શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૩

प्रकाशते क्वापि पात्रे ।।५३।।

તે પ્રેમ કોઈક સાચા પાત્રમાં જ(અધિકારીમાંજ) પ્રકાશિત થાય છે. પાત્રનો અર્થ અંહિ યોગ્યતા છે. અર્થાત્ અધિકારી પાત્રમાં થાય છે.

ભગવાનના સાચા ભક્તોનું કહેવાનું છે કે ભગવાન પ્રત્યેની ગરજ, દીનતા અને નિરાભિમાન પણું એ પાત્રમાં કારણ બને છે એવા પાત્રોમાં પણ સર્વત્ર પ્રેમ પ્રકાશિત થતો નથી. તેથી સુત્રમાં ‘क्वापि’ એમ બતાવ્યું છે પરંતુ કોઈક કોઈક પાત્રમાં જ તે પ્રકાશિત થાય છે પ્રકાશનમાં મુખ્ય નિમીતતો ભગવાનની કૃપાજ છે,

પાત્રતા નહિ ભગવત કૃપાતો સ્વતંત્ર છે માટે તેને બાંધી શકાતી નથી. જેમ કહેવામાં આવે છે કે “કુપાત્રને દાન ન દેવું’ અર્થાત્ દાન લેવાને યોગ્ય ન હોય પણ યોગ્ય હોય તેમને દાન દેવું તેમ અંહિ પણ પાત્ર શબ્દ યોગ્યતા ના અર્થમાં વપરાયો છે પ્રેમનું સ્વરૂપ અતિ શુધ્ધ છે માટે અતિ પવિત્ર ઇરાદાવાળા અંતરમાં જ રહે છે અને તે શુધ્ધ વસ્તુ સાથે જ જોડાય છે. અશુધ્ધ વસ્તુ સાથે જોડાય તે તો માયિક કામના કહેવાય. કોઈ સ્ત્રીમાં પ્રેમ કરે અને કહે અમારો પ્રેમ શુધ્ધ છે તો તે તેમનો ભ્રમ છે તમારા પ્રેમનો વિષયજ (સ્ત્રી અથવા પુરુષ) અશુધ્ધ છે ત્યાં શુધ્ધ પ્રેમ ક્યાંથી હોય શકે? વિષય શુધ્ધિ વિના પ્રેમની શુધ્ધિ થઈ શક્તી નથી, હોય શક્તી નથી. આલંબનની શુધ્ધિ એજ પ્રેમની વિશુધ્ધિ છે. અને પ્રેમ જે આધારમાં રહ્યો હોય તે પાત્ર પણ શુધ્ધ હોવું જોઈએ અર્થાત તેનો ઈરાદો અતિ પવિત્ર હોવો જોઈએ. ચિતની શુધ્ધિ એટલે શું? તો શુધ્ધ વસ્તુનુ જ ચિંતવન થવું તે ગણાય અને અશુધ્ધ વસ્તુની સ્મૃતિ, ચિંતન કે સ્ફુર્તિ તે ચિતની અશુધ્ધિ ગણાય. સિંહણનું દૂધ શુધ્ધ સોનાના પાત્રમાં જ ટકે છે નહિ તો પાત્ર તોડી નાખે છે તેમ વિશુધ્ધ પ્રેમ પણ પવિત્ર-શુધ્ધ અંતરમાં પ્રગટે છે જે અંતરમાં પરમાત્મા માટે અતિ વ્યાકુળતા અનુભવાતી હોય ત્યારે જ તે પ્રેમ પ્રકાશિત થાય છે. વ્યાકુળ થયા વિના ભગવત પ્રેમ હૃદયમાં આવતો નથી. તેને મનમાં એવો સંતાપ તો જરૂર થવો જોઈએ કે અરેરે આટલી આયુષ્ય ચાલી ગઈ તો પણ ભગવાનમાં મને પ્રેમ થયો નહિ !