ગી.અ-10, શ્લોક 12 to 18

શ્લોક ૧૨-૧૮

અર્જુનદ્વારા ભગવાનની સ્તુતિ તથા વિભૂતિ અને યોગશક્તિને કહેવા માટે પ્રાર્થના

અર્જુન બોલ્યા

परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्‌।

पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम्‌।।१२।।

आहुस्त्वामृषय: सर्वे देवर्षिनारदस्तथा।

असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे।।१३।।

અર્થ : અર્જુન પૂછે છે-આપ જ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર પતિતપાવન છો. અને આપને જ શાશ્વત પુરુષ, દિવ્યમૂર્તિ, આદિદેવ, અજન્મા અને વિભુ સર્વવ્યાપક છો. એમ બધા મહર્ષિઓ કહે છે. તેમજ દેવર્ષિ નારદમુનિ. અસિત, દેવળ અને વ્યાસમુનિ, એ સર્વે તથા આપ પોતે પણ મને એમ જ કહી સમજાવો છો. ।।૧૨-૧૩।।

સામે બેઠેલા ભગવાનની સ્તુતિ કરી રહેલા અર્જુન કહે છે કે, મારા પૂછવાથી જેને આપે પરબ્રહ્મ (ગી.૮/૩) કહ્યા છે તે પરમ બ્રહ્મ આપ પોતે જ છો. જેનાથી સમગ્ર જગત ધારણ કરાઈ રહ્યું છે, તે પરમ ધામ આપ જ છો. જેને પવિત્રથી પવિત્ર ચીજ બતાવી છે, તે આપ જ છો. ગ્રંથોમાં ઋષિઓએ, દેવર્ષિ નારદે, અસિત, દેવલ, મહર્ષિ વ્યાસજીએ આપને શાશ્વત, દિવ્ય, આદિદેવ, અજન્મા અને વિભુ કહ્યા છે. તમો પણ બતાવી રહ્યા છો.

सवंमेतदृतं मन्ये यन्मां वदसि केशव।

न हि ते भगवन्‌ व्यक्तिं विदुर्देवा न दानवा:।।१४।।

અર્થ : હે કેશવ ! આપ મને જે કહો છો, તે સઘળું હું સત્ય જ માનું છું. ખરે-ખર હે ભગવન્‌! આપના વ્યકિત-ભાવને તો નથી દેવો જાણતા, કે નથી દૈત્યો જાણતા. ।।૧૪।।

અર્જુન કહે છે કે, હે કેશવ ! સાતમાં અધ્યાયથી નવમા અધ્યાય સુધી આપ મારા પ્રત્યે આપનું જે રહસ્ય બતાવી રહ્યા છો, તે બધું હું સત્ય માનું છું. વળી एतत्‌ શબ્દથી આ દસમાં અધ્યાયમાં તમે કહો છો, તે પણ હું સત્ય માનું છું. ભક્તિમાર્ગમાં વિશ્વાસનું પ્રાધાન્ય છે. ભગવાને અર્જુનને પહેલા શ્લોકમાં પરમ વચનને સાંભળવાની આજ્ઞા આપી હતી. એ જ પરમ વચનને અર્જુન અહીં ‘ऋतं’ અર્થાત સત્ય કહીને, પોતાનો તેના ઉપર વિશ્વાસ પ્રગટ કરે છે.

न हि ते भगवन्‌ व्यक्तिम्‌ આપે (ગી.૪/૫માં) કહ્યું છે કે મારા અને તારા ઘણાય જન્મો વીતી ચૂકયા છે. તે બધાને હું જાણું છું, તું નથી જાણતો. એ જ રીતે આપે (ગી-૧૦/૨માં) કહ્યું છે કે મારા પ્રગટ થવાને દેવતા અને મહર્ષિઓ પણ નથી જાણતા. પોતાના પ્રગટ થવાના વિષયમાં આપે જે કહ્યું છે કે તે બધું બરાબર જ છે, સત્ય છે. એમ હું માનુ છું. કારણ કે મનુષ્યોની અપેક્ષાએ દેવતાઓમાં જે દિવ્યતા છે, તે દિવ્યતા ભગવત્‌તત્ત્વને જાણવામાં કાંઈ પણ કામમાં આવતી નથી. તે દિવ્યતા પ્રાકૃત અને ઉત્પન્ન-નષ્ટ થઈ જવાવાળી છે. એટલા માટે તેઓ આપના પ્રગટ થવાના તત્ત્વને તથા હેતુને પૂરેપૂરા નથી જાણી શકતા, તો દાનવો તો જાણી જ કેવી રીતે શકે? છતાં પણ અહીં दानवा: પદ આપવાનું તાત્પર્ય અને તે પણ દેવતાઓના પછી આપવાનું તાત્પર્ય છે. દાનવોની પાસે ખૂબ જ પ્રાકૃતિક વિલક્ષણ જ્ઞાન છે. જે દેવતાથી પણ વિશેષ છે. જેથી દેવતાઓથી પણ તેઓ વિશેષ પ્રભાવ બતાવી શકે છે; પરંતુ તે માયાવી પ્રભાવથી તેઓ ભગવાનને જાણવામાં તો દેવતાઓથી પણ અતિ દૂર રહે છે. ભગવત્‌તત્ત્વ સામે દાનવોની બુદ્ધિશક્તિ તદ્દન કુંઠિત થઈ જાય છે.દાનવોની માયાશક્તિ ગમે તેટલી વિલક્ષણ હોવા છતાં, પ્રાકૃત છે, સીમિત છે. નાશવંત છે. તે ભગવાન તરફ લક્ષ્ય પણ કરી શકતી નથી.

તાત્પર્ય એ થાય છે કે મનુષ્ય, દેવતા, દાનવ વગેરે કોઈપણ પોતાની શક્તિથી, યોગ્યતાથી કે બુદ્ધિથી ભગવાનને નથી જાણી શકતા. કારણ કે તેઓની શક્તિ પ્રાકૃત છે અને ભગવાન પ્રકૃતિથી અતીત છે. ત્યાગ, વૈરાગ્ય, તપ, સ્વાધ્યાય જ્ઞાન (જીવનું જ્ઞાન અર્થાત્‌જ્ઞાનશક્તિ) વગેરે અંતઃકરણને નિર્મળ કરનારા જરૂર છે; પરંતુ એમના બળથી ભગવત્‌તત્ત્વને નથી જાણી શકાતું. અગમ્ય ભગવદ્‌તત્ત્વને નથી જાણી શકાતું. ભગવાનને તો અગમ્ય ભાવે તેમને શરણે થઈને તેમની અનન્ય ભક્તિ કરીને, તેમની કૃપાથી યથાર્થ જાણી શકાય છે.(ગી.૧૦/૧૧, ૧૧/૫૪)

स्वयमेवात्मनात्मनं वेत्थ त्वं पुरुषोत्तम।

भूतभावन भूतेश देवदेव जगत्पते।।१५।।

અર્થ : હે ભૂતભાવન !-ભૂત-પ્રાણી માત્રને વૃદ્ધિ પમાડનાર ! હે ભૂતેશ ! ભૂતમાત્રના નિયંતા, હે દેવદેવ ! હે જગત્પતે ! અને હે પુરુષોત્તમ ! તમે જ એક તમારા સ્વરૂપને તથા મહિમા સામર્થ્યને તમારી મેળે જ સ્વયં પોતે જ જાણો છો. ।।૧૫।।

આ શ્લોકમાં ભગવાનના પાંચ સંબોધન આવ્યા છે. આટલા સંબોધનો સંપૂર્ણ ગીતાના બીજા કોઈપણ શ્લોકમાં નથી આવ્યા. કારણ કે ભગવાનની ભક્તો ઉપર કૃપા કરવાની રીત જોઈને અર્જુન અતિ ભાવવિભોર બની ગયા છે અને એક સાથે પાંચ સંબોધનનો પ્રયોગ કરે છે.

અર્જુન કહે છે કે હે ભગવન્‌! કેવળ આપ જ આપની સર્વજ્ઞતાને કારણે આપના વિષયમાં સંપૂર્ણપણે જાણો છો. માટે તમે જ બતાવી શકશો.

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतय:।

याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि।।१६।।

અર્થ : માટે આપની દિવ્ય-સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ મને સમગ્રપણે કહેવાને યોગ્ય છો. કે જે વિભૂતિઓથી આ સર્વ લોકમાં આપ વ્યાપીને રહેલા છો. ।।૧૬।।

ભગવાને પહેલાં-સાતમાં શ્લોકમાં-એ વાત કહી હતી, કે જે મનુષ્ય મારી વિભૂતિઓને અને યોગને તત્ત્વથી જાણે છે, તેનો મારામાં અચળ ભક્તિયોગ થઈ જાય છે. એ સાંભળીને અર્જુનના મનમાં થયું કે ભગવાનમાં ભક્તિ થવાનો આ બહુ જ સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે. કેમ કે ભગવાનની વિભૂતિઓને અને યોગને તત્ત્વથી જાણવાથી મનુષ્યનું મન ભગવાનની તરફ સ્વાભાવિક જ ખેંચાઈ જાય છે અને ભગવાનમાં તેની સ્વાભાવિક જ ભક્તિ જાગૃત થઈ જાય છે. અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે અને કલ્યાણ માટે તેમને ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય દેખાય છે. એટલા માટે અર્જુન કહે છે કે જે વિભૂતિઓ વડે આપ સઘળા લોકને વ્યાપ્ત કરીને રહ્યા છો, याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि-એ અલૌકિક વિલક્ષણ વિભૂતિઓનું વિસ્તારપૂર્વક સંપૂર્ણતાથી વર્ણન કરો. કારણ કે તેમને કહેવામાં આપ જ સમર્થ છો. આપના સિવાય બીજો કોઈ તે વિભૂતિઓને કહી ન શકે. वक्तुमर्हस्यशेषेण આપે અગાઉ સાતમાં, નવમાં અને દસમાં અધ્યાયના આરંભમાં પોતાની વિભૂતિઓ બતાવી અને તેનું ફળ બતાવ્યું. આથી મને પણ દૃઢ ઈચ્છા થઈ છે કે હું પણ આપની બધી વિભૂતિઓને જાણી લઉં. મને પણ આપમાં દૃઢ ભક્તિ થાય એટલા માટે આપની તમામે તમામ વિભૂતિઓ કહી દો. બાકી કાંઈ ના રાખશો. दिव्या ह्यात्मविभूतय: વિભૂતિઓને દિવ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે તે જે જે વિશેષતાઓ દેખાય છે, તેના મૂળમાં તમે જ છો. સંસારની વિશેષતા નથી. સંસારની વિશેષતા દેખવી તે ભોગ છે અને પરમાત્માની વિશેષતા દેખવી એ વિભૂતિ છે-યોગ છે.

कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन्‌।

केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया।।१७।।

અર્થ : હે યોગેશ્વર ! તમારું સદાય પરિચિન્તવન કરતાં તમને હું કેવી રીતે જાણી શકું ? હે ભગવન્‌! કથા કયા પદાર્થોમાં મારે આપનું ચિન્તવન કરવું ? ।।૧૭।।

कथं विद्याम्‌ આઠમાં અધ્યાયના ચૌદમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે अनन्यचेता: सततं.… જે અનન્યચિત્ત થઈને મારું નિત્ય નિરંતર ચિંતન કરે છે,તે યોગીને હું સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું. પછી નવમાં અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહ્યું કે अनन्याश्चिन्तयन्तो मां જે ભક્તો મારું અનન્ય ચિંતન કરતા રહે છે, તેમના યોગક્ષેમ હું વહન કરું છું. આ રીતે ભગવાનના મુખે ચિંતનનો મહિમા સાંભળીને અર્જુનને થયું કે હું પણ એવું આપનું અનન્ય ચિંતન કરું પણ તેને માટે હું કયાં કયાં, કઈ કઈ વસ્તુ, વ્યક્તિ, સ્થાન વગેરેમાં આપનું કયા ભાવે ચિંતન કરું? તેના ઉત્તરમાં ભગવાન આગળ ઉત્તર આપે છે કે તને જ્યાં કયાંય વસ્તુ, વ્યક્તિ, સ્થળ, કાળ વગેરેમાં વિશેષતા, મહત્તા, સુંદરતા દેખાય ત્યાં ત્યાં મારું ચિંતન કર. અર્થાત્‌તે વિશેષતા, મહત્તા, સુંદરતા, લોકોત્તરતા એ મારી જ છે. તે તે વસ્તુ વગેરેની નથી. તે ભાવમાં મારી મૂર્તિને યાદ કર. કારણ કે સંસારની વિશેષતા માનવાથી સંસારનું ચિંતવન થશે. તેમાં પણ ખેંચાઈ જવાશે; પરંતુ મારી-ભગવાનની વિશેષતા માનવાથી ભગવાનમાં મન ખેંચાઈ રહેશે અને ભગવાનનું ચિંતન થશે.

विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन।

भूय: कथय तृप्तिर्हि श्रृण्वतो नास्ति मेऽमृतम्‌।।१८।।

અર્થ : હે જનાર્દન ! આપનો મહિમા અને આપની વિભૂતિઓ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો ? આપનો મહિમા સમજાવનારું અમૃત તુલ્ય આપનું ભાષણ સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી. ।।૧૮।।

विस्तरेणात्मनो योगम्‌… ભગવાને સાતમાં અને નવમાં અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાનનો વિષય ખૂબ કહી દીધો. એટલું કહેવા છતાં ભગવાનને તૃપ્તિ ન થઈ. એટલે દસમાં અધ્યાયમાં પોતાના તરફથી જ કહેવાનું શરૂ કરી દીધું. ભગવાને દસમો અધ્યાય શરૂ કરતાં કહ્યું કે, ‘તું ફરીથી મારા પરમ વચનો સાંભળ.’ તેનાથી અર્જુનની દૃષ્ટિ ભગવાનની કૃપા અને મહત્ત્વ તરફ વિશેષતાથી જાય છે. ભગવાનને ફરી સંભળાવવા માટે પ્રાર્થના કરે છે. અર્જુન કહે છે કે, આપ આપના યોગ અને વિભૂતિઓને વિસ્તારપૂર્વક ફરીથી કહો. કેમ કે આપના અમૃતમય વચનો સાંભળતા તૃપ્તિ નથી થતી. મનમાં થાય છે કે સાંભળતો જ રહું.

ભગવાનની વિભૂતિઓને સાંભળવાથી અર્જુનને પોતાનું ભગવાનમાં વિશેષ આકર્ષણ થતું જોઈને થયું કે વધારે વિભૂતિઓનું જ્ઞાન થશે તો ભગવાન પ્રત્યે મારું વિશેષ આકર્ષણ થઈ જશે. ભગવાનમાં મારી દૃઢ ભક્તિ થઈ જશે. એટલા માટે ભગવાનને વિસ્તારપૂર્વક ફરીથી કહેવા માટે પ્રાર્થના કરે છે-भूय: कथय तृप्तिर्हि श्रृण्वतो नास्ति मेऽमृतम्‌ અર્જુન પોતાનું શ્રેય ઈચ્છે છે-કલ્યાણનું સાધન ઈચ્છે છે. (ગી. ૨/૭ ૩/૨ ૫/૧) ભગવાને વિભૂતિ તેમ જ યોગને તત્ત્વથી જાણવાનું ફળ દૃઢ ભક્તિ થવાનું બતાવ્યું. (ગી-૧૦/૭) તેથી અર્જુનને વિભૂતિ જાણવામાં ખૂબ રસ પડ્યો, અને ફરીથી કહેવા પ્રાર્થના કરે છે.

જેમ કોઈ ભોજન કરવા બેસે અને ભોજનમાં કોઈ વસ્તુ સ્વાદિષ્ટ અને પ્રિય લાગે તો તેની રુચિ વધી જાય છે, અને તેને વારંવાર માગે છે;પરંતુ તે રુચિમાં બે વિઘ્નો આવે છે. એક તો એ વસ્તુ જો ઓછા પ્રમાણમાં હોય, તો પૂરી તૃપ્તિ થાય એટલી મળતી નથી. બીજું તે વસ્તુ અધિક માત્રામાં હોવા છતાં પણ પેટ ભરાઈ જવાથી અધિક ખાઈ શકાતી નથી. જ્યારે ભગવાનની વિભૂતિઓનો અને અર્જુનની વિભૂતિ સાંભળવાની રુચિનો અંત જ નથી આવતો. કાન દ્વારા અમૃતમય વચનોને સાંભળતાં ન તો એ વચનોનો અંત આવે છે અને ન તો તેમને સાંભળતાં અર્જુનને તૃપ્તિ થાય છે. આથી અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે, આવા અમૃતમય વચનો મહારાજ, તમે સંભળાવતા જ રહો.