ગી.અ-18, શ્લોક 41 to 48

શ્લોક ૪૧-૪૮

ફળસહિત વર્ણધર્મનો વિષય

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप।

कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै:।।४१।।

અર્થ : હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોના તેમજ શુદ્રોના પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણે જ જુદાં-જુદાં વિભાગથી કહેલાં છે. ।।૪૧।।

આગળ ભગવાને ત્યાગના વિષયમાં બતાવ્યું કે, નિયત કર્મોનો ત્યાગ કરવો બિલકુલ ઉચિત નથી. ફળનો ત્યાગ કરીને સુચારુરૂપે નિયત કર્મો કરવાં એજ સાચો ત્યાગ છે અને સાચો સંન્યાસ છે. આ નિયત કર્મોમાં કયા વર્ણ માટે કયા નિયત કર્મો છે ? તે નિયત કર્મોને કેવી રીતે કરવામાં આવે? એ બતાવવા માટે ભગવાન આગળના પ્રકરણનો પ્રારંભ કરે છે.

અહીં શ્લોકમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોને એક પદમાં અને શૂદ્રોને માટે એક પદ આપવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણે દ્વિજાતિ છે અને શૂદ્ર દ્વિજાતિ નથી. તેથી તેઓનો કર્મોનો વિભાગ અલગ અલગ છે અને કર્મોને અનુસાર શાસ્ત્રીય અધિકાર પણ અલગ અલગ છે.

મનુષ્ય જે કાંઈ કર્મ કરે છે, તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર પડે છે અને તે સંસ્કારોને અનુસાર તેનો સ્વભાવ બને છે. આ રીતે પહેલાંના અનેક જન્મોનાં કરેલાં કર્મોના સંસ્કારો અનુસાર મનુષ્યોનો જેવો સ્વભાવ હોય છે, તેના જ અનુસાર તેનામાં સત્ત્વ, રજ અને તમ-ત્રણે ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ ગુણવૃત્તિઓના તારતમ્યના અનુસાર જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રોના કર્મોનો વિભાગ કરવામાં આવ્યો છે.(ગીતા ૪/૧૩) કારણ કે મનુષ્યોમાં જેવી ગુણવૃત્તિઓ હોય છે, તેવું જ તે કર્મ કરે છે.

કર્મો બે પ્રકારનાં હોય છે (૧) જન્મારંભક કર્મો અને (૨) ભોગારંભક (ભોગદાયક) કર્મો. જે કર્મોથી જીવાત્મા ઊંચનીચ યોનિમાં જન્મને પામે છે, તે ‘જન્મારંભક’ કર્મો કહેવાય છે અને જે કર્મોથી સુખ-દુઃખનો ભોગ નિર્માણ થાય છે, તે કર્મો ભોગારંભક કર્મો કહેવાય છે. ભોગદાયક કર્મો અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓને પેદા કરે છે અને જેનાથી પ્રાણી સુખી દુઃખી થાય છે.

ઊંડી દૃષ્ટિએ જોવામાં આવે તો કર્મમાત્ર ભોગદાયક થાય છે. અર્થાત્‌જન્મારંભક કર્મો પણ એક પ્રકારનો ભોગ જ નિર્માણ કરે છે. કેમ કે જેનો ઉત્તમ કુળમાં જન્મ થાય છે, તેનો આદર સત્કાર થાય છે અને જેનો નીચ કુળમાં જન્મ થાય છે તેનો અનાદર, તિરસ્કાર થાય છે. એવી જ રીતે અનુકૂળ પરિસ્થિતિવાળાનો આદર થાય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિવાળાનો આદર થતો નથી, અનાદર રહે છે. આમ આદર અને અનાદરરૂપે ભોગ તો જન્મારંભક અને ભોગારંભક બન્ને પ્રકારના કર્મોથી થાય છે; પરંતુ જન્મારંભક કર્મોથી જે જન્મ થાય છે તેમાં આદર-અનાદર રૂપી ભોગ ગૌણ હોય છે. કેમ કે આદર-નિરાદર સતત થયા જ કરે છે, એવું નથી હોતું. જ્યારે ભોગારંભક કર્મોથી જે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય છે, તે સતત રહે છે.

ભોગદાયક કર્મોનો સદુપયોગ-દુરુપયોગ કરવામાં મનુષ્યમાત્ર સ્વતંત્ર હોય છે. અર્થાત્‌તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિથી સુખી દુઃખી પણ થઈ શકે છે અને તેને પોતાના મોક્ષની-આત્મકલ્યાણની સાધન સામગ્રી પણ બનાવી શકે છે. જેઓ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિથી સુખીદુઃખી થાય છે, તેઓ મૂર્ખ છે. જેઓ તેને પોતાના આત્મકલ્યાણની સાધન સામગ્રી બનાવે છે; તેઓ બુદ્ધિમાન સાધકો છે, કુશળ છે. (योग: कर्मसु कौशलम्‌) કારણ કે મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે. તેથી તેમાં જે કાંઈ અનુકૂળતા-પ્રતિકૂળતા નિર્માણ થઈ છે તે બધી જ મોક્ષમાર્ગની સામગ્રી જ છે. તેવી યોજના કરવી એ જ દુર્લભ છે.

અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને મોક્ષસામગ્રી બનાવવી એટલે શું? તો અનુકૂળ પરિસ્થિતિ આવી જાય તો તેને પરમાત્માની અને તેના સાચા ભક્તોની સેવામાં વિનિયોગ કરવો પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં તેનો ઉપયોગ ન કરી નાખવો. તે તેનો સદ્‌ઉપયોગ કહેવાય અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તો પણ ત્યારે પરમાત્માની નિષ્ઠા પાકી કરવી, સુખની ઈચ્છાનો ત્યાગ કરવો અને પરમાત્માનું સ્મરણ વધારવું. કારણ કે પ્રતિકૂળતામાં વધારે યાદ કરવા હોય તો ભગવાન વધારે યાદ થઈ શકે છે. આ બધા પ્રતિકૂળતાના સદ્‌ઉપયોગ છે. ત્યારે અનુકૂળતા-પ્રતિકૂળતા બન્ને આત્મકલ્યાણનાં સાધનો બની રહે છે.

સત્ત્વનીગુણની પ્રધાનતાથી બ્રાહ્મણ, રજોગુણની પ્રધાનતા અને સત્ત્વની ગૌણતાથી ક્ષત્રિય, રજની પ્રધાનતા અને તમની ગૌણતાથી વૈશ્ય અને તમની પ્રધાનતાથી શૂદ્ર થાય છે. તેમાં અવાંતર અનેક તારતમ્યતાઓ છે જેવી રીતે પરીક્ષામાં અનેક વિષયો હોય છે અને એ વિષયોમાંથી કોઈકમાં ઓછાને કોઈમાં વધારે ગુણ મળે છે પણ તે બધાને ભેળા મેળવીને અંતિમ પરિણામ તૈયાર થાય છે. સરખા ટકા હોય તોય બધા વિષયમાં માર્કસ સરખા ન હોય, તેમ મનુષ્યમાં પણ બધાનો રજોગુણ સરખો ન હોય. તેવું જ સત્ત્વ, તમનું હોય છે. તેથી તેમાં પણ અનંત વિભિન્નતા થાય છે. મનુષ્યેત્તર પશુ-પક્ષીમાં પણ ભેદ થાય છે.

शमोदमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च।

ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्‌।।४२।।

અર્થ : શમ, દમ, તપ, બે પ્રકારનું શૌચ, ક્ષમા, આજર્વ, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા, આ સઘળાં બ્રાહ્મણને સ્વભાવપ્રાપ્ત કર્મ કહેલાં છે. ।।૪૨।।

शम: મનને જ્યાં લગાડવા ઈચ્છે ત્યાં લાગી જાય અને જ્યાંથી હઠાવવા ઈચ્છે ત્યાંથી હઠી જાય. આ રીતે મનના નિગ્રહને ‘શમ’ કહે છે.

दम: જે ઈન્દ્રિયો પાસેથી જ્યારે જેટલું કામ કરાવવાને ઈચ્છે ત્યારે તેટલું કામ કરાવી લે અને જે ઈન્દ્રિયોને જ્યારે જ્યાંથી હઠાવવાને ઈચ્છે ત્યારે ત્યાંથી હઠાવી લે આ રીતે ઈન્દ્રિયોને વશમાં કરવી તે ‘દમ’ છે.

तप: ગીતામાં શરીર, વાણી અને મનના તપની વાત અ. ૧૭-૧૪/૧૬ માં આવે છે. એ તપને બતાવ્યા છતાં પણ અહીં તપને બતાવ્યું છે. માટે અહીં તપનો અર્થ છે-પોતાના ધર્મનું પાલન કરતાં જે કષ્ટ થાય અથવા કષ્ટ આવી જાય તેને પ્રસન્નતાપૂર્વક સહેવું. કષ્ટ આવે તો પણ ચિત્તમાં પ્રસન્નતા રાખવી.

शौचम्‌-પોતાના મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે પવિત્ર રાખવાં તથા પોતાના ખાનપાન, વ્યવહાર વગેરેની પવિત્રતા રાખવી. આ રીતે પવિત્રતાનું બરાબર પાલન કરવું તેને ‘શૌચ’ કહેવાય છે.

क्षान्ति: કોઈ ગમે તેટલું અપમાન કરે, નિંદા કરે, દુઃખ દે અને પોતાનામાં તેને શિક્ષા કરવાની યોગ્યતા, બળ અને અધિકાર હોય, છતાં પણ તેને શિક્ષા ન કરે. તેની ક્ષમા માગ્યા વિના જ તેને પ્રસન્નતાપૂર્વક ક્ષમા કરી દેવાનું નામ ‘ક્ષાન્તિ’ કહેવાય છે.

आर्जवम्‌ શરીર, વાણી વગેરેના વ્યવહારમાં સરળતા હોય અને મનમાં છળકપટ, છુપું પણ માન વગેરે દુર્ભાવો ન હોય. સીધાસાદાપણું હોય તેનું નામ ‘આજર્વ’ છે.

ज्ञानम्‌-વેદ, શાસ્ત્ર, પુરાણ, ઈતિહાસ વિગેરેના હાર્દને સારી રીતે જાણવું, તેમનું ઊંડુ અધ્યયન હોવું તથા કર્તવ્ય-અકર્તવ્યનો બોધ હોવો તેને ‘જ્ઞાન’ કહેવાય છે.

विज्ञानम्‌-પરાત્પરતત્ત્વનો સાક્ષાત્કાર હોવો, તેઓની વિશેષતા સહિતના સાક્ષાત્કાર-અનુભવ જ્ઞાનને વિજ્ઞાન કહેવાય છે. તે તત્ત્વોને પ્રાપ્તિના અનુષ્ઠાન જ્ઞાનને વિજ્ઞાન કહેવાય છે.

आस्तिक्यम्‌-પરમાત્મા, વેદ તથા તેની પ્રાપ્તિનાં સાધન શાસ્ત્રો, પરલોક વગેરેનો હૃદયમાં આદર હોય, તેમના સત્યત્વમાં કદી સંદેહ ન હોય, તેમના અનુસારે પોતાનું આચરણ હોય તથા જે કોઈ જેવું કર્મ કરે છે, તેનું ફળ તેને પોતાને જ અવશ્ય ભોગવવું પડે છે. એવી અચળ માન્યતા હોય તેને ‘આસ્તિકતા’ કહેવાય છે.

ब्रह्मकर्म स्वभावजम्‌-આ શમ, દમ વગેરે બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો(ગુણો) છે. આ કર્મોને(ગુણોને) બ્રાહ્મણોએ સાધના કરવી જોઈએ. અનુષ્ઠાન કરવું જોઈએ. ખરેખર તો તેનામાં વિના પરિશ્રમ આ ગુણો હોવા જોઈએ પણ જો ન હોય તો પ્રયત્નપૂર્વક આશ્રમને અનુરુપ તેમણે સાધવા જોઈએ.

જે બ્રાહ્મણોમાં સત્ત્વગુણની પ્રધાનતા છે, જેઓની વંશ પરંપરા પરમ શુદ્ધ છે અને જેઓનાં પૂર્વજન્મકૃત કર્મો પણ શુદ્ધ છે, એવા બ્રાહ્મણોને માટે જ શમ, દમ વગેરે ગુણો સ્વાભાવિક હોય છે. તેઓનામાં કોઈ પણ ગુણ ન હોય અથવા કોઈ ગુણમાં ઉણપ હોય તો તેની પૂર્તિ કરવી, તે તેવા બ્રાહ્મણોને માટે સહજ હોય છે. ચારેય વર્ણોની રચના પૂર્વ કર્મોના(ગુણોના આચરણની) તારતમ્યથી કરવામાં આવી હોય છે. चातुवर्ण्यं मया सृष्टं गुणकर्मानुसारत: ભગવાને સ્વયં એમ ગીતામાં કહ્યું છે. એટલા માટે ગુણોના અનુસાર તે તે વર્ણમાં તે તે કર્મો સ્વભાવિક પ્રગટ થઈ જાય છે અને બીજા કર્મો ગૌણ થઈ જાય છે. કારણ કે બ્રાહ્મણમાં સત્ત્વગુણની પ્રધાનતા હોવાથી તેનામાં શમ, દમ વગેરે કર્મો(ગુણો) સ્વાભાવિક આવે છે તથા જીવિકાનાં કર્મો ગૌણ થઈ જાય છે. ખરેખર તેને જીવિકા માટે યજ્ઞ, અધ્યયન, અધ્યાપન અને યાચના(ભિક્ષાવૃત્તિ) એ તેની જીવિકાવૃત્તિ માટે નિર્દિષ્ટ થયેલા છે; પરંતુ બ્રાહ્મણ અતિ ઉચ્ચ વર્ણ હોય ને તેમને કેવળ મોક્ષભાગી સમજીને તેની ચર્ચા અત્રે કરવામાં આવી નથી. બીજા વર્ણોમાં રજોગુણ, તમો ગુણની પ્રધાનતા જેમ વધતી ગઈ છે તેમ તેમ આજીવિકાનો પણ ભારપૂર્વક નિર્દેશ કરાયો છે અને સ્વાભાવિક ગુણોમાં આજીવિકાને સામેલ કરી દેવામાં આવી છે. આ દૃષ્ટિએ ગીતામાં બ્રાહ્મણના સ્વાભાવિક કર્મોમાં જીવિકાવૃત્તિનાં કર્મો નહિ બતાવીને શમ, દમ વગેરે કર્મો જ (ગુણો જ) કહેવામાં આવ્યા છે.

જેમ જેમ વર્ણ અથવા આશ્રમ મોક્ષપરાયણ બનતા જાય તેમ તેમ આજીવિકાવૃત્તિ ગૌણ થતી જાય છે. આશ્રમધર્મનો નિર્દેશ કેવળ મોક્ષપ્રધાન દૃષ્ટિથી સ્વીકારવામાં આવે છે. જ્યારે વર્ણવિજ્ઞાન, પૂર્વ કર્મોના સત્ત્વ, રજ, તમના પ્રાધાન્યથી પરમાત્મા જ વિભાગ કરી આપે છે, તે વ્યક્તિના હાથમાં નથી. છતાં દરેક વર્ણમાં મોક્ષનું સાધન કરવામાં ભગવાને તેને સ્વતંત્રતા આપી છે. તેથી કયો આશ્રમ પસંદ કરવો તેમાં પૂર્વ કર્મ તેને મજબૂર કરતા નથી. સહાય તો જરૂર કરે છે. આશ્રમ પસંદગીમાં વ્યક્તિની મોક્ષની ઈચ્છા કેટલી પ્રબળ છે. તેના ઉપર વધારે આધાર રહે છે અને તેથી જ તીવ્ર મોક્ષભાગીઓ સંન્યાસને પસંદ કરે છે. બીજા આશ્રમમાં મોક્ષભાગીતા જરૂર હોય છે પણ તેની મંદતાને લઈને તેમાં પકડાઈ રહે છે. તેમાં પણ ક્રમશઃ મોક્ષભાગીતા રહેલી છે. ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ તે ચઢતા ક્રમથી રહેશે અને એના કારણે જ ત્યાગાશ્રમ જગતમાં પૂજ્યપણે મનાય છે, તે તેની પ્રબળ મોક્ષભાગીતાને લીધે જ ગણાય છે.

शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्‌।

दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्‌।।४३।।

અર્થ : શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પણ પલાયન નકારી જવું, દાન અને ઈશ્વરભાવ, આ બધાં ક્ષત્રિયોને સ્વભાવથીજ પ્રાપ્ત થયેલાં સહજ કર્મ છે. ।।૪૩।।

शौर्यम्‌-શત્રુ પર પરાક્રમ કરવાની કુશળતાને શૌર્ય કહેવાય છે. શત્રુદળમાં જેમ ઘરમાં નિર્ભયપણે પ્રવેશ કરે છે, તેમ નિર્ભયપણે પ્રવેશ કરવાને શૌર્ય કહેવાય છે. ઘણા વ્યક્તિઓ ઘરશૂરા હોય છે. ઘરના માણસોનું દમન-હેરાન કરવામાં હોશિયાર હોય. તે ઘરશૂરાઓ શૂરવીર ન ગણાય. શેરીમાં તો કૂતરું પણ શૂરવીરતા બતાવે છે પણ શત્રુદળ પર પરાક્રમ કરે તે શૂરવીર છે. તેમ જ મોક્ષમાર્ગમાં પોતાના ધર્મનું પાલન કરવામાં શૂર હોય તે ઈન્દ્રિય, અંતઃકરણ અને અંતઃશત્રુ પર પરાક્રમ કરનારો પણ શૂર ગણાય છે. ધર્મમય યુદ્ધ પ્રાપ્ત થતાં, યુદ્ધમાં પ્રહાર લાગવા, અંગ કપાઈ જવા, મરી જવા વગેરેનો કિંચિત્માત્ર પણ ભય ન હોય. ઘા થવા છતાં પણ મનમાં પ્રસન્નતા અને ઉત્સાહ રહેવો અને માથું કપાવા છતાં પણ પહેલાંની જેમ જ ધડ લડે આનું નામ શૌર્ય છે.

तेज:-અન્યને ધર્ષિત કરી દેવાપણું તેજ છે. જે પ્રભાવ કે તે વ્યકિતની સામે પાપી દુરાચારી મનુષ્યો પણ પાપ, દુરાચાર કરવામાં અચકાય છે. જેની સમક્ષ લોકોની મર્યાદા વિરુદ્ધ ચાલવાની હિંમત નથી થતી અર્થાત્‌લોકો સ્વાભાવિક જ મર્યાદામાં ચાલે છે. તેનું નામ ‘તેજ’ છે.

धृति: વિપરીતમાં વિપરીત અવસ્થામાં પણ પોતાના ધર્મથી વિચલિત ન થવું અને શત્રુઓ દ્વારા ધર્મ તથા નીતિ વિરુદ્ધ અનુચિત વ્યવહારથી સતાવવા છતાં પણ ધર્મ અને નીતિ વિરુદ્ધ કાર્ય ન કરીને ધૈર્યપૂર્વક તે જ મર્યાદામાં ચાલવાનું નામ ‘ધૃતિ’ છે.

दाक्ष्यम्‌ પ્રજા પર શાસન કરવાની, પ્રજાને યથાયોગ્ય રાખવાની અને તેનું સંચાલન કરવાની વિશેષ યોગ્યતા, ચતુરાઈનું નામ ‘દાક્ષ્ય’ કહેવાય છે.

युद्धे चाप्यपलायनम्‌ યુદ્ધમાં કદી પીઠ ન બતાવવી, મનથી કદી હારી ન જવું. યુદ્ધ છોડીને કદી ન ભાગવું-આવો ક્ષત્રિયોનો સ્વભાવ છે.

दानम्‌-ક્ષત્રિય લોકો દાન કરે છે તો આપવામાં કચાશ નથી રાખતા. ભારે ઉદારતાપૂર્વક આપે છે. વર્તમાન સમયમાં દાન-પુણ્યનો સ્વભાવ વધારે વૈશ્ય લોકોમાં જોવામાં આવે છે; પરંતુ વૈશ્ય લોકો કસી-કસીને આપે છે. અર્થાત્‌આટલાથી જ કામ ચાલી જાય તો અધિક કેમ આપવામાં આવે ! આવો દ્રવ્યનો લોભ તેમનામાં સહજ રહે છે. તેથી તે લોભને કારણે દાનભાવમાં સહજ બાધા આવી જાય છે. ઊણપ આવી જાય છે. જેથી સાત્ત્વિક દાન(ગી. અ-૧૭/૨૦) આપવામાં કઠિનતા પડે છે; પરંતુ ક્ષત્રિયોમાં દાનવીરતા હોય છે એટલા માટે અહીં ‘દાન’ શબ્દ વૈશ્યોમાં ન મૂક્તાં ક્ષત્રિયોના સ્વભાવમાં મૂક્યો છે. ખરેખર તો અત્યારના પરિપ્રેક્ષ્યમાં વધારે દાન તો વૈશ્યો કરતા હોય એવું જણાય છે.

ईश्वरभावश्च-ક્ષત્રિયોમાં સ્વાભાવિક જ શાસન તાકાત હોય છે. લોકોના નીતિ, ધર્મ અને મર્યાદા વિરુદ્ધ આચરણ જોતાં તેમના મનમાં સ્વાભાવિક જ એવી વાત આવે છે કે, આ લોકો આવું શા માટે કરી રહ્યા છે? તેમને નીતિ અને ધર્મને અનુસાર ચલાવવાની ઈચ્છા થાય છે. પોતાના શાસન દ્વારા બધાને પોતપોતાની મર્યાદા અનુસાર ચલાવવાનો ભાવ રહે છે અને પોતાને પણ મર્યાદામાં ચાલવાનો ભાવ રહે છે. આ ઈશ્વર ભાવમાં અભિમાન કે ઘમંડ નથી હોતું, કેમ કે ક્ષત્રિય જાતિના ગુણ એ ભગવાનની વિભૂતિ પૈકીનો ગુણ છે. તેથી નમ્રતા, સરળતા વગેરેની સાથે સાથે પણ શાસન ભાવ તેમાં હોય છે.

क्षात्रं कर्म स्वभावजम्‌-જે પ્રજામાત્રની દુઃખોથી રક્ષા કરે છે તેનું નામ ‘ક્ષત્રિય’ છે. ‘क्षतात्‌ त्रायते इति क्षत्रिय:’ એવાં ક્ષત્રિયના જે સ્વાભાવિક કર્મો છે તે ક્ષાત્રધર્મ કહેવાય છે.

कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम्‌।

परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्‌।।४४।।

અર્થ : ખેડ કરવી, ગાયો વિગેરે પશુઓનું રક્ષણ કરવું અને વાણિજ્ય-વેપાર કરવો. આ વૈશ્યોના સ્વભાવ પ્રાપ્ત કર્મ છે અને ત્રણ વર્ણની પરિચર્યા કરવી એ રૂપ શૂદ્રોનું પણ સ્વભાવ પ્રાપ્ત કર્મ છે. ।।૪૪।।

ખેતી કરવી, ગૌપાલન કરવું અર્થાત્‌ગાયોની રક્ષા કરવી તેમની વંશવૃદ્ધિ કરવી અને શુદ્ધ વેપાર કરવો આ કર્મો વૈશ્યમાં સ્વાભાવિક છે.

ગાયોની રક્ષા કરવાનું તાત્પર્ય છે, ગૌ રક્ષાને પ્રોત્સાહન આપવું. આજના પરિપ્રેક્ષ્યમાં ઘણા ખાનદાન વૈશ્યો પોતાને ઘેર ગાયો રાખી શકતા નથી. તે પરિસ્થિતિની મજબૂરી છે છતાં જ્યાં ગાયો સચવાય છે અને રક્ષાય છે તેવી પ્રવૃત્તિમાં તન, મન, ધનથી ખૂબ સહકાર આપતા હોય છે તો વૈશ્ય સ્વભાવધર્મ છે એમ કહેવાય. તેમ જ શુદ્ધ વેપાર કરવાનું તાત્પર્ય છે-જે સ્થળમાં, જે સમયે, જે વસ્તુની આવશ્યકતા હોય ત્યાં લોકોના હિતની ભાવનાથી તે વસ્તુને જ્યાં તે વસ્તુ મળતી હોય ત્યાંથી લાવીને તે જ સ્થળે પહોંચાડવી. પ્રજાને જરૂરી વસ્તુઓની પૂર્તિ કેવી રીતે થાય, વસ્તુઓના અભાવમાં કોઈ કષ્ટ ન પામે-આ ભાવનાથી સચ્ચાઈથી વિતરણ કરવું એ વાણિજ્ય ભાવ છે.

ભગવાન શ્રીકૃષ્ણ નંદબાવાને લીધે પોતાને વૈશ્ય તરીકે માને છે ખરેખર તો વસુદેવજીને હિસાબે ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા પણ નંદજીને લઈને ભગવાન પોતાને વૈશ્ય તરીકે ગણાવે છે. તેથી તેમણે જાતે જ ગાયો ચરાવી છે. મનુ મહારાજે વૈશ્યવૃતિમાં पशूनाम्‌ रक्षणम्‌(મ.સ્મૃ.૧/૯૦) પશુઓની રક્ષા કરવી એમ કહ્યું છે; પરંતુ ભગવાન તેને બદલે એમ કહે છે કે, તમે બધા પશુને ન પાળો તો ઓછામાં ઓછું ગાયોનું તો પાલન કરો. તેમાં પણ ગાયોની વૃદ્ધિ, પાલન ન કરી શકો તો પણ ગૌરક્ષા તો જરૂર કરજો.

परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्‌ ચારે વર્ણોની સેવા કરવી અર્થાત્‌સેવાની સામગ્રી તૈયાર કરવી અને ચારેય વર્ણના ધર્મમાં બાધા ન પહોંચે તેમ મદદરૂપ થવું એ ભાવથી પોતાનાં બુદ્ધિ, બળ, યોગ્ય વાપરવા એ શૂદ્રનો સ્વાભાવિક ધર્મ છે.

અહીં એક શંકા થાય છે કે, ચારેય વર્ણોમાં જન્મ લેવામાં સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુણોને કારણ બતાવ્યાં છે. તેમાં તમોગુણની પ્રધાનતાથી શુદ્રની ઉત્પત્તિ બતાવી છે અને ગીતામાં જ્યાં જ્યાં તમોગુણનું વર્ણન થયું છે, ત્યાં ત્યાં તેના અજ્ઞાન, પ્રમાદ, આળસ, નિદ્રા(અતિનિદ્રા), અપ્રકાશ, અપ્રવૃત્તિ અને મોહ-આ સાત અવગુણો બતાવ્યા છે.(ગીતા ૧૪/૮ ૧૩/૧૭) આથી તેના તમોગુણની પ્રધાનતાવાળા શૂદ્રથી સેવા કેવી રીતે થશે? કેમ કે તે આળસ, પ્રમાદ વગેરેમાં પડયો રહેશે તો સેવા કેવી રીતે કરી શકશે? સેવા ખૂબ જ ઊંચા દરજાની ચીજ છે. એવા ઊંચા કર્મનું ભગવાને શૂદ્રનેમાટે કેવી રીતે વિધાન કર્યું?

જો આ શંકા, ઉપર ગુણોની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો ગીતામાં આવ્યું છે કે સત્ત્વગુણવાળા ઊંચા લક્ષમાં જાય છે અને તમો ગુણવાળા અધોગતિને પામે છે. (ગી-૧૪/૧૧) એમાં પણ વાસ્તવમાં દેખવામાં આવે તો રજોગુણ વધતાં જે મરે છે, તે કર્મપ્રધાન મનુષ્ય યોનિમાં જન્મ લે છે. रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते(ગી.અ.૧૪/૧૫) આ બધાનું તાત્પર્ય એ થયું કે મનુષ્ય માત્ર રજપ્રધાન છે પછી તે બ્રાહ્મણ હોય કે શૂદ્ર પણ મનુષ્ય માત્ર રજપ્રધાન રહેશે. પછી તેમાં જે સત્ત્વની પ્રધાનતા, રજપ્રધાનતા, તમપ્રધાનતા હોય તે પ્રમાણે વર્ણની રચના થાય છે. છતાં પણ રજપ્રધાનતા, કર્મપ્રધાનતા મનુષ્ય માત્રમાં મુખ્યપણે રહેશે જ. માટે જ મનુષ્યોને કર્મયોનિ કહેવામાં આવે છે તથા ગીતામાં પણ ચારેય વર્ણોના કર્મો માટે ‘સ્વભાવજ કર્મ’ ‘સ્વભાવનિયત કર્મ’ વગેરે શબ્દો આવ્યા છે. આથી શૂદ્રનો સ્વભાવજ કર્મ ‘સેવા કરવાનું’ છે. આખરે તો તે પણ કર્મપ્રધાન જ છે. છતાં તેઓમાં તમની પ્રધાનતા બીજા વર્ણોની અપેક્ષાએ વધારે છે. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની અપેક્ષાએ વિવેક વિચારની અલ્પતા રહેશે. તેમાં પૂર્વકર્મોને લઈને મોહની પ્રધાનતા હોઈને વિવેક વિચાર વધારે દબાયેલો રહેશે. આ દૃષ્ટિએ શૂદ્રમાં આજ્ઞા પાળવાની પ્રધાનતા રહેશે. શૂદ્રના સેવાકર્મમાં વિવેકની પ્રધાનતાની જરૂર નહિ પડે. आज्ञा सम न सुसाहिब सेवा(मानस २/३०७/२) તેથી ચારેય વર્ણોની આજ્ઞાને અનુસાર સેવા કરવી, સુખસુવિધા ભેળી કરી દેવી, એ શુદ્રને માટે સ્વાભાવિક કર્મ ગણવામાં આવ્યું છે અને તેમાં જ શાસ્ત્રોએ તેનું આત્મકલ્યાણ બતાવ્યું છે ને માન્યું છે.

ચેતન જીવાત્મા અને શરીરાદિ પ્રકૃતિના તત્ત્વો બન્ને એક નથી ભિન્ન ભિન્ન છે. બન્નેના સ્વાભવ પણ ભિન્ન છે. તેથી બન્નેનો સંબંધ સ્વાભાવિક નથી; પરંતુ ચેતન જીવાત્માએ એ સંબંધ સ્વીકારીને એ સંબંધની સદ્‌ભાવના કરી લીધી છે. અર્થાત્‌‘સંબંધ છે’ એવું માની લીધું છે. સ્વીકારી લીધું છે. આને જ ગુણોનો સંગ કહે છે. જે અનેક યોનિમાં જન્મ લેવાનું કારણ બને છે. कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु(ગી. ૧૩/૨૧) આ સંગના કારણે ગુણોના તારતમ્યથી બ્રાહ્મણ કે નીચ વર્ણમાં જન્મ લેવો પડે છે અને જે ગુણો અનુસાર જન્મ થયો છે તેને અનુસારે કર્મો પણ સ્વાભાવિક હોય છે. અર્થાત્‌તે કર્મો કરવામાં તે તે ગુણો મેળવવામાં પરિશ્રમ નથી પડતો પણ સહજ પરિશ્રમ કરવાથી પ્રાપ્ત થતા હોય છે અને સ્વાભાવિક રુચિ પણ હોય છે. મનુષ્યો જ્યારે આ સ્વાભાવિક કર્મોને પોતાના સ્વાર્થ, આરામ કે ભોગને અર્થે કરવા લાગી જાય છે, ત્યારે તે તે કર્મોથી બંધાઈ જાય છે. જ્યારે તે જ કર્મોને સ્વાર્થ ભોગ કે આરામને છોડીને અભિમાનનો ત્યાગ કરીને નિષ્કામભાવપૂર્વક કરવા લાગી જાય, ભગવાન કે ભગવાનના સાચા ભક્તને માટે કરવા લાગી જાય કે બીજાના હિતને માટે કરે ત્યારે તે ‘કર્મયોગ’ બની જાય છે અને તે કર્મો દ્વારા પરમાત્માની આરાધના કરવા ઈચ્છે છે અથવા ભગવત્પરાયણ થઈને કેવળ ભગવાન સંબંધી કર્મો-જપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય વગેરે કરવા લાગી જાય, ત્યારે તે ‘ભક્તિયોગ’ બની જાય છે. ત્યારે પ્રકૃતિના ગુણોનો સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને તે ‘મુક્ત’ બની જાય છે. છતાં પણ તે વર્ણ અને આશ્રમ મર્યાદાના કર્મો સ્વાભાવિકપણે નિર્લિપ્તાપૂર્વક અને શાસ્ત્રવિહિત પ્રમાણે થયા કરે છે. જે સંસારને માટે એક આદર્શરૂપ હોય છે ને પરમાત્મામાં પ્રેમ વધારનારા હોય છે.

ઊંચનીચ યોનિમાં જેટલા પણ શરીરો મળે છે તે બધા ગુણ અને કર્મને અનુસાર જ મળે છે અને ગુણકર્મને અનુસાર જ મનુષ્યોનો તે તે વર્ણમાં જન્મ થાય છે. એટલા માટે મનુષ્યની જાતિ જન્મથી માનવામાં આવે છે. આથી સ્થૂળ શરીરની દૃષ્ટિએ રોટી-બેટીના વ્યવહારો અર્થાત્‌લગ્ન અને ભોજન વ્યવહારો જન્મની પ્રધાનતાથી કરવા જોઈએ અર્થાત્‌પોતાની જાતિ કે વર્ણને અનુસાર થવા જોઈએ. તેનાથી ઉપરવટ થઈને કરવા તે ભગવાનના કાર્યમાં બુદ્ધિનું ડહાપણ ડોળ્યું ગણાય.

બીજી વાત જે જીવને સાંસારિક ભોગ, ધન, માન, આરામ, સુખ વગેરેનો ઉદ્દેશ્ય રહે છે, તેણે વર્ણની મર્યાદા અવશ્ય પાળવી જોઈએ. નહિ તો તેનું પતન થઈ જાય છે. જેનો ઉદ્દેશ્ય કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે, સંસારના ભોગ નહિ. તેને માટે સત્સંગ, સ્વાધ્યાય, જપ, ધ્યાન, કથા, કીર્તન પરસ્પર વિચાર વિનિમય વગેરે ભગવત્‌સંબંધી કાર્યો મુખ્ય હોય છે પણ વર્ણાશ્રમનાં કાર્યો નહિ. તાત્પર્ય એ થયું કે પરમાત્માની પ્રાપ્તિમાં ભાગવત્‌ધર્મોની પ્રધાનતા છે, વર્ણાશ્રમ ધર્મોની નહિ. તેમાં પારમાર્થિક ભાવ, આચરણ વગેરેની પ્રધાનતા રહેશે. જાતિ કે વર્ણની બિલકુલ નહિ રહે.

ત્રીજી વાત એ છે કે, જેનો ઉદ્દેશ્ય કેવળ પરમાત્માની પ્રાપ્તિ કરવાનો છે. તે ભગવત્સંબંધી કાર્યો પ્રધાનપણે કરવા છતાં પણ વર્ણાશ્રમના અનુસાર પોતાનાં કર્તવ્ય કર્મો પરમાત્માની પૂજન બુદ્ધિથી કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરતા જ રહે છે પણ તેનો ત્યાગ મરણપર્યંત કયારેય કરતા નથી.

આગળ છેતાલીસમાં શ્લોકમાં ભગવાને બહુ શ્રેષ્ઠ વાત બતાવી દીધી કે, પરમાત્માનું લક્ષ્ય રાખીને, તેની પ્રીતિ માટે પોતપોતાના વર્ણાશ્રમનાં જે કર્મો છે તે પરમાત્માના પૂજનના રૂપમાં થાય એવો મનુષ્ય માત્રનો અધિકાર છે. દેવતા પશુ, પક્ષી વગેરેને અધિકાર એવો મળ્યો નથી. છતાં તેને માટે પરમાત્મા તરફથી કોઈ નિષેધ નથી. કારણ કે समोडहं सर्वदेहिनाम्‌(ગીતા) બધા જ પ્રાણીઓને પરમાત્માની પ્રાપ્તિનો અધિકાર છે. એથી એવું સિદ્ધ થાય છે કે શરીરના વ્યવહારોમાં અને આપસ આપસ રોટી-બેટી વ્યવહારોમાં તો ‘જન્મ’ની પ્રધાનતા રહેશે; પરંતુ પરમાત્માની પ્રાપ્તિમાં તો જે વર્ણાશ્રમનાં કર્મો થાય છે, તેની પાછળ પરમાત્મા પ્રત્યે ભાવ કેવો છે તથા વિવેક અને કર્મની પ્રધાનતા રહેશે. તેથી કોઈ કોઈ સ્થાને શાસ્ત્રોમાં જાતિ નિર્ણય માટે અર્થાત્‌કયા મનુષ્યને કઈ જાતિ-વર્ણનો માનવો? તેના નિર્ણય માટે જન્મ નહિ પણ કર્મ પરથી કરવો. અર્થાત્‌કોઈ નીચી જાતિનો હોવા છતાં કર્મો ઊંચા હોય તો તેને નીચો ન માનવો. શાસ્ત્રોમાં આવાં વચનો જ્યાં હોય તેનું તાત્પર્ય તે તે વ્યક્તિ માટે સદાચારનું પ્રોત્સાહન આપવા માટે છે. અર્થાત્‌વ્યક્તિ ગમે વર્ણમાં જન્મે પણ ઉચ્ચ આચરણ કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી શકે છે. કારણ કે જન્મ તો નીચ યોનિમાં આવ્યો છે. તેમાં તે બિચારો શું કરે ! પણ કર્મોથી પોતાની ઉચ્ચતા સ્થાપિત જરૂર કરી શકે છે. એવું પ્રોત્સાહન આપવા તેવાં વચનો શાસ્ત્રમાં બતાવ્યા હોય છે. જેથી નીચ વર્ણમાં જન્મ મળતાં સાધક હિંમત ન હારી જાય.

વર્ણ વ્યવસ્થાથી કોઈ ચેતનની શ્રેષ્ઠતા કે નીચતા નથી. તેનો વ્યવહાર શરીરના અંગોના વ્યવહારની સાથે સરખાવવામાં આવે છે. બ્રાહ્મણ પરમાત્માનું મુખ છે, ક્ષત્રિય હાથ, વૈશ્ય મધ્યભાગ અને શૂદ્ર ચરણ છે. શરીરમાં ભગવાને કેવું સુંદર સંકલન કર્યું છે કે પેટ તમામને પોષણ પહોંચાડે છે અને એક-એક અંગ તમામ અંગોના પોષણ, રક્ષણ અને સુખ માટે બધા એક થઈને પ્રયત્નો કરે છે. તેમાં ભેદબુદ્ધિ નથી રાખતા. તેમ વર્ણોએ સહકારથી કાર્ય કરવું. એવું પરમાત્માનું તાત્પર્ય છે; પરંતુ તેમાં પરમાત્માને કે બીજા કોઈ શાસ્ત્રકારોને પોતા પ્રત્યે પણ પક્ષપાત નથી. શાસ્ત્રો, ઋષિઓએ-બ્રાહ્મણોએ બનાવ્યા છે. ખરેખર તો પરમાત્માએ બતાવ્યા છે. આ લોકોએ તેને પોષ્યા છે. નિભાવ્યા છે, છતાં પોતાનો પક્ષપાત કર્યો નથી.

ગીતા ઉપર વિચાર કરીએ તો બ્રાહ્મણ વર્ણને માટે નવ આવશ્યક ધર્મો બતાવ્યા. તેમાં આજીવિકા(સ્વાર્થ) પેદા કરવાવાળો એક પણ ધર્મ નથી. બધા જ પરોપકારના ઉપયોગમાં ચાલે તેવા છે. ક્ષત્રિયને માટે સાત સ્વાભાવિક ધર્મો બતાવ્યા છે. તેઓમાં યુદ્ધ કરવું અને શાસન કરવું તે કાંઈક જીવિકા માટે બની રહે છે. વૈશ્યોને માટે ત્રણ ધર્મો બતાવ્યા છે-ખેતી, ગૌરક્ષા, વેપાર આ ત્રણેય જીવિકા પેદા કરવાવાળા છે. શૂદ્રોને માટે એક સેવા જ ધર્મ બતાવ્યો છે. જેમાં પેદાશ ને પેદાશ જ છે. તેમ જ શૂદ્રને ખાનપાન વગેરે જીવન નિર્વાહની પણ ખૂબ જ છૂટ આપવામાં આવી છે. તેથી જ તો આજે તમામ વર્ણો શૂદ્ર ધર્મ પ્રત્યે વધારે આકર્ષિત છે. તે નીચ ધર્મ હોવા છતાં આજે સર્વ કરતાં વધારે પસંદગી નોકરીની કરે છે. ત્યાર પછી વ્યાપાર-બિઝનેસની ક્ષત્રિય-બ્રાહ્મણ ધર્મને તો કોઈ યાદ પણ કરતું નથી.

ભગવાને स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर:(ગીતા-૧૮/૪૫)માં કેટલી અદ્‌ભુત વાત બતાવી દીધી છે કે શમ, દમાદિ નવ ધર્મોના પાલનથી બ્રાહ્મણનું જે કલ્યાણ થાય છે, તે જ કલ્યાણ શૌર્ય, તેજ વગેરે સાત ધર્મોના પાલનથી ક્ષત્રિયનું થાય છે. તે જ કલ્યાણ ખેતી, ગૌરક્ષા અને વ્યાપારના પાલનથી વૈશ્યનું થાય છે અને તે જ કલ્યાણ કેવળ સેવા કરવાથી શૂદ્રનું થાય છે.

આગળ ભગવાને એક વળી અદ્‌ભુત વાત બતાવી કે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતપોતાના વર્ણોચિત કર્મો દ્વારા તે પરમાત્માનું પૂજન કરીને પરમ સંસિદ્ધિને પ્રાપ્ત થાય છે. स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव:।(૧૮/૪૬) વાસ્તવમાં કલ્યાણ વર્ણોચિત કર્મોથી નથી થતું પણ નિષ્કામભાવપૂર્વક પૂજનથી થાય છે. શૂદ્રને તો સ્વભાવિક કર્મ જ પરિચર્યાત્મક અર્થાત્‌પૂજનરૂપ છે. આથી તેના દ્વારા બમણી પૂજા થાય છે. એટલા માટે તેનું કલ્યાણ જલ્દી થશે, તેટલું જલ્દી બ્રાહ્મણ વગેરેનું નહિ થાય. શાસ્ત્રકારોએ ઉદ્ધાર કરવામાં નાનાને વધારે મુખ્યતા આપી છે. કારણ કે નાનો પ્રેમનું પાત્ર હોય છે મોટો શાસનનું પાત્ર ગણાય છે. મોટા ઉપર ચિંતા ફીકર વધુ રહે છે. નાના ઉપર કંઈ ભાર નથી રહેતો. શુદ્રને ભારરહિત કરીને તેની જીવિકા બતાવવામાં આવી છે અને તેમાં જ તેનું કલ્યાણ પણ બતાવી દીધું છે વૈશ્યોને પણ તેવો જ સરળ ઉપાય બતાવી દીધો છે. બ્રાહ્મણ, ક્ષત્રિયને સીધો કલ્યાણનો ઉપાય બતાવ્યો નથી.

વાસ્તવમાં જોવામાં આવે છે કે, જે વર્ણાશ્રમ જેટલો ઊંચો હોય છે. તેને માટે શાસ્ત્રોના અનુસાર તેટલા જ કઠિન નિયમો હોય છે. દા.ત. બ્રાહ્મણોને શૌચ તથા પ્રાયશ્ચિત બધા વર્ણો કરતાં વધારે પાળવાનું હોય છે; પરંતુ જે વર્ણાશ્રમમાં નીચો હોય છે તેનું કલ્યાણ સુગમતાથી બતાવ્યું છે. તેથી જ બીજા યુગોમાં કલ્યાણ મેળવવા કરતાં કલિયુગમાં સહેલું છે. તેમાં પણ સ્ત્રીઓ અને શૂદ્રોને અતિ સહેલું બતાવ્યું છે.

અહીં એક વાત વધારે વિચારવાની છે કે, જે પોતાના સ્વાર્થનું કામ કરે છે; તે સમાજમાં અને સંસારમાં આદરને પાત્ર થતો નથી. સમાજમાં જ નહિ, ઘરમાં પણ જે વ્યક્તિ ખાઉધરો ને આળસુ હોય છે. તેની બીજા સભ્યો નિંદા કરે છે. શાસ્ત્રો બ્રાહ્મણોએ બનાવ્યા છે. તેણે પોતાને મોઢે પોતાની જ પ્રશંસા કરી નથી તેમણે બ્રાહ્મણોને માટે કેવળ સ્વાર્થ ત્યાગ જ બતાવ્યો છે. સાત્ત્વિક મનુષ્યો પોતાની પ્રશંસા નથી કરતા. બીજાઓની પ્રશંસા અને બીજાઓનો આદર કરે છે.

ઉંચનીચ વર્ણોમાં પ્રાણીઓનો જન્મ મનુષ્યે કરેલાં ગુણો અને કર્મોના અનુસાર થાય છે. चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागश: પરંતુ ઋણાનુબંધ, શાપ, વરદાન, સંગ વગેરે કોઈ કારણ વિશેષથી પણ ઊંચનીચ વર્ણોમાં જન્મ થઈ જાય છે. તે વર્ણોમાં જન્મ થવા છતાં પણ તેઓ પોતાના પૂર્વ સ્વભાવના અનુસાર જ આચરણ કરે છે. આ જ કારણ છે કે તેઓ ઊંચ વર્ણમાં ઉત્પન્ન થવા છતાં પણ તેઓનાં નીચ આચરણો દેખવામાં આવે છે. જેમ કે ધુંધુકારી વગેરે વળી નીચ વર્ણમાં ઉત્પન્ન થવા છતાં પણ કેટલાક મહાપુરુષો થાય છે. જેમ કે વિદુર, રૈદાસ વગેરે.

स्वे स्वे कर्मण्यभिरत: संसिंद्धिं लभते नर:।

स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु।।४५।।

અર્થ : સર્વ મનુષ્યો પોત-પોતાના કર્મમાંજ આભરત-રચ્યા-પચ્યા રહીને સંસિદ્ધિને પામે છે. હવે તે પોતાનાજ કર્મમાં નિરત રહીને જેમ સિદ્ધિને પામે છે. તે તું સાંભળ ! ।।૪૫।।

स्वे स्वे कर्मण्यभिरत: ગીતાના(ભગવાનના) મતથી એવું માલૂમ પડે છે કે, મનુષ્યની જેવી સ્વતઃસિદ્ધ સ્વાભાવિક પ્રકૃતિ(સ્વભાવ) છે. તેમાં જો તે કોઈ નવી ગુંચવણ પેદા ન કરે અર્થાત્‌પોતાની બુદ્ધિના ડહાપણમાં અહંકારના લેપ ન ચડાવે અને રાગદ્વેષ ન કરે તો તે પ્રકૃતિથી પણ તેનું સ્વાભાવિક કલ્યાણ કરી દેવા સમર્થ રહે છે. તાત્પર્ય એ છે કે, તેમણે સ્વાર્થત્યાગપૂર્વક પ્રીતિ અને તત્પરતાથી સ્વાભાવિક કર્મોનું આચરણ કરવું જોઈએ. કર્મોના પ્રવાહની સાથે રાગ નથી કરવાનો, દ્વેષ નથી કરવાનો અને ફલેચ્છા નથી કરવાની. રાગદ્વેષ અને ફલેચ્છાનો ત્યાગ કરી દેવાથી પ્રકૃતિના પદાર્થો અને ક્રિયાઓની સાથે નિર્લિપ્તતા આવી જશે અને પોતે મુક્ત સ્થિતિમાં આવી જશે; પરંતુ આ બધું થાય છે પોતાના નિયત કર્મોમાં ‘અભિરતિ’ કરવાથી, ‘આસક્તિ’ કરવાથી નહિ.

કર્મોમાં એક અભિરતિ થાય છે અને એક આસક્તિ થાય છે. પોતાના સ્વાભાવિક કર્મોને કેવળ બીજાઓના હિતને માટે તત્પરતા અને ઉત્સાહપૂર્વક કરવાથી અર્થાત્‌કેવળ પરમાત્મા અને તેના અનન્ય ભક્તની સેવાને માટે કે પ્રસન્નતા કરવા માટે કર્મો કરવાથી મનમાં જે પ્રસન્નતા થાય છે અને નિત્ય નવીન ઉત્સાહ, વિશ્વાસ, શ્રદ્ધા અભિરૂચિ થાય છે, તેનું નામ ‘અભિરતિ’ છે. ‘अभित: रति’ તમામ પ્રકારે તેમાં રસપ્રદતા રહે ત્યારે ‘कर्मणि अभिरति’ ગણાય. જ્યારે ફળની ઈચ્છાથી કાંઈક કરવું અર્થાત્‌કાંઈક મેળવવાને માટે કર્મ કરવું એ ‘આસક્તિ’ છે. નિયત કર્મોમાં અભિરતિ મુક્તિને આપનારી છે કર્મોમાં આસક્તિ સંસારમાં સંસૃતિ આપનારી છે.

આ પ્રકરણના ‘स्वे स्वे कर्मणि’ ‘स्वकर्मणा तमभ्यर्च्य’ ‘स्वभावनियतं कर्म’ ‘सहजं कर्म’ વગેરે પદોમાં ‘કર્મ’ શબ્દ એકવચનમાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે, મનુષ્ય પ્રીતિ અને તત્પરતાપૂર્વક ચાહે એક કર્મ કરે ચાહે અનેક કર્મો કરે, તેનો ઉદ્દેશ્ય કેવળ પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેની કર્તવ્યનિષ્ઠા એક જ હોય છે. પરમાત્માની પ્રાપ્તિ કે પ્રસન્નતા કરવાના ઉદ્દેશ્યને લીધે સાધક જેટલાં પણ કર્મ કરે છે તે બધાં જ કર્મો અંતે શુભ ઉદ્દેશ્યમાં લીન થઈ જાય છે. અર્થાત્‌તે ઉદેશ્યની પૂર્તિ કરવાવાળા થઈ જાય છે અને અંતે ઉદ્દેશ્ય જ તેમની સામે ખડું રહે છે, કર્મો રહેતાં નથી. જેમ અનેક નદીઓ ગંગામાં ભળીને અંતે એક ગંગા જ સાગરમાં મળનારી રહે છે. જેમની કર્મોમાં આસક્તિ છે, તે એક કર્મ કરીને પણ અનેક ફળને ઈચ્છે છે. અનેક કર્મો કરીને પણ એક ફળને ઈચ્છે છે; પરંતુ તેનો ઉદ્દેશ્ય એક પરમાત્માની પ્રાપ્તિ કે પ્રસન્નતા ન હોવાથી કર્તવ્યનિષ્ઠા એક નથી રહેતી. ફળને જોઈને કે સાંભળીને કર્તવ્યનિષ્ઠામાંથી ચલાયમાન થઈ જવાય છે.

स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु-પોતાનાં કર્મોમાં પ્રીતિપૂર્વક તત્પરતાથી નિમગ્ન રહેનારો મનુષ્ય પરમાત્માને કેવી રીતે પ્રાપ્તિ કરી લે છે? તે સાંભળો અર્થાત્‌પોતાનાં નિયત કર્મો પરમાત્માની પ્રાપ્તિનું સાધન કેવી રીતે બને છે તે સાંભળો.

માલિકનું સુખ, સુવિધાની સામગ્રી એકઠી કરી દેવી, માલિકના દૈનિક કાર્યોમાં અનુકૂળતા ઉપસ્થિતિ કરી દેવી વગેરે કાર્યો તો વેતનવાળો નોકર પણ કરી શકે છે અને કરે પણ છે; પરંતુ તેમાં ‘ક્રિયા’ની(કે આટલું કામ કરવાનું છે) અને ‘સમય’ની (કે આટલા કલાકો કામ કરવાનું છે) પ્રધાનતા રહે છે. કેન્દ્રમાં તે મુખ્ય રહે છે. એટલા માટે તે કામ ‘ધંધો’ બની જાય છે. ‘સેવા’ નથી બની શકતી. જો માલિકનો તેનો તે જ કામ ધંધો આદરપૂર્વક સેવ્યબુદ્ધિથી અને મહત્ત્વબુદ્ધિની પ્રધાનતા કે કેન્દ્રિતતાથી(ફોકસ) થાય તો તે સેવા થઈ જાય છે. કામ ધંધાના કેન્દ્રમાં પોતાનું વ્યક્તિત્વ ગોઠવાયેલું હોય છે કે ગોઠવાઈ જાય છે. જ્યારે સેવાના કેન્દ્રમાં પરમાત્મા કે તેના સાચા ભક્તોના વ્યક્તિત્વની પ્રધાનતા ગોઠવાયેલી હોય છે.

સેવ્યબુદ્ધિ, મહત્ત્વબુદ્ધિ જન્મના સંબંધથી હોય,(જેમ કે મા-બાપમાં) ચાહે વિદ્યાના સંબંધથી હોય,(જેમ કે ગુરુમાં) ચાહે વર્ણાશ્રમના સંબંધથી હોય,(જેમ કે સાધુ બ્રાહ્મણમાં), ચાહે યોગ્યતા, અધિકાર, સદ્‌ગુણ સદાચારના સંબંધથી હોય પણ કોઈ ઠેકાણે મહત્ત્વબુદ્ધિ થઈ જાય છે તથા સેવ્યને સુખ-આરામ કેવી રીતે મળે? સેવ્યની પ્રસન્નતા કઈ વાતે કરીને થાય? સેવ્યનું શું વલણ છે? કઈ રુચી છે? શાનાથી કુરાજી થાય છે-વગેરે સ્વાભાવિક ભાવો થવાથી જે કાંઈ કામ કરવામાં આવે તે કાર્ય સેવાના રૂપમાં બની જાય છે. સેવ્ય પ્રત્યેની મહત્ત્વબુદ્ધિ વધતાં વધતાં બુદ્ધિના સીમાડાની પાર પહોંચી જાય ત્યારે ચેષ્ટા થાય છે. તે ભક્તિ કે પૂજન થયું ગણાય. આવી પૂજન સ્થિતિમાં કદાચ સેવા ગૌણ થતી જણાય પણ સેવ્ય પ્રત્યેના ભાવો નિત્ય નૂતન ઊઠતા રહે છે. તેથી અંતઃકરણની શુદ્ધિ અને ભગવત્પ્રેમ પેલા કરતાં પણ વિશેષ થાય છે.

માલિકનો સમયે સમયે કામધંધો કરવાથી નોકરને પૈસા મળી જાય છે. જ્યારે સેવ્યની સેવા કરવાથી સેવકને અંતઃકરણની શુદ્ધિ અને ભગવાનની ભક્તિ તથા ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જ્યારે પૂજાભાવ કે, દિવ્યભાવ વધવાથી તો ભક્તને તત્કાળ ભગવદ્‌સ્વરૂપાનુભવ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે પગચંપી તો નોકર પણ કરે છે; પરંતુ તેને સેવાનો આનંદ નથી મળતો. કારણ કે તેની દૃષ્ટિ પૈસા પર રહે છે; પરંતુ જે સેવાબુદ્ધિથી પગચંપી કે કોઈપણ કર્મ કરે છે, ત્યારે તેને સેવામાં વિશેષ આનંદ મળે છે. તેની અનુભૂતિ વિશુદ્ધ ચૈતન્યમાં થાય છે. કારણ કે સેવામાં સેવકની સેવ્યતા સુખ પર દૃષ્ટિ કરે છે. જ્યારે પૂજા કે ભક્તિમાં ઉપાસકની દૃષ્ટિ પૂજ્યની મહત્તામાં કે દિવ્યતામાં રહે છે અને પોતાની લઘુતામાં રહે છે. તેને પરમ દિવ્ય પારમાર્થિક આનંદ-દિવ્ય પ્રાપ્તિનો આનંદ થાય છે. આમ જોવા જાય તો નોકરના કામધંધાથી માલિકને આરામ મળે છે. સેવામાં સેવ્યને આરામ તથા સુખ મળે છે. પૂજા-ઉપાસનામાં આરાધ્યને પ્રસન્નતા થાય છે. પૂજા-ઉપાસનામાં શરીરના સુખની પ્રધાનતા નથી હોતી. વ્યક્તિત્વની-દિવ્યતાની પ્રધાનતા હોય છે.

પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા(વર્ણ-આશ્રમાનુસાર) પૂજા કરવાથી પૂજકનો ભાવ આરાધ્ય પ્રત્યે વધી જાય છે. ત્યારે તેના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી થવાવાળી ચેષ્ટા, ચિંતન અને સમાધિ-નિષ્ઠા આ બધી જ નાની મોટી ક્રિયાઓ ભગવાનની પૂજા સામગ્રી બની જાય છે. તેની દિનચર્યા-ખાવું, પીવું વગેરે દૈહિક ક્રિયાઓ પણ ભગવાનની પૂજા સમગ્રી બની જાય છે.

यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्‌।

स्वकर्मणा तमभ्यर्च्यं सिद्धिं विन्दति मानव:।।४६।।

અર્થ : જેના થકી આ ભૂત-પ્રાણીમાત્રની પ્રવૃત્તિ-આરંભ થાય છે, અને જેણે આ સઘળું જગત્‌વ્યાપેલું છે. તે પરમાત્માને પોતાના કર્મથી પૂજીને-પ્રસન્ન કરીને માણસો સિદ્ધિને પામે છે. ।।૪૬।।

જેનાથી જગતની ઉત્પત્તિ-સ્થિતિ આદિ પ્રવૃત્તિ થઈ છે અને જે પરમાત્મા દરેકના હૃદયમાં અંતર્યામીપણે રહ્યા છે. એવા પરમાત્મા-શ્રીજી મહારાજનું પોત પોતાના સ્વાભાવિક કર્મોથી પૂજન કરવાનું છે.

 મનુ સ્મૃતિમાં બ્રાહ્મણોને માટે છ કર્મો બતાવ્યાં છે. ભણવું-ભણાવવું, યજન-યાજન, દાન-પ્રતિગ્રહ આ છ કર્મો છે. તેમાંથી ભણાવવું, યાજન અને દાન લેવું(પ્રતિગ્રહ) આ ત્રણ કર્મો આજીવિકાના માટે છે. ભણવું, યજ્ઞ અને દાન આપવું-આ ત્રણ કર્તવ્ય કર્મો છે. ઉપર્યુક્ત શાસ્ત્રોક્ત છ કર્મો ઉપરાંત શમ-દમ આદિ નવ સ્વાભાવિક કર્મો તથા ખાવું પીવું વગેરે શારીરિક ક્રિયાઓ બ્રાહ્મણોએ ભગવાનની પૂજા માટે કરવાની છે તાત્પર્ય એ છે કે ભગવાનની આજ્ઞા-મર્યાદામાં રહીને, ભગવાનની પ્રસન્નતા કરવાના આશયથી નિષ્કામભાવપૂર્વક ભગવાન તથા તેના સાચા ભક્તોની સેવા માટે કરવાની છે.

એવી જ રીતે ક્ષત્રિયોને માટે પાંચ કર્મો બતાવવામાં આવ્યાં છે. પ્રજાની રક્ષા, દાન દેવું, યજ્ઞ કરવો, અધ્યયન કરવું અને વિષય વૈભવમાં આસક્ત ન થવું. આ પાંચ કર્મો તથા શૌર્ય, તેજ વગેરે સાત સ્વભાવજ ગુણો દ્વારા અને ખાવું પીવું વગેરે બધાં જ કર્મો દ્વારા ક્ષત્રિયોએ પરમાત્માની અને તેના અનન્ય ભક્તોની સેવા કરવાની છે.

વૈશ્યે યજ્ઞ કરવો, અધ્યયન, દાન દેવું અને વ્યાજવટાવ, કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય-આ શાસ્ત્ર નિયત અને સ્વભાવજ ગુણો દ્વારા અને શૂદ્રોએ શાસ્ત્રવિહિત તથા સ્વભાવજ કર્મ સેવા દ્વારા પરમાત્માનું પૂજન કરવાનું છે.

આ સૃષ્ટિ ભગવાનનો આદિ અવતાર મનાય છે.  તેમાં પણ ખાસ કરીને સમગ્ર સત્સંગ છે, તે મહારાજનું સ્વરૂપ છે, મૂર્તિ છે, શ્રીવિગ્રહ છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’. જ્યાં નિદરેષ, વ્યક્તિગત સ્વાર્થરહિત પંચ કે સત્સંગ સમૂહ કહો તે પરમેશ્વરનું, મહારાજનું સ્વરૂપ છે. જેમ મૂર્તિમાં આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ. પુષ્પ ચઢાવીએ છીએ, ચંદન લગાવી એ છીએ ત્યારે આપણી સૂરતી મૂર્તિમાં ન અટકતાં પરમાત્મામાં પહોંચી જાય છે. અર્થાત્‌તે સાક્ષાત્‌પરમાત્મા પૂજાય છે. એવી જ રીતે મહારાજે સ્થાપેલા સત્સંગ સમૂહની, મહારાજની મૂર્તિની આપણી પ્રત્યેક ક્રિયાથી પૂજા કરવાની છે. શ્રોતા, વક્તામાં ભગવદ્‌બુદ્ધિ કરે અને વક્તા શ્રોતામાં ભગવદ્‌બુદ્ધિ કરે. એમ જીવનના દરેક ક્ષેત્રમાં પરસ્પર ભગવદ્‌બુદ્ધિ કરી સેવા કરે ત્યારે થયું ગણાશે. પૂજામાં ખાસ વાત તો એ જ છે કે, અર્પણ થતી વસ્તુઓ મારી નથી. ભગવાનને અર્થે થઈ રહેવી જોઈએ. પોતાનામાં કાર્યશક્તિ છે તે પણ ભગવાનની છે. તેમ માનવું જોઈએ તો તેની સંપૂર્ણ ક્રિયાઓ પરમાત્માનું પૂજન બની રહેશે. જેથી સ્વાર્થબુદ્ધિ, ભોગબુદ્ધિ, ફલેચ્છા આ બધું દૂર થશે. અર્થાત્‌ક્રિયાઓમાંથી દૂર કરવાનું છે.

વાસ્તવમાં ભગવાનના સાચા ભક્તોમાં ભગવદ્‌બુદ્ધિ રાખીને નિષ્કામ સેવા કરવી. એ પરમાત્માની પ્રાપ્તિ અને પ્રસન્નતા માટે મૂર્તિની પૂજા કરવી, તેના કરતાં વિશેષ મૂલ્યવાન છે. કારણ કે ભગવાન પોતે જ પોતાની જાત કરતાં પોતાના ભક્તોને વિશેષ મહત્ત્વ આપતા રહે છે.

(भा. ११-२१-१५) અહીં ભગવાન કહે છે કે તે સાધકના હૃદયમાંથી અસૂયા વગેરે દોષો તુરત દૂર થઈ જાય છે. માત્ર કર્મ પોતાને માટે કરવું તે બંધનરૂપ છે. ભક્તોને માટે કરવું તે સેવા છે, ભગવાનને માટે કરવું તે પૂજન છે.

લૌકિક તથા પારમાર્થિક કર્મો દ્વારા તે પરમાત્માનું પૂજન તો કરવું જોઈએ; પરંતુ તે કર્મોમાં અને તેમને કરવાનાં કરણો-ઉપકરણોમાં મમતા નહિ રાખવી જોઈએ. કારણકે જે વસ્તુઓમાં પોતાને લૌકિક મમતા થઈ જાય છે, તે બધી જ વસ્તુઓ-પૂજા સામગ્રી રહેતી નથી. અપવિત્ર વસ્તુઓ ભગવાનને ચઢાવી શકાતી નથી. માટે મનુષ્ય જેટલી વસ્તુઓને, ક્રિયાઓને, આવડત, ગુણોને પોતાની માને છે, તેટલો તે ભગવાનની પૂજાથી વંચિત રહી જાય છે.

सिद्धिं विन्दति मानव: સિદ્ધિને પ્રાપ્ત થવાનું તાત્પર્ય એ છે કે, પોતાનાં કર્મોથી પરમાત્માનું પૂજન કરવાવાળો સાધક જગતથી-પ્રકૃતિના કાર્યથી છૂટી પરમાત્માને પામે છે અને પ્રથમ સાધન દશામાં પરમાત્માને માટે જે કાંઈ કર્યું હતું તેના સંસ્કારોથી તેને પરમાત્મામાં અનન્ય પ્રીતિ થઈ જાય છે. માટે કાંઈ બાકી રહેતું નથી. ‘मानव:’ પદ કહેવાનું તાત્પર્ય એ છે કે, આ વસ્તુનો અધિકારી કોઈ પણ માનવ દેહધારી થઈ શકે છે. તેમાં વર્ણ-આશ્રમ કે બીજી કોઈ બાધા રહેતી નથી.

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात्‌।

स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्‌।।४७।।

અર્થ : સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં પણ ન્યૂન ગુણવાળો હોય તોય પોતાનો ધર્મ સારો-શ્રેય આપનારો છે, કેમકે-સ્વભાવથીજ નિયત કરેલું કર્મ કરતાં માણસ ક્યારેય કિલ્વિષ-દુઃખ અગર તો પાપ નથી પામતો. ।।૪૭।।

श्रेयान्स्वधर्मो… અહીં સ્વધર્મ શબ્દથી ‘કર્મયોગ’ કહેવાનો અભિપ્રાય છે. કારણ કે બીજી પંક્તિમાં स्वभाव नियतं-શબ્દ આવી રહ્યો છે. स्वभावनियतं कर्म શબ્દ સ્વધર્મના સંબંધમાં પ્રયોજાયો છે પર્યાય તરીકે પ્રયોજાયો છે, ભગવાને ગીતામાં આગળ સ્થાને સ્થાને આ વિષયની ચર્ચા કરી છે કે જ્ઞાનયોગ અને કર્મયોગમાં, કર્મયોગ સુકર છે. કર્મયોનિ-મનુષ્યોને માટે પ્રકૃતિને અનુરૂપ છે. તત્કાળ ફળ દેનારો છે વગેરે.. શબ્દો દ્વારા માનવ પ્રકૃતિને અનુરૂપ બતાવ્યો છે. તેથી સ્વધર્મ-પરધર્મથી કર્મયોગ-જ્ઞાનયોગનો નિર્દેશ કરી રહ્યા છે. રામાનુજાચાર્યજી ભાષ્યમાં બતાવે છે કે स्वधर्म-स्वेनेवोपादातुं योग्यो धर्म:, प्रकृति संसृष्टेन हि पुरुषेण इन्द्रिय व्यापाररूप: कर्मयोगात्मको धर्म: सुकरो भवति। अत: कर्मयोगाख्यो स्वधर्मो विगुण:अपि परधर्मात्‌-ज्ञानयोगात्‌ श्रेयान्‌।(रा.भा.)

મનુષ્ય શરીર કેવળ પરમાત્મપ્રાપ્તિને માટે જ મળેલું છે તેથી સાધકમાત્રને માટે દૈવી સંપત્તિમાં જેટલા પણ સદ્‌ગુણ, સદાચારો છે, તે બધા જ પોતાના હોવાથી મનુષ્ય માત્રને માટે સ્વધર્મ છે. જ્યારે આસુરી સંપત્તિના જેટલા પણ દુર્ગુણ દુરાચારો છે, તે મનુષ્યમાત્રને માટે ન તો સ્વધર્મ છે અને ન તો પરધર્મ છે. તે તો બધાને માટે નિષિદ્ધ ધર્મો છે, ત્યાજ્ય છે, અધર્મ છે. કોઈપણ નિષિદ્ધ ધર્મ કોઈનો પણ પરધર્મ પણ બની શકતો નથી. તે સ્વધર્મ તો બની જ શકતો નથી. સ્વધર્મ અને પરધર્મ બન્ને સદાચારના રૂપમાં જ હોવાના. તેમાં સરખામણી કરીને ભગવાન બતાવે છે કે, સ્વધર્મ પોતાનું વધારે કલ્યાણનો श्रेयान्‌ કરનારો છે. માટે તેવો કયો ધર્મ શબ્દથી કહેવા યોગ્ય છે? તો નિષ્કામ કર્મયોગ તે સ્વધર્મ છે.

स्वभावनियतं कर्म-શાસ્ત્રોમાં વિહિત, નિષિદ્ધ અને પર એવા શબ્દો ધર્મના વિશેષણ રૂપે આવે છે. તેમાં પણ દેશ, કાળ, પરિસ્થિતિ વગેરેને લીધે અલગ અલગ કર્મો જે તે વ્યક્તિને માટે નિર્ણિત થાય ત્યારે તે નિયત કર્મ કહેવાય અને તેને સ્વભાવનિયત પણ કહેવાશે. અહીં નવાઈની વાત ભગવાન એ કરે છે કે, સ્વભાવનિયત કર્મ કહો કે સ્વધર્મ કહો અથવા નિષ્કામ કર્મ કહો જે કહો તે પણ તે કર્મ કરવાથી પાપ થવાની શક્યતા તો છે. કારણ કે सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता:।(૧૮/૪૮) પ્રકૃતિના પ્રદેશમાં કોઈ એવું કર્મ તો નહિ હોય કે જે દોષના સંબંધથી અલિપ્ત રહી શકે; પરંતુ તે પાપ સાધકને લાગે નહિ. તેની રીત ભગવાન બતાવી રહ્યા છે અથવા કહો કે તે પાપ નહિ લાગે તેની સાધકને ખાત્રી આપી રહ્યા છે. ‘कुर्वन्नाप्नोति किल्बिषम्‌’ પાપ લાગવાનું મુખ્ય કારણ ભાવ છે, ક્રિયા નથી. તેથી પાપ, કર્મો કરવાથી નથી લાગતા; પરંતુ તે કર્મો કરવામાં સ્વાર્થ, અભિમાન, બદદાનત આવવાથી અવશ્ય લાગે છે.

અહીં એક શંકા થાય છે કે સ્વભાવનિયત કર્મ કરતો મનુષ્ય પાપને નથી પામતો. ત્યારે કોઈ આદમી કસાઈને ઘેર પેદા થાય છે તો તેને માટે કસાઈનું કર્મ સહજ છે, સ્વાભાવિક છે, સ્વભાવનિયત છે. ત્યારે શું તેમણે કસાઈ કર્મનો ત્યાગ નહિ કરવો જોઈએ? જો તેણે કસાઈના કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, એમ શાસ્ત્ર પ્રતિપાદ ન કરતું હોય તો નિષિદ્ધ આચરણ કેવી રીતે છૂટશે? અને કલ્યાણ કેવી રીતે થશે?

આનું સમાધાન એ છે કે, સ્વભાવનિયત તે જ હોય છે જે શાસ્ત્રવિહિત હોય. કોઈ રીતે નિષિદ્ધ ન હોય. અર્થાત્‌તેનાથી કોઈનું પણ અહિત થતું ન હોય. જે કર્મ કરવાથી કોઈકનું અહિત થતું હોય તો શાસ્ત્ર તેને કોઈપણના સ્વભાવનિયત કર્મમાં ગણાવતું નથી. તેવાં કર્મો તો કેવળ આસક્તિ અથવા કામનાને કારણે જ થાય છે. તેને સ્વભાવનિયત ન કહેવાય. નિષિદ્ધ કર્મ ચાહે આ જન્મમાં બન્યું હોય, ચાહે પૂર્વ જન્મમાં બન્યું હોય પણ તે દોષવાળું જ કહેવાય છે. દોષ ભાગ, ત્યાજ્ય હોય છે. કેમ કે દોષ આસુરી સંપત્તિ છે અને ગુણ દૈવી સંપત્તિ છે. પૂર્વ જન્મના સંસ્કારોથી પણ દુર્ગુણ-દુરાદાચારોમાં રુચિ થઈ શકે છે; પરંતુ તે રુચિ દુર્ગુણ દુરાચાર કરવામાં બાધ્ય નથી કરતી. વિવેક, સદ્‌વિચાર, સત્સંગ, શાસ્ત્ર વગેરેના દ્વારા તે રુચિને દૂર કરી શકાય છે.

સહજતાથી જોવામાં આવે તો પણ કોઈપણ પ્રાણી પોતાનું અહિત નથી ઈચ્છતું, પોતાની હત્યા નથી ઈચ્છતું. આથી કોઈની હત્યા કરવાનો, કોઈનું અહિત કરવાનો અધિકાર નથી. મનુષ્ય પોતાનું સારું ઈચ્છતો હોય તો તેણે બીજાને માટે પણ સારું કરવું જોઈએ. જે કર્મોમાં પાપ હોય, અન્યાય હોય, દોષ હોય તેને શાસ્ત્ર પણ સ્વાભાવિક કર્મ ગણાવતું નથી. તે વિકૃત કર્મ ગણાય છે. અર્થાત્‌તે વિકારથી પેદા થયા છે. ત્રીજા અધ્યાયમાં અર્જુને પૂછયું કે, મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ કોનાથી પ્રેરિત થઈને પાપ કર્મ કરે છે? તો ભગવાને કહ્યું કે, કામનાને વશ થઈને મનુષ્ય પાપ કરે છે.(૩/૩૬-૩૭) કામનાને, ક્રોધને, સ્વાર્થ અને અભિમાનને લીધે જે કર્મો કરવામાં આવે છે તે કર્મો શુદ્ધ નથી હોતાં. અશુદ્ધ જ હોય છે.

પરમાત્મપ્રાપ્તિના ઉદ્દેશ્યથી જે કર્મો કરવામાં આવે છે, તે કર્મોમાં ભિન્નતા જરૂર હોય છે; પરંતુ તે દોષિત નથી હોતાં. દોષ ભાગ સહજ નથી. સ્વભાવનિયત ન કહી શકાય. દોષયુક્ત કર્મો સ્વાભાવિક હોય શકે છે; પરંતુ તે સ્વભાવનિયત નથી થઈ શકતા. અર્થાત્‌ નિર્ણાયક શાસ્ત્ર તેને કોઈના સ્વભાવનિયત કર્મમાં સ્થાન આપતું નથી. એક બ્રાહ્મણને પરમાત્મતત્વની અનુભૂતિ અને પ્રાપ્તિ થઈ જાય ત્યાર પછી પણ તે વર્ણાશ્રમ ધર્મ છોડી દેશે નહિ. પવિત્રતાથી ભોજન કરશે. કેમ કે પવિત્રતાથી ભોજન કરવું તે તેના સ્વભાવનિયત ધર્મમાં આવશે. પૂર્વના કોઈ પાપકર્મથી કસાઈને ઘેર જન્મ થઈ ગયો તો તે જન્મ પાપનું ફળ ભોગવવા માટે થયો છે પણ પાપ કરવા માટે બિલકુલ નહિ. પાપનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ બતાવવામાં આવ્યું છે પણ નવું પાપ કર્મ કરવાનું બતાવવામાં આવ્યું નથી. ‘सति मूले तद्विपाको जात्यायुर्भोगा:(યોગ ૨/૨૩) કદાચ કોઈને પૂર્વના પાપને લઈને પાપમાં રુચિ થતી હોય તો તેમણે પરમાત્માના નામનો જપ કરવો અને ભગવાનના ભક્તની નીચી સેવા દૃઢતાપૂર્વક કરવી. તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જશે.

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्‌।

सर्वारभ्भा हि दोषेण धूमेनाग्निरिवावृता:।।४८।।

અર્થ : હે કૌન્તેય ! દોષવાળું-ન્યૂન ગુણવાળું હોય તોય પોતાનું સહજ કર્મ માણસોએ તજવું જોઈએ નહિ, કેમકે-સર્વ કર્મના આરંભોજ ધૂમાડાથી અગ્નિજ જેમ એમ દોષથી જ અવરેલા-ભરેલા છે. ।।૪૮।।

सहजं कर्म कौन्तेय…

પૂર્વ શ્લોકમાં એ કહેવામાં આવ્યું કે, સ્વભાવના અનુસાર(સાત્ત્વિક, રાજસ, તામસના અનુસાર) શાસ્ત્રોએ જે કર્મો નિયત કર્યાં છે, તે કર્મોને કરતો મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી. આનાથી સિદ્ધ થાય છે કે, સ્વભાવનિયત કર્મોમાં પણ પાપ ક્રિયા થાય છે. જો પાપ ક્રિયા ન થાય તો ‘પાપને પ્રાપ્ત નથી થતો’ એવું કહેવું. પ્રાપ્ત થાય છે’ અને કેવા ઢંગથી કરે તો ‘પાપને પ્રાપ્ત નથી થતો’ એ જાણવું મહત્ત્વનું છે. ભગવાન અહીં એ જ વસ્તુ સમજાવી રહ્યા છે ભગવાન કહે છે કે, ‘જે સહજ કર્મો છે, તેઓમાં કોઈ દોષ પણ આવી જાય તો પણ તે કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ પણ તે કર્મોમાં રહેલા ફક્ત દોષનો જ ત્યાગ કરવો જોઈએ. દોષનિવારણ કરીને તે કર્મ તો સુચારુરૂપથી કરવું જોઈએ. કારણ કે પ્રકૃતિ મંડળમાં કોઈ પણ કર્મ સંપૂર્ણ દોષથી મુક્ત નથી.

સ્વભાવનિયત કર્મો સહજ કર્મો કહેવાય છે. જેમ કે બ્રાહ્મણના શમ, દમ વગેરે. ક્ષત્રિયના શૌર્ય, તેજ વગેરે. વૈશ્યના કૃષિ, ગૌરક્ષા વગેરે અને શૂદ્રના સેવા કર્મ આ બધા જ સહજ કર્મો છે. જન્મ થયા પછી શાસ્ત્રોએ પૂર્વના ગુણ અને કર્મના અનુસારે જે વર્ણને માટે જે કર્મની આજ્ઞા આપી છે. જે કદાચને આજીવિકા સંબંધી પણ હોઈ શકે છે તે પણ શાસ્ત્રનિયત કર્મો સહજ કર્મો કહેવાય છે. જેમ કે બ્રાહ્મણને માટે યજ્ઞ કરવો, કરાવવો, ક્ષત્રિયને માટે દાન કરવું, પ્રજા રક્ષણ, વૈશ્ય માટે યજ્ઞ કરાવવો, શૂદ્રને માટે સેવા-

સહજ કર્મમાં આવા દોષો હોવાની સંભાવના રહે છે. જેમ કે ક્રિયામાત્ર પ્રકૃતિને આધીન છે. માટે માયિક પ્રકૃતિનો સ્વીકાર કરવાનો રહે છે.

પ્રત્યેક ક્રિયામાં ક્રિયાને આનુસંગિક-અનિવાર્ય હિંસા જેવા દોષો રહે છે.

કોઈપણ કર્મ કરવામાં આવે તો તે તમામને અનુકૂળ હોતું નથી. કોઈકને પ્રતિકૂળ પણ હોઈ શકે છે. એ પણ એક દોષ છે.

પ્રમાદ, વિપ્રલિપ્સા વગેરેને કારણે કર્મ કરવામાં કોઈક કમી રહી જવી અથવા વિધિનું પૂર્ણ અનુસરણ ન થઈ શકવું વગેરે દોષો રહે છે.

પોતાના સહજ કર્મમાં દોષ પણ હોય તો પણ તેને નહિ છોડવું જોઈએ. તેમાં રહેલા દોષનિવારણનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આનો અભિપ્રાય એમ છે કે, બ્રાહ્મણનાં કર્મો જેટલાં સૌમ્ય છે એટલા બ્રાહ્મણેતર વર્ણના કર્મો સૌમ્ય નથી; પરંતુ તેવા સૌમ્ય ન હોવા છતાં તેને દોષિત માનીને તેનો ત્યાગ કરવો જોઈએ એવું નથી. ક્ષત્રિય વગેરેનાં કર્મોમાં ઊણપ હોવા છતાં દોષ નથી લાગતો; પરંતુ તેમનું પાલન કરવાથી લાભ થાય છે. કારણ કે તે કર્મો તેઓના પૂર્વ કર્મના અનુસાર સ્વભાવને અનુકૂળ હોવાથી કરવામાં સુગમ છે અને પાછાં શાસ્ત્રવિહિત છે.

જેમ કે ગીતાની શરૂઆતમાં અર્જુનનો આગ્રહ યુદ્ધ નહિ કરવાનો અને ભિક્ષાન્નથી સંન્યાસ ગ્રહણ કરી જીવન નિર્વાહનો છે. ભગવાન તેને તેમ કરતા રોકે છે અને ક્ષત્રિયના ધર્મસહજ યુદ્ધ કરવાનો આગ્રહ રાખે છે. જો કે યુદ્ધમાં હિંસા દોષ સહજ રહ્યો જ છે તો પણ ભગવાન કહે છે કે, તે શાસ્ત્રવિહિત છે અને મેં બતાવેલા માર્ગથી યુદ્ધના સહજ દોષથી પણ તું વંચિત રહી શકે છે. જ્યારે ભિક્ષા નિદરેષ કર્મ હોવા છતાં તેમાં પણ ગૃહસ્થને પીડા, બીજા ભિક્ષુકને ઈર્ષા, ન અપાય તો ગૃહસ્થને પાપ લાગે છે. વગેરે દોષો તો તેમાં પણ આવે છે. માટે તારે માટે સહજ કર્મો છે. તેને તારે છોડવાં ન જોઈએ. તેમાં આવતા દોષોનું નિવારણ જરૂર કરવું જોઈએ. જેના ઉપાયો મેં સમગ્ર ગીતામાં બતાવ્યા છે. સહજ કર્મોમાં પણ કામના, આસક્તિ, સ્વાર્થ, અભિમાન વગેરેનો ત્યાગ કરી દેવાથી તે સહજ કર્મોના દોષ તેને લાગતા નથી. તે સહજ કર્મ તેને મુક્તિમાં બાધક થતું નથી. ઊલટું તે જ કર્મો નિષ્કામ ભાવથી અને ભગવાનની પ્રસન્નતા માટે કરાય તો મુક્તિનાં સાધન બની જાય છે.

सर्वारम्भा हि दोषेण

જેટલાં પણ કર્મો છે તે તમામ સદોષ જ છે. જેમ આગ સળગાવવામાં આવે તો આરંભમાં ધુમાડો થાય જ છે; પરંતુ શાસ્ત્ર આજ્ઞાને અનુસાર નિષ્કામ ભાવનાથી કર્મ કરતો મનુષ્ય પાપનો ભાગીદાર નથી થતો. દરેક વિહિત કર્મો કરવામાં પણ દોષ તો રહ્યા જ છે પણ કામના, સુખબુદ્ધિ, ભોગબુદ્ધિ ન રહે તો તે દોષ કર્તાને સ્પર્શતા નથી. તાત્પર્ય એ થયું કે દોષ લાગવા અથવા ન લાગતાં તે કર્તાની નિયત-દાનત ઉપર નિર્ભર રહે છે. જેમ કે ડોકટરની નિયત સારી હોય, પૈસાનો જ કેવળ ઉદ્દેશ્ય ન હોય પણ સેવાનો ઉદ્દેશ્ય હોય તો તે ઓપરેશન કરે, રોગીનું અંગ કાપે તો પણ તે ને દોષ નથી લાગતા; ઊલટું નિઃસ્વાર્થભાવ અને હિતની દૃષ્ટિ હોવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.