ભક્તિનિધિ – કડવું ૧૪

રાગ:- ધન્યાસરી

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દિયે કામ એજ એકલીજી ।

એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જે જે કે’વાય છે જેટલીજી ।।૧।।

રાગ :- ઢાળ

તેણે ફાળ ભરી ફળ જોઇને, કોઇને ન પૂછી વાત ।

એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાય છે લાત ।।૩।।

જગનનું ફળ શું જડ્યું, પડયું પસ્તાવું પાછું વળી ।

એવી પરોક્ષ ભક્તની પ્રાપતિ, શ્રવણે લીધી છે સાંભળી ।૫।।

માટે પ્રગટથી જેવી પ્રાપતિ છે, તેવી નથી પરોક્ષની માંય ।

એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો સદાય ।।૭।।

વાંચી કાગળ કોઇ કંથનો, જેમ નાર અપાર રાજી થઇ ।

પણ પ્રગટ સુખ પિયુતણું, અણુ જેટલું આવ્યું નઇ ।।૯।।

વિવેચન

પ્રગટ ભગવાનની ભક્તિ કે સેવા એ મોક્ષનું અતિબળવાન સાધન છે જે યોગ્ય રીતે થાય તો તે એકલી જ જીવનું કલ્યાણ કરી દે છે. બીજા સાધનો કરવાની જરૂર રહેતી નથી. તેના વિના મનની માની જેટલી કાંઈ ભક્તિ કે સાધનો છે તે મનને મનાવવાના રસ્તા છે અને કલ્યાણના માર્ગથી ભટકી પડવાના રસ્તા છે. સ્વામી કહે છે કે રાજાની ખોટલે જેમ વાંદરો રાજગાદીએ બેસાર્યો ત્યારે તો રાજાના સત્કારમાં બધી પ્રજા ફળફુલ તથા બીજી સામગ્રી લાવતા હોય છે તે ફળનો છાબ જોઈને વાંદરા એ તો રાજગાદી ઉપરથી છલાંગ મારીને ઝપટ મારી. એવી પરોક્ષ ભક્તિ છે સાચો રાજા ગાદીએ બેસે અને વાંદરો બેસે તેમાં તેટલે તફાવત રહે છે તેટલો પરોક્ષ ભક્તિ અને પ્રગટની ભક્તિમાં રહે છે. પ્રત્યક્ષની

સેવામાં અને પરોક્ષ સેવામાં રહે છે. ભક્તિમાં મનધાર્યું મુકીને ધણીની મરજી પ્રમાણે કરાતી ભક્તિમાં ફેર રહે છે જેમ મથુરાના બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યારે “ૐ શ્રીષ્ણાય નમઃ સ્વાહા, ૐ શ્રી વાસુદેવાય નમઃ સ્વાહા’ કરતા હતા પણ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ માટે જ્યારે ભોજન લેવા ગયા તો સળગતા ઊંબાડીયા લઈને પાછળ દોડ્યા ત્યારે તે યજ્ઞથી તેને કોઈ વધારે ફાયદો થયો નહિ ને પસ્તાવું પડયું. એવી પરોક્ષ ભક્તિનું ફળ છે. પરંતુ એ બ્રાહ્મણ પત્નિઓને ધન્યવાદ ઘટે છે તે બ્રાહ્મણોએ મનાઈ કરવા છતાં તેમણે યજ્ઞનું તૈયાર કરેલું હવિષ્યાન્ન યજ્ઞમાં હોમ્યા પહેલા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણને જમાડ્યુ ત્યારે યજ્ઞથી પણ અધિક ફળને પામીને પરમ પદવીને પામી ગઈ. કુશળકુંવરબાઈ મહારાજ મળ્યા પહેલા જે ભક્તિ કરતા હતા તે પરોક્ષભક્તિ કહેવાય ને મહારાજ મળ્યા પછી જે ભક્તિ થઈ તે પ્રત્યક્ષની ભક્તિ થઈ. અભયરાજા અને તેનો પરિવાર પણ મહારાજ મળ્યા પહેલા ખુબ જ ભક્તિ ભાવ વાળો હતો ને સાધનો કરતા હતા તે પરોક્ષ ભાવ થયો કારણ કે કોઈ એક ભગવાન છે તેને રાજી કરવા આ સાધન કરીએ છીએ. પણ કોઈ નિશ્ચિંત વ્યક્તિને ઉદેશીને કરવામાં આવતું નથી. ત્યારે પરોક્ષ ભાવ રહે છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેવી પ્રગટની ભક્તિથી પ્રાપ્તિ થાય છે તેવી પ્રાપ્તિ પરોક્ષ ભાવે કરવામાં આવેલ ભક્તિથી થતી નથી. માટે પ્રગટ ભક્તિ અને પરોક્ષ ભક્તિમાં ઘણો તફાવત છે એમ નિશ્ચિંત માનવું જોઈએ. જેમ કોઈ અતિ પ્રિય વ્યક્તિ હોય ને તે મુખોન્મુખ વાત કરે ને જે આનંદ આવે છે તેવી દૂરથી સંદેશ મોકલે તેમાં આવતો નથી. કાને સાંભળેલી વાત જ્યારે માણસ બીજાને કહે અને પોતે પ્રત્યક્ષ જોઈને બીજાને કહે તેમાં જેમ ભેદ છે તેમ તફાવત રહે છે પ્રત્યક્ષ અનુભવ કરીને વાત કરનારાને પોતાને પણ કોઈ શંકા-કુશંકા રહેતી નથી. અને તે બીજાનું સમાધાન પણ કરી શકે છે તેવું કાનની સાંભળીને થતું નથી. કોઈ પોતાના પ્રિયતમનો પત્ર વાંચીને રાજી થાય છે. પણ પ્રત્યક્ષ પ્રિયતમનું સુખ તેને પ્રાપ્ત થતું નથી. માટે અંતરમાં ઊંડો શાસ્ત્ર વિચાર કરીને, શાસ્ત્રના ઈતિહાસો તપાસીને જોવાથી જણાશે કે પ્રગટની ભક્તિ કે સેવાથી જે મનુષ્યો કે દેવતાને પ્રાપ્તિ થઈ છે તે પરોક્ષમાં થઈ નથી.