ગી.અ-18, શ્લોક 01 to 12

શ્લોક ૧-૧૨

ત્યાગનો વિષય

અર્જુન બોલ્યા

संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम्‌।

त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन।।१।।

અર્થ : અર્જુન પૂછે છે-હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઈચ્છું છું અને હે હૃષીકેશ ! હે કેશિનિસ્‌દન ! ત્યાગનું તત્ત્વ પણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઈચ્છું છું. ।।૧।।

संन्यासस्य… पृथक्केशिनिषूदन…।

કર્મયોગ અને જ્ઞાનયોગના વિષયમાં અર્જુને ત્રીજા અધ્યાયના આરંભમાં ભગવાનને ઉલાહના(ઠપકો) આપ્યો હતો.(૧,૨) પછી પાંચમાં અધ્યાયના આરંભમાં એવું જાણવાની ઈચ્છા કરી હતી.(અ.પ.૧) કે તે બેમાં શ્રેષ્ઠ કોણ છે? અને અહીં એ બન્નેનું તત્ત્વ જાણવા ઈચ્છે છે.

અહીં અર્જુનની આ જિજ્ઞાસાના સમાધાનમાં જે જે વાતો કહી છે, તેઓના આધાર પર અર્જુનના મનમાં આવેલી અન્ય જિજ્ઞાસાઓનું પણ અનુમાન થઈ શકે છે. જે આવી રીતે છે-

(अ) संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम्‌-

(૧)સંન્યાસ કોને કહે છે?

ભગવાને કરેલું સમાધાન-કોઈપણ કર્મની સાથે કર્તાપણાનો ભાવ ન રહેવો અને બુદ્ધિનું કયાંય પણ લિપ્ત ન થવું.(અ.૧૮/૧૭)

(૨) સન્યાસી કેવો હોવો જોઈએ?

રાગરહિત, અનહંવાદી, ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત તથા સિદ્ધિમાં અસિદ્ધિમાં નિર્વિકાર હોવો જોઈએ.(અ-૧૮/૨૬)

(૩) સંન્યાસનું સાધન કેવું હોવું જોઈએ? સંન્યાસીઓએ કેવી સાધના કરવી જોઈએ?

સાત્ત્વિકી બુદ્ધિવાળું, વૈરાગ્યવાન, એકાંતનું સેવન કરવાવાળું, ઈન્દ્રિયોનું નિયમન કરવાવાળું, શરીરવાણી મનને સંયમ કરવાવાળું વગેરે હોવું જોઈએ-(અ.૧૮/૫૧ થી ૫૩)

(૪) સંન્યાસીનાં આચરણ કેવાં હોવાં જોઈએ?

કર્તૃત્વાભિમાન અને રાગદ્વેષથી રહિત થઈને કર્મ કરવાવાળા.(૧૮/૨૩)

(૫) સંન્યાસીનો(સર્વપ્રત્યે) ભાવ કેવો હોવો જોઈએ?

સઘળા વિભક્ત પ્રાણીઓમાં વિભાગરહિત એક પરમાત્માને દેખવું તેવો. (૧૮/૨૦)

(૬) સંન્યાસનું ફળ શું હોય છે?

પરમાત્મતત્ત્વમાં પ્રવિષ્ટ થવું. (૧૮/૫૫) વાસુદેવમાં પ્રવેશ મ.૩૮

(ब) त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन

(૧) ત્યાગ કોને કહેવાય?

કર્મ અને કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્યકર્મ કરવાને(૧૮/૬)

(૨) ત્યાગી કેવો હોવો જોઈએ?

કર્મફળનો ત્યાગી હોવો જોઈએ.(૧૮/૧૧ તથા ૧૦નો ઉતરાર્ધ)

(૩) ત્યાગનું(ત્યાગીનું) સાધન કેવું હોવું જોઈએ?

કર્મ અને ફળની આસક્તિને ત્યાગ.(૧૮/૯)

(૪) ત્યાગીનાં આચરણો કેવાં હોવાં જોઈએ?

અકુશળ કર્મનો દ્વેષ ન કરવો અને કુશળ કર્મમાં આસક્ત ન થવું(૧૮/૧૦ પૂર્વાર્ધ)

(૫) ત્યાગીનો ભાવ(જીવ, જગત્‌, પરમાત્મા પ્રત્યે) કેવો હોવો જોઈએ?

કર્તવ્ય માત્ર કરવાનો.(૧૮/૯)

(૬) ત્યાગનું ફળ શું હોય છે?

પરમાત્મતત્ત્વમાં સ્થિત થવું.(૧૮/૧૦ ઉતરાર્થ)

અહીં આ શ્લોકમાં અર્જુન પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં ભગવાનને-મહાબાહો-સંબોધન કરે છે. એ અતિ સમર્થનું સૂચક છે. અર્જુન ભગવાનને પોતાના અંતરમાં મહા સર્મથ માની રહ્યા છે. અર્જુનનો ભાવ એ છે કે સઘળા વિષયોને કહેવા સમર્થ છો. જેથી મારી જિજ્ઞાસાનું સમાધાન એવી રીતે કરો કે હું આ ગહન વિષયને સમજી શકું.

हृषीकेश-સંબોધન અંર્તયામીનું વાચક છે. એમ કહેવા પાછળ એ ભાવ છે કે હે મહારાજ આ વિષયમાં જે જે જરૂરી વાતો હોય, તે આપ મારા પૂછયા વિના પણ કહેવાને યોગ્ય છો, કહી દો.

અને केशिनिषूदन સંબોધન વિઘ્નોને દૂર કરવાવાળાનું સૂચક છે. તેની પાછળ અર્જુનનો એ ભાવ છે કે, હે મહારાજ ! તમે મારી તમામ શંકાઓ અને સંશયોને દૂર કરી દો.

જિજ્ઞાસા બહુધા બે રીતે પ્રગટ કરવામાં આવતી હોય છે.

(૧) પોતાના આચરણમાં લાવવા માટે અને (૨) સિદ્ધાંતને સમજવા માટે. જેઓ કેવળ જાણવાને માટે અર્થાત્‌શીખવા અથવા શીખીને બીજાને કહેવા(ઉપદેશ દેવા) માટે સિદ્ધાંતને સમજે છે. તેઓ કેવળ પુસ્તકોના વિદ્વાન બની શકે છે અને નવાં પુસ્તકોના વિદ્વાન બની શકે છે. નવા પુસ્તકો લખી શકે છે; પરંતુ પોતાનું કલ્યાણ નથી કરી શકતા. અસત્‌ને અસત્‌તરીકે ઓળખવા છતાં ત્યાં સુધી સત્‌ની પ્રાપ્તિ નથી થતી. જ્યાં સુધી અસત્‌નો સંપૂર્ણ ત્યાગ નથી કરતો અને સત્‌ની પ્રાપ્તિને જ પોતાના જીવનનું મુખ્ય ધ્યેય નથી બનાવી લેતો. પોતાનું કલ્યાણ તેઓ જ કરી શકે છે, જેઓ સિદ્ધાંતને સમજીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવાને તત્પર થઈ જાય છે.

અહીં અર્જુનની જિજ્ઞાસા પણ કેવળ સિદ્ધાંતને જાણવા માટે જ નથી. કથાવાર્તા સાંભળીને જોેળો ખંખેરીને ઊભા થઈ જવા એટલા માટે નથી; પરંતુ સિદ્ધાંતને જાણીને તેના અનુસાર પોતાનું જીવન બનાવવાને માટે છે.

एषा तेऽभिहिता सांख्ये(૨/૩૯)માં આવેલા સાંખ્ય પદને જ અહીં ‘સંન્યાસ’ પદથી કહેવામાં આવ્યું છે. ભગવાને પણ સાંખ્ય અને સંન્યાસને પર્યાયવાચી માન્યા છે. માટે અર્જુને અહીં સાંખ્યને જ સંન્યાસ કહ્યો છે. એવી જ રીતે बुद्धिर्योगेत्विमाम्‌ श्रृणु। (૨/૩૯)માં આવેલા યોગ પદને જ અહીં ત્યાગ શબ્દથી કહેવામાં આવ્યું છે. ‘सम्यक्‌ न्यास’ ને સંન્યાસ કહેવાય છે. તાત્પર્ય એ છે કે વિવેક દ્વારા પ્રકૃતિના દુષ્પરિણામથી મુક્ત રહીને પરમાત્માએ આપેલી સામગ્રીને સાચવીને તેના અર્થે જ કરી દેવાને સંન્યાસ કહેવાશે. સંન્યાસ ખાલી છોડી દેવું એટલું જ નથી. તમે તમારા માટે તેનો ઉપયોગ ન કરો પણ પરમાત્માના સજર્નનો દુરુઉપયોગ તો કરવાનો નથી. તેનો સદુપયોગ કરવાનો છે અને તે એ છે કે તે સામગ્રી સંપૂર્ણપણે(સમ્યક્‌) પરમાત્મા અને તેના સાચા ભક્તોને માટે ઉપયોગમાં આવે.

કર્મ અને કર્મફળ ‘આસક્તિ’ને છોડવાનું નામ ‘ત્યાગ’ છે અને જ્યારે તે આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે યોગારૂઢ થઈ જાય છે.

શ્રી ભગવાન બોલ્યા

काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदु:।

सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा:।।२।।

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण:।

यज्ञदानतप: कर्म न त्याज्यमिति चापरे।।३।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-કેટલાક કવિ-પંડિતો કામ્ય કર્મના ત્યાગનેજ સંન્યાસ જાણે છે અને કેટલાક વિચક્ષણ જ્ઞાની જનો સર્વ કર્મના ફળત્યાગને ત્યાગ એ પ્રમાણે કહે છે. કેટલાક સૂક્ષ્મ બુદ્ધિવાળા ડાહ્યા માણસો દોષવાળા કર્મ ત્યાગ કરવાં એમ કહે છે. ત્યારે બીજાઓ કેટલાક એમ કહે છે કે-યજ્ઞ, દાન અને તપ એવાં એવાં કર્મ તો નજ તજવાં. ।।૨-૩।।

અહીં સંન્યાસ અને ત્યાગ અથવા સાંખ્ય અને યોગ એકાર્થક છે કે ભિન્નાર્થક એ વિવાદ છે; પરંતુ તે ભગવાનના અંતરમાં નથી. અર્જુનના અંતરમાં કદાચ હોય ખરો. કારણ કે અર્જુને ઘણીવાર ભગવાનને આ વાત પૂછી છે અને ભગવાને તેનો સ્પષ્ટ નિર્ણય પણ આપી દીધો છે. ભગવાનના અંતરમાં બન્નેનું ફળ એક છે તેથી તેને અલગ અલગ છે એમ કહેનારા બાલિશ લોકો છે. એમ ભગવાને કહ્યું છે; છતાં તત્ત્વતઃ સમજાવવા માટે ભગવાન તેના વિકલ્પો કહી બતાવીને સમજાવી રહ્યા છે. મૂળ વાત એ છે કે, અર્જુનના મનમાં કર્મ સદોષ છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. કર્મનો સમૂળો ત્યાગ ખૂબ જ ઊંચો છે આવું ભૂસું ભરાયેલું છે. તેનું સમૂળથી નિવારણ કરવા માટે ભગવાન વિસ્તારથી પોતાનો સ્પષ્ટ નિર્ણય આપવા અને સમજાવવાનો પ્રારંભ કરે છે અને શંકાનું મૂળથી ઉચ્છેદન કરે છે. છેવટે ભગવાન સમજાવીને થાકે છે ને બતાવી દે છે. આ પરિસ્થિતિ છે અને આવું હું માનું છું. તારે માનવું કે ન માનવું તે તારા ઉપર નિર્ભર છે. ‘यथेच्छसि तथा कुरु’(અ. ૧૮/૬૩) એમ કહીને ભગવાન તેના ઉપર છોડી દે છે. આખરે તો અર્જુન ભગવાનના અનન્ય ભક્ત છે પણ મન કયારેક ભક્તને પણ ઘેલું લગાડીને ઘેલો બનાવી દેતું હોય છે. ત્યારે ભગવાનને પણ કઠણ પડી જતું હોય છે પણ આખરે તો એ ભગવાન છે. તેની ઝલક સંપૂર્ણ અધ્યાય દ્વારા બતાવી છે.

દાર્શનિક વિદ્વાનોના ચાર મતો છે-

काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदु:।

કેટલાક વિદ્વાનો માને છે કે काम्य કર્મોના ત્યાગનું નામ સંન્યાસ કહેવાય. અર્થાત્‌સંન્યાસીઓએ કામ્યકર્મોનો ત્યાગ કરવો જોઈએ. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિને માટે જે કર્મ કરવામાં આવે છે, તેને કામ્ય કર્મો કહેવાય. માન, મોટાઈ, પ્રસિદ્ધિ, પુત્ર, ધન કે કોઈ મનગમતું મળી જવા માટે પુરુષાર્થ થાય તે કામ્યકર્મ છે. રોગ મટી જાય, દેવું દૂર થાય, આફત દૂર થાય એવી ઈચ્છાથી કરવામાં આવેલા કર્મને પણ કામ્ય કર્મ કહેવાય છે. તેમનો સર્વથા ત્યાગ કરી દેવો તેને જ ‘સંન્યાસ’ કહેવાય છે. એવું કેટલાક વિદ્વાનો માને છે. આમ કહેવા પાછળ તેમનો મત એવો છે કે, કામ્યકર્મોનો ત્યાગ કરવાથી જેમ નિત્યનૈમિત્તિક કર્મોમાં ‘अकरणे प्रत्यवायात्‌ कर्मान्तरानर्हतापतिभयात्‌’ ન કરવાથી પ્રાયશ્ચિતની પ્રાપ્તિ થાય છે અને બીજા અનુષ્ઠાનોમાં બેસવાની અયોગ્યતા પ્રાપ્ત થઈ જાય તેવું કામ્યકર્મ ન કરવાથી કે છોડી દેવાથી થતું નથી. માટે તેને છોડી દે એ જ સાચો સન્યાસી છે. વળી તે કામ્યકર્મો ત્રિવર્ગની સાધના માટે જ કરવામાં આવે છે. તે અપવર્ગ સાધવામાં તો પ્રત્યનિક-વિરુદ્ધ છે. કોઈ કહેશે કે તેનું તેજ કામ્યકર્મ જ અપવર્ગ પણ સાધી આપે છે તો તે વાત ખોટી છે. જો એમ હોય તો ઉપાસના વગેરે સાધનોની નિરર્થકતા થશે માટે સ્વર્ગાદિક જેનું નામ છે, એવી નરકના કારણરૂપ કામ્ય ક્રિયાઓ મુમુક્ષુઓએ કરવા યોગ્ય નથી. એવું કેટલાક વિદ્વાનો માને છે.

(२) सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा:- કેટલાક વિદ્વાનો કહે છે કે, સઘળાં કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનું નામ ‘ત્યાગ’ છે અર્થાત્‌ફળ ન ઈચ્છીને કર્તવ્યકર્મોને કરતા રહેવાનું નામ ‘ત્યાગ’ છે. એમ કહેવા પાછળ એનો એવો આશય છે કે ફળના વિરોધથી જ કામ્યકર્મોનો ત્યાગ કરવામાં આવે છે, માટે ફળનો જ ત્યાગ કરી દો. ત્યારે કોઈ કહેશે કે ફળનો ત્યાગ કરી દેવાથી નિષ્ફળ અનુષ્ઠાન કરવારૂપ આપત્તિ પ્રસંગ આવશે. તો એમ નહિ બને. નિત્યનૈમિત્તિક કર્મો જેમ ભગવાનને રાજી કરવા નિમિત્તે થાય છે તેમ જ આની ઉપપતિ યોગ્યતા થશે. ત્યારે પ્રતિપક્ષી શંકા કરે છે કે, એમ કરવાથી તેમાંથી વિધિ-ભાગ-વિધિપણું ચાલ્યું જશે. ત્યારે કહે છે કે, એમ કરવાથી પણ વિધિપણું જશે નહિ.

(३) त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: કેટલાક વિદ્વાનો કહે છે, સઘળાં કર્મોને દોષની જેમ છોડી દેવાં જોઈએ.

‘दोषवत्‌’ પદ વ્યાકરણના ‘वति’ અને ‘मतुप’ બન્ને પ્રત્યયોથી બને છે; પરંતુ બન્નેનો અર્થ બે જાતનો થાય છે. અર્થાત્‌ભિન્ન થાય છે. ‘वति’ પ્રત્યય કરવાથી બનેલા ‘दोषवत्‌’ પદનો અર્થ થાય છે, કર્મોને કામાક્રોધાદિ દોષની જેમ છોડી દેવાં જોઈએ અને ‘મતુપ’ પ્રત્યયથી થયેલા ‘दोषवत्‌’ પદનો અર્થ થાય છે-દોષવાળાં કર્મો છોડી દેવાં જોઈએ. અર્થાત્‌જે જે કર્મો દોષવાળાં છે તેટલા જ છોડી દેવાં જોઈએ. પરંતુ અહીં ‘वति’ પ્રત્યયથી બનેલા ‘दोषवत्‌’ શબ્દનો અર્થ લેવો જોઈએ. ‘मतुप’ પ્રત્યયનો નહિ. કેમ કે ‘मतुप’ પ્રત્યયનો અર્થ તો ભગવાનના મતના અનુસારે (ગી.૧૮/૪૮) છે. દાર્શનિકોના મતના અનુસારે નહિ.

બીજુ અંતર એ છે કે ‘वति’ પ્રત્યય અવ્યય બનીને ક્રિયાનું વિશેષણ બને છે અને ‘मतुप’ પ્રત્યય કર્તા અને કર્મનું વિશેષણ બને છે.

(४) यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। અન્ય વિદ્વાનો કહે છે કે, બીજાં બધાં કર્મોનો ભલે ત્યાગ કરી દે; પરંતુ યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ.(અર્થાત્‌શુભ કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ.)

ઉપર્યુક્ત દાર્શનિકોના ચારે મતોમાં કઈ કઈ ઊણપો છે અને તેની અપેક્ષાએ ભગવાનના મતમાં કઈ કઈ વિલક્ષણતાઓ છે, તેનું વિવેચન આ પ્રકારે છે.

(१) काम्यानां कर्मणां न्यासं संन्यासम्‌-

સંન્યાસના આ પહેલા મતમાં કેવળ કામ્યકર્મોનો ત્યાગ બતાવવામાં આવ્યો છે; પરંતુ તેના સિવાય પણ નિત્ય, નૈમિત્તિક વગેરે આવશ્યક કર્મો બાકી રહી જાય છે. (કર્મો, પાંચ પ્રકારનાં છે. (૧) નિત્ય કર્મો-સંધ્યા, ગાયત્રી વગેરે (૨) નૈમિત્તિક કર્મો-સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરે કોઈ નિમિત્ત અર્થે થતાં કર્મો. તેમાં સ્થળનિમિત્ત-ગંગા, ગયા, નૈમિષ, મંદિર વગેરે સ્થાનોમાં જઈએ ત્યારે કરવાનાં કર્મો. કાળનિમિત્ત-એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, હરિજયંતી, ગ્રહણ, સંક્રાંતિ વગેરે પર્વ નિમિત્તે કરવા જોઈતા કર્મો. પુત્રજન્મ, લગ્ન, મૃત્યુ વ. તથા સંત મહાત્મા ઘેર પધારે, સત્સંગ મળતાં જે કરવા જોઈતા કર્મો પરિસ્થિતિ નિમિત્ત કર્મો કહેવાય છે. (૩) કામ્યકર્મો-માન, પ્રસિદ્ધિ, પુત્ર-ધન પ્રાપ્તિ માટે, આફત મિટાવવા, જે અનુષ્ઠાનો થાય તે કામ્યકર્મો છે. (૪) પ્રાયશ્ચિત કર્મો-પાપ દૂર કરવા માટે કરાતાં કર્મો. (૫) આવશ્યક કર્મો ખેતી, વેપાર, નોકરી વગેરે જીવિકા માટે કરાતાં કર્મો અને ખાવું, પીવું, સૂવું વગેરે શરીર માટે થતાં કર્મો આવશ્યક કર્મો કહેવાય. તેથી આ પ્રથમ મત પૂર્ણ નથી. કેમ કે તેમાં ન તો કર્તૃત્વનો ત્યાગ આવ્યો છે અને ન તો પરમાત્મા પામવાનું સાધનત્વ આવ્યું છે. જ્યારે ભગવાનને મતે કર્મોમાં કર્તૃત્વાભિમાન ન આવવું જોઈએ અને ભગવાનને પામવાનું સાધન તે કર્મ બનવું જોઈએ. જે વાત ભગવાને-સત્તરમાં શ્લોકમાં બતાવી છે.

(२) त्याज्यं दोषवदित्येके-સંન્યાસના આ બીજા મતમાં બધાં કર્મોને દોષની જેમ સમૂળગા છોડી દેવાની વાત આવી છે; પરંતુ સઘળાં કર્મોનો ત્યાગ કોઈ કરી જ શકતું નથી.(અ.૩/૫ અ. ૧૮/૧૧) અને કર્મ માત્રનો ત્યાગ કરવાથી જીવનનિર્વાહ પણ થઈ શકતો નથી.(અ.૩/૮) એટલા માટે ભગવાને નિયત કર્મોના સ્વરૂપથી ત્યાગને રાજસ, તામસ ત્યાગ બતાવ્યો છે.(અ.૧૮/૭-૮)

(३) सर्वकर्मफलत्यागम्‌-ત્યાગના આ પહેલા મતમાં કેવળ ફળનો ત્યાગ બતાવ્યો છે. અહીં ફળ ત્યાગની અંતર્ગત કેવળ કામનાના ત્યાગની જ વાત આવી છે. મમતા-આસક્તિના ત્યાગની વાત આની અંતર્ગત નથી લઈ શકતા અને જો એટલું સાથે લઈ લેવાય તો દાર્શનિકો અને ભગવાનનો મત એક બની જશે. કોઈ અંતર રહેશે નહિ. ભગવાનને મતે કર્મની આસક્તિ અને ફળની આસક્તિ બન્નેના ત્યાગની વાત આવી છે. ‘सङ्गं त्यक्त्वा फलानि च’(૧૮/૬)

વસ્તુતાએ તો જ્યાં જ્યાં ફળના ત્યાગની વાત કહેવામાં આવી છે, ત્યાં ફળની કામનાનો ત્યાગ જ સમજવો જોઈએ. કારણ કે ફળનો ત્યાગ થઈ જ નથી શકતો. સૃષ્ટિનો એવો નિયમ છે કે પ્રત્યેક કર્મ, ફળના રૂપમાં પરિણિત થાય છે. જેવી રીતે કોઈ ખેતી કરે છે તો તે અનાજનો ત્યાગ કેવી રીતે કરશે? વેપાર કરે છે તો નફાનો ત્યાગ કેવી રીતે કરશે? જેવી રીતે અનાજનું પેદા થવું એ ખેતીનું ફળ છે અને નફો થવો એ વેપારનું ફળ છે. તેવી જ રીતે ખેતી કરવા છતાં પણ અનાજ ન પાકવું કે વેપાર કરવા છતાં નફો ન થવો તે પણ ખેતી અને વેપારનું ફળ જ છે. જ્યારે કામનાનો(આસક્તિ સહિતની ઈચ્છાનો) ત્યાગ કરવાથી ફળથી આપો-આપ સંબંધ વિચ્છેદ થઈ જાય છે.(ગી.૨/૪૮) કેમ કે સિદ્ધિ અને અસિદ્ધિ બન્ને કર્મનું ફળ છે. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહેવાનું તાત્પર્ય છે ધ્યેયમાં અચળ અને અડગ રહેવું-કર્મફળમાં મમતા-આસક્તિ ન રાખવી પણ અંતિમ ધ્યેયમાં મમતા-આસક્તિ રાખવી અથવા ઊભી કરવી અને કર્મફળ સાથે પોતાનો સંબંધ ન જોડવો પણ ધ્યેય-પરમાત્મા તેની સાથે પોતાનો સંબંધ જોડવો.

(४) यज्ञदानतप: कर्म न त्याज्यम्‌-ત્યાગ અથવા કર્મયોગના બીજા મતમાં યજ્ઞ, દાન અને તપરૂપી શુભ કર્મોનો ત્યાગ ન કરવાની વાત છે; પરંતુ આ ત્રણેયનાં ઉપરાંત વર્ણ આશ્રમ, પરિસ્થિતિ વગેરેને લીધે જેટલાં કર્મો આવે છે, તેમને કરવા અથવા ન કરવાના વિષયમાં કાંઈ નથી કહેવામાં આવ્યું. આ તેમાં અધૂરાપણું છે. ભગવાનને મતે આ કર્મોનો કેવળ ત્યાગ ન કરવો, એટલું જ નહિ પણ બીજા વર્ણ આશ્રમ સંબંધી કર્મો ન કરતા હોય તો જરૂર કરવા જોઈએ અને એમના સિવાય તીર્થ, વ્રત વગેરે પણ કર્મોને પણ ફળ અને આસક્તિનો ત્યાગ કરીને કરવા જોઈએ. (૧૮/૫-૬)

निश्चयं श्रृणु मे तत्र त्यागे भरतसत्तम।

त्यागो हि पुरुषव्याध्र त्रिविध: संप्रकीर्तित:।।४।।

અર્થ : હે ભરતસત્તમ ! તે ત્યાગના સંબંધમાં મારો નિશ્ચય સાંભળ ! હે પુરુષવ્યાધ્ર ! તે ત્યાગ તો ત્રણ પ્રકારનો વિગતવાર કહેલો છે. ।।૪।।

દાર્શનિક વિદ્વાનોના ચાર મત બતાવ્યા પછી હવે ભગવાન ‘ત્યાગ’ના વિષયમાં પોતાનો મત બતાવે છે. જેમ શરીર અને શરીરનો વિવેક બધા જ સાધકોને માટે પરમ આવશ્યક હોવાને કારણે ભગવાને તેનું વર્ણન ગીતામાં સહુથી પહેલાં (અ.૨/૧૧-૩૦) કર્યું છે. તેવી જ રીતે ફળની કામના અને કર્મની આસક્તિનો ત્યાગ બધા જ સાચા સાધકોને માટે અત્યંત આવશ્યક હોવાને કારણે અહીં ભગવાન ‘ત્યાગ’ના વર્ણનનો સહુથી પહેલાં આ અધ્યાયમાં આરંભ કરે છે.

त्यागो हि पुरुषव्याध्र त्रिविध: संप्रकीर्तित:-

ત્યાગ કોને કહેવાય? તો પોતાની ફરજ પ્રમાણે(નિયતકર્મ) કરાતા વૈદિક કર્મોમાં फलविषयतया त्याग, कर्मविषयतया त्याग, અને कतृत्वविषयतया त्याग એ આગળ (૩/૩૦માં) કહેલો છે. मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर:(૩/૩૦) આ શ્લોક વડે ત્રણ પ્રકારનો ત્યાગ બતાવ્યો છે. ‘कर्मजन्यं स्वर्गादिकं फलं मम न स्यादिति’ फलत्याग:। કર્મજન્ય સ્વર્ગાદિક ફળ અથવા માન, મોટાઈ, પ્રસિદ્ધિ વગેરે પરમાત્માના ધામની પ્રાપ્તિ કે પરમાત્માની પ્રસન્નતા સિવાય મારે કોઈ ફળ ન જોઈએ. એવો કર્મના પ્રારંભમાં નિશ્ચય કરવો અને તેમ કરવું તે ફળ ત્યાગ થયો.

मदीय फलसाधनतया मदीयमिदं कर्मेति कर्मणि ममताया परित्याग: कर्मविषयस्त्याग:। આ કર્મનું ફળ મને મળવાનું છે. તે કર્મ પણ મારું છે. એવું જાણીને કર્મમાં પણ મમતા થાય છે માટે તે મમતાનો પણ ત્યાગ કરવો. ‘फलद्वारा हि कर्मणि ममता’(૩/૩૦ તા.ચં.) ઘણી વખત કર્મ તો ઋત્વિજ કરતા હોય તો પણ ફળાભિસંધિ યજમાનને થાય. માટે કર્મની ગેરહાજરીમાં પણ ફલાસક્તિ હોઈ શકે. તેને કર્મમાં આસક્તિ નથી. તે કર્મ પોતે પણ કરતો નથી ઋત્વિજો કરે છે પણ ફલાસક્તિ તો યજમાનને છે, માટે તે છોડવી તેને ત્યાગ કહેવાય. જ્યારે તેનાથી વિપરીત ફલાસક્તિ ન હોય તો પણ કર્માસક્તિ હોય છે. તેવું મોહમાં બને છે. મોહનું ફળ તો વિપરીત છે માટે તેમાં આસક્તિ ન હોઈ શકે પણ કર્મમાં જ એવો ચોટી ગયો છે કે તે છોડી શક્તો નથી, માટે તે કર્માસક્તિ છે. તેનો ત્યાગ કરવો. તેનું ઉદાહરણ કુટેવો છે.

सर्वेश्वरे कतृत्वानुसंघानेनात्मान: कर्तृतात्याग: कर्तृत्वविषयस्त्याग:। સઘળાં સત્કર્મ પરમાત્મા કરાવે છે. પોતે તદાધીન છે અને એની અનુમતિ વિના કાંઈ કરી શકતો નથી. એમ માનવું તે કર્તૃત્વ વિષયક ત્યાગ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારનો ત્યાગ છે.(ता.चं. તથા भाष्य)

कर्तृत्वत्याग फलत्याग स्वकीयता सङ्गत्याग विषयतामुत्तरोत्तरस्य च पूर्व पूर्व हेतुकतां प्रकाशयति મમતા ત્યાગ(ता.चं. ३/३०) અર્થાત્‌કર્તૃત્વ ત્યાગ કરવાથી ફલ ત્યાગ જલદી થઈ જશે અને અંતરથી ફલની ઈચ્છા જશે તો મમતા પણ જલદી જશે. મમતાનું કારણ ફળની ઈચ્છા છે. ફલેચ્છાનું કારણ અહંકાર કે કર્તાપણું છે.

સાત્ત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનો ત્યાગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં ભગવાનને મતે સાત્ત્વિક ત્યાગ એક અભિમત છે અને તે જ સાચો ત્યાગ છે; પરંતુ તેની સાથે રાજસ અને તામસ ત્યાગનું વર્ણન કરવાનું એ જ પ્રયોજન છે કે, તેના વિના ભગવાનને અભીષ્ટ સાત્ત્વિક ત્યાગની શ્રેષ્ઠતા સ્પષ્ટ થતી નથી. તુલના થાય ત્યારે શ્રેષ્ઠતા સ્પષ્ટ થાય છે. સાધક સાત્ત્વિક ત્યાગને ગ્રહણ કરે અને રાજસ-તામસનો ત્યાગ કરે તેવું તેનું તાત્પર્ય છે.

यज्ञदानतप: कर्म, न त्याज्यं कार्यमेव तत्‌।

यज्ञो दानं तपश्वैव पावनानि मनीषिणाम्‌।।५।।

અર્થ : જ્ઞન, દાન અને તપ એવા કર્મ તો તજવા લાયક નથી, માટે એ તો કરવાંજ. કેમકે યજ્ઞ, દાન અને તપ એ તો બધાં સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યોને પણ પાવન કરનારાં જ છે. ।।૫।।

यज्ञदान… मेव तत्‌-અહીં ભગવાને બીજાઓના મતને(૧૮/૩) યોગ્ય બતાવ્યો છે. ભગવાન કઠોર શબ્દોથી કોઈના મતનું ખંડન નથી કરતા. આદર આપવાને માટે ભગવાન બીજાના મતનો વાસ્તવિક અંશ લઈ લે છે અને તેમાં પોતાનો મત પણ શામેલ કરી દે છે. અહીં ભગવાને બીજાના મત અનુસાર કહ્યું કે-યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મો છોડવાં નહિ જોઈએ. એની સાથે ભગવાને પોતાનો મત બતાવ્યો કે એટલું જ નહિ; પરંતુ તે ન કરતા હોય તો જરૂર કરવાં જોઈએ. ‘कार्यमेव तत्‌’ કારણ કે યજ્ઞ દાન અને તપ ત્રણે કર્મો માનવીને પણ પવિત્ર કરવાવાળાં છે.

यज्ञो दानं… मनीषिणाम्‌-અહીં चैव પદ મૂક્યું છે. તેનું તાત્પર્ય એ છે કે, નિત્ય, નૈમિત્તિક, જીવિકા સંબંધી વગેરે જેટલા પણ કર્તવ્યકર્મો છે તેને પણ જરૂર કરવાં જોઈએ કેમ કે તેઓ પણ મનીષીઓને પવિત્ર કરનારાં છે.

જે મનુષ્યો સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મજન્ય ફળનો ત્યાગ કરી દે છે, તેઓ મનીષી છે. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिण:(ગી.અ.૨/૫૧) એવા મનીષીઓને પણ યજ્ઞ વગેરે કર્મો પવિત્ર કરે છે. અર્થાત્‌તેઓની ઉપાસનાને સિદ્ધ કરવામાં અને પૂર્વ કર્મ कृत વિઘ્નો દૂર કરવામાં મદદરૂપ બને છે. માટે તે શરીરના છેલ્લા શ્વાસ સુધી કર્યા કરવાં. જેઓ વાસ્તવમાં મનીષી નથી અને જેઓની ઈન્દ્રિયો વશમાં નથી અર્થાત્‌પોતાના સુખ ભોગને માટે જ જેઓ યજ્ઞ દાન વગેરે કર્મો કરે છે તેઓને તો તે યજ્ઞાદિક કર્મો પણ પવિત્ર કરી શકતા નથી. પવિત્ર આશયવાળાને જ મનીષી કહેવાય છે અને તેઓની જ ઉપાસનામાં આ કર્મો મદદ કરનારાં બને છે પણ તેવા ન હોય તેને તો તે કર્મો પણ બંધનકારક બને છે.

આ શ્લોકના પૂવાર્ધમાં ‘यज्ञदानतप:कर्म’ એવા સમાસવાળું પદ આપ્યું છે અને ઉતરાર્ધમાં यज्ञ दानं तप: એવા અલગ અલગ પદો આપ્યાં છે. એનું તાત્પર્ય એ છે કે, ભગવાને સમાસયુક્ત પદથી એમ બતાવ્યું છે કે-યજ્ઞ, દાન અને તપનો ત્યાગ નહિ કરવો જોઈએ; પરંતુ એમને જરૂર કરવાં જોઈએ અને અલગ અલગ પદોથી એમ બતાવ્યું છે કે એમનામાંથી પ્રત્યેક કર્મ પણ ઉપાસનામાં મદદ કરનારું છે.

एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च।

कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्‌।।६।।

અર્થ : આ સઘળાંય કર્મ પણ હે પાર્થ ! સંગ-આસક્તિ અને ફળની આશા પણ છોડી દઈનેજ કરવાં. એમ મારો ઉત્તમ નિશ્ચિત મત-અભિપ્રાય છે. ।।૬।।

एतान्यपि तु… અહીં एतानि પદથી પૂર્વ શ્લોકમાં કહેલા યજ્ઞ, દાન અને તપરૂપી કર્મો તથા अपि પદથી શાસ્ત્રવિહિત પઠન પાઠન, ખેતી વ્યાપાર વગેરે જીવિકા સંબંધી કર્મો, શાસ્ત્રની મર્યાદા અનુસાર ખાવું, પીવું, ઊઠવું બેસવું, સૂવું જાગવું વગેરે શારીરિક કર્મો અને પરિસ્થિતિને અનુસાર સામે આવેલાં આવશ્યક કર્તવ્ય કર્મો આ બધાં જ કર્મોને લેવાનાં છે. આ સઘળાં કર્મોને આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવા જોઈએ. પોતાની કામના, મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કર્મોને કેવળ પરમાત્માની પ્રીતિ મેળવવા માટે અને પ્રાણીમાત્રના હિતને માટે કરવાથી એ કર્મોનો પ્રવાહ તેને પરમાત્માની ઉપાસનાનું એક અંગ બની રહે છે અને સંસારથી મુક્તિને આપનારું બની જાય છે; પરંતુ તે જ કર્મોને પોતાને માટે કરવાથી બંધનકારક થઈ જાય છે.

ગીતામાં કયાંક સંગ(આસક્તિ)ના ત્યાગની વાત આવે છે અને કયાંક કર્મોના ફળના ત્યાગની વાત આવે છે. આ શ્લોકમાં સંગ અને ફળ-બન્નેના ત્યાગની વાત આવી છે. એનું તાત્પર્ય એ છે કે, ગીતામાં જ્યાં જ્યાં સંગના ત્યાગની વાત કહી છે, ત્યાં ત્યાં તેની સાથે ફળના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ-સમજી લેવાની છે અને જ્યાં જ્યાં ફળના ત્યાગની વાત કહી છે, ત્યાં ત્યાં તેની સાથે સંગના ત્યાગની વાત પણ સમજી લેવી જોઈએ. અહીં અર્જુને ત્યાગના તત્ત્વની વાત પૂછી છે. આથી ભગવાને ત્યાગનું એ તત્ત્વ બતાવ્યું છે કે સંગ(આસક્તિ) અને ફળ બન્નેનો ત્યાગ કરીને કર્તવ્યને અદલ રીતે બજાવવાનું છે. જેથી સાધકને એ જાણકારી સ્પષ્ટ થઈ જાય કે આસક્તિ ન તો કર્મમાં રહેવી જોઈએ અને ન તો ફળમાં પણ રહેવી જોઈએ. આસક્તિ ન રહેવાથી મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે કર્મ કરવાનાં ઓજારો(કરણો)માં તથા પ્રાપ્ત વસ્તુમાં મમતા નથી રહેતી.(અ.૫/૧૧)

સંગ(આસક્તિ કે સંબંધ) સૂક્ષ્મ હોય છે અને ફળેચ્છા સ્થૂળ હોય છે. સંગ કે આસક્તિની સૂક્ષ્મતા ત્યાં સુધી છે, જ્યાં સુધી જીવે નાશવાનની સાથે સંબંધ જોડી રાખ્યો છે. ત્યાંથી જ આસક્તિ પેદા થાય છે. જેનાથી જન્મ-મરણ વગેરે બધા અનર્થો પેદા થાય છે. कारणं गुणसङ्गोऽस्य सदसद्योनि जन्मसु(ગી.૧૩/૨૧) આસક્તિનો ત્યાગ કરવાથી નાશવાનની સાથે જોડેલા સંબંધનો ઉચ્છેદ થાય છે. આપ મેળે સ્વભાવિક અસંગતા ને મુક્તપણાનો અનુભવ થાય છે.

સંસાર કેવો છે ! એ વિશે દાર્શનિકો અનેક પ્રકારના મતો ધરાવે છે. પ્રકૃતિ કેવી છે? સત્‌, અસત્‌કે વિલક્ષણ. તે ઝઘડામાં સાધકે પડવાની જરૂર નથી પણ પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ કરવો એ સિદ્ધાંત વાત છે.

એક પ્રશ્ન એ રહે છે કે, ફળનો ત્યાગ કરવાનો કહ્યો છે તે ફળ શું છે ? તો પ્રારબ્ધ કર્મના અનુસાર હાલ આપણને જે પરિસ્થિતિ વસ્તુ, સ્થળ, કાળ વગેરે પ્રાપ્ત છે. તે બધું કર્મોનું ‘પ્રાપ્ત ફળ’ છે અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાનું છે તે બધુ ‘અપ્રાપ્ત ફળ’ છે. પ્રાપ્ત અને અપ્રાપ્ત ફળમાં આસક્તિ રહેવાને કારણે જ પ્રાપ્તમાં મમતા અને અપ્રાપ્તની કામના રહે છે. એટલા માટે ભગવાન ‘त्यक्त्वा फलानि च’ કહીને ફળોનો ત્યાગ કરવાની વાત કહે છે.

કર્મફળનો ત્યાગ શા માટે કરવો જોઈએ? કારણ કે કર્મના ફળરૂપે જે આપણને મળ્યું છે તે આપણી સાથે કાયમ રહેવાવાળું છે જ નહિ. નાશવંત છે. તેથી તેનો ત્યાગ કરવાનો છે. ફળના ત્યાગમાં વસ્તુતઃ ફળની આસક્તિનો અને ફળની કામનાનો જ ત્યાગ કરવાનો છે. ફળસ્વરૂપે મળેલ વસ્તુ, સમય કે પરિસ્થિતિનો ત્યાગ કરવાની એટલી જરૂર નથી. એ આસક્તિ આપણી માનેલી છે. વાસ્તવમાં એ નથી.

બીજી વાત એ છે કે, પોતાનું જે સ્વરૂપ છે તેનો કોઈ પ્રકારે ત્યાગ થઈ શકતો નથી. જેમ કે પ્રજ્જવલિત અગ્નિ ઉષ્ણતા અને પ્રકાશનો ત્યાગ કરી શકતો નથી અને જે ચીજ પોતાની નથી તેનો પણ ત્યાગ નથી થતો. જેમ કે સંસારમાં અનેક વસ્તુઓ પડી છે પણ આપણે એનો ત્યાગ કરવો છે એવું કહેવું એ બનતું નથી. કારણ કે વસ્તુ આપણી છે જ નહિ. એટલા માટે ત્યાગ તેનો જ થાય છે જે વાસ્તવમાં પોતાનું નથી અને છતાં પણ પોતાનું માનીને બેસી ગયા છીએ એ વસ્તુનો જ ત્યાગ કરવો શક્ય બને છે. શરીર વગેરે દુન્યવી વસ્તુઓ આપણી નથી ને આપણે આપણી માની લીધી છે. તો એ પોતાપણાની માન્યતાનો જ ત્યાગ કરવાનો છે.

જ્યારે મનુષ્ય સમક્ષ કર્તવ્યરૂપથી જે કર્મ આવી જાય તેને ફળ અને આસક્તિનો ત્યાગ કરીને સાવધાની સાથે તત્પરતાપૂર્વક કરવું જોઈએ-कर्तव्यानि. કર્મયોગમાં વિધિનિષેધને લીધે અમુક કામ કરવું છે-કરવાનું છે અને અમુક કામ નથી કરવું કે નથી કરવાનું. એવો વિચાર તો કરવાનો જ છે; પરંતુ અમુક કામ મોટું છે અને અમુક કામ નાનું છે એવો વિચાર નથી કરવાનો. કારણ કે જ્યાં કર્મ અને તેના ફળ સાથે પોતાનો કોઈ સંબંધ જ નથી. સંબંધ ફકત તેને રાજી કરવા માટે કરવામાં આવે છે. તેની સાથે જોડાય છે, માટે આ કર્મ મોટું છે કે આ કર્મ નાનું છે એવું બનતું નથી. જેની સાથે સંબંધ જોડાય છે તે જેટલા મોટા છે એટલું તે કોઈ પણ કર્મ મહાન છે. તે જો તુચ્છ વ્યક્તિ હોય તો કર્મ ગમે તેટલું મોટું હશે તો પણ સંબંધિત વ્યક્તિને લઈને કર્મ તુચ્છ થઈ જશે. માટે નિષ્કામ કર્મયોગી કે નિષ્કામ સેવકે આ કર્મ નાનું છે કે મોટું છે. આનું ફળ નાનું છે કે મોટું છે, એવો વિચાર કરવાનો જ નથી હોતો. કર્મનું મોટું હોવું કે નાનું હોવું એ ફળની ઈચ્છાને કારણે જ દેખાય છે.જ્યારે કર્મયોગમાં ફળેચ્છાનો ત્યાગ કરવાનો હોય છે. વાસ્તવમાં કર્મનો વિનિયોગ કયા હેતુથી અર્થાત્‌કોને પ્રસન્ન કરવા કરો છો તે માપથી નાનું મોટું જરૂર બની રહે છે.

કર્મ કરવાનું રાગપૂર્તિ માટે પણ હોય છે અને રાગ નિવૃત્તિને માટે પણ થઈ શકે છે. તમારા અંતરનો મૌન ઈરાદો કેવો છે ! તેના ઉપર નિર્ભર રહે છે. કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી જે જે કર્મ કે પ્રવૃત્તિ કરે છે, તે રાગ નિવૃત્તિ માટે અને ભગવાન કે ભગવાનના ભક્તની પ્રસન્નતા માટે કરે છે. आरुरुक्षो मुनेर्योगं कर्म कारणमुच्यते (૬/૩) न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते।(૩/૪) પોતાનો સ્વાર્થ કે દુન્યવી મૌન ઈરાદો પૂરો કરવા માટે કર્મ કે ઉદ્યમ કરવાથી કર્મ કરવાનો અને ફળનો રાગ વધે છે ને વકરે છે. એટલા માટે કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી કે સાચો ત્યાગી કોઈપણ કર્મ, પોતાનો નબળો ઈરાદો પૂરો કરવા કરતો નથી; પરંતુ કેવળ ભગવાન કે તેના સાચા ભક્તની સેવા કે પ્રસન્નતા માટે કરે છે. કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી તેના સ્થૂળ શરીરથી થવાવાળી ‘ક્રિયા’, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ‘ચિંતન’(પરહિત ચિંતન) તથા કારણ શરીરમાં થવાવાળી ‘સ્થિરતા’ (દૃઢતા-નિષ્ઠા) આ ત્રણેય ભગવાનને અર્થે ભગવાનના ભક્તને અર્થે બીજાના હિતને માટે થાય છે. પોતાને માટે નહિ. એટલા માટે તેનો કર્મ પ્રત્યેનો રાગ અથવા દ્વેષ સુગમતાથી દૂર થાય છે. પરમાત્મા પ્રાપ્તિમાં સંસારનો રાગ જ બાધક છે, કર્મ કે ક્રિયા બાધક નથી. આથી રાગ દૂર થતાં સાધકને પરમાત્માની અનુભૂતિ આપોઆપ થવા લાગે છે. ‘કર્તવ્ય’ શબ્દનો અર્થ થાય છે-જેને આપણે કરી શકીએ છીએ અને જેને જરૂર કરવું જોઈએ. જેને કરવાથી ઉદ્દેશ્યની સિદ્ધિ જરૂર થાય છે. ઉદ્દેશ્ય તેને જ કહેવાય છે, જે નિત્ય સિદ્ધ અને અનુત્પન્ન હોવું જોઈએ. નાશ પામી જાય તેવું હોય તો તે ઉદ્દેશ્ય ન કહેવાય પણ તે ‘કામના’માં ગણાય છે. તે જે અનાદિ છે અને જેનો કદી નાશ નથી થતો, એવું પરમાત્માનું સ્વરૂપ, ધામ તેની પ્રસન્નતા વગેરે જ ઉદ્દેશ્યમાં હોઈ શકે. ઉદ્દેશ્યની સિદ્ધિ મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. મનુષ્ય શરીર તેવા ઉદ્દેશ્યની સિદ્ધિ માટે જ મળ્યું છે કામનાઓ પૂરી કરવા માટે મળ્યું નથી. કર્મજન્ય પરિસ્થિતિરૂપી સુખ-દુઃખ ભોગવવા માટે મનુષ્ય જન્મનો હેતુ નથી. જે ઉત્પન્ન અને નષ્ટ થાય તેવી કર્મજન્ય પરિસ્થિતિ તો પશુ-પક્ષી-કીટપતંગ વગેરે યોનિમાં પણ હોય છે. જ્યાં કર્તવ્યનો કોઈ પ્રશ્ન જ નથી અને જેમાં ઉદ્દેશ્યપૂર્તિનો અધિકાર પણ નથી.

ભગવાન દ્વારા પોતાના મતને ‘निश्चितं’ કહેવાનું તાત્પર્ય એ છે કે, આમાં સંદેહને કોઈ સ્થાન નથી, અટલ છે. ‘ઉતમમ્‌’નો અર્થ એ છે કે આમાં કોઈ ઊણપ નથી. પૂર્ણતાને પ્રાપ્ત કરાવનારો છે.

नियतस्य तु संन्यास: कर्मणो नोपपद्यते।

मोहात्त्वस्य परित्यागस्तामस: परिकीर्तित:।।७।।

અર્થ : નિયત-અવશ્ય પ્રાપ્ત કર્મનો તો ત્યાગ કરવો ઘટતો જ નથી અને જો મોહથી-વિપરીત સમજણથી તેનો પરિત્યાગ કરે છે. તો તે તામસ-અધોગતિ આપનારો ત્યાગ કહેલો છે. ।।૭।।

અહીં આગળ ત્રણ પ્રકારના ત્યાગનું વર્ણન ભગવાન એટલા માટે કરે છે કે, અર્જુન કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવા ઈચ્છે છે-श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके(અ. ૨/૫) આથી ત્રણ પ્રકારનો ત્યાગ બતાવીને અર્જુનને સચેત કરવો છે અને તમામ મનુષ્યોને એ બતાવવું છે કે, નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવો એ ભગવાનને માન્ય (અભીષ્ટ) નથી. ભગવાન તો સાત્ત્વિક ત્યાગને જ અથવા નિર્ગુણ ત્યાગને (ભાગવત એકાદશ સ્કંધમાં બતાવ્યા મુજબ) જ વાસ્તવમાં ત્યાગ માને છે. ભગવાનને પ્રસન્ન કરવા અને ભગવાનની ભક્તિ-ઉપાસનામાં અંતરાય કરતા પદાર્થ-ક્રિયા-સ્વભાવનો ત્યાગ કરવો તે નિર્ગુણ ત્યાગ છે અને તેવા પ્રકારના ત્યાગથી સંસારના સંબંધનો સર્વથી વિચ્છેદ થઈ જાય છે. સત્તરમાં અધ્યાયમાં પણ ભગવાને આહાર, શ્રદ્ધા વગેરેને ગુણોને અનુસારે ત્રણ ત્રણ ભેદ બતાવ્યા છે. અહીં પણ ત્યાગના એ જ પ્રકારે ત્રણ ભેદ બતાવી રહ્યા છે.

नियतस्य तुं संन्यास: कर्मणो नोपपद्यते-છઠ્ઠા શ્લોકમાં ભગવાને ત્યાગના વિષયમાં પોતાનો જે નિશ્ચિત અને ઉત્તમ મત બતાવ્યો છે, તેનાથી આ તામસ ત્યાગ બિલકુલ જ વિપરીત છે અને સર્વથા નીમ્ન છે. એવું બતાવવા માટે શ્લોકમાં ‘तु’ પદનો ઉપયોગ કર્યો છે.

નિયત કર્મોનો ત્યાગ કરવો કદી પણ ઉચિત નથી. વર્ણ, આશ્રમ કે પોતાના કોઈ વિશિષ્ટ પદને અંગે આવતી જવાબદારી નિભાવવાને માટે અહીં ‘નિયતકર્મ’ શબ્દ વપરાયો છે. તે જવાબદારીમાંથી યુક્તિ-પ્રયુક્તિ કરીને છટકી જવું તેને જ અહીં નિયત કર્મોનો ત્યાગ કર્યો કહે છે.

मोहात्तस्य परित्यागस्तामस: परिकीर्तित: એવા નિયત કર્મોને મૂઢતાથી અર્થાત્‌વિવેક વિચાર વિના છોડી દેવા, એને તામસ ત્યાગ કહેવામાં આવે છે. સત્સંગ, સભા, પૂજા, ધ્યાન વગેરેમાં જવાનું કે કરવાનું આવશ્યક હતું પણ આળસમાં પડી રહ્યા, આરામ કરવા લાગી ગયા અથવા સૂઈ રહ્યા. ઘરમાં માતાપિતા બીમાર છે તેની સેવા કરવાની જરૂર છે પણ તે બીજા કારણોસર ચુકાઈ જાય છે. વ્યવહારના, આજીવિકાના, કોર્ટ કચેરીનાં કામો છે પણ ગાફલાઈથી તે ચુકાઈ જવાય છે. શરીરના શૌચસ્નાન વગેરે જરૂરી કર્મો છે. તે આળસ પ્રમાદને કારણે છોડી દેવાય છે આ બધા તમાસ ત્યાગના ઉદાહરણો છે.

કર્મોની આગળ ‘વિહિત’ કર્મ અને ‘નિયત’ કર્મ એવા બે પ્રકારનાં વિશેષણો લાગેલાં હોય છે, તે બન્નેમાં શું અંતર છે? તો શાસ્ત્રોએ જે કર્મો કરવાની આજ્ઞા આપી છે, તેવાં તમામ સત્કર્મો ‘વિહિત’ કર્મો કહેવાય છે; પરંતુ એ તમામ વિહિત કર્મો એક જ વ્યક્તિ આખા જીવનમાં પણ કયારેય કરી શકતી નથી અને એવી જરૂર પણ હોતી નથી. કારણ કે શાસ્ત્રોમાં તમામ વાર અને તમામ તિથિઓના એક-એક સ્વતંત્ર વ્રતો કહ્યા છે. જો એ બધા જ વ્રતો એક વ્યક્તિ કરવા જાય તો જીવનમાં ભોજન કરવાનો વારો જ આવશે નહિ અને તે વ્રત કરવા માટે પણ જીવી શકશે નહિ. આનાથી એ સિદ્ધ થયું કે, મનુષ્યને બધા જ વિહિત કર્મો લાગુ પડતાં નથી; પરંતુ તે વિહિત કર્મોમાં વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ અને વિશિષ્ટ સ્થાન(પદ) ને અનુસારે જેને માટે કર્તવ્યરૂપે આવશ્યક હોય તે કર્મ તેને માટે ‘નિયત’ કર્મ બની જાય છે. જેમકે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર-એ ચારે વર્ણો માટે આજીવિકા અને શરીરનિર્વાહ માટેના જે જે નિયમો છે તે વર્ણને માટે તે બધા જ કર્મો ‘નિયત કર્મો’ ગણાય. તેમ જ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ કે ત્યાગાશ્રમીને માટે ચોક્કસ જે નિયમો, જે ફરજો બતાવી હોય તે તેને માટે ‘નિયત કર્મ’ બની રહે છે.

‘વિહિત’ની અપેક્ષાએ ‘નિયત’ કર્મ પ્રત્યે વ્યક્તિની વિશેષ જવાબદારી હોય છે અને જ્યારે વ્યક્તિને ‘નિયત’માંથી છટકવાની દાનત ઊભી થાય છે, ત્યારે માણસ ‘વિહિતનું’બહાનું ઓઠુ લઈને સહેલાઈથી છટકી શકે છે. અર્જુન પણ એવું જ કંઈક કરી રહ્યા હતા. ભગવાન અને શાસ્ત્રની દૃષ્ટિએ ‘યુદ્ધ કરવું’ તેને માટે ‘નિયત’ બની ચૂકયું હતું પણ અર્જુન તેમાંથી કોઈ વાતે છટકી શકાય તેમ વિચારતાં-‘સંન્યાસ’ તે છટકવા માટે શ્રેષ્ઠ ઉપાય છે અને સંન્યાસ તમામને માટે ‘વિહિત’ છે. ઊંચો મનાય છે. તેમાં જો પ્રવેશી ગયા તો ‘નિયત’ની બલા જાય ! માબાપને સેવાની જરૂર છે પણ સત્સંગ દીક્ષા કે યાત્રાએ નીકળી જવું, સત્કાર્યની જવાબદારી આપણી છે તો પણ ભજનમાં બેસી જવું, સમૈયામાં રસલૂંટ કરવા જવું વગેરે નિયતનો ત્યાગ કરીને ‘વિહિત’માં જવું ગણાય પણ ત્યારે તે ‘વિહિત’ તે ‘વિહિત’ રહેતું નથી. ભગવાને તેને મોહ-કલિલ-તામસ એવા શબ્દોથી તે ‘વિહિત’ને પણ પડકાર્યો છે. જેમ કે કોઈને ચોકી કરવા ઊભો રાખ્યો છે. બીજા કોઈને પાણીના પરબ ઉપર રાખ્યો છે. તે બન્નેની ત્યારે તે વિશેષ જવાબદારી છે. તેનો ત્યાગ કરવાથી ઘણો વિપ્લવ સર્જાય છે. તેથી ‘નિયત’નો ત્યાગ કરવાથી વધારે દોષ લાગે છે. તેઓ બન્ને જણા માળા ફેરવવા બેસી જાય તો તેઓની શ્રેષ્ઠ પસંદગી ગણાય કે નહિ? ‘વિહિત’ની દૃષ્ટિએ તો માળાનું ઘણું જ મહત્ત્વ છે ને? તો પણ ભગવાનની દૃષ્ટિએ ‘નિયત’ કરવું શ્રેષ્ઠ છે અને જો ત્યાગની ઈચ્છા હોય તો તેમાંથી મળતા લૌકિક ફાયદાની ઈચ્છા માત્રનો જ ત્યાગ કરી દેવો ને સુચારુ રૂપથી ફરજ બજાવવી. તે શ્રેષ્ઠ ત્યાગ ગણાશે. નિયત કર્મના ત્યાગથી જ કુટુંબ, સંસ્થા, સમાજ કે દેશમાં અવ્યવસ્થાઓ ઊભી થાય છે. પછી તેનો કોઈ ઉપાય નથી. માટે નિયતનો ત્યાગ તે તામસ ત્યાગ છે અને તેનું ફળ અધોગતિ છે अधो गच्छन्ति तामसा:(અ. ૧૪/૧૮)

નિયત કર્મોનો મોહપૂર્વક ત્યાગ કરવાથી તે ત્યાગ તામસ થઈ જાય છે તથા તે જ કર્મ કરવામાં કષ્ટ અને પરિશ્રમ ઘણો પડશે. એવું વિચારીને અને આરામને માટે ત્યાગ કરવાથી તે ત્યાગ રાજસ થાય છે. સુખેચ્છા, ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ કરીને નિયત કર્મો કરવાથી તે ત્યાગ સાત્ત્વિક થઈ જાય છે. તાત્પર્ય એ છે કે મોહમાં ફસાઈ જવાનો તામસ પુરુષનો સ્વભાવ છે અને આ બન્નેથી રહિત થઈને સાવધાનીપૂર્વક નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ(નિયત કર્મ) કરવાનો સાત્ત્વિક પુરુષનો સ્વભાવ છે. આવા સાત્ત્વિક ત્યાગથી જ કર્મ અને કર્મફળની સાથેથી સંબંધ વિચ્છેદ થાય છે. અર્થાત્‌માયાથી રહિત થવાય છે. રાજસ અને તામસ ત્યાગથી નહિ.

લોકો સામાન્ય રીતે સ્વરૂપથી જ કર્મોને છોડી દેવાને જ ત્યાગ માને છે. કારણ કે તેને સ્થૂળ દૃષ્ટિ છે તેથી તેમાં જ ત્યાગ ભાળે છે. કઈ વ્યક્તિ કયું કામ કેવા ભાવથી કે કેવા આશયથી કરી રહી છે, તેનો તેને પત્તો નથી લાગતો; પરંતુ ભગવાન રાજસ તામસ કે સાત્ત્વિક અથવા નિર્ગુણ એવા કર્મના જે અહીં વિભાગો બતાવી રહ્યા છે, તે કેવળ અંતરના આશયભેદને આધારે જ બતાવી રહ્યા છે. સ્થૂળ કર્મ ભેદને આધારે નહિ. કારણ કે અંતરની કામના મમતા કે આસક્તિ અર્થાત્‌નબળો આશય જ જન્મ મરણમાં કારણ બને છે.

જો બાહ્ય ત્યાગને સાચો ત્યાગ માનવામાં આવે તો બધા જ મરવાવાળાઓનું કલ્યાણ થઈ જવું જોઈએ. કેમ કે તેઓ તો સમગ્ર બ્રાહ્ય વસ્તુનો ત્યાગ કરીને ચાલ્યા છે. બીજું તો ઠીક પણ પોતાનું કહેવડાવવાવાળું અતિ આસક્તિનું કેન્દ્ર એવું વહાલું શરીર તેને પણ ત્યાગીને તેઓ જાય છે, તો આનાથી વધારે ત્યાગ કયો હોઈ શકે ! પણ ભગવાન આ ઘટનાનું કાંઈપણ ફળ આપતા નથી. આથી અંતરનો ત્યાગ જ સાચો ત્યાગ છે. જ્યારે અંતરનો ત્યાગ હોય ત્યારે બાહ્ય વસ્તુઓ પોતાની પાસે રહે કે ન રહે પણ મનુષ્ય તેમનાથી બંધાતો નથી.(અનુ. તથા વચ.ગ.અં.૩૦)

दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत्‌।

स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्‌।।८।।

અર્થ : કર્મ તો દુઃખરૂપજ છે. એમ જાણીને શરીર ક્લેશના ભયથી જે કર્મનો ત્યાગ કરે છે. તે પુરુષ એવો રાજસત્યાગ કરીને ત્યાગના ફળને નથી પામતો. એ ત્યાગનો કાંઈ અર્થ જ નથી. ।।૮।।

दु:खमित्येव यत्कर्म-યજ્ઞ, દાન કે પોતાની પવિત્ર ફરજ વગેરે શાસ્ત્રીય નિયત કર્મોને કરવામાં કેવળ કષ્ટ જ ભોગવવું પડે છે અને તેમાં છે જ શું? કારણ કે તે કર્મો કરવાને માટે અનેક નિયમોમાં બંધાવું પડે છે અને ખર્ચ પણ કરવો પડે છે. આ રીતે રાજસ પુરુષને કર્મોમાં કેવળ દુઃખ ને દુઃખ જ દેખાય છે. દુઃખ દેખાવાનું કારણ એ છે કે, તેઓને પરલોક પર શાસ્ત્ર ઉપર અને શાસ્ત્રવિહિત કર્મો પર અને એ રીતે કરાતાં કર્મોના પરિણામ પર વિશ્વાસ નથી અને શ્રદ્ધા પણ નથી.

कायक्लेशभयात्त्यजेत्‌-રાજસ મનુષ્યને શાસ્ત્રમર્યાદા અને લોકમર્યાદા અનુસાર ચાલવાથી શરીરમાં ક્લેશ અથવા પરિશ્રમનો અનુભવ થાય છે અને તેને તેમાં ક્લેશનો અનુભવ થવામાં દેહભાવ, દેહ પ્રત્યે આંધળી આસક્તિ અને મમતા જ કારણરૂપ છે. રાજસ મનુષ્યને પોતાના વર્ણ, આશ્રમ વગેરેના ધર્મનું પાલન કરવામાં અને માતા-પિતા, ગુરુ, માલિક વગેરેની આજ્ઞાનું પાલન કરવામાં પરાધીનતા અને દુઃખનો અનુભવ થાય છે તથા તેઓની આજ્ઞાનો ભંગ કરીને જેવું મરજીમાં આવે તેવું કરવામાં સ્વાધીનતા અને સુખનો અનુભવ થાય છે. રાજસ મનુષ્યના વિચારો એવા હોય છે કે, ગૃહસ્થાશ્રમમાં પરિશ્રમ ખૂબ છે. તેના કરતાં સાધુ બની જઈએ તો વિના પરિશ્રમ રોટલા, આજીવિકા મળી જાય. પરિશ્રમ બિલકુલ ન પરવો પડે અથવા એવી કોઈ સરકારી નોકરી મળી જાય, જેથી કામ ઓછું અથવા ન કરીએ તો પણ ચાલે ને પગાર તો મળતો જ રહે. અથવા અમો સાધુના-નિયમો વગેરે ન રાખીએ તો પણ લોકો અમને પૂજતા રહે. અમે સાધુતાનો પરિશ્રમ ન કરીએ તોય લોકો અમને ‘સારા સાધુ’ ‘એકાંતિક’ વગેરે ટાઈટલ આપતા રહે. એવી સદાય ઈચ્છા રહે છે. આવા વિચારોને લઈને તેને કર્તવ્ય બજાવવું કડવું ને કઠણ પણ લાગે છે.

અહીં મૂળ શ્લોકમાં એક શંકા થાય છે કે, જગતમાંથી નિર્વાસનિક થવા માટે ‘दु:खदोषानुदर्शनम्‌’ દરેકમાં દુઃખ અને દોષનું દર્શન કરવું. જ્યારે અહીં કર્મોમાં દુઃખ દેખીને તેમનો ત્યાગ કરવાને રાજસ ત્યાગ કહયો છે. અર્થાત્‌તે ખામી બતાવી છે. આ બન્ને વાતોમાં પરસ્પર વિરોધ થાય છે. આનું સમાધાન એ છે કે, વાસ્તવમાં આ બન્નેમાં વિરોધ નથી; પરંતુ આ બન્નેનો વિષય અલગ અલગ છે. જ્યાં ‘दु:खदोषानुदर्शनम्‌’ કહ્યું છે તે ભોગોમાં દુઃખ અને દોષને દેખવાની વાત કહી છે અને અહીં કર્તવ્ય કરવામાં દુઃખ દેખાય છે, તેની નિંદા કરી છે. તેથી ત્યાં વિષયભોગનો ત્યાગ કરવાની વાત છે. અહીં કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનો વિષય છે. ભોગોનો ત્યાગ તો જરૂર કરવો જોઈએ; પરંતુ કર્તવ્ય કર્મનો ત્યાગ તો કદી પણ ન કરવો જોઈએ. કારણ કે ભોગોમાં સુખબુદ્ધિ અને ગુણબુદ્ધિ જે થઈ રહી છે, તેમાં દુઃખ અને દોષ દર્શનથી વૈરાગ્ય થશે. ભોગાસક્તિ છૂટશે અને તેને પરમાત્માની પ્રાપ્તિ થશે. જ્યારે નિયત કર્તવ્ય કર્મોમાં દુઃખદોષ દેખવાથી કર્તવ્યકર્મ છૂટી જશે અને તેનાથી પતન થશે. માટે બન્ને અત્યંત વિલક્ષણ છે વિરોધી નથી.

स कृत्वा राजसं…

ત્યાગનું ફળ શાંતિ છે. त्यागाच्छान्तिरनन्तरम्‌(૧૨/૧૨) રાજસ મનુષ્ય ત્યાગ કરીને પણ ત્યાગના ફળરૂપ પરં શાંતિ જે પરમાત્માની મૂર્તિનું સુખ તે પામતો નથી. રાગનું ફળ દુઃખ છે. रजसस्तु फलं दु:खम्‌(૧૮/૨૬) રાજસ મનુષ્યને ત્યાગનું ફળ શાંતિ તો નથી મળતી પણ રાગનું ફળ દુઃખ તો જરૂર મળે છે. કારણ કે તેણે જે ત્યાગ કર્યો છે, તે પોતાના સુખ-આરામને માટે કર્યો છે. તેથી તેને ભોગોમાં અવશ્ય પ્રીતિ થવાની જ છે. એવો ત્યાગ તો પશુ-પંખી પણ કરે છે. મનની શાંતિ દૃષ્ટ કર્મો દ્વારા શક્ય નથી. મનમાં ત્યારે જ શાંતિ થાય, જ્યારે જગતના કદડારૂપી અવસાદ-ખિન્નતા ‘મને આ ન મળ્યું’,‘પેલો મારું ઝૂંટવી ગયો’ આવો જે ખેદ તે દૃષ્ટ કર્મોથી શક્ય નથી. તે તો પરમાત્માની કૃપા દ્વારા જ શકય બન્ને છે नहि कर्मदृष्टद्वारेण मन: प्रसादहेतु: अपितु भगवत्प्रसादद्वारेण(रा.भा) અને ભગવાનનો પ્રસાદ-કૃપા-કર્તવ્યનો ત્યાગ કરી દેનારામાં થતો નથી. તેને તો દંડના રૂપમાં દુઃખ જ ભોગવવું પડે છે.

कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन।

सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत:।।९।।

અર્થ : કર્મ કરવું જ જોઈએ એમ સમજીને હે અર્જુન ! જે નિયત કર્મ કર્યા કરે છે અને તેમાં સંગ-આસક્તિ અને ફળ પણ છોડી દઈને કરે છે. તો તે સાત્ત્વિક ત્યાગ માનેલો છે. ।।૯।।

कार्यमित्येव यत्‌कर्म… અહીં कार्यम्‌-પદની સાથે इति અને एव આ બે અવયવો લગાવ્યા છે .તે એવો ભાવ બતાવે છે કે, તેમણે કેવળ કર્તવ્ય માત્ર કરવાનું છે. એને કરવામાં કોઈ ફલાસક્તિ નહિ, કોઈ સ્વાર્થ નહિ અને કોઈ ક્રિયાજન્ય સુખભોગ પણ નહિ. આવી રીતે માત્ર કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવાથી કર્તાનો તે કર્મથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. એવું થવાથી તે કર્મ બંધનકારક નથી થતું. અર્થાત્‌સંસારની સાથે સંબંધ નથી જોડાતો. કર્મ તથા તેના ફળમાં આસક્ત થવાથી જ તેનું બંધન થાય છે. फलेसक्तो निबध्यते(૫/૧૨)

તમોગુણમાં મૂઢતા(અણસમજુપણું) છે અને રજોગુણમાં સ્વાર્થબુદ્ધિ છે; પરંતુ સત્ત્વગુણમાં મૂઢતા નથી, સ્વાર્થબુદ્ધિ નથી. માત્ર કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ છે. તેથી સાધકે પ્રત્યેક કર્મ માત્ર કર્તવ્ય સમજીને, ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને કરવું જોઈએ. સ્વરૂપથી જ કર્મોનો ત્યાગ કરવાથી કર્મથી છુટાતું નથી, ઊલટું બંધન થાય છે. ભક્તિયોગની પ્રક્રિયા કર્મયોગ કરતાં થોડી અલગ છે. કર્મયોગ દ્વારા જગતથી સંબંધ વિચ્છેદ કરવાનો છે. જ્યારે ભક્તિયોગ દ્વારા ભગવાન સાથે સંબંધ જોડવાનો છે. તેથી જે ભક્ત છે તેમણે જપ, પૂજા ધ્યાન કીર્તન વગેરે માત્ર કર્તવ્ય સમજીને કરવાના નથી; પરંતુ પોતાના પ્રિયતમ-ભગવાનનું કામ (સેવા-પૂજન) છે, એમ જાણીને કરવાના છે. એ પણ તેને રાજી કરવા કરવાના છે. ભગવાનનું કામ કરવામાં આનંદ આવવો જોઈએ. ભગવાન સાથેના સંબંધ જાગ્રત કરવા દિલચસ્પીથી કરવાં જોઈએ. તેને માત્ર કર્તવ્ય સમજીને કરીશું તો ભગવત્સંબંધ જાગ્રત નહિ થાય, તો પ્રેમ ઉદય નહિ થાય.

અહીં એક શંકા થાય છે કે, પ્રસ્તુત શ્લોકમાં કર્મ કરવાની વાત આવી છે. ત્યાગની વાત તો આવી નથી. ભગવાન ત્યાગની તો વ્યાખ્યા બતાવી રહ્યા છે. તો પછી એ ‘સાત્ત્વિક ત્યાગ’ કેમ થઈ શકશે? તેનું સમાધાન એ છે કે સાત્ત્વિક કર્તામાં મોહ નથી, સ્વાર્થ નથી, આસક્તિ નથી, ફલેચ્છા નથી માત્ર કર્તવ્ય છે તેથી કર્મનો કર્તા સાથેનો સંબંધ ઉચ્છેદ થઈ જાય છે. માટે કર્મ સંબંધનો સારી રીતે ત્યાગ થાય છે. ભગવાનને મતે એનું નામ જ ‘ત્યાગ’ છે. બીજો ત્યાગ છે તો પણ તે ત્યાગ નથી.

શાસ્ત્રવિહિત કર્મોમાં પણ સ્થળ, કાળ, વર્ણ, આશ્રમ અને પરિસ્થિતિ અનુસાર જે જે કર્મમાં જેની નિયુક્તિ કરવામાં આવે છે; તે પોતાને માટે નિયત કર્મો કહેવાય. જેમ કે સાધુઓએ આમ કરવું જોઈએ. ગૃહસ્થોએ આમ કરવું જોઈએ. આગેવાનોએ આમ કરવું જોઈએ. સેવકવર્ગે આમ કરવું જોઈએ વગેરે જે ફરજ પોતાને(ન્યાયિક અને નૈતિક રીતે) અપીલ કરતી હોય તે નિયત કર્મ કહેવાય. આ કર્મોને પ્રમાદ, આળસ, ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે થી રહિત થઈને તત્પરતા અને ઉત્સાહપૂર્વક કરવાં જોઈએ. એટલા જ માટે ભગવાને કર્મયોગના પ્રસંગમાં ઠેકાણે ઠેકાણે ‘સમાચર’શબ્દ અપ્યો છે.

सङ्गं त्यक्त्वा फलं चैव-સંગના ત્યાગનું તાત્પર્ય એ છે કે, કર્મ કરવાનાં સાધનો વગેરેમાં આસક્તિ, પ્રીતિ, મમતા વગેરે ન થવાં જોઈએ અને ફળના ત્યાગનું તાત્પર્ય એ છે કે કર્મના પરિણામની સાથે સંબંધ ન થાય. અર્થાત્‌ફળની ઈચ્છા ન થાય આ બન્નેનું તાત્પર્ય એ છે કે કર્મ અને ફળમાં આસક્તિ તથા ઈચ્છાનો ત્યાગ થાય.

स त्याग: सात्त्विको मत: કર્મ અને ફળમાં આસક્તિનો તથા કામનાનો ત્યાગ કરીને માત્ર કર્તવ્ય સમજીને કર્મ કરવાથી તે ત્યાગ સાત્ત્વિક થઈ જાય છે. રાજસ ત્યાગમાં કાયક્લેશના ભયથી અને તામસ ત્યાગમાં મોહપૂર્વક કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવામાં આવે છે; પરંતુ સાત્ત્વિક ત્યાગમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી કરવામાં આવતો. ઊલટુ કર્મોને સાવધાની તેમજ તત્પરતાથી વિધિપૂર્વક નિષ્કામભાવથી કરવામાં આવે છે. સાત્ત્વિક ત્યાગથી કર્મ અને કર્મફળ અર્થાત્‌સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. જ્યારે રાજસ અને તામસ ત્યાગમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાથી કેવળ બહારથી કર્મો સાથે સંબંધ વિચ્છેદ દેખાય છે; પરંતુ વાસ્તવમાં (અંતરમાંથી) સંબંધ વિચ્છેદ નથી થતો. એનું કારણ એ છે કે શરીરના કષ્ટના ભયથી કર્મોનો ત્યાગ કરવાથી કર્મો તો છૂટી જાય છે; પરંતુ શરીરના સુખ અને આરામ સાથે તો સંબંધ જોડાયેલો રહે છે. તેવી જ રીતે મોહથી કર્મોનો ત્યાગ કરવાથી કર્મો તો છુટી જાય છે પણ મોહની સાથે તો સંબંધ જોડાયેલો રહે છે. તાત્પર્ય એ થયું કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાથી ઊલટું બંધન થાય છે અને કર્મોને તત્પરતાપૂર્વક અને વિધિપૂર્વક નિષ્કામ ભાવથી કરવાથી મુક્તિ થાય છે.

न द्वेष्टयकुशलं कर्म कुशले नानुषज्जते।

त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय:।।१०।।

અર્થ : સત્ત્વગુણે સંપન્ન યથાર્થ સમજણવાળો અને સન્દેહ વિનાનો-નિઃસંશય, કર્મ ફળ ત્યાગ કરનારો પુરુષ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો તેમ કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી. ।।૧૦।।

આ શ્લોકનું તાત્પર્ય રાગ-દ્વેષનો ત્યાગ કરવામાં છે. મનુષ્યનો સ્વભાવ છે કે, તે રાગપૂર્વક ગ્રહણ અને દ્વેષપૂર્વક ત્યાગ કરે છે. મારું લક્ષ્ય છે કે ઉદ્દેશ્ય છે માટે ગ્રહણ કરું છું અને મારા લક્ષ્ય-ઉદ્દેશ્યથી બહાર છે માટે ત્યાગ કરું છું. એવી જાગૃતિ રહેતી નથી. તેથી રાગ-દ્વેષ અને ગ્રહણ અને ત્યાગ બન્નેથી-સંસાર સંબંધ જોડાય છે. ભગવાન કહે છે કે, વાસ્તવમાં તે મનુષ્ય શ્રેષ્ઠ છે, જે જગતથી સંબંધ તોડવામાં અને પરમાત્મા સાથે સંબંધ જોડવામાં કુશળ હોય. ‘योग: कर्मसु कौशलम्‌’ તેથી જે શુભ કર્મોને ગ્રહણ કરે છે, તે રાગપૂર્વક નહિ પણ ધ્યેય કે ઉદ્દેશ્યને સમજીને ગ્રહણ કરે છે અને અશુભ કર્મોનો ત્યાગ કરે છે. તે પણ દ્વેષપૂર્વક નહિ પણ ધ્યેય-ઉદ્દેશ્ય અંતર્ગત ન હોવાથી તેનો ત્યાગ કરે છે, ત્યારે જ તે અંતઃકરણથી સ્વસ્થ રહીને પરમાત્માના સુખને પામી શકે છે.

न द्वेष्टयकुशलं कर्म-જે શાસ્ત્રવિહિત શુભ કર્મો ફળની કામનાથી કરવામાં આવે છે અને પરિણામે જેનાથી પુનજર્ન્મ થાય છે (ગી.અ.૨/૪૨-૪૪ અ. ૯/૨૦-૨૧) તથા જે શાસ્ત્રનિષિદ્ધ પાપ કર્મો છે અને જેના પરિણામે નીચ યોનિઓમાં તથા નરકોમાં જવું પડે છે.(ગી.અ.૧૬/૭-૨૦) તે બધાં જ કર્મો ‘અકુશળ’ કર્મો કહેવાય છે. સાધક એવા અકુશળ કર્મોનો ત્યાગ તો કરે છે પણ દ્વેષપૂર્વક નહિ. કારણ કે દ્વેષપૂર્વક ત્યાગ કરવાથી કર્મો તો છૂટી જાય છે પણ આંતરિક સંબંધ છૂટતો નથી અને જીવને દ્વેષદ્વારા કર્મ સાથે સંબંધ જોડાઈ જાય છે. જે આત્માને સંસારમાં જબરજસ્તીથી ઘસડી લાવે છે.

कुशले नानुषज्जते-શાસ્ત્રવિહિત કર્મોમાં પણ જે વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ વગેરેના અનુસાર નિયત છે અને જે આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે છે જેના પરિણામે જેમનાથી મુક્તિ થાય છે, એવા બધાય કર્મો ‘કુશળ કર્મો’ કહેવાય છે. સાધક એવા કુશળ કર્મોને કરતો હોવા છતાં પણ તેમનામાં આસક્ત નથી થતો. કારણ કે તે સાધનો છે, સાધ્ય પરમાત્મા કે તેનો રાજીપો છે. સાધ્યમાં રાગ વધારવાનો તે ધ્યેય છે, ઉદેશ્ય છે. સાધનોમાં કાળજી-તત્પરતા જરૂરી છે, રાગ-આસક્તિ નહિ. સાધનોમાં પણ રાગ આસક્તિ થવાથી તે લક્ષ્ય ચૂકી જાય છે.

त्यागी-કુશળ કર્મો કરવામાં તેેનો રાગ નથી થતો. તત્પરતા જાગૃતિ, સાવધાની જરૂર હોય છે, રાગ-આસક્તિ નહિ. અકુશળ કર્મોમાં ત્યાગમાં તેનો દ્વેષ નથી થતો. સંપૂર્ણ સંબંધ વિચ્છેદ જરૂર હોય છે. તે જ સાચો ત્યાગી છે.

दोषबुध्या उभयातीत: निषेधान्न निवर्तते।

गुणबुद्धया च विहितं न करोति यथार्भक:। (ભાગ. ૧૧/૭/૧૧)

ભાગવતમાં તેને ઉભયાતીત પુરુષ કહ્યો છે. ત્યાગી છે; પરંતુ એવો ત્યાગ સંપૂર્ણપણે ત્યારે સિદ્ધ થાય છે. જ્યારે કર્મોને કરવા અથવા ન કરવાથી પોતાનામાં કોઈ ફરક ન પડે અર્થાત્‌પોતાનું નિર્લેપપણું અખંડ જળવાઈ રહે.(૩/૧૮ ૪/૧૮) એવું થતાં સાધક યોગારુઢ થાય છે.(૬/૪)

मेधावी-જેનાં સઘળાં કાર્યો સાંગોપાંગ થાય છે અને સંકલ્પ તથા કામનાથી રહિત હોય છે. જ્ઞાનરૂપી અગ્નિથી જેણે સઘળાં કર્મોને ભસ્મ કરી દીધાં છે, તેને શાણા માણસો પંડિત કહે છે.(૪/૫૯) તેને જ અહીં મેધાવી કહ્યા છે. કારણ કે કર્મો કરવા છતાં પણ કર્મોથી લેપાયમાન ન થવું એ જ મહાન બુદ્ધિમત્તા છે.

छिन्नसंशय:-તે ત્યાગી પુરુષને કોઈ સંદેહ હોતો નથી. પરમાત્મ તત્ત્વના અનુભવથી તેના તમામ સંદેહ નાશ પામ્યા છે.

सत्त्वसमाविष्ट:સત્ત્વસમાવિષ્ટ એટલે સામર્થીયુક્ત તેનું આચરણ હોય છે. સચ્ચાઈ અને પરમાત્માનો અંતરથી તેના આચરણમાં રણકાર આવતો હોય છે.

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत:।

यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते।।११।।

અર્થ : કારણ કે-દેહધારીઓએ સર્વથા તો કર્મ છોડી શકતાં જ નથી માટે જે કર્મના ફળનો ત્યાગ કરે છે. એજ ખરો ત્યાગી એમ કહેવાય છે. ।।૧૧।।

કર્મો કરવામાં રાગ ન હોય અને ત્યાગવામાં દ્વેષ ન રાખવો. એવી બધી ઝંઝટમાં પડવાની શી જરૂર છે? કર્મોનો સર્વથા ત્યાગ જ કેમ ન કરી દેવો? તો તે શંકા ને દૂર કરવા ભગવાન આ શ્લોકમાં બતાવે છે કે,

न हि देहभृता… અહીં देहभृता પદ દેહાભિમાની અર્થાત્‌દેહની સાથે તાદાત્મ્ય માનવાવાળા સામાન્ય મનુષ્યોનું જ વાચક માનવાનું છે. ગુણાતીત મહાપુરુષો પણ દેહધારીતો છે જ અને તેઓ પણ દેહથી જ ક્રિયાઓ કરતા જ રહે છે; પરંતુ તેમને દેહની સાથે એકતા ન હોવાથી અર્થાત્‌દેહભાવ ન હોવાથી તેનો તે તે ક્રિયાઓ સાથે કોઈ સંબંધ રહેતો નથી. તે તે ક્રિયાઓ કરવા છતાં તે કર્તા બનતા નથી.

દેહની સાથે તાદાત્મ્ય રાખવાથી તે મનુષ્યો દ્વારા કર્મનો સર્વથા ત્યાગ થવો સંભવ નથી. શરીર પ્રકૃતિનું છે અને પ્રકૃતિ સતત ક્રિયાશીલ રહે છે. પછી શરીરને જ હું માનનારો અને તેની સાથે તદાત્મપણે રહેનારો ક્રિયાથી રહિત કેમ રહી શકે? કદાચ મનુષ્ય યજ્ઞ, દાન, તપ, તીર્થ કે સત્કર્મો છોડી દેશે પણ ખાવું પીવું, આવવું જવું, સૂવું જાગવું વગેરે આવશ્યક શારીરિક ક્રિયાઓ કેવી રીતે છોડી શકે?

બીજી વાત એ છે કે, અંતરમાંથી કર્મનો સંબંધ છોડવો એ જ વાસ્તવમાં કર્મનો ત્યાગ છે. બહારથી કર્મોને છોડી દેવાથી તેનો સંબંધ છૂટી જતો નથી. કોઈ સમાધિમાં બેસે તો તે વેળાએ બહારની ક્રિયાઓનો સંબંધ છૂટી જાય છે; પરંતુ સમાધિ પોતે જ એક ક્રિયા છે, કર્મ છે એટલા માટે તો તેમાં પ્રવેશ કરાય છે અને વ્યુત્થાન-અર્થાત્‌બહાર નીકળાય છે.

કોઈ પણ દેહધારી મનુષ્ય કર્મોનો સ્વરૂપથી સંબંધ વિચ્છેદ નથી કરી શકતો.

न हि जातु कश्चित्‌ क्षणमपि तिष्ठत्यकर्मकृत्‌ ।

कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृतिजैर्गुणै:।(૩/૫)

કર્મોનો આરંભ કર્યા વિના નિષ્કર્મતા પ્રાપ્ત નથી થતી અને કર્મનો ત્યાગ કરવા માત્રથી સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. (૩/૪)

પુરુષ સદા ચેતન અને નિર્વિકાર અને અલિપ્ત રહેવાવાળો છે; પરંતુ પ્રકૃતિ સદા વિકારી અને સદા પરિવર્તનશીલ છે. જેનામાં સારી રીતે પરિવર્તનશીલતા હોય એટલે તો તેને પ્રકૃતિ કહે છે. તે પ્રકૃતિના કાર્યરૂપ એવા શરીર સાથે જ્યાં સુધી પુરુષ પોતાનો સંબંધ માનતો રહેશે, ત્યાં સુધી તે કર્મોનો ત્યાગ સર્વથા કરી જ નથી શકતો. કારણ કે શરીરમાં અહંતા મમતા હોવાને કારણે મનુષ્ય શરીરથી થવાવાળી પ્રત્યેક ક્રિયાને પોતાની ક્રિયા માને છે. એટલા માટે તે કદી કોઈ અવસ્થામાં પણ ક્રિયારહિત નથી થઈ શકતો.

બીજી વાત એ છે કે, કેવળ પુરુષે જ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ જોડ્યો છે. પ્રકૃતિએ પુરુષ સાથે સંબંધ નથી જોડયો. જ્યાં વિવેક રહે છે ત્યાં પુરુષે વિવેકની ઉપેક્ષા કરીને પ્રકૃતિ સાથેના સંબંધની સદ્‌ભાવના કરી લીધી છે. અર્થાત્‌સંબંધને સત્ય માની લીધો છે. સંબંધને સત્ય માનવાથી જ બંધન થયું છે. તે માન્યતા બે પ્રકારની છે-પોતાને શરીર માનવું અને શરીરને પોતાનું માનવું. પોતાને શરીર માનવાથી ‘અહંતા’ અને શરીરને પોતાનું માનવાથી ‘મમતા’ થાય છે. આ અહંતા મમતા ઘુંટાઈ ઘુંટાઈને ઘાટા થઈ જવી એ જ દેહભાવ છે. એવા દેહભાવવાળા મનુષ્ય કર્મોને સર્વથા નથી છોડી શકતા.

यस्तु कर्मफलत्यागी स त्यागी इत्यभिधीयते અહીં ‘तु’ અવયવનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે જે સામાન્ય સંસારી પુરુષો છે, તેઓની અપેક્ષાએ કર્મફળનો ત્યાગ કરવાવાળો પુરુષ શ્રેષ્ઠ છે, વિલક્ષણ છે. કારણ કે જેનો ઉદ્દેશ્ય પરમાત્માને પ્રાપ્ત કરવામાં અર્થાત્‌પોતાનું આત્મકલ્યાણ કરીને પરમાત્માના ધામને પ્રાપ્ત કરવાનો હોય તે જ વ્યક્તિ એવું કરી શકે છે. બીજા એવું કરી શકતા નથી.

‘કર્મફળ ત્યાગ’નું તાત્પર્ય છે-કર્મફળની ઈચ્છાનો ત્યાગ. કારણ કે કર્મફળનો ત્યાગ થઈ જ નથી શકતો. જેમ કે-શરીર પણ એક પ્રકારનું કર્મફળ જ છે. ત્યારે તેનો ત્યાગ કેમ થશે? ભોજન કર્યા પછી જ તૃપ્તિ તેનું ફળ છે. તેનો ત્યાગ કેવી રીતે થશે? ખેતી કર્યા પછી અન્નનો ત્યાગ કેવી રીતે થશે? તેથી સાધકને કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. ફલેચ્છાનો ત્યાગ કરવાથી સાધક સુખી-દુઃખી નથી થતો. તેથી જ ગીતામાં ફલેચ્છાના ત્યાગને જ ફળનો ત્યાગ કહેવામાં આવ્યો છે.

બાહ્ય ત્યાગ વાસ્તવમાં ત્યાગ નથી; પરંતુ અંતરનો ત્યાગ જ સાચો ત્યાગ છે. મરવાવાળાને પોતાના શરીર સહિત તમામ વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે; છતાં બધા જ મરવાવાળાની મુક્તિ થઈ જતી નથી. તેથી અંતરમાં પડેલી કામના-મમતા-આસક્તિ જ બાંધવાવાળી છે ને સંસાર ઊભો કરવાવાળી છે. સ્થૂળ વસ્તુઓ બીજે નંબરે આવે છે. તેથી ક્રિયા કરવામાં ઈરાદો પોતાના સ્વાર્થ માટે ન કરવાથી કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते (અ. ૪/૨૩)

જે કોઈપણ કર્મ અને ફળની સાથે પોતાનો સંબંધ નથી રાખતો, તે જ ત્યાગી છે. જ્યાં સુધી કુશળ-અકુશળ, સારા-નરસાને પામી હર્ષ, શોક કે સુખી દુઃખી થાય છે. ત્યાં સુધી તે સાચો ત્યાગી નથી બની શકતો.

મનુષ્ય જે કોઈ પ્રાકૃત ક્રિયા, પદાર્થો કે વ્યક્તિને પોતાના માને છે તેમાં તેને પ્રીતિ થઈ જાય છે. એ પ્રીતિનું જ નામ છે-આસક્તિ. આ આસક્તિ જ વર્તમાનનાં કર્મોમાં ‘कर्मासक्ति’ અને ભવિષ્યમાં મળવાવાળા ફળની ઈચ્છાને લીધે ‘फलासक्ति’ કહેવાય છે અને તેની સફળતા-નિષ્ફળતમાં સુખી-દુઃખી થવાય છે. તેને कर्तासक्ति કહેવાય છે. જ્યારે મનુષ્ય ફળત્યાગનો ઉદ્દેશ્ય રાખી દે છે, ત્યારે તેનાં બધાં કર્મો અન્ય (ભગવાન કે તેના ભક્તોના)ના હિતને માટે થવા લાગે છે. પોતાને માટે નહિ. કારણ કે તેને એ વાત સારી રીતે સમજવામાં આવી ગઈ છે કે કર્મ કરવાની તમામ સામગ્રી પરમાત્મા પાસેથી મળેલી છે. આ લોકના બીજાના સહકારથી મળેલી છે પણ પોતાની તો નથી જ. એટલું જ સમજાઈ જાય તો ફલેચ્છાનો ત્યાગ સુગમતાથી કરી શકાય છે અને ફળનો ત્યાગ કરવા જેટલો વિવેક જ સાધકમાં હોય તો એવા વિવેકી સાધકને કર્મનું અભિમાન પણ નથી આવતું. તેથી ભગવાન કહે છે કે, કર્મફળનો ત્યાગી છે, તે જ સાચો ત્યાગી છે.

સંસારનો સંબંધી એક તરફી માનેલો છે. પુરુષ પ્રકૃતિમાં વળગ્યો છે, પ્રકૃતિ વળગી નથી. જેમ કોઈ એક વ્યક્તિ ઘર પરિવાર છોડીને સાચા હૃદયથી સાધુ થઈ પછી તે ઘરવાળાઓની ગમે તેટલી ઉન્નતિ અથવા પડતી થઈ જાય તો પણ તેના પર કોઈ અસર થતી નથી. વ્યક્તિનો સંબંધ તો બન્ને તરફથી માનેલો હતો તો પણ એક તરફથી છોડતાં છૂટી જાય છે. સંસાર સાથે સાધકનો સંબંધ વિવેકના અભાવમાં એક તરફી માનેલો છે, પ્રકૃતિ નથી માનતી. તે જો છોડી દેવામાં આવે તો છૂટી જાય એમાં શું કહેવું?

अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम्‌।

भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां कवचित्‌।।१२।।

અર્થ : કર્મ ફળનો ત્યાગ નહિ કરનારાઓને અપ્રિય, પ્રિય અને પ્રિય-અપ્રિય-મિશ્ર, એવાં ત્રણ પ્રકારના ફળ મરીને ભોગવવા પડે છે. પરંતુ-જે કર્મ ફળનો ત્યાગ કરનારા છે. તેમને તો ક્યારેય એવું ફળ ભોગવવાનું હોતું જ નથી. ।।૧૨।।

अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम्‌। કર્મનું ફળ ત્રણ પ્રકારનું હોય છે. ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર. જે પરિસ્થિતિને મનુષ્ય ઈચ્છે છે તે ‘इष्ट’ કર્મફળ છે. જે પરિસ્થિતિને મનુષ્ય નથી ઈચ્છતો તે ‘अनिष्ट’ કર્મફળ છે અને જેમાં કેટલોક ભાગ ઈષ્ટનો છે ને કેટલોક ભાગ અનિષ્ટનો છે, તે ‘मिश्र’ કર્મફળ છે. વાસ્તવમાં દેખવામાં આવે તો સંસારમાં બહુધા મિશ્ર ફળ થાય છે. જેમ કે ધન હોવામાં અનુકૂળતાથી ‘इष्ट’ અને પ્રતિકૂળતાથી अनिष्ट આવી બન્ને પરિસ્થિતિઓ આવે છે. ધનથી સુખપૂર્વક નિર્વાહ ચાલે તે અનુકૂળતા છે અને ટેકસ લાગે છે, નષ્ટ થઈ જાય છે, ઝુંટવાઈ જાય કે ચોરીનો ભય રહે છે-એ પ્રતિકૂળતા છે. તાત્પર્ય એ છે કે ઈષ્ટમાં પણ આંશિક અનિષ્ટ અને અનિષ્ટમાં પણ આંશિક ઈષ્ટ રહે છે. કારણ કે સઘળો સંસાર ત્રિગુણાત્મક છે.(અ. ૧૮/૪૦) આ જન્મ પણ દુઃખાલય છે(૮/૧૫) અને સુખરહિત છે.(૯/૩૩) આથી ચાહે ઈષ્ટ પરિસ્થિતિ હોય, ચાહે અનિષ્ટ પરિસ્થિતિ હોય, તે સર્વથા અનુકૂળ કે સર્વથા પ્રતિકૂળ હોતી જ નથી. અહીં ઈષ્ટ અને અનિષ્ટ કહેવાનો મતલબ એ છે કે, ઈષ્ટમાં અનુકૂળતાની અને અનિષ્ટમાં પ્રતિકૂળતાની પ્રધાનતા હોય છે. વાસ્તવમાં કર્મોનું ફળ મિશ્રિત જ હોય છે. કારણ કે કોઈપણ કર્મ સર્વથા નિદરેષ નથી હોતું(૧૮/૪૮)

भवत्यत्यागिनां प्रेत्य-ઉપર્યુક્ત બધાં જ ફળ અત્યાગીઓને અર્થાત્‌ફળની ઈચ્છા રાખીને કર્મ કરવાવાળાઓને જ મળે છે, સંન્યાસીઓને નહિ. અર્થાત્ ‌ભગવાને જે સન્યાસની વ્યાખ્યા કરી એવા સંન્યાસીને નહિ. અત્યાગીનો મતલબ છે, પાછળના (દસમાં અને અગિયારમાં) શ્લોકમાં જે ત્યાગીઓની વાત આવી છે, તેઓના સમાન જે ત્યાગી નથી. અર્થાત જેઓએ કર્મફળનો ત્યાગ નથી કર્યો. એવા અત્યાગી મનુષ્યોની સામે ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર-ત્રણે કર્મફળો અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં આવતાં રહે છે. જેમનાથી તેઓ સુખીદુઃખી થતા રહે છે. તેઓનાથી સુખીદુઃખી થવું, એ જ જીવતે જીવતા બંધન છે.

વાસ્તવમાં અનુકૂળતાથી સુખી થવું એ જ પ્રતિકૂળતામાં દુઃખી થવાનું કારણ છે. કેમ કે પરિસ્થિતિજન્ય(માયિક) સુખ ભોગવનારો કદી દુઃખથી સર્વથા બચી જ શકતો નથી. માયિક સુખ, દુઃખ વિનાનું હોતું જ નથી. માટે જ્યાં સુધી તે સુખ ભોગવતો રહેશે ત્યાં સુધી તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દુઃખી થતો જ રહેશે. ચિંતા, શોક, ભય, ઉદ્વેગ વગેરે તેને કદી છોડી શકતા જ નથી અને તે પણ એમનાથી કદી છૂટી શકતો નથી.

प्रेत्य भवति-કહેવાનું તાત્પર્ય એ છે કે, જેઓ કર્મફળના ત્યાગી નથી તેઓને ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર-એ ત્રણે કર્મફળ મર્યા પછી જરૂર મળે છે; પરંતુ કયારેક કયારેક અહીં જીવતે જીવતે પણ મળી જાય છે. જ્યારે न तु संन्यासिनां क्वचित्‌-પદ કહેવા પાછળ તાત્પર્ય છે કે જેઓ કર્મફળના ત્યાગી છે તેઓને મર્યા પછી કે અહીં-કયાંય પણ કર્મફળ ભોગવવાનું રહેતું નથી, મળતું નથી.

न तु संन्यासिनां क्वचित्‌-સંન્યાસીઓએ(ત્યાગીને) કયાંય પણ અર્થાત્‌આ લોક કે પરલોકમાં, આ જન્મ કે મર્યા બાદ પણ કર્મફળ ભોગવવું પડતું નથી. હા, પૂર્વ જન્મમાં કરેલાં કર્મોના અનુસાર આ જન્મમાં તેઓની સમક્ષ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ તો આવે છે; પરંતુ તેઓ પોતાના વિવેકના બળથી એ પરિસ્થિતિઓના ભોગ નથી બનતા. અર્થાત્‌પરિસ્થિતિને આધીન થઈને સુખી દુઃખી નથી થતા અને સર્વદા નિર્લિપ્ત રહે છે.

ભગવાને બતાવ્યા એવા સંન્યાસીઓને અર્થાત્‌ત્યાગીઓને કર્મ કરવા છતાં ફળ શા માટે નથી ભોગવવું પડતું? કારણ કે તેઓ પોતાને માટે કાંઈ પણ નથી કરતા. પોતાને માટે મેળવવાની ઈચ્છાથી સાધક જે કાંઈ કરે છે તો તે પોતાના વ્યક્તિત્વને જ બ્રેક મારે છે. આગળ જતું રોકે છે પણ જ્યારે તે ભક્તસમૂહના હિત માટે અને એ પણ કેવળ ભગવદ્‌બુદ્ધિથી કરે છે, ત્યારે ભગવાનની તેના ઉપર અતિશય પ્રસન્નતા થઈ જાય છે. ત્યારે તેનું અલ્પ વ્યક્તિત્વ મટી જઈને તે ‘सर्वभूतहिते रता:’ થઈ જાય છે. પછી તેના સ્થૂળ શરીરથી થવાવાળી ક્રિયાઓ, સૂક્ષ્મ શરીરથી થવાવાળું પરહિત ચિંતન અને કારણ શરીરથી થવાવાળી દૃઢતા-આ ત્રણેય ભગવાનના માટે થતાં સર્વ કર્મ નાબૂદ થાય છે.

અહીં ‘संन्यासिनाम्‌’ પદમાં ત્યાગી(કર્મયોગી) અને સન્યાસી(સાંખ્યયોગી) બન્નેની એકતા કરીને નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે કર્મયોગી કર્મો કરતાં કરતાં પણ અસંગ રહે છે તો સાંખ્યયોગી કર્મોથી સર્વથા નિર્લિપ્ત રહે છે. કર્મયોગી(નિષ્કામ ભાવથી) કર્મ કરતો હોવા છતાં પણ ફળની સાથે સંબંધ નથી રાખતો તો સાંખ્યયોગી પણ કર્મ માત્ર સાથે કિંચિત્‌પણ સંબંધ નથી રાખતો. કર્મયોગી ફળ સાથે સંબંધ વિચ્છેદ કરે છે. અર્થાત્‌મમતાનો ત્યાગ કરે છે. તો સાંખ્યયોગી કૃર્તૃત્વાભિમાન અને અહંતાનો ત્યાગ કરે છે. મમતાનો ત્યાગ થતાં અહંતાનો પણ આપોઆપ ત્યાગ થઈ જાય છે અને અહંતાનો ત્યાગ થતાં મમતા આપોઆપ છૂટી જાય છે. સાધકનો સદ્‌આશય હોવાથી. આ બન્નેની ત્યાગ કરવાની પદ્ધતિમાં તો ફરક છે પણ પ્રકૃતિ અને તેના કાર્ય સાથેથી સંબંધ તોડવામાં બંને એક થઈ જાય છે.

આ અધ્યાયના પ્રારંભમાં અર્જુને એ પૂછયું હતું કે, હું સંન્યાસ અને ત્યાગનું તત્ત્વ જાણવાને ઈચ્છુ છું. આથી ભગવાને અહીં ‘संन्यासिनाम्‌’ પદથી બન્નેનું આ તત્ત્વ બતાવ્યું કે, કર્મયોગીનો કર્મ પ્રત્યે એવો ભાવ રહે છે કે-મારે પોતાનું કાંઈ નથી; પરંતુ ભગવાનનું કાર્ય કરનારો હું છું. મારે પોતાને માટે કાંઈ નહિ જોઈએ.(પણ મારું જે કાંઈ છે તે ભગવાનનું છે એમ કરીને રાખવાનું છે) પોતાને માટે કાંઈ મારે કરવાનું નથી. જે કાંઈ કરું છું તે ભગવાનના ભક્તની સેવા કે હિત માટે અને ભગવાનને રાજી કરવા માટે કાંઈ કરવાનું છે. સાંખ્યયોગીને તો પોતાનું કાંઈ નથી અને પોતાને માટે કાંઈ કરવાનું રહેતું નથી પ્રથમથી જ સમૂળ ત્યાગ કરીને બેઠો છે. અહીં ભગવાન એ બતાવી રહ્યા છે. જે નિર્લિપ્તતા સાંખ્યોગથી થાય છે. તેવી જ નિર્લિપ્તતા ત્યાગથી અર્થાત્‌કર્મયોગથી થાય છે.(ગી.૫/૪-૫)