શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૬૧

लोकहानौ चिन्ता न कार्या निवेदितात्मलोकवेदत्वात् ।।६१।।

ભગવાનમાં જેને અનન્ય પ્રેમ છે અથવા કરવો છે તેણે લૌકિક હાનીની ચિંતા કરવી જોઈએ નહિ અને લાભની પણ ચિંતા કરવી જોઈએ નહિ કારણકે સર્વસ્વ ભગવાનને નિવેદીત કરેલું છે.

એકવાર ભગવાનને નિવેદન(સમર્પણ) કરી દઈને પછી તેને સંભારવું અથવા તે પોતાનું માનીને યાદ કરવું તે મનની દુર્બળતા છે. કોઈ એમ શંકા કરે કે નિવેદીત કર્યા પછી પણ ચિંતા કરવી જોઈએ. જેમ કે બ્રાહ્મણને ગાય દાનમાં આપી દીધી તો પણ તે ગાય દુઃખી ન થઈ જાય અથવા બ્રાહ્મણદેવ દુઃખી ન થઈ જાય તેની ચિંતા અસ્થાને નથી અથવા તો ભગવાનને કાંઈ કલેશ ન થાય, મારાથી કોઈ અપરાધ ન બની આવે અથવા મારા પર ભગવાન રખેને અપ્રસન્ન થઈ જાય નહિ. એવી ચિંતાનો ત્યાગ કેમ કરી શકાય? ત્યારે સિધ્ધાંત પક્ષ કહે છે કે એવી ચિંતાનો અમે ત્યાગ કરવાનું કહેતા નથી. એવી ચિંતા તો ભક્ત ભલે કરે, પણ લૌકિક હાની કે નિંદાની ચિંતા કરવાની નથી. બાકી પ્રિય આલંબનના દુઃખે તો જરૂર દુઃખી થવું જોઈએ જેમ પ્રેમીની નેમ છે કે તત્સુખ સુખિતા. તેનો અભિપ્રાય એવો પણ આવી જાય છે કેઃ ‘तत्दुःखे दुःखिता’ તેના દુઃખે જરૂર દુઃખી થાય છે અને તેની ચિંતા પણ થવી જોઈએ તેવી ચિંતાનો નિષેધ અંહિ કરવામાં નથી આવતો પણ તેનાથી ઈતર ચિંતાનો પોતાના શરીર કે લૌકિક વ્યવહારના યોગક્ષેમ અંગેની ચિંતાનો ત્યાગ કરવાનું આ સૂત્રનું તાત્પર્ય છે. ભગવાનના ભક્તે દેહ સુધા ભગવાનને અર્પણ કર્યા પછી પોતાના સુખ-દુઃખ અને માન અપમાનનો વિચાર કરવો તે તો સર્મપણ પાછું ખેંચી લીધા જેવું છે સર્મપિત થઈને આપણે સેવક બનવાનું છે પણ ભગવાનને આપણા સેવક બનાવવા આપણે નથી આવ્યા તે વિચારવું જોઈએ. દેહના સુખ-દુઃખની ખેવના અથવા માન-અપમાનની જાળવણીની ચિંતા રહે તો પછી ભગવાનને તે ધ્યાન રાખવાનું સોંપવુ પડશે. જેમ શેઠનું ધ્યાન નોકરો રાખે છે તેમ ભગવાનને આપણું ધ્યાન રાખવાની પ્રાર્થના કરવી તે તો ભગવાનને આપણા નોકર બનાવવા જેવું કહેવાય. આપણે જ્યારે સર્મપિત થયા છીએ ત્યારે એ પણ યાદ રાખવું જરૂરી છે કે બધુ જ આપણું ધાર્યું ભગવાન કરવાના નથી. એમનું ધાર્યું પણ ભગવાન કરશે ખરા. તેમનું ધાર્યું સંપૂર્ણ મૂકાવીને આપણું જ ધાર્યું તેની પાસે કરાવવું તે તો સર્મપણ કેવા પ્રકારનું કહેવાય? સુખ-દુઃખ આવે અથવા વિપરિત સંજેગો આવતા ભગવાનને છોડી દે અથવા પોતાનું ધાર્યું કરવાની હઠ પકડીને બેસી જાય તો તે ભગવાનનો શરણાગત નથી. અથવા ભક્તિ છોડી દે એ ભગવાનનો શરણાગત ન કહેવાય તે તો પોતાનું ધાર્યુ કરાવવા ભગવાન પાસે આવ્યો છે. તો પછી સંકટ અથવા વિકટ પરિસ્થિત આવે ત્યારે ભગવાનના ભક્તે શું કરવું?

निवेदितात्मभि श्चिंता कार्या क्वापि कदापि न ।
निवेदनं च र्म्मतव्यं सर्वदा तादृशै र्जनैः ।।
चिंताकुर्यात् न रक्षायै विक्रीतस्य यथा पशोः ।
तथार्पयन् हर्रेदेहं विरमेदस्य रक्षणात् ।।
सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति ।

જેણે ભગવાનને આત્મનિવેદન કરી દીધુ છે તેણે ક્યારેય કોઈ ચિંતા કરવી નહિ તેણે સર્વદા પોતે આત્મનિવેદન કરી દીધું છે એવું સ્મરણ કરવું.

જેમ પશુને બીજાને વેચી દેતા પછી તેની ચિંતા આપણે કરતા નથી તેમ શ્રી હરિને આ શરીર સર્મપિત કરી દીધું ત્યારે તેમની રક્ષાની ચિંતા પણ છોડી દેવી જોઈએ.

પરમાત્મા સર્વેશ્વર છે સર્વના આત્મા છે તેની જે ઈચ્છા હશે તે કરશે.

એક મકાન આપણું હોય તેને વેચી દીધું પછી તેને આગ લાગે તો આપણે ચિંતા કરતા નથી. તેમ આપણે ભગવાનને-મહારાજને સર્મપિત થયા ત્યારે આપણે તેની વસ્તુ બન્યા છીએ. તેને જેમ ઈચ્છા હોય તેમ તે કરે ત્યારે તેની ઉપર દબાણ ન લાવવું, હઠન કરવી કે હે ભગવાન મારી ઈચ્છા આમ છે તો તે પ્રમાણે તમે કરો તે ઠીક ન કહેવાય.

નિવેદનમાં આ ત્રણ વસ્તુ ખુબ જરૂરી છે.
(૧) પ્રભુ જે કાંઈ કરશે. તેમાં આપણે રાજી રહેવું.
(૨) મહારાજ જેમ રાખે તેમ આપણે રહેવું.
(૩) તે જે વસ્તુને ઠીક સમજે આપણે પણ તેને જ ઠીક સમજવું.

આપણી રહેણી કરણી, આપણી બુધ્ધિ, આપણું સુખ તે એમની-મહારાજની અનુવૃતિમાં રહેવું જોઈએ. મહારાજની ઈચ્છાથી આપણી ઈચ્છા અને આપણું સુખ જુદુ ન હોવા જોઈએ અને જુદા હોય ત્યારે ખેંચાતાણ થાય છે એવી ખેંચતાણ મહારાજ સાથે આપણે ન થવી જોઈએ શરણાગતિમાં આ છ વાતો અવશ્ય હોવી જોઈએ.

(૧) ભગવાનને અનુકૂળ રહેવાનો સંકલ્પ.

(૨) જે વાત મહારાજને પ્રતિકૂળ હોય-ન ગમતી હોય તેને ત્યાગ.

(૩) ભગવાન-મહારાજ મારી રક્ષા જરૂર કરશે એવો અચળ ભરોંસો-વિશ્વાસ.

(૪) પોતાના રક્ષાના કરનારા તરીકે મહારાજની વરણી કરવી-પસંદગી કરવી.

(૫) પોતાને પણ મહારાજને સર્મપિત કરી દેવો.

(૬) ભગવાન પાસે દીન-આધીન થઈને રહેવું-ભગવાનના ભક્ત પાસે દીન-આધીન થઈને રહેવું.(દાસના દાસ થઈને રહેવું.)

ડોક્ટર ઉપર આપણને વિશ્વાસ હોય છે તેથી ઓપરેશન કરે છે. કાપકૂટ કરે છે તો પણ આપણે ખુશ થઈએ છીએ અને માનીએ છીએ કે આપણો રોગ દૂર કરી રહ્યા છે. તેવી રીતે મહારાજ ઉપર વિશ્વાસ હોય તો ભય અથવા ચિંતા કોઈ પણ સંજોગોમાં આવશે નહિ. ચિંતા ત્યારેજ થાય છે જ્યારે કોઈ વાતનું પરિણામ આપણા મનથી-ધારવાથી વિપરીત આવવાનું હોય કે તેવી આપણને સંભાવના દેખાય. જ્યારે ભગવાનના પ્રત્યેક વિધાનને આપણે પોતાને અનુકૂળ અને હિતકારી માનીએ તો પછી ચિંતાને કોઈ સ્થાન રહેતું નથી.

ચિંતા આવે છે એટલી આત્મનિવેદનમાં તુટી છે. ચિંતા એટલા માટે આવે છે કે આપણી આસ્થા સંપૂર્ણ પણે મહારાજમાં નથી. બીજી જગ્યાએ પણ છે તેથી તેની હાની થતી જોઈને ચિંતા થાય છે. કોઈ શેઠે એક માણસને પોતાના મુનીમની પાસે મોકલ્યો. આ વ્યક્તિને તમારી પાસે રાખી લેજો. મુનીમને માટે તે માણસ ખુબજ પ્રતિકૂળ હતો તો પણ મુનીમે તેને રાખી લીધો. તેમ ભગવાનની મોકલેલી પ્રતિકૂળ પરિસ્થિતિ અથવા દુઃખ તેનો પણ ભક્તોએ દિલથી સ્વીકાર કરવો જોઈએ. ચિંતા અને ભક્તિમાં ખુબ વિરોધ છે. ચિંતાના પેટાળમાં સંસારના વિષયો અને પોતાનું અહં સમાયેલુ હોય છે. જ્યારે ભક્તિમાં ભગવાનની ઈચ્છા-ગમતું સમાયેલુ હોય છે. તેના માટે ભક્ત અતિ જતન કરે છે તે જતન અને ચિંતા બન્ને અત્યંત ભિન્ન છે ભગવાનનો ભક્ત જતન અને સાવધાની જરૂર પૂરી રાખે છે. ભગવાનનું અનન્ય ચિંતન કરે છે. પરંતુ લોક ચિંતા રાખતો નથી.

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पाद सेवनम् ।
अर्चनं वदनं दास्यं सख्यमात्मनिवेदनम् ।। भा, ७-५-२३

શ્રવણ કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ નવધા ભક્તિમાં ક્રમ રાખેલો છે. દાસ્યાદિક આઠ ભક્તિમાં નિષ્ઠા પ્રાપ્ત થયા પછી પણ આત્મનિવેદન ની જરૂર છે. આત્મનિવેદન એટલે ભગવાનનું સ્વત્વ સંપાદાન કરવું અને તેમાંથી પોતાનું સ્વત્વ-મારાપણું દૂર કરવાનું હોય છે. જેમ કોઈ કોઈને ફુલ-ગુચ્છો આપી દે છે તેવી જ રીતે પોતાનો આત્મા પણ આપી દેવાનો છે. એ પણ પ્રથમ શ્રવણાદિ ભક્તિઓ કરીને શણગારીને-વ્યવસ્થિત કરીને ભગવાનને આપી દેવાનો છે.

એક મહાત્મા જાત્રાએ જતા હતા. રસ્તામાં એક સિજ્જનને ત્યાં રોક્યા. બીજે દિવસે ત્યાંથી ચાલ્યા તે સજ્જને મહાત્માને રસ્તા ખર્ચી માટે થોડા રૂપિયા આપ્યા. મહાત્માએ કહ્યું, મારે જરૂર નથી, જરૂર પુરતુ મારી માસે છે. ત્યારે તે સજ્જન બોલ્યા તમારે ભલે જરૂર નથી પણ મારૂ મન માનતુ નથી, માટે મારે જરૂર છે આપને જરૂર ન હોય તો કાંઈ નહિ. તેમ આત્મનિવેદનમાં ભક્તને આત્મનિવેદન કરવાની આતુરતા છે.

ભક્તિમાં ક્રમ છે પ્રથમ શ્રવણ છે. શ્રવણદ્વારા ભગવાનનો હૃદયમાં પ્રવેશ થાય છે. ત્યારે મુખથી કિર્તન અને ચિતમાં સ્મરણં થાય છે. ત્યારે શરીરથી પાદ સેવન થવા લાગે છે. પછી અર્ચન અને વંદન પણ આવે છે. ત્યાર પછી અંતરમાં દાસ્યભાવનો સ્વીકાર થાય છે. જ્યારે તેમને ભગવાનનો સંપૂર્ણ સેવક માને ત્યારે ઉદાર એવા પરમાત્મા તે ભક્તને પોતાનો મિત્ર માનવા લાગે છે. દાસ્ય ભક્તિ ભક્ત પોતાના તરફથી નિવેદીત કરે છે. જ્યારે સખ્યભક્તિ ભગવાન તરફથી સ્વીકૃત થઈને આવે છે. અને જ્યારે ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાનને-મહારાજને અર્પણ કરી દે છે તેને આત્મનિવેદન કહેવાય છે. પણ કેવળ । ‘त्वमेव माता च पिता त्वमेव…..’ દરરોજના ક્રમ પ્રમાણે કહી દેવું એ આત્મનિવેદન નથી. મન બીજા પદાર્થ જેવું નથી કે તેને બીજા પદાર્થને અર્પણ કરીએ તેમ થઈ રહે અને તે ભગવાનના ચરણમાં અર્પણ કર્યા પછી ત્યાંજ બેસી રહે. મનના સંકલ્પો જ મનનું રૂપ છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે (વ.પ્ર.૧૨) મન સંકલ્પ વિકલ્પરૂપ છે. માટે મનના તમામ સંકલ્પો મહારાજને માટે થાય અર્થાત મહારાજના ચિંતન માટે, મહારાજની સેવા માટે થાય ત્યારે મનનું નિવેદન થયું કહેવાય. ભગવાનનો ભક્ત ભગવાનને મન તો આપી દે છે. પણ બુધ્ધિ આપી શક્તો નથી. જ્યારે જ્ઞાની ભક્ત ભગવાનને બુધ્ધિ સમર્પિત કરી દે છે પણ મન આપી શક્તો નથી માટે તે બન્નેની દુર્બળતા છે. કેવળ બુધ્ધિ ભગવાનમાં લગાવીએ તો પણ મનમાં જગત વાસના રહી જશે અને કેવળ મન ભગવાનમાં લગાડીએ તો પણ બુધ્ધિમાંથી સંસાર જતો નથી. તેથી ભગવાને કહ્યું છે કે
मय्येव मन आधत्स्व मयि बुध्धिं निवेशय । गी. १२-८

માટે મન અને બુધ્ધિ બન્ને ભગવાનને સર્મપણ કરવાના છે મન અને બુધ્ધિ તેના કાર્યોથી સમર્પણ થાય છે અર્થાત્ મન-બુધ્ધિ ભગવાનને અર્થે જ પોતાના કાર્યો કરે. પોતાની ચેષ્ટાઓ કરે ત્યારે મન બુધ્ધિ સર્મપિત થયા કહેવાય.

લોકહાનીની ચિંતા ન કરવી. જ્યારે ઈન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ઘ થયું ત્યારે ઈન્દ્રને વજ મળી ચુક્યું હતું વૃત્રાસુરને પણ ખબર હતી કે ભગવાન ઇન્દ્રની સહાય કરે છે વિજય ઈન્દ્રનો નક્કી છે. વૃત્રાસુરને તમામ પ્રકારે લોકહાનિ પ્રાપ્ત થવાની છે. તો પણ કહે છે કે મારા પરમાત્મા પોતાના જનને માટે અર્થ, ધર્મ વિગેરેને માટે કરેલા પ્રયત્નો ને નષ્ટ કરી દે છે પરંતુ અકિંચન ગોચર પ્રભુની આ મોટી કૃપા છે જે ભક્ત સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતી નથી. એ ભગવાનની નિષ્ઠુરતા નથી પણ તેની કૃપા છે. ભગવાન ઘણા ભક્તોને ખુબ આપી પણ દે છે માટે એ પણ કૃપા છે. બન્ને પ્રકારે ભગવાન કૃપા વરસાવે છે.