો કુળના વૃદ્ધ અને શિષ્ટ પુરુષો પાસેથી જાણવા મળે છે અને કુળધર્મો જેમના નાશ પામી ગયા છે એવા જે મનુષ્યો તેનો નક્કી નરકમાં નિવાસ થાય છે. એવું અમે પરંપરાથી સાંભળ્યું છે. अनुशुश्रुम પરોક્ષ લીટ્‌નો પ્રયોગ અર્જુનની શોકાવસ્થા હોવાથી કાળ વ્યત્યાસ થયો છે.

ખરેખર અર્જુનની આ આશંકા સમય જતાં સાચી પડી અને વર્ણસંકરતા વધવાને કારણે આગળ જતા દેશને પરતંત્ર થવું પડયું. રાજ્યની તથા ધર્મની વ્યવસ્થા સુદૃઢ રહી ન શકી.

अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्‌।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यता:।।४५।।

અર્થઃ અરે રે ! ઘણાં દુઃખની વાત છે કે, અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ !

આ શ્લોકમાં अहो અને बत આ બે અવ્યયોનો પ્રયોગ થયો છે. अहो પદ આશ્ચર્યનું વાચક છે. આશ્ચર્ય એ વાતનું છે કે યુદ્ધમાં થનારી અનર્થ પરંપરાને જાણવા છતાં અમોએ યુદ્ધ રૂપી પાપ કરવાનો પાકો નિશ્ચય કરી લીધો અને बत પદ ખેદ, દુઃખનું વાચક છે. દુઃખ એ વાતનું છે કે, થોડા દિવસ રહેનારા અમે આ રાજ્ય, સુખના લોભમાં કુટુંબનો નાશ કરવા તૈયાર થયા છીએ.

અહીં અર્જુનની દૃષ્ટિ યુદ્ધ તરફ છે. તે યુદ્ધને દોષરૂપ માને છે; પરંતુ વાસ્તવમાં શું દોષ છે ? તે તરફ અર્જુનની દૃષ્ટિ નથી. તેથી અર્જુનને આશ્ચર્ય અને ખેદ થાય છે.

પ્રથમ અર્જુને લડવાનો પાકો નિશ્ચય કરેલો છે. ક્ષાત્રવૃત્તિ તેના સ્વભાવમાં હતી વીરવૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે કે, सेनयोरुभयोर्मध्ये પરંતુ સગાં-વહાલાંનો સમૂહ જોતાવેંત તેનું દિલ ડહોળાવા માંડયું છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓ કરી છે. અનેક વીરોનો સંહાર કર્યો છે પણ આવું કયારેય થયું નથી. આ વખતે જ કેમ ? શું અશોકની માફક અહિંસાવૃત્તિનો તેમાં ઉદય થયો ? ના. આ બધી સ્વજનાસક્તિ હતી. જો સામે તેને સંબંધી ન દેખાયા હોત તો શત્રુઓનાં માથાં દડાઓની માફક રમતમાં ઉડાવી દીધાં હોત. સ્વજનાસક્તિનો મોહ કર્તવ્યનિષ્ઠાને ગળી ગયો. તે મોહને ઢાંકવા માટે અર્જુનને આ બધી દલીલો સૂઝી આવી છે. યુદ્ધ મૂલતઃ પાપ જ છે. એ ઉછીના લીધેલા વિચારોનું પ્રતિપાદન કરવા લાગ્યો છે. યુદ્ધથી કુળનો ક્ષય, ધર્મનો લોપ, વ્યભિચાર, વર્ણસંકરતા, પિતૃઓનું નરકપતન વગેરે વાતો શ્રીકૃષ્ણને સમજાવવા બેઠો છે.

અર્જુનની સ્થિતિ એક કરવા માંડયો. ‘‘ફાંસીની સજા અમાનુષી છે. એવી સજા કરવાનું માણસને શોભતું નથી. માણસને સુધરવાની આશા તેમાં રહેતી નથી. લાગણીના આવેશમાં આવીને ખૂન કર્યું પણ તેની આંખ પરના લોહીના પડળ ઊતરી ગયા પછી તે માણસને ગંભીરતાથી ઊચકીને ફાંસીને માચડે લટકાવવો એ કામ સમાજની માણસાઈને નીચું જોવડાવનારું અને ડાઘ લગાડનારું છે; આવા મુદ્દાઓ ન્યાયાધીશે રજૂ કરવા માંડયા. છોકરો સામે ન આવ્યો હોત તો મરતા સુધી ફાંસીની સજાઓ ટીપતા રહ્યો હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યો હતો. એનું એ બોલવું અંતરનું નહોતું. આસક્તિજન્ય હતું. દીકરા પરની આસક્તિમાંથી પેદા થયું હતું. મમત્વમાંથી નિર્માણ થયેલું એ સાહિત્ય હતું.

અર્જુનની ગતિ એ ન્યાયાધીશ જેવી થયેલી જણાય છે. તેણે રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલ ભરેલા નહોતા. પૂર્વ મહાયુદ્ધનાં અચૂક પરિણામ દુનિયાએ જોયાં જ છે પણ વિચારવા જેવી વાત એટલે છે કે અર્જુનની એ ફિલોસોફી નહોતી તે તેનો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણને તેની બરાબર ખબર હતી તેથી એ મુદ્દો જરાય ધ્યાનમાં લીધા વગર મોહનાશ માટેનો ઈલાજ અખત્યાર કર્યો.

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणय:।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्‌।।४६।।

અર્થઃ એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે.

જો કે હું યુદ્ધથી નિવૃત્ત થઈશ ત્યારે દુર્યોધન આદિ પણ યુદ્ધથી નિવૃત્ત થઈ જશે. મને મારશે નહિ છતાં પણ આ ભવિષ્યના કાંટાને પણ દૂર કરીએ એમ જાણી મારો સંહાર કરશે. તો પણ મારું વધુ સારું થશે. વધુ સારું એટલા માટે કે જો હું જીવીશ તો ક્ષત્રિય સ્વભાવથી વળી આવું પાપ કરવા કદાચ તૈયાર થાઉં એ કરતાં મારી નાખે તો એ શક્યતા જ રહે નહીં. અર્જુનના અંતરમાં કૌટુંબિક મોહ છે અને ઉપરથી ધર્મની અને સાધુતાની મોટી વાતો કરે છે. તેથી કૌટુંબિક મોહવાળાને તે બધી વાતો સાચી જ લાગશે પણ ભગવાનની દૃષ્ટિ કલ્યાણ તરફ છે. વાસ્તવમાં ભગવાને અર્જુનને યુદ્ધ કરાવ્યું નથી પણ કર્તવ્યજ્ઞાન કરાવ્યું છે. યુદ્ધ તો અર્જુનને સ્વભાગત સ્વતઃ પ્રાપ્ત હતું જ. તેણે સ્વયં યુદ્ધમાં પ્રવર્તીને પછી જ શ્રીકૃષ્ણને આમંત્રણ આપ્યું હતું પણ અત્યારે સ્વજન મોહથી તે યુદ્ધ વિમુખ થતો હતો. ભગવાને તેને કર્તવ્યપરાયણ બનાવ્યો. માર્ગે ચાલતા ચિત્તભ્રમ થઈ અવળે માર્ગે ચાલતા મુસાફરને સાચો રસ્તો કયો છે ? એનું જ્ઞાન કરાવનાર છે, તેને મંજિલે પહોંચાડનાર ગણાતો નથી. તેવી જ રીતે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે, યુદ્ધનું નહિ.

સ્વજનોને જોઈને યુદ્ધથી વિમુખ થયેલો અર્જુન न योत्स्ये કહે છે. પણ ભગવાનનો ઉપદેશ સાંભળી-‘હું યુદ્ધ કરીશ’ એમ નથી કહેતો પણ करिष्ये वचनं तव કહે છે. હું તમારી આજ્ઞા-મારા કર્તવ્ય-નું પાલન કરીશ. તેથી સિદ્ધ થાય છે કે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે.

અવશ્યંભાવિ હતું તે તો હતું જ. એને કોઈ ટાળી શકે એમ હતું જ નહીં. નરસંહાર થવાનો જ હતો. અર્જુન યુદ્ધ ન કરત તો પણ માતાની આજ્ઞા ન લોપનાર યુદ્ધિષ્ઠિર તો યુદ્ધ કરત જ. દ્રૌપદી તો પોતાના પિતા, ભાઈ અને પુત્રો યુદ્ધો કરશે. એવી પ્રતિજ્ઞા લઈને બેઠી હતી. તેથી યુદ્ધ તો અર્જુન વિના પણ થવાનું જ હતું. યુદ્ધ રોકવું એ કોઈના હાથની વાત નહોતી પણ પોતાના કર્તવ્યનું પાલન કરી પોતાનો ઉદ્ધાર કરવો એ મનુષ્યની ફરજ છે. એટલા માટે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવીને ઉપદેશ આપ્યો કે મનુષ્યે શાસ્ત્રની આજ્ઞાનુસાર કર્તવ્યમાં તત્પર રહેવું જોઈએ.

एवमुक्त्वार्जुन: संख्ये रथोपस्थ उपाविशत्‌।
विसृज्य सशरं चापं शोक संविग्नमानस:।।४७।।

અર્થઃ રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.

આગળ દલીલો કહી એ હકીકત કહીને અર્જુન તે જ રણભૂમિમાં ધનુષ્ય અને બાણને છોડીને શોકાન્વિત મનવાળો થઈને રથના પાછળના ભાગમાં બેસી ગયો.

ॐ तत्सत्‌इति श्रीमद भगवद्‌गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्याय:।।

દરેક અધ્યાયને અંતે આવતી આ પુષ્પિકાથી ગીતાનું માહાત્મ્ય પ્રકટ થાય છે ॐ तत्सत्‌ इति આ ત્રણેય સચ્ચિદાનંદઘન પરમાત્માનાં પવિત્ર નામો છે અને જીવાત્માના કલ્યાણના કરનારા છે. આ વાક્યથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરાયો છે. એના ઉચ્ચારણથી પરમાત્મા સન્મુખ થવાય છે અને શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મોમાં રહેલી અંગવૈગુણ્યતાને દૂર કરે છે. વ્યાસ ભગવાનનું તાત્પર્ય એ છે કે, આના ઉચ્ચારણથી મારી રચનાનું અંગવૈગુણ્ય દૂર થાય. ઈશ્વરતત્ત્વ ભારતીય સંસ્કૃતિનું મસ્તક છે. તે સર્વ સત્શાસ્ત્રોનો સાર છે. પછી આવે છે श्रीमद्‌भगवत्‌ गीतासु उपनिषत्सु। મનુષ્ય મસ્તીમાં હોય, આનંદમાં હોય ત્યારે તેના મુખમાંથી ગીત સરી પડે છે. ભગવાને તેથી જ તો કહ્યું છે કે, प्रहसन्निव भारत। તેથી જ આનું નામ ગીતા છે. જો કે વ્યાકરણના નિયમ અનુસાર गीतम्‌ થવું જોઈએ છતાં પણ उपनिषद्‌ સ્વરૂપ સ્ત્રીલિંગ હોવાથી गीता શબ્દનો પ્રયોગ થાય છે. આ ગીતામાં સંપૂર્ણ ઉપનિષદોનું સારતત્ત્વ સંગ્રહ કરવામાં આવ્યું છે. सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दन:। पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्‌।। તેથી ગીતાને ઉપનિષત્‌સ્વરૂપા કહી છે. ગીતા પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાવાળી અને આત્મા પરમાત્માના જ્ઞાનનો વિસ્તાર કરનાર હોવાથી બ્રહ્મવિદ્યા છે અને ગીતામાં યોગશાસ્ત્રનું તાત્પર્ય મુખ્યત્વે કર્મયોગ પર રહ્યું છે. તેના પર વિશેષ ભાર દેનારી છે. માટે योगशास्त्रे કહ્યું છે. વળી ગીતામાં જે જે યોગ વર્ણવાયા છે, તેનાથી સાધકને પરમાત્મા સાથે નિત્ય સંબંધથી જોડનારા છે. તેથી પણ આ ગીતા યોગશાસ્ત્ર કહેવાય છે. વળી ભગવાન પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અને ભક્તપ્રવર અર્જુનના સંવાદરૂપ છે. અર્જુને નિઃસંકોચ ભાવથી વાતો પૂછી છે. ભગવાને ઉદારતાપૂર્વક તેનો ઉત્તર આપ્યો છે. ગીતા શાસ્ત્રાર્થ નથી. માટે તેને શ્રીકૃષ્ણાજુર્ન સંવાદ કહ્યો છે.

અહીં એક પ્રશ્ન થાય કે વિષાદ એટલે તો ખિન્નતા, ઉત્સાહનો અભાવ, તો પછી તે યોગ કેમ થાય ? યોગમાં તો આનંદાનુભૂતિ હોય તેથી આનંદને યોગ કહી શકાય પણ વિષાદને યોગ કેવી રીતે કહેવાશે ? તેનો ઉત્તર એ છે કે, વિષાદ એટલા માટે યોગ છે કે તે આનંદનું જ એક વિકૃત રૂપ છે. શીર્ષાસન કરતું સ્વરૂપ છે. જેને આપણે વિક્ષિપ્તતા કહીએ છીએ પણ છે તો સ્વભાવ જ. સોનામાં અશુદ્ધિ ભળે તો એ અશુદ્ધ પણ સોનું જ કહેવાય. અશુદ્ધ હોવા છતાં પણ સોનું જ છે અને એટલા માટે એને સોનું કહેવું પડશે કે એની અશુદ્ધિ બળી શકે છે. પાછું સોનું શુદ્ધ બની શકે છે. વિષાદ એટલા માટે યોગ છે કે વિષાદ બળી શકે છે. એટલું જ નહિ આનંદ પ્રાપ્તિનું સાધન બની શકે છે. આનંદનું સાધન બની શકે છે. વિષાદ શું કામ થાય ? પથ્થરને વિષાદ નહિ થાય. કારણ કે એને આનંદ પણ નહિ થાય. વિષાદ એટલા માટે થાય છે કે, ઊંડે ઊંડે આનંદનું સ્મરણ છે, જ્ઞાન છે. વિષાદ થાય છે તે પણ એ વાતનું ચિહ્ન છે-સ્મરણ છે કે ઊંડાણમાં ચેતના કયાંક જાણે છે કે જે હું હોઈ શકું તે મૂળ સ્વરૂપને પામ્યો નથી. જે મળી શકે તે મળ્યું નથી એટલે વિષાદ થાય છે.

જેટલો બુદ્ધિશાળી વ્યક્તિ હશે તેટલો જ ઊંડો વિષાદમાં ઊતરશે. ફકત જડબુદ્ધિને જ વિષાદ નહીં થાય. જેણે પ્રભાત જોયું જ નથી તેને રાત જ સવાર લાગે એ શક્ય છે. રાત પણ એને સારી લાગે એટલા માટે અર્જુનને જ વિષાદ થયો, દુર્યોધનને ન થયો.

જેને વિષાદ થાય તેને માર્ગ શોધવો પડે છે. આનંદનો જેને વિષાદ જ નથી એને કયારેય આનંદ નહિ મળે માટે વિષાદ યોગ છે. કારણ કે આનંદના જન્મની એક પ્રક્રિયા છે પણ વિષાદ જો વિષાદમાં જ અટકી જાય-પરમાત્માને પામવાનું પગથિયું ન બને, સાધન ન બને તો વિષાદ યોગ નથી. અર્જુનનો વિષાદ એને ભગવાન સુધી દોરી ગયો માટે વિષાદ પણ યોગ બની ગયો.

દરેક વિકાસના પાયામાં વિષાદ હોય છે. વિકાસની ઈમારત વિષાદના પાયા વગર નિર્માણ થતી જ નથી. મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય. માણસને જ્યારે આત્મરતિ, આત્મતુષ્ટિ અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે તે મોક્ષ માર્ગે વળે પણ આપણા અંતરના એ ‘સ્વ’નો આનંદ લૂંટવાનું મન કયારે થાય ? આત્મરતિ તરફ માણસ ક્યારે વળે ? ઉંમર થાય પછી ? ના. જ્યારે માણસથી વસ્તુ સાપેક્ષ સુખમાં રહેલી લાચારી-દીનતા સહન ન થાય ત્યારે વસ્તુસાપેક્ષ સુખ અને આત્મિક સુખમાં જે આનંદ છે. તેમાં ખૂબ ફરક છે. એક ક્ષણિક છે. બીજો શાશ્વત છે. એક પરતંત્ર છે, બીજો સ્વતંત્ર છે. એ પરતંત્રતા જ્યારે ખટકે, એના પર ચીડ ચડે ત્યારે માણસ પાછો વળે છે. જેટલા પ્રમાણમાં આવી લાચારી ખટકે, તેટલા પ્રમાણમાં જ જીવન તેજસ્વી બને, આત્માભિમુખ થાય. ત્યાર પછી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. વસ્તુનિષ્ઠ આનંદના પારતંત્ર્યથી વિષાદ જ રહે છે. એ વિષાદ પછી જ માણસ મોક્ષના રસ્તે વળે છે. વિષાદ નિર્માણ થયા પછી જ આ આનંદ કરતાં બીજો કોઈ આનંદ છે કે કેમ ? તે જોવાનું મન થાય. આમ મોક્ષમાર્ગની શરૂઆત પણ વિષાદથી જ થાય છે. માટે વિષાદને યોગ કહ્યો છે.

વળી ભગવાનની સામે રડવું પણ યોગ છે અને ભગવાનથી વિમુખ રહી પરમાનંદનો અનુભવ કરવો પણ યોગ નથી. અર્જુન રડયો પણ કયાં રડયો ? કોઈની પાસે ન રડતાં અંતર્યામી ભગવાન પાસે રડ્યો, જે દરેકના દિલની, દરેક રોમની, કણ કણની, ક્ષણ ક્ષણની જાણે છે. એની સામે રડવું પણ યોગ કરતાં ચઢિયાતું છે. એટલે આ અધ્યાયનું નામ વિષાદ યોગ છે. આના પછી બીજા અધ્યાયનું નામ સંતો प्रसाद योग કહે છે. એનું તાત્પર્ય એ છે કે તમે ભગવાનને તમારો વિષાદ આપી દો. ભગવાન તમને પોતાનો પ્રસાદ-પ્રસન્નતા આપશે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતા આધ્યાત્મિક ચિંતનનો અર્જુનવિષાદયોગ નામે પહેલો અધ્યાય સંપૂર્ણ