કડવું-9

ધન્યાશ્રી

કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી;

કોણ જાણે કેમ રહેછે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી. ૧

ઢાળ

તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ;

મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ. ૨

તેમાં નાખ્યે પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર;

ખરો વેરી છે ખોટું નથી, એમ થયો સહુને વિચાર. ૩

પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ એનું તન;

તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિએ જતન. ૪

પછી ખારા જળ કીચમાં, ઘાલિયા ઘણો દઈ ભાર;

તેથી પ્રહ્‌લાદ ઉગર્યા, શ્રીહરિએ કીધી સાર. ૫

પછી શસ્ત્ર સરવે સજ્જ કરી, ઉઠ્યા મારવા શૂરવીર;

તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર. ૬

પછી પાવકે પરજાળવા, બાળવા કર્યો વિચાર;

તેહ વિનાના ઉપાય બીજા, કર્યા હજારે હજાર. ૭

ભક્ત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ;

મનસૂબો મને મારવાનો, કરે છે બહુ બહુ કુમતિ. ૮

નર નારી સહુ એમ બોલે, કોઈ ઘાત કરો પ્રહ્‌લાદની;

તો અસુર સહુ અભય થાયે, જય થાય ક્રવ્યાદની. ૯

આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રહ્‌લાદની ધીર;

નિષ્કુળાનંદ નાથની કસણી, જોઈ નયણે આવ્યાં નીર. ૧૦

વિવેચન : 

પછી તો અસુરો બધા ભેળા થઇને વિચારવા લાગ્યા કે હવે આને શી રીતે મારવો? આપણે આટલા આટલા ઉપાય કર્યા છતાં આ મરતો કેમ નથી? એ ક્ષેમ કુશળ કેમ રહી જાય છે? માટે હવે તો બરાબર તપાસીને જે રીતે એ નિશ્ચય જ મરે એવો ઉપાય કરો. ચાલો એને કોઇ ખાલી ઊંડો કૂવો હોય તેમાં ફેંકી દઇએ. ત્યાં કાં તો પડતાં જ મરી જાશે અથવા તેને સાપ કરડી ખાશે. એટલે મહારાજા આપણા ઉપર ખૂબ ખુશ થાશે. એમ વિચારી ને અસુરોએ પ્રહ્‌લાદને ઉપાડીને ખાલી ઊંડા કૂવામાં ફેંકી દીધા. પછી જ્યારે તપાસ કરી ત્યાં તો પ્રહ્‌લાદ મર્યા નથી એ તો જેમના તેમ જ ક્ષેમકુશળ છે. તેથી અસુરોનાં અંતરમાં ઘણી બીક પેસી ગઇ કે ખરેખર આ છોકરા દ્વારા આપણું કદાચ મોત થાય! આ છોકરો સાચે જ આપણો વૈરી છે એમાં જરાય ખોટું નથી. પછી વિચાર કર્યો કે એને ઊંચા પહાડ ઉપરથી પછાડવો એટલે તેના ભૂક્કા નીકળી જાય, ટુકડે ટુકડા થઇ જાય પછી એમ પણ કરી જોયું. પણ પ્રભુએ પ્રહ્‌લાદની રક્ષા કરી. પછી વળી ખારા સમુદ્રના કીચડમાં અને ખારા જળમાં માથે મોટો ભાર મૂકીને ડૂબાડી રાખ્યા તોપણ શ્રીહરિએ સહાય કરીને પ્રહ્‌લાદને બચાવ્યા. આમ અનેક પ્રયત્નોમાં નિષ્ફળ થયેલા અસુરોએ પછી તો હથિયારો સજ્જ કરીને તેમને મારવા માટે સામટો એક સાથે ધસારો કર્યો છતાં અતિ ધીર પ્રહ્‌લાદના મનમાં તેનો કોઇ ત્રાસ ઉપજ્યો નહિ. ખરેખર પ્રહ્‌લાદની ધીરજને ધન્ય છે. પછી અસુરોએ તેમને અગ્નિમાં બાળવાનો વિચાર કર્યો અને તેમાં નિષ્ફળ ગયા તેમ તેમ બીજા પણ અનેક ઉપાય અજમાવ્યા પણ પ્રહ્‌લાદજીને કાંઇ થયું નહિ. ભગવાનના ખરા ભક્ત જાણીને અસુરોને અતિ વેર છે. તેમના પ્રતિ અતિશય દ્વેષ છે તેથી તમામ દુષ્ટમતિ અસુરો પ્રહ્‌લાદને જાનથી મારી નાખવાના નિત્ય નવા નવા મનસૂબા-યુક્તિ-ઉપાયો વિચારવા લાગ્યા અજમાવવા લાગ્યા. નગરના બીજા અસુરો, નરનારીઓ પણ એમજ વિચારતા હતા અને કહેતા હતા કે ગમે તે ઉપાય કરીને પણ કોઇ પ્રહ્‌લાદને મારી નાખો તો જ આપણે નિર્ભય થઇશું અને દાનવોનો જય થશે. એ પ્રહ્‌લાદજીની આવી આકરી કસોટી જોઇને દેવતાની આંખમાં આંસુ આવી ગયાં અને પ્રહ્‌લાદની પોતાની ધીરજ જોઇને તો સૌ ચક્તિ થઇ ગયા.