ગી.અ-17, શ્લોક 01 to 06

શ્લોક ૦૧-૦૬

શ્રદ્ધાનો તથા શાસ્ત્રવિપરીત ઘોર તપ કરનારાઓનો વિષય

અર્જુન બોલ્યા

ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता:।

तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम:।।१।।

અર્થ : અર્જુન પૂછે છે-હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવી-કેવા પ્રકારની છે ? સાત્વિકી છી ? કે રાજસી છે ? કિંવા તામસી છે ? ।।૧।।

ये शास्त्रविधिम्‌… સોળમાં અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મનમાન્યા ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મળતા નથી. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્રવિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે, જેઓ શાસ્ત્રવિધિને તો જાણતા નથી; પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન(પૂજન) કરતા હોય છે તેથી શાસ્ત્રવિધિનો ત્યાગ થવાથી તેઓની નીચી(આસુરી) સ્થિતિ થવી જોઈએ. જ્યારે શ્રદ્ધા હોવાથી ઊંચી(દૈવી) સ્થિતિ થવી જોઈએ. તેથી વાસ્તવમાં તેની શું ગતિ કે સ્થિતિ છે. આ જાણવા માટે અર્જુન પહેલા શ્લોકમાં પ્રશ્ન કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ સઘળા જીવોના કલ્યાણને માટે છે. તેમાં પણ તેમની સામે કલિયુગની પ્રજા વધારે દૃષ્ટિમાં હતી. કારણ કે દ્વાપર તો હવે પૂરો થઈ ગયો હતો. તેથી કલિયુગને દૃષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે કે, મહારાજ જે મનુષ્યોનો ભાવ તો ખૂબ જ સારો છે. શ્રદ્ધા, ભક્તિ પણ સારી છે; પરંતુ શાસ્ત્રવિધિને જાણતા નથી. શાસ્ત્ર વિધિનો ત્યાગ ત્રણ કારણોથી થાય છે. (૧) અજ્ઞાનથી (૨) ઉપેક્ષાથી (૩) વિરોધથી. અહીં તો તેઓની અજ્ઞતાને કારણે શાસ્ત્રવિધિ છૂટી ગયો છે. જો તેઓ જાણી જાય તો પાલન કરવા પણ લાગી જાય ખરા; પરંતુ અત્યારે તો તેઓને ખબર નથી તો પછી તેઓની કઈ સ્થિતિ થાય છે? નિષ્ઠા એટલે સ્થિતિ ‘स्थियते अस्मिन्‌ इति स्थिति:’ જેમાં અન્યત્ર ગતિનું તમામ પ્રકારે નિવારણ થઈ ગયું છે એટલે સ્થિતિ થઈ ગઈ એવું જાણવું.

ખાસ કરીને ભવિષ્યમાં આવનારી પ્રજામાં શાસ્ત્રનું જ્ઞાન બહુ થોડું જ રહેવાનું છે. તેમને સારો સત્સંગ મળવો પણ કઠિન થશે. કેમ કે સારા સંત મહાત્મા અગાઉના યુગોમાં પણ ઓછા જોવા મળ્યા છે, પછી કલિયુગમાં તો ઘેર ઘેર હોવાની આશા કયાંથી રાખી શકાય? ઓછા હોવા છતાં પણ અંતરમાં સાચી ચાહના હોય તો તેઓને સત્સંગ મળી જાય છે; પરંતુ મુશ્કેલી એ છે કે કલિયુગમાં દંભ, પાખંડ, દગા, છેતરામણી વગેરે વધારે હોવાથી કેટલાયે દંભી અને પાખંડી પુરુષો સંત બનીને બેસી જાય છે, આથી સાચા સંત ઓળખવા મુશ્કેલ બને છે. પ્રથમ તો સાચા સંત મહાત્મા મળવા કઠિન છે અને તેમાં પણ કદાચને મળી પણ ગયા તો પણ કયા સંત કેવા છે તે ખબર પડવી ઘણી કઠિન થઈ પડશે અને સાચી ઓળખાણ થયા વિના તેનો સત્સંગ કરીને વિશેષ લાભ મળી જાય એવું નથી.

જેઓ શાસ્ત્રવિધિને નથી જાણતા અને સાચા સંતોનો સત્સંગ પણ નથી મળતો; પરંતુ જે કોઈ યજન-પૂજન કરે છે તે પૂરી શ્રદ્ધાથી કરે છે એવા મનુષ્યોની નિષ્ઠા કઈ હોય છે? સાત્ત્વિકી, રાજસી કે તામસી? અર્થાત્‌તેને દૈવી કક્ષામાં ગણવા કે આસુરી કક્ષામાં? सत्त्वमाहो रजस्तम: પદોથી સત્ત્વગુણને દૈવી સંપત્તિમાં અને રજોગુણ તથા તમોગુણને આસુરી સંપત્તિમાં ગણી લેવામાં આવ્યો છે. રજોગુણને પણ આસુરી સંપત્તિમાં ગણી લેવાનું કારણ એ છે કે રજોગુણ, તમોગુણને બહુ જ નિકટ છે. તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણ-એ ત્રણે ગુણોમાં એકબીજાથી દસ ગણુ અંતર છે. જેમ કે એકનું દસગણું દસ અને દસનું દસગણું સો છે. એ જ રીતે તમોગુણ (૧) થી દસગણો શ્રેષ્ઠ રજોગુણ (૧૦) છે અને રજોગુણથી દસગણો શ્રેષ્ઠ સત્ત્વગુણ (૧૦૦) છે. તાત્પર્ય એ છે કે તમોગુણ અને રજોગુણ બન્ને ઘણા નજીક છે. જ્યારે સત્ત્વગુણ બન્નેથી બહુ જ દૂર છે.

ગીતામાં ઘણી જગ્યાએ આવી વાત આવી છે. જેમ કે-બીજા અધ્યાયના બાસઠ-ત્રેસઠમાં શ્લોકમાં કામથી(રજોગુણથી) ક્રોધ અને ક્રોધથી મોહરૂપી તમોગુણનું ઉત્પન્ન થવાનું બતાવવામાં આવ્યું છે. ક્રોધનું કારણ(બીજ) રજોગુણ છે અને કાર્ય (પરિણામ) તામસી છે એવી રીતે અઢારમાં અધ્યાયના સતાવીશમાં શ્લોકમાં હિંસાત્મક અને શોકાન્વિતને રજોગુણી કર્તાનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. પચાસમાં શ્લોકમાં હિંસાને તામસ કર્મનું લક્ષણ અને પાંત્રીસમાં શ્લોકમાં શોકને તામસવૃતિનું લક્ષણ ગણવામાં આવ્યું છે. આ રીતે રજોગુણ અને તમોગુણના ઘણાં લક્ષણો એકબીજાને મળી જતા હોય છે. જ્યારે સાત્ત્વિકતા તેનાથી તદ્દન અલગ પડે છે. સાત્ત્વિક ભાવ, આચરણ, વિચાર દૈવી સંપત્તિમાં હોય છે અને રાજસી તામસી ભાવ, આચરણ અને વિચાર આસુરી સંપત્તિના હોય છે. સંપત્તિના અનુસાર જ નિષ્ઠા હોય છે. અર્થાત્‌મનુષ્યમાં જેવા ભાવ, આચરણ અને વિચાર હોય છે તેને અનુસારે જ તેની સ્થિતિ(નિષ્ઠા) હોય છે અને સ્થિતિના અનુસારે જ તેની ગતિ થાય છે. આપ કહો છો કે, શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને મનમાન્યા ઢંગથી આચરણ કરવાથી કોઈપણ સિદ્ધિ, સુખ કે પરમગતિ મળતી નથી. તો હું તેમની નિષ્ઠા કયા પ્રકારની છે તે જાણવા ઈચ્છુ છું. ‘કૃષ્ણ’ સંબોધનનું તાત્પર્ય છે, આપ એવા મનુષ્યોને અંતિમ સમયે કઈ બાજુ ખેંચીને લઈ જશો? તેઓને કઈ ગતિ પમાડશો?

અંત સમયે મનુષ્યને ભગવાન ખેંચે છે કે તે જીવ કર્મોને અનુસારે સ્વયં ખેંચાઈને જાય છે? વસ્તુતઃ કર્મોના અનુસારે જ ફળ મળે છે; પરંતુ કર્મફળના વિદ્યાયક ભગવાન છે તેથી તામસી કર્મોનું ફળ નરક હશે તો ભગવાન તેને નરક તરફ ખેંચશે. વાસ્તવમાં નરકમાં શુદ્ધ કરી તેને પોતાની પાસે ખેંચવો છે. તેમને કોઈ જ સાથે વેર કે દ્વેષ નથી. તેમને તમામની ઉપર કરુણા છે. તેથી કૃષ્ણ સંબોધન કર્યું છે.

શ્રી ભગવાન બોલ્યા

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा।

सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु।।२।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-દેહધારીઓને સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા સ્વાભાવિકીજ હોય છે. તે ત્રણ પ્રકારની શ્રદ્ધાને તું મારા થકી સાંભળ ! ।।૨।।

त्रिविधा भवति श्रद्धा… અર્જુને નિષ્ઠા જાણવા માટે પ્રશ્ન કર્યો હતો; પરંતુ ભગવાન તેનો ઉત્તર શ્રદ્ધાને લઈને આપે છે. કેમ કે શ્રદ્ધાને અનુસાર જ નિષ્ઠા અર્થાત્‌સ્થિતિ હોય છે. શ્રદ્ધા ત્રણ જાતની હોય છે. તે શ્રદ્ધા કઈ છે? સંગજનિત છે, શાસ્ત્રજનિત છે કે સ્વભાવજનિત છે? તો કહે છે કે, તે સ્વભાવજનિત છે ‘सा स्वभावजा’ અર્થાત્‌ સ્વભાવથી પેદા થયેલી છે. स्वभावो-स्वस्य असाधारणो भाव, अर्थात्‌ प्राचीनवासना निमित्त: तद्‌ तद्‌ रुचि विशेष:। यत्र रुचि: तत्र श्रद्धा जायते। શ્રદ્ધા ન તો સંગથી પેદા થયેલી છે અને ન શાસ્ત્રથી પેદા થયેલી છે. તેઓનાં પ્રાચીન કર્મો છે, તે અંતઃકરણમાં ગુણરૂપે પ્રવર્તે છે. તેને અનુસારે તેને રુચિ વિશેષ થાય છે. તેથી તે વિષયમાં તેને શ્રદ્ધા થાય છે. અર્થાત્‌તે સાધવાની ત્વરા વિશેષ ઊભી થાય છે. તે વાસના, રુચિ, શ્રદ્ધા એ આત્મધર્મો છે પણ गुणसंसर्गजा: ત્રણ ગુણોને અનુરૂપ આત્માની અંદર ભાવરૂપે ઊભા થયેલા છે. તેના જનક સત્વાદિ ત્રણ ગુણો છે અર્થાત્‌કોઈપણ દેશ, કાળ, વ્યક્તિ, પદાર્થનો યોગ થતાં તેના પ્રત્યે સદ્‌ભાવ કે અસદ્‌ભાવ ઊભો થવો તેની દોરવણી ગુણો કરી લે છે અને તે ગુણો અમૂર્તરૂપે દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, વિષયોને અધિષ્ઠાન કરીને રહ્યા છે. તેને સ્થૂળપણે દેખી શકાતા નથી પણ कार्यैक निरुपणीया: કાર્ય કે ચેષ્ટાથી નક્કી થનાર હોય છે. તેથી શ્રદ્ધા પણ જુદી જુદી થશે. તેથી જીવ સ્વભાવિકપણે તે પ્રવાહમાં વહે છે અને દરેક વ્યવહાર તથા દેવતા વગેરેનું પૂજન તે પોતાની સ્થિતિમાં રહીને કરે છે તેને નિષ્ઠા બતાવીને તે અનુસારે તેની ગતિ પૂછી છે.

તે સ્વભાવજનિત શ્રદ્ધા પ્રવાહ ત્રણ પ્રકારનો હોય છે. સાત્ત્વિકી, રાજસી અને તામસી. તે ત્રણેને વિસ્તારથી હું બતાવું છું. તેને હે અર્જુન ! તમે સાંભળો.

પાછળના શ્લોકમાં ‘सत्त्वमाहो रजस्तम:’ પદોમાં ‘आहो’ અવ્યય આપવાનું તાત્પર્ય એ હતું કે, અર્જુનની દૃષ્ટિમાં સત્ત્વથી દૈવી સંપત્તિ અને રજ, તમથી આસુરી સંપત્તિ. આ બે જ વિભાગ છે અને ભગવાન પણ બંધનની દૃષ્ટિએ રાજસી, તામસી બન્નેને આસુરી સંપત્તિ જ માને છે. ‘निबन्धायासुरीं मता’(૧૬/૫) જ્યારે બંધનની દૃષ્ટિએ રાજસી અને તામસી એક હોવા છતાં પણ બન્નેના બંધનમાં ભેદ છે. રાજસ મનુષ્યો સકામભાવથી શાસ્ત્ર વિહિત પણ કર્મો કરે છે. આથી તેઓ સ્વર્ગ વગેરે ઊંચા લોકમાં જઈને અને ત્યાંના ભોગોને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે;-‘क्षीणे पुण्ये मृत्युर्लोकं विशन्ति(૯/૨૧) પરંતુ તામસ મનુષ્યો શાસ્ત્ર વિહિત કર્મો નથી કરતા આથી તેઓ કામના અને મૂઢતા ને કારણે અધોગતિમાં જાય છે अधो गच्छन्ति तामसा:(૧૪/૨૮) આ રીતે રાજસ અને તામસ બન્ને પ્રકારના મનુષ્યોનું બંધન ચાલુ રહે છે. બન્નેના બંધનમાં ભેદની દૃષ્ટિથી જ ભગવાન આસુરી સંપત્તિવાળાઓની શ્રદ્ધાના રાજસી અને તામસી એવા બે ભેદ કરે છે અને સાત્ત્વિક, રાજસી અને તામસી આ ત્રણે શ્રદ્ધાઓને અલગ અલગ સાંભળવાને માટે કહે છે.

सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत।

श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स:।।३।।

અર્થ : હે ભારત ! સર્વ મનુષ્યોને પોત-પોતાના અંતઃકરણને અનુરૂપજ શ્રદ્ધા હોય છે અને આ પુરુષ-જીવાત્મા શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન છે. માટે જે પુરુષ જેમાં-જેવી શ્રદ્ધાવાળો હોય છે. તો તે પોતે પણ તે રૂપજ છે. ।।૩।।

सत्त्वानुरू पा सर्वस्य… પાછળના શ્લોકમાં જેને ‘સ્વભાવજનિત’ કહેવામાં આવી છે, તેને જ અહીં ‘સત્ત્વાનુરુપા’ કહી છે ‘सत्त्व’ એટલે અંતઃકરણ છે અને તે અંતઃકરણને અનુરુપ શ્રદ્ધા હોય છે. અર્થાત્‌અંતઃકરણ જેવું હોય-સાત્ત્વિક, રાજસ કે તામસ જેવા સંસ્કારોવાળું તેવી જ શ્રદ્ધા થાય છે.

બીજા શ્લોકમાં જેને ‘देहिनाम्‌’ પદથી કહ્યું હતું, તેને જ અહીં ‘सर्वस्य’ પદથી કહી રહ્યા છે. ‘सर्वस्य’ પદનું તાત્પર્ય એ છે કે, જેઓ શાસ્ત્રવિધિને ન જાણતા હોય અને દેવતા વગેરેનું પૂજન કરતા હોય તેમની જ નહિ; પરંતુ જેઓ શાસ્ત્રવિધિને જાણતા હોય કે ન જાણતા હોય, માનતા હોય કે ન માનતા હોય, અનુષ્ઠાન કરતા હોય કે ન કરતા હોય. ગમે તે જાતિની, ગમે તે વર્ણની, ગમે તે આશ્રમની, ગમે તે સંપ્રદાયની, ગમે તે દેશની, કોઈ વ્યક્તિ ગમે તેવી પણ કેમ ન હોય-તે બધાની સ્વાભાવિક શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે.

श्रद्धामयोऽयं पुरुष: મનુષ્ય શ્રદ્ધા પ્રધાન છે. આથી જેવી તેની શ્રદ્ધા હશે તેવું જ તેનું સ્વરૂપ હશે, અર્થાત્‌તેના અંતઃકરણનું વલણ હશે અને તેનાથી જે પ્રવૃત્તિ થશે. તે શ્રદ્ધાને લીધે, શ્રદ્ધાના અનુસાર જ થશે.

यो यच्छ्रद्ध: स एव स: જે મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો છે, તેવી જ તેની નિષ્ઠા હશે અને તેના અનુસાર જ તેની ગતિ થશે. તેના પ્રત્યેક ભાવ અને ક્રિયા અંતઃકરણની શ્રદ્ધાના અનુસાર જ થશે. અર્થાત્‌અંતઃકરણના સંસ્કારના અનુસારે જ થશે. જ્યાં સુધી તે સંસાર સાથે સંબંધ રાખશે ત્યાં સુધી અંતઃકરણને અનુરુપ જ તેનું સ્વરૂપ હશે.

મનુષ્યની સાંસારિક પ્રવૃત્તિ-સંસારના પદાર્થોને સાચા માનવા, દેખવા, સાંભળવા અને ભોગવવાથી થાય છે તથા પારમાર્થિક પ્રવૃત્તિ પરમાત્મામાં સાચી શ્રદ્ધા રાખવા માત્રથી થાય છે. કારણ કે તે અતીંદ્રિય છે. જેને આપણે પોતાના અનુભવથી જલદી નથી જાણી શકતા; પરંતુ પૂર્વના શુભ સંસ્કારોથી, શાસ્ત્રોથી, સંત મહાત્માઓને સાંભળીને પૂજ્યભાવ સહિત વિશ્વાસ કરી લઈએ છીએ. તેનું નામ છે-શ્રદ્ધા. શ્રદ્ધાને લીધે જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ થાય છે. પછી ચાહે તે માર્ગ કર્મયોગનો, ચાહે જ્ઞાનયોગનો ભક્તિયોગનો હોય. સાધ્ય અને સાધન-બન્ને પર શ્રદ્ધા થયા વિના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી નથી.

મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું ઘણું પ્રાધાન્ય છે. મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો છે, તેવું જ તેનું સ્વરૂપ, તેની નિષ્ઠા કહેવાય છે-હોય છે. यो यच्छ्रद्ध: स एव स:(૧૭/૩) તે કદાચ આજે તેવો ન દેખાતો હોય તો પણ શું? પણ સમય આવ્યે તે તેવો જ બનીને રહેશે.

આજકાલ સાધકને પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે અનેક મતમતાંતરો થઈ ગયા છે. કોઈ જ્ઞાનની પ્રધાનતા કહે છે. કોઈ ભક્તિની પ્રધાનતા કહે છે. કોઈ યોગની પ્રધાનતા કહે છે વગેરે. આવા જાતજાતના સિદ્ધાંતો વાંચવા અને સાંભળવાથી મનુષ્ય પર તેમની અસર પડે છે. જેથી તે કર્તવ્ય વિમૂઢ થઈ જાય છે કે હું શું કરું? મારું વાસ્તવિક ધ્યેય કે લક્ષ્ય શું છે? મારે કઈ બાજું જવું જોઈએ? આવી પરિસ્થિતિમાં તેણે અંતરમાં ઊંડા ઉતરીને તપાસ કરવી જોઈએ? પોતાના અંતરના ભાવોની ચિકિત્સા કરીને સંગથી બનેલી રુચિ, શાસ્ત્રથી બનેલી રુચિ, ગુરુજનોના બતાવવાથી બનેલી રુચિ તે બધાના મૂળમાં પોતાની આપ મેળે જાગૃત થયેલ રુચિ પણ કઈ છે? તેને પણ ઓળખવી જોઈએ.

મૂળમાં બધાની સ્વાભાવિક રુચિ એ હોય છે કે, હું સઘળા દુઃખોથી છૂટી જાઉં અને મને સદાને માટે મહાન સુખ મળી જાય. આવી રુચિ દરેક પ્રાણીની અંદર રહે છે. મનુષ્યોમાં આ રુચિ કંઈક વધારે જાગ્રત રહે છે. મનુષ્યોમાં પાછલા જન્મના જેવા સંસ્કારો હોય છે અને આ જન્મમાં તેઓ જેવા માતા-પિતાથી જન્મ્યા છે, જેવું તેઓને શિક્ષણ મળ્યું છે. જેવા તેઓની સમક્ષ દૃશ્યો આવ્યા છે અને તેઓ જે ઈષ્ટદેવની વાતો, પરલોક અને પુનજર્ન્મની વાતો, મુક્તિ અને બંધનની વાતો, સત્સંગ અને કુસંગની વાતો સાંભળતા રહે છે. તે બધાની તેઓના ઉપર અદૃશ્યરૂપે અસર પડે છે. એ અસરથી તેઓની એક ધારણા બને છે. તેઓની સાત્ત્વિકી, રાજસી કે તામસી-જેવી પ્રવૃત્તિ હોય છે. તેના જ અનુસારે ઉપરના સંજોગોમાંથી તે ધારણાને પકડે છે અહીં અંતઃકરણમાં જે ધારણા પકડાય જાય છે તેજ તેની નિષ્ઠા બની રહે છે. અને તેને આધારે તેની રુચિ-શ્રદ્ધા બને છે. તેમાં સાત્ત્વિકી શ્રદ્ધા પરમાત્માની તરફ લગાવવાળી હોય છે અને રાજસી, તામસી શ્રદ્ધા સંસારની તરફ લગાડે છે. અંતઃકરણમાં પકડાયેલી તે ધારણા ફેરવવી ઘણી કઠીન હોય છે પણ અશક્ય તો નહી જ.

ગીતામાં જ્યાં જ્યાં સાત્ત્વિકતાનું વર્ણન થયું છે. તે અધ્યાત્મના પર્યાય તરીકે થયું છે. અર્થાત્‌પરમાત્મા તરફ દોરનારું ગણાવ્યું છે. આથી સાત્ત્વિકી શ્રદ્ધા, પારમાર્થિક થઈ અને રાજસી-તામસી શ્રદ્ધા સાંસારિક થઈ. અર્થાત્‌સાતત્વિકી શ્રદ્ધા દૈવી સંપત્તિ થઈ. રાજસી-તામસી શ્રદ્ધા-આસુરી સંપત્તિ કેવી રીતે ઓછી કરવી તથા તેને સમૂળો ત્યાગ કરવો ! તે હેતુ માટે આ સત્તરમો અધ્યાય અવતરણ થયો છે. કારણ કે કલ્યાણ ઈચ્છવાવાળા મનુષ્યને માટે સાત્ત્વિકી શ્રદ્ધા ગ્રાહ્ય(सत्त्वं यद्‌ ब्रह्मदर्शनम्‌) અને રાજસી તામસી શ્રદ્ધા(આસુરી સંપત્તિ) ત્યાજ્ય છે.

જે મનુષ્ય કલ્યાણને ઈચ્છે છે તેની શ્રદ્ધા સાત્ત્વિકી હોય છે. જે મનુષ્ય આ જન્મમાં તથા મર્યા પછી પણ સુખસંપત્તિ(સ્વર્ગ વગેરે)ને ઈચ્છે છે તેની શ્રદ્ધા રાજસી હોય છે અને જે મનુષ્યો પશુઓની જેમ(મૂઢતાપૂર્વક) કેવળ ખાવાપીવા, ભોગ ભોગવવા અને પ્રમાદ, આળસ, નિદ્રા, રમતગમત, તમાશા વગેરેમાં લાગેલ રહે છે, તેની શ્રદ્ધા તામસી હોય છે.

સાત્ત્વિકી શ્રદ્ધાને માટે સહુથી પહેલી વાત એ છે કે, પરમાત્માની સ્વીકૃતિ. શાસ્ત્રોમાંથી, સંત મહાત્માઓ પાસેથી, ગુરુજનો પાસેથી સાંભળીને પૂજ્યભાવની સાથે એવો વિશ્વાસ થઈ જાય છે કે, પરમાત્મા છે અને એમને મારે આ જન્મમાં પ્રાપ્ત કરવા છે. તેનું નામ શ્રદ્ધા છે. જ્યાં બરાબર શ્રદ્ધા હોય છે ત્યાં આપોઆપ પ્રેમ થઈ જાય છે. સંસારમાં જે લાગેલો છે તે પણ સંસારમાં શ્રદ્ધા-વિશ્વાસ હોવાથી જ છે પણ તે સાચી શ્રદ્ધા નથી. શ્રદ્ધાનો દુરુપયોગ છે. સંસારમાં રૂપિયા તરફ વધારે લોકો શ્રદ્ધા કરે છે અને એમ માને છે કે રૂપિયાથી સર્વ કાંઈ મળી જાય છે પણ એ વાત કાંઈ સાચી છે? તે તો ભ્રમણા છે. સંસારમાં પૈસાનું મહત્ત્વ છે તે વાત સાચી, પણ સર્વસ્વ પૈસા જ છે. એ તો પતન તરફ દોરી જનારી માન્યતા છે. એ સાંસારિક શ્રદ્ધા થઈ. તેનાથી ઊંચી ધાર્મિક શ્રદ્ધા હોય છે કે, હું અમુક વર્ણ કે આશ્રમનો છું; પરંતુ સહુથી ઊંચી શ્રદ્ધા પારમાર્થિક છે અર્થાત્‌પરમાત્મામાં રાખવી તે છે. તેને જ વાસ્તવિક શ્રદ્ધા કહેવાય છે. આસ્તિકતા કહેવાય છે. તેનાથી આત્મ કલ્યાણનો માર્ગ હાથમાં આવે છે. તેને આધારે શાસ્ત્રોમાં, સાચા સંત મહાત્માઓમાં અને પરમાત્માની આરાધનામાં શ્રદ્ધા હોય છે. તે પણ પારમાર્થિક શ્રદ્ધા જ છે. સાંસારિક શ્રદ્ધામાં ‘ભોગ’ની, ધાર્મિક શ્રદ્ધામાં ‘ભાવ’ની, અને પારમાર્થિક શ્રદ્ધામાં ‘પરમાત્મા’ની પ્રધાનતા છે.

જેઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી અને સંત મહાત્માઓનો સંગ પણ નથી. એવા મનુષ્યોની પણ પૂર્વ સંસ્કારોને કારણે પારમાર્થિક શ્રદ્ધા હોઈ શકે છે. તેઓને પરમાત્માની વાતો ઘણી પ્રિય લાગે છે અને તેઓને સ્વાભાવિક યજ્ઞ, દાન, તપ, વ્રત, સત્સંગ, સ્વાધ્યાય વગેરે શુભ કર્મો કરવા ખૂબ ગમે છે અને કદાચ તેઓ એવાં કર્મો ન પણ કરતા હોય, તો પણ સાત્ત્વિક આહારમાં સ્વાભાવિક રુચિ હોય છે તેથી તેઓની શ્રદ્ધાની પિછાણ થઈ જાય છે.

શ્રદ્ધા અંતઃકરણને અનુરૂપ હોય છે. ધારણા, માન્યતા, ભાવના વગેરે બધા જ અંતઃકરણમાં રહે છે. તેથી અંતઃકરણમાં સાત્ત્વિક, રાજસ, અને તામસ જે ગુણની પ્રધાનતા રહે છે, તે જ ગુણના અનુસાર ધારણા, માન્યતા વગેરે બને છે અને તેને અનુસારે ત્રણ પ્રકારની શ્રદ્ધા બને છે. સત્ત્વ, રજ અને તમ બધા જ પ્રાણીઓમાં રહે છે. તેમાં કોઈકમાં સત્ત્વગુણની, કોઈકમાં રજોગુણની અને કોઈકમાં તમોગુણની પ્રધાનતા હોય છે. આથી એવો કોઈ નિયમ નથી કે સત્ત્વગુણની પ્રધાનતાવાળામાં રજોગુણ અને તમોગુણ ન આવે અને રજોગુણની પ્રધાનતાવાળામાં સત્ત્વગુણ અને તમોગુણ ન આવે તથા તમોગુણની પ્રધાનતાવાળામાં સત્ત્વગુણ અને રજોગુણ ન આવે. કારણ કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. તેથી પ્રકૃતિજન્ય ગુણોમાં પરિવર્તન થતું રહે છે. તેથી એક માત્ર પરમાત્મપ્રાપ્તિના ઉદ્દેશ્યવાળા સાધકે તે આવવા જવાવાળા ગુણોને પોતાને વિષે માનવા નહિ અને પોતાને તેનાથી અલગ-ચૈતન્ય સ્વરૂપ માનવું અને હૃદયમાં તેને પ્રવર્તમાન થતા જોઈને, પોતાના ઉદ્દેશ્યથી કે માર્ગથી વિચલિત ન થઈ જવું. અંતરમાં તેનો નિષેધ કર્યા કરવો અને પરમાત્માની ઉપાસના કર્યા કરવી તો તેનું પ્રધાનપણું હટી જાય છે.

કોઈ વ્યક્તિમાં રજોગુણ-તમોગુણની પ્રધાનતા જોઈને તેમણે હારી જવાની જરૂર નથી. સંગ, શાસ્ત્ર, વિચાર, વાયુમંડળ વગેરેને લીધે કોઈ ગુણની અંતઃકરણમાં પ્રધાનતા થઈ જાય છે. અર્થાત્‌જેવો સંગ, શાસ્ત્ર વગેરે સેવે છે તેવું જ અંતઃકરણ બની જાય છે એટલા માટે મનુષ્યે સદા સાત્ત્વિક સંગ, શાસ્ત્ર, વિચાર, આહાર વગેરેનું સેવન કરતા રહેવું જોઈએ. એવું કરવાથી તેનું અંતઃકરણ પણ સાત્ત્વિક બની જશે અને તેની શ્રદ્ધા પણ સાત્ત્વિક બની જશે. જે પોતાનો ઉદ્ધાર કરવાવાળી થશે. આનાથી ઊલટું મનુષ્યે રાજસી, તામસી સંગ, શાસ્ત્ર, આહાર વગેરેનું સેવન કદાપિ નહિ કરવું જોઈએ. કારણ કે તેનાથી તેનું અંતઃકરણ અને શ્રદ્ધા પણ રાજસી તામસી બની જશે અને તેનું નિશ્ચે પતન થશે.

यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसा:।

प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जना:।।४।।

અર્થ : સાત્ત્વિક મનુષ્યો ઈન્દ્રાદિક દેવોને પૂજે છે. રાજસ મનુષ્યો યક્ષ અને રાક્ષસોને પૂજે છે અને બીજા તામસી જનો તો પ્રેત અને ભૂતગણોને પૂજે છે. ।।૪।।

यजन्ते सात्त्विका देवान्‌-સાત્ત્વિક અર્થાત્‌દૈવી સંપત્તિવાળા મનુષ્યો દેવોનું પૂજન કરે છે. અહીં देवान्‌ શબ્દથી વેદ માન્ય વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ પંચદેવ લેવા જોઈએ. કેમ કે દેવ શબ્દ ઈશ્વરનો પણ વાચક છે અને દૈવી સંપત્તિ મોક્ષદાયક કહીને दैवी संपद्विमोक्षाय(૧૬/૫) અને તેમાં પણ ખાસ કરીને પરમાત્માના અવતાર સ્વરૂપ એવા રામકૃષ્ણ વગેરેમાંથી કોઈ સ્વરૂપનું પૂજન કરે છે. એવું તાત્પર્ય છે, કારણ કે નહિ તો દૈવી સંપત્તિ જે મોક્ષને આપનારી બતાવી છે. તે શક્ય નહિ બને. આવી દૈવી સંપત્તિ જેનામાં પ્રગટ થાય છે તે દૈવી સંપત્તિવાળા સાધકોની સ્વાભાવિક પિછાણ કરાવવાને માટે અહીં यजन्ते सात्त्विका देवान्‌ પદો આવ્યાં છે. તે પંચ દેવોમાં પણ જે દેવોની આગળ હિંસા બલિ વગેરે થતા હોય તો સાત્ત્વિકોની તેમાં શ્રદ્ધા થતી નથી અને થવી ન જોઈએ.

यक्षरक्षांसि राजसा: રાજસ મનુષ્યો, યક્ષો અને રાક્ષસોનું પૂજન કરે છે. યક્ષો અને રાક્ષસ પણ દેવ યોનિમાં ગણાય છે. યક્ષોમાં ધનના સંગ્રહની પ્રધાનતા હોય છે અને રાક્ષસોમાં બીજાઓના નાશ કરવાની પ્રધાનતા હોય છે. પોતાની કામનાપૂર્તિને માટે અને બીજાઓનો વિનાશ કરવાને માટે રાજસ મનુષ્યોમાં યક્ષો અને રાક્ષસોનું પૂજન કરવાની પ્રવૃત્તિ હોય છે. કદાચને અત્યારના જમાનામાં તે પૂજન પ્રસિદ્ધ ન હોય તો પણ ધન સંગ્રહ અને હરીફ વિનાશ પ્રવૃત્તિ જ તેની રજઃ પ્રધાનતાનો પરિચય કરાવનારી બને છે.

प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जना:। તામસ મનુષ્યો પ્રેતો તથા ભૂતોનું પૂજન કરે છે. જેઓ મરી ગયા છે, તેઓને ‘પ્રેત’ કહેવામાં આવે છે અને જેઓ પ્રેતયોનિમાંથી પણ ભૂતયોનિમાં ચાલ્યા ગયા છે, તેઓને ‘ભૂત’ કહેવામાં આવે છે. આવા પ્રેત અને ભૂત એ જીવકક્ષાના જ હોય છે, તેને લેવાના હોય છે.

અહીં ‘प्रेत’ શબ્દ અંતર્ગત જે પોતાના પિતૃઓ છે તેઓને નહિ લેવા જોઈએ. કેમ કે જેઓ પોતાનું કર્તવ્ય સમજીને નિષ્કામભાવે પોતપોતાના પિતૃઓનું પૂજન કરે છે, તેઓ તામસ નહિ કહેવાય. પછી તેના પિતૃઓ ભલે ગમે તેવી તામસી યોનિ, સર્પ વગેરેને પામ્યા હોય તો પણ તેઓ સાત્ત્વિક ગણાશે. પોતપોતાના પિતૃઓના પૂજનનો ભગવાને નિષેધ નથી કર્યો. पितृन्यान्ति पितृव्रता:(ગી./૯/૨૫)નું તાત્પર્ય એ છે કે, જેઓ પિતૃઓનું સકામભાવે પૂજન કરે છે તે પિત્તૃઓ અમારી રક્ષા કરશે અથવા અમે જેવી રીતે પિતા પિતામહને માટે શ્રાદ્ધ તર્પણ વગેરે કરીએ છીએ. એવી જ રીતે અમારી કુળ પરંપરાવાળા પણ અમારે માટે શ્રાદ્ધ તર્પણ વગેરે કરશે. એવા ભાવથી પૂજન કરવાવાળા પિતૃઓને પ્રાપ્ત થાય છે; પરંતુ પોતાના માતા-પિતા, દાદા-દાદી વગેરે પિતૃઓનું પૂજન કરવાથી પિતૃઓને પ્રાપ્ત થઈ જશે એવું નથી. જેઓ પિતૃઋણથી મુક્ત થવું પોતાનું કર્તવ્ય સમજે છે અને એટલા જ માટે નિષ્કામ ભાવે પિતૃઓનું પૂજન કરે છે, તેઓ પુરુષો સાત્ત્વિક છે. તે રાજસ નથી. પિતૃલોકમાં તો તેઓ જ જાય છે. જેઓ ‘पितृव्रता:’ છે અર્થાત્‌ જેઓ પિતૃઓને સર્વોપરી અને પોતાના ઈષ્ટ માને છે તથા પિતૃઓ પર જ નિષ્ઠા રાખે છે એવા લોકો પિતૃ લોકમાં તો જઈ શકે છે પણ તેનાથી આગળ નથી જઈ શકતા.’

કૂતરા, કાગડા વગેરેને પણ નિષ્કામભાવે રોટલા નાખે છે, ત્યારે તે કાર્યથી તેઓને તેઓની યોનિ પ્રાપ્ત નથી થતી. કારણ કે તે તેઓને ઈષ્ટ નથી. તેઓ તો શાસ્ત્રમાં કહ્યા મુજબ બીજા જીવો પર દયા-ઉપકાર કરે છે. તેવી જ રીતે પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ વગેરે પણ શાસ્ત્રની આજ્ઞા અનુસાર નિષ્કામભાવપૂર્વક કરવાથી પિતૃયોનિ પ્રાપ્ત નથી થઈ જતી. શાસ્ત્ર કે ભગવાનની આજ્ઞા માનીને કરવાથી તેઓનો ઉદ્ધાર થશે. એટલા માટે શાસ્ત્રવિહિત કરવામાં આવેલા શ્રાદ્ધ-તર્પણ વગેરે પ્રેતકરમને તામસ નહિ માનવાં જોઈએ. કારણ કે તે તો મૃત પ્રાણીની સદ્‌ગતિને માટે કરવામાં આવનારાં આવશ્યક કર્મો છે. જેમને મરેલાં પ્રાણીઓ માટે શાસ્ત્રની આજ્ઞા અનુસાર દરેકે કરવાં જોઈએ.

આપણે શાસ્ત્રવિહિત યજ્ઞ વગેરે શુભ કર્મ કરીએ છીએ. તેમાં પહેલાં ગણેશજી, નવગ્રહ, ષોડશમાતૃકા વગેરેનું પૂજન શાસ્ત્રની આજ્ઞા અનુસાર નિષ્કામભાવથી કરીએ છીએ. એ વાસ્તવમાં નવગ્રહ વગેરેનું પૂજન ન હોઈને શાસ્ત્રનું જ પૂજન, આદર થયો ગણાય. જેવી રીતે સ્ત્રી પતિની સેવા કરે છે તો તેનું કલ્યાણ થઈ જાય છે. લગ્ન તો દરેક પુરુષના થાય છે. રાક્ષસોની કે અસુરોની સ્ત્રીઓ પણ પતિવ્રતા કહેવાણી છે; પરંતુ વાસ્તવમાં કલ્યાણ તે તેના પતિઓ-રાક્ષસ કે અસુરના પ્રભાવથી નથી થયું. તેની સેવાથી નથી થયું; પરંતુ પતિની સેવા ઈષ્ટદેવની જેમ કરવી, પતિવ્રતા ધર્મનું પાલન કરવું. એવી ઋષિઓ, શાસ્ત્રો અને ભગવાનની આજ્ઞા છે અને તેનું અનુસરણ કરવાથી જ તેઓનું કલ્યાણ થયું છે તેઓમાં પતિવ્રતાનું તેજ આવ્યું છે. અન્યથા તો એવા પુરુષોની સેવા કરવાથી નરકે પડવું પડે. દેવતા વગેરેના પૂજનથી પૂજકની ગતિ તે તે દેવતામાં થાય છે. એવું બતાવવા માટે અહીં ‘यजन्ते’ પદ નથી આપ્યું; પરંતુ અર્જુને શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક યજન પૂજન કરવાવાળાઓની નિષ્ઠા પૂછી હતી. આથી તેના ઉત્તરમાં પોતપોતાના ઈષ્ટ-પૂજ્યના અનુસારે પૂજકોની નિષ્ઠા-શ્રદ્ધા હોય છે. તેની ઓળખ કરાવવા માટે ‘यजन्ते’ પદ આવ્યું છે.

अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना:।

दम्भाहंकारसंयुक्ता: कामरागबलान्विता:।।५।।

कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस:।

मां चैवान्त:शरीरस्थं तान्विद्धयासुरनिश्चयान्‌।।६।।

અર્થ : જે મનુષ્ય શાસ્ત્રવિધિએ રહિત એવું મનઃકલ્પિત ઘોર તપ તપે છે અને દંભ તથા અહંકારે યુક્ત તેમજ કામનાઓ, રાગ-આસક્તિ અને શારીર બળના પણ અભિમાનવાળા હોઈને. શરીરમાં-શરીરરૂપે રહેલા ભૂમિ આદિક ભૂતસમુદાયને કૃશ કરતા-દમન કરતા અને મારા શરીરભૂત જીવાત્મામાં અન્તર્યામીરૂપે રહેલા એવા મને પણ દુભવતા થકા વર્તે છે. તેવા અજ્ઞાનીઓને તું આસુર નિશ્ચયવાળા જાણ ! ।।૫-૬।।

अशास्त्र विहितं घोरं… શાસ્ત્રમાં જેનું વિધાન નથી; પરંતુ નિષેધ છે એવાં ઘોર તપને કરવામાં તેઓની રુચિ હોય છે અર્થાત્‌તેઓની રુચિ સદા શાસ્ત્રથી વિપરીત જ હોય છે. કારણ કે તામસી બુદ્ધિ(૧૮/૩૨) હોવાથી તેઓ પોતે તો શાસ્ત્રોને બરાબર જાણતા નથી. બીજા કોઈ બતાવે તો પણ તેને માનતા નથી અને તેવું કરવા પણ ઈચ્છતા નથી.

दम्भाहंकार संयुक्ता: તેઓના અંતરમાં ઊંડે તે વાત જામેલી રહે છે કે, આ જે સંસારમાં જેટલા ભજન, ધ્યાન, સ્વાધ્યાય કરે છે, તેઓ બધા દંભ કરે છે. દંભ વિના બીજું કાંઈ છે જ નહિ. આથી તેઓ પણ દંભ કરવા લાગી જાય છે. તેમના અંતરમાં પોતાની બુદ્ધિમત્તાનું, ચતુરાઈનું, જાણકારીનું જબરું અભિમાન રહે છે કે, અમે બહુ જાણકાર આદમી છીએ. અમે બહુ બુદ્ધિમાન અને ચતુર છીએ. ગમે તેવા ડાહ્યા વ્યક્તિને વાસ્તવિક વસ્તુને ઢાંકીને બીજું ગળે ઉતરાવી દઈ શકીએ છીએ. અમે શાસ્ત્રોની વાતો કે બીજાની સલાહ શા માટે સાંભળીએ? અમે કાંઈ ઓછુ જાણીએ છીએ? અમારી વાતો સાંભળો તો તમને ખબર પડે કે તેમાં કેટલી જાણકારી ભરેલી છે વગેરે.

कामरागबलान्विता: ‘કામ’ શબ્દ વિજાતીય ભોગને તો બતાવે જ છે પણ તદુપરાંત તમામ ભોગને પણ બતાવનારો છે. ભોગ્ય પદાર્થોમાં રંગાઈ જવું, તલ્લીન થઈ જવું, એકરસ થઈ જવું એ રાગ છે અને તેમને પ્રાપ્ત કરવાનો અથવા તેમને જાળવી રાખવાનો જે હઠ-દુરાગ્રહ છે તે અહીં ‘બળ’ છે. અહીં સાત્ત્વિક બળ લેવાનું નથી. કારણ કે તેને તો ભગવાને પોતાની વિભૂતિ કે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. ‘बलं बलवतां चाहं कामरागविवर्जितम्‌’(૭/૧૧) સાત્ત્વિક બળ તો કામ અને રાગરહિત હોય છે. અહીં તો તેના સહિત બળ બતાવ્યું હોવાથી તેવા અર્થમાં લેવાનું છે. એવા બળથી તેઓ યુક્ત રહે છે. એવા આસુર સ્વભાવવાળા લોકોમાં એવો ભાવ રહે છે કે, મનુષ્ય શરીર પામીને આ ભોગોને ભોગવ્યા નહિ તો મનુષ્ય શરીર પશુની જેમ જ છે. સાંસારિક ભોગસામગ્રીને મનુષ્યે પ્રાપ્ત ન કરી તો તો પછી તેણે શું કર્યું? મનુષ્ય શરીર પામીને મનવાંછિત ભોગ સામગ્રી ન મળી તો પછી તેનું જીવન વ્યર્થ જ છે વગેરે વગેરે. આ રીતે તેઓ પ્રાપ્ત સામગ્રીને ભોગવવામાં તલ્લીન રહે છે અને ધનસંપત્તિ વગેરે ભોગસામગ્રીને પ્રાપ્ત કરવાને માટે હઠપૂર્વક, જીદથી તેઓ તપ કર્યા કરે છે.

कर्षयन्त: शरीरस्थं भूतग्रामम्‌, मां चैवान्त:शरीरस्थम्‌ તેઓ શરીરમાં રહેલા પાંચેય ભૂતો ને કૃશ કરે છે. શરીરને સૂકવે છે અને એટલા માત્રને જ તપ માને છે. શરીરને આ પ્રકારે કષ્ટ આપવું એ જ તપ કહેવાય. તેવી તેઓની ધારણા છે. આગળ ચૌદ, પંદર અને સોળમાં શ્લોકોમાં જ્યાં શરીર, વાણી અને મનના તપનું વર્ણન થયું છે, ત્યાં શરીરને આવી રીતે કષ્ટ આપવાની કે સુકવવાની વાત નથી આવી, તે તપ તો બહુ જ શાંતિથી થાય તેવું બતાવ્યું છે; પરંતુ અહીં જે તપ બતાવ્યું છે તે તો ઉગ્રતાવાળું છે. શાસ્ત્ર વિરુદ્ધ છે અને ઘોર છે. અવિધિપૂર્વક શરીરને કષ્ટ આપીને કરવામાં આવે છે. ભગવાન કહે છે કે, એવા લોકો અંતઃકરણમાં રહેલા જીવાત્માને, શરીરી એવા મને પણ પીડા આપે છે. અર્થાત્‌પાપ કરે છે. કોઈ પણ તપશ્ચર્યાથી અંતર્યામીને પીડા આપી શકાતી નથી. જો તેમ હોય તો શાસ્ત્રવિહિત ઉપવાસાદિક વ્યર્થ બની જાય. માટે મારા શરીરભૂત જીવની અશાસ્ત્રીય રીતે પીડે છે તે મને જ પીડે છે. તે વધારે દોષિત છે. એવું બતાવવા ભગવાને મને દુઃખ દે છે, એવું કહ્યું છે. અન્યથા ભગવાનને કોઈ પીડા કરી શકતો નથી.

અર્જુને પૂછયું છે કે, તેઓ કઈ નિષ્ઠાવાળા છે? સાત્ત્વિક છે કે રાજસ, તામસ? દૈવી સંપત્તિવાળા છે કે આસુરી સંપત્તિવાળા? તો ભગવાન કહે છે કે, તેઓને આસુરી નિશ્ચયવાળા સમજો અર્થાત્‌આસુરી સંપત્તિવાળા સમજો.

ચોથા શ્લોકમાં શાસ્ત્રવિધિને જાણવાવાળા શ્રદ્ધાયુક્ત મનુષ્યો દ્વારા કરવામાં આવનારા પૂજનને માટે ‘यजन्ते’ પદ આવ્યું છે; પરંતુ અહીં શાસ્ત્રવિધિનો ત્યાગ કરવાવાળા, શ્રદ્ધા રહિત મનુષ્ય દ્વારા કરવામાં આવનારા પૂજનને ‘तप्यन्ते’ પદ આપ્યું છે. એનું કારણ એ છે કે, આસુરી બુદ્ધિવાળાની જો હોય તો કદાચ ‘तप’ કરવામાં જ પૂજ્યબુદ્ધિ હોય છે અને તે પણ કપોળ કલ્પિત-મન માન્યા-ઢંગથી કરવામાં હોય છે; પરંતુ સાથે સાથે ભગવાનને કે શાસ્ત્રને નથી માનતા. એવા તપ આસુરી નિશ્ચયવાળાના હોય છે.

સોળમાં અધ્યાયના વીશમાં શ્લોકમાં શાસ્ત્રવિધિને જાણતા હોઈને પણ તેની ઉપેક્ષા કરીને દાન, સેવા, ઉપકાર વગેરે શુભ કર્મો કરવાની વાત આવી છે. જે એટલી બધી ખરાબ નથી. કારણ કે તેઓનાં દાન વગેરે કર્મો શાસ્ત્રવિધિયુક્ત તો નથી પણ શાસ્ત્ર નિષિદ્ધ પણ નથી. અહીં જે શાસ્ત્રોમાં વિહિત નથી તેમ, તે જ શ્રેષ્ઠ માનીને મન માન્યા ઢંગથી વિપરીત કર્મ કરવાની વાત છે. ત્યારે બન્નેમાં ફરક શું પડયો? તો સોળમાં અધ્યાયના ત્રેવીશમાં શ્લોકમાં કહેલા લોકોને સિદ્ધિ, સુખ અને પરમ ગતિ નહિ મળે. અર્થાત્‌તેઓનાં નામ માત્રનાં શુભ કર્મો ગણાશે પણ ફળ કાંઈ નથી. અહીં બતાવેલા લોકોને તો નીચ યોનિઓ તથા નરકોની પ્રાપ્તિ થશે. કેમ કે અહીં કહેલાં શુભ કર્મોના પ્રેરક બળ તરીકે દંભ, અભિમાન વગેરે છે. તેના પ્રેરક બળ તરીકે શાસ્ત્ર, સંત કે ભગવાન નથી. તેઓ આ બધાને માનતા પણ નથી તેઓમાંથી કોઈને સાંભળતા પણ નથી અને કોઈને સાંભળવા ઈચ્છતા પણ નથી.

સોળમાં અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં શાસ્ત્રનો ‘ઉપેક્ષાપૂર્વક ત્યાગ’ છે. આ જ અધ્યાયના પ્રથમ શ્લોકમાં શાસ્ત્રનો ‘અજ્ઞાનપૂર્વક’ ત્યાગ છે અને અહીં શાસ્ત્રનો ‘વિરોધ પૂર્વક’ ત્યાગ છે. આગળ તામસ યજ્ઞ વગેરેમાં પણ શાસ્ત્રની ઉપેક્ષા છે; પરંતુ અહીં શ્રદ્ધા, શાસ્ત્રવિધિ, પ્રાણીસમુદાય અને અંતઃકરણમાં રહેલા જીવાત્માની ઉપેક્ષા છે.