કડવું-2

ધન્યાશ્રી

આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી;

સમજી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યા શ્રીભગવનજી. ૧

ઢાળ

ભજ્યા ભગવાન ભાવશું, સાબિત કરી શિર સાટ;

લાલચ મેલી આ લોક સુખની, લીધી અલૌકિક વાટ. ૨

તે ભક્ત પ્રહ્‌લાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જયદેવ;

વિભીષણ અંબરીષ આદિ, ભજ્યા હરિ તજી બીજી ટેવ. ૩

શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે;

નળ મુદ્‌ગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે. ૪

શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે;

આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે. ૫

ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ;

ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ. ૬

અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર;

જેમ ધાંખે ખાયે ધંતુર નર, તેમાં ના’વે સુખ નિરધાર. ૭

એવું જોઈ સુખ આ જક્તનું, જેનું માન્યું નહિ કિયાં મન;

તજ્યું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન. ૮

મોટા દુઃખને મટાડવા, કસી કમર કરડાઈ કરી;

જીતિયે કે જાયે જીવથી, પણ એ દુઃખમાં ના’વિયે ફરી. ૯

એવો આગ્રહ જેણે આદર્યો; કરી અંતરે ઊંડો વિચાર;

નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર. ૧૦

વિવેચન : 

આગળ અનેક હરિભક્તો એવા થઇ ગયા છે કે જેમણે પોતાના જીવનમાં આવેલાં ઘણાં ઘણાં વિઘ્નોને સમજણપૂર્વક હસતે મોઢે સહન કરીને ભાવથી પ્રભુને ભજ્યા છે. એ ભક્તોએ શિરસાટાનો નિશ્ચય કરીને આલોકના સુખની સંપૂર્ણ લાલચ તજી દઇને જગત થકી અલગ પડીને(અલૌકિક) પોતાનો (ભગવાનનો) માર્ગ લીધો હતો.

એવા ભક્તોમાં પ્રહ્‌લાદ, ધ્રુવ, જનક, જયદેવ, વિભિષણ, અંબરિશ, વગેરેએ બીજી ટેવો અને જગતની રીતભાતનો ત્યાગ કરીને-સામે માર્ગે ચાલીને ભગવાનને જીવનમાં રાખ્યા હતા. વળી એવા ભક્તોમાં શિબિ, સુધન્વા, ઋભુ, રંતિદેવ, નળ, મુદ્‌ગલ, મયૂરધ્વજ, હરિશ્ચંદ્ર, શુક, નારદ, સનકાદિક, જડભરત, જાજળી, આરુણી, ઉપમન્યુ એ ખરા (ભગવાનના) ખપવાળા અને વખાણવા યોગ્ય થયા.

એમનાં જીવનમાં જોતા એમ જણાય છે કે તેમણે પોતાના અંતરમાં ઊંડો વિચાર કરી લીધો હતો. ગણતરી કરી લીધી હતી અને આ જગત જેમ છે તેમ જાણી લીધું હતું. તેમાં લાભ થોડો છે ને નુકશાન ઝાઝું છે એવો તેમણે નિર્ણય કરી લીધો હતો ત્યારે એવે માર્ગે ચલાય કેમ? સંસારમાં થોડું એવું સુખ છે અને પછી જેમાં દારુણ દુઃખ છે અને તે દુઃખનો કોઇ અંત નથી. તે તો જેમ કોઇ માણસ હોંશે હોંશે ધતૂરો ખાઇ લે પછી પીડાનો પાર રહેતો નથી. ત્યારે તેને સુખ તો ન જ આવે તેમ જગતનું સુખ ધતૂરાં જેવું છે તે એક વાર અંદર ઉતારી લીધા પછી ભગવાન સંબંધી સુખ હરામ થઇ જાય છે; માટે એવા જગતના સુખમાં આ વિવેકી ભક્તોનું મન ક્યાંય માનતું નથી અર્થાત્‌ ક્યાંય અટકતું નથી. તેઓ તન, ધન અને સ્ત્રીનું સુખ તજી દઇને પ્રભુને પ્રસન્ન કરવા છે, જન્મ-મરણ સંસારનાં દુઃખોને મટાડવાં છે એવો નિર્ણય કરીને કમર કસી શૂરવીર થઇને ભેટ્ય વાળી લે છે. ઊંડો વિચાર કરીને જેણે એવી ટેક લીધી છે કાં તો જીત મેળવવી છે અથવા ભગવાનને માટે ખપી જવું છે પણ પાછું પગલું હવે ભરવું નથી. એવા ભક્તોને ભગવાન સહાય કરે છે ને ક્યારેય તેના માર્ગમાંથી પાછા પડવા દેતા નથી.

જ્યાં સુધી ભગવાનના અર્થે કાળજું ટૂક ટૂક ન થઇ જાય ત્યાં સુધી જીવમાંથી ગ્લાનિ જતી નથી. ખરી વાત તો એ છે કે ભગવાનને ખાતર કષ્ટમાં રગદોળાયા વિના મોઢેથી ભગવાનની કે ભક્તપણાની મોટી વાત થઇ શકતી નથી, અને જો કરવા જાય તો મોઢું સૂકાય જાય છે ને સૂરસૂરિયું થઇ જાય છે. જેમ લંકાના રણાંગણમાં ભગવાન રામના સારંગનો ટંકાર થાય કે મહાભારતમાં અર્જુનના ગાંડીવનો ટંકાર થાય ત્યારે ‘स घोषो धार्तराष्ट्रणां हृदयानि व्यदारयत् । नभश्‍च पृथिवीं चैव तुमुलोऽव्युनुनादयन् ॥’

જ્યાં સુધી ભગવાનને ખાતર કે સત્સંગને ખાતર વ્યક્તિ સંકટના ઝપાટામાં રગદોળાયો નથી, ત્યાં સુધી મનની કાયરતા ખંખેરાતી નથી, હૃદયની ઝાંખપ અને મુખનું નિસ્તેજપણું મટતું નથી. ત્યાં સુધી તે ભગવાનની કે ભગવાનના માર્ગની વાત પણ પડકાર મારીને કરી શક્તો નથી અને કરે તો નાટકીયતા આવી જાય છે. (જો કે વાસ્તવિક પૃથ્વીરાજ કરતાં નાટકનો પૃથ્વીરાજ વધારે પડકાર અને ઘણા જ વ્યવસ્થિત આયોજનપૂર્વક પડકાર ફેંકતો હોય છે! પણ રણમેદાનમાં તો વાસ્તવિક જ જઇ શકે, સ્ટેજ માયલો ત્યાં ન જાય) શૂરો અને સંત તે બન્નેની શરીર સંબંધી તત્પરતા સરખી હોય છે એ બન્ને જણા પોતાના અંગનું અભિમાન ફેંકી દે છે માટે શૂરો રણમાં ટુક ટુક થઇ જાય છે અને સંત જગતનાં સુખોને લાત મારી દઇને દુઃખોના સમૂહ આવી પડે તોપણ મનમાં ઝાંખા પડતા નથી, કાયર થઇ જતા નથી અને ભગવાન પ્રતિ જવામાં ઢીલા પડી જતા નથી. ઉલટો તેના ચિત્તમાં પ્રભુનો કેફ ચડતો રહે છે, ઉત્સાહ ચડતો રહે છે. તેને સમ-વિષમ ગમે તે પરિસ્થિતિ હોય તેની પરવા રહેતી નથી. એવા સંતપુરુષ તો ભગવાનનું સ્મરણ વધુ થાય એવા હેતુથી સંકટ આવે એવું ઇચ્છે છે અને એવાને જ ભગવાનના નિષ્કામ ભક્ત કહેવાય, તમામને નહિ.