શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૦૪

यल्लब्ध्वा पुमान्सिध्धो भवति, अमृतो भवति, तृप्तो भवती ।।४।।

જે પ્રેમ અથવા પરમાત્માને પામીને ભક્ત સિધ્ધ થઈ જાય છે, અમૃત બની જાય છે અને તૃપ્ત બની જાય છે.

આ સૂત્રમાં ફળ નિર્દેશથી ભક્તિનું સ્વરૂપ વર્ણન કરવામાં આવે છે. “यल्लब्ध्वा” એવી વાત બાહ્ય દૃષ્ટીથી કહેવામાં આવી છે જેમ કોઈને કોઈ વસ્તુ ઉતરાધિકારમાં મળી જાય અથવા માર્ગમાં પડેલી મળી જાય તેને “लब्ध” કહેવાય. ભક્તિ મહાત્મા પુરુષો પાસેથી મળે છે. ભગવાન પાસે પ્રેમ માંગશો તો તે આપતા નથી. તે કહે છે હું સ્વયં સાચા પ્રેમનો ભીખારી છું. ગોપીઓ પાસેથી પ્રેમ માગતો ફરૂ છું. પ્રેમના જે ઘણી હોય તેની પાસેથીજ પ્રેમ પ્રાપ્ત થાય છે.

લોકો મોટા મોટા યોગના સાધનો કરી ને સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે અને તેનું પ્રદર્શન કરતા ફરે છે. પરંતુ ચમત્કારો મેળવવા એ ખરેખર સાચી સિધ્ધિ નથી. સાચી સિધ્ધિ તો ભગવાનમાં ભક્તિ સિધ્ધ કરવી તે છે, અંતઃકરણને વાસના રહિત બનાવનું તે છે. જે સાધનો કરે છે તે સિધ્ધ થાય છે જે જ્ઞાન સંપાદન કરે છે તે અમૃત તત્વને पाभे छे. ‘ब्रह्मसंस्थोऽमृतत्वमेति’ શ્રુતિ છે.જે લોકો વૈભવ એકઠા કરીને ભોગવે છે ને તેમાંથી તૃપ્તિ મેળવે છે. ભગવાનના ભક્તને વિના સાધનાએ સિધ્ધિ મળે છે તેને બીજા કોઈ સાધનો કરવા પડતા નથી. વિના વેદાંત અભ્યાસે અમૃતની પ્રાપ્તિ થઈ જાય છે તેને ભોગોનો સંગ્રહ કરવો પડતો નથી. તો પણ પરમ તૃપ્તિ થાય છે.‘सिध्धो भवति’ -સિધ્ધિનો અર્થ છે ઐશ્વર્ય. મનુષ્યના જીવનમાં વિશુધ્ધ ભક્તિ આવે તો સિધ્ધિઓ-ઐશ્વર્યો જબર જસ્તીથી આવી જાય છે. ભક્ત છે તે ક્યારેય સિધ્ધિઓને ઈચ્છતો નથી તેની સામે આંખ ઉઠાવીને જોતો પણ નથી. દેવતાઓ પ્રગટ થઈને કહે છે કે “અમે તને સિધ્ધિઓ આપીએ છીએ.” પણ સાચો ભક્ત સિધ્ધિઓનો સ્વીકાર નથી કરતો અને “મે સિધ્ધિઓનો અસ્વીકાર કરીને દેવતાને પાછા મોકલી દીધા’ એવું અભિમાન પણ નથી કરતો. સિધ્ધિને સ્વીકાર કરવાથી આસક્તિ વધે છે અને અસ્વીકાર કરવાથી અભિમાન આવે છે બન્ને બાજુ મુશ્કેલી છે પણ ભક્તની સેવા કરવાની આતુરતા છે. દુઃખીઓને જોઈને કરૂણા-પુર્ણ હૃદયવળો ભક્ત તેના સુખ માટે કાંઈક સંકલ્પ કરે છે ત્યારે સિધ્ધિઓને સૂરાક મળી જાય છે. ત્યારે તે ભક્તમાં કે ભક્તના સંકલ્પમાં પ્રવેશ કરે છે ત્યારે સિધ્ધ કહેવાની બીકે રખે અમારો ત્યાગ કરી દેશે એવા ડરથી ભયભીત થયેલી સિધ્ધિઓ ભક્તિમાં ભળીને એકમેક થઈને રહે છે ને ધીરે ધીરે પોતાનું કામ શરૂ કરે છે.

સાચી ભક્તિ કરનારા તરફ કોઈ ઉચો હાથ ઉઠાવી શક્તું નથી કોઈ ભક્તનો પરાભવ કરવા આવે તો પરમાત્મા સાચા ભક્તનો ક્યારેય પરાભવ થવા દેતા नथी. ‘प्रबलया भक्त्या विषयैर्नाभिभूयते’ દુર્વાસાજીએ અંબરીશને મારવા માટે કૃત્યાઓ ઉત્પન્ન કરી. પરંતુ ભગવાનના સુદર્શન ચક્ર કૃત્યાઓને નષ્ટ કરી દીધી. પ્રહ્લાદ ઉપર દૈત્યોએ અસ્ત્ર-શસ્ત્રના ઘણા પ્રહારો કર્યા, ઝેર આપ્યું, પર્વતથી પછાડ્યા, જળમાં ડુબાડ્યા, અગ્નિમાં નાખ્યા, સર્પ કરડાવ્યા. પણ પ્રહ્લાદજીનું કોઈ કાંઈ બગાડી શક્યું નહીં. મીરાબાઈને ઝેર આપ્યું તોય મૃત્યુ ન પામ્યા. આનાથી મોટો કોણ સિધ્ધ હોય શકે? ભગવાન નો ભક્તતો સિધ્ધિઓને ક્યારેય ઈચ્છતો નથી તો પણ ભગવાન સર્જે છે. આકાશમાં ઉડવુ વિગેરેને જો સિધ્ધિ માનવામાં આવે તો માખી, મચ્છર, પક્ષીમાં પણ તે છે તેથી સમતા ધરવામાં માણસને ગૌરવ હોવું જોઈએ કે લક્ષ્યા?

ચોખા રાંધ્યા પહેલા કડક હોય છે પરંતુ રાંધીને સિધ્ધ થયા પછી અતિ નરમ અને મુલયમ બની જાય છે તેમાં કડકાય જરા પણ રહેતી નથી અને ન બિલકુલ ગળી જાય. તેમ ભક્ત વ્યક્તિમાં વ્યક્તિત્વને પૂર્ણ કરનારા ગુણો તમામ રહે ને તેનું અભિમાન જરા પણ ન રહે ત્યારે તે પક્વ અને સિધ્ધ થયો કહેવાય.

‘अमृतो भवति’ -અમૃતપાન કરવાથી મનુષ્ય અમર બની જાય છે પરંતુ ભગવાનનો ભક્ત સ્થુળ શરીરને અમર બનાવા ઈચ્છતો નથી. માટે ભક્તનું અમૃતત્વ મરણ રહિત થવુંતે નથી. મોક્ષ(મુક્તિ) મેળવી લેવો તે નથી. પરંતુ ભક્તનું જીવન મધુર બને, પરમાત્માની તુલ્ય રસાળ બને તે તેનું અમૃતત્વ છે. ભક્ત અમર નથી બનતો પણ સ્વયં અમૃત તુલ્ય બની જાય છે. જે કોઈ તેમના સંપર્કમાં આવે તેને પણ માધુર્ય અને આનંદના ભાગી બનાવી દે છે તેના શબ્દમાં પરમાત્માની વાણીની ઝલક હોય છે. તેનો સહભાવ પરમાત્માની સ્મૃતિને તેજ બનાવી દે છે. તે કોઈને દુઃખ નથી દઈ શક્તા. તે દુઃખિયા જીવોને સુખિયા કરે છે.

प्रियप्रायावृर्तिविनयमधुरो वाचि नियमः ।
प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ।।
पुरो वा पश्चाद् वा सविधमविपर्यासित रसः ।
रहस्यं साधूनां निरुपधि विशुध्धं विजयते ।।

સર્વનાપ્રતિ પ્રિય લાગે તેવું આચરણ કરનારા, વિનમ્રતાથી મધુર સંયમિત વાણી, સ્વભાવથીજ બધાનું મંગલ ઈચ્છવાવાળી બુધ્ધિ, પોતાનું ગુણ ગૌરવ છુપાવવાની પ્રવૃતિ, કોઈ સામે હોય અથવા દૂર હોય તો પણ એક સરખો પ્રેમ આપવા પણુ, એવો સાચા પ્રભુના ભક્ત સંતનો નિરાળો વિશુધ્ધ સ્વભાવ હોય છે.

એક વ્યક્તિ(પોતાના માણસો) તરફ પક્ષપાત કરવો તે સંસારી પુરુષોનો સ્વભાવ હોય છે અગ્નિ પ્રજવલિત હોય તો જેને ઈચ્છા થાય તો તે તાપી લે. ચંદ્ર ઉદીત થયો હોય તો જેને ઈચ્છા થાય તે ચાંદનીનો આનંદ લઈ લે. કમલ ખિલ્યુ હોય તો સૌ કોઈ તેની સુગંધ લઈ શકે તેને પક્ષપાત નથી રહેતો. મારું-તારું નથી રહેતું. સંત પુરૂષો જીવ પ્રાણી માત્રના હિતકારી હોય છે. તેના જીવનમાં સહજ વિનયની મધુરતા હોય છે કોઈને નીચો દેખાડવાની તેને ક્યારેય ઈચ્છા થતી નથી. તે બીજાનું માન વધારવા ઈચ્છે છે પોતાનું સદ્-વૃતાંત છુપાવવા કરે છે. જે સંપર્કમાં આવે તે તમામનું કલ્યાણ કરવું તેવો તેનો સ્વભાવ બની ગયો હોય છે. તેને આજે મળો કે ઘણા સમય પછી, તેની નીંદા કરો કે પ્રશંશા, તેને હાનિ પહોચાડો કે લાભ, તેની સેવા કરો કે પીડા ઉપજાવો પણ તેઓ પોતાની મધુરતા અને મંગલકારીપણું છોડતા નથી.

‘तृप्तो भवति’ સાચુ અમૃત ભક્તને જ પ્રાપ્ત થાય છે માટે સાચી તૃપ્તિ પણ ભગવાનના ભક્તને જ પ્રાપ્ત થાય છે. “જો આનંદ સંત ફકીર કરે, સો આનંદ નાહિ અમીરીમે.” શ્રીજી મહારાજ ભક્ત ચિંતામણીમાં બતાવે છે કે “સોંપી સંતને સંપતિ, જેને સરાયે શ્વેતદ્વીપ પતિ” સંતને એવી સંપતિ સોંપી છે કે જેને શ્વેતદ્વિપ પતિ પણ ઈચ્છા કરે છે તે સંપતિ કઈ છે-તો પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ન જોઈએ. “जिसको कशु न चाहिए वो शाहनको शाह” જેને કાંઈ જોઈતુ નથી તે સચો અમીર છે જેને જાજી જરૂરીયાત છે તે મોટો કંગાલ છે અમીર હોવા છતાં અમીર નથી. એવી તૃપ્તિ સંસારી જીવો ક્યારેય પામી શક્તા નથી. તેઓના હૃદયમાં ભોગ અને સંગ્રહની તૃષ્ણાની આગ લાગી હોય છે તેને પુરી કરવા અને બુઝાવવા ચારે બાજુ દોડે છે. પરંતુ ગમે તેટલા વિષય મળે, ભોગવે તોય કોઈને તૃપ્તિ મળી નથી. હિરણ્યકશિપુ તથા રાવણ જેવા ત્રિભુવન વિજયીને પણ તૃષ્ણા પુરી થઈ નથી બાકી રહી ગઈ છે… જેના ઉદરમાં સાત સમુદ્રના પાણી સમાય ગયા છે(માતાનું દૂધ ધાવ્યો છે) ૯૯૯ નદીઓના પાણી સમાય છે તો પણ તૃપ્તિ થઈ નથી હવે ભીનું માટીનું ઢેફુ ચુસવા લાગ્યો છે તો તેની તરસ બુજાવાની છે?

यत्पृथिव्यां व्रीहियवं हिरण्यं पशवः स्त्रियः ।
न दुहन्ति मनःप्रीतिं पुसं कामहतस्य ते ।।
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृणर्वत्मेव भूय एवाभिवर्धते ।। भा.९-१९-/१३-१४

પૃથ્વી જેટલું કાંઈ અન્ન, સોનુ, સ્ત્રીઓ છે તે તમામ મળીને પણ કામનાથી(તૃષ્ણાથી) આક્રાંત પુરુષના મનને સંતુષ્ટ નથી કરી શક્તા. કારણકે વિષયોના ઉપભોગથી કામાના(તૃષ્ણા) શાંત થતી નથી. તે તો જેમ ઘીની આહૂતિથી અગ્નિ ભડકી ઊઠી છે તેમ વૃધ્ધિ પામે છે.

‘संगादशेषा प्रभवन्ति दोषाः ।’ પદાર્થોની આસક્તિથી જ તમામ દોષો ઉદ્ભવેછે. તૃપ્તીનું કારણતો પરમાત્માનું સ્વરૂપ છે તે જેટલું હૃદયમાં ધારી શકાય તેટલી જીવનમાં તૃપ્તિ આવે છે.

‘भक्तिः परेशानुभवे विरक्तिरन्यत्र चैष त्रिक एककालः ।
प्रपद्यमानस्य यथाश्नतः स्युस्तुष्टिः पुष्टिः क्षुदपायोऽनुघासम् ।। भा. ११-२-४२

જેમ ભોજન કરવાવાળાને પ્રત્યક ગ્રાસથી તૃપ્તિ મળે છે. શરીરની પુષ્ટિ મળે છે, અને ક્ષુધાની નિવૃતિ થાય છે તે એક સાથે જ થઈ જાય છે.

તૃપ્તિનું સ્વરૂ૫ શું છે તે સમજવા જેવું છે. ધર્મમાં તૃપ્તિ છે એવી આશાથી આપણે યજ્ઞાદિ કરીએ છીએ તેથી સ્વર્ગ મળે છે. યોગથી વૃતિ નિરોધ થાય છે. તેવી રીતે ભક્તિની તૃપ્તિ શેમાં છે? અને ભક્તની તૃપ્તિ ક્યા પ્રકારની છે? ભક્તિતો જેમ જેમ કરવામાં આવે છે તેમ તેમ પૃથુ રાજાની જેમ અતિશય ભુખ ખુલે છે. ભક્તિ કરવાની અતિ અધુરાઈ જાગે છે અનંત પ્યાસ જાગે છે પણ તે પ્યાસમાં કરોડો તૃપ્તિ કરતા પણ વધારે શાંતિ અને વધારે આનંદની પ્રાપ્તિ થાય છે એને જ ભક્તની તૃપ્તિ કહેવામાં આવે છે. તેમાં ક્યારેય “इति” થતો નથી.

માટે ભક્તની સિધ્ધિ કોમળતા છે. તેની મધુરતા અમૃતત્વ છે ને અનન્ત પ્યાસ જ તૃપ્તિ છે.