महत् संगस्तु दुर्लभोऽगम्योऽमोघश्व ।।३९।।
મહાપુરુષોનો સત્સંગ પ્રાપ્ત થવો તે દુર્લભ છે અને અગમ્ય છે એટલે કે ઓળખાવો કઠિન છે અને અમોઘ છે અર્થાત ક્યારેય પણ વ્યર્થ ન જવાવાળો છે, અવશ્ય ફળ આપનારો છે.
महत्संगस्त दुर्लभः –
बहूमां जन्मनां अंते ज्ञानवान् मां प्रपद्यन्ते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ।। गी.७-१९
ભગવાનના ભક્ત મહાત્માની અતિ દુર્લભતા કહેવામાં આવી છે. તેની પ્રાપ્તિ વિરલ બતાવવામાં આવી છે અતિ પુણ્યના સમૂહથી અર્થાત્ પરમાત્મની અતિ કૃપાથી પ્રાપ્ત થાય છે ઓછા પુણ્યવાળાને પ્રાપ્ત થતા નથી. તે ભાગવતમાં પણ બતાવ્યું છે જે
दुर्लभो मानुषो देहो देहिनां क्षणभर्गुरः ।
तत्रापि दुर्लभं मन्ये वैकुण्ठप्रियदर्शनम् ।। भाग. ११-२-२९
મનુષ્ય દેહ ક્ષણ ભંગુર હોવા છતાં અતિ દૂર્લભ છે બહુ કાળને અંતે પ્રાપ્ત થાય છે તેમાં પરમાત્માને અતિ પ્યારા એવા સત્પુરુષોનું દર્શન થવું અતિદુર્લભ છે.
મુક્તાનંદ સ્વામી કહે છે કે,
ધન્ય ધન્ય સો જન્મ, શોધી સત્સંગતિ આયો ।
તીરથ વ્રત જપ જોગ, સબનકો ફળ સો પાયો !
કિયો વચનમે વાસ, ભયો તેહિ બેહદ વાસા ।
હરિ હરિજન રસરૂપ, રહત તહાં પ્રગટ પ્રકાશા।
જેહિ મન વચન પર વેદ કહે, તેહિ સુખમે સંતત રહે ।
જન મુકુંદ સો સત્સંગકો, મહિમાં કો મુખસે કહે ।
મુક્તાનંદ સ્વામી કહે છે કે જેને સત્સંગની પ્રાપ્તિ થઈ છે તેનો જન્મ ધન્ય બની ગયો છે. તેને તીર્થ, વ્રત, જ૫ યોગ એ સર્વે સાધનોનું ફળ પ્રાપ્ત થઈ ગયું છે. જ્યારે એ મન વચન કર્મથી સંતના વચનમાં રહે છે ત્યારે તેનો બેહદ વાસ થયો છે અર્થાત્ પરમાત્માના ધામને પામીને ભગવાન નો પાર્ષદ બની ચુક્યો છે જ્યાં પરમાનંદ સ્વરૂપ પરમાત્મા અને તેના હજુરી સેવકો રહે છે જે ધામને અને જે સુખને વેદો મન વાણીને અગમ કહે છે મન વાણી ત્યાં પહોંચી શક્તા નથી એવું બતાવે છે તે સુખ આ જીવને પ્રાપ્ત થાય છે એવો જે સત્સંગ એનો મહિમા મુખથી કોણ વર્ણવી શકે છે? અર્થાત્ વેદો પણ તેના મહિમાને વર્ણવી શક્તા નથી તેવો અનંત મહિમા છે.
સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ સત્સંગ તો મહાવિષ્ણુ રૂપ છે એવો સત્સંગ અતિદુર્લભ છે.
વળી તે “अगम्यो” અગમ્ય પણ છે અર્થાત્ મળી ગયા પછી ઓળખાય તેવો પણ નથી. કારણ કે ભગવાનના મહાપુરુષો પોતાના વ્યક્તિત્વને ગોપન કરવાના સ્વાભાવ વાળા હોય છે તેઓ સર્વથા પોતાના વ્યક્તિત્વને, પોતાની શક્તિ, ઐશ્વર્ય કે સાધુતા ને છુપાવી રાખે છે. રખેને મને કોઈ ઓળખી જાય અને માનવા પૂજવા લાગી જાય? આજ તેમનું મહાપુરુષપણું છે. જેઓ પોતાના વ્યક્તિત્વને ઉપસવવા મથી રહ્યા હોય છે તેઓ સાચા મહાત્માઓ ગણાતા નથી, હોતા નથી. તેઓ એન કેન પ્રકારેણ પોતાને મહાપુરુષ મનાવી રહ્યા હોય છે ને પોતાનો આ લોકનો મકસદ પાર પાડી રહ્યા હોય છે. શુકદેવજી અક્ષ્યલીંગપણે વિચરતા હતા. ગુઢવર્ચસ્ પણે ફરતા હતા.
तत्राभवत् भगवान् व्यासपुत्रो
यदृच्छया गामटमानोऽनपेक्षोः ।
अलक्ष्यलींगो निजलाभतुष्टो
वृतश्वबालैरवधूतवेशः । भाग.१-१९-२५.
એકાદશ સ્કંધમાં યદુમહારાજાને ભગવાન દતાત્રેય અવધૂત ના વેશમાં મળ્યા હતા. તેઓ પણ ઓળખાય તેવી અવસ્થામાં ન હતા. રહૂગણ રાજાને જડ ભરતજી મળ્યા હતા. તેણે તો તેને સામાન્ય માણસ જાણીને પાલખી ઉપાડવામાં લગાડી દીધા હતા. તે પણ અવધૂતના વેશમાં હતા. સામાન્ય સંતો કરતા મહાન સંતોની એવી પ્રકૃતિ હોય છે કે પોતાની મહાનતા ને ઢાંકવા પ્રયત્ન કરે છે પોતાની મહાનતાનું પ્રદર્શન કરતા નથી જ્યારે બીજી બાજું દુરાત્માઓ પોતાની નબળાઈને
ઢાંકવા પ્રયત્ન કરતા હોય છે અને મહાનતા બતાવવા આતુર હોય છે. તેઓ દંભપૂર્વક પોતાની મહાનતાનું પ્રદર્શન કરવાના જ પુરુષાર્થમાં મથી રહ્યા હોય છે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે “શ્વાનભસાવે. લોક હસાવે…” જેથી કોઈ પણ પ્રકારે લોકોનું ધ્યાન પોતાના તરફ જાય. પોતાના તરફ આકર્ષણ થાય. જુના જમાનામાં શ્વાન ભસાવતા, હવે લોક હસાવવાનું ચાલ્યું છે. સ્વામી કહે છે “હે જડબુધ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું, રંગપિતપણે સોનુંને પિતળ ન હોય એકસરખું…” સાધુના એક સરખા વેશથી બધા સાધુ એક સરખા નથી હોઈ શક્તા. ‘હોઈ સંત અનંત ફીરે જગમે, રહે દામ ચામ તેની દગમે. તું ભૂલીશમાં ધોળે ભગવે. જડ…” સત્સંગ અગમ્ય છે જલ્દી ઓળખાય તેવો નથી. સંત પુરુષ પોતાનો પરિચય આપવા તૈયાર હોતા નથી અને અસંત પુરુષો જીવોને પકડવા ચારે બાજુથી લાઈનમાં પેલા ઉભા રહી ગયા હોય છે તેથી ભૂલા પડવાની સંભાવના ઘણી છે જે સીધા કે આડકતરી રીતે પોતે પોતાને ઓળખાવે છે તે અસંત છે. તેની સંખ્યા ઘણી મોટી હોય છે. “યે સબ સોમલે હૈ” ની લાયન મોટી હોય છે. જે પરમાત્માને ઓળખાવે છે તે સંત છે. સીતાજીનું હરણ કરવા રાવણને મહાત્મા(સાધુ) થવું પડયું હતું. કાળનેમી રાવણને પોતાનું કામ કરવા સાધુનો વેશ લેવો પડ્યો હતો. સુભદ્રાજીનું હરણ કરવા અર્જુન સાધુનો વેશ લઈને ગયા હતા. ખુન કરીને કે મોટો ગુનો કરીને છુપાવવા માટે આ ન્યાત ખુબજ સુરક્ષિત છે. તેની સમાજમાં કોઇ જાજી તપાસ કરી શક્યું નથી. કરજ જાજુ થઈ જાય તો પણ તેનાથી બચવા સાધુ થઈ જવું એ સર્વથી સુરક્ષિત ઉપાય છે. હિરામાં ચોરી કરીને પણ સુરક્ષા માટે સાધુ થઈ જાય છે અમેરીકાના વીજા લેવા માટે પણ સાધુ નો વેશ લઈને પેસી જવાતું હોય છે કોલેજમાં નિષ્ફળ ગયા હોય, હિરા ઘસવામાં નિષ્ફળ ગયા હોય, કામાના ફૂટ્યા હોય તે પણ ક્યારેક સાધુની લાઈનમાં આવીને આગલી હરોળમાં ઉભા રહી ગયા હોય અને તેની બોલબાલ થતી હોય છે. સંપ્રદાયમાં કદાચને “સોમલા-બેચરાને’ તો અવકાશ નથી પણ તે સિવાયના ગણાવ્યા તે કદાચ ને લાઈનમાં આવી ગયા હોય ખરા. અને ખરો-સાચો વૈરાગ્ય ઉપજે તો પણ સાધુ થઈ જાય છે માટે આ વેશમાં અનેક હેતુઓ વાળા એક વેશમાં એકઠા મળેલા હોય છે માટે “આશય અન્યોઅન્યનો અળવો’ હોય છે. માટે અગમ્ય-
ઓળખવા દૂર્લભ બતાવ્યા છે. સંતનું મળવું એ સંતની પ્રાપ્તિ ગણાતી નથી પરંતુ સંતની સાચા અર્થમાં ઓળખાણ થાય(મળ્યા પછી) એજ પ્રાપ્તિ ગણવામાં આવે છે. પરમાત્માની બાબતમાં પણ મહારાજની સાચી ઓળખાણ થાય કે આ મહારાજ કોણ છે? તેટલીજ પ્રાપ્તિ ગણાય છે. નહિતો મળવા છતા જે લાભમળવો જોઈએ તે મળતો નથી.
अमोधश्व-સત્સંગ પોતાનું ફળ આપ્યા વિના નિષ્ફળ જાય એવું ક્યારેય પણ બનતું નથી.
नहि अम्भयानि तीर्थानि न देवामृच्छिलामयाः ।
ते पुनन्ति उरुकालेन दर्शनादेव साधवः ।।
આ જીવને જલમય એવા ગંગા વિગેરે તીર્થો અને શિલા વિગેરેથી નિર્માણ થયેલ દેવ મૂર્તિઓ એટલા બધા પવિત્ર કરી શક્તા નથી અને કરે છે તો પણ લાંબા સમયે કરે છે જ્યારે પરમાત્માના સાચા સંત પુરુષો જીવને પોતાના દર્શનથીજ તત્કાળ પવિત્ર બનાવી દે છે.
भजन्ति ये यथा देवान् देवा अपि तथैव तान् ।
छायैव कर्म सचिवाः साधवो दीन वत्सलाः ।। भाग. ११-२-०६
દેવતાઓમાં અને સંતપુરુષોમાં તફાવત છે દેવતાઓ જે ભાવથી અને જેટલા ભાવથી દેવતાની આરાધના કરે તેવું અને તેટલું જ ફળ આવે છે વધારે નહી જ્યારે સાધુઓ દિન વત્સલ છે તે આતુર જીવનો પુરુષાર્થ જોતા નથી પણ દિનતા જોઈને તેમાં પર અપાર કૃપા વર્ષાવે છે ને તેનો ઉધાર કરે છે માટે દેવતાઓથી સંત પુરુષો અધિક છે.
અજામેળ કહે મહારાજ હું ભગવાન ને માટે કાંઈ પણ કરી શકવા સમર્થ નથી અને કરવા પણ માગતો નથી. ત્યારે સંતો ને થયું કે આપણે આ જીવને મળ્યા તે વ્યર્થ ગયું કહેવાય માટે કાંઈક કરવું જોઈએ. છેતટે તેના પુત્રનું નામ નારાયણ પડાવીને તેનું કલ્યાણ કર્યું. તેનો પ્રસંગ અમોઘ છે. જન્માંતરે પણ ફળ આપીને જ રહે છે. સત્સંગ અમોઘ છે. “પ્રભુ પદ કરાવત પ્રિતિ, ભરમ મિટાવત ભારી. પરમ કૃપાળુ સકલ જીવન પર હરિ સમ સબ દુઃખહારી, ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી, બ્રહ્માનંદ કહે સંતકી સોબત મિલત હે પ્રગટ મુરારી’-એવો મહાપુરુષનો સંગ છે.
બ્રહ્માનંદ સ્વામી વળી કહે છે કે
સાચે સંત મિલે કમી કાહુ રહિ, સાચી શિખવે રામકી રીતકુંજી
પરાપર સોઈ પરિબ્રહ્મ હે તામે ઠેરાવે જીવ કે ચિતકુંજી
દૃઢ આસન સાધકે ધ્યાન ધરે કરે ગાન હરિગુણ ગીતકુંજી
બ્રહ્માનંદ કહે દાતા રામહૂ કે પ્રભુ સાથ બઢાવત પ્રીતકુંજી.
તીન તાપકી ઝાલ ઝર્યો પ્રાની કોઈ આવે
તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે
કહી કહી સુંદર બેન, રેન અગ્યાન નિકાસે
પ્રગટ હોત પહિચાન ગ્યાન ઉર ભાનુ પ્રકાશે
વૈરાગ્ય ત્યાગ રાજત વિમલ, ભવદુઃખ કાટત જંતકો
કહે બ્રહ્મમુનિ યહ જગતમે, સંગ અનુપમ સંતકો.
प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः ।
स एव साधुषुकृतो मोक्षद्वारमपावृतम् ।।