ધીર ધુરંધરા, પદ-૧૦

કર્મનું કુટણુ સકલ સંસારમાં લખ્યુ લલાટમાં તેજ થાશે

શુભાશુભ ભોગ જે લખ્યા લલાટમાં અલખ લખાય શું નામ જાશે.-૧

સજના તણો સંસ્કારશો શુભ હતો ગિધગુણિકા અજામેળ જેવા

એવા અધમ ઓધારણ પ્રભુને પરહરી કર્મ કરતા રહે(કહે) પશુ જેવા-૦૩

કડી-૧-૨

કર્મનું કુટણુ સકલ સંસારમાં લખ્યુ લલાટમાં તેજ થાશે

શુભાશુભ ભોગ જે લખ્યા લલાટમાં અલખ લખાય શું નામ જાશે.

ભાગ્યમાં લખ્યા ભગવંત જો હોય તો સાધન લેશ નવ ઘટે કરવું

ભાગ્યમાં લખ્યુ અણવાંછે આવી મળે તેહને કાજ શું મથી મરવું.

એવું કહેવાય છે કે “ભાગ્યમાં હોય તો પ્રાપ્ત થાય છે અને ભાગ્યમાં હોય તો આપણાથી થાય” એ વાત અર્ધ સત્ય છે. લલાટમાં લખ્યુ હોય તે જ મળે અને તેમ જ થાય એ જગત સંબંધમાં સાચી વાત ગણાય છે. પણ ભગવાનના માર્ગમાં એ વાત ખોટી છે. ભગવાન કોઈને ભાગ્યના બળે પ્રાપ્ત થઈ જતા નથી. તે તો ભગવાનની કૃપા કે સંતની કૃપાથી મળે છે. તે કૃપા મેળવવા પ્રયત્ન કરવો પડે છે. સાધન કરવું પડે છે. મનનું ધાર્યું મુકવું પડે છે, દેહાભિમાન ઓછુ કરવું પડે છે. તેમને સીધી કૃપા મળી જતી નથી. ખરેખર તો ભગવાન અકારણ જ કૃપા કરે છે. ભગવાનની અકારણ કૃપા તો નારકી જીવો ઉપર પણ છે તેઓને શુધ્ધ-ચોખ્ખા કરવા તો ભગવાને તેઓને ત્યાં મોકલ્યા છે. પાપીઓ ઉપર પણ ભગવાનની કૃપા છે જ પણ તેઓ બધા ભગવાનની કૃપાનો સદ્ઉપયોગ કરતા નથી તેનો દુરૂપયોગ કરનારા જ જાજા છે. કોઈ પણના લલાટમાં-ભાગ્યમાં ભગવાન લખાયેલા હોતા નથી. એતો આ જન્મમાં જ કરવું પડે છે. જો આ જન્મમાં ન કરે તો આગલા જન્મનું કાંઈક કરેલુ હોય તે પણ ક્યાયનું ક્યાંય ચાલ્યું જાય છે. જગત સંબંધી બાબતો તેમાં પણ ભોગ અને ભોગના સાધનોમાં મુખ્ય ગણાતા એવા શરીર, મન, બુધ્ધિ, ઈન્દ્રિયો, પત્ની, પુત્ર અને સંપતિ યોગ આ બધુ પ્રારબ્ધાધીન રહે છે. તેમાં કોઈ વધારે વલખા મારે તોય જે લલાટમાં લખાયેલુ હોય તેજ મળે છે. આજે આ બધી વસ્તુને મેળવવા કોણ વલખા નથી મારતું? કોને તે વસ્તુઓ નથી જોઈતી? તો પણ કેટલાને મળી જાય છે? તેની ટકાવારી તપાસો તો બહુ જ થોડાને મળે છે. અને તે પણ તેના પ્રયત્નને આભારી નહિ- ભાગ્યના આધારે મળી રહે છે. ઘણા અંગુઠાછાપને ગણતરી ન થઈ શકે તેવી સમૃધ્ધિ હોય છે અને બુધ્ધિના ભંડાર હોય પણ આજીવિકાનું ઠેકાણુ થાતું ન હોય આ બધા પ્રારબ્ધના ખેલ છે. તેને સ્વામી કર્મનું કુટણુ કહે છે. તે તો લખ્યા મુજબ જ થાશે. આપણે ગમે તેટલા વળ ખાઈએ તેનાથી નથી થઈ જવાનું. પરંતુ ભગવાન કોઈના લલાટમાં એવું નથી લખી દેતા કે આ મનુષ્ય જન્મ લઈને દરરોજ ભગવાનની દસ માળ ફેરવશે, ભગવાનની પૂજા દરરોજ કરશે જ, દરરોજ સાચા સંતનો એક કલાકતો સત્સંગ કરશેજ વિગેરે ભાગ્યમાં લખેલુ હોતું નથી. કોઈના જીવનમાં એવું લખ્યુ હોતુ નથી કે આ મોટો થઈને સાધુ થઈ જશે. સાધુ થયા પછી પણ આખી જીંદગી ભગવાનની જ સેવા કરશે, સંત-ભક્તની સેવા કરવાનો છે. એતો આ જન્મમાં અને આપણે પોતાને જ નિર્ણય કરવાનો છે. તેમાં બીજા કોઈ કરાવી દેવાથી કામ થાતુ નથી. અંતે તેમાં પ્રારબ્ધ પણ કાંઈ કરી દેતું નથી. હા ભગવાનના સાચા સંત તેમાં આપણા ને મદદ કરે ખરા પણ નિર્ણય આપણે જ કરવાનો છે અને કાર્ય પણ આપણે જ કરવાનું છે. સંતની સહાયનો આપણે સવળો ઉપયોગ કરીએ તો જ આપણા કામમાં આવે છે. જો ભગવાન ને માર્ગે ચાલવાનું પણ ભાગ્યમાં જ લખાવીને આવ્યો હોય તો સ્વામી કહે છે તેને સાધન લેશ માત્ર કરવું ન પડત, સાધન કર્યા વિના જ ભગવાન મળી જાત, પણ તેવું બનતું નથી. ભગવાનનો માર્ગ છે તે તો આજ કરો તો આજ પામો અને ન કરો તો ક્યારે ન પામો. માટે આ ભાગમાં પુરૂષાર્થ કરવાની અવશ્ય જરૂર છે. જગત તો લખાયને આવ્યું છે. તેમાં ગમે તેટલા નાડા તોડાવો કે સામાન્ય પુરૂષાર્થ કરો તો પણ જે મળવાનું છે તેટલું જ મળશે. માટે સ્વામી કહે છે તેમા વધારે શા માટે મથી મરવું? શા માટે કુટાય મરવું?

કડી-૩-૪

સજના તણો સંસ્કારશો શુભ હતો ગિધગુણિકા અજામેળ જેવા

એવા અધમ ઓધારણ પ્રભુને પરહરી કર્મ કરતા રહે(કહે) પશુ જેવા

કર્મની રેખ(તે) કર્મજડને શિરે ખરા મર્મના જાણ તલ ધર્મ પાળે

મુક્તાનંદ ગુરૂચરણને સેવતા બ્રહ્મઅગ્નિ સર્વે કર્મ બાળે.

જે જે ભગવાનને પામી ગયા છે તેના પ્રારબ્ધમાં હતું ને પામી ગયા છે એવું નથી કેટલાક ઉદાહરણો તો એવા પતિત અને અધમના છે તે પણ જો ભગવાનનું ભજન કરી શકે છે. ગીતામાં ભગવાને બતાવ્યું કે

अपिचेत् सुदराचारो भजते मां अनन्यभाक् ।

साधुरेव स मनन्तव्यो सम्यग् व्यवस्थितो हि सः ।।

मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।

स्त्रियो वैश्यास्तथा शुद्रा स्तेऽपि यान्ति परांगतिम् ।।’

આમા પ્રારબ્ધની વાત નથી. પરમાત્માનો મહિમા વિચારીને અંતે માર્ગે ચાલવાની વાત છે. જે ભગવાનનો મહિમા સમજતા નથી. ભગવાનને સર્વ કર્તા હર્તા જાણીને તેને માર્ગે ચાલતા નથી તેને સ્વામી પશુ જેવા બતાવે છે. “તુલસી હરિકી ભક્તિ બિન ધિક દાઢી, ધિક મૂછ” જો જીવ સાચે ભાવે પરમાત્માને શરણે થાય તો તમામ કર્મથી છુટી જાય છે કર્મનું બંધન પરમાત્માથી વિમુખની ઉપર છે, કર્મજડની ઉપર છે. ભગવાનને સાચે ભાવે ભજવા વાળા ઉપર રહેતું નથી એમ માનવું. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે “નવરા બેઠા છીએ એમ ન માનવું પણ ગર્ભવાસ, લખચોરાશી, જમપુરી તેના ઉપર લીટા તાણીએ છીએ” એમ માનવું. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનને શરણે થાય છે, મહારાજની આજ્ઞા પાળે છે ને હુ મહારાજનો છું ને સંસારનો નથી ને મહારાજ મારા છે તો તે બ્રહ્મ અગ્નિ છે, તેનાથી તમામ કર્મ બળી જાય છે.