( રાગ રામગ્રી )
ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ;
સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ; ભક્ત૦ ૧
દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન;
એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન; ભકત૦ ૨
વિપત આવે વણ વાંકથી, તેતો સહે જો શરીરે;
ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દૃઢ ધીરે; ભકત૦ ૩
ખુની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે;
નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે; ભક્ત.૪
વિવેચન :
ભગવાનના સાચા ભક્ત થાવું એ તો ઘણું કઠણ કામ છે. ખાલી દેખાડો કરવાથી ભક્ત બની જવાતું નથી. તેમાં તો સંસારનાં સર્વે સુખોને હરામ કરવાં પડે છે ત્યાગ કરવાં પડે છે. સ્વામી કહે છે કે સંસારનાં સુખો પણ ધરાઈ ધરાઈને ભોગવતા રહીએ ને વળી મોટા ભક્ત પણ બની જઇએ એવું શક્ય બનતું નથી. સાચા ભક્ત થવા માટે તો શરીર, ઘર, સ્ત્રી, સંપત્તિ એ બધાં પ્રત્યેની મમતા (ખાસ કરીને મમતા દ્વારા- ‘હું તેનો માલિક છું’ એવી ભાવનાથી જીવમાં તેનો આસ્વાદ માણવામાં આવતો હોય છે તે) અને માન મૂકવા જોઇએ અર્થાત્ મનથી મૂકવા પડે છે. એ બધામાંથી(પણ) સુખ લઇ લઉં, સુખ મળશે એવો વિચાર મનમાંથી કાઢવાનો છે. એવો વિચાર ક્યારેય ન થવો જોઇએ. વગર વાંકે-વગર કારણે વિપત્તિ આવી પડે અર્થાત્ દુષ્ટ લોકો દુઃખ આપે તો તેને સહન કરે અને જ્યારે એ ભક્ત ક્ષમા ધારણ કરીને સહન કરે ત્યારે તેને મૂર્ખ માનીને જગતના લોકો ઉપહાસ કરે તોપણ દૃઢ ધીરજ રાખીને રહે અર્થાત્ ક્ષમા પણ ન છોડે અને ભક્તિ પણ ન છોડે. તામસી ન થાય અર્થાત્ તેની સામે બદલો લેવામાં લાગી ન જાય. સહનશીલતા જ રાખે એવા ક્ષમાશીલ-ધીરજવાળા સાચા ભક્તોની કીર્તિ જુગોજુગમાં ગવાય છે. લેભાગુ ભક્તોને કોઇ સંભારતું પણ નથી. અર્થાત્ આદર્શ તરીકે કોઇ જોતું નથી.