જ્યાં લગી જાતને ભાત જંજાળ છે ત્યાં લગી આત્મા જાણ અળગો,
જેહને હરિ વિના અન્ય અળખામણુ સત્ય સ્વરૂપ નર તેહ વળગ્યો-જ્યાં-૧
ઉલ્ટા અન્નની સેજ ઈચ્છા ટળી દેખતા ઉબકો સહુને આવે,
તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે શ્વાન સૂકર તણી જાત્ય કહાવે-જ્યાં-૨
જ્યાં લગી દેહનેહું કરી જણશે ત્યાં લગી ભોગવિલાસ ભાવે,
શ્વાન શૂકર તે મનુષ્યમાંથી ટળ્યો હરિ તણો જન તે કેમ કહાવે-જ્યાં-૩
હરિનાજનતે હરિગુણે યુક્ત છે મુક્ત તનનું નહિ માન જેને,
મુક્તાનંદતે સંતજન સુરમા, આપમાં વ્યાપ હરિ હોય તેને.-૪
કડી-૧
જ્યાં લગી જાતને ભાત જંજાળ છે ત્યાં લગી આત્મા જાણ અળગો,
જેહને હરિ વિના અન્ય અળખામણુ સત્ય સ્વરૂપ નર તેહ વળગ્યો-જ્યાં
જ્યાં સુધી જાતિનું કે હું બ્રાહ્મણ છુ, હું ત્યાગી છું, હું પંડિત છું. વિગેરે વિષયની મહત્વ બુધ્ધિ જીવમાં પેસી ગઈ છે ત્યાં સુધી તેને કોઈ પ્રકારનો જીવનમાં આત્મભાવ આવતો નથી તે બધી વિશેષતાઓ દેહભાવનાને વધારનારી છે માટે તે બધી જંજાલ કહી છે, અતિ ગુચંવી મુકે, દેહભાવનામાંથી બહાર ન આવવા દે માટે જંજાળ કહી છે. જનમ્યા પછી આત્મા ઉપર એટલા બધા દોરડાના જાળા વીંટાય ગયા છે, આત્મા તેમા અવરાય ગયો છે, પકડય ગયો છે. તેનું સાચુ સ્વરૂપ બિલકુલ ઢંકાય ગયું છે. દેહ ભાવનો તાણોવાણો ઢીલો થાય તો આત્મા નોખો પડી શકે. પરંતુ જીવમાં હોશિયારી આવે છે ત્યાં પોતાને બુધ્ધિવાળો માનવા લાગી જાય છે એટલે તેજ તેને બંધનના દોરડા રૂપ થઈ રહે છે. જંજાળ રૂપ થઈ જાય છે. બંધનનું જાળુ થઈ રહે છે. માન આવી જાય છે. પરંતુ આ બધુ સમજવા માટેની તૈયારી જગતમાં તો નથી પણ કહેવાતા ભગતને પણ નથી. બન્ને ભૂલા પડ્યા છે “ત્યાં સુધી આત્મા જાણ્ય અળગો’ એટલે ત્યાં સુધી તે આત્મ દર્શનથી કે આત્મ ભાવથી ઘણો દૂર પડી જાય છે. જ્યાં સુધી પોતાને હોશિયાર માને છે, બીજા કરતા સુપર (ચડિયાતો) માને છે ત્યારે એવી બુધ્ધિ તેના દેહભાવને જ વધારવાની છે પણ દેહ ભાવથી અલગ થવા દેશે નહિ એટલે ત્યાં સુધી જાળમાં ફસાયેલો જ રહેવાનો છે પછી ભલે તે ત્યાગી હોય કે સંસારી-બન્ને ફસાયેલા જ છે બન્નેને જંજાળ છે.
જેને ભગવાન વિના બીજું અળખામણુ લાગે, અરૂચિકર લાગે તેની જ બુધ્ધિ સાચી છે. આત્મા તત્વ જ એવું છે કે તેમાં બીજું કાંઈ પેસતું જ નથી. જેટલુ જગત છુટે તેટલું જ ભગવાનમાં વળગી શકાય છે. પણ જગતમાં આંધળો થઈને વળગ્યો છે ને પછી વેશ ભલે ગમે તે રાખે પણ ભગવાનમાં વળગી શકાતું નથી.
કડી-૨
ઉલ્ટા અન્નની સેજ ઈચ્છા ટળી દેખતા ઉબકો સહુને આવે,
તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે શ્વાન સૂકર તણી જાત્ય કહાવે-જ્યાં
આ ભક્તની સ્થિતિની વાત છે જેને ભગવાનના ભક્ત થવું છે તેને સંસારના સુખોની અંતરમાંથી ઉલ્ટી થવી જોઈએ. અંતરમાંથી તમામ સુખોની, સગવડતાઓની, અનુકુળતા, માન મોટાઈની ઈચ્છાઓ, ઉલ્ટીની માફક બહાર નીકળી જવી જોઈએ. ખાલી ત્યાગ કરવો તેને ઉલ્ટી નથી કહેવાતી. ઉલ્ટી થવા પછીતો એ માર્ગે જવાની ઈચ્છા જ થવી જોઈએ નહિં. ત્યાગ કરી દેવો ને ઉલટી કરી દેવી તેમાં તફાવત છે ઉલ્ટીતો અંદરથી ઉમચ આવે છે ત્યારે રોકી રોકી શકાતી નથી અને અંતરનો ગરબડાટ તમામ બહાર નીકળી જાય છે અને અંતરમાં શાંતિ થઈ જાય છે પછી તેની સામુ જોવાની પણ ઈચ્છા થતી નથી આતો આ રસ્તે હાલ્યા છતાંય પછી પણ જગતની અભરખાઓ વધતી રહે છે ને મારે આ બધુ મેળવવાનું-ભોગવવાનું બાકી રહી ગયું અને સંસારી ભોગ માટે વલખા મારે તે તો ઉલ્ટીના અન્નને ખાધુ ગણાય. રસ્તે ચાલ્યા પછી પણ રસ્તાનો વિશ્વાસ ન હોય અર્થાત્ ઓળખાણ ન હોય ત્યારે માર્ગથી ફગી જવાય છે. ત્યારે માર્ગે ચાલવામાં વિભ્રાંતિ(કન્ફ્યુજન) થઈ જાય છે અંતરમાં તૃષ્ણાઓ ઊભી થાય છે કે આ ત્યાગ માર્ગમાં આવી ગયા તેમાં થોડું ખોટું થઈ ગયું છે, થોડી ઉતાવળ થઈ ગઈ હોય એવું લાગે છે. હવે પડદા પાછળ કોઈ બહાના હેઠળ પણ સંસારના ભોગ મળે તો ભોગવી લઈએ, ભોગની તૃષ્ણાઓ પુરી કરી લઈએ એવી અંદરથી જડપું મરાય જાય અથવા તો લાજ-શરમ મુકીને તેમાં કુદી પડાય ત્યારે તો સ્વામી કહે છે તે “મનુષ્યમાં નવખપે શ્વાન શૂકર તણી જાત કહાવે”-તે અવો ગણાય છે આપણે સંસારના પદાર્થોનો જોગ થવાની ગોઠવણી કરી રાખી હોય તેમાં કોઈ અંતરાય નાખે ત્યારે પણ ક્રોધ ન થવો જોઈએ. મુંજવણ ન આવવી જોઈએ અંતરમાં રાજી થવું જોઈએ. સંસારના ત્યાગેલા પદાર્થો જોઈને અંતરમાં સદાયને માટે અભાવ-અરૂચિ રહેવી જોઈએ. તેની જરા પણ ઈચ્છા રાખે અથવા માલ મનાય અર્થાત્ મહત્વ બુધ્ધિ મનાય તો સ્વામીએ બતાવ્યું તેવું ગણાય. આપણે કથા વાર્તા કિર્તન કરીને પણ અંતે મન નવરૂ થઈને ઉલ્ટીના અન્ન ઉપર જઈને ઊભું રહે છે, દેહની અનુકુળતા શોધીએ છીએ એટલે ઉલ્ટીમાં મન ગયું કહેવાય. ભગવાનના રાજીપા માટે કરીએ તો પણ તેમાં પાછા રાગ ન ઊભા થવા જોઈએ. જ્યાં ક્યાંય જગતના રાગ ઉભા થયા એટલે ઉલ્ટીના અન્નને ચાખવાની ઈચ્છા થઈ જાણવી.
કડી-૩
જ્યાં લગી દેહનેહું કરી જણશે ત્યાં લગી ભોગવિલાસ ભાવે,
શ્વાન શૂકર તે મનુષ્યમાંથી ટળ્યો હરિ તણો જન તે કેમ કહાવે-જ્યાં
“મનુષ્યમાંથી ટળીને શ્વાન સૂકરતણી જાત્ય કહાવે” આ શબ્દો કાંઈ ઓછા છે? કહેવાનું કાંઈ બાકી રાખ્યું છે? જેને ભગવાન પાસે જાવું છે, જેને સાધુતાને માર્ગે જ અંતરની પ્રમાણિકતાથી ચાલવું છે તેણે આ શબ્દો પોતાના અંતરમાં ધારીને પોતાની સાથે મેળવવાના છે ને અંતરથી પાછુ વળવાનું છે. આ વાત તો ભગવાન ના માર્ગમાં સ્થિતિ પામેલાઓની છે સામાન્ય સાધક આટલું સમજીને અનુસંધાન રાખે તો પણ ઘણું છે. શબ્દો અંતરમાં પડ્યા હશે તો અવળે માર્ગે જતા તેની રક્ષા કરશે, તેને રોકશે. બાકી જેણે અંદરથી માની રાખ્યું છે કે ભગવાન પાસે જવું જ નથી તેને માટે તો કાંઈ વાંધો-પ્રતિબંધ છે જ નહિ. જ્યાં સુધી દેહભાવ પડ્યો છે ત્યાં સુધી તે ભોગથી વિખુટો પડી શક્તો નથી. ત્યાં સુધી તેને અનુકૂળતા- પ્રતિકૂળતાની બુધ્ધી જતી જ નથી અને જગતના ભાવોથી પર થઈ શક્તો નથી જ્યાં સુધી અંતરમાં દેહભાવ પડ્યો છે ત્યાં સુધી તેને અભિમાન આવવાનું જ છે તે અભિમાન થી પર થઈ શક્તો નથી. ત્યાં સુધી શાસ્ત્રોકારો તેને પશુબુધ્ધિ કહે છે તે માણસ કહેવરાવાને લાયક નથી. જ્યાં સુધી બીજાના ઉપર તિરસ્કાર બુધ્ધિ રહે છે તે પોતામાં પણ દેહભાવ છે એમ માનવું, પોતાનામાં તેનાથી ઊંચા પણાનું અભિમાન છે એમ માનવું. ક્ષુદ્રવૃતિવાળા ઉપર પણ દયા આવવી જોઈએ તિરસ્કાર નહિ, કંટાળો નહિ. જેની પાસે પશુબુધ્ધિ હોય તેની પાસે અપેક્ષા બીજી શી રાખી શકાય? તેની પાસેથી કોઈ સારી અપેક્ષાઓ સેવવી તે અપેક્ષા રાખનારાની મુર્ખતા કહેવાય. પાડાખાર(કા.૯) એ નરી દેહ બુધ્ધિનું પરિણામ છે. દેહભાવ છોડીને આત્મભાવ કેળવાય પછી સાચો ભક્ત થવાય છે દેહભાવ હોય ત્યાં સુધી તો માણસ પણ નથી બની શકાતું તો ભક્ત ક્યાંથી થઈ શકાય? દેહભાવ હોય ત્યાં સુધી તેણે ત્યાગ કર્યો છે (ભગવા ધારી લીધા છે કે ત્યાગી થઈ ગયો છે) તો પણ ભોગવિલાસમાંથી જીવ ઉખડતો નથી. ભોગવિલાસની મહત્વ બુધ્ધિ તેના હૃદયમાંથી જતી નથી. ત્યાગીને સાબુ, અત્તર, ચોટલીમાં તેલ લગાવવાનો ભાવ થાય, અરિસામાં ચોંટી જવાય એ બધી દેહભાવનાઓ છે. “હું આત્મા છું હું આત્મા છું” એવું રટણ કરતા કરતા પણ દેહ ભાવ ક્યારે આવી જાય છે ને ક્યારે તેમાં ખુંતી જવાય છે તેની ખબર રહેતી નથી. દેહભાવને અનુકુળતા કાંઈ આવી ગઈ ત્યારે ખુશી-ખુશી થઈ જવાય છે. અને બરાબર અનુકુળતા ન રહી ત્યારે હોશ-કોશ ઊડી જાય છે ને દુઃખી દુઃખી થઈ જવાય છે આપણે આપણા બળથી દેહભાવથી બહાર નીકળી શકાતું નથી તેથી જ સ્વામીએ વારંવાર ગુરૂમુખી થવા માટે કહ્યું છે દેહભાવથી પર થયેલા ગુરૂ મળે અને તેને મન સોંપે, તેને આધીન રહે ત્યારે દેહની પરાધીનતા દૂર થાય છે. મહારાજ કૃપા કરે ત્યારે જ દેહભાવને દૂર કરી શકાય છે કારણ કે આ કળિયુગ છે જેમાં કેવળ અને કેવલ દેહભાવની જ બોલબાલા ચાલે છે. જે દેહભાવમાં વધુ પાવરધા તેજ મોટા સાધુ ગણાશે. દેહ ભાવ આવે ત્યારે કલ્યાણ માટે કરેલા સાધન નકામા થઈ જાય છે, દેહના ફાયદામાં વપરાય જાય છે.
કડી-૪
હરિનાજનતે હરિગુણે યુક્ત છે મુક્ત તનનું નહિ માન જેને,
મુક્તાનંદતે સંતજન સુરમા, આપમાં વ્યાપ હરિ હોય તેને.
ભગવાનના ભક્ત કેવા હોય તો સ્વામી કહે છે તે તો ભગવાનના ગુણોથી યુક્ત હોવા જોઈએ. ભગવાનનો ગુણ તે શું? તો જે સારૂ છે તેના જેવું કોઈની પાસે નથી તો પણ તેનું માન નહીં, તેનું અભિમાન નહિ. ભગવાન અજાત શત્રુ છે. ભગવાનમાં કોઈના પ્રતિ તિરસ્કાર નથી તેમ ભક્તના અંતરમાં પણ કોઈ જીવના પ્રતિ તિરસ્કાર ન જોઈએ. બધુ છોડીને ત્યાગી થઈ ગયા, મુક્ત થઈ ગયો હોય તો પણ તેનું અભિમાન ન આવે “મુક્ત તનનું નહિ માન જેને” ત્યારે તેનામાં ભગવાનના અલૌકિક ગુણો આવે છે. ત્યારે તે ભગવાનના ગુણ રહેવાને પાત્ર બને છે. ભગવાનના ગુણ આવે, કોઈપણ સારા ગુણ આવે ને તેનું જો તેને માન આવે ત્યારે તે ભક્ત રહેતો નથી. પ્રાકૃત બની જાય છે. ભગવાનની પરંપરામાં એવું હોતું નથી. ભગવાનના ગુણો આવે ત્યારે તો મુક્ત થાય છે. એવા મુક્તમાં હરિનો વ્યાપ હોય છે. સારા સાધુ પણાના ગુણ મેળવીને પણ તેનું માન આવવા ન દે ત્યારે તેમાં ભગવાન સાક્ષાત નિવાસ કરીને રહે છે. જેમ જેમ વધારે ગુણ આવતા જાય તેમ તેમ નિર્માની અને સેવક બનતો જાય ત્યારે તે ભગવાનને રહેવાનું પાત્ર થયો કહેવાય છે.