ગી.અ-06, શ્લોક 37 to 47

શ્લોક ૩૭-૪૭

યોગભ્રષ્ટ પુરુષની ગતિનો વિષય તથા ધ્યાનયોગીનો મહિમા

અર્જુન બોલ્યા

अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस:।

अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति।।३७।।

कच्चिन्नोभय विभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति।

अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि।।३८।।

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत:।

त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते।।३९।।

અર્થઃ હે કૃષ્ણ ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો તે યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિને પ્રાપ્ત થાય છે? હે મહાબાહો ! શું તે ઊભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મમાર્ગમાં મૂઢ થઈને છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને ? હે કૃષ્ણ ! મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો; કેમ કે આપ વિના બીજો આ સંશયને છેદનાર મળે તેમ નથી.

अयति: અર્થાત્‌ ન્યૂન પ્રયત્ન કરનારો, શિથિલ પ્રયત્નવાળો, તત્પર નહિ, એવો સાધક. અહીં જેને જપ, તપ, ધ્યાન, સત્સંગ, દર્શન, સેવા, સ્વાધ્યામયાં રુચિ તો છે, શ્રદ્ધા પણ છે અને તે કરે પણ છે; પરંતુ ઈન્દ્રિયો-અંતઃકરણ વશમાં ન હોવાથી સાધનામાં શિથિલ છે. એવો સાધક અંત સમયમાં સંસારમાં રાગ રહેવાથી અને વિષયોનું ચિંતન થવાથી પોતાની સાધનાથી વિચલિત થઈ પોતાના ધ્યેયને દૃઢપણે વળગી રહી ન શકે, સ્થિર ન રહે તો પછી તેની શી ગતિ થાય?

अप्राप्य योगसंसिद्धिं कां…. વિષયાસક્તિ અને અસાવધાનીને કારણે જેનું મન સાધનાથી હઠી ગયું અને એને કારણે તેને યોગની સંસિદ્ધિ, પરમાત્માની પાસે પહોંચવાનું ન થયું તો પછી તે કઈ ગતિને પામે?

તાત્પર્ય એ છે કે તેણે પાપ કરવાનું તો સર્વથા છોડી દીધું હતું. આથી તે નરકોમાં તો જશે નહિ અને સ્વર્ગની કામના ન હોવાથી સ્વર્ગમાં પણ જશે નહિ. જો સ્વર્ગની કામના હોત તો આ નિષ્કામ સેવાના માર્ગપર આવત જ નહિ. તે તો શ્રદ્ધાપૂર્વક સાધનામાં લાગેલો હતો. ફકત તેની શક્તિ થોડી ઓછી પડી છે, તેના હાથ થોડા ટૂંકા પડ્યા છે તો તેની શી ગતિ થાશે? તે કયાં જશે?

कच्चिन्नोभयविभ्रष्ट… विमूढो ब्रह्मण: पथि। તે સાંસારિક પ્રતિષ્ઠા (પ્રાપ્તિ)થી તો જાણીને રહિત થયો છે અર્થાત્‌ તેણે સંસારના સુખ-આરામ, આદર-સત્કાર, યશ પ્રતિષ્ઠા વગેરેની કામના છોડી દીધી છે. તેમને પ્રાપ્ત કરવાનો તેનો ઉદ્દેશ્ય જ નથી રહ્યો. આ રીતે સંસારનો આશ્રય છોડીને તે પરમાત્મા પ્રાપ્તિના માર્ગ ઉપર ચાલ્યો; પરંતુ જીવિત અવસ્થામાં પરમાત્માની પ્રાપ્તિ (સમ્યક્‌ અનુભૂતિ) ન થઈ અને મૃત્યુ પહેલાં સાધનાથી વિચલિત થઈ ગયો. એવો તે બન્ને બાજુથી ભ્રષ્ટ થયેલો અર્થાત્‌ સાંસારિક અને પારમાર્થિક બન્ને ઉન્નતિથી રહિત થયેલો સાધક છિન્નભિન્ન થયેલા વાદળની માફક નષ્ટ તો નથી થઈ જતો ને?

તાત્પર્ય એ છે કે જેવી રીતે કોઈ વાદળના ટુકડાએ પોતાનું વાદળ તો છોડી દીધું અને બીજા વાદળ સુધી તે પહોંચ્યો નહિ. વાયુને કારણે વચમાં જ છિન્નભિન્ન થઈ ગયો. એવી જ રીતે સાધકે સંસારના આશ્રયને તો છોડી દીધો અને આ ને આ જન્મે પરમાત્માને તો પામ્યો નહિ અને મૃત્યુ તો આવી ગયું, પછી તે નષ્ટ તો નથી થઈ જતો? તેનું પતન તો નથી થઈ જતું ને?

અહીં ઊભયભ્રષ્ટતા, સંસારના સુખ અને સાધનામાર્ગ બન્ને વચ્ચેની ઊભયભ્રષ્ટતા લઈ શકાય છે. પરમાત્મા અને સંસારના સુખ વચ્ચેની ઊભયભ્રષ્ટતા નહિ; કારણ કે પરમાત્માને તો હજુ પામ્યો જ નથી ભ્રષ્ટતા કેમ કહી શકાય ? માટે ઊભયભ્રષ્ટતા સંસાર ના સુખ અને સાધનાનો માર્ગ તે બન્નેમાંથી ચૂકી જવું, જેવા આશયને બતાવવાના છે.

एतन्मे संशयं कृष्ण… न हि उपपद्यते। અર્જુન કહે છે કે, આ પ્રમાણે મારો સંશય છે. આ સંશયનું છેદન કરનાર તમારા સિવાય અન્ય કોઈ મને દેખાતું નથી. માટે તમે તેનું સમાધાન આપવા યોગ્ય છો. તાત્પર્ય એ છે કે શાસ્ત્રનો કોઈ કોયડો, ગહન વિષય અથવા ગહન પંક્તિ હોય તો તેનો અર્થ કોઈ શાસ્ત્રોના જ્ઞાતા,કોઈ વિદ્વાન પણ સમજાવી શકે છે; પરંતુ યોગભ્રષ્ટ જીવની શી ગતિ થાય છે ? તેનો ઉત્તર તે નથી આપી શકતા. હા, યોગીઓ કેટલીક હદ સુધી જાણી શકે છે પણ સંપૂર્ણ જ્ઞાતા તો આપના સિવાય કોઈ ન હોય શકે.

उत्पत्तिं प्रलयं चैव भूतानामगतिं गतिम्‌। वेत्ति विद्यामविद्यां च स वाच्यो भगवानिति।। (વિ.પુ. ૬, ૫, ૭૮) જે સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયને, ગતિ અને અગતિને તેમ જ વિદ્યા અને અવિદ્યાને જાણે છે, તે જ ભગવાન કહેવાવાને યોગ્ય છે. એ દૃષ્ટિએ અર્જુનને શ્રીકૃષ્ણની ભગવત્તા પર વિશ્વાસ છે. તેને કારણે જ તેણે એક અક્ષૌહિણી સશસ્ત્ર્‌ નારાયણી સેનાનો ત્યાગ કરીને નિઃશસ્ત્ર એવા શ્રીકૃષ્ણનો સ્વીકાર કર્યો હતો. તેથી જ અહીં યોગભ્રષ્ટની ગતિના વિષયમાં ભગવાનને પ્રશ્ન કરે છે. સાથે સાથે યાદી પણ દેવરાવે છે કે આપના વિના મારા આ સંશયનું સમાધાન દેનારો બીજો કોઈ છે નહિ.

આવી રીતે પ્રથમ સંક્ષિપ્તમાં કહેલું યોગ સાધન ફરીવાર વિસ્તારથી પણ અર્જુને સાંભળ્યું. હવે સંક્ષિપ્તથી સાંભળેલું યોગ માહાત્મ્ય ફરી વિશદતાથી સાંભળવાની તેની ઈચ્છા છે. તેથી યોગભ્રષ્ટ વિષયમાં પ્રશ્ન કર્યો છે. ‘नेहाभिक्रमनाशोऽस्ति (૨-૪૦)થી સંક્ષિપ્તમાં માહાત્મ્ય તો સાંભળ્યું હતું. અહીં અર્જુનનો પ્રશ્ન તેનો વિસ્તાર સાંભળવા માટે છે. જે ભગવાને તેના ઉત્તરમાં ઉપાય બતાવ્યો છે અને તે એ છે કે શિથિલ યોગી હોવા છતાં ‘चिरतरमनेकपुण्यलोकावाप्ति: (તે યોગના પ્રભાવથી લાંબા સમય સુધી પુણ્યલોક નિવાસ પ્રાપ્તિ), पुनर्योगयोग्य योगीकुलसम्भव (ફરી પાછું તે યોગને અનુકૂળ યોગીકુળમાં જન્મ) तद्वारा पुनर्योगपौष्कल्यम्‌ (નવા જન્મમાં વિના સાધનાએ પણ ફરી તે જ રસ્તે ચાલવાની યોગારૂઢતા), ततश्वापवर्ग અને છેલ્લે પરમાત્મપ્રાપ્તિ ततो याति परां गतिम् ૬-૪૫ થાય છે. ઉપરની પ્રાપ્તિઓ ઈતર સાધનો કરાવી શકતા નથી. જ્યારે નિષ્કામ કર્મયોગના કાચા યોગીને તે સહજ ભૂલથી દંડના રૂપમાં પ્રાપ્ત થાય છે. તે જ આ માર્ગનું અસાધારણ માહાત્મ્ય અર્જુનને ભગવાન પાસેથી સાંભળવું છે. તે જિજ્ઞાસાનો પ્રશ્ન અર્જુને પૂછયો છે તેનો ઉત્તર હવે ભગવાન આપે છે.

શ્રી ભગવાન બોલ્યા

पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते।

न हि कल्याणकृत्‌ कश्चिद्‌दुर्गतिं तातगच्छति।।४०।।

અર્થઃ હે પાર્થ ! આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ; કેમ કે હે તાત ! શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી.

पार्थ नैवेह नामुत्र જેને અંતકાળમાં સાધના ચુકાઈ જાય છે, તેનું કંઈ પતન તો નથી થઈ જતું ને ? આ વાતની અર્જુનના હૃદયમાં ખૂબ વ્યાકુળતા છે. તે ભગવાનથી છૂપી નથી, તેથી ‘कां गतिं कृष्ण गच्छति’ આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં અર્જુનની વ્યાકુળતા દૂર કરવા બાંહેધરી પ્રથમ આપી છે કે હે પાર્થ ! કોઈ સાધક અંત સમયમાં યોગથી વિચલિત થઈ ગયો તો તે યોગભ્રષ્ટ મર્યા બાદ ચાહે આ લોકમાં જન્મ લે ચાહે પરલોકમાં જાય, તેનું પતન નથી થતું .(૬-૪૧/૪૫) તાત્પર્ય એ છે કે તેની યોગમાં જેટલી સ્થિતિ થઈ ગઈ છે તે બરબાદ થઈ જતી નથી. તેનાથી તે નીચે નથી પડી જતો. તે કમાયેલી કમાણી જેમની તેમ જ રહે છે. તેની યોગસ્થિતિ માટે અજિર્ર્ત કરેલી સામગ્રી જેમની તેમ જ રહે છે. નષ્ટ નથી થઈ જતી. તેનો પારમાર્થિક ઉદ્દેશ્ય બદલાઈ જતો નથી. સામાન્ય જીવની માફક લખચોરાશીના ચક્કરમાં વહેતો થઈ જતો નથી. જેવી રીતે ભરતજી સમગ્ર પૃથ્વીનું રાજ્ય છોડીને એકાંતમાં તપ કરતા હતા. ત્યાં દયાથી વશ થઈને તે હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા. જેથી બીજા જન્મમાં તેમને હરણ બનવું પડ્યું. તેમણે જેટલો ત્યાગ કે તપ કર્યું હતું, તેમની જેટલી સાધનાની પૂંજી એકઠી થઈ હતી, તે હરણના જન્મમાં પણ નષ્ટ ન થઈ. તેમને તો હરણના જન્મમાં પણ પૂર્વના જન્મની વાત યાદ હતી કે જે મનુષ્ય જન્મમાં પણ નથી રહેતી. આથી તેઓ હરણના જન્મમાં બાળપણથી જ તેની માતા સાથે ન રહ્યા. તેઓ લીલાં પાંદડાં ન ખાતા, સૂકા પાંદડાં ખાતા હતા. તાત્પર્ય એ થયું કે પોતાની સ્થિતિથી ન પડવાને કારણે હરણ જન્મમાં તેમનું પતન ન થયું. (શ્રીમદ્‌ ભાગ. સ્કં.૫ અ.૭-૮) જ્યાં સુધી સાધક ભગવાનનો કે તેના સાચા ભક્તનો દ્રોહ કે અપરાધ ન કરે ત્યાં સુધી તેની કમાયેલી સાધના કયારેય ખંડિત થતી નથી. અકબંધ રહે છે. જો ખાસ કરીને ભક્તનો દ્રોહ કરે તો ભગવાન તેની બાંહેધરી લેતા નથી. આ રીતે પહેલાં મનુષ્ય જન્મમાં જેમનો સ્વભાવ ભગવાન ને ભગવાનના ભક્તોની સેવા કરવાનો કે જપધ્યાન કરવાનો, પરમાત્માની આરાધના કરવાનો અને પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો (મોક્ષ કરવાનો) દૃઢ પણ બની જાય અને પછી તેઓ કોઈ કારણવશાત્‌ (દ્રોહ સિવાય અંત સમયમાં યોગભ્રષ્ટ થાય અને આ લોકમાં પશુપક્ષી પણ બની જાય તો પણ તેઓને તે સારો સ્વભાવ અને સત્સંસ્કારો નષ્ટ નથી થતા. એવા ઘણાંય ઉદાહરણો બની ગયા છે ને બનતા પણ રહે છે. ગાય, બળદ, કૂતરા જેવાં પ્રાણીઓ પણ દેવનાં દર્શન, કથા તેમને સારી લાગતી હોય ને તેમની પાછળ તે ફરતા હોય છે.

न हि कल्याणकृत्‌ कश्चित्‌ ભગવાને આ શ્લોકના પૂર્વાર્ધમાં અર્જુનને માટે ‘પાર્થ’ સંબોધન આપ્યું. જે ભગવાન પોતાના આત્મીય સંબંધનું દ્યોતક માને છે. અર્જુનના બધા જ નામોમાં ભગવાનને આ ‘પાર્થ’ નામ બહુ જ પ્યારું છે. હવે ઉતરાર્ધમાં તેનાથી પણ અધિક પ્યાર અને કરુણા બતાવતાં કહે છે કે તાત (બાપ) કલ્યાણકારી કાર્ય કરવાવાળાની દુર્ગતિ કયારેય થતી નથી. આ ‘તાત’ સંબોધન એક જ વાર આવ્યું છે, જે અત્યધિક પ્યાર અને કરુણાનું દ્યોતક છે.

આ શ્લોકમાં ભગવાને સાધકમાત્રને માટે બહુ જ આશ્વાસનની વાત કહી છે. જે કલ્યાણકારી (પોતાનું અને બીજાનું) કામ કરવાવાળો છે અર્થાત્‌ કોઈ પણ સાધનાર્થી સાચા હૃદયથી પરમાત્માની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એવા કોઈ પણ સાધકની દુર્ગતિ થતી નથી.

એમ કહેવામાં તાત્પર્ય એ છે કે જે મનુષ્ય પોતાના અને સાથે સાથે બીજાના આત્મકલ્યાણમાં લાગેલો છે. અર્થાત્‌ જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે અને જેને માટે અનેક જીવાત્માઓના કલ્યાણને માટે પરમાત્મા સાક્ષાત્‌ આ ભૂમંડળમાં પધારે છે તે કાર્યને ભગવાને પોતાનું કાર્ય માન્યું છે. તેને અનુરૂપ થઈને જીવ જ્યારે પ્રયત્ન કરે છે અને સાંસારિક ભોગ અને સંગ્રહને છોડીને આ માર્ગે ચાલે છે ત્યારે ભગવાન તેની દુગર્તિ કે, અવગતિ થવા દેતા નથી. ભગવાન તેની રક્ષા કરતા રહે છે. જો એ અંતરની પ્રામાણિકતાથી સાચો જ હોય તો.

ભગવાન બતાવે છે કે મારી દૃષ્ટિ આપમેળે પ્રાણીમાત્રના હિત કરવામાં જ રહે છે. જે મનુષ્ય મારી તરફ ચાલે છે, પોતાનું પરમહિત કરવા માટે ઉદ્યોગ કરે છે, તે મને બહુ જ વહાલો લાગે છે અને હું તેની રક્ષા કરું છું. કયારેક કયારેક દેખવામાં એવું આવે છે કે, તે મોહિત થઈ ગયા જેવો દેખાય છે કે સાધન છૂટી ગયા જેવું દેખાય છે; પરંતુ એવી પરિસ્થિતિ તેના અહંકાર કે દેહાભિમાનને કારણે જ તેની સામે આવે છે. તે પણ તેને ચેતવવા માટે અને તેનું અભિમાન દૂર કરવા માટે. એવી ઘટના ભગવાન ઊભી કરતા હોય છે.

તાત્પર્ય એ થયું કે, જેની અંદર એકવાર પરમાત્માની સાધનાના અને શરણાગતિના-ઉપાસનાના સંસ્કાર પડી ગયા છે તે સંસ્કારો ફરી કદી નષ્ટ નથી થતા. કારણ કે પરમાત્માને માટે જે કામ કરવામાં આવે છે તે सत: થઈ જાય છે. कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते (૧૭/૨૭) પછી તેનો અભાવ નથી થતો. नाभावो विद्यते सत: (૨/૧૬) આ જ વાતને ભગવાન અહીં કહી રહ્યા છે કે, કલ્યાણકારી કામ કરવાવાળા કોઈ પણ મનુષ્યની દુર્ગતિ નથી થતી. તેના જેટલા સદ્‌ભાવો બન્યા છે અને જેવો સ્વભાવ બન્યો છે તે પ્રાણી કોઈ કારણવશાત્‌ કોઈ પણ યોનિમાં ચાલ્યો જાય અથવા ગમે તેવી પરિસ્થિતિમાં પડી જાય તો પણ તે સદ્‌ભાવો તેનું કલ્યાણ કરીને જ છોડશે.

જો કે અહીં અર્જુનનો પ્રશ્ન મરણ પછીની ગતિનો છે તો પણ પરમાત્માને રસ્તે લાગવાનું મોટું માહાત્મ્ય છે. એ બતાવવા ભગવાને શ્લોકમાં ‘इह’ શબ્દ પણ બતાવી દીધો છે. મોટે ભાગે તો જીવિત અવસ્થામાં પણ તેનું પતન થતું નથી. કયારેક સાધનામાં વિઘ્ન, આચરણમાં નીચે ઊતરી જવું કે પરમાત્માની પ્રાપ્તિમાં વિલંબ પડી જવો વગેરે દેખાય ખરું. એ દૃષ્ટિએ તેનું પતન જરૂર થયું જ છે પણ આખરે તેઓ જાગ્રત થઈને ફરી પાછા સંસ્કારવશ થઈને અંતે ભગવાન પાસે પહોંચી જાય છે. એવા ઉદાહરણોથી સાધકોએ બોધ એવો લેવાનો છે કે, આપણે એ વિઘ્નબાધાઓમાં પણ લપસી ન પડીએ, માટે સાવધાન થઈને ભગવાનની ભલાઈનો સદુપયોગ કરવો અને વિઘ્ન કે કુસંગમાં ન પડી જવાય તેની સાવધાની રાખવી.

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समा:।

शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते।।४१।।

અર્થઃ તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે.

જે લોકો શાસ્ત્રીય વિધિવિધાન, યજ્ઞ વગેરે પુણ્યકર્મોને સાંગોપાંગ કરે છે, તે લોકોનો સ્વર્ગ વગેરે લોકો ઉપર અધિકાર છે. એટલા માટે તે લોકોને અહીં ‘પુણ્ય કર્મ કરવાવાળાનો લોક’ કહેવામાં આવ્યો છે અર્થાત્‌ તે લોકમાં પુણ્યકર્મ કરવાવાળા જ જાય છે, પાપ કર્મ કરવાવાળાઓ નહિ. અહીં યોગભ્રષ્ટ સાધકોને તેવા પુણ્યકર્મના અનુષ્ઠાન કર્યા વિના જ કેવળ યોગ માહાત્મ્યના બળે જ, એ લોકની પ્રાપ્તિ થઈ જાય છે. તે આ યોગનો મહિમા છે. અહીં તે સાધકોને સાધના કરતી સમયે તે લોકના ફળરૂપ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ઊલટા તેણે તે ભોગોને પોતાના માર્ગના વિઘ્નરૂપે જાણ્યા છે. યજ્ઞ વગેરે શુભ કર્મો કરવાવાળાને તો જટિલ પુરુષાર્થ અને પરિશ્રમ કરવો પડે છે ત્યારે તેવા લોકને પામે છે. વળી તે લોકના અધિષ્ઠાતાઓની યાચના-પ્રાર્થના કરવી પડે છે. ત્યાં જઈને પણ તે જીવોને ભોગોની વાસના ચાલુ રહે છે. કારણ કે તેઓને તો ઉદ્દેશ્ય જ ભોગો ભોગવવાનો છે. નિષ્કામ કર્મયોગી સંજોગવશાત્‌ સાધનાથી વિચલિત મનવાળો થઈ ગયો તો પણ તેને સ્વર્ગાદિ લોક માટે ન તો કોઈ પરિશ્રમ કરવો પડે છે, ન તેમના અધિષ્ઠાતાઓની યાચના કરવી પડે છે. જેઓ પુણ્ય કરીને પુરુષાર્થ કરીને ત્યાં ગયા છે, તેને તો ત્યાંના ભોગોની અધિક વાસના બાકી રહી જાય છે. ‘क्षीणे पुण्ये मृत्युलोकं विशन्ति’ પુણ્ય પૂરું થતાં તેઓ ત્યાં થોડીવાર પણ રહી શકતા નથી. તેને નીચે ધકેલી દેવામાં આવે છે. જ્યારે યોગીઓ शाश्वती: समा: उषित्वा ત્યાં કેટલો સમય રહેવું તેનો કોઈ તેને પ્રતિબંધ નથી. ભોગોની અરુચિ થતાં અને વધારે મુમુક્ષુતા જાગતાં તેઓ પાછા આવે છે. જેઓ કેવળ ભોગો ભોગવવા માટે સ્વર્ગમાં જાય છે, તેઓ જેવી રીતે ભોગોમાં તલ્લીન થઈ જાય છે તેવી રીતે યોગભ્રષ્ટ ત્યાં જઈને પણ તલ્લીન થતો નથી.ઊલટો ભોગોની અરુચિ કરીને વશીકાર વૈરાગ્ય સિદ્ધ કરીને ફરી પાછો ભૂલોકમાં આવે છે. એ વશીકાર વૈરાગ્યની ઉત્પત્તિ તેને ‘विषमविपाकसमयकर्ममूल सत्त्वोन्मेषकृत विवेकोदयवशात्‌ निरंतर भोगप्रकर्षादिवशात्‌ च वैतृष्ण्यसंभव:’ (તા.ચં.) પૂર્વે કરેલ નિષ્કામ કર્મયોગ અને પરમાત્માની સાધનાના પરિપાકથી સત્ત્વોન્મેષ થતાં વિવેક વિશદ બનીને તેનો નિખાર આવવાથી અને તેનો ઉદ્દેશ્ય-ધ્યેય ભોગો છોડવાનો છે ત્યારે પણ ભોગોનો સ્વર્ગમાં નિરંતર અનિચ્છાએ પણ પ્રકર્ષ રહેવાથી તેના હૃદયમાં ઊલટી ભોગોની અરુચિ પ્રબળ બને છે. પરમાત્માની ઈચ્છા અને પોતાની પણ ઈચ્છા થવાથી તે સ્વર્ગમાંથી ભૂમંડળ પર પાછો સાધના કરવા આવે છે. જે સ્વર્ગના ભોગો ભોગવવા પુરુષાર્થ કરીને યજ્ઞોથી પુણ્યો કરીને સ્વર્ગમાં રહેવાથી તેના પુણ્યો ક્ષીણ થતાં રહે છે. જ્યારે યોગભ્રષ્ટ યોગીના ત્યાં રહેવાથી પુણ્ય ક્ષીણ થાય છે, એવું નથી. તેની સાધના અખંડ રહે છે. ‘पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते’ (૬/૪૦) કારણ કે યોગપુણ્ય અક્ષય ફળ આપનારું છે. ‘नेहाभिक्रमनाशोऽस्ति’ ૨/૪૦ તેનો ક્ષય થતો નથી.

જેઓ ભોગ ભોગવવાના ઉદ્દેશ્યથી સ્વર્ગલોકમાં જાય છે, તે લોકોનું ત્યાં જવું અને ત્યાં રહેવું કર્મજન્ય છે. માટે કર્મ-પુણ્યકર્મના આધારે સીમિત છે. પુણ્યને અનુરૂપ જ ત્યાં રહી શકે છે. યોગભ્રષ્ટનું ત્યાં જવું કર્મજન્ય નથી. યોગનો પ્રભાવ છે. તેના સત્‌ ઉદ્દેશ્યનો પ્રભાવ છે. કર્મજન્ય પુણ્યને આધારે જે જીવો ત્યાં જાય છે તેઓને ન તો ત્યાં રહેવાની સ્વતંત્રતા છે અને ન ત્યાંથી આવવાની પણ સ્વતંત્રતા છે. જ્યાં સુધી શુભ કર્મોનું ફળ સમાપ્ત નથી થતું ત્યાં સુધી ત્યાંથી નીચે પણ આવી નથી શકતા અને શુભ કર્મોનું ફળ પૂરું થતાં તેઓ ત્યાં રહી પણ નથી શકતા. જેઓએ કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ સાધન કર્યાં છે ને અંત સમયે સાધનાથી વિચલિત થઈ ગયા છે, એવા યોગભ્રષ્ટ સ્વર્ગમાં જાય છે. તેઓની વાસના ઓછી-વધતી હોવાને કારણે ત્યાં ઓછું વધતું રહેવાનું થઈ શકે છે; પરંતુ તેઓ ત્યાંના ભોગોમાં ફસાઈ નથી શકતા.

शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते- સ્વર્ગ વગેરે લોકમાં ભોગ ભોગવતાં જ્યારે ભોગોથી અરુચિ થઈ જાય છે ત્યારે તે યોગભ્રષ્ટ પાછો ફરીને મૃત્યુલોકમાં આવે છે અને પવિત્ર શ્રીમંતને ઘેર જન્મ લે છે. તેનું તાત્પર્ય એ છે કે યોગ સાધનામાં ત્યાં તેને અનુકૂળતા મળે છે. અનુકૂળતા એ છે કે આજીવિકા તેને મજબૂર બનાવતી નથી અને પવિત્રતા તેના આત્મકલ્યાણના માર્ગે પ્રેરણા કરે છે. વળી પોતાને પૂર્વ જન્મમાં સાધન કરવાની ચાહના તો હતી. સંજોગોવશાત્‌ મજબૂરીથી સાધના છૂટી પડી હતી. તેથી આ ભગવાનને રસ્તે ચાલવાનું અને નિષ્કામપણે સેવાયોગ કરવાનું મહત્ત્વ તેના ચિત્તમાં અંકિત થયેલું છે. તે સંસ્કારો અજ્ઞાતપણે પણ તેને સ્વર્ગના ભોગ કે પૃથ્વીલોકના શ્રીમંતના ભોગમાંથી ઊંચો ઉઠાવીને ફરી પાછો ભગવાનમાં ને યોગસાધનામાં જોડે છે. તેથી તે સાધકના મનમાં એમ થયા કરે છે કે, હું આત્મકલ્યાણનું સાધન કરું. હું શા માટે કરું ? તેની તેને એ અજ્ઞાનદશામાં ખબર નથી પડતી, પણ પૂર્વ સંસ્કારોનું જોર તેને આમ કરવા ઊંચકે છે અને તે ભોગોમાંથી પણ ઉપર ઊઠીને આત્મકલ્યાણના રસ્તે ફરી પાછો આરુઢ થઈ જાય છે.

જેમનું ધન શુદ્ધ કમાણીનું છે, જેઓ કદી પારકાના હકનું નથી લેતા, જેઓના આચરણ અને ભાવ શુદ્ધ અને ભગવદ્‌પરાયણ છે, જેઓના અંતઃકરણમાં ભોગોનું ને પદાર્થોનું મહત્ત્વ તથા મમતા નથી. જેઓ ભોગબુદ્ધિથી કોઈના ઉપર વ્યક્તિગત આધિપત્ય નથી જમાવતા અને ભોગ-પદાર્થોથી ઉપર ઊઠીને રહે છે, તે ‘शुची श्रीमंत’ એમ કહ્યું છે. જેઓ ધન અને ભોગો પર પોતાનું આધિપત્ય જમાવે છે. આમ તો તેઓ પોતાની જાતને ધન અને ભોગોના માલિક માને છે પણ થઈ જાય છે કેવળ તેમના ગુલામ ! તેથી તેઓ ‘शुची श्रीमंत’ નથી કહેવાતા.

अथवा योगिनामेव कुले भवति धीमताम्‌ ।

एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्‌।।४२।।

અર્થઃ અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે; ખરેખર લોકમાં આવો જે આ જન્મ તે અતિ દુર્લભ છે.

સાધના કરવાવાળા બે પ્રકારના હોય છે-વાસના સહિત અને વાસના રહિત. જેને સાધનામાં રુચિ થઈ જાય છે અને જે પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય બનાવીને સાધના (ભજન,ધ્યાન, ભક્તિ, સત્સંગ)માં લાગી પણ જાય છે; પરંતુ હાલ તેની ભોગોની વાસના સર્વથા દૂર નથી થઈ. તે દેહાવસાન થતાં સાધનાથી વિચલિત થાય છે, ત્યારે યોગભ્રષ્ટ થાય છે અને સ્વર્ગ વગેરે લોકમાં બહુ જ વર્ષો સુધી રહીને પવિત્ર શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે. આવા યોગભ્રષ્ટની વાત પૂર્વ શ્લોકમાં બતાવી દીધી. હવે બીજો સાધક-જેના અંતરમાં વાસના નથી, તીવ્ર વૈરાગ્ય છે અને જે પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય રાખીને તેજ ગતિથી સાધનામાં લાગેલો છે; પરંતુ હજુ પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ. તે કોઈ વિશેષ કારણથી યોગભ્રષ્ટ થાય અથવા આયુષ્ય પૂરું થઈ જાય તો તેને સ્વર્ગમાં વિલંબ માટે નથી જવું પડતું. તે સીધો જ યોગીઓના કુળમાં જન્મ લે છે. જે આ શ્લોકમાં બતાવે છે. પેલા કરતાં આ ઊંચી સ્થિતિએ પહોંચી માર્ગ ચૂકે છે. તેથી પેલો ‘शुचि श्रीमंत गेहे’ જન્મ લે છે, જ્યારે આ ‘धीमताम्‌ योगीनाम्‌ कुले’ જન્મ લે છે. જો કે યોગીઓ સંસારી નથી હોઈ શકતા કે જેને ઘેરે પુત્ર જન્મે; પરંતુ જન્મ પવિત્ર માબાપને ઘેર થયો હોય પણ જ્યારે વિવેક ઉદય થતાં યોગીઓની પરંપરામાં, શિષ્ય પરંપરામાં આવી જાય છે અને પોતાની સાધના જલદી પૂરી કરી લે છે. અહીં પેલામાં ‘शुचि’ ગૃહનું વિશેષણ લગાડવાનું તાત્પર્ય એ છે કે તેની પવિત્ર ખાનદાનીથી તેનામાં ઉપદેશગ્રાહકતા તુરત આવી રહી છે. જ્યારે આ સાધકને ‘धीमतां’ને કુલનું વિશેષણ લગાડવાનું તાત્પર્ય એ છે કે આને સાધના શીખવા જવાની પરાધીનતા પણ નથી. તે સાધના કરતો જાય અને બીજા સાધકોને માર્ગદર્શન-ઉપદેશ કરવા પણ સક્ષમ હોય છે. એ તેની પેલા કરતાં વિશેષતા છે. તેથી જણાવે છે કે આવો યોગ ઘણો જ દુર્લભ હોય છે.

ભગવાન કહે છે તે જે વાત યોગભ્રષ્ટની પૂછી હતી, તે વાત તો મેં કહી દીધી; પરંતુ જે વિરક્ત-નિર્વાસનિક થઈને સાધનામાં લાગેલો છે, તેને પણ કોઈ કારણસર અધૂરી સાધના રહી ને તેનું જીવિત પૂરું થઈ જાય અને તે યોગભ્રષ્ટ થાય તો તેની ગતિને હવે હું કહું છું.

योगीनां कुले भवति धीमताम्‌ જેઓ પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરી ચૂકયા છે અને જેઓની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે એવા તત્ત્વજ્ઞ બુદ્ધિમાન યોગીઓના કુળમાં (સમૂહ)માં વૈરાગી યોગભ્રષ્ટનો યોગ કરાવી દઉં છું. ‘शुचीनां श्रीमतां गेहे’ એ પવિત્ર બીજને બતાવે છે. જ્યારે ‘धीमतां योगिनां कुले’ પવિત્ર સિદ્ધાંત ધારણ કરી રાખવાની પરંપરાને વધારે મહત્ત્વની બતાવે છે, કે ‘नास्याब्रह्मवित्‌ कुले भवति’ (મું.ઉ. ૩/૨/૯) તે કુળનો માહોલ એવો હોય છે કે, પવિત્ર સાંનિધ્ય અને પવિત્ર માહોલને ઝીલતાં ઝીલતાં જ તે પરમાત્માના રહસ્ય તત્ત્વને જાણનારો બની જાય છે. સત્સંગનો એક દિવસ એવો પ્રતાપ હતો કે મશાલ ઝાલનારા વાળંદ પણ પ્રતિપક્ષી વિદ્વાનોના ઉપનિષદના પ્રશ્નોના જવાબ આપી દેતા હતા.

આ પ્રકારનો યોગીઓના કુળમાં જન્મ થવો એ આ લોકમાં બહુ જ દુર્લભ છે. તાત્પર્ય એમ છે કે શુદ્ધ સાત્ત્વિક રાજાઓના, ધનવાનોના અને પ્રસિદ્ધ ગુણવાનોના ઘરમાં જન્મ થવો એ પણ દુર્લભ માનવામાં આવે છે. પૂર્વના પુણ્યનું ફળ માનવામાં આવે છે તો પછી તત્ત્વજ્ઞ એકાંતિક મહાપુરુષોની મંડળીમાં નિવાસ થવો તે તો દુર્લભતર-બહુ જ દુર્લભ છે. મુક્તાનંદ સ્વામી તેની દુર્લભતા બતાવતાં કહે છે કે,

ધન્ય ધન્ય સો જન્મ, શોધી સત્સંગતિ આયો,

તીરથ વ્રત જપ જોગી, સબનકો ફળ સો પાયો.

કિયો વચનમેં વાસ, ભયો તેહિ બેહદ વાસા,

હરિ હરિજન રસરૂપ, રહત તહાં પ્રગટ પ્રકાશા.

જેહિ મન વચન પર વેદ કહે, તેહિ સુખમે સંતત રહે,

જન મુકુંદ સો સત્સંગ કો, મહિમા કો મુખસે કહે.

એવો મહિમા બતાવ્યો. કારણ કે સાચા યોગીઓની આસપાસ સ્વાભાવિક જ પારમાર્થિક વાયુમંડળ રહે છે. ત્યાં સાંસારિક ભોગોની ચર્ચા જ નથી થતી. આથી તે વાતાવરણના સ્પર્શથી, નિવાસથી સહજપણે સાધનામાં લાગી જવું બહુ જ સુગમ થઈ જાય છે અને તે બચપણથી જ પારમાર્થિક સાધનામાં લાગી જાય છે. તેથી એવા યોગીના કુળમાં જન્મ (નિવાસ) લેવો દુર્લભતર બતાવ્યો છે. નારદજીએ પણ પોતાના ભક્તિસૂત્રોમાં બતાવ્યું છે કે, महत्त्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्च અર્થાત્‌ મહાપુરુષોનો સંગ દુર્લભ છે. અગમ્ય અને અમોધ છે. કારણ કે એક તો એનો સંગ મળવો દુર્લભ કહ્યો છે અને મળી પણ જાય તો તે મહાપુરુષોની ઓળખાણ દુર્લભ છે પણ તેનો સંગ કોઈપણ રીતે મળી જાય તો તે નિષ્ફળ નથી જતો.

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम्‌।

यतते च ततो भूय: संसिद्धौ कुरुनन्दन ।।४३।।

અર્થઃ હે કુરુનંદન ! આ જન્મમાં તેને પૂર્વજન્મની બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે.

અર્થઃ હે કુરુનંદન ! આ જન્મમાં તેને પૂર્વજન્મની બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે.

આવી રીતે એકાંતિક પુરુષોની મંડળીમાં વાસ પ્રાપ્ત થયા પછી તે નિર્વાસનિક સાધકની સ્થિતિ શી હોય છે ! તે બતાવવા માટે શ્લોકમાં तत्र શબ્દ લખ્યો છે. पौर्वदैहिकम्‌ અને बुद्धिसंयोगम्‌ શબ્દોનું તાત્પર્ય એ છે કે સંસારથી વિરક્ત તે સાધકને સ્વર્ગ વગેરે લોકમાં નથી જવું પડતું. તેનો તો સીધો યોગીઓના કુળમાં જન્મ થાય છે. ત્યાં તેને અનાયાસે જ પૂર્વજન્મની સાધના સામગ્રી મળી જાય છે. પૂર્વજન્મમાં કરેલ સાધનાના જે સંસ્કારો તેના ચિત્તમાં ઊઠેલા પડ્યા છે તેને અહીં ‘बुद्धिसंयोगम्‌’ શબ્દથી કહ્યા છે. જેવી રીતે કોઈ આખો દિવસ મહેનત કરીને થાકીને ઘેર આવ્યો હોય અને કોઈને પત્ર લખવા બેસે થાક અને ઊઘં આવવાથી પત્ર અધૂરો મૂકીને લાઈટ બુઝાવીને સૂઈ જાય. પછી પત્ર અગત્યનો હોય તો સવારમાં ઊઠતાની સાથે જ લખવો જરૂરી હોય તો જ્યારે લખવા બેસે ત્યારે જ્યાંથી અધૂરો હોય ત્યાંથી જ શરૂઆત કરવાની રહેશે પણ પ્રથમથી શરૂઆત કરવાની જરૂર નહિ રહે. બીજું દૃષ્ટાંત છે. જેવી રીતે કોઈ મુસાફરી વેળા રસ્તે ચાલતાં ચાલતાં થાકી ગયો, નિદ્રા આવવા લાગી ને ત્યાં જ કિનારા પાસે બાજુમાં સૂઈ ગયો. હવે તે જ્યારે સૂઈને ઊઠશે ત્યારે એટલો રસ્તો તેનો પસાર કરેલો જ રહેશે. એવી જ રીતે પૂર્વ જન્મમાં તેનું જેટલું સાધન થઈ ચૂકયું છે અને જેટલા સારા સંસ્કારો પડી ચૂકયા છે, તે બધા જ સાધકના આ જન્મમાં પ્રાપ્ત થઈ જાય છે કે તુરત જાગ્રત થઈ જાય છે.

એક તો ત્યાં તેને પૂર્વજન્મકૃત બુદ્ધિ સંયોગ મળી જાય છે અને ત્યાંનો સંગ-વાતાવરણ સારું હોવાથી સાધના કરવાની તેને સારી વધારાની વાતો મળી જાય છે. સાધનાના ઉપાયો મળી જાય છે અને જે જે નવા ઉપાયો મળે છે, તેમાં તેનો ઉત્સાહ ઘણો વધી જાય છે. આ રીતે તે સિદ્ધિને માટે વિશેષ તત્પર થઈને પ્રયત્ન કરે છે.

જો આ શ્લોકમાં અર્થ એવો લેવામાં આવે કે તે યોગભ્રષ્ટ પ્રથમ સ્વર્ગમાં જાય છે ને પછી યોગીઓના કુળમાં જન્મે છે તો તે બંધ નહિ બેસે. કારણ કે पौर्वदैहिकं बुद्धिसंयोगम्‌ તેને સાધનાનો મળે છે, તે બંધ નહિ બેસે. સ્વર્ગમાં તો સાધનાનો અભ્યાસ નહિ રહે અને તેને માટે પૂર્વ દેહ તે થઈ જાશે. માટે નિર્વાસનિક સાધક તો સ્વર્ગાદિક ગયા વિના સીધો જ એવા દેહને પામે છે. એવો અર્થ લેવો વધારે બંધ બેસતો ગણાશે.

पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि स:।

जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते।।४४।।

અર્થઃ તે જ પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને ઓળંગી જાય છે.

पूर्वाभ्यासेन तेनैव…યોગીઓના કુળમાં જન્મ લેવાવાળા યોગભ્રષ્ટને જેવી સાધનાની સુવિધા મળે છે, જેવો માહોલ મળે છે, જેવો સંગ મળે છે ને જેવું શિક્ષણ મળે છે; તેવાં સાધનોની સુવિધા, માહોલ, સંગ, શિક્ષણ વગેરે શ્રીમંતોને ઘેર જન્મ લેવાવાળાને નથી મળતાં. ત્યાં એટલું છે કે વાતાવરણની પવિત્રતા હોવાથી સાધકની જે પરમાત્મા પ્રત્યેની, સાધના પ્રત્યેની કે આત્મકલ્યાણ પ્રત્યેની આસ્થા છે તેને તેઓ તોડી નથી નાખતા ને આસ્થાને અખંડિત રહેવા દે છે. તેથી પહેલા જન્મમાં જેટલું કાંઈ સાધન કર્યું છે, સાંસારિક ભોગો પ્રત્યે વૈરાગ્ય કેળવ્યો છે અને અંતઃકરણમાં જે સારા સંસ્કારો પાડ્યા છે, તે સંસ્કારોને કારણે જ ભોગોની બહુલતા હોવા છતાં અને ભોગોમાં થોડું ચિત્ત ખેંચાતું હોવા છતાં પણ પરમાત્મા તરફ એકવાર તો જબરજસ્તીથી ખેંચાઈ આવે છે.

‘अवशोऽपि’ કહેવાનું તાત્પર્ય એ છે કે તેણે સ્વર્ગ તથા શ્રીમંતાઈને યોગે કરીને ભોગોની બહુલતા કે થોડી કાંઈક આસક્તિ હોવા છતાં પણ પૂર્વના સંસ્કારોથી જબરજસ્તીથી તે સાધના તરફ ખેંચાઈ આવે છે. કારણ કે અહીં ભોગવાસનાની પ્રબળતા અને સાધનાના સંસ્કારોની પ્રબળતા બન્નેનો સઘંર્ષ તો જરૂર છે અને ભોગવાસનાનું સામ્રાજ્ય હોવા છતાં પણ તે ‘અસત્‌’ છે, ખોટું છે ને અપારમાર્થિક છે. જ્યારે સાધકની સાધના છે તે સાધારણ હોય તો પણ ‘સત્‌’ છે તેને ભગવાનનો સંબંધ છે તેથી અલ્પ પ્રમાણ હોય તો પણ પેલા મોટા સમૂહ સામે ટક્કર લે છે ને તેની ઉપર ઊઠવા સમર્થ બને છે. તેથી યોગભ્રષ્ટ સાધક થોડો જ પ્રયત્ન કરે તો તુરત પરમાત્મામાં જોડાઈ જાય છે ને યોગસિદ્ધિ-અર્થાત્‌ પરમાત્માની પ્રાપ્તિની અનુભૂતિને પામે છે.

जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते આ વિષયમાં અર્જુનનો પ્રશ્ન હતો કે સાધનામાં લાગેલો શિથિલ પ્રયત્નવાળો સાધક અંત સમયે યોગથી વિચલિત થઈ જાય છે, તો તે યોગની સંસિદ્ધિને ન પ્રાપ્ત થઈને કઈ ગતિને પામે છે ? અર્થાત્‌ તેનું કાંઈક પતન તો નથી થઈ જતું ને ? એના ઉત્તરમાં ભગવાને આ લોકમાં અને પરલોકમાં યોગભ્રષ્ટનું પતન ન થવાની વાત આ શ્લોકના પૂર્વાર્ધ સુધી કહી છે. આ શ્લોકના ઉતરાર્ધમાં નિષ્કામ સેવાયોગમાં લાગેલા યોગીનો વાસ્તવિક મહિમા કહેવાને માટે યોગના જિજ્ઞાસુનો મહિમા કહે છે.

જ્યારે યોગનો જિજ્ઞાસુ પણ વેદોમાં કહેલાં સકામ કર્મો અને તેમનાં ફળોનું અતિક્રમણ કરી જાય છે અર્થાત્‌ તેઓનાથી પર થઈ જાય છે. પછી યોગભ્રષ્ટને માટે તો કહેવું જ શું ? અર્થાત્‌ તેના પતનની કોઈ શંકા જ નથી. તે યોગમાં પ્રવૃત્ત થઈ ચૂકયો છે. એકવાર ભગવાન કે ભગવાનના ભક્તની નિષ્કામ સેવા કરી ચૂકયો છે, તેનો તો અવશ્ય ઉદ્ધાર થશે જ.

અહીં ‘जिज्ञासुरपि योगस्य’ પદનો અર્થ એ થાય છે કે હજુ જે યોગભ્રષ્ટ પણ નથી થયો અને યોગમાં પ્રવૃત્ત પણ નથી થયો; પરંતુ જે નિષ્કામ સેવાયોગની સ્થિતિ ને મહત્તા જેની બુદ્ધિમાં અંકિત થઈ ગઈ છે તેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે-એવો યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મને અતિક્રમણ કરી જાય છે. અહીં વેદોમાં જે પરમાત્માની ઉપાસના કે તેની સાધન સામગ્રી કહી છે, તેના સિવાય સકામ કર્મભાગનું અને તેના ફળ-પ્રાપ્ત થતાં એવા પ્રકૃતિના ભાગનું કહેવાનું તાત્પર્ય છે. તેને યોગનો જિજ્ઞાસુ પણ અતિક્રમણ કરી જાય છે. નિષ્કામ સેવાયોગનો જિજ્ઞાસુ જે છે તે (પોતાના) ભોગ અને સંગ્રહને બીજા સાધારણ લોકો જેમ મહત્ત્વ આપે છે તેમ મહત્ત્વ નથી આપતો; પરંતુ તેમની ઉપેક્ષા કરીને નિષ્કામ સેવાયોગને અધિક મહત્ત્વ (ભગવાનને પામવાના સાધનરૂપે) આપે છે. તેની ભોગ અને સંગ્રહની રુચિ હજુ દૂર થઈ ગઈ નથી પણ સિદ્ધાંતનું મહત્ત્વ સમજીને તેણે તે સિદ્ધાંતને માનસિક રીતે સ્વીકારી લઈને, કરવા માટે કટિબદ્ધ થઈ ગયો છે. એટલા માટે તે યોગારૂઢ તો નથી થયો; પરંતુ નિષ્કામયોગ-સેવાનો જિજ્ઞાસુ છે ને નિષ્કામ સેવાયોગને (નિષ્કામ સેવાયોગની સ્થિતિ) પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે જિજ્ઞાસામાત્રનું એ માહાત્મ્ય છે કે, તે વેદોમાં કહેલાં સકામ કર્મોથી અને તેમનાં ફળોથી પર થઈ જાય છે. અર્થાત્‌ તે ભોગ કે લોકમાં તેની મનોવૃત્તિ કયાંય અટકતી નથી, ક્યાંય ફસાતી નથી, કયાંય રુચિ થતી નથી. આથી એ સિદ્ધ થયું કે જે સાધક અહીંના ભોગોની અને સંગ્રહની રુચિ સર્વથા દૂર ન કરી શક્યો અને તત્પરતાથી યોગમાં પણ ન લાગી શકાયું તો પણ તેની પ્રબળ ઈચ્છા કરી હતી, તેનો આવો મહિમા છે. તો યોગને માર્ગે ચાલેલો હોય તેનો મહિમા હોય તેમાં તો શું કહેવું ? તે વાત ભગવાને બીજા અધ્યાયના ચાલીસમા શ્લોકમાં પણ બતાવી છે કે ‘नेहातिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते… (૨/૪૦) તેના કરાયેલા આરંભનો કયારેય નાશ થતો નથી અને તેની વિપરીત અસર થતી નથી અને થોડું પણ જો તેનું આચરણ કરાયું હોય તો મહાન ભયથી (જન્મ-મરણભયથી) રક્ષા કરી લે છે અર્થાત્‌ કલ્યાણ કરી દે છે. તો પછી જે એકવાર સારી રીતે આવા યોગનું અનુષ્ઠાન કરી લે, તેનું પતન કેમ થઈ શકે ?

આમ ‘યોગભષ્ટ’ નામાભિધાન બહુ જ વિશેષતાવાળા સાધકનું નામ છે. કેવી રીતે? તો ‘मनुष्याणां सहस्त्रेषु… (૭/૩/) હજારો મનુષ્ય ભેળા કરો, હજાર નહીં, હજારો ભેળા કરો ત્યારે કોઈક એક, એ પણ એક મળી જ જાય એવું નહિ. કોઈક એક સાચો પ્રયત્ન કરનારો અથવા સાચા ઉદ્દેશ્યને પકડીને ચાલનારો મળે છે. તેવા પાછા હજારો ભેળા કરો તેમાંથી કોઈક એક મારી પાસે પહોંચે છે. ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરનારો જ ‘યોગભ્રષ્ટ’ કહેવાય બાકી આ લોકના ભોગસંગ્રહમાં કેટલાય ચાલીને પાછા ગોથાં ખાતા હોય છે. તે કોઈ યોગભ્રષ્ટ કહેવરાવાને યોગ્ય નથી બનતા.

આ ‘યોગભ્રષ્ટ’નો મહિમા યોગને માર્ગે ચાલવાનો છે, નહિ કે ભ્રષ્ટ થવાનો. યોગનો જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મનું અતિક્રમણ કરી જાય છે અર્થાત્‌ ભોગપ્રધાન લોકોને માટે ઊંચામાં ઊંચા બ્રહ્મલોક વગેરે લોકથી પણ તેને અરુચિ થઈ જાય છે. તેમના ભોગ-વૈભવમાં કયાંય ચિત્ત ખેંચાતું નથી. આ જ અતિક્રમણ છે; કારણ કે બ્રહ્મલોક વગેરે પુનરાવર્તનવાળા છે. જ્યારે નિષ્કામ સેવાયોગનો કરનારો અપુનરાવર્તનને ઈચ્છે છે માટે જિજ્ઞાસામાત્રનો-ધ્યેય બાંધવા માત્રનો આવો પ્રભાવ છે. જે બીજા લોકથી દૃષ્ટિ ઉતરી જાય છે. એ યોગના માર્ગનો મહિમા છે. તેમાંથી ભ્રષ્ટ થઈને ભોગમાં મન મોકળું મૂકીને કૂદી પડનારાઓનો નથી. એવી રીતે ભોગોમાં કૂદી પડનારા યોગભ્રષ્ટો હોતા પણ નથી. તેઓ ભોગભ્રષ્ટો જ હોય છે. તેઓની અભરખા ભોગભૂખ પૂરી કરવી, આ જગતનો કોઈ પણ ભોગ બોટયા વિના (ચાખ્યા વિનાનો) રહી ન જવો જોઈએ. પછી પરલોકમાં જે થવાનું હશે તે થઈ રહેશે, તે ત્યાં જોઈ લઈશું. આ વખતે આવો (ભોગ ભોગવવાનો) મોકો મળ્યો છે તે હવે જવા કેમ દેવાય? એવી મનોવૃત્તિવાળાનો આ મહિમા ભગવાને કહ્યો નથી. નિષ્કામ સેવાયોગને માર્ગે ચાલતા પહેલાં જ ભોગ, સંગ્રહ, માન બડાઈને નેસ્ત-નાબૂદ કરવાનો જેના જીવમાંથી બુલંદ અવાજ ઊઠે છે તે જ આ માર્ગે ચાલી શકે છે. જેના ઉદ્દેશ્યમાંથી જ એ વસ્તુ નીકળી જાય છે.

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.

એવો માર્ગ છે. મુક્તાનંદ સ્વામીએ પણ બતાવ્યું છે કે ‘મસ્તક ધડામાં જે જન મેલશે…’ માટે એ જ યોગભ્રષ્ટની કક્ષામાં આવી શકે છે. વાસ્તવમાં મોટાઈ કે મહત્ત્વ એનું જ છે, જેનો ઉદ્દેશ્ય કહો કે મૌન ઈરાદો કહો તે કેટલો વિશુદ્ધ અને પ્રામાણિક છે તેનો છે. ભગવાન સાધકોને પ્રોત્સાહિત કરવા માટે, ભગવાનને ભગવાનના ભક્તની નિષ્કામ સેવા કરનારાને અને ભગવાનને પામવાના શુદ્ધ ઈરાદા કરનારાને પ્રોત્સાહન આપવા એવડી મોટી વાત કીધી છે કે કોઈ શુદ્ધ મનથી ઉપરની વાતને કોઈ પોતાના અંતરનો ઈરાદો જ બનાવી લે, તો તેઓ શબ્દબ્રહ્મ-પ્રકૃતિના સામાજ્યનું અતિક્રમણ કરી જાય છે !

બીજું તાત્પર્ય એ છે કે સાધક ગમે તેવો નાનો કે મોટો, નવો કે જૂનો ગમે તેવો હોય; પરંતુ તેનો ઉદ્દેશ્ય કે આંતર ઈરાદો અતિ ઊંચો, વિશુદ્ધ અને નિષ્કામ હોવો જોઈએ. જેટલો તેનો ઈરાદો વિશુદ્ધ હશે, તેટલો જ તે તેજ અને પ્રબળગતિથી ચાલનારો હોય છે. તેટલી જ તેના ધ્યેયની સિદ્ધિ જલ્દી થઈ જાય છે. ભગવાનનો સ્વભાવ છે કે તેઓ એ નથી જોતા કે સાધક શું કરે છે ? સાધક સાધના કરતાં કરતાં કેટલે પહોંચ્યો છે ? જો અર્ધો કે તેથી વધારે રસ્તો કાપ્યો હોય તો પછી તેની મદદ કરવા જાઉં. શરૂઆત હોય તો કાંઈ નહિ. એવું બધું નથી જોતા પણ ભગવાન એ જ તાકીને જુએ છે કે સાધક ઈચ્છે છે શું ? એનો અંદરનો ઈરાદો શું છે ? અને કેટલો વિશુદ્ધ છે ? એ જો ભગવાનને દેખાઈ જાય તો ભગવાન એથી વધારે ઝાઝું માગતા નથી. જગત આગળ સાબિત કરી દેવાની પણ ઝાઝી જરૂરત નથી. જગતની પાસે પણ સાબિત કરી દેવાની તો ત્યારે જ આપણને જરૂર પડે છે કે, જગત પાસેથી પણ કાંઈક જોઈએ છે, માટે તે પણ કરવું પડે છે.

प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिष:।

अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्‌।।४५।।

અર્થઃ કાળજીથી યત્ન કરતાં પાપરહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે.

प्रयत्नात्‌ यतमानस्तु….પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરના        રો, કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે તેના અંતરમાં પરમાત્મા તરફ ચાલવાનો વેગ લાગી ગયો હોય છે. (વચ.ગ.અં. ૩૯) તે વેગ દિન પ્રતિદિન વધતો જ રહેતો હોય છે. સાધનામાં નિરંતર તેની સજાગતા રહે છે. ‘तु’ કહેવા પાછળ પણ એ જ તાત્પર્ય છે કે યોગનો જિજ્ઞાસુ પણ વેદોક્ત સકામ કર્મોનું અને તેના ફળરૂપ ભોગોનું અતિક્રમણ કરી જાય છે, તો જે નિષ્કામભાવથી યોગમાં લાગેલો છે, તે ભોગોથી ઉપર ઊઠે તેમાં શું કહેવું ? માટે શ્રીમંતોના ઘેર જન્મ લેનાર યોગભ્રષ્ટ પણ પૂર્વ અભ્યાસને કારણે પરમાત્મા તરફ ખેંચાય છે. જો કે તેને વર્તમાનના ભોગો તરફ પણ થોડું થોડું ખેંચાણ રહે છે. કારણ કે યોગના માર્ગથી ચલિત થવાનું કારણ પણ ભોગોના રાગ જ હતા. તો પણ જો સાધક થોડો જાગ્રત થઈને યત્ન કરે, અંતરમાં પરમાત્માની આરાધનાનું મહત્ત્વ સમજી પ્રયત્ન કરે તો ‘संशुद्धकिल्बिष’ બની જાય છે. વેગથી સાધનમાં લાગેલો જાગ્રત સાધક એકવાર ફટકો ખાતાં વધારે સાવધાન થઈને કેડ કસે છે. જેમ ભરતજી મહારાજને છેલ્લા જન્મમાં જે સાવધાની હતી તે પ્રથમ જન્મમાં ન હતી. તેનું કારણ તેને લાગેલા ફટકાનું દર્દ છે. જો સાધકને અસાવધાની કે બેપરવાઈનું દર્દ સાલતું નથી, તો તે યોગભ્રષ્ટ નથી. થોડા જ પ્રયત્નથી તે સાધકના સમગ્ર किल्बिष: નાશ થઈ ગયા છે. અર્થાત્‌ પરમાત્મા પ્રત્યેની લગનથી તેના હૈયામાં ભોગ, સંગ્રહ, માન, બડાઈ વગેરેની ઈચ્છા દૂર થઈ ગઈ છે. અનેક જન્મથી સંસિદ્ધ થયેલો આવો સાધક પરમાત્માની ગતિને પામે છે અર્થાત્‌ છેલ્લો જન્મ કરીને પરમાત્મા પાસે પહોંચી જાય છે. અનેક જન્મનો અર્થ હજુ અનેક જન્મ લેશે એવો ન કરવો. न एक: इति अनेक:। એક નહિ તે અર્થાત્‌ એકથી વધારે જન્મો. એકથી વધારે તો એ સાધકને થઈ જ ગયા છે. વળી संसिद्ध: પદમાં ભૂતકૃદંતનો પ્રયોગ થયો છે અર્થાત્‌ પૂર્વના અનેક જન્મોથી એ સંસિદ્ધ થઈ ગયો છે અને હવે આ જન્મ તો તેનો ભગવાન પાસે સીધો જ જવા માટે છે. ‘परां गतिं’ ને પ્રાપ્ત કરી લે છે. જેનાથી આગળ સ્થિતિ કે ગતિ પ્રાપ્ત કરવાની તેને બાકી નથી રહેતી. તેવી સ્થિતિ અને તે પ્રાપ્તિને તે પ્રાપ્ત કરી લે છે.

વાસ્તવમાં તો મનુષ્ય જન્મ જ અનેક જન્મને અંતે આવ્યો છે. વળી દેવતા તથા નરકમાં પુણ્ય પાપ ભોગવી-ખલાસ કરીને હવે કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાના બાકી હતા. તે માટે જ આ જન્મમાં આવ્યા છે; કારણ કે આ અંતિમ જન્મ-મનુષ્ય જન્મ ભગવાને કેવળ પોતાના આત્મકલ્યાણ કરવાને માટે જ આપ્યો છે.

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिक:।

कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ।।४६।।

અર્થઃ આ યોગી તપસ્વીઓ કરતાં અધિક, જ્ઞાનીઓથી પણ અધિક અને કર્મયોગીઓથી પણ અધિક મનાયો છે; માટે હે અર્જુન ! તું યોગી થા.

तपस्विभ्योऽधिको योगी- રિદ્ધિ-સિદ્ધિ વગેરેને મેળવવા માટે જે ભૂખતરસ, શરદી ગરમી કે કોઈપણ અગવડતાની ટેક લઈ બેસે છે. દેહને કૃશ કરે છે, તેને અહીં તપ કહ્યું છે. જો કે નિષ્કામ સેવાયોગમાં તપ, જ્ઞાન અને કર્મ સહજપણે અંતર્ભાવિત છે તથા તુલનાત્મક લીધા છે. માટે એક બીજાના અંશોથી રહિત કેવળ તપ કેવળ જ્ઞાન આદિક અર્થો લઈને તુલના કરવાની છે. આ રીતે સાધનાના પુરુષાર્થની અર્થાત્‌ પરિણામની તુલનાની દૃષ્ટિએ ભગવાન બતાવી રહ્યા છે કે, કેવળ તપના આધારે જે પુરુષાર્થ કરે છે તે સાધકનો પુરુષાર્થ કેવળ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગના પુરુષાર્થને આંબી શકતો નથી. ભલે તુલ્ય પુરુષાર્થ કરે છે તો પણ આ ધ્યેયનિષ્ઠ પુરુષાર્થ જેટલો, તપના માધ્યમનો પુરુષાર્થ કલ્યાણના માર્ગનું ફળ આપી શકતો નથી.

ज्ञानिभ्योऽपि मतोऽधिक: શાસ્ત્રોના અર્થને જાણવાવાળા, ભણેલા-ગણેલા વિદ્વાનોને અહીં જ્ઞાની સમજવા જોઈએ. જેઓ શાસ્ત્રોનું વિવેચન કરે છે અને જ્ઞાનયોગ શું છે ? કર્મયોગ શું છે ? ભક્તિયોગ શું છે ? તેનું સપ્રમાણ પૃથ્થકરણ અને સમાલોચન કરે છે. તુલનાઓ કરે છે અને બીજાના હૃદયમાં તેનો પ્રકાશ પાડી દે છે, સમજાવી દે છે પણ પોતે ચાલતા નથી;પરંતુ જેનો ઉદ્દેશ્ય ભોગ અને ઐશ્ચર્ય છે, એવા સકામ શબ્દજ્ઞાનીઓથી યોગીને ભગવાન કહે છે, હું શ્રેષ્ઠ માનું છું.

कर्मिभ्यश्चाधिको योगी આ લોકમાં રાજ્ય, ધનસંપત્તિ, સુખ, આરામ, ભોગ મળી જાય અથવા મર્યા પછી મળી જાય કે ઊંચા લોકની પ્રાપ્તિ થઈ જાય, એવો ઉદ્દેશ્ય રાખીને વૈદિક કર્મો, યજ્ઞ, દાન, તીર્થ વગેરે શાસ્ત્રીય કર્મો કરનારાને અહીં કર્મી બતાવ્યા છે. તેનાથી યોગી શ્રેષ્ઠ છે.

જે સંસારથી વિમુખ થઈને પરમાત્માને પામવાનો જેણે ઉદ્દેશ્ય બનાવી લીધો છે તે જ વાસ્તવમાં યોગી છે. તપ કરતાં જ્ઞાન જરૂર શ્રેષ્ઠ છે. જો તે પરમાત્મા પામવાની જિજ્ઞાસા જગાવે તો સહજપણે જ તપ કરતાં જ્ઞાનમાં પરમાત્માની જિજ્ઞાસા જગાવવાની તાકાત વધારે છે તો પણ નિષ્કામ સેવાયોગ જેવી ભગવાનની ભૂખ જગાડી શકે છે, તેવી નહિ અને જ્ઞાન કરતાં પણ કર્માનુષ્ઠાન સહિતનું જ્ઞાન તેની પરમાત્માને પામવાની ભૂખને વધારે સતેજ કરી શકે છે, તો પણ નિષ્કામ સેવાયોગ જેટલી નહિ. તેથી ભગવાન અહીં અર્જુનને કહે છે, હે અર્જુન ! તું નિષ્કામ કર્મયોગી બની જા.

તપસ્વી, જ્ઞાની અને કર્મી-આ ત્રણેના ઝોક અલગ અલગ હોય છે. તપસ્વીઓમાં સહિષ્ણુતાનું, જ્ઞાનીઓમાં શાસ્ત્રના તાત્પર્યને પકડવાનું (બૌદ્ધિકપણે) અને કર્મીઓમાં શાસ્ત્રીય ક્રિયાઓના અનુષ્ઠાનનું પ્રાધાન્ય હોય છે.જ્યારે નિષ્કામ કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીમાં ધ્યેયનું પ્રાધાન્ય હોય છે. તેથી તેણે પરમાત્માને ધ્યેયકેન્દ્રમાં બેસાર્યા હોવાથી તે પુરુષાર્થ જે ફળ આપી શકે છે, તેટલો બીજા પુરુષાર્થો ફળ આપી શકતા નથી. કોઈને એમ શંકા થાય કે કોઈ તપસ્વી, જ્ઞાની કે કર્મી-પરમાત્માને ધ્યેયકેન્દ્રમાં રાખીને નિષ્કામભાવે પુરુષાર્થ કરે તો ? હા, તો જરૂર તે યોગી તુલ્ય ફળ આપે પણ આ જ તો તફાવત છે. જો તે તેમ કરે તો તે તપસ્વી કે બીજો કોઈ નહિ રહે, તે પણ નિષ્કામ કર્મયોગી બની જશે. એટલી જ તેની બીજાથી વિલક્ષણતા છે.

तस्मात्‌ योगी भवार्जुन અત્યાર સુધી ભગવાને જે પુરુષાર્થનો મહિમા કહ્યો છે, તેને માટે ભગવાન અર્જુનને આજ્ઞા આપી દે છે કે, હે અર્જુન ! તું યોગી થઈ જા. રાગદ્વેષથી રહિત થઈ જા. બધાં કામો સતર્કતાથી કરતો રહીને પણ નિર્લિપ્ત થઈ જા. નિશ્ચિત ધ્યેય ને આરાધના કરનારો બની જા.

પાંચમા અધ્યાયના આરંભમાં (૫/૧) અર્જુને પ્રાર્થના કરી હતી કે આપ મારે માટે એક નિશ્ચિત શ્રેયની વાત કહો. આ અંગે ભગવાને સાંખ્યયોગ વગેરે અનેક વાતો તો બતાવી છે પણ કયાંય એવી આજ્ઞા નથી આપી કે ‘તું એવો બની જા અથવા આ માર્ગમાં લાગી જા.’ હવે ભગવાને અર્જુનની પ્રાર્થનાના ઉત્તરમાં આજ્ઞા આપી દીધી કે હે અર્જુન! તું યોગી (નિષ્કામ સેવાયોગી) બની જા; કારણ કે તારા માટે એ જ નિશ્ચિત શ્રેયનો માર્ગ મેં નક્કી કર્યો છે.

योगिनामपि सर्वेषां मद्‌गतेनान्तरात्मना।

श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मत:।।४७।।

અર્થઃ સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો, મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને જે ભજે છે, તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે.

योगिनामपि सर्वेषाम्‌… જેમનામાં જડતા સાથે સંબંધવિચ્છેદ કરવાનું પ્રાધાન્ય છે. તેઓ બધા આત્મયોગીઓ છે. જે ચાર ભેદથી આગળ (૨૯ થી ૩૨) બતાવ્યા, તે બધાથી આ શ્લોકમાં જેનું વર્ણન કરવાના છે તે પૂર્વે કહ્યા તેમના કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ છે. અહીં પંચમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ વપરાણી છે. નિર્ધારણંના અર્થમાં ષષ્ઠી નથી વપરાણી. તેથી ‘सर्वेभ्यो योगीभ्यो युक्ततमो’ એવો અર્થ લેવાનો છે. કારણ કે અહીં જે વર્ણવ્યો છે તે આત્મ સાધનાવાળો યોગી નથી પણ પરમાત્મ સાધનાવાળો યોગી હવે (મધ્યમ ષટક) કહેવામાં આવશે. જો કે પૂર્વેના વિવેચનમાં જે ‘નિષ્કામ સેવાયોગી’ વચનામૃત આદિ ગ્રંથોના અનુસંધાને બતાવ્યા છે તે આત્મસાધકની સાથે સાથે પરમાત્મસાધકતા મિલાવી લેવામાં આવી છે; છતાં ગીતા સ્વતંત્ર ગ્રંથના અનુસંધાનમાં અહીં પંચમીના અર્થે ષષ્ઠી વિભક્તિ વપરાણી છે. તેથી તે બધા યોગીઓ કરતાં આ શ્લોકમાં વર્ણવાયેલો યોગી વધુ શ્રેષ્ઠ છે. તે પરમાત્માનો ઉપાસક છે.

य: श्रद्धावान्‌ मद्‌गतेनान्तरात्मना मां भजते स मे युक्ततमो मत: શ્રદ્ધાનો અર્થ અહીં त्वरावान्‌ એવો લેવાનો છે. જેને મારી પ્રાપ્તિમાં ઉત્તેજના પ્રાપ્ત થઈ છે. ‘હવે ક્યારે હું એ પરમાત્મને પામું’ એવી અધીરાઈ જેને અનુભવાય છે, તેને અહીં શ્રદ્ધાવાન કહીને બતાવ્યો છે. ટૂંકમાં જેના અંતરમાં એક પરમાત્માની જ મોટાઈ અંક્તિ થઈ ગઈ છે. એવો સાધક પ્રથમ એમ માને છે કે, ‘હું પરમાત્માનો છું ને પરમાત્મા મારા છે હું મહારાજનો છું ને મહારાજ મારા છે’ એવી ભાવના કરવાથી અંતરની પ્રામાણિકતાથી ‘મારું’ માને તો ત્યાં ‘મમતા’ થાય છે. પછી આસક્તિ થાય છે. આ ભાવના જેમ જેમ મનન-નિદિધ્યાસ કરતો જાય, અનુષ્ઠાન કરતો જાય, તેમ વધુ વધુ દૃઢ થતી જાય અને સાકારિત થતી જાય છે. તેને હૃદયમાં સાક્ષાત્કાર અનુભવ થતો જાય તેમ તેમ તેને એવું પણ અનુભવાતું જાય કે ‘પરમાત્મા વિના મારું કોઈ નથી અને હું પણ પરમાત્મા સિવાય કોઈનો નથી.’ ‘મહારાજ સિવાય મારું કોઈ નથી અને હું પણ મહારાજ સિવાય કોઈનો નથી’ એ કક્ષાએ ભાવના પહોંચતાં પાકી બની જાય છે. પછી તેને મહારાજ અને તેના ભક્ત સિવાય મમતા દૂર થઈ જાય છે. તેની આ શ્રેષ્ઠ દશા છે. જેમ કન્યાના લગ્ન થયા પછી સાસરિયામાં તેને મમતા થતી જાય છે. પછી ધીરે ધીરે તેમાં નિમગ્ન થઈ જાય છે અને તેના મનમાંથી પિયર વગેરે નીસરી જાય છે અર્થાત્‌ તેના કરતાં વધુ આત્મીય લાગણી અહીં થઈ જાય છે. તેમ સાધકની મમતા ભગવાનમાં લાગી જાય છે. તે ભગવાનને પણ સૌથી વહાલો છે. તાત્પર્ય એ થયું કે આગળ બતાવેલા યોગીઓ અથવા નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં આ દિશામાં ચાલવાનું છે, ચલાવું જોઈએ. નિષ્કામ સેવા કરતાં કરતાં મહારાજમાં મમતા થતી જાય ને પ્રાકૃત પદાર્થો, વ્યક્તિઓ કે ભાવનાઓમાંથી આસક્તિ તૂટતી જાય, ત્યારે એનો રસ્તો સાચી દિશામાં છે એવું માની શકાય. તેથી ભગવાન અહીં બતાવે છે કે ‘मद्‌गतेन अन्तरात्मना’ અંતરની પ્રામાણિકતાથી આવું કરતો હોય અને કરતો રહે તે મને ખૂબ વહાલો છે. અહીં નાટ્‌યાત્મકતાની જરૂર નથી. અહીં તો પરમાત્માને બતાવવાનું છે. સમાજ દેખે અથવા ન દેખે તેની સાથે સંબંધ નથી.

જ્યારે युक्त બને છે ત્યારે તે કદાપિ યોગભ્રષ્ટ નથી થતો. કારણ કે તેનું મન ભગવાનને કયારેય છોડતું નથી, ત્યારે ભગવાન પણ તેને કયારેય છોડતા નથી. અંત સમયે પીડા, બેહોશી કે મૂછર વગેરેને કારણે ભગવાનને યાદ ન કરી શકે તો પણ ભગવાન તેને યાદ કરી લે છે.

ततस्तं म्रियमाणं तु काष्ठपाषाणसन्निभम्‌। अहं स्मरामि भद्‌भक्तं नयामि परमां गतिम्‌।

कफवातादिदोषेण मद्‌भक्तो न मां स्मरेत्‌। तस्य स्मराम्यहं नो चेत्‌ कृतघ्नो नास्ति

मत्पर: ભગવાન જેને યાદ કરી લે, તે યોગભ્રષ્ટ કેમ થઈ શકે ? ન જ થાય.

કર્મયોગી, જ્ઞાનયોગી વગેરે બધા જ યુક્ત છે અર્થાત્‌ બધા જ સંસારથી સંબંધ વિચ્છેદ કરીને, વિમુખ થઈને, ચેતનાની સન્મુખ છે. તેઓમાં પણ ભક્તિયોગી શ્રેષ્ઠ બતાવવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પણ સાધક સંસારના દુઃખથી ભલે છૂટ્યો પણ આત્મયોગમાં અટવાઈ ગયો છે ત્યાં સુધી ન્યૂન છે. જ્યાં સુધી પરમાત્માનો કિંકર કે પરમાત્માના અનન્ય ભક્તનો કિંકર નથી બનતો ત્યાં સુધી ગમે તેવો સમતાભાવને પામ્યો હોય કે બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તોય ન્યૂન છે તેમાં સૂક્ષ્મ અહંકાર રહે છે. જ્યારે ભક્ત-નિષ્કામ સેવાયોગી-પ્રથમથી જ, નાનો બનીને આગળ ચાલે છે.

तृणादपि सुनीचेन तरोरिव सहिष्णुना। अमानिना मानदेन कीर्तनीय: सदा हरि: (शिक्षाष्टक)એવો બન્યો ત્યારે જ નિષ્કામ સેવાયોગ નિભાવી શકાય છે. તેથી તેને ભગવાન શ્રેષ્ઠ બતાવે છે.

अस्पृष्टाशेषदोषानवधिकातिशय ज्ञानबल… असफयेय कल्याणगुणगणनिधिम्‌।

गुण विशेषणत्वे दोषसमानाधिकरण्याभावो विवक्षित: गुणि विशेषणत्वे दोषात्यन्ताभाव:।

શાંતિ, સ્વાધીનતા વગેરે તો આત્મયોગમાં રહ્યા જ છે તે ચિન્મય જરૂર છે ને ‘અખંડ’ પણ છે; પરંતુ ભક્તિરસ અખંડ અને ચિન્મય તો છે જ પણ તદુપરાંત ‘અનંત’ અને ‘પ્રતિક્ષણ વર્ધમાન’ પણ છે. અર્થાત્‌ સાચો ભક્તિરસ અથવા સાચો નિષ્કામ સેવારસ નિત્ય નવીનરૂપે ભાસે છે. તે કદાપિ ઘટતો નથી, દૂર થતો નથી અને કયારેય પૂરો પણ થતો નથી તે અનંત છે. એવા રસની ચાહના અને ભૂખ જ્યારે જાગે છે, ત્યારે તે ભક્તિરસ આવે છે. બીજા સારા સારા રસમાં જ્યારે જીવ અટવાય ન જાય ત્યારે જ એ રસ સાધકના હાથમાં આવે છે. તે રસ્તે ચલાય છે અન્યથા તે રસ્તે ચાલી શકાતું નથી. તેથી ભગવાન ભક્તને શ્રેષ્ઠ માને છે.

અહીં (પ્રથમ ષટ્‌કમાં) આવો ભાવ છે તે જાણવો જેને शीतोष्णादितितिक्षारुप समदु:खसुखता -એ अमृतत्वाय कल्पते (૨/૧૫) એમ પ્રથમ કહ્યું. તેથી કર્મબંધ પ્રહાણપૂર્વક અમૃતત્વરૂપ મહાફળના ઉપાયનો ઉપદેશ ગીતા કરે છે. આ જ સમદુઃખસુખતા ‘एषा तेऽभिहिता साफये’ (૨/૩૯) આમ સાંખ્યના ઉપદેશ પછી વિસ્તારથી કહી ‘बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यति’ (૨/૩૯) એ પ્રમાણે આ બુદ્ધિથી કર્મ-સંસારબંધ નિવર્તકપણું કહ્યું. આવી રીતનો બુદ્ધિયુક્ત થઈને યુદ્ધમાં જોડાઈ જા. (નિયત કર્મમાં જોડાઈ જા.) આવી યુક્તિ સહિત, આવી ભાવનાયુક્ત કર્માનુષ્ઠાન-અલ્પ હશે, તો પણ ‘त्रायते महतो भयात्‌’ મહાન ભયથી રક્ષણ કરે છે. એ પ્રમાણે સંસાર ભયથી રક્ષણ કરનારું બતાવ્યું. આવી રીતની વ્યવસાયાત્મિકા બુદ્ધિ-સિદ્ધિ અસિદ્ધિમાં સમતા રૂપ યોગ છે. એવું નિરૂપણ કરીને ‘बुद्धि युक्तो जहातीह उभे सुकृतदुष्कृते’ એવું વિવેચન-વિસ્તાર કર્યો. ‘योग: कर्मसु कौशलम्‌’ એવું વચન એ યોગ્ય છે. તે અતિ સામર્થ્યથી સાધ્ય થાય છે. તેથી કર્મોનું મોક્ષ આપવાનું સામર્થ્યરૂપ કુશળતા તે યોગનું વિશિષ્ટપણું કહ્યું છે. તેથી યોગ કહો કે કુશળતા કહો બન્નેને એકપણે સ્વીકાર્યું છે. આ બધું અર્જુનને પ્રોત્સાહિત કરવા અંગીસમાધિનું ફળ તેના સાધનમાં જ બતાવી દીધું છે. એ નિર્વિવાદ વાત છે.

હવે તે અંગી કોણ ? અથવા શું ? કર્મ અથવા આત્મજ્ઞાન, યોગ અથવા અધિકારી ભેદથી બન્ને ? અથવા તો બન્નેથી વિલક્ષણ ત્રીજું જ કાંઈક ? એવા વિવાદને અવસર મળે છે. एवं ज्ञात्वा विमोक्ष्यसे એમ કહીને કર્મમાં પણ જ્ઞાનાંશ રહ્યો છે. એમ કહીને ‘सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि (૪/૩૬) એમ કહીને પણ ‘संन्यास: कर्मयोगश्च निश्रेयसकरावुभौ (૫/૨) આ પ્રમાણે કહીને પ્રત્યેકને કલ્યાણકારી કહીને પણ કર્મયોગ પ્રશસ્ત છે,એવું કહ્યું. અહીં જે નિશ્રેયસત્વ કહ્યું તે સાક્ષાત્‌ મોક્ષ કહ્યો કે બીજું કાંઈ કહ્યું? જો મોક્ષ કહ્યો એમ કહીએ તો જ્ઞાનકર્મ તેના સાક્ષાત્‌ કારણ માનવા કે આગળ સમતા બુદ્ધિમાં અંગીફળ બતાવ્યું અર્થાત્‌ સાધનમાં સાધ્ય ફળ બતાવ્યું-એમ માનવું એવો વિચાર પ્રાપ્ત થાય છે. ત્યાં આ પ્રમાણે કહીએ છીએ-ઉપનિષદોમાં ‘नान्य: पन्था: अयनाय विद्यते’ એ પ્રમાણે જ્ઞાન સિવાયના ઉપાયોનો નિષેધ કર્યો છે. अविद्यया मृत्युर्तीर्त्वा विद्ययाऽमृतमश्नुते’ ‘कषाये कर्मभि: पक्वे ततो ज्ञानं प्रवर्तते’ इति એ પ્રમાણે કર્મ છે તે જ્ઞાનનું અંગ છે એમ કહ્યું છે. તો પછી તેના વિરોધમાં જ્ઞાન અને કર્મ બન્ને મોક્ષનાં સાક્ષાત્‌ સાધનો છે અને જ્ઞાનની અપેક્ષાએ કર્મનું શ્રેષ્ઠપણું છે તે કેવી રીતે ઘટી શકશે ? તેથી તે સાક્ષાત્‌ મોક્ષવિષયક નથી, એમ અવિરોધપણે ઉપપાદન કરવું ઘટે છે. તે એવી રીતે શક્ય બને કે ઉપનિષદમાં કહેલ ઉપાસનાનો વિષય અને અહીં કહેલા કર્મયોગનો વિષય, બન્નેમાં ભિન્નતા રહેશે; પરંતુ સમગ્રતયા પર્યાલોચન કરતાં એવું જણાય છે કે જ્ઞાનયોગી, કર્મયોગી વગેરેનું અંતિમ સોપાન ભક્તિયોગ છે. પરિપાક પરમાત્માની ઉપાસના કે ભક્તિ છે. તેથી જ્ઞાનયોગમાંથી ભક્તિયોગમાં જવા કરતાં કર્મયોગમાંથી ભક્તિયોગમાં જવું સહેલું છે. તેથી ભગવાને આગળ કરેલ પ્રતિપાદન ઉચિત ઘટે છે. વળી પ્રથમ ષટ્‌કમાં ઘણું કરીને આત્મયોગ વર્ણવ્યો છે. તાત્પર્ય એ છે કે શુદ્ધ આત્મસ્વરૂપ પામવાનું સાધન તરીકે વર્ણવ્યું છે તેના કરતાં આ શ્લોકમાં ભક્તિયોગી युक्ततम: બતાવે છે. કારણ કે તે ભગવત્‌ યોગી બન્યો છે. જ્યારે વચનામૃત વગેરે ગ્રંથોના અનુસંધાનમાં નિષ્કામ સેવાયોગી અને ભક્ત અલગ છે જ નહિ. તે જ ક્રિયાકલાપમાં પૂર્ણ ભક્ત પણ બની જાય છે ને સાધક દશામાં પણ તે જ ક્રિયાકલાપ રહે છે. તેથી તે સરળ, ઝડપી અને શ્રેષ્ઠ છે. છતાં તે યોગનું સાક્ષાત્‌ ફળ પોતાના સ્વરૂપનો અનુભવ કરીને પરમાત્માના અનુભવ તરફ જીવને વાળવો એ ગીતાની પ્રવૃત્તિ છે. તેમાં અવાંતર કૈવલ્ય પ્રવૃત્તિ પણ કહી દીધી છે. સાધનાનુષ્ઠાન વેળાએ ‘गुणा गुणेषु...’ અનુસંધાનથી કર્મયોગાનુષ્ઠાન કરવાથી કૈવલ્યમાં રુચિ થાય છે. તે સાંખ્યનો રસ્તો છે ને કૈવલ્યનો રસ્તો છે અને પ્રથમથી જ ભગવાનમાં કર્તૃત્વ આરોપણ કરી નિષ્કામ સેવાયોગનું અનુષ્ઠાન કરે તો આત્માનુભવ તો તેને અહીં થઈ જાય છે. તો પણ તેને કૈવલ્યમાં રુચિ થતી નથી પણ પરમાત્માની ભક્તિમાં તૃષ્ણા જાગે છે ને તે ‘અનંતરસ’ એવા નિત્ય નૂતન ભક્તિરસમાં પ્રવર્તે છે. એટલો વિશેષ છે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો આત્મસંયમયોગ નામે છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.