ધીર ધુરંધરા, પદ-૯

ધાર તલવારની સોયલી ચપળ છે વચનની ટેક તે વિકટ જાણો

ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણો.-૧

મનશુ લડવા કોણ સામો મડે સુરનર અસુર સહુ હાર માને

ગુરૂમુખી શિષ્ય વિન રૂંઢ રણમાં ફરે જગતનો શબ્દ નવસુણે કાને -૩

કડી-૧

ધાર તલવારની સોયલી ચપળ છે વચનની ટેક તે વિકટ જાણો

ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણો.

તલવારની ફુલધાર ઉપર ચાલવું સહેલું છે તેના ઉપર નાચ કરવો સહેલો છે પરંતુ પરમાત્માને રાજી કરવા ધારેલા નિયમો છેલ્લા શ્વાસ સુધી નિભાવવા, સંત ભક્તોમાં છેલા શ્વાસ સુધી દિવ્ય ભાવ રાખવો ને એક રહેણીએ મરવું તે તેના કરતા વધારે આકરૂ છે. સાચા ગુરૂ બતાવે તે તુરત જ તર્ક કર્યા વિના માની લેવું કે તે પ્રમાણે કરવા લાગી જવું તે અઘરૂ છે. કાંઈ ન જાણતા હોઈએ તો પણ તર્ક- વિતર્ક કર્યા વિના રહેવાય જ નહિ. ગૃહસ્થ હોય ને મોટો ધંધો કરવો હોય અને તેનો સંકલ્પ કરી લીધો હોય ને ગુરૂપાસે આર્શીવાદ અને પરવાનગી લેવા આવે ત્યારે ગુરૂના પાડે કે તારે તે નથી કરવું તો ત્યારે ખબર પડે કે ગુરૂ કહે તેમ કરવું કેટલું આકરૂ હોય છે. ત્યાગી હોય ને તે પણ મનમાં નક્કિ થઈ ગયું હોય ને રોકવામાં આવે કે હવે આપને આમ નથી કરવું ત્યારે કેટલું છોડી શકાય છે. ત્યારે તે ખબર પડે કે કેટલી ગુરૂમુખતા છે? આ તો ત્યારે ઉલટા ગુરૂને સમજવવા જાય તેને ગળે ઉતારવા આવે કે આમ છે, આમ છે કોઈ પણ વાતે અમે ધાર્યું છે તે પ્રમાણે તમે હા પાડી દો, પ્રમાણિત કરી દો કે અમે ગુરૂના કહેવા પ્રમાણે જ કરીએ છીએ. કરવું છે અમારા મનમાં ઊઠ્યું છે તેજ. તેમાં કોઈ ફેરફાર કરવા માગતા નથી. પણ તમે તેમાં હા પાડી દો એટલે તે બધુ મનમુખી છે તે ગુરૂમુખી બની જાય. ગુરૂની આજ્ઞા પણ પળી ગઈ કહેવાય. એતો જ્યારે આપણા સ્વભાવથી વિરૂધ્ધ કરાવે ને તો પણ રાજી થઈને કરાય અને તે પણ અંતરથી રાજી થઈને કરે ત્યારે ગુરૂમુખતા કહેવાય. પરંતુ તેમાં તો પોતાના મનમાં હોય કે આપણે કાંઈ ઓછુ સમજતા નથી અથવા કાંઈ કમ નથી. પછી એવું કેમ મનાય? ગુરૂથી પણ આપણે તો વધારે જાણકારી વાળા છીએ. આપણે તો સવાયા છીએ અને જે કાંઈ ગુરૂને માનીએ છીએ એ તો આપણી ઉદારતા છે એવું મનમાં માનતા હોય તે ગુરૂનું અણધાર્યુ વચન ક્યાંથી માની શકે? ન જ માની શકે. માટે તલવારની ધાર પર ચાલવા જેવું કઠીન છે. સાધુ થયા પછી, અને ઘરબાર છોડયા ત્યારે તો એવો મનોભાવ હતો કે ગુરૂ જેમ કહે તેમ કરવું છે ને તેમને રાજી કરવા છે પણ સમય જતા ટેક ફરી જાય છે. માનસિકતા ફરી જાય છે માટે સ્વામી કહે છે કે ભેખની ટેક તે વચનમાં રહેતી નથી. તે ફરી ન જવું જોઈએ. બીજાની પાસે તો પોતાનું ધાર્યુ કરાવે પણ જેનું ધાર્યું કરવા આવ્યા છીએ ત્યાં પણ પોતાનું ધાર્યું ગુરૂપાસે કરાવે ત્યારે ગુરૂતો સમજે કે આને આમ જ પાધરૂ પડશે ત્યારે કહી દે કે સારૂ એમ કરો. પણ આને તો ત્યારે જ નિરાંત થાય કે પોતાના ધારેલામાં ગુરૂ પણ હા પાડી દે, ત્યારે મોહ ક્યાંથી ટળી શકે? અને ભેખની ટેક પણ ક્યાં રહી? મુક્તાનંદ સ્વામી પૂર્વાશ્રમના કુટુંબીઓ સાથે મોટો સંગ્રામ કરીને રામાનંદ સ્વામી પાસે સાધુ થવા આવ્યા ત્યારે સ્વામી કહે મુકુંદ તમે આ મુળુભાઈ દરબારનું હળ હાંકવા જાઓ. ત્યારે કાંઈ સંકલ્પ નહિ કે મને આવડતું નથી કે મે કોઈ દિવસ હાંક્યું નથી, વિના ઉલ્થાને બળદની રાશ હાથમાં લઈ લીધી. તેણે માન્યુ હશે અથવા નક્કિ કર્યું હશે કે હું જેટલો મને ઓળખુ તેના કરતા ગુરૂ મને વધારે ઓળખે છે. મારાથી શું થાય અને શુ ન થાય, મારે શું કરવું ને શું ન કરવું તે તો ગુરૂને મારા થી વધારે જ્ઞાન છે. તેને સમજવવા બેસવું તે તો મુર્ખતા સિવાય બીજુ કાંઈ ન કહેવાય. પણ તેની પાંચ સેકન્ડ ધીરજ રહેવી ઘણી કઠણ છે. ત્યારે તો મહામુરખને પણ ડાહપણ ઊગી આવે છે. રાજાભાઈ ડાંગર સર્વસ્વ છોડીને આવે ને મહારાજ કહે તમે પર્વતભાઈની ખેતી કરો તેના છોકરાં હજુ નાના છે. અલૈયા મોડાના મોટાભાઈ દરબાર સાધુ થવા આવ્યા તેની પાસે મહારાજે કાશીદાસભાઈની ખેતીનું કામ કરાવ્યું. તે શું તે બધાયની યોગ્યતા(ક્વોલીફીકેશન) પ્રમાણે હતું? આપણને આપણી આપણે ધારેલી યોગ્યતા (ક્વોલિફિકેશન) પ્રમાણે ન કરવા દે ત્યારે કેટલી મુંજવણ થાય છે? તે આપણા અંતરમાં તપાસ કરવાનો છે. મનનું ધાર્યું કરવા આપણે કેટલા નાડા-તોડાવીએ છીએ.-ઘફળીયા મારીએ છીએ તે જોવાનું- તપાસવાનું છે. તેઓએ જ્યારે મહારજને પ્રગટ માન્યા હશે ત્યારે તેમ કરી શક્યા હશે. ઘેરે હોય ત્યારે શું પરિસ્થિતિ હોય તે તો સૌ જાણતા હોય છે. પછી સત્સંગમાં આવ્યા પછી અપેક્ષાઓ બદલી જાય છે. ઉંદરનું દર તૈયાર હોય તેમાં સાપ પેસે ત્યારે ઉંદરડા જ્યાંથી જગ્યા મળે ત્યાંથી ભાગી જાય છે. પછી તે દરમાં ઉંદર જાય નહિ તેમ મહારાજે અને એકાંતિક સંતોએ સ્થાપેલ આ સત્સંગ છે. તેમાં પેસીને સાપ બનીને તેમને જ ધક્કો દઈ રહ્યા નથીને? તેનો વિચાર કરવાનો છે.

કડી–૨

શૂરને એક પળ કામ આવી પડે મરે કાં મોજ લઈ સુખ પામે

સંત સંગ્રામથી(મનસાથે) પળન પાછો હઠે મન દમવા તણે ચડે ભામે

ભગવાનને માર્ગે ચાલવાનો સંગ્રામ અલગ પ્રકારનો છે. આ જગતમાં શૂરવીરો સંગ્રામ ખેલે છે તે અલગ પ્રકરનો હોય છે. “સતીશૂરકું સહેલ હૈ ઘડીયન કી ઘમસાન | મુક્ત અંગીઠી પ્રેમકી જલત હૈ આઠો જામ ।” સતિ અને શૂરાનો માર્ગ જગતમાં તો અઘરો અને દૂર્લભ ગણાય છે. “હરિનો માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મુકી વળતી લેવું નામ જોને.” ભગવાનને માર્ગે ચાલવું, સંતને માર્ગે ચાલવું તેમાં પણ શૂરવીરતાની જરૂર પડે છે. “મસ્તક ઘડા મહિ જે જન મેલશે” એમ સ્વામી એ બતાવ્યું છે. અર્થાત્ મરવા જેટલું કઠણ છે છતાં શાસ્ત્રોમાં બતાવ્યું છે કે આ જીવને જો શૂરાતન આવી ગયું હોય, જનૂન ચડી ગયું હોય તો મરવું કાંઈ કઠણ નથી. સતી ને શૂરાનો માર્ગ અઘરો છે કારણ કે તેઓ સામે ચાલીને મૃત્યુને ભેટવા ચાલ્યા છે. પણ સંતનો માર્ગ તેનાથી પણ વધારે કઠિન છે સતિ અને શૂરાને તો એક ઘડીનો ખેલ છે. એક ઘડી બરાબર જનુન-ટેમ્પો ટકાવી રાખે તેટલામાં કામ પુરૂ થઈ જાય, જીતી જાય અથવા સ્વર્ગે સિધાવી જાય અને તેના નામની તાળીઓ પડી જાય, વાહ વાહ થઈ જાય, અને આખી જીંદગીનો જસ મળી જાય ને ઈતિહાસમાં નામ લખાય જાય. જ્યારે સંતને માર્ગ એક ઘડી પુરતો નથી તેમાં તો છેલ્લા શ્વાસ સુધી ઉત્સાહ જાળવી રાખવાનો છે. મહારાજે કહ્યું છે (વ.અ.૩૯) જે આત્મા-પરમાત્માનો વેગ(જનુન) લગાડી દેવાનો છે અને તે પણ કેવો ચડાવવો તે દૃષ્ટાંતો આપીને બતાવ્યું છે સંતને તેવું જનૂન છેલ્લ શ્વાસ સુધી રાખવાનું છે થોડા સમય પછી જનૂન ઉતરી જાય કે ધીરૂ પડી જાય તો વરવી પરિસ્થિતિ સર્જાય છે. “સતિ મટીને કૂતી કહાવે” એવું થાય છે. ભગવાનને માટે પણ મરવું સહેલું છે પણ આ જીવને ભગવાનને માટે છેલ્લાશ્વાસ સુધી એક ભાવના, એક ધારૂ સર્મપણ કે એક રહેણીથી રહેવું(જીવવું) તે મરવા કરતા વધારે કઠિન છે. મરવામાં ઘડી એકનો ખેલ હોય છે. જ્યારે જીવવામાં આખી જીંદગીનો ખેલ છે. સંતના જીવનમાં એક એક પળની નોંધ લેવાય છે અને પળે પળની કિંમત લખાય છે. આખી જીંદગી સારી જીવે ને એક ઘડી નબળી આવી ગઈ તો આખા જીવનની ઉજળાશ કાળી બની જાય છે. એક ઘડીકની નબળાઈ આખી જીંદગીને નકામી (ડાઉન) કરી દે છે. જીંદગીના તેજને ઝાંખુ કરી નાખે છે. કીર્તિમાં કાળપ લાવી દે છે ને ઈતિહાસમાં નામ વગોવાય છે. માટે સ્વામી કહે છે કે સંત અને શૂરવીર સમાન કક્ષાના ન ગણી શકાય. તેમાં બહુ મોટો, સરખાવી ન શકાય તેવડો તફાવત છે સંતનો સંગ્રામ એક ઘડીનો નથી. છેલ્લા શ્વાસ સુધી તેને નબળાઈઓ અને દોષો સાથે સંગ્રામ કરવાનો છે. શૂરવીરને એક ઘડી સારી જાય તેટલામાં આખી જીંદગી ઉજળી ગણાય જાય છે ને કિર્તી સ્તંભ સ્થપાય જાય છે. જ્યારે સંતના જીવનમાં એક ઘડીનો ખેલ આખી જીંદગીની મહેનત ઉપર પાણી ફેરવી શકે છે. પછી આખી જીંદગી ગમે તેટલી ઊંચી ભલે જીવ્યા હોય. શૂરવીરને એક ઘડીક જ સાવધાની રાખવાની છે એટલે આખી જીંદગીના કામ ઉપર ચગ્ય ચડી જાય છે. જ્યારે સંત જીવન આખી જીંદગી અતિ જતન કરે પણ એક ઘડી ગાફલ રહ્યા કે અનુસંધાન ભૂલી ગયા તો આખી જીંદગીની કમાણી ધુળમાં મળી જાય છે. માટે સંતને શૂરવીર થવું ફરજીયાત હોવા છતાં, સંત અને શૂરવીરની તુલના થઈ શક્તી નથી. સંતનો સંગ્રામ અલૌકિક સંગ્રામ છે. સાચા શૂરવીરો પણ સંતના માર્ગમાં ટુકા પડી જાય છે. તેવી રીતનો સંતનો શૂરવીરતાનો માર્ગ છે. સંતને તો મન સાથે અને અંતરશત્રુઓ સાથે લડાય કરવાની છે. એ માર્ગે ચાલે ત્યારે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય તેને પળે પળે તૈયાર રહેવું પડે છે. પ્રહલાદજીએ ગૃહસ્થાશ્રમને આંધળો કુવો બતાવ્યો છે. તેમાં પશુ પડી જાય છે તેવી તેમાં ગયેલાની સ્થિતિ છે. પશુને ખબર નથી કે કેવી યુક્તિઓ કરીએ તો બહાર નીકળી શકાય. તેઓ કોઈ શાસ્ત્ર ના ઉપાયો જાણતા નથી. તેઓ બહાર આવવા મથતા હોય છે. પ્રયત્ન કરતા હોય છે. તેટલી તેની ભલાય છે. પણ કુટુંબીઓ તેના ટાટિયા ખેંચી રાખતા હોય છે. રખેને સંસારમાંથી આપણને મુકીને બહાર નીકળી જાય નહિ? જો કોઈ સહાય કરનાર સાચા સંત મળી જાય તો સંસાર રૂપી કુવામાંથી બહાર નીકળી જાય છે. ભગવાનનો માર્ગ મન સાથે લડાય લેવાનો છે. ક્રિકેટ રમે ત્યારે કેટલી તીણી નજર દડાની સામે રાખે છે. જો એક સેંકડનો ફેર પડે તો દડો ચુકાય જાય ને આઉટ થઈ જાય, ને હારી જાય. માટે એકેય સેકન્ડ સાવધાની ન છેડે, ને નિરાંત કરીને ઉભો ન રહે, દોડા દોડી કર્યાજ કરે છે. મન તેના દડા જેવું છે. ક્યાંય છટકી જાય ને કાંતો દાંડી ઉલાળી દે તે ખબર ન પડે. હાથમાં આવતા આવતા પણ છટકી જાય તેવું છે. સાધુઓએ મનની સાથે લડાય લેવાની છે. સાચા સંત કોને કહેવાતો ભગવાનને રાજી કરવા પોતાના મનને કઠણ પડે તેવું કાર્ય-તેવી ભક્તિ શોધી કાઢે “મન દમવા તણે ચડે ભામે’ મનને કઠણ પડે તેવી સેવા કરે છે. જ્યાં કોઈ જાતનો કારસો ન હોય તેવું પકડીને બેસી જાય તેને સંતનો માર્ગ હાથમાં જ નથી આવ્યો. તે દેહાભિમાની છે. થોડો દેહ ભાવને કારસો આવે ત્યાં તો “મને આમ થાય છે મને તેમ થયું છે’ એવા મનમાં ગોટા વળવા લાગી જાય, એને સંતનો માર્ગ શું છે તે ખબર નથી. મનમાં એમ ગોઠવણી કરી લે કે એ આપણું અંગ નથી ત્યારે તમારૂ ક્યું અંગ છે? કેવળ ખાવાનું, સુવાનું, ખાડે જાવાનું અંગ છે? જ્યાં કારસા વાળી ભક્તિ હોય, સેવા હોય, જેમાં મનનું ધાર્યુ થતુ ન હોય ત્યાંથી ભાગતા ફરે. સ્વભાવને ઓછા કરવા પડતા હોય કે મન રૂંધાતુ હોય ત્યાંથી ભાગતા ફરે તેને મનની સાથે લડાય લેવાની ખબર જ નથી. તે તો મનનો અને સ્વભાવનો ગુલામ છે. તેતો તેનું રખવાળુ કરે છે. તે ભગવાનનો કે સંતનો ગુલામ કે દાસ કેમ થઈ શકે?

કડી-૩

મનશુ લડવા કોણ સામો મડે સુરનર અસુર સહુ હાર માને

ગુરૂમુખી શિષ્ય વિન રૂંઢ રણમાં ફરે જગતનો શબ્દ નવસુણે કાને

સ્વામી કહે છે કે મનની સાથે કોણ લડાઈ કરી શકે? સુરનર અસુર સહુ હાર માને છે. આ બધા મન સાથે લડાઈ કરવાનું નામ જ લેતા નથી. “સેવા પરમગહનો યોગિનામપ્યગમ્યઃ’ યોગીઓને પણ અગમ્ય છે. હાથમાં આવતો નથી. ભગવાનની સેવામાં મનને રૂંધવુ અને યોગમાં મનને રૂંધવું તેમાં તફાવત છે. યોગીઓ યોગ કરીને મનને જ રૂંધે છે તોય સેવા ધર્મથી છેટા ભાગે છે. જે મન સાથે જ લડાય લેવી હોય તો ભગવાનની સાચે ભાવે નિષ્કામ સેવા કરો. નિષ્કામ સેવા કરવામાં ઉઘાડી આખે મનને જે કારસો આવે છે તે યોગમાં આંખો બંધ કરીને પણ દઈ શકાતો નથી. એવો શાસ્ત્રો તથા સંતોનો અભિપ્રાય છે. મહારજનો પણ એવો મત છે. સ્વામી કહે છે જે ગુરૂમુખી સંત છે તે જ મન સાથે લડાય કરી શકે છે. પ્રથમ નિર્માની થઈને ગુરૂમુખી શિષ્ય બનવું જોઈએ. શિષ્ય થવાતો ઘણા તૈયાર હોય છે. પરંતુ “ચેલા તેરા પણ કહ્યા નહિ કરુંગા” કહ્યું તો મનનું જ કરીશ. માટે ગુરૂમુખી શિષ્ય થાવા જાજા તૈયાર થતા નથી. મનમુખી થવા દો તો બધા તૈયાર છે. એવા ગુરૂમુખી શિષ્યોના સ્વામી વખાણ કરે છે. અત્યારના મનમુખી શિષ્યોને ગુરૂમુખી થવામાં પોતાનો વિકાસ રૂંધાતો દેખાય છે. તેઓ જાજુ દેહાભિમાન વધારવાને વિકાસ એવું રૂપાળુ નામાભિધાન આપે છે. મનમુખી થવામાં તેને અસંકુચિત અને વિશાળ દૃષ્ટિ દેખાય છે. જગતના તમામ રસ ચાખી લેવામાં, કોઈ પણ બાકી નહિ રાખવામાં તેને “વિશાળ અનુભૂતિ’ મહેસુસ થાય છે. માટે ગુરૂમુખી થવાથી તેઓ સદા દૂર ભાગતા ફરે છે. ગુરૂમુખી થવામાં તેને અજ્ઞતા, મુર્ખપણુ અને પરાધીનતા અનુભવાય છે. વિષય પ્રવિણતા એને માટે હોશિયારી ગણાય છે. એમને માટે તો એવી સમજણ જ શોભા રૂપ અને મુબારક છે. સ્વામી કહે છે જેને મન સાથે સંગ્રામ ખેલવો છે તેણે ગુરૂમુખી થવું, મનમુખી ન થવું. ગુરૂમુખી શીશ બાજુએ મુકીને રૂંઢ(કેવળ ધડ) થઈને મન સાથે લડાઈમાં ત્રાટકે છે “શીશ પડેને ધડ લડે” ત્યારે એને હવે મરવાની બીક ક્યાંથી હોય? સ્વામી કહે છે કે “જગતનો શબ્દ નવ સુણે કાને” માથુ જ નથી તો કાન ક્યાંથી હોય? આંખ ક્યાંથી હોય છે? કેવળ ગુરૂએ ચડાવેલું ભગવાનના માર્ગે જવાનું જનૂન જ હોય છે. તેને આધારે રણમાં ઘૂમે છે. ત્યારે મન તેનાથી મરે છે જગતનો શબ્દ સાંભળે ત્યારે તો જગત તેને મૂર્ખ જ કહે છે. પોતાની અક્કલ જરાય નથી એમ જ લોકો કહેશે અને ઘરની અક્કલ વાપરનારા હોય તેને તેમ કરવું પણ ન પોસાય. જેને કેવળ ભગવાન પાસે જ જવું છે તેને જ તેવું પોસાય છે.

કડી-૪

શૂરને સંતમાં અંતર અતિઘણો સુરજ સંગ ખદ્યોત શોભા.

મુક્તાનંદ તે સંતની આગળે મોહને મન કરે ત્રાહિ તોભા.

સાચા શૂરવીર અને સાચા સંતમાં ઘણોજ તફાવત છે શૂરવીરો મહાન છે તો પણ સંત તુલ્ય થઈ શક્તા નથી. તે બન્નેની સરખામણી થઈ શક્તી નથી. તેમની સાથે સરખામણી કરવી તે સૂર્ય અને પતંગિયા(આગિયા)ની સારખામણી કરવા બરાબર છે. જગતના લોકોને તો ઓળખાણ નથી એટલે તેના તફાવતની પણ ખબર નથી. તેનું સાધ્ય અતિ દૂર્લભ હોય અને અતિ મહત્વનું હોય તેનું સાધન પણ તેવું જ અઘરૂ અને કઠિન હોય છે. આપણે સંતોને અક્ષરધામ રૂપ મોટુ ફળ લેવું છે. માટે સાધન પણ અઘરૂ કરવું પડશે. પછી તે ગૃહસ્થ હશે કે સાધુ હશે પણ સાધ્ય તો બન્ને નું એક જ છે. સ્વામી કહે છે કે સાચા ગુરૂમુખી સંતની આગળ મોહ અને મન બન્ને ઊભી પૂછડીએ ભાગે છે. માટે તેઓ નિર્મોહી સંત ગણાય છે. જગતનું ડહાપણ પોતાના ડહાપણમાં જ ઘુંચવી રાખે છે નિર્મોહી થવા દેતું નથી.