( રાગ : રામગ્રી )
પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે;
ચીરી નાખ્ય પ્રહ્લાદને, બાંધી હાથીને પાયે. પદાતિ૦ ૧
ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે;
તેમાંથી પ્રહ્લાદ ઉગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ૦ ૨
ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં;
તેતો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ૦ ૩
શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર;
નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ૦ ૪
વિવેચન :
હવે રાજાના સૈનિકોએ હાથીના પહેલવાન મહાવતને કહ્યું કે હિરણ્યકશિપુ મહારાજાનો હુકમ છે કે આ પ્રહ્લાદને હાથીના પગ સાથે બાંધીને ચીરી-ચગદી નાખો. ત્યારે મહાવતે તે હુકમ માનીને પ્રહ્લાદને હાથીને પગે બાંધ્યા અને હાથીને ચલાવ્યો પણ તેને કશી જ ઇજા ન થઇ એ તો સૌના દેખતાં બચી ગયા પછી તો અસુરોએ પ્રહ્લાદજીને અન્નમાં ઝેર આપ્યું. પરંતુ એ ઝેર તો પ્રહ્લાદ માટે અમૃત બની ગયું (ભગવાને અમૃત બનાવી દીધું) આ પ્રમાણે આ સાત વર્ષના સુકુમાર બાળક પ્રહ્લાદને બળવાન, ઉદ્ધત અને નિષ્ઠુર હૃદયના અસુરો સાથે વેર બંધાયું.