ધીર ધુરંધરા, પદ-૩

મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમ રસ પીએ તે જન જાણે,

મૂંડાતે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે… મત.-૧

બાગબગીચે પ્રેમ નવ નીપજે દામ ખરચ્ચે નવ પ્રેમ પામે,

મસ્તક ધડામાં જે જન મેલશે તે ઘટે પ્રેમ પ્રવાહ સામે.મત.-૩

કડી-૧

મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમ રસ પીએ તે જન જાણે,

મૂંડાતે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે… મત

ભગવાનમાં પ્રેમ કરવો તે મતવાલાનો માર્ગ છે. તેને માટે ગાંડુ થાવું પડે છે. ભગવાનનો સાચો રસ એક વાર ચાખી લે તેને એક જાતનો કેફ ચડી જાય છે તે મતવાલો બની જાય છે તેને જગતની સુધી(ભાન) વિસરાય જાય છે લોકો તેને ગાંડો કહે છે. ઓછી બુધ્ધિવાળો ગણે છે. પણ તે માર્ગે ચાલવું વિકટ માર્ગ છે પ્રથમ અંતરથી સર્વસ્વ કુરબાન કર્યા પછી જ પરમાત્માનો સાચો પ્રેમ પામી શકાય છે, માટે કઠણ છે. પરમાત્મામાં પ્રેમ થતા સુખ-દુઃખ કોઈ તેને ધ્યાનમાં આવતા નથી. કાંઈ ગણત્રીમાં આવતા નથી તે મતવાલા કહેવાય છે. જ્યાં સુધી મહારાજ માટે સાચો પ્રેમ કે સાચી ભક્તિ નથી જાગી ત્યાં સુધી નાટકીય ઢંગથી સાચા મતવાલા થવાતું નથી. જ્યાં સુધી ભગવાનને પામવાની લાય લાગતી નથી(બર્નિંગ ડિઝાયર થતી નથી.) ત્યાં સુધી મતવાલા થવાતું નથી. આજ તો માણસને પ્રચારની કે પબ્લીસીટીની જંખના લાગી પડી છે, કર્તવ્ય કરવું નથી. જે કર્તવ્યમાં લાગી જાય છે તેને પ્રચાર કરવો પડતો નથી. ભગવાનમાં પ્રેમ કરવો તેમાં જગતથી ઉલ્ટી રીત હોય છે આમાં કેવળ આપવાનું જ, ત્યાગ કરવાનું જ અને ઘસાવાનું જ હોય છે જ્યારે જગતમાં તો કેમ બીજા પાસેથી મારી પાસે લઇ લઊં, હું ક્યાંય રખેને ઘસાય જાઊં નહિ તેની જ ખેવના હોય છે. તે કદાપિ પણ ભગવાનનો પ્રેમનો માર્ગ પામી શક્તા નથી. ભગવાનનો પ્રેમ એ પ્રદર્શનની વસ્તુ નથી. એ છુપાવવાની વસ્તુ છે. પ્રદર્શન કે પોતાને પ્રેમી તરીકે પ્રચાર કરવાથી તે વાસ્તવમાં ઘટી જાય છે ને તેના પ્રેમનું કેન્દ્ર બિંદુ(સેંટર) હટી જાય છે. જો કે સાચા પ્રેમમાં પ્રદર્શન વૃતિ ક્યારેય ઉઠતી જ નથી સદા ગોપનીયતા પર જ વૃતિ રહે છે. પ્રદર્શન વૃતિ ધરાવે છે તેને સ્વામીએ મૂંડા કહ્યા છે. મુંડા એટલી ભીખ માંગનારા- ભીખારી. મુંડા મજીઠની કિંમત આંકી શકતા નથી મજીઠ એ જુના જમાનામાં ખુબજ કિમતિ ચીજ(એક જાતનો રંગ) ગણાતી. ખાસ કરીને નવી પરણેતાને ચુડલો રંગવામાં તે વપરાતો તેની ચટકી આકર્ષીત હતી તેને જેમ જેમ ઘુંટવામાં આવે તેમ તેમ વધુ ઘેરો અને ચટકીદાર બનતો હોય છે તેમ જેમ જેમ ભક્તની કસણી થાય તેમ તેમ ભક્તિનો રંગ ચડવો જોઈએ મનનું ધાર્યું મુકીને કસણી ખમે ત્યારે રંગ ચડે છે કસણી વિના ભક્તિમાં રંગ આવતો નથી. મજીઠનો કિંમતી રંગ શ્રીમંત લોકોજ ખરીદી શક્તા, અને વાપરતા. ભીખારીઓ બિચારા ક્યાંથી વાપરી શકે? તે તેનો પાડ એટલે ભાવ ક્યાંથી પૂછે? પોતાની પાસે ખરીદ કરવાની તાકાત જોઈએને? મુંડા એટલે અજ્ઞાની. જેને ભગવાનનો માર્ગ જ હાથમાં નથી આવ્યો. જેઓ પોતાની ભક્તિ(ભક્તિની નાટકીયતા) ના પ્રચારમાં લાગી જાય છે, ભક્તને બહાને દુનિયાના માન-મોટાઈ કે સન્માનમાં જ જેની નાડીઓ તણાય ગઈ છે અને રસ્તો બદલી જાય છે તે સ્વામીએ તાવેલા અંહિ મુંડા જેવા કહેવાય.

કડી-ર

વર્ણ આશ્રમતણી આડ મહા વિકટ છે તે કેમ પાધરી વાત પ્રીછે,

શીશ આર્યા વિના શ્યામ રીઝે નહી, શીશ અર્પે જે કોઈ શરણ ઈચ્છે. મત

“વર્ણ આશ્રમ તણી આડ મહા વિકટ છે….……” વર્ણ અને આશ્રમધર્મ અંતરની શુધ્ધિ માટે પાળવાના છે મહારાજની આજ્ઞા છે માટે પાળવાના છે અને ભક્તિમાં વિઘ્ન ન આવે અને અખંડ રહીને ફળ આપવા સક્ષમ થાય તથા રહે તેને માટે પાળવાના છે. પણ એજ વસ્તુ અતિશયતામાં ચાલી જાય ને ભગવાનમાં જોડાવામાં અંતરાય રૂપ ન બની જવા જઈએ. વર્ણાશ્રમ ધર્મ ભગવાનમાં જોડાવામાં અંતરાય રૂપ ત્યારે બની જાય છે. જ્યારે તે શુધ્ધિ માટે અને રક્ષણ માટે ન થઈને અહંકારનું કારણ અને અહંકારના પોષક બની જાય. મનમાં એવો અહંકાર પેદા થાય કે આપણા જેટલું બીજા કોઈ પાળતા નથી. પાળવાનું પ્રયોજન બીજાથી આગળી નીકળી જવાનું નથી પણ ભગવાનનો પરિતોષ થાય એ હોવું જરૂરી છે પરંતુ શુધ્ધા-શુધ્ધિ કે વિધિનિષેધ પાળતો પાળતો માણસ અતિશયમાં ચાલ્યો જાય છે પછી કેટલા વખત હાથ ધોયા કે કેટલા વખત નાહ્યા-ધોયા તેનો સરવાળો કરવામાં લાગી જાય છે. કેટલા વખત ભગવાન યાદ આવ્યા તેનું ભૂલાય જાય છે અને તેનું માપ દંડ પણ તેજ બની જાય છે. ત્યારે તે વર્ણાશ્રમ ધર્મ ભગવાનમાં જોડાતા આડરૂપ બની જશે અને બીજી બાજુ વર્ણાશ્રમનું મહત્વ ઓછું છે એવું બતાવીએ તો પણ આ જીવ ધર્મ નિયમથી ઉતરતો ઉતરતો કેવળ વિષયનો કીડો બની જાય છે માટે સ્વામી કહે છે કે સવળુ સમજવું. મહાવિકટ છે જો ન પાળે તો પણ જગતમાં ભરાવાનો છે ને તેમાં જ વધુ ઉતરી પડે તો પણ જગતમાં ભરાવાનો છે ને તેમાંજ વધુ ઉતરી પડે તો પણ તે જાળામાં થી બહાર નીકળવાનો નથી. આચાર ધર્મ તેમાં ને તેમાં ફસાવા માટે નથી પરંતુ તેમાંથી બહાર નીકળીને ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે પાળવા ના છે. આપણે બરાબર વર્ણાશ્રમ મર્યાદા પાળીએ ને પછી ફુલાય જઈએ કે અમારા જેવા કોઈ ન પાળી શકે. ત્યારે તો તેમાં જ ફસાણા ગણાઈએ પણ જીવને તેવું થયા વિના રહેતું નથી. સ્વામી કહે છે કે “ શીશ આર્યા વિના શ્યામ રીજે નહિ” શીશ અર્પવાનો અભિપ્રાય છે અહંકાર અર્પવાનો. અહંકાર ટાળ્યા વિના ભગવાન રાજી થવાના નથી. સારો વર્ણાશ્રમ પાળીને અહંકાર ઓછો કરવાનો છે પણ તે મહાવિકટ છે. ગીતામાં ભગવાન કહે છે કે,

न मां दुष्कृतिनो मुढा प्रपद्यन्ते नराधमा : ।

मायया अपहृतज्ञाना आसुरं भाव माश्रिताः ।।

અહંકારી ક્યારેય મારે શરણે આવતો નથી. પછી તે અહંકાર દુર્ગુણના પરીણામ રૂપ પણ હોય શકે અથવા પોતાના ગુણના યોગે ઉભો થયેલો પણ હોય શકે પરંતુ તે ક્યારેય ભગવાનનું અનન્ય શરણું લઈ શક્તો નથી.

કડી-૩

બાગબગીચે પ્રેમ નવ નીપજે દામ ખરચ્ચે નવ પ્રેમ પામે,

મસ્તક ધડામાં જે જન મેલશે તે ઘટે પ્રેમ પ્રવાહ સામે…–મત

ભગવાનમાં વિશુધ્ધ પ્રેમ થવો તે સાધનોનું પરિણામ હોઈ શક્તો નથી. અનન્ય શરણાગતિનું પરિણામ બની શકે ખરો. બાગ બગીચે પ્રેમ નવ નીપજે તેનો અર્થ શો? પરમાત્માનો પ્રેમ પામવો એટલો બધો સુલભ-સહેલો નથી કે ચાલો ફરવા ગયા ને ખરીદી કરતા આવ્યા. એ તો કહ્ય કે દામ ખરચ્ચે નવપ્રેમ પામે. જો તેમ હોત તો પૈસાદાર લોકો કોઈના ભાગમાં આવવા દેત નહિ ને એકલા સંગ્રહ કરી લેત. પછી કાળા બજાર કરત. પણ ભગવાને તેમ રાખ્યું નથી “પ્રેમ ન હાટે વેચાય રે” એટલે શું? એ દુકાનેથી વેચાતો લઈ શકાતો નથી. તપ, ત્યાગ, વૈરાગ્ય એ બધી સાધના માર્ગની સમૃધ્ધિ છે પણ તેના વિનિમયથી પણ પ્રેમ મળતો નથી. જ્યાં સુધી પોતે ન વેચાય જાય, પોતે સર્મપિત ન થઈ જાય ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ થતો નથી. અને ભગવાન નો પ્રેમ પણ પમાતો નથી તેને કોણ પામે? તો મસ્તક ધડામાં જે જન મેલશે….. અર્થાત્ માથુ ભગવાનના ખોળામાં સોંપશે, અનન્ય શરણાગત બની જશે સંપૂર્ણ પણે અભિમાનનો ત્યાગ કરશે તે ભગવાનના પ્રેમને પામી શકે છે. ભગવાનની અનન્યભક્તિ પામવામાં અભિમાન જેવું કોઈ બાધક નથી. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે કે “ઈશ્વરસ્ય અભિમાની દ્વેષીત્વાત્ ભગવાનને અભિમાન અને તેથી જ અભિમાની ઓ પ્રત્યે દ્વેષ રહે છે, તેઓની એલર્જી રહે છે. પાપીઓની એલર્જી નથી. તેમના ઉપરતો ભગવાન દયા કરે છે ખરા, પણ અભિમાનીઓ ઉપર દયા કરતા નથી. અભિમાનીઓના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. માથું ખોળામાં મુકવું એટલે કોઈ જાતનો સંકલ્પ ન થવો અતિ વિશ્વાસ હોવો. બિલાડીના બચ્ચા બની જવું. બિલાડી સાત ઘેરે ફેરવે ત્યારે બચ્ચા આંખ ખોલે તેને કોઈ જાતની ફીકરી હોતી નથી. ભુખ્યા થાય ત્યારે ખાલી મ્યાઉ મ્યાઉ કરે. બિલાડી સાતમે ઘેર દૂર હોય તોય જલ્દી પહોંચી જાય. તેમ ભક્ત છે તે અભિમાન શુન્ય થઈને ભગવાનને પોકારે છે, નિરાભિમાની અને અનન્ય શરણાગતનો પોકાર ભગવાન સંભાળે તો ભગવાન ગમે ત્યાંથી ભક્ત પાસે પંહોચી જાય છે. ને તેની ભીડ્ય ભાંગે છે. પરંતુ કુરબાન થયા વિના એ કામ થાતું નથી.

કડી-૪

સુરનર મુનીતની સાંચખૂંતે નહિ ચૌદલોકમાં એ અગમ સહુને,

મુક્તાનંદએ અગમરસ અતિ ઘણો સદ્ગુરૂ મોજથી સુગમ બહુને.

સુર એટલે દેવતાઓ, દેવતાઓ ભોગી છે અને આલોકના ધનવાન સુખી માણસો પણ ભોગી હોય છે. ભોગી માણસો પોતાની જાતને છોડીને બીજાને કોઈને પ્રેમ કરી શક્તા જ નથી. પછી ભલે તે આલોકનું કોઈ પાત્ર હોય અથવા ખુદ ભગવાન કેમ ન હોય પણ ભોગી માણસો બીજાને પ્રેમ કે બીજાને સર્મપણ કરી શક્તા નથી. અને ક્યારેક પોતે બીજા પ્રત્યે સમર્પિત છે. બીજાને અતિ પ્રેમ કરે છે પરોપકાર કરે છે એવું બતાવવામાં તેઓ હોશિયાર હોય છે, કારણ કે તેમ કરવામાં તેની આજીવિકા સમાયેલી હોય છે. જો એવા પોતાને ન બતાવે તો પોતાને ભોગ પામવામાં મુશ્કેલી પડે અથવા થોડા ઓછા પ્રાપ્ત થાય માટે તેવી હોશિયારી પ્રાપ્ત કરવી તેની મજબુરી હોય છે. તેથી દેવતાની અને આલોકની સમૃધ્ધિથી પોતાને સમૃધ્ધ માનનારાની તો ચાંચ ખૂંતતી નથી. તેમાં પ્રવેશ પણ થતો નથી. પણ મુનિઓનું પણ સ્વામી એ લખી દીધું. ભગવત પ્રેમ પામવામાં મુનિઓની પણ ચાંચ ખૂંતતી નથી કારણ કે મુનિઓ દેવતા જેવા સ્વાર્થીતો નથી પણ પોતાનું સાત્વિક અભિમાન હોય છે. તેઓ પણ બિલકુલ તે અભિમાન છોડીને અભિમાન શુન્ય થઈ શક્તા નથી. ભગવાનનો પ્રેમ રસ નિરાભિમાની થયા વિના, તેના પાત્ર થયા વિના રહી શક્તો નથી. સ્વામી કહે છે કે ચૌદલોકમાં એ અગમ છે, કોઈ તેને જાણતા પણ નથી અતિ અગમ એવો ભક્તિને રસ તે સાચા સદ્ગુરુની મોજથી સુગમ બની જાય છે. દરિયાને તળિયે રત્ન-મોતીઓ પડ્યા હોય જે કોઈ ડુબકી મારવા માત્રથી તેના હાથમાં આવી જતા નથી. કદાચ કોઈ મરજીવો ડુબકી મારે તો મુઠી ભરી આવે ખરો પણ પૂર્ણ ચંદ્રમાંને જોઈને સમુદ્રની વેળ આવે-ભરતી ચડે અને આકાશને બાથ ભરતા લોઢ ઉઠે ત્યારે ઠેઠ તળિયામાંથી ઉમટ આવે છે ત્યારે તે મોજામાં રત્નો પણ બહાર આવી જાય છે. તેમ કોઈ એવા નિર્માની અનન્ય સેવક-શિષ્યને જોઈને-ભક્તને જોઈને ભગવાનને અથવા સમર્થ ગુરૂઓને રાજીપાનો ઉછાળો આવી જાય, હૃદયની ઉલટ આવી જાય ત્યારે તેને ભગવાનમાં સાચો પ્રેમ થઈ જાય છે. ત્યારે તેને ભગવાનમાં પ્રેમ કરવો સુગમ થઈ જાય છે. સમુદ્રના મોજામાં દરરોજ કાંઈ રત્નો નિકળી પડતા હોતા નથી. દરરોજ તો શંખલી-છીપલા હોય છે. મોજતો ક્યારેક જ આવતી હોય છે. તે મોજને મેળવવા અતિ ગરજુ રહીને તપ-ત્યાગ, વૈરાગ્ય, કથા વાર્તા, ભજન ભક્તિ સેવા કર્યા જ કરવું જોઈએ. “પડા રહે દરબારમેં ધક્કા ધણીકા ખાય, કબહુક લહેર મહારાજકી દુઃખદરિદ્ર જાય” એક આશરામાં પડ્યો રહે ત્યારેક મહારાજ કે મોટા ભક્તોની મોજ આવી જાય ત્યારે આપણું કામ થઈ જાય પણ મોજ મેળવવા તેની વાટ જોઈને દરરોજનું રૂટિંગ મુકી દેવાનું નથી. તેમાં વધારો કર્યા કરવાનો છે.