અવસર આવીયો રણ રમવા તણો અતિ અમૂલ્ય ન મળે નાણે
સમજવું હોય તો સમજજો સાનમાં તજી પરપંચ તક જોઈ ટાણે.-૧
મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા.
પાખરિયા નર કૈક પાડ્યા ખરા શૃંગી શશી સુરરાજ જેવા -૨
એવા તો કઈકની લાજ લીધી ખરી એક ગુરૂદેવથી એજ ભાગે
તે ગુરૂદેવતો તાહરી કોર છે જડ મતિ તોય નવ બુધ્ધિ જાગે -૩
કરી લે કામ રટ રામ ઉતાવળો ગુરૂ તણી મોજ ગોવિંદ મળશે.
મુક્તાનંદ એવચનમાં મર્મ છે મર્મ જાણ્યે મદ મોહ ટળશે.-૪
કડી-૧
અવસર આવીયો રણ રમવા તણો અતિ અમૂલ્ય ન મળે નાણે
સમજવું હોય તો સમજજો સાનમાં તજી પરપંચ તક જોઈ ટાણે.
ભગવાનના ભક્ત માટે આ મનુષ્ય જીવન એ અંતર શત્રુ સાથે રણ રમવાનો અવસર છે. બીજી યોનિઓમાં તે અંતર શત્રુઓ જે જીવમાં ભરાયા છે તે ઓછા નથી થઈ શક્તા. મનુષ્ય જન્મ જ એવો સમય છે કે તેની સાથે લડાઈ લઈને તેને ઓછા કરી શકાય છે. ગુલાબનું ફુલ ઘણુ સારૂ હોય છે પણ તેને લેવું હોય તો તેની ચારે બાજુ કાંટા હોય છે. ત્યાં હાથ નાખવામાં મુશ્કેલી પડે છે. માણસને જરા પણ મુસીબત સહન નથી કરવી અને સુખ મેળવી લેવું છે, તેમ જ મોક્ષ પણ લઇ લેવો છે, ભગવાન પાસે પહોંચી જવું છે, માતાના ઉદરમાં આવવું નથી અને રણ પણ રમવું નથી. ભોગ અને પંચ વિષય સાથે સારા મીઠા અને ઘાટા સંબંધો રાખવા છે તેની સાથે જરાય બગાડવું નથી, તેની સાથે વેર કરવું નથી, લડાય લેવી નથી. તે કેવી રીતે કામ ચાલશે? મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે તેમાં બ્રાહ્મણ અને નીચ એવો કોઈ પક્ષપત કે ભેદ નથી કર્યો. બધાને સરખી સગવડતા વાળો આપ્યો છે જેવા બ્રાહ્મણને ઈન્દ્રિય-અંતઃકરણ આપ્યા છે એવાજ બીજાને બધાને આપ્યા છે મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર, આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ વગેરેમાં ભગવાનને કોઈ પક્ષપાત કર્યો નથી. રણ રમવા માટે જે સાધનો જોઈએ તે બધા તૈયાર છે. સિંધુડા રાગ ગવાય એટલે સૂરાને શૂરાતન ચડે, રગે રગમાં જનૂન ચડી જાય છે. સાધુઓ છે તેણે કેસરિયા કર્યા કહેવાય છે. તેઓ મોહ દળની સાથે યુધ્ધ કરવા નિકળ્યા છે. થોડુક યુધ્ધ તો થઈ ચુક્યુ છે જાજુ કરવાનું બાકી છે, કામ, ક્રોધનું દળ નથી કહ્યું, મોહનું દળ કહ્યું છે. મોહ તે બધાનો બાપ છે. કામાદિકના દળ તેની આગળ ગણત્રીમાં નથી. સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે “ગિરનાર જેવડો કામ, મેરૂ જેવડું માન અને લોકાલોક જેવડી વાસના(મોહ) છે’ તેને ઉખેડવા છે. મોહ ક્યાં ન હોય એવું નથી. સારી વસ્તુમાં જ હોય ને નબળી વસ્તુમાં ન હોય એમ નથી મહારાજ કહે છે “ફાટેલી લંગોટી અને તુટેલી તુંબડી માંથી મનને ઉખેડવું મહામુશ્કેલ છે. રાજા બાજંદ અને ગોપી ચંદ ભગવાન ભજવા માટે ઘર છોડીને નીકળી ગયા ને કહેવાય છે કે એક ચોરામાં ખીલી માટે બન્ને બાથંબાથ આવી ગયા. ગોવિંદસ્વામીએ ઘેરથી ભાગતી વેળાએ રસ્તામાં દસ હજારનું નગદ સોનું લઈને એક બાની મળી તેમાં ન બંધાયા-ન લોભાણા, પણ ગંગામાના દાળભાતમાં ચોંટી ગયા. ભરતજીએ પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો પણ એક હરણનું બચ્ચુ માયારૂપ બની ગયું. રાજ મહેલ છોડી દેવો સહેલો છે, રાજ પોશાક ઉતારવો સહેલો છે પણ મનમાંથી મોહ ઉતારવો કઠણ છે, એટલો બધો સહેલો નથી. અહંકાર છોડવો કઠણ છે. વાસના છોડવી મુશ્કેલ છે. ગમે તેટલું છોડીને આવ્યા એટલે શું?” એતો જ્યારે અંદરથી થોડોક અહં આવે, અંદરથી દેહ ભાવ ઊભો થાય ત્યારે સાધુએ જાગ્રત થઈ જવું જોઈએ. કાંઇક અથડામણ ઊભી થાય તેમાં સાધુએ જાગૃતિ રાખવી જોઈએ, તેને ઓળખી જવું જોઈએ કે મને અહં ભરાયો છે, મોહ ફરી વળ્યો છે, હું દેહભાવમાં આવી ગયો છું. તો મોહના દળની સાથે રણ રમવાનું થાય. પરંતુ પહેલેથી જ મોહમાં ડુબી જાય ત્યારે તેની સાથે રણ શું રમવાનો છે? મોહ દળ કાંઈ પદાર્થોનો, વ્યક્તિનો જ એકલો નથી હોતો, એના કરતા પણ મોટો સ્વભાવનો હોય છે આપણા નબળા સ્વભાવમાં પણ આપણને ખામી નથી દેખાતી ઉલ્ટો ગુણ દેખાય છે, નબળો સ્વભાવ પણ સારો લાગે છે તેમાં કાંઈ ફેરફાર કરવા કે થવા દેવા માગતા જ નથી. ત્યાં સુધી આપણે મોહમાં ડુબેલા જ છીએ. અને ત્યાં સુધી સ્વભાવ ટળવાનો નથી. ભલે આપણે સાધુ બની ગયા હોઈએ તો પણ સ્વભાવ મજબુત થતા જાય. ખરેખરતો એને પોતાની મેળે ઓળખીને ટાળવો જોઈએ જો બીજા ઓળખાવે તો કડવું લાગે, સારૂ ન લાગે માટે
કડી-૨-૩-૪
મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા.
પાખરિયા નર કૈક પાડ્યા ખરા શૃંગી શશી સુરરાજ જેવા -૨
એવા તો કઈકની લાજ લીધી ખરી એક ગુરૂદેવથી એજ ભાગે
તે ગુરૂદેવતો તાહરી કોર છે જડ મતિ તોય નવ બુધ્ધિ જાગે -૩
કરી લે કામ રટ રામ ઉતાવળો ગુરૂ તણી મોજ ગોવિંદ મળશે.
મુક્તાનંદ એવચનમાં મર્મ છે મર્મ જાણ્યે મદ મોહ ટળશે.-૪
આ મોહની સામેની લડાય છે તમામ અંતરશત્રુઓ નું મૂળ મોહ છે. મોહ એકલો નથી તેની ફોજ છે, કામ, લોભ, માન, સ્વાદ, સ્નેહ તેના સૈનિકો છે. મુનિઓ એટલે મનન શીલ સાધક્કો, બધા ભેળા થઈને વિચાર કરે છે કે મોહની સાથે લડાયમાં જીતવું હોય તો શું કરવું? કારણ કે મોહ રણ મેદાનમાં લડાઈ આપવામાં એવો બળીયો જોધ્ધો છે કે કોઈને જીતવા દેતો નથી. તેણે રણમેદાનમાં ભલભલાને પરાજીત કર્યા છે. “પાખરિયા નર કૈક પાડયા ખરા’ પાખર શબ્દ ઘોડા ઉપર બાંધવાનો કિંમતિ-મજબુત સાજને માટે વપરાય છે અને જાતવંત ધોડાને માટે પણ વપરાય છે અને કુશળ અસ્વારોને માટે પણ વપરાય છે.(ભ.ગો. મંડલ) એનું તાત્પર્ય એ છે કે સાધનાનો માર્ગ સિધ્ધ થયેલા કઈક મોટા મોટાને મોહે ધુળમાં રગદોળી નાખ્યા છે. એકલશૃંગી જેવા જેના પવિત્ર પ્રભાવથી દોષો દૂર થઈ જતા, બ્રાહ્મણોનો શાપ દૂર થઈ જતો, વૃષ્ટિ થતી, પ્રજા જેના પ્રભાવમાત્રથી સુખી થઈ જતી એવા મોટા ને પણ મોહની જાળે લપેટી લીધા છે. ઈન્દ્ર પણ અતિ પુણ્યશાળી આત્મા ગણાય છે. સો યજ્ઞ કર્યા પછી ત્યાં પહોચ્યો છે. ચંદ્ર વિગેરે કોઈ નાના નથી. એવાતો તે એટલા જ નથી, કઈકની લાજ લીધી છે, રણભૂમિમાં રગદોળી નાખ્યા છે. મોહની સાથે લડાઈમાં હારી જવું એટલે પોતાનો ગુણ લેવો, પોતાના સ્વભાવનો ગુણ લેવો ને તેને પોષણ કરવું. પોતામાં સરસાઈ માનવી, પોતે જ માની લેવું કે હું હવે બરાબર થઈ ગયો છું. આવું માનવું તે મોહથી હારી ગયા ના ચિહ્નો છે. તેઓ બધા મોટા હતા, અનંત સાધનાઓ કરી હતી તોય મોહની સામે હારી ગયા અને હવે આપણે તેની જ સાથે લડવાનું છે તે મોહ ખુબજ હોશિયાર અને જુનો જોધ્ધો છે અને આપણેતો આ માર્ગમાં નવા નિશાળિયા છીએ, માટે તેને જીતવા માટે શું કરવું જોઈએ? આવો બધા મુનિઓ ભેળા થઈને વિચાર કરે છે ત્યારે તે બધા જ એક નિર્ણય પર આવે છે કે આ મોહ છે તે એક વ્યક્તિથી ડરે છે, ગુરૂથી ડરે છે અને બિલકુલ સાચી વાત છે, માણસને પોતાને પોતાનો દોષ કે ખામી જલ્દી હાથમાં નથી આવતી. જેવી બીજા આપણામાં દેખી શકે અને તેમાં પણ સાચા ગુરૂતો અતિ નિર્મળ અને નિર્મોહી હોય છે, નિષ્પક્ષ હોય છે અને આપણ પરમ હિતકારી છે માટે તે જે આપણા દોષનું નિરાકરણ કરી શકે તેવું બીજું કોઈ મોહનું નિવારણ ન કરી શકે. પોતે વિચારેલું કદાચ ખુબજ ઊંચી કક્ષાનું હશે તો પણ તેમાં મોહને પ્રવેશ કરવાનું, અહંકારને પ્રવેશ કરવાનું દ્વાર જરૂર રહેવાનું, જ્યારે સદ્ગુરૂ ને શરણે થઈ જવાથી કદાચને તેની વિચારણા અતિ ધારદાર નહિ હોય તો પણ તેમાં પ્રવેશવાનું મોહને અનુકુળ નથી. કારણકે બીજાના વિચારો છે. મોહ પોતાના વિચારોમાં જલ્દી ભળી જાય છે ગમે તેમ સાવધાન-જાગ્રત રહેવા છતાં મોહ આવી જાય છે. સદ્. ગોપાળાનંદ સ્વામીનું કહેવાનું છે કે ભગવાનની મૂર્તિમાં રહેવા કરતા પણ બીજાની અનુવૃતિમાં રહેવું વધારે કઠણ આ જીવને પડે છે. જો એક વખત આ જીવ ધારી લે તો મૂર્તિમાં પણ રહેવા લાગી જાય પણ બીજાની મરજીમાં રહેવું તે ધારણા બહારનું છે. તે સહેલું હોય તો પણ ઘણું અઘરૂ પડે છે. માટે સાચા ગુરૂદેવની મરજી-અનિવૃતિમાં રહે તેથી મોહ દૂર થાય છે. માટે સાધકની દરેક સાધના ગુરૂમુખી હોવી જોઈએ. આપણા અંગ પ્રમાણે હોય અને શાસ્ત્રાનું સાર હોય તો પણ નિર્મળ અને નિરાડંબરી સાચા ગુરૂ પ્રાપ્ત કરવાનું ભાગ્ય મળ્યુ હોય તો તેનાથી પ્રામાણિત કરાવી ને કરવું અર્થાત્ તેની અનુવૃતિ પ્રમાણે કરવું તે અતિ સંશોધિત સાધના ગણાય અને તેનાથી ભગવાન જલ્દી રાજી થાય છે અને તેનાથી મોહથી મુક્ત થવાય છે. સ્વામી કહે છે તે ગુરૂદેવતો તારાજ પક્ષમાં છે કારણ કે સાચા ગુરૂતો અકારણ કૃપા કરનારા હોય છે ”अप्रेरितं यत् हितं विद्दध्यात् स एव गुरुः परमं दयालुः” એવા સાચા ગુરૂઓતો શિષ્યનું પરમ હિત થાય તેવી હંમેશા દયા કરનારા હોય છે. તેઓ શત્રુઓનું પણ ખરાબ કરવા ઈચ્છતા નથી તો શરણે આવેલા ને સારી રીતે ઉગારી લે તેમાં શું કહેવુ? પણ સ્વામી કહે છે આ જીવ મૂર્ખમતિ છે, જડમતિ છે. તે મોહમાં ડુબી ગયો છે તેથી ગુરૂનું કહેવું મનાતુ નથી પોતાના મનનું જ કહ્યુ મનાય છે. અથવા મનની ભેળા ભળે એવા બીજા હોય તેનું કહ્યું ખુબ સારૂ લાગે છે. સાધનમાં સફળ થવાય તે કેવળ ગુરૂની જ કૃપા સમજવાની છે. પોતાનું બળ સમજનારા એવા કઈકની અંતર શત્રુઓ એ લાજ લીધી છે મુક્તાનંદ સ્વામી કહે છે ગુરૂનો આધાર મુકીને જે પોતાની મેળે કરવા જાય તો તેનામાં દંભ પ્રવેશ કરી જાય અથવા મોહ પ્રવેશ કરી જાય છે. મોહથી આસક્તિ થઈ જાય છે અથવા દંભ અને અહંકારનો શિકાર બની જવાય છે. ગુરૂ છે તે સારૂ કાર્ય કરાવીને પણ તે બન્નેમાંથી બચાવી લે છે. આ લડાઈમાં “હું કરૂ છું હું કરૂ છું.” એમ કરવાની કે માનવાની ના પાડી છે. માટે તેનાથી બચવા ગુરૂને વચમાં રાખવાના છે જીત થાય તો ગુરૂની કૃપા સમજવાની છે. ગુરૂ પ્રસન્ન થઈ ગયા, ગુરૂની મોજ મળી ગઇ તો ભગવાન જરૂર મળી જશે. ગુરૂની મોજતો ગોવિંદ આપવામાં જ હોય છે પણ આ જીવ અભાગિયો છે કે તે ગુરૂ પાસેથી પણ આ લોકનું જ માગે છે ભગવાન દયાળુ છે. તે તો પણ ભક્તનાં સંકલ્પ પુરા કરે છે. સ્વામી કહે છે કે ગુરૂમુખી બનવામાં મર્મ છે અર્થાત્ શોર્ટકર્ટ છે પણ સાચી નિષ્ઠા થવી જોઇએ. જ્યાં સુધી વાહ વાહ કરે, વખાણે ત્યાં સુધી ઠીક, તે રોકે ત્યારે ઠીક ન રહે. અરે ભાઈ ગુરૂ તો આપણી ભૂલ બતાવવા માટે તો છે, આપણને આપણી ભૂલ નથી દેખાતી એટલે તો ગુરૂપાસે આવ્યા છીએ. ત્યારે શું વખાણ જ કર્યા કરે ત્યારે ગુરૂ બરાબર? એકલવ્યે માટીના ગુરૂમાં નિષ્ઠા કરી અર્જુનથી બાણ વિદ્યામાં આગળ નીકળી ગયો હતો. સાચા ગુરૂને એક બાજુ રાખી સાધન કરવા જાય પણ તે સાધનમાં સફળ થવાતું નથી.