રાગ:- ધન્યાસરી
જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ માહ મહિને માવઠુંજી ।
વિવાયે વે’ચાણી લાંણીમાં એલઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ।।૧।।
રાગ :- ઢાળ
સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ ।
જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।।
તેમ ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ ।
પાકી મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।।
જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ ।
તે સમઝુ કેમ સમઝિયે, જે રાચ્યો રાંધવા પાષાણ ।।૪।।
એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત ।
જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।।
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ ।
જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।।
એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય ।
ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ।।૭।।
જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની ।
તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।।
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન ।
રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન ।।૯।।
પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપ સમ થાય ।
નિષ્કુળાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગ માંય ।।૧૦।।
વિવેચન
સ્વામી કહે છે કે જ્યારે સાધક ઘરનો ત્યાગ કરીને ભગવાનની સેવા-ભક્તિ કરવા તૈયાર થાય છે અને જો બરાબર પરમાત્માનું લક્ષ્ય રાખી ને સેવા કરે છે ભક્તિ કરે છે તો જાવા જઈને નિહાલ થઈ જાય છે ને પેઢીની પેઢીઓને નિહાલ કરે છે તેવું થાય છે પણ ત્યાં જઈને જેમ અત્યારના સમય પ્રમાણે અમેરીકા જઈને ફેલ ફતુરમાં અવળી લાઈને ચડી ગયો તો જનમ વગોવાય-નકામો થાય. એ તો જેમ મહા મહિનામાં માવઠું થયું તેવું થાય છે ત્યારે માવઠું સર્વ પ્રકારે વધારેમાં વધારે (ખાસ કરીને ખેડુત લોકોને) પાકને નુકશાન કરનારૂ થાય છે.
ઠંડી વધારનારૂ, રોગચાળો ફેલાવનારૂ બની રહે છે. સ્વામી કહે છે ત્યાગી થઈને સાચા ભાવમાં મહારાજની સેવામાં ન જોડાવાયું તો મહા મહિને માવઠાં જેવું થયું કહેવાય. અને લગ્ન પ્રસંગમાં એઠાંની લ્હાણી વહેંચાણી કહેવાય. તે સારૂં થયું ન કહેવાય. પાણી મળવા છતાં મેલ ધોયો નહિ. ભક્તિ જીવનો સર્વ મેલ ધોવામાં શક્તિમાન છે પણ આણે તેવું ન કર્યું. જેમ વિષ્ટાનો કીડો-ગીંગો ગંગામાં ન્હાય તોય દુર્ગંધ જાય નહિ. તેમ સ્વામી કહે છે કોઈ મહારાજની ભક્તિ તો કરવામાં જોડાય તો પણ જાતિ સ્વભાવ-નબળા સ્વભાવો મુક્યા નહિ. તો તેને ભક્તિ ફાયદો કેમ કરી શકે? જેમ પાકી માટી હોય તો તેનો ઘડો બનવો શક્ય ન બને તેમ અહંકાર, ઉધ્ધતાઈ, દૂરાગ્રહ તથા બીજા નબળા સ્વભાવ દૂર કરી ભગવાનની સેવા કરે ત્યારે તો તે ભક્તિ તેના જન્મોજન્મના મેલને ધોય નાખે છે. પણ સ્વભાવને ભક્તિ કરતાં કરતાં પણ સંઘરીને સાચવી રાખે તો મેલ ન ધોવાય. જેમ કોઈ સમુદ્રને બાહુબળે તરવાનો વિચાર કરે અથવા કોઈ પથ્થરને ચુલા ઉપર મુકી રાંધવાનો વિચાર કરે તો તે સમજું ન ગણાય. તેમ જે અહંકારને વરેલા છે, ઉધ્ધત છે ને ભગવાનની સેવાને ઓથે કે ભક્તિના બહાને પોતાનો દૂરાગ્રહ જ પુરો કરવા મથતા હોય તેવા આસુરી સ્વભાવના વ્યક્તિઓ ને ભગવાનની સેવા કરવાનો કે ભક્તિ કરવાનો મહિમા અડતો નથી. એણે તો તમામ શાસ્ત્રોના અર્થ પોતાના સ્વાર્થમાં કે નબળાઈ પુરી કરવાના ઇરાદામાં બંધ બેસે તેમ ગોઠવી રાખ્યા હોય. તેને ભોળા ભગતનો ઉપદેશ અડે નહિ. જે ઝાડની જાડી ડાળી પણ ચાવી જાતો હોય તેને પાંદડા ચાવવા શું કઠણ પડે? માટે એવાને ઉપદેશ દેવાનો કે સમજાવવાનો કોડ ન રાખવો. તેનાથી જરા દૂર રહેવું. રખે આપણો ભક્તિ ભાવ ઓછો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. તેમાં કાંઈ ફેરફાર થાય તેવું હોય નહિ. એ પણ આપણો ઉપદેશ સાંભળી ભક્તિ કરશે એવો ખોટો ડોડ ન રાખવો. જેના અંતરમાં ભગવાન પ્રત્યે કે તેમના અનન્ય ભક્ત પ્રત્યે સદ્ભાવ હોતો નથી તે ક્યારેય ભક્તિ કે સેવા કરી ન શકે. ભક્તિ તો કોઈ ભાગ્યશાળી વિરલા જ કરી શકે જે અતિ ખપવાળા હોય, સેવા કરતા અતિ ગરજવાન હોય તેનાથી જ પાર ઉતરી શકાય છે. જેને એક ભગવાનની સેવા-ભક્તિ કરવાની જ રૂચિ હોય છે, તેજ ભાવતું હોય છે. બાકીના ખાન-પાન વિગેરે ભોગોમાં અરૂચિ હોય તે જ
ભગવાનની સેવા કે બીજા કોઈની સાચા ભાવમાં સેવા કરી શકે છે. જેને ભોગમાં રૂચિ છે ને ભોગમાં જ મન તણાય છે તે ક્યારેય ભગવાનની કે ભગવાનના ભક્તોની સેવા કરી શક્તા નથી. ભક્તિ વિના બ્રહ્મલોકના સુખમાં ક્યાંય લોભાય નહિ, એક મહારાજની સેવા માટે લલચાય રહે તેવા ભક્તો ભગવાનની સેવા કરી શકે છે. જેમ ભગવાનનો વિરહ જાગે છે તેમ જેને ભગવાનની સેવાનો વિરહ જાગે, તેના વિના એક પળ કલ્પ સમ વિતાવવી કઠણ પડે તે જ ભક્ત પરમાત્માની સેવાને કે તેના અનન્ય ભક્તની સેવાને સાંગોપાંગ પાર ઉતારી શકે છે. અને સ્વામી કહે છે એવા વિરહી ભક્તો(બર્નીગ ડીઝાયર વાળા) માટે ભગવાન યુગ યુગ માં પોતાના દિવ્ય ધામમાંથી અહિં અવતાર લઈને આવે છે.