કડવું-4

ધન્યાશ્રી

જેના કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી;

સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી. ૧

ઢાળ

કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર;

ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર. ૨

જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર;

દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર. ૩

જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ;

એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ. ૪

જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે;

રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે. ૫

રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી;

તેહ શોધ્યાથી સહુ સમજો, વધી કીમત સઘળી. ૬

વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી;

તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી. ૭

જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર;

ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતિ નિરધાર. ૮

જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ;

ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ. ૯

એમ ભક્ત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ;

નિષ્કુળાનંદ એ ભક્તનો, વળી વધે અધિક પ્રતાપ. ૧૦

વિવેચન

જેનાં શરીર કસોટી સહન કરીને કસાણાં છે (ટ્રેઇન્ડ થયાં છે) તે ભક્તો જ નિર્વિઘ્ન થયા છે. તેવા સાધકો સુખદુઃખ પડતા મનમાં મૂંઝાતા નથી. જ્યાં સુધી પોતાના ઉપર ખૂબ કસણી આવતી નથી, ઘણી જ પ્રતિકૂળતામાંથી પોતે પસાર થયા નથી, ત્યાં સુધી પોતાને કાચા માને છે અને જોઇએ તેવી શાંતિ થતી નથી. તેઓ અંતરમાં ઊંડુ એવું વિચારે છે કે જ્યાં સુધી આપણી ખરી કસોટી થઇ નથી ત્યાં સુધી ભગવાનના પાકા ભક્ત થવાતું નથી. જે ખરી કસોટીમાં કસાય છે, શુદ્ધ થાય છે તે જ સાચું તત્વ બને છે તેમાંથી (અભક્તપણાની) ભેળસેળ બધી નીકળી જાય છે અને શુદ્ધ ભક્ત બને છે. પછી તેને ફરી ફેરવણી રહેતી નથી. જન્મ ધરવાપણું રહેતું નથી.

કુંભાર માટીને કસે છે, સુથાર લાકડાને સારી રીતે સમારે છે, દરજી કપડાંને કસે છે, લુહાર લોઢાને કસે છે અને સલાટ શિલાને કસે છે અર્થાત્‌ કુંભાર માટીને પગતળિયે ખૂબજ ખૂંદે છે ને ટપલાથી સારી પેઠે ટીપે છે. સુથાર લાકડાને કાપે છે. રંધો મારીને છાલ વિગેરે મડદાલ ભાગ છોલી નાખે છે ખીલા મારીને જડી દે છે. દરજી કપડાંને કાપે છે, ખેંચે છે સોયથી ટેભા લે છે તેનો મૂળ આકાર સાવ બદલી નાખે છે લુહાર લોઢાને સળગતી ભઠ્ઠીમાં નાખે છે ઉપર ઘણ લઇને ટીપે છે બરડ હોય તો વાળે છે ટીપીને લાંબું અને પાતળું પણ બનાવે છે ને ટાંકા લઇને જડી દે છે. સલાટ પથ્થર પર ટાંકણા મારે છે, હથોડા ચલાવે છે અને બીનજરૂરી ભાગ બધો જ કાઢી નાખે છે ત્યારે તે તે વસ્તુ ભગવાનના અને બીજાના કામમાં આવે છે. તેમ ભગવાનના ભક્ત સાચી કસોટીથી ટીપાય, ખુંદાય, કુહાડાથી કપાય, રંધાથી છોલાયને ગાંઠો બધી દૂર થાય, કાતરથી કપાય, સોયથી સિવાય, ભઠ્ઠીમાં પડે, માથે ઘણ પડે, હથોડા પડે, ટાંકણા ભરાવીને ફડદાં ઉખાડે ત્યારે તે ભગવાનનો ખરો શુધ્ધ ભક્ત બને છે તે વિના સીધે સીધો સાચો ભક્ત થઇ શક્તો નથી. સોનું શોધાય છે ત્યારે જ તે કુંદન થાય છે રૂપું શોધાય છે ત્યારે જ ચોખ્ખી ચાંદી થાય છે. કસોટીમાં શોધાણા પછી જ, રૂપ, રંગ, તેજ, તોલ, કસ, (મજબૂતી સાર ભાગ), કિંમત ઘણી વધી જાય છે. તે બધી વસ્તુની સ્પષ્ટતા પોતાને અને બીજાને આકરી કસોટીમાંથી પસાર થઇ ગયા પછી જ થાય છે. ત્યાં સુધી આ બધામાં વિલક્ષણતા દેખાતી નથી. ધાતુને તેજાબ-અગ્નિ વિગેરે તાપ આપીને પ્રથમ ઓગાળે છે પછી તેની અંદરનો મેલ, બગાડ બાળી દેવામાં આવે છે અર્થાત્‌ ત્યાં સુધી તેને ભઠ્ઠીમાં રાખવામાં આવે છે ત્યારે તે શુદ્ધ ધાતુ થાય છે પછી તેની બરોબરીમાં તેની જાતિની બીજી ભેગવાળી ધાતુઓ ક્યારેય આવી શક્તી નથી. જેમ ધોબી કપડાને બાફીને, ક્ષાર નાખીને કપડાંને શિલા ઉપર જીકાવે છે વળી ધોકાથી ધોકાવે છે ત્યારે તેની અંદરનો પેસી ગયેલો મેલ દૂર થાય છે તે સિવાય જતો નથી. વળી જેમ મજીઠ (એક જાતનો ચૂડલાનો રંગ) ને રંગરેજ(રંગારો) સારી રીતે ખાંડે છે ત્યારે તેના રંગમાં ચટકી(લાઇટીંગ) અને તેજ આવે છે તેમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તો જ્યારે એ દૃષ્ટાંતોની જેમ કષ્ટ-કસોટીમાં શુદ્ધ થાય છે ત્યારે તેનું ભક્તપણું અને પ્રતાપ સવિશેષ ઝળકી ઊઠે છે. – ૪