प्रमाणस्य स्वप्रमाणे, प्रमाणस्य स्वतः प्रमाणे। ५९.
ભક્તિ સુલભ છે કારણકે ભક્તિને પ્રમાણાન્તરની અપેક્ષા નથી સ્વયં પ્રમાણરૂપા હોવાથી.
ભક્તિ કેવળ નેત્ર થી જોવાની, સાંભળવાની કે પુસ્તકમાંથી વાંચી લેવાની વસ્તુ નથી. એતો અનુભવ કરવાની વસ્તુ છે ભક્તિ વિશેષે કરીને સ્વસંવેદ્ય વસ્તુ છે. આપણા હૃદયમાં ભક્તિ ઊભી કરીને તેની સંવેદના ચાખવાની વસ્તુ છે. આપણા
હૃદયમાં પરમાત્મા પ્રત્યે ભક્તિ છે અથવા નથી તે જાણવા માટે શ્રૃત્યાદિ પ્રામાણોની એટલી જરૂર નથી જેટલી અનુભવવાની જરૂર છે. તેમાં શાસ્ત્રોમાં કહેલા લક્ષણો લઈને સરખામણી કરી તપાસવાની જરૂર ખરી. જેમ વ્યક્તિને પોતાના અસ્તિત્વમાં બીજાના પ્રમાણની જરૂર નથી હોતી. તે સ્વસંવેદ્ય છે તેમ હૃદયમાં ભક્તિ આવતા તે સ્વયં પોતાની અલૌકિક અનુભૂતિ કરાવી આપે છે બીજા પ્રમાણોને તેમાં વિશેષ સ્થાન નથી.
વળી ધર્મ-યજ્ઞાદિકનું ફળ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા પછી મળે છે અને અનુભવાય છે. એની અનુભૂતિ તો મૃત્યુ પછી થાય છે પરંતુ જ્યારે આપણે પ્રેમ વિભોર થઈને મહારાજની ભક્તિ કરીએ અને ત્યારે જે હૃદય દ્રવિત થાય છે, નેત્રથી અશ્રુધારા વહે, શરીરની રોમાવલી ખડી થઈ રહે, ચિત કોઈક અલૌકિક આનંદથી પરિપૂર્ણ ભરાય જાય ત્યારે તેને જાણવા કોઈ અનુમાન કે બીજા તેવા પ્રમાણોની જરૂર નથી પડતી. ભક્તિ પોતેજ હૃદયમાં આવતાની સાથેજ પોતાની હાજરીની પોતેજ અનુભૂતિ કરાવી દે છે. વળી મહારાજમાં સાચો પ્રેમ થયા પછી શીખવવું પડતું નથી કે મહારાજની સેવા મારે કેમ અને ક્યાં ભાગમાં કરવી, તે હૃદયમાં પડેલી મહારાજ પ્રત્યેની ભક્તિ જ શીખવી આપે છે.
જ્ઞાનમાં ષલિંગ–ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપતિના વિચારની જરૂર પડે છે તેવી ભક્તિના નિર્ણયમાં જરૂર પડતી નથી. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તેમાં સશયની સંભાવના રહે છે ને જો સંશય થાય તો તે સમગ્ર જ્ઞાન નકામુ બની જાય છે. જ્યારે હૃદયમાં સાચો પ્રેમ આવે તો મહારાજમાં સંશયને સ્થાન રહેતું નથી.