ગી.અ-06, શ્લોક 11 to 32

શ્લોક ૧૧-૩૨

વિસ્તારપૂર્વક ધ્યાનયોગનો વિષય

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन:।

नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्‌।।११।।

અર્થઃ પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર (એવા ક્રમવાળું), પોતાનું સ્થિર આસન સ્થાપી.

शुचौ देशे ધ્યાન કેમ કરવું તે હવે કહે છે-તેમાં બાહ્યોપકરણ બતાવે છે. शुचि શબ્દને કોઈ વિશેષણ નહિ લાગ્યું હોવાથી સંસર્ગજનિત અને સ્વાભાવિક અપવિત્રતા રહિત હોવું જોઈએ એવું બતાવે છે. તેથી અપવિત્ર માલિકની માલિકીનું ન હોય અને અપવિત્ર વ્યક્તિનું ત્યાં અધિષ્ઠાન ન હોય અથવા ગૌમૂત્ર-ગંગાજલ છંટકાવ કરીને પવિત્ર કરેલું એવું સ્થાન. ભૂમિની શુદ્ધિ બે રીતે હોય છે. (૧) સ્વાભાવિક શુદ્ધ સ્થાન જેમ કે ગંગા વગેરેનો કિનારો, તુલસી કયારો, આમળી, પીપળાનો છાંયો વગેરે (૨) શુદ્ધ કરેલું સ્થાન જેમ કે ભૂમિને ગોમયથી લીંપીને, ઉપરની માટી દૂર કરીને શુદ્ધ કરેલ ભૂમિ. चैलाजिनकुशोत्तरम्‌ જો કે પાઠ અનુસાર ક્રમશઃ વસ્ત્ર, મૃગચર્મ અને દર્ભ બિછાવવાં જોઈએ; પરંતુ એ ક્રમ લેવો યુક્તિ સંગત નથી. કેમ કે દર્ભ શરીરમાં વાગે છે. આથી આસનમાં નીચે પહેલાં દર્ભ બિછાવી દેવો. તેના ઉપર મૃગચર્મ અર્થાત્‌ માર્યા વિનાના અર્થાત્‌ આપમેળે મૃત્યુ પામેલા મૃગનું ચામડું બિછાવી દેવું. કારણ કે મારેલા મૃગનું ચામડું અશુદ્ધ હોય છે. જો એવું મૃગચર્મ ન મળે તો દર્ભ ઉપર કંતાનનો કોથળો અથવા ઊનનો કામળો બિછાવી દેવો અને તેના પછી ઉપર કોમળ સુતરાઉ કપડું બિછાવી દેવું. એ પ્રમાણે ક્રમ લેવો.

વરાહ ભગવાનના રૂંવાડાંથી ઉત્પન્ન થવાના કારણે દર્ભ બહુ જ પવિત્ર માનવામાં આવ્યો છે. આથી તેનાથી બનેલું આસન ઉપયોગમાં લે છે. ગ્રહણ વગેરે સમયે સૂતકથી બચવા માટે અર્થાત્‌ શુદ્ધિને માટે દર્ભને પદાર્થોમાં કે કપડામાં રાખે છે. પવિત્રી, કરણ, પ્રોક્ષણ વગેરેમાં પણ તેને ઉપયોગમાં લે છે. આથી ભગવાને દર્ભ બિછાવવા માટે કહ્યું છે.

દર્ભ શરીરમાં પેસે નહિ ને આપણા શરીરમાં જે વિદ્યુત શક્તિ છે, તે આસનમાં થઈને જમીનમાં ન ચાલી જાય એટલા માટે મૃગચર્મ બિછાવવાનું વિધાન આપ્યું છે.

મૃગચર્મના રૂંવાડાં શરીરમાં ન વાગે અને આસન કોમળ રહે એટલા માટે મૃગચર્મ ઉપર સૂતરનું શુદ્ધ કપડું બિછાવવાને માટે કહ્યું છે. જો મૃગચર્મની જગ્યાએ કામળો અથવા કંતાન હોય તે ગરમ ન થઈ જાય એટલા માટે તેમના પર કપડું બિછાવવું. नात्युच्छ्रितं नातिनीचम्‌ સમતલ શુદ્ધ ભૂમિમાં જે ગાદી કે બાજઠ રાખવામાં આવે તે ન અત્યંત ઊંચો હોય અને ન અત્યંત નીચો હોય. અતિ ઊંચું હોય તો પડી જવાનો ભય રહે. તો ધ્યાનમાં વિઘ્ન થાય અતિ નીચું જમીન સમાંતર હોય તો કીડી, મકોડી જીવજંતુ ચઢી જવાથી અથવા કરડવાથી ધ્યાનમાં વિક્ષેપ થાય તેથી અતિ ઊંચા કે અતિ નીચા આસનનો નિષેધ કરવામાં આવ્યો છે.

प्रतिष्ठाय स्थिरमानसनमात्मन: ધ્યાનને માટે ભૂમિ ઉપર જે આસન-બાજઠ કે ગાદી રાખવામાં આવે તે હલવાવાળાં ન હોવાં જોઈએ. ભૂમિ ઉપર તેના ચારેય પાયા સ્થિર ટેકવાયેલા હોવા જોઈએ. જો ડગમગ થાય તો ધ્યાનમાં સ્થિરતા ન રહે.

જે આસન ઉપર બેસીને ધ્યાન વગેરે કરવામાં આવે, તે આસન પોતાનું હોવું જોઈએ, બીજાનું નહિ. કેમ કે બીજાનું આસન કામમાં લેવામાં આવે તેમાં તેના સંસ્કારવાળા પરમાણુ રહેલા હોય છે. જે કદાચ ધ્યાનમાં સહકાર ઊભો ન કરે. આથી અહીં आत्मन: પદથી પોતાનું આસન અલગ રાખવાનું વિધાન આવ્યું છે. એવી જ રીતે ગૌમુખી, માળા, પૂજાનાં વસ્ત્રો વગેરે પોતાનાં અલગ રાખવાં જોઈએ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી બતાવ્યું છે કે બીજાને બેસવાનું આસન, જોડાં, ચાખડી વગેરેને પોતાના કામમાં લેવાથી પોતાને બીજાના પુણ્યપાપમાં ભાગીદાર થવું પડે છે અને એમ જાણીને પુણ્યાત્મા સંત મહાત્માના આસન પર પણ નહિ બેસવું જોઈએ. કારણ કે તેમને આપણે પગથી અડાય તે તેમનો અનાદર કે અપરાધ કર્યો ગણાય. જે ધ્યાનની સિદ્ધિ થવા ન દે. મોટા પુરુષોએ પ્રસન્ન થઈને જો તે આપ્યું હોય તો તેનો બાધ નથી. આવી રીતે આસનવિધિ કહી છે. તદુપરાંત ધ્યાનમાં બેસવા માટે પીઠ ભાગમાં (सापाश्रय उपविश्य-इति-अन्यथा पाश्चात्यधारण प्रयत्न: समाधि विरोधी स्यादिति भाव: તાત્પ.ચં.) થોડો ટેકો લેવામાં દોષ નથી. એટલો આધાર ન લેવો, જેથી ઊઘં કે ઝોલાં આવી જાય. દેહધારણ પ્રયત્નમાં મદદ રહે તેવો કહેવા પૂરતો આધાર ધ્યાનમાં મદદ કરનારો બને છે. વળી ધ્યાનમાં બેસતા સમયે પોતના ચહેરાને મુખ ઉપર અતિ પ્રકાશ પણ ન આવવો જોઈએ. તે પણ અંદરની ચેતનાને (ધ્યાનને) વિક્ષિપ્ત કરે છે તેમજ ઘોર અંધકાર પણ ભય ઉપજાવીને વિક્ષિપ્ત કરે છે. તેથી સ્પષ્ટ આકાર ન સૂઝે તેવો એકદમ મંદ ઉજાસ ધ્યાન માટે યોગ્ય ગણાય છે.

तत्रैकाग्रं मन: कृत्वा यतचित्तेन्द्रियक्रिय:।

उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये।।१२।।

અર્થઃ તે આસન પર બેસી, મનને એકાગ્ર કરી ચિત્ત અને ઈન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરે.

तत्र(आसने) उपविश्य પૂર્વ શ્લોકમાં જે આસનની વિસ્તારથી ચર્ચા કરી તેને માટે અહીં तत्र-तस्मिन्‌ आसने-શબ્દ પ્રયોગ કર્યો છે. તે આસન ઉપર બેસીને ધ્યાનની શરૂઆત કરવી. उपविश्य પદનું તાત્પર્ય એ છે, બેસીને ધ્યાન સિદ્ધ થાય છે. न तु तिष्ठन्‌ न तु शयानो वा-ब्रह्मसूत्र માં પણ કહ્યું છે કે आसीन: सम्भवात्‌ (બ્ર.૪-૧-૭) (स्थानशयनयोश्च आयासनिद्रादिप्रसङ्गेन योगो न सम्भवेत्‌। (તાત્પ. ચં.) સૂતાં સૂતાં ધ્યાન કરે તો શરીર સ્થિરતાની ઊર્જા ઘણી બચી જાય છે પણ ધ્યાનમાં પહોંચે, તેના પહેલા નિદ્રા પહોંચી જાય છે. ઊભા ઊભા જો ધ્યાન કરે તો આંખો બંધ કર્યા પછી શરીરને ઊભું રાખવામાં ચૈતન્યની મોટાભાગની ઊર્જા તેમાં ખપી જાય છે. જો આંખો ખુલ્લી રાખે તો મન ધ્યાનમાં સ્થિર થતું જ નથી. માટે ઉપવિશ્ય એવું ધ્યાન માટે વિધાન કર્યું છે.

વળી ધ્યાનમાં યોગનું કયું આસન રાખવું તે બાબતે યોગશાસ્ત્રનો એવો અભિપ્રાય છે કે સુખાસન-અર્થાત્‌ જે કોઈ આસન ઉપર લગાતાર ત્રણ કલાક બેસી શકાય, તે તેને માટે યોગ્ય ગણાય. એટલા સમય સુધી આમ તેમ ડોલે નહિ. એવો બેસવાનો અભ્યાસ સિદ્ધ થવાથી મન અને પ્રાણ આપોઆપ-સ્વભાવિક શાંત (ચંચળતા રહિત) થઈ જાય છે. કારણ કે શરીરની ચંચળતા મગને સ્થિર થવા દેતી નથી. તેથી ધ્યાન વખતે શરીરનું સ્થિર થવું ખૂબ જ જરૂરનું છે.

यतचित्तेन्द्रियक्रिय: અહીં ચિન્તાવૃતિને ચિત્ત કહેવામાં આવ્યું છે અને ઈન્દ્રિયો તે બન્નેનું નિયમન કરીને ધ્યાન કરવા બેસવાનું છે. બાહ્ય વિષયોથી ચિત્ત-ઈન્દ્રિયોની ક્રિયાનો ઉપસંહાર કરીને ધ્યાન કરવાનું છે. અંતઃકરણની ક્રિયાનો જો ઉપસંહાર કરે તો આત્માવલોકન કે પરમાત્માની મૂર્તિનું આલોચન પણ શક્ય ન બને. માટે બાહ્યવૃત્તિનું નિયમન કરવાનું છે. જો કે વ્યવહાર વેળાએ પણ શરીર, મન, ઈન્દ્રિયો ઉપર આપણું નિયમન જરૂરી છે; કારણ કે વ્યવહારકાળે ચિત્ત-ઈન્દ્રિયોની ક્રિયા વશમાં નહિ હોય તો ધ્યાનમાં પણ તે ક્રિયાઓ જલ્દી વશમાં નહિ થઈ શકે. તાત્પર્ય એ થયું કે જેને પરમાત્માનું ધ્યાન કરવું છે, તેને પોતાનું સમગ્ર જીવન સંયમપૂર્વક જીવવું પડે છે. તો જ જીવનમાં ધ્યાન સાધના થઈ શકે, નહિ તો ન થાય.

एकाग्रं मनः कृत्वा મનને યોગ વિષયમાં, પરમાત્મામાં એકાગ્ર કરવું. निरुद्धान्यव्रतेरेतदवृत्तिं प्रधानत्वमिह एकाग्रत्वम्‌। અન્યવૃત્તિ નિરોધ કરીને એક ધ્યાન વિષયક પ્રધાનવૃત્તિ સતેજ કરવાને અહીં એકાગ્રતા કહી છે. માટે ધ્યાન સમયે મનમાંથી સંસારના ચિંતનને બિલકુલ દૂર કરી દેવું.

युञ्ज्याद्‌योगमात्मविशुद्धवे-આત્મવિશુદ્ધિ એટલે મોક્ષ. તેને માટે યોગને યોજવો. યોગ એક શક્તિ છે. તે કરીને સાંસારિક ભોગોની પ્રાપ્તિમાં યોજી દેવાય તો તે ભોગો પણ પ્રાપ્ત થઈ જશે અને પરમાત્માની પ્રાપ્તિમાં યોજવામાં આવશે તો પરમાત્માને પણ પ્રાપ્ત કરાવી દેશે. બંધન અને બંધન ઊભું કરે તેવા ભોગની ઈચ્છા કરવી તે જ આત્માની અશુદ્ધિ છે અર્થાત્‌ સાંસારિક ભોગ, પદાર્થ, માન, બડાઈ, આરામ, યશ, પ્રતિષ્ઠા, સુખ, સુવિધા વગેરેનો ઉદ્દેશ્ય રાખવો. તેમની કામના કરવી તે જ અંતઃકરણની અશુદ્ધિ છે. તેને દૂર કરવા માટે યોગની યોજના કરવી પણ તેને મેળવવા માટે યોગનો ઉપયોગ ન કરવો. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે अशुद्धास्ते समस्तास्तु देवाद्या कर्मयोनय: (વિ. ૬-૭-૭૭) માટે ‘કર્મબંધ’ છે તે આત્માની અશુદ્ધિ છે. તે કર્મબંધનથી મુક્ત થવાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય,માટે યોગની વિનિયોજના કરવી પણ ઉપર બતાવેલા દુઃન્યવી પદાર્થો ઈચ્છવા નિહ.

समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिर:।

सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्वानवलोकयन्‌।।१३।।

અર્થઃ દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી, સ્થિર થઈ દિશાઓને ન જોતાં નાસિકાનો અગ્ર ભાગ જોઈને; (ધ્યાન કરવું.)

समं कायशिरोग्रीवं… જો કે કાયા એટલે તો સમગ્ર શરીરને માટે કહેવાય છે. તો પણ અહીં (આસન ઉપર બેઠા પછી) કમરથી માંડીને ગળા સુધીના ભાગને કહેવામાં આવ્યો છે. કારણ કે પછી ગ્રીવા તથા શિર-મસ્તક અલગ નામ લખ્યા છે. ધ્યાનને સમયે એ કાયા, શિર અને ગ્રીવાને સમ રાખવા અર્થાત્‌ આજર્વ રાખવા. અતિ તંગ ન રાખવા તેમ વધારે ઢીલા ન રાખવા તેમજ સીધા રાખવા, અર્થાત્‌ કરોડરજ્જુ છે તેના બધા જ મણકા સીધા ભાગમાં રહે અને તેની જ સીધા ભાગમાં ગ્રીવા અને શિર રહે. તાત્પર્ય એ છે કે કાયા, શિર અને ગ્રીવા એ ત્રણે એક રેખામાં અચલ રહે તેમ રાખવા. કારણ કે આગળ ઝૂકવાથી નિદ્રા આવે છે પાછળ ઝૂકવાથી ધારણ પ્રયાસ વધવાથી મન ત્યાં કેન્દ્રિત થઈ જશે. ડાબી જમણી બાજુએ ઝૂકવાથી ચંચળતા આવી જાય છે. માટે દંડની જેમ સીધા અને સરળ તથા સ્વાભાવિક કોમળતાથી બેસે. અહીં समम्‌ अचलम्‌ स्थिरम्‌ એ ત્રણે શરીર ધારણ ક્રિયાના વિશેષણ કહ્યા છે. સમશબ્દથી-કોમળતાથી શરીરને ધારવું. અતિ તંગ નહિ, તેમ નરમ નહિ પણ સમપણે રાખવું. અચલ શબ્દથી નિષ્કંપનપણે કહેવાઈ ગયું હોવા છતાં स्थिरम्‌ इत्येतत्‌ अङ्गकम्पकरश्रमहेतुभूत पश्वात्‌ धारण प्रयत्न निवृत्ति हेतु अभिप्रायम्‌ इति दर्शयितुं सापाश्रयतया स्थिरम्‌ इति उक्तम्‌। अनेन अचलत्वस्य चिरानुवर्तन योग्यत्वम्‌ उक्तम्‌ भवति। (તાત્પ.ચં.) શબ્દ કહેવાનો હેતુ શો છે, તો પાછળના ભાગમાં ધારણ પ્રયત્નનો શ્રમ ન લાગે અને ત્રણ કલાક સુધી સ્થિર ધારવા માટે પીઠ ભાગમાં અલ્પ આશ્રય (સહારો) લઈને તે શ્રમને નિવારવો અને શરીરને ધ્યાનકાળમાં સ્થિર ધારણ કરવું એવા અભિપ્રાયથી स्थिरम्‌ શબ્દ પણ લખ્યો છે.

સિદ્ધાસન, પદ્માસન વગેરે જેટલાં આસનો છે, તે બધાં આરોગ્યની દૃષ્ટિએ ધ્યાન યોગમાં સહાયક છે પણ અહીં સ્થિરપણે બેસવા માટે બધાં આસનોનો સાર ભાગ એ બતાવ્યો કે કાયા, ગ્રીવા અને શિરને સમાન રેખામાં ઋજુપણે અચળ રાખવાં. તેથી કોઈ વિશેષ આસન પર ભગવાને ભાર બતાવ્યો નથી કે કોઈ આગ્રહ રાખ્યો નથી. આ ત્રણેને એક રેખામાં સ્થિર સીધા રાખવાથી મન જલ્દી શાંત અને સ્થિર થઈ, ધ્યાનમાં કેન્દ્રિત થાય છે, એ મુખ્ય સાર છે.

બહારથી ઈન્દ્રિયોને વ્યાવર્તન કરીને નાસિકાને અગ્ર ભાગમાં સ્થાપન કરવા માટે ક્રમ બતાવે છે. दिशश्चानवलोकयन्‌…. नासिकाग्रं संप्रेक्ष्य અર્થાત્‌ દિશાઓ શબ્દથી બાહ્ય તમામ પદાર્થોનું અવલોકન નિવૃત્ત કરવા પોતાની નાસિકાના અગ્રભાગમાં સ્થિર કરવા. તાત્પર્ય એ છે કે ભોગ્યથી ઈતર એવા પદાર્થો પણ અનુપયુક્ત છે. તેનું પણ નિરીક્ષણ નિવૃત્ત થવું જોઈએ. ભોગ્ય પદાર્થોનું નિરીક્ષણ તો નિવૃત્ત થવું જ જોઈએ. એ અભિપ્રાયથી કહ્યું કે દિશાઓમાં પણ ન જોવું. આમ તેમ દિશાઓ જોવામાં પણ ગ્રીવાને તો હાલવું પડશે તો ધ્યાનમાં વિઘ્ન થશે. માટે ગ્રીવાને પણ સ્થિર રાખે. નેત્રો મીચી લે તો પણ બહાર દેખાતું તો બંધ થઈ શકે છે પણ નિદ્રાની સંભાવના વધી જાય છે. માટે તેની નિવૃત્તિ માટે અર્ધ મીચેલાં નેત્રોથી બીજું ન દેખાય અને પોતની નાસિકાનો અગ્રભાગ માત્ર દેખાય તેમ રાખવાં. જો કે મન જો ધ્યાનમાં લાગી જાય તો નાસિકાના અગ્રભાગમાં નેત્રો રાખ્યાં હોય તો પણ નાસિકાગ્ર દેખાવાનો નથી પણ પ્રથમ નેત્રદૃષ્ટિ સ્થિર કરવા માટે માત્ર કહેવામાં આવ્યું છે. નેત્રોની દૃષ્ટિ જ્યાં ત્યાં પડવી બંધ કરવાની છે ,એટલું જ માત્ર પ્રયોજન છે.

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित:।

मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर:।।१४।।

અર્થઃ અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ, બ્રહ્મચર્ય વ્રતમાં રહી, મન વશ કરી, મારામાં ચિત્ત લગાડી, મારા પરાયણ અને સમાધિનિષ્ઠ થઈ બેસવું.

प्रशान्तात्मा અહીં પણ આત્મા શબ્દ મનપરક છે. આ જ શ્લોકમાં मन: संयम्य શબ્દ આવેલો છે. તેથી અહીં ધ્યાનને અનુરુપ સંતોષ વૃત્તિવાળું મન હોવું જોઈએ. જો મનમાં સંતોષવૃત્તિ ન રહે તો અનેક ઉધામા રચે છે ને શાંત બેસી શકતું નથી. જેનો ઉદ્દેશ્ય સાંસારિક વિશેષતા પામવા તથા રિદ્ધિ-સિદ્ધિ પામવાનો ન હોઈને કેવળ પરમાત્માને પામવાનો દૃઢ ઉદ્દેશ્ય હોય છે. તેના રાગદ્વેષ શિથિલ થઈ જાય છે. આપોઆપ પ્રશાન્તાત્મા-સ્થિતિ પ્રાપ્તિ થઈ જાય છે.

विगतभी: શરીરને ‘હું’ અને ‘મારું’ માનવાથી અને રાખવાથી જ ભય માત્ર ઊભા થાય છે. જ્યારે શરીર સાથે ‘હું’ પણું અને ‘મારા’ પણું છોડી દે છે ત્યારે તેને કોઈ ભય માત્ર રહેતો નથી. ભય દેહભાવમાંથી પેદા થાય છે. જ્યારે સાધકનો દેહભાવ દૂર થતાં ભયથી પણ રહિત થાય છે.

ब्रह्मचारिव्रते स्थित: બ્રહ્મચર્ય અહીં સ્ત્રી पिण्ड અથવા સ્ત્રીઓને પુરુષ पिण्ड માં ભોગ્યબુદ્ધિથી સ્મરણ, આલોકન, આલાપ રહિતપણું તેને બ્રહ્મચર્ય કહેવાય છે. સ્ત્રીનું સ્મરણ ચિત્તની અન્ય તમામ સ્મૃતિઓને બંધ કરી દે છે, માટે ધ્યાનમાં તે વિશેષ વિઘ્ન કરનારું છે. બ્રહ્મચારીનું તાત્પર્ય સમગ્રજીવન સંયત અને નિયત હોવું જરૂરી છે. જે બ્રહ્મચારીનું જીવન ગુરુની આજ્ઞામાં સંપૂર્ણપણે સંયત અને નિયત હોય છે, તેમ ધ્યાન કરવાની ઈચ્છાવાળાએ પણ પંચવિષય, માન બડાઈ તથા શરીરને આરામદાયી અનુકૂળ પરિસ્થિતિથી દૂર રહેવું જોઈએ. તેમાં ભોગબુદ્ધિ અને રસબુદ્ધિ ન થવી જોઈએ. અવશ્ય જરૂરિયાતોમાં નિર્વાહબુદ્ધિ રાખવી જોઈએ. ભોગ્યબુદ્ધિ આવશે તો ધ્યાન કદી સિદ્ધ થવાનું નથી. વ્યવહારકાળમાં પણ રસબુદ્ધિ આવી,તો ધ્યાનકાળમાં તે નડતર થઈને ધ્યાન સિદ્ધિ થવા દેશે નહિ.

मन: संयम्य मच्चित्त: મનનો સંયમ કરીને મારામાં જોડી દેવું. મારું જ ચિંતન કરવું. મારી લીલા, ગુણ, પ્રભાવ, મહિમા વગેરેના ચિંતનમાં લગાડી દેવું. આપણું લક્ષ્ય કેવળ પરમાત્માનું ચિંતન કરવાનું બની જવું જોઈએ.

युक्त आसीत मत्पर: પૂર્વાપર નિષ્કામ કર્મયોગની વાત અને પરમાત્મચિંતનની વાત ચાલતી હોવાથી, યુક્ત શબ્દનો અર્થ અહીં પરમાત્માના ચિંતનની ‘સાવધાની’ એવો અર્થ થશે. પરમાત્મચિંતનમાં સાવધાન થવાનું છે, તો ધ્યાન સુગમ થશે. તેમાં પ્રમાદ, આળસ વગેરે ન આવવા દેવાં. એકાંતમાં અથવા વ્યવહારમાં પણ પરમાત્માના ચિંતન માટે સાવધાન થઈને ચિંતનમાં લાગી જવું. ઉદ્દેશ્ય, લક્ષ્ય કે ધ્યેય કેવળ ભગવાનમાં જોડાવાનું રાખવાનું છે. ભગવાન સિવાય કોઈપણ સાંસારિક વાસના, આસક્તિ, કામના, સ્પૃહા, મમતા વિગેરે રાખવાનાં નથી.

युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानस:।

शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति।।१५।।

અર્થઃ એમ અંતઃકરણને નિત્ય (યોગમાં) જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે.

युञ्जन्नेवं… જેનું મનપર નિયંત્રણ છે તેને ‘नियतमानस’ કહેવાય છે. જ્યારે સાધકના ઉદ્દેશ્યમાં કેવળ પરમાત્મા જ રહે છે પણ બીજું કાંઈ નથી રહેતું ત્યારે જ સાધક નિયતમાનસ બની શકે છે. સંસારની સાથે જ્યાં સુધી સંબંધ જળવાઈ રહે છે,ત્યાં સુધી નિયતમાનસ નથી થવાતું. પ્રથમ તો સાધકે પોતાની અહંતાનું પરિવર્તન કરવું પડે છે. કારણ કે જેવી અહંતા હોય છે તેવી જ અંતઃકરણ અને બાહ્યકરણની પ્રવૃત્તિ રહે છે.

एवं શબ્દ દ્વારા દસમાં શ્લોકથી ચૌદમા શ્લોક સુધી બતાવેલ રીત મુજબ કરવું એવો ભાવ છે.

सदा નું તાત્પર્ય એ છે કે પ્રતિદિન નિયમિતરૂપે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. કયારેક થાય અને કયારેક ન થાય તો ધ્યાનની સિદ્ધિ જલ્દી થતી નથી. પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય તમે આસનવાળી આંખો મીચીને બેઠા હો કે પછી વ્યવહારમાં વ્યાપૃત હો, તો પણ સદાકાળ સ્પષ્ટ અને જાગ્રત રીતે ચાલુ રહેવું જોઈએ. તો તેને मत्संस्थां निर्वाणपरमां शान्तिम्‌ अधिगच्छति પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે એ સુખની પરાકાષ્ઠા છે. પરમાત્માના સ્વરૂપના સુખને તે સાધક પામી જાય છે. ગીતાનો માર્ગ છે તે નિર્વિકલ્પ સ્થિતિ-પામવાનો માર્ગ છે. નિર્વિકલ્પ સમાધિ-અષ્ટાંગયોગની સમાધિ-એ માર્ગ નથી. ગીતા એ માર્ગને બતાવે છે કે તમે ખુલ્લી આંખે પણ પરમાત્માના સુખને અનુભવો. વ્યવહારમાં પણ પરમાત્માના સુખથી વિખૂટા ન પડો. એવી ‘સ્થિતિ’ માટેનાં સાધનો ભગવાન બતાવી રહ્યાં છે.

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत:।

न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन।।१६।।

અર્થઃ હે અર્જુન ! બહુ ખાનારને, કેવળ નહિ ખાનારને, બહુ ઊઘંવાના સ્વભાવવાળાને તેમજ સતત જાગનારને યોગ (સિદ્ધ) થતો નથી.

नात्यश्नतस्तु योगोऽस्ति-હવે ધ્યાન માટેના વ્યતિરેક અન્વયથી પાળવાનાં નિયમો બતાવે છે કે અતિ અધિક ખાવાવાળાને યોગ સિદ્ધ થતો નથી. અહીં અધિકનો અર્થ પોતાની ભૂખની, પોતાની જરૂરિયાત કે ક્ષમતાની અપેક્ષાએ જે ભોજન અધિક હોય તેને અધિક માનવામાં આવે છે, નહિ કે બીજા વ્યક્તિઓની અપેક્ષાએ પ્રમાણમાં થોડું. તે તો ઘણી વખત કોઈ બળવાન-પહાડી શરીરવાળાની અપેક્ષાએ આપણું ભોજન અલ્પ પણ હોય પણ અતિ અથવા અધૂરું તે પોતાના શરીરની ક્ષમતાના પ્રમાણમાં ગણવાનું છે. એ માપથી અધિક પેટ તણાવીને ભોજન કરવાવાળાને યોગ સિદ્ધ થતો નથી; કારણ કે અન્ન અધિક ખાવાથી અર્થાત્‌ ભૂખ વિના ખાવાથી અથવા ભૂખ કરતાં અધિક ખાવાથી તરસ વધારે લાગે છે. જેથી પાણી વધારે પીવું પડે છે વધારે અન્ન ખાવા અને પાણી પીવાથી પેટ ભારે થઈ જાય છે, તણાય છે. તેથી શરીર આખું ભારે અને વજનદાર માલૂમ પડે છે. શરીરમાં આળસ છવાઈ જાય છે. વારંવાર પેટ યાદ આવે છે. પેટના પડખા તણાય છે. કોઈ પણ કામ કરવાનું અથવા સાધના, ભજન, જપ, ધ્યાન વગેરે કરવાનું મન નથી થતું. ન તો સુખપૂર્વક બેસી શકાય છે અને ન તો સુખપૂર્વક સૂઈ પણ શકાય તથા હરવા ફરવાનું પણ મન નથી થતું. અજીર્ણ થતા શરીરમાં રોગો થાય છે. તેથી અધિક ખાવાવાળાને યોગ સિદ્ધ નથી થઈ શકતો અને ધ્યાનમાં પણ નથી બેસી શકાતું.

न चैकान्तमनश्नत: એવી જ રીતે બિલકુલ ન ખાવાથી પણ યોગ કે ધ્યાન સિદ્ધ થતું નથી. કારણ કે ભોજન બિલકુલ નહિ લેવાથી વારંવાર મનમાં ભોજનનું જ ચિંતન થાય છે. વળી શરીરમાં શક્તિ ઓછી થઈ જાય છે. તેથી ધ્યાન કરવાની કે યોગની ઊર્જા પણ રહેતી નથી. સ્ફૂર્તિ રહેતી નથી. માંસચરબી સુકાતા જાય છે. શરીર શિથિલ થઈ જાય છે. જેથી શરીરની જરૂરી ક્રિયાઓ પણ શ્રમદાયી બની જાય છે. સૂઈ રહેવાનું મન થાય છે. બેસીને ધ્યાનાદિકનો અભ્યાસ કરવાનું પણ કઠિન થઈ જાય છે. આથી ચિત્ત પરમાત્મામાં લાગતું જ નથી. તેથી તેનો યોગ કે ધ્યાન સિદ્ધ થતું નથી.

न चाति स्वप्नशीलस्य-જેને વધારે સૂવાનો સ્વભાવ હોય છે તેને પણ યોગ સિદ્ધ થતો નથી. નિદ્રા કેવળ દેહભાવ કે દેહ અભ્યાસને જ બતાવનારું ચિહ્‌ન છે. વધારે સૂવાથી દેહભાવ ઘાટો બની જાય છે. સ્વભાવ બગડી જાય છે. વારંવાર નિદ્રા સતાવે છે પડ્યા રહેવામાં સુખ અને બેઠેલા રહેવામાં પરિશ્રમ માલૂમ પડે છે. જરૂર કરતાં વધારે સૂઈ રહેવાથી ગાઢ નિદ્રા પણ આવતી નથી. ગાઢ નિદ્રા ન આવવાથી અવનવાં સ્વપ્નો આવતા રહે છે, સંકલ્પ-વિકલ્પો થતા રહે છે. પડ્યા રહેવા છતાં થાક દૂર થતો નથી. આળસ ભરાઈ રહે છે. તે યોગનો અભ્યાસ કરી શકતો નથી અને તંદુરસ્તપણે ધ્યાન પણ કરી શકતો નથી.

जाग्रतो नैव चार्जुन-હે અર્જુન જેમ અધિક સૂવાથી યોગની સિદ્ધિ થતી નથી તેમ બિલકુલ ન સૂવાથી પણ યોગની સિદ્ધિ થતી નથી. કારણ કે નિદ્રા છે તે બુદ્ધિ-અંતઃકરણનો ખોરાક છે. તેના વિના બુદ્ધિ અસ્વસ્થ થઈ જશે. પછી ધ્યાન કોનાથી થઈ શકશે? જરૂરી નિદ્રા લીધા વિના અને અધિક જાગવાથી બેસતી વખતે તેને નિદ્રા સતાવશે. જેથી ધ્યાન કે યોગભ્યાસ નહિ કરી શકે.

સાત્ત્વિક મનુષ્યોમાં પણ કયારેક સત્સંગનો, ભગવત્કથાનો અથવા ભક્તોનાં આખ્યાન શરૂ થઈ જાય અને તેને કથામાં રસ-આનંદ આવી જાય ત્યારે નિદ્રા બિલકુલ દૂર થઈ જાય છે. ત્યારે તેમનું જાગવાનું જુદી જાતનું હોય છે. તે યોગને બાધક હોતું નથી. તેમાં જાગતા પણ તેને વિશ્રાંતિ,સ્ફૂર્તિવગેરે પૂર્ણ મળી રહે છે. એવી રીતે રાતની રાતો જાગતા રહેવા છતાં યોગમાં બાધક નથી બનતું. દા.ત. પરીક્ષિતે ભાગવત સાંભળ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ ૧૮ દિવસ સુધી મહારાજના દર્શન-વાતો સાંભળી, બાલમુકુંદદાસજી સ્વામીએ નિયમ લીધેલું વગેરે બાબતો તેમને ગુણાતીત થવામાં ઊલટી મદદરૂપ હતી.

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।

युक्त स्वप्नावबोधस्य योगो भवति दु:खहा।।१७।।

અર્થઃ યોગ્ય આહારવિહારવાળાને, કર્મમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊઘંનાર-જાગનારને યોગ દુઃખનાશક થાય છે.

युक्ताहारविहारस्य… युक्त શબ્દ અહીં આગળના અતિ શબ્દનો પ્રતિયોગી તરીકે વપરાયો છે, અર્થાત્‌ તેના વિરુદ્ધ અર્થમાં વપરાયો છે. તેથી ‘युक्त’ શબ્દનો અર્થ ‘मित’ એવો થશે. અર્થાત્‌ મિતાહાર, મિતવિહાર વગેરે અર્થમાં યુક્ત શબ્દ પ્રયોગ થયો છે. તે મિત આહાર માટે સ્મૃતિમાં બતાવ્યું કે મિતાહાર કોને ગણવો તો ‘उदरस्यार्धमन्नस्य तृतीयमुदस्य तु। वायोस्सञ्चरणार्थंतु चतुर्थमवशेषयेत्‌। ઉદરનો અર્ધ ભાગ અન્નથી પૂરવો અર્થાત્‌ ભૂખથી અર્ધું જમવું અને ચોથોભાગ પાણી પીવું અને એક ચોથોભાગ વાયુને માટે અને પાચન ક્રિયાની હલન-ચલન માટે ખાલી છોડવો. એવી રીતે ભોજન લે તેને મિતાહાર ભોજન શાસ્ત્રકારોએ ગણાવેલું છે. તે શ્રુતિમાં પણ બતાવ્યું છે કે यत्‌ हि आत्मसम्मितमन्नं तदवति तन्न हिनस्ति, तद्‌ यत्कनीयो न तदवति।। ‘શાસ્ત્રમાં પોતાને લેવા યોગ્ય બતાવેલા અન્નથી આપણું રક્ષણ થાય છે તે રક્ષણ કરે છે. તે નાશ નથી કરતું તે પ્રમાણે જે નથી, તે રક્ષણ કરતું નથી.

ભોજન ન્યાયાજિર્ત ધનથી મળેલું હોવું જોઈએ, સાત્ત્વિક હોય, અપવિત્ર ન હોય, ભોજનનું પરિણામ પણ શાસ્ત્રમાં બતાવ્યા મુજબનું હોય. ભોજન સ્વાદબુદ્ધિથી અને પુષ્ટિબુદ્ધિથી ન કરવામાં આવ્યું હોય. ભોજન દેહનિભાવ બુદ્ધિથી થયેલું હોય, સાધનબુદ્ધિથી કરવામાં આવ્યું હોય, ભોજન ધર્મશાસ્ત્ર અને આયુર્વેદની દૃષ્ટિથી કરવામાં આવે એવું ભોજન કરવાવાળો જ યુક્ત (યથોચિત) આહાર કરવાવાળો ગણાય.

તેમ જ વિહાર પણ યુક્ત જ હોય અર્થાત્‌ જરૂર કરતાં કે વિના પ્રયોજન આમ તેમ ઘૂમવાનું-ફરવાનું ન હોય; પરંતુ સ્વાસ્થ્ય માટે અથવા પ્રયોજન માટે ઘૂમવાનું-ફરવાનું હોય. વ્યાયામ, યોગાસન વગેરે પણ ન તો અધિક પ્રમાણમાં કરવામાં આવે અને ન તો તેનો બિલકુલ અભાવ કરવામાં આવે. જરૂર કરતાં વધારે કરવાથી સમય અને શક્તિ તેમાં ખર્ચાઈ જવાથી આત્મકલ્યાણમાં તેને ખર્ચી નહિ શકાય. તેનો બિલકુલ અભાવ હોય તો તે તંદુરસ્તીને સ્વસ્થ નહીં રાખી શકે તો પણ સમય શક્તિ તેની પાછળ ખર્ચવા પડે તેથી મોક્ષ સાધન રહી જ જશે. માટે યથાયોગ્ય હોય એવું કરવાવાળો યુક્તાહારવિહારવાળો બતાવવામાં આવ્યો છે.

युक्तचेष्टस्य कर्मसु-પોતાના વર્ણ-આશ્રમ, સમય, પરિસ્થિતિને અનુસાર પોતાનું યોગ્ય કર્તવ્ય-ચેષ્ટા કરનારો. આ બન્ને શ્લોકોમાં ચારવાનાંનો અતિરેક અને અભાવ દૂર કરીને યુક્તપણે રહેવાથી જન્મ-મરણ દુઃખ દૂર થવા બતાવ્યું છે. તેમાં अतिअशन-अतिअनशन, अतिविहार-अतिविहाराभाव अतिमात्र स्वप्न-जगर्ये (અતિ સૂવું-અતિ સૂવાનો અભાવ અર્થાત્‌ અતિ જાગવું) અને युक्तचेष्टा અર્થાત્‌ તેને અન્વય વ્યતિરેક વિભાગ કરીએ તો अतिआयास-अतिअनायास અર્થાત્‌ ‘चेष्टा’ શબ્દનો અર્થ અહીં (ગીતા ભાષ્ય. રામા.) પરિશ્રમ લેવામાં આવ્યો છે. વર્ણ અને આશ્રમને ઉચિત યોગ્ય શારીરિક પરિશ્રમ પર યોગ્ય સિદ્ધિ માટે, પરમાત્માનો માર્ગ સિદ્ધ કરવા માટે અવશ્ય જરૂરી છે. જેવી રીતે આહાર-અન્ન પ્રાણનો આહાર છે. નિદ્રા બુદ્ધિનો આહાર છે (પોષક છે) તેમ જ વિહાર-પરિશ્રમ પણ તેનાં પોષક તત્ત્વો છે. જેમ શરીરને અન્નની જરૂર છે તેમ યોગ્ય પરિશ્રમની પણ જરૂર છે. જેમ અન્ન વિના શરીર તૂટી પડે છે, તેમ વિહાર-પરિશ્રમ વિના તેના સ્વસ્થપણાનો નાશ થઈ જાય છે. માટે વિહાર અને પરિશ્રમ એ શરીરના સ્વસ્થતા અને મનબુદ્ધિની સ્વસ્થતાનો જ જરૂરી ભાગ છે. તેથી જ આજના સમયના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આજે મનુષ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે, તે મોટે ભાગે ખોરાક અને ઊઘંના ટાઈમની અછતને લીધે એટલી નથી થતી, જેટલી પરિશ્રમના અભાવથી થાય છે. તેનું કારણ એ છે કે પરિશ્રમ એ શરીરને ખોરાક જેટલો જ જરૂરી છે અને જે બાબતોનું ધ્યાન ખોરાકમાં રાખવું જોઈએ, રાખવું જરૂરી છે તે તમામ બાબતોનું ધ્યાન શરીરને યોગ્ય અને શાસ્ત્રવિહિત પરિશ્રમ મળવો જરૂરી છે. તે ખાલી વ્યવહારમાં જરૂરી છે એવું નથી પણ ગીતા તેને યોગ સિદ્ધ કરવામાં જરૂરી ગણાવે છે. પરિશ્રમના બિલકુલ અભાવમાં શરીરની તંદુરસ્તી ખરાબ થતાં ધ્યાન સિદ્ધ થતું નથી અને અતિ આયાસ-અર્થાત્‌ પરિશ્રમ કરવાથી તેની શક્તિ ક્ષીણ થવાથી પણ ધ્યાન-યોગ કરવા જેટલી પણ ભરાતી નથી. માટે તેનું યોગ્ય નિયમ કરવાથી પરમાત્માનો માર્ગ પણ સ્વસ્થપણે સિદ્ધ થાય છે.

युक्तस्वप्नावबोधस्य સૂવાનું એટલી માત્રામાં હોય, જેનાથી જાગૃતિકાળમાં નિદ્રા, આળસ ન સતાવે. જે માણસ અતિ નિદ્રા કરતા હોય તેને એક તો ઘાટી નિદ્રા થઈ ન શકે. ઊલટો સૂઈ સૂઈને જ્યાં જાગે ત્યારે થાકી ગયો હોય. તેને સ્ફૂર્તિ જાગ્રતમાં પણ અનુભવાતી નથી. તેનું એ કારણ છે કે નિદ્રા સ્ફૂર્તિ પાછી મેળવવા માટે છે પણ યોગ્ય રીતે લીધેલી નિદ્રાથી જ સ્ફૂર્તિ આવે છે. તેનાથી વધારે પડ્યો રહે તો આવેલી સ્ફૂર્તિને તેની નિદ્રા બગાડી નાખે. માટે युक्तस्वप्नावबोधस्य કહ્યું છે. સૂવા માટે રાત્રીના મધ્યના બે પહોર યોગ્ય બતાવ્યા છે. જો તે બેમાં જાગતો રહે તો ધ્યાન-ભજન માટે સવારનો બ્રાહ્મમુહૂર્તનો સમય તેને ઊઘંમાં આપવો પડે છે માટે તે પણ યુક્ત ન ગણાય. તેથી યોગ્ય સમયે સૂવે અને વહેલા જાગે. તાત્પર્ય એ છે કે જે સૂવા અને જાગવાથી સ્વાસ્થ્યમાં વિઘ્ન ન પડે, સ્ફૂર્તિ પૂર્ણ પામી રહે અને યોગમાં અર્થાત્‌ કલ્યાણના માર્ગમાં પુષ્ટિ થતી રહે, વિઘ્ન ન આવે એવી રીતે યથોચિત આયોજન કરીને ઊઘં લેવી. योगोभवति दु:खदा આ રીતે યથોચિત આહાર, વિહાર, ઊઘં અને પરિશ્રમ કરવાવાળા સાધકને જ આ યોગ છે. તે દુઃખને નાશ કરનારો બને છે અર્થાત્‌ અન્યથા યોગનું અનુષ્ઠાન કરવા છતાં પણ દુઃખોનો અત્યંત અભાવ કરનારો થતો નથી.

યોગ અને ભોગમાં વિલક્ષણ અંતર છે. યોગમાં ભોગનો અત્યંત અભાવ હોય છે. અર્થાત્‌ યોગમાં ભોગોને અત્યંત ભૂલી જવાના હોય છે. વીસરી જવાના હોય છે. જ્યારે ભોગમાં યોગનો અત્યંત અભાવ નથી. કારણ કે ભોગોમાં જે સુખાનુભૂતિ થાય છે તે ભોગના-અસત્‌ના વિયોગ થવાથી થાય છે. એટલે ભોગના અભાવજનિત હોવા છતાં સાધક તેને ભોગ-સંયોગજનિત માની લે છે. તેથી જ ભોગની આસક્તિ જન્મે છે. તેથી તેને દુઃખની થોડી ગેરહાજરી અનુભવાય છે પણ ભોગ કયારેય દુઃખોનો નાશ કરનારા હોતા જ નથી. તેથી દુઃખોનો નાશ કરવાવાળો યોગ તે જ હોય છે, જેમાં ભોગોનો અત્યંત અભાવ હોય. અહીં ધ્યાન માટે આ શ્લોક કહેવામાં આવ્યો છે પણ તમામ પ્રકારના સાધકો આ વાતનો ઉપયોગ કરી શકે છે. તેમાં પણ નિષ્કામ કર્મયોગ આ વાત વિના સિદ્ધ થઈ ન શકે, માટે તેને અર્થે ખાસ છે. સાધક તેને અનુસાર પોતાનું જીવન ઘડીને પોતાનો ઉદ્ધાર કરી શકે છે. યુક્ત આહાર, વિહાર, કર્મ (પરિશ્રમ) અને સૂવું જાગવું આ ચાર વાતોનો સાધક કેવી રીતે ઉપયોગમાં લાવે? એના ઉપર વિચાર કરવાનો છે.

આપણી પાસે ૨૪ કલાક છે. આપણી પાસે ચાર કામ છે. ચાર વડે ભાગવાથી પ્રત્યેકને ૬-૬ કલાક મળી જશે. જેમ કે (૧) આહાર-વિહાર-ભોજન કરવું તથા હરવું ફરવું આ શારીરિક કાર્યો માટે ૬ કલાક (૨) કર્મ અર્થાત્‌ જીવિકા સંબંધી પરિશ્રમ કાર્ય માટે ૬ કલાક (૩) સૂવા માટે ૬ કલાક (૪) જાગવા માટે અર્થાત્‌ ભગવત્પ્રાપ્તિને માટે ધ્યાન-ભજન-સાધના માટે ૬ કલાક

આ ચાર વાતોમાં પણ બે-બે વાતોના બે વિભાગ છે એક વિભાગ ‘ઉપાજર્ન’ અર્થાત્‌ કમાવાનો છે. બીજો વિભાગ વ્યય અર્થાત્‌ ખર્ચનો છે. યુક્ત કર્મ અને યુક્ત જાગૃતિ આ બે વાતો ઉપાજર્નની છે. યુક્ત આહારવિહાર અને યુક્ત સૂવું આ બે વાતો વ્યયની છે. ઉપાજર્ન અને વ્યય આ બન્ને વિભાગોમાં આપણી પાસે બે પ્રકારની પૂંજી છે. (૧) સાંસારિક ધન ધાન્ય (૨) આયુષ્ય (સમય)

તેમાં પણ સાંસારિક ધનધાન્ય ઉપાજર્ન અધિક કરવામાં આવે તો ચાલ્યું જાય અથવા પડી રહેવાનું. ઉપાજર્નની અપેક્ષાએ અધિક ખર્ચ કરવાથી કામ ના ચાલે. ગાડી અટકી પડે. તેમાં થોડો ફેરફાર શક્ય છે કે આહાર વિહારમાં થોડો ઓછો સમય ફાળવી ઉપાજર્નમાં સમય વધારી શકાય છે. જે મોટા ભાગના લોકો (જરૂરિયાતમંદ લોકો) કરતા હોય છે.

બીજી પૂંજી છે. આયુષ્યકાળ-સમય. તેનો વિચાર કરવામાં આવે તો તેના વ્યયથી શક્ય તેટલો સમય બચાવી સાધનામાં સમય વધારી શકાય છે. તેમાં એક બીજી વાત એ છે કે જીવિકા સંબંધી કર્મ કરતી વેળા પણ ભગવાનને યાદ કરી શકાય છે. તો તે જાગૃતિમાં સમય ફાળવ્યો ગણાય. એવી રીતે તમામ સમય પણ જાગૃતિ-સાધનાને ફાળવી શકાય છે અને તે જ સાચો નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ બની રહે છે.

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते।

निस्पृह: सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा।।१८।।

અર્થઃ જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિઃસ્પૃહ થાય છે, ત્યારે (મનુષ્ય) ‘યુકત-યોગી’ થયો કહેવાય છે.

यदा विनियतं चित्तम्‌… સોળ-સત્તર શ્લોકમાં સાધકો માટે ઉપયોગી નિયમો બતાવ્યા. હવે યોગ સિદ્ધ થતાં સાધકની સ્થિતિનું વર્ણન કરે છે. સારી રીતે વશમાં કરેલું ચિત્ત અર્થાત્‌ સંસારના ચિંતનથી રહિત થયેલું ચિત્ત જ્યારે आत्मनि અર્થાત્‌ પરમાત્માના સ્વરૂપમાં જ્યારે સ્થિર થાય છે. તાત્પર્ય એ છે કે, જ્યારે આ બધું કાંઈ ન હતું ત્યારે પણ જે હતું. કાંઈ પણ નહિ રહે ત્યારે પણ જે રહેશે તથા બધાના ઉત્પન્ન થયા પહેલાં જે હતું અને બધાના લય થયા પછી પણ જે રહેશે અને અત્યારે જે જેવું છે તેવું ભવિષ્યમાં પણ રહેશે. એવું જે સનાતન પરમાત્માના સ્વરૂપમાં ચિત્ત સ્થિર થઈ જાય છે ત્યારે તેને જે રસ અને જે આનંદ આવે છે, તે કયાંય બીજે તેને મળતો નથી. તેથી તે રસ મળતાં જ મન તેમાં તલ્લીન થઈ જાય છે અને જ્યારે સર્વ ભોગોથી નિઃસ્પૃહ બની જાય છે ત્યારે તે ‘યોગી’ એમ કહેવામાં આવે છે.

આવી સ્થિતિ કયારે થાય તો તે નિશ્ચિત નથી માટે यदा-तदा બતાવ્યું છે કે જ્યારે આટલું કરી લે ત્યારે તુરત તે યોગી બની જાય છે. આ જ અવસ્થાનો સંકેત પહેલાં ચોથા શ્લોકમાં કરવામાં આવ્યો છે. ત્યાં કર્મયોગના અનુસંધાનથી બતાવ્યું છે. અહીં પરમાત્માના ધ્યાનના અનુસંધાનથી બતાવ્યું છે.

यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।

योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मन:।।१९।।

અર્થઃ જેમ વાયુરહિત સ્થાનમાં દીવો ડોલતો નથી, તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે.

જેવી રીતે સર્વથા સ્પંદનરહિત વાયુના સ્થાનમાં રાખેલા દીપકની જ્યોત થોડી પણ હાલતી ડોલતી નથી. એવી જ રીતે જે યોગનો અભ્યાસ કરે છે, જેનું મન પરમાત્માના સ્વરૂપમાં લાગે છે, જેણે ચિત્તને પોતાને વશ કરી લીધું છે, એવા યોગીના ચિત્તને પણ દીપકની જ્યોતની ઉપમા આપવામાં આવી છે. તાત્પર્ય એ છે કે સાધકનું ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં એવું લાગ્યું છે કે જરા સ્પંદન પણ લેતું નથી. સ્પંદન લેવાનાં તાત્પર્ય બે છે. તેમાં એક તો એ કે પરમાત્માની મૂર્તિનું ચિંતન કરતાં જેને બીજી વિજાતીય ચેતનાઓ જ ઊઠવી બંધ થઈ જાય છે. એક જ પરમાત્માની મૂર્તિના સજાતીય સ્પંદનો જ પ્રવાહિત થાય છે. દીવાની જ્યોત પણ પ્રવાહિત જ હોય છે. નિસ્પંદનતાનો બીજો અભિપ્રાય એ છે કે પરમાત્માની યથાર્થ ઓળખાણ થતાં જે નિઃસંશય થવાય છે ને તેને સમર્પિત થવાય છે તે પણ સ્પંદન રહિતતાવાળું હોય છે. જેને નિષ્ઠા કહેવાય છે. નિષ્કામ સેવા કરનારને તેની પણ તેટલી જ જરૂર પડે છે. માટે यतचित्तस्य શબ્દ પણ કહેલો છે.

કોઈ પણ સ્થાન વાયુથી સર્વથા રહિત નથી હોતું અને જો વાયુથી રહિત હોય તો દીપકની જ્યોતનું અસ્તિત્વ જ રહેતું નથી. વાયુ સર્વત્ર રહે છે પણ કયાંક વાયુ સ્પંદનરૂપે રહે છે અને કયાંક નિસ્પંદનરૂપે રહે છે. માટે निवातस्थ: પદ વાયુના અભાવનું વાચક નથી પણ સ્પંદિત વાયુના અભાવનું વાચક છે. કર્મયોગીના જીવનમાં કર્મનો અભાવ તો નથી હોતો પણ એ કર્મ એને પરમાત્મામાંથી તોડનારું ન હોવું જોઈએ. યોગનું સાધક હોવું જોઈએ અને એટલી જ નિષ્કામ સાધકની સાધના છે.

અહીં ચિત્તને પર્વત વગેરે અચલ પદાર્થોની ઉપમા ન આપી. તે અર્થ સભર-સાર્થક છે. પર્વત ક્યારેય ડગતો નથી પણ તે સ્વભાવથી જ અચલ છે. વળી પ્રકાશહીન છે. જ્યારે દીપકની જ્યોત સ્વભાવે ચંચળ અને પ્રકાશમાન છે. ચિત્ત જ્યોતની ઉપમાને વધારે યોગ્ય છે, નહિ કે પર્વતની ઉપમાને. માટે જ્યોતની ઉપમા જાગૃતિને પણ બતાવે છે.

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया।

यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति।।२०।।

અર્થઃ યોગસેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે છે;

મન આત્મામાં લાગતું નથી; પરંતુ ઉપશમ પામી જાય છે. કારણ કે મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે. મન માયિક છે. આત્મા માયાથી પર છે.તેથી આત્મા જ આત્મામાં લાગી શકે. તેથી જ કહ્યું કે आत्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति। પોતાની અંદર જ પોતાને જોવો. તેનું તાત્પર્ય એ છે કે, આત્મતત્ત્વ પરસંવેદ્ય નથી; પરંતુ સ્વસંવેદ્ય છે. મનથી જે ચિંતન કરાય છે તે મનને સજાતીય જ થઈ શકે છે. એટલો જ વિશેષ છે કે તે વિરામ પામીને આગળનો હવાલો આત્માને સોંપીને શાંત થઈ જાય છે. પછીનું પૃથ્થકરણ આત્મવૃત્તિ જ કરે છે ને કરી શકે છે અને તેની તે જ રીતે પરમાત્મા વિષયનું છે. ત્યાં આત્મવૃત્તિ પણ થાકીને વિરમી જાય છે ને જીવાત્માની અંદર જ પરમાત્મવૃત્તિ-અંતર્યામી છે તેને હવાલો આપી દે છે. તે પરમાત્મવૃત્તિ ને સક્રિય કરવી કે નિષ્ક્રિય રહેવા દેવી તેની સ્વતંત્રતા પરમાત્મા પાસે નથી પણ ભગવાને તે વાતની સ્વતંત્રતા જીવાત્માને આપી છે. પરમાત્મવૃત્તિ પરમાત્માની માલિકીની છે તો પણ ભગવાને તેનો સદ્‌ઉપયોગ કરવા અને જીવાત્માનું પરમ શ્રેય સાધવા પરમાત્માએ તે વૃત્તિને આત્માને હવાલે કરી છે ને તેનો ઉપયોગ-અનુપયોગ કરવા સ્વતંત્રતા આપી છે. અને તેને જ અંતર્યામી શક્તિથી પણ કહે છે. તેથી શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં (ગ.પ્ર.પ્ર.૫૧) બતાવ્યું છે કે ભગવાનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે પણ બીજાથી નથી થતો. તો પછી પ્રશ્ન એ થાય છે કે મનના ગ્રહણમાં આત્મા નથી આવતો અને આત્માના ગ્રહણમાં ભગવાન નથી આવતા તો ઈન્દ્રિયો, મન આદિનો કોઈ અર્થ ખરો કે નહિ? તે શું ભગવાને આપણને વ્યર્થ આપ્યાં છે? અથવા કેવળ માયિક વિષય ભોગવાનને માટે જ આપ્યાં છે? તો તેનું સમાધાન એ છે કે એક માત્ર જેને પરમાત્મા પ્રાપ્તિ કે પ્રસન્ન કરવાનું ધ્યેય હોય તેણે પણ મન-બુદ્ધિ-વાણીથી ચિંતન, નિશ્ચય અને વર્ણન કરવું તે અનુચિત તો નથી જ. ઊલટાનું તે પણ સાધનરૂપ બની જાય છે. જો તેને પરમાત્માને પામવાની તડપન હોય તો; પરંતુ સાધક ઈન્દ્રિયને સક્રિય કરવા માત્રથી જ પોતાનામાં સંતોષ માની લે કે પૂર્ણતા માની લે, તો તે બાધક થયે સાધકની સાધના ત્યાં અટકી જશે અથવા નીચી જશે. માટે મન આદિકને પૂર્ણ સક્રિય કરીને આપણા હૃદયમાં પડેલી આત્મચેતના અને પરમાત્મચેતના જાગૃત કરવાની છે. ત્યારે જ ગીતાનાં વર્ણનો આપણા હૃદયમાં સમાધાનાત્મક ફીટ બેસે છે.

અહીં ભગવાન બતાવે છે કે योगसेवया निरुद्धं चित्तं यत्र (આત્મતત્ત્વમાં) उपरमते-નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગથી જેનું ચિત્ત-અંતઃકરણ પરમાત્મારૂપી શુભાશ્રયમાં નિરુદ્ધ થાય છે, ત્યારે મનોવૃત્તિ અક્ષમ હોવાથી વિરામ પામી જાય છે પણ આત્મચેતનાને જાગૃત કરીને વિરામ પામે છે. તેથી આત્મચેતના જાગે છે અને તેમાં તેને સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે.

પ્રથમ તો ઈન્દ્રિયો મનને તેના સાંસારિક વિષયોથી ઉપશમ પામતા અર્થાત્‌ પોત પોતાના વિષયનો સંબંધ વિચ્છેદ થતાં પરમ શાંતિ અનુભવાય છે. જે સંસારના ગમે તેવા ઉત્તમ ભોગના સંબંધથી મળતી નથી. ત્યાર પછી આત્મવૃત્તિ દ્વારા આત્મચિંતનથી તેનાથી પણ વધારે સુખ પ્રાપ્ત થાય છે. જે ઈન્દ્રિયોની વિરતિમાં પણ કયારેય પ્રાપ્ત થતું નથી. તેથી આગળ પરમાત્મવૃત્તિ જાગૃત થતાં પરમાત્મ સ્વરૂપનું આસ્વાદન થતાં એવો પરમાનંદ પ્રાપ્ત થાય છે, જે આત્મચિંતનમાં પણ કદી પ્રાપ્ત થતો નથી.

सुखमात्यन्तिकं यत्तद्‌बुद्धिग्राह्यमतीन्द्रियम्‌।

वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वत:।।२१।।

અર્થઃ વળી અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે, તેને જેમાં અનુભવે છે; તેમજ જેમાં રહીને આ (યોગી) તત્ત્વથી ચલિત થતો જ નથી;

હવે ત્રણ શ્લોકથી ભગવાન યોગની વ્યાખ્યા આપે છે.

सुखमात्यन्तिकं यत्‌...નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગમાં બે વસ્તુ પડેલી છે. સેવા અને યોગ. સેવા તો સ્થૂળ ક્રિયાના રૂપમાં રહેલી છે અથવા સૂક્ષ્મ શરીર-કારણ શરીરની ચેષ્ટાના રૂપમાં રહેલી છે. જ્યારે યોગ તેનાથી અલગ અને વિલક્ષણ છે. જેની વ્યાખ્યા આપવા ભગવાન જઈ રહ્યા છે,પ્રારંભ કરી રહ્યા છે. જે યોગના આવવાથી ક્રિયા તે ક્રિયા નથી રહેતી પણ ભગવાનને પામવાનું સાધન બની જાય છે. ભગવાન જે બતાવી રહ્યા છે, તે યોગનું, ક્રિયાનું જેમ સ્થૂળરૂપે સ્વતંત્ર અસ્તિત્વ નથી પણ ક્રિયા કે ચેષ્ટાની સાથે રહીને જ તેનું અસ્તિત્વ રહે છે. છતાં તે ક્રિયા માત્ર નથી. ક્રિયાથી તદ્દન અલગ છે. તે યોગ શું વસ્તુ છે? કેવો છે? તો તે વિષે બતાવતાં ભગવાન કહે છે કે નિષ્કામ કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી આ યોગના અનુષ્ઠાન દ્વારા પોતાના હૃદયમાં જે સુખનો અનુભવ કરે છે, તે સુખ કેવું છે? તો પ્રાકૃત સંસારમાં તે સુખથી વધીને બીજું કોઈ સુખ હોઈ જ નથી શકતું અને હોવાનો સંભવ જ નથી. કારણ તે આ સુખ ત્રણે ગુણોથી અતીત અને સ્વતઃસિદ્ધ છે આ તમામ સુખોની આખરી હદ છે. જેને ઉપનિષદની ભાષામાં- सा काष्ठा सा परा गति:। કહેવામાં આવે છે. આ જ સુખને અક્ષયસુખ (૫/૨૧) અત્યંત સુખ (૬/૨૮) અને એકાંતિક સુખ (૧૪/૨૭) કહેવામાં આવ્યું છે.

આ સુખને અહીં આત્યંતિક સુખ કહેવાનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્ત્વિક સુખથી વિલક્ષણ છે. કારણ કે સાત્ત્વિક સુખ આખરે તો સત્ત્વગુણજનિત છે, ઉત્પન્ન થયેલું છે. વિવેકજનિત છે. ત્યાગ-વૈરાગ્યની પ્રભાજનિત છે. જ્યારે આ સુખ છે તે ભગવત્‌ સંબંધિત છે ભગવત્‌ પ્રભાયુક્ત છે, સનાતન છે, અનુભૂતિનો વિષય માત્ર છે. ઉત્પન્ન થયેલું નથી. અનુત્પન્ન છે, વીસરી જવાયેલું છે.

अतीन्द्रियम्‌ આ સુખને ઈન્દ્રિયોથી અતીત માનવાનું તાત્પર્ય એ છે કે આ સુખ રાજસ સુખથી વિલક્ષણ છે. રાજસ સુખ સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ વગેરેના યોગે અને ઈન્દ્રિયોના રાગયુક્ત સંબંધના યોગે ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયો દ્વારા જ તેનું આસ્વાદન છે. જ્યારે આ સુખનું આસ્વાદન કેવળ પોતાના આત્મસ્વરૂપ કે ચૈતન્યમાં જ છે. ઈન્દ્રિયો એ સુખ ચાખવામાં ટૂંકા પડે છે. જેનો જીવાત્મા કે ચૈતન્ય જાગૃત થાય તો તેમાં તેની અનુભૂતિ થાય છે. જેમ કે શ્રીજી મહારાજે કથાશ્રવણને અસાધારણ ભક્તિ બતાવી છે ને પૃથુ રાજાનું દૃષ્ટાંત બતાવ્યું છે કે તેણે કથા સાંભળવા માટે પરમાત્મા પાસે દશ હજાર કાન માગ્યા. કથા તો દરેક શ્રોતાઓ સાંભળે જ છે. પરીક્ષિતે કથા સાંભળી, ધુંધુકારીએ સાંભળી, પૃથુ રાજાને કથા ગમી અને હજારો લોકો આજે સાંભળે છે. ઈન્દ્રિય દ્વારા તો સમાન જ છે પણ બધાને કેમ એક સરખી અનુભૂતિ થતી નથી? કારણ કે બીજા સાંભળનારાઓમાં ગ્રાહકતા ઈન્દ્રિયોની છે. જ્યારે પેલા દૃષ્ટાંતોનો ગ્રાહક બદલી જાય છે. ઈન્દ્રિયો હઠી જઈને તેનો ગ્રાહક ચૈતન્ય જાગૃત થઈને પાન કરે છે. તે સુખ જે આવે છે તે અતીન્દ્રિય છે. ઈન્દ્રિયગ્રાહ્ય નથી. રાજસ સુખમાં વસ્તુ સાપેક્ષતા છે. વસ્તુઓની પરાધીનતા છે. જેવી વસ્તુ હોય તેવું જ સુખ આવે છે. જ્યારે અહીં વસ્તુની આરંપાર જઈને તેને કોઈક અલૌકિક તત્ત્વનો સ્પર્શ થાય છે ને તેની અનુભૂતિ અનુભવાય છે, તેથી તેને અતીન્દ્રિય બતાવ્યું છે.

बुद्धिग्राह्यम्‌-આ સુખને બુદ્ધિગ્રાહ્ય બતાવવાનું તાત્પર્ય એ છે કે, આ સુખ તામસ સુખથી વિલક્ષણ છે. તામસ સુખ નિદ્રા, આળસ, અકર્મણ્યતા અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે. ગાઢ નિદ્રામાં સુખ તો મળે છે પણ તેમાં બુદ્ધિ તામસ ભાવમાં લીન થઈ ગઈ હોય છે. આળસ અને પ્રમાદમાં પણ સુખ થાય છે પણ તેમાં બુદ્ધિ સંપૂર્ણ જાગૃત નથી હોતી તથા બુદ્ધિની વિવેકશક્તિ મંદ પડી ગયેલી હોય છે. આત્યંતિક સુખની અનુભૂતિમાં બુદ્ધિ લીન થયેલી હોતી નથી તથા વિવેકશક્તિ પણ કુંઠિત થયેલી હોતી નથી. ઊલટું વિવેકશક્તિ સતેજ થયેલી હોય છે. છતાં આ સુખની અનુભૂતિમાં બુદ્ધિપૂર્ણ જાગૃત હોવા છતાં તે સુખને પકડવાસમર્થ નથી. કારણ કે બુદ્ધિ પ્રકૃતિનું સજર્ન છે. અહીં બુદ્ધિ ગ્રાહ્યતાનું તાત્પર્ય છે, જાગૃત બુદ્ધિમાં રહેલા જાગૃત ચૈતન્યથી ગ્રાહ્ય થાય છે. એવો ભાવ છે તે આ યોગજનિત કહો કે યોગથી અનુભવાવું. તાત્પર્ય એ છે કે એ સુખ સાત્ત્વિક, રાજસ અને તામસ સુખથી વિલક્ષણ છે.

वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वत:

નિષ્કામ સેવાયોગી પોતાના ચૈતન્યમાં પરમાત્માની અનુભૂતિ કરે છે. (कालेनात्मनि विन्दति) અને આ સુખમાં સ્થિત થયેલો તે કદી કિચિત્‌ માત્ર પણ વિચલિત થતો નથી. અર્થાત્‌ સુખની અખંડિતતા નિરંતર રહે છે. આ સુખ તેમને તત્ત્વમાં પહોંચાડે છે અને તેમાંથી તે કયારેય ચલાયમાન થતો નથી. જ્યાં સુધી ચલાયમાન થવાની સંભાવના છે ત્યાં સુધી તે સ્થિતિમાં કે યોગની પરિપકવતામાં કચાશ છે એમ જાણવું.

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत:।

यस्मिन्स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते।।२२।।

અર્થઃ અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી;

મનુષ્યોને જે સુખ પ્રાપ્ત છે તેનાથી અધિક સુખ દેખાતું હોય, તો તે તેના લોભમાં આવીને પ્રથમ આલંબનથી વિચલિત થઈ જાય છે. જેમ કે કોઈકને એક કલાકના સો રૂપિયા મળે છે. જો તેટલા જ સમયમાં બીજી જગ્યાએ હજાર રૂપિયા મળતા હોય તો તે સો રૂપિયાની સ્થિતિથી વિચલિત થઈ જશે અર્થાત્‌ સો રૂપિયાના સુખને છોડી દઈને હજાર રૂપિયામાં ચાલ્યો જશે. નિદ્રા, આળસ અને પ્રમાદનું તામસી સુખ વિના પરિશ્રમે પણ મળે છે. છતાં પણ જ્યારે વિષયજન્ય સુખ અનુભવે છે તે વધુ સારું લાગે છે. તેમાં અધિક સુખ માલૂમ પડે છે, ત્યારે મનુષ્ય વિના પરિશ્રમનું પણ તામસ સુખને છોડીને કષ્ટ દેનારો પરિશ્રમ કરીને પણ વિષય સુખમાં દોડી જાય છે. તેની બુદ્ધિમાં ચોગઠું ફીટ બેસી ગયા પછી તેને કોઈ પરિબળ રોકી શકતું નથી. એવી જ રીતે જ્યારે વિષયજન્ય સુખથી વિવેકજન્ય સુખમાં ભારેપણું અનુભવાય છે,ત્યારે તે સાત્ત્વિક સુખને માટે વિચલિત થાય છે. જ્યારે સાત્ત્વિક સુખથી પણ આગળ નિર્ગુણ સુખ કહો કે ગુણાતીત સુખ કહો અથવા પરમાત્માનું સુખ કહો, તેની ઓળખાણ થઈ જાય તો તે આત્યંતિક સુખમાં બુદ્ધિ વિચલિત થઈ જાય છે; પરંતુ એ આત્યંતિક સુખને પામીને તેનાથી કયારેય વિચલિત થતો નથી. કારણ કે આત્યંતિક સુખની હદ આવી જાય છે. સાધકને જ્યારે એ પરાકાષ્ઠાનું સુખ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એ ત્યાંથી વિચલિત કેમ થઈ શકે?

વિચલિત થવાનું બીજું કારણ એ છે કે જો લાભ તો અધિક થતો હોય પણ સાથે મહાન દુઃખ પણ પ્રાપ્ત થતું હોય તો મનુષ્ય તે લાભથી વિચલિત થઈ જાય છે. તે લાભને પણ જતો કરી દે છે. દા.ત. હજાર રૂપિયા મળતા હોય પણ સાથે સાથે જીવનું પણ જોખમ હોય, તો માણસ હજાર રૂપિયાના લાભથી વિચલિત થઈ જાય છે, છોડી દે છે. એવી જ રીતે મનુષ્ય જે કોઈ સ્થિતિમાં સ્થિત હોય ત્યાં કોઈ ભયંકર આફત આવી જાય તો મનુષ્ય તે સ્થિતિને છોડી દે છે; પરંતુ અહીં ભગવાન કહે છે કે આત્યંતિક સુખમાં સ્થિત થતાં સાધકને મોટામાં મોટાં દુઃખ પણ એ સ્થિતિમાંથી વિચલિત નથી કરી શકતા. શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં તેનાં નામ સાથે ઉદાહરણો આપ્યાં છે કે જેને ભગવાન અને ભગવાનના ભક્તમાં મહિમા સહિત નિશ્ચય અર્થાત્‌ એ પરમાત્માના મહિમાશાળી સુખનો સ્વાદ એકવાર પણ ચાખી લીધો પછી તેનો તેને વેગ લાગી ગયો હોય તેવા સાધકને તેને અર્થે શું શું ન થાય? અશક્ય પણ શક્ય બનાવે છે. ગમે તેવાં દુઃખ પણ તેને તેનાથી વિચલિત કરી શકતાં નથી. પ્રહ્‌લાદજીને કેવાં દુઃખ તેના પિતાએ કેવળ ભગવાનની ભક્તિથી વિચલિત કરવા માટે જ આપ્યાં હતાં પણ પ્રહ્‌લાદજીને એ આત્યંતિક સુખના સ્વાદની ઝાંખી થઈ ચૂકી હતી. તેથી તેઓ બોલી ઉઠયા કે

कुपितो जनकस्तथापि मे न विरामो हरिनामकीर्तने।

मशकोपनिपातशंकया सदनं मुञ्चति किं महाजन:।।

મુસલમાનોએ દગાથી શિવાજીના પુત્ર શંભાજીને કેદ કરી લીધો અને તેને મુસ્લિમ ધર્મ સ્વીકારવાનું કહ્યું; પરંતુ જ્યારે શંભાજીએ તેનો સ્વીકાર ન કર્યો ત્યારે મુસલમાનોએ તેની આંખો કાઢી લીધી, તેની ચામડી જીવતા ઉતારી લીધી તો પણ, શંભાજી હિન્દુ ધર્મથી ચલાયમાન ન થયા. મીરાંને ઝેરનો કટોરો મોકલ્યો તો પણ મીરાં એ માર્ગથી ચલાયમાન ન થયાં. કયારેક સાધકને ફાંસી દેવામાં આવે. શરીરના ટુકડા કરી નાખવામાં આવે. આવા વધારે મોટા, મહાભયંકર દુઃખો એક સાથે આપવા છતાં પણ તેઓ તે સુખથી અને તે માર્ગથી કયારેય વિચલિત થતો નથી. ત્યારે એમ સમજવું કે હવે તેને પરમાત્માના સુખનો સ્વાદ પ્રાપ્ત થયો છે. તેને સાચા યોગનો સ્વાદ પ્રાપ્ત થયો છે.

તેને કેમ વિચલિત કરી શકાતો નથી ? તો જેટલાં કાંઈ દુઃખ આવે છે તે દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ સુધીની દુનિયાના જ છે પણ જ્યારે તેનો ચૈતન્ય જાગી જાય છે, ત્યારે એ દુઃખો તેના સુધી પહોંચી શકતા નથી. તેને સ્પર્શી શકતા નથી અને જે સુખનો સ્વાદ છે, તે તો ચૈતન્યમાં વ્યાપી ગયો હોય છે. તેથી તે દુઃખો તેને વિચલિત કરી શકતા નથી.

આ શ્લોક ભગવાનને રસ્તે ચાલેલા કોઈપણ સાધકની કસોટીરૂપ છે. પોતાની સ્થિતિ સમજવા માટે આનાથી મોટું અને સ્પષ્ટ બીજું કોઈ માપ ન હોઈ શકે. માટે પોતાનું માપ સમજવા સાધકને ખૂબ જ ઉપયોગી છે. જીવમાત્રનું ધ્યેય એ હોય છે કે મારું દુઃખ મટી જાય ને સુખ મળી જાય. તેથી આ શ્લોકમાં વર્ણવેલી સ્થિતિ સાધક માત્રને પ્રાપ્ત કરવી જોઈએ. અન્યથા એની સાધના અધૂરી છે. સાધક વચ્ચે અટકી ન જાય. અધૂરી વસ્તુને પૂરી ન માની લે એટલા માટે આ શ્લોકને સામે રાખવા જોઈએ.

तं विद्याद्दु:खसंयोगवियोगं योगसंज्ञितम्‌।

स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा।।२३।।

અર્થઃ તે દુઃખસંયોગના અભાવને યોગ જાણવો. તે (યોગ) નો ઉત્સાહયુકત ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો.

આ શ્લોકમાં ભગવાન યોગની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે. અહીં બે શબ્દો આવ્યા છે. એક સંયોગ અને બીજો યોગ. સંયોગ એ સાંસારિક વસ્તુઓને માટે વપરાયો છે. યોગ તેનાથી તદ્દન અલગ છે. ‘સંયોગ’ તેની સાથે હોઈ શકે, જેની સાથે આપણે સદા રહી શકીએ છીએ અને તે પણ આપણી સાથે સદા રહી શકે છે. તેથી સંસારમાં એક બીજાની સાથે સંયોગ થાય છે અને પરમાત્માની સાથે યોગ થાય છે. સંસારનો યોગ નથી કહેવાતો અને પરમાત્માનો વિયોગ નથી થતો. અર્થાત્‌ પરમાત્મા આપણાથી અલગ નથી કે અલગ સ્થિત થઈ શકતા નથી. સંસાર આપણી સાથે એકરસ થયેલો માનવો અને પરમાત્માને વિખૂટા માનવા એ અજ્ઞાન છે. તે જ મનુષ્યની સૌથી મોટી ભૂલ છે. સંસારના સંયોગનો તો વિયોગ થાય જ છે પણ ભગવાનના યોગનો વિયોગ કયારેય પણ થતો નથી. મનુષ્ય હંમેશાં સંયોગ ચાહે છે પણ થાય છે હંમેશાં વિયોગ જ. તેથી સંસાર દુઃખરૂપ છે-दु:खालयमशाश्वतम्‌ (૮/૧૫) કંઈક ને કંઈક ચાહના રહેવાથી જ દુઃખોનો સંયોગ થાય છે. કોઈપણ ચાહના ન રહે તો દુઃખોનો સંયોગ નથી થતો; પરંતુ પરમાત્માનો યોગ થઈ જાય છે.

પરમાત્માની સાથે જીવનો યોગ અર્થાત્‌ સંબંધ નિત્ય છે. આ સ્વતઃસિદ્ધ નિત્યસંબંધનું નામ જ ‘યોગ’ છે. આ જે ભગવાન સાથેનો નિત્ય સંબંધ-નિત્યયોગ બધા દેશમાં, બધા જ કાળમાં અને બધી જ ક્રિયામાં, બધી જ વસ્તુઓમાં, બધી વ્યક્તિઓમાં, બધી અવસ્થાઓમાં, બધી પરિસ્થિતિઓમાં અને બધા જ બનાવોમાં નિત્ય રહે છે. તાત્પર્ય એ છે કે એ નિત્યયોગનો કયારેય વિયોગ થયો નથી, છે નહિ, થશે નહિ અને થઈ શકતો પણ નથી.જ્યારે અસત્‌ પદાર્થો શરીર આદિની સાથે પોતાનો સંબંધ માની લેવાથી આ નિત્ય સંબંધની અનુભૂતિ થતી નથી. તેથી દુઃખરૂપ અસત્‌ પદાર્થોની સાથે માનેલા સંયોગનો વિયોગ અર્થાત્‌ સંબંધ વિચ્છેદ થતાની સાથે જ આ નિત્યયોગ-નિત્યસંબંધની અનુભૂતિ થઈ જાય છે. આ જ ગીતાનો મુખ્ય યોગ છે અને આ યોગનો અનુભવ કરવાને માટે ગીતામાં નિષ્કામ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કે ધ્યાનયોગ આદિક સાધનોનું વર્ણન કર્યું છે; એ સાધનોને યોગ ત્યારે જ કહી શકાશે, જ્યારે અસત્‌થી સર્વથા સંબંધ વિચ્છેદ અને પરમાત્માની સાથે નિત્ય સંબંધની અનુભૂતિ થાય.

યોગની પરિભાષા ભગવાને બે પ્રકારે કરી છે.

(१) समत्वं योग उच्यते સમતાને યોગ કહેવાય છે.(૨/૪૮)

(२) तं विद्याद्धु:खसंयोग वियोगं योग संज्ञितम्‌ (૬/૨૩)

દુઃખરૂપ સંસારના સંયોગનો વિયોગ થવો તે યોગ છે.

ચાહે સમતા કહી દો, ચાહે પરમાત્મામાં અનન્ય મમતા કહી દો અર્થાત્‌ સંસારના સંયોગનો વિયોગ થઈને ભગવાનનો યોગ કહો. બન્ને એક જ સિક્કાની બે બાજુઓ સમાન છે. તાત્પર્ય એ છે કે સમતામાં સ્થિતિ થવાથી સંસારના સંયોગનો (સંબંધનો) વિયોગ (વિચ્છેદ) થવાનો જ છે અને સંસારના સંબંધનો વિચ્છેદ થવાથી સમતામાં અને પરમાત્મામાં અનન્ય સ્થિતિ થાય છે. બન્નેમાંથી કોઈ એકને પણ પ્રાપ્ત કરી લે તો તેને બન્નેની સાધના થઈ રહે છે; પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો તે तं विद्याद्दु:खसंयोगवियोगं योगसंज्ञितम्‌। એ પ્રથમ સ્થિતિ છે અને अै फ्फव ह्रिफीी ठै अमै समत्वं योग उच्यते એ તેના પછીની સ્થિતિ છે અને પરમાત્માથી અનન્ય મમતા એ તેના પણ પછીની સ્થિતિ છે. જેનાથી આત્યંતિક સુખ, નૈષ્ઠિકી શાંતિ કે પરમાત્માના સુખની પ્રાપ્તિ થાય છે.

પ્રાપ્તિ તેની થાય છે જે નિત્યપ્રાપ્ત છે અને નિવૃત્તિ પણ તેની જ થઈ શકે છે કે જે નિત્યનિવૃત્ત છે. તેની નિત્ય પ્રાપ્તિનું નામ પણ યોગ છે અને નિત્ય નિવૃત્તિ (નિત્ય સંબંધ વિચ્છેદ)નું નામ પણ યોગ છે. સાંસારિક વસ્તુ, વ્યક્તિ અને ક્રિયાના સંયોગથી થવાવાળા જેટલાં કોઈ સુખ છે, તે બધાં દુઃખના કારણ છે. અર્થાત્‌ દુઃખને પેદા કરવાવાળાં છે. (૫/૨૨) તેથી તેનો સંયોગ જ દુઃખનું કારણ છે, તેનો વિયોગ નહિ. તેના વિયોગમાં જે સુખ છે એ સુખનો કયારેય વિયોગ થતો નથી. એ નિત્યસુખ છે. આવી રીતે સંયોગનો પણ અંતે વિયોગ છે અને વિયોગનો પણ અંતે વિયોગ જ રહે છે માટે વિયોગ નિત્ય પદાર્થ થયો. આવા નિત્ય વિયોગ (નિત્ય સંબંધ વિચ્છેદ) ને જ ગીતા ‘યોગ’ એવું નામ આપે છે.

સંસારરૂપી દુઃખસંયોગ કેવળ આપણો માનેલો છે. તેને તે રૂપમાં સ્વીકારવો કે ન સ્વીકારવો તે આપણી ઉપર નિર્ભર છે. જો કે આપણે તેને માની લઈએ તો પણ જવાનો છે અને છોડી દઈએ તો પણ જવાનો છે. તેને માની લઈએ એ જ બંધન રૂપે આપણા ગળામાં પડે છે. ન માનીને છોડી દઈએ એ જ મુક્તિરૂપે આપણને પ્રાપ્ત થાય છે. આ જ વસ્તુને અર્જુને અઢારમા અધ્યાયના તોંતેરમાં શ્લોકમાં नष्टो मोह: स्मृतिर्लब्धा: શબ્દોથી કહ્યું છે. તે પ્રાપ્ત નથી થયો પણ ભગવાનના સાંનિધ્યમાં અને ભગવાનના શબ્દોથી અનુભૂતિ થઈ છે, પ્રાપ્ત તો પહેલેથી જ હતો. યોગસૂત્રમાં પંતજલી મુનિએ ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહ્યો છે. योगश्चित्तवृत्ति निरोध: (૧/૨) ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં દૃષ્ટાની સ્વરૂપમાં (પોતાના આત્મસ્વરૂપમાં અથવા પરમાત્માના સ્વરૂપમાં) સ્થિતિ બતાવી છે. तदा दृष्टु: स्वरुपेऽवस्थानम्‌ (૧/૩) તે જ વસ્તુને બીજા શબ્દોમાં तं विद्यात्‌ (૬/૨૩) અને समत्वं (૨/૪૮) એક બીજાના પૂરક રૂપે ‘યોગ’ કહીને બતાવ્યા છે.

स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा।

જેમાં દુઃખોના સંયોગનો જ અભાવ છે, એવા યોગનો ઉદ્દેશ્ય રાખીને સાધકે નહિ કંટાળેલા ચિત્ત વડે નિરતિશય પુરુષાર્થરૂપ આ યોગ કરવો. ચિતને હંમેશાં ઉત્સાહસભર રાખવું. પ્રથમ શ્લોકમાં જે આત્યંતિક સુખ અર્થાત્‌ જેમાં ફરીવાર દુઃખ સંભેદ રહિતતાવાળું અર્થાત્‌ જ્યાંથી ફરી વખત દુઃખ ઉત્પન્ન થવાની સંભાવના જ નથી એવું સુખ,મુક્તિદશામાં અનુભવાશે. એવું અનુસંધાન રાખીને અચળતા કેળવે છે એવું નથી પણ એવા સુખના ભોગાતિરેકથી અચળતા ઊભી થઈ છે. પ્રામાણિકતાના માર્ગથી ચલાયમાન નથી થતો, પ્રબળ પુરુષાર્થના માર્ગથી ચલાયમાન નથી થતો, ઈત્યાદિક આધારો મંદ છે. અહીં તો સુખાતિરેકના અનુભવથી વિચલિતતા નથી એ યોગ્ય અને પ્રબળ આલંબન છે. એક શ્લોકથી ઈતર વિષય નિરોધની અપેક્ષા વિના જ ચિત્ત યોગના કેન્દ્રમાં સ્વરસવાહિતાથી નિરુદ્ધ થાય છે, અચલ થાય છે. તેથી બીજા શ્લોકમાં તે સ્થિતિની દુર્વિછેદ્યતા બતાવી છે. વળી તેમાં બતાવ્યું કે યોગ વિરતિકાળે પણ તેની જ પ્રબળ અભિલાષા રહે છે. તેથી બાહ્યસુખની અભિલાષા કે દુખાતિરેક તેને યોગમાંથી અનાસ્પંદનતા-અપ્રતિકમ્પાયમાનતા બતાવી છે. તો યોગદશામાં તો તેને યાદ કરવાની પણ વાત નથી. આથી ઉત્સાહસભર મનમાં નિશ્ચય કરીને નિરતિશય પુરુષાર્થરૂપ આ યોગ સાધકે કરવો.

યોગનો અનુભવ કરવા માટે સહુથી પહેલાં સાધકે પોતાની બુદ્ધિ એક નિશ્ચયવાળી બનાવવી જોઈએ અર્થાત્‌ મારે તો ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કામ સેવા (સેવાયોગ) કરીને જ શ્રીજી મહારાજને પામવું છે. બીજાને માટે પોતપોતાના ગમે તે માર્ગ હોઈ શકે પણ મારે માટે આ એક જ માર્ગ નક્કી છે. આવો અચળ નિશ્ચય થવો જોઈએ. તો જ નિશંકપણે એ માર્ગે ચાલી શકાય અને સફળ થઈ શકાય છે. એવી દૃઢ ગાંઠ વાળ્યા વિના સંભવિત ગુરુદુઃખોમાં અવિકમ્પ રહી જ ન શકાય અને એમ ન કહી શકાય તો સિદ્ધ થવું પણ કઠણ બની જાય. એવો નિશ્ચય કરીને સંસારનું ગમે તેટલું પ્રલોભન રસ્તામાં આવે, ભયંકર દુઃખ આવે તો પણ નિશ્ચય ન છૂટવો જોઈએ, ત્યારે તે કામ બને છે.

અનિર્વિણ્ણ મનથી કહેવાનું તાત્પર્ય એ છે કે હવે તો સમય બહુ થઈ ગયો. પુરુષાર્થ બહુ કર્યો તો પણ હજુ કાંઈ ફળ કેમ દેખાતું નથી ? બાજુના બીજા મારા કરતાં વધુ સુખી થઈ ગયા. હું એક જ એ લાભથી વંચિત રહી ગયો. મને ક્યારે શાંતિ સુખ થશે? અથવા બીજાથી વધારે કયારે પામીશ ? આ બધા અનિર્વિણ્ણ ચેતના નહિ હોવાની પ્રતિક્રિયાઓ છે. માટે સાધકે એવો પ્રબળ નિર્ણય જ લીધો હોય તો કયારેય એ માર્ગથી રસહીનતા આવતી નથી. નિષ્કંપનતા આવે છે. સાધકના મનમાં એવો ભારે ઉત્સાહ અને ચેતના રહેવી જોઈએ કે ચાહે ગમે તેટલાં વર્ષો થઈ જાય. ગમે તેટલા જન્મો થઈ જાય, (अनेकजन्म…વ.પ્ર.૧૫) ગમે તેટલાં ભયંકરમાં ભયંકર દુઃખો આવી જાય તો પણ મારે મહારાજના સેવક થાવું છે, મહારાજના અનન્ય એવા સેવકના પણ સેવક થાવું છે. બીજું જે થાવું હોય તે થાય. સાધકના મનમાં સહજ એવો (બીજાની પ્રેરણાથી કે ઉપદેશથી નહિ) વિચાર આવવો જોઈએ (કોઈ રે ઉગારે મુને કાળથી હું કોણ ને જાઈશ કિયાં વગેરે) કે મારા અનેક જન્મો થયા પણ તે તમામ નિરર્થક ચાલ્યા ગયા. કાંઈ લાભ ન થયો. અનેકવાર નરકનાં કષ્ટ ભોગવ્યાં પણ કાંઈ વળ્યું નહિ. પરમાત્માને પમાયું નહિ. માટે હવે જો આ જન્મનો પૂરેપૂરો સમય, આયુષ્ય અને પુરુષાર્થ મહારાજની સેવામાં, પ્રાપ્તિમાં લાગી જાય તો કેવી ઉત્તમ વાત બની જાય !

संकल्पप्रभवान्कामांस्त्यत्क्वा सर्वानशेषत:।

मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्तत:।।२४।।

અર્થઃ સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓ સંપૂર્ણ ત્યજી, મન વડે જ ઈન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી વશ કરી;

સાંસારિક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ વગેરેને લીધે મનમાં જે જાતજાતની સ્ફુરણાઓ થાય છે તે સ્ફુરણાઓમાંથી જે સ્ફુરણામાં સુંદરતા, આસક્તિ, આવશ્યકતા, આગ્રહ અનુભવાય તે સ્ફુરણા સંકલ્પનું રૂપ ધારણ કરી લે છે. જે બંધનનું કારણ બને છે. જેને પૂરો કરવા જીવ વિરાટ પુરુષાર્થ આદરી દે છે. જેની યોગ્ય-અયોગ્યતા કયારે જીવ તપસાતો નથી. જે પૂરો કરવાના ચક્કરમાં જ પડી જાય છે એવી જ રીતે તેનાથી ઊલટું જે સ્ફુરણામાં ‘એ વસ્તુ, વ્યક્તિ… વગેરે ઘણા ખરાબ છે. એ ખાસ કરીને અમારા ઉપયોગમાં ચાલે તેવાં નથી’ એવો વિપરીત ભાવ પેદા થઈ જાય તો પણ ‘સંકલ્પ’ બની જાય છે અને સંકલ્પ ઉત્પન્ન થયા પછી તેને વેગ અને અગ્રતા મળતાં તે ‘કામના’ બની જાય છે. ‘સ્ફુરણા’ દર્પણના કાચની જેમ હોય છે. જેમાં ચિત્ર દેખાય છે ખરું પણ કોઈથી પકડાઈ ન રહે. જ્યારે સંકલ્પ કેમેરાના કાચને સ્થાને છે. તેમાં ચિત્ર દેખાતાની સાથે સર્વાંગ સાકારપણે પકડાઈ જાય છે. એટલે સ્ફુરણા અને સંકલ્પમાં ભેદ રહેશે. સાધકે એ સાવધાની રાખવાની છે કે સ્ફુરણા તે બંધ કરી શકશે નહિ પણ જાગ્રત રહે તો તે સ્ફુરણાને સંકલ્પનું રૂપ ન પામવા દેવું, તે કરી શકાય છે. માટે અહીં બતાવ્યું છે કે समल्पप्रभवान्कामांस्त्यत्क्वा सर्वानशेषत:। सर्वान्‌- શબ્દ કહી દેવાથી જ સંપૂર્ણ કામનાનો નિષેધ થઈ જ જતો હતો તો પછી अशेषतः શબ્દ મૂકવાની જરૂર ન હતી; છતાં મૂકયો છે. તેનો અભિપ્રાય એ છે કે કેટલાકને રોકવા છતાં વારંવાર ઉદ્‌ભવતા રહે છે અને કેટલાકને (શરીર યાત્રા જેવા) યથાર્થપણે ત્યાગી શકાતા નથી તો પણ તેને છોડવા અર્થાત્‌ તેનો નિષેધ કરવો. તેની ભેળું ભળી જવું નહિ. તે મહત્ત્વનું કે જરૂરી છે, એમ માનીને તેની પુષ્ટિ ન કરવી પણ ત્યાગવાનો ઉદ્યમ તો જરૂર કરવો. તેના બીજને જ નાબૂદ કરવાં. વૃક્ષના એક બીજમાંથી જ આખું જંગલ પેદા થતું હોય છે. તેટલી તેમાં ભયંકરતા હોય છે. એ સાધકે ભૂલવું ન જોઈએ.

इन्द्रियग्रामं विनियम्य અર્થાત્‌ જે ઈન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ રૂપ, રસ અને ગંધ એ વિષયોનો અનુભવ થાય છે અને ભોગ થાય છે. તે ઈન્દ્રિયોના સમૂહનું સારી રીતે નિયમન કરી લેવું અર્થાત્‌ મનથી ઈન્દ્રિયોને તેમના પોતપોતાના વિષયોથી હઠાવી લેવાં.

‘समन्तत:’ કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે મનથી શબ્દાદિક વિષયોનું ચિંતન તો છોડવાનું જ છે પણ સાંસારિક માન, બડાઈ, આરામ આદિકમાં પણ કિચિંત્‌ માત્ર ખેંચાણ ન રહે, તે પણ જોવાનું છે ને જાગૃત રહેવાનું છે.

शनै: शनैरुपरमेद्‌बुद्धया धृतिगृहीतया।

आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत्‌।।२५।।

અર્થઃ ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે, ધીમેધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં.

સાધના કરતાં કરતાં (નિષ્કામ કર્મ યોગ કે નિષ્કામ સેવાયોગ) પ્રાયઃ સાધકોને કંટાળો આવે છે અને નીરસતા આવે છે. પોતે નિરાશ થાય છે કે, ધ્યાન કરતાં અથવા ચિંતન કરતાં કે સેવા કરતાં કરતાં આટલા દિવસો, વર્ષો થઈ ગયા પણ હજુ કાંઈ (ચમત્કાર પરચો) થયું તો નહિ તો હવે શું થવાનું છે? અને કેવી રીતે થશે? આમ નિરાશ થઈ જાય છે. અનુગામીઓને નિરાશાની પ્રેરણા આપતા હોય છે. તેને સાવધાન કરવા અને ઉત્સાહમાં રહેવા ભગવાન બતાવે છે કે સાધના કરતાં કરતાં કદાચ ફળ આવતા થોડો વિલંબ થયો તો પણ સાધકે કંટાળવું ન જોઈએ પણ ધીરજ રાખવાની છે. ‘बुद्धया धृतिगृहीतया’ શબ્દોથી ધીરજથી કામ લેવા કહ્યું છે. નાહિંમત થવાનું નથી. શ્રીજી મહારાજે વચ.ગ.પ્ર.પ્ર.૧૭માં હિંમતરહિત વાત કરવાની ના પાડી છે. સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જે ઉત્સાહ હોય છે તેવોને તેવો ઉત્સાહ વિફળતા સમયે પણ રહેવો જોઈએ. તેને ‘धृतिगृहीतया’ પદથી કહ્યું છે. વર્ષોના વર્ષો વીતી જાય, શરીર છૂટી જાય તો પણ નિર્ણય ન છૂટે. (अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्‌) (૬/૪૫) તેવો અર્થ વ્યંજિત થાય છે. કારણ કે એ કાર્યથી ચડિયાતું બીજું કોઈ કાર્ય છે જ નહિ. शनै: शनै: उपरमेत्‌ ઉપરામ થવામાં ઉતાવળ ન કરવી; પરંતુ ધીરે ધીરે બુદ્ધિપૂર્વક ઉપાયો કરીને ભોગના મૂળ ઉખેડી નાખવા અને શૂન્ય સમતાને ધરીને જગત થકી ઉપરતિ પામવી.

આગળના શ્લોકમાં કામનાઓનો ત્યાગ, ઈન્દ્રિયનું સંયમન કર્યા પછી અહીં ઉપરામ થવાની વાત ભગવાન બતાવે છે. તેનું તાત્પર્ય એ છે કે ત્યાજ્ય વસ્તુનો ત્યાગ કરી લીધા પછી પણ તે ત્યાજ્ય વસ્તુની સાથે આંશિક દ્વેષનો ભાવ રહી જાય છે અથવા રહી શકે છે. તે દ્વેષભાવને પણ હઠાવવાને માટે અહીં ઉપરામ થવાનું બતાવે છે. સાધકની ભૂલ એ થતી હોય છે કે જે સમયે તે પરમાત્માનું ધ્યાન કરવા બેસે છે, તે સમયે સાંસારિક વસ્તુની યાદ આવતાં તેનો વિરોધ કરવા લાગે છે અથવા નિષ્કામ સેવાનો ઉદ્દેશ્ય નક્કી કરતાં અને રસ્તે ચાલતાં તેને આંતરિક અને બાહ્ય વિરોધો-વિઘ્નો ઘણાં આવે છે તો તે વિરોધી પરિબળનો દ્વેષ કરવા લાગી જાય છે. માનસમાં તેના પ્રત્યે પ્રતિયોગીકતા બંધાઈ જાય છે. આમ વિરોધ કરવાથી પણ સાંસારિક વસ્તુનો પોતાની સાથે સંબંધ બંધાઈ જાય છે. (આ સંબંધ નકારાત્મક હોય છે.) તેનો રાગ કે આદર કરવાથી પણ તેની સાથે સંબંધ બંધાઈ જાય છે. મુમુક્ષુ સાધકનું ધ્યેય તેના સંબંધથી છૂટવાનું હોવું જોઈએ. કેટલી તાકાતથી તેમાં વિરોધ બતાવી શકીએ છીએ એ ન હોવું જોઈએ. તેમ કરવાથી સમાજમાં (ધાર્મિક સમાજમાં) પ્રશંસિત થવાય છે પણ સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થતો નથી. આથી સાધકે ન તો તેનો વિરોધ કરવો અને ન તો તેમાં રાગ કરવો પણ તેની ઉપેક્ષા કરવી. તેની સાથે સંબંધ વિચ્છેદ કરવો અને તેથી જ બતાવ્યું કે, ‘न किञ्चिदपि विचिन्तयेत्‌’. નહિ તો તમામ સંકલ્પોનો ત્યાગ કરવો, ઈદ્રિયનું વિનિયમન કરવું (समन्तत🙂 પછી બાકી શું બચે છે કે न विचिन्तयेत्‌ કહેવું પડે ? ત્યારે એવો પણ અર્થ ન લઈ શકાય કે, તમામ ચિંતન એટલે આત્મા કે પરમાત્માનું કોઈ પણ ચિંતન ન કરવું. એવું શક્ય નથી. કારણ કે શ્લોકમાં જ ‘आत्मसंस्थं मन: कृत्वा’ નો ઉલ્લેખ કર્યો છે તો न किञ्चिदपि विचिन्तयेत्‌ કહેવાનો હેતુ શો હોઈ શકે? તેનો હેતુ ઉપર ચર્ચા કરી તેમ દ્યજ્ઞર રુખધ્ટણ પણ ન થવું જોઈએ પણ વિરામ પામવાનો છે.

સાધકે એક વસ્તુ ખૂબ વિવેકપૂર્વક વિચારવાની છે કે આ સંસારમાં શુભાશુભ અનેક વસ્તુઓ છે. તેમાં પણ સાધકને ઉપયોગી અનુપયોગી કે વિરોધ કરનારી અનેક વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટના પરિસ્થિતિઓ હોવાની જ છે. તેમાં પોતાને સાનુકૂળ હોય તેને ટકાવી રાખવાની, સઘંરી રાખવાની કે રાગ કરવાની ચેષ્ટા કરવી તે ભૂલ છે. તેવું શક્ય નથી બનતું અને પ્રતિકૂળ પરિસ્થિતિનો નાશ કરવો, હટાવી દેવી, તે માટેનો ઉદ્યોગ કરવો એ પણ ભૂલ છે. તે બન્નેથી અંતરમાં ઉપરામ પામવું, સંબંધ વિચ્છેદ કરવો તે સાધકનું કર્તવ્ય છે. आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि विचिन्तयेत्‌ એટલે ભગવાનનું પણ ચિંતન ન કરવું-એ સાચી યોગની અવસ્થા છે, એવું માનવાનું નથી. આગળના શ્લોકોમાં તો પોતાની તમામ શક્તિ લગાડીને જોડાવા ઉપર ભાર દેવામાં આવ્યો છે. તુરત તેને યાદ પણ ન કરવી, એ યોગ્ય ન થાય માટે ઈતર કાંઈ પણ ચિંતન ન કરવું. એક પરમાત્માનું જ ચિંતન કરવું. તેને તો યોગ કહેવામાં આવ્યો છે. સમાધિ કહેવામાં આવી છે.

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम्‌।

ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्‌।।२६।।

અર્થઃ ચંચળ તથા અસ્થિર મન જે જે (કારણ)થી બહાર નીકળી જાય, તે તે (કારણ)થી તેને રોકી આત્મામાં જ વશ કરવું.

સાધકો જે ધ્યેયને પામવા સાધના આદરે છે, તે ધ્યેયકેન્દ્રમાં આ મન ટકતું નથી કે રોકાતું નથી. આથી તેને ‘અસ્થિર’ કહેવામાં આવ્યું છે. વળી આ મન અનેક પ્રકારના ભોગમાં સરી પડે છે, કૂદી પડે છે અને ભોગો તથા ભોગોપયોગી પદાર્થનું ચિંતન કરવા લાગી જાય છે. માટે તેને ‘ચંચળ’ કહ્યું છે. તાત્પર્ય એ છે કે આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે અને ન તો ભોગનો ત્યાગ કરી શકે છે. એટલા માટે આ મન જ્યાં જ્યાં જાય અર્થાત્‌ જે જે ઈન્દ્રિયો દ્વારા જાય તથા જે જે વિષયોમાં જાય, વળી જ્યારે જાય ત્યારે તેને તે તે ઈન્દ્રિયોના વિષયથી પાછું વાળીને ત્યારે ત્યારે પરમાત્માના સ્વરૂપમાં જોડવું. આ અસ્થિર મનના નિયમન કરવામાં સાવધાની રાખવી. ગાફલાઈ ન રાખવી. કારણ કે ભાગવતમાં કહ્યું છે કે न कुर्यात्‌ कर्हिचित्‌ सख्यं मनसि ह्यनवस्थिते:।

મન જ્યાં જ્યાં જાય ત્યાંથી હઠાવીને પોતાના ધ્યેય, પરમાત્મામાં જોડવું. ફરીથી ચાલ્યું જાય તો ફરીથી પાછું વાળીને જોડવું પણ થાકી ન જવું. સંકલ્પોને જોઈને ગભરાઈ ન જવું. તે સંકલ્પને દૂર કરવાના અને ભગવાનમાં સ્થિર કરવાના ઉપાય કરવા.

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम्‌।

उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम्‌।।२७।।

અર્થઃ કેમ કે અતિ શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.

ભગવાન મનને વશ કરવા માટે ફરી ઉપાય બતાવી રહ્યા છે. તેનો ક્રમ એવો છે કે યોગ कल्मषनिवृत्ति (अकल्मषम्‌) रज:शान्ति (प्रशान्तमरजसम्‌) मनोनैश्चल्य (प्रशान्तमनसम्‌) ब्रह्मभाव તેના કોઈ જગ્યાએ आत्मन्यस्तमनसम्‌ એ યોગ શબ્દની જગ્યાએ ક્રમમાં મૂકવામાં આવે છે. તેથી ઉત્તમ સુખની અર્થાત્‌ ‘દુઃખ સંભવે’ રહિતનું ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.

અહીં अकल्मषम्‌ નું લક્ષ્ય છે, તમોગુણ નાશ. અર્થાત્‌ તમોગુણ અને તમોગુણની અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ (૧૪/૧૩)ની વૃત્તિઓનો નાશ થઈ જાય છે. એવા યોગીને અકલ્મષ કહ્યો છે.

જ્યારે शान्तरजसम्‌ થી રજોગુણ અને રજોગુણની લોભ પ્રવૃત્તિ, નવાં નવાં કર્મોમાં લાગવું, અશાંતિ અને સ્પૃહા (૧૪/૧૨) એ વૃત્તિઓ શાંત થઈ ગઈ છે તેને માટે કહ્યો છે.

તમોગુણ, રજોગુણ અને તેમની વૃત્તિઓ શાંત થઈ ગઈ છે, ત્યારે તેનું મન સ્વભાવિક શાંત થઈ જાય છે. તેની તમામ પ્રાકૃતિક પદાર્થોથી તથા સંકલ્પ વિકલ્પોથી પણ ઉપરતિ થઈ ગઈ છે. એવા સ્વાભાવિક શાંત મનવાળા યોગીને અહીં प्रशान्तमनसम्‌ કહેવામાં આવ્યો છે. પ્રશાંત કહેવાનો અભિપ્રાય એ છે કે સાધક મન સાથેનો મારાપણાનો સંબંધ પણ વિચ્છેદ કરી નાખે છે. જેથી ફરી ઉત્પાત જાગે નહિ. એવી સ્થિતિમાં શાંત મનવાળો એવા અર્થને બતાવે છે. અહીં પચીસ-છવ્વીસ શ્લોકમાં જે સાધના કરવાની સાધકને બતાવી છે, તેને બતાવવા ‘एनम्‌’ પદનો ઉપયોગ કર્યો છે. ત્રેવીશમા શ્લોકમાં ‘स निश्चयेन योक्तव्यो’ શબ્દોથી જે અભ્યાસ કરવાની ઉત્તમ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. તેમાં સંદેહ રહિતતા બતાવવા ही શબ્દ બતાવ્યો છે. सुखमुपैति થી તે સુખ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. તેને માટે અલગ પ્રયાસ કરવો પડતો નથી તેમ બતાવ્યું છે.

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष:।

सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते।।२८।।

અર્થઃ એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.

एवं શબ્દથી योगी युञ्जीत (૬/૧૦)થી જે પ્રક્રિયા બતાવી તેનું સંકલન કરીને એવું બતાવી રહ્યા છે. લક્ષિત સ્થિતિને પ્રાપ્ત કરવા માટેનો વારંવાર પ્રયત્ન કરવો; પુરુષાર્થ કરવાને અભ્યાસ કહેવાય છે. એવો અભ્યાસ કરતાં સાધકના રાગ શાંત થતાં તેમના તમામ કલ્મષો નાશ પામી જાય છે. ત્યારે ब्रह्मसंस्पर्शमत्यन्तं અહીં અનુભવ અર્થને બતાવનારો છે અર્થાત્‌ આવો અભ્યાસ જ્યારે સાધક કરે છે, ત્યારે તેને પરમાત્માની પ્રાયઃ પ્રત્યક્ષ અનુભૂતિ થવા લાગે છે. તે પણ અનાયાસથી અને અનવધિકાતિશય જે પરમાત્માના સ્વરૂપનું સુખ તેનો અનુભવ-આનંદ અનુભવાય છે.

सर्वभूतस्थमात्मानं सर्वभूताति चात्मनि।

ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन:।।२९।।

અર્થઃ યોગયુકત અંતઃકરણવાળો અને બધે સમદૃષ્ટિવાળો બધાં પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં બધાં પ્રાણીઓને (રહેલાં) જુએ છે.

આ અધ્યાયમાં અત્યાર સુધી યોગાભ્યાસ વિધિ બતાવ્યો. आत्मलाभसुखं यावत्‌ तावत्‌ ध्यानमुद्रासनम्‌ ધ્યેય સિદ્ધિપર્યંત ધ્યાનાભ્યાસ બતાવવામાં આવ્યો છે, પછી સ્થિતિની શરૂઆત થાય છે. હવે ચાર શ્લોકથી યોગીઓની સાધકોની ચાર પ્રકારની સિદ્ધ દશાઓ વર્ણવી રહ્યા છે. ગીતાની દૃષ્ટિએ ‘સમદર્શીપણુ’ યોગની વિપાકતા છે. તે જુદા જુદા અનુસંધાનથી સાધકમાં તેના તારત્મ્યતાથી તેનો ક્રમ થાય છે. તેમાં પ્રથમ સિદ્ધદશાનું વર્ણન કરતાં કહે છે કે ‘सर्वत्र समदर्शन:’ તે સાધકને સમદર્શન પ્રાપ્ત થયું છે. તે આત્મતત્ત્વના પરિચય પ્રધાન સમદર્શન પ્રાપ્ત થયું છે. તેને આત્મતત્ત્વ શું છે? અને તેનો સ્વાદ કેવો છે? તે અનુભવ પ્રાપ્ત થઈ ગયો છે. તેથી આત્મતત્ત્વનો ઊંડો અનુભવ થતાં બધી જ જગ્યાએ સમાન આત્મતત્ત્વ દેખાય છે. ભેદ છે તે તો પ્રકૃતિના સામ્રાજ્યમાં છે. દેવ, મનુષ્ય, પશુ આદિકના શરીરોમાં છે પણ આત્મતત્ત્વ તો જે દેવતા છે તે પશુઓમાં પણ છે અને તે પોતાની અંદર પણ છે. જેને પોતાના આત્મસ્વરૂપનો અનુભવ અને પરિચય થઈ ગયો છે, તેના માધ્યમથી તે બીજાના ચૈતન્ય તત્ત્વની પણ ઝાંકી ‘સ્થાલીપુલાક’ ન્યાયથી કરી લે છે. જેમ એક તપેલીમાં રાંધવા માટે મૂકેલો ભાત જ્યારે પૂર્ણ પાકી જાય. ચડી જાય ત્યારે પકાવનારો તપાસ કરે અને વચ્ચેથી કોઈ એક દાણો લઈને દબાવે. જો ચડી ગયો હોય તો તેને ખ્યાલ આવી જાય કે બધો જ ભાત ચડી ગયો છે. બધા જ દાણા આવા ચડી ગયા છે. તેમ પોતાનું આત્મતત્ત્વ સારી રીતે અનુભૂતિમાં આવી ગયું, ત્યારે તમામ આત્મતત્ત્વનું જ્ઞાન થઈ જાય છે અને તેને તમામ આત્મામાં સમાનતા ભાસે છે. તે દેવ, મનુષ્યાદિ રૂપે નથી દેખાતા પણ ચૈતન્ય આત્મતત્ત્વ રૂપે દેખાય છે. જો એવો અર્થ ન લઈએ તો આત્મા તો અણુ સરખો સૂક્ષ્મ છે તો બીજા આત્માનો આધાર કેમ થઈ શકે ? વળી અનેક પ્રકારે સૃષ્ટિમાં વિખરાયેલા આત્મામાં પોતાના એક અણુ આત્માને સ્થાપિત કેમ કરવો ? માટે તે શક્ય નથી. વ્યાપક માને તો પણ શક્ય નથી. માટે સ્વરૂપ સામ્યદર્શનરૂપ સ્થિતિ જ કહેવાનો આશય છે અને તે રૂપસ્થિતિ તે પ્રથમ સ્થિતિ છે.

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति।

तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति।।३०।।

અર્થઃ જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને અદૃશ્ય રહેતો નથી.

દેવતા, મનુષ્ય, પશુ આદિક પ્રકૃતિના પરિણામથી થતા ભેદનું નિરાકરણ કરીને ચૈતન્ય દ્રવ્યપણે એકરૂપતા-સમતા દર્શન ૨૯મા શ્લોકમાં બતાવ્યું. હવે આ શ્લોકમાં દેવતા, મનુષ્ય, પશુ આદિકના કારણભૂત પુણ્ય-પાપથી રહિત થતાં પરમાત્મા સામ્યતા પ્રાપ્ત થાય છે-तदा विद्वान्‌ पुण्यपापे विधूय निरञ्जन: परां साम्यमुपैति। (મું.૩-૧-૩) તેથી અહીં આ શ્લોકમાં પણ સમદર્શન સ્થિતિ તો છે પણ ૨૯મા શ્લોક કરતાં થોડી વધારે વિપાકદશાની છે અને તે એ પ્રકારની છે કે સાધક નિષ્કામ કર્મયોગી કે નિષ્કામ સેવાયોગી જ્યારે पुण्यपापे विधूय એ સ્થિતિને પામે છે ત્યારે તેને પરમાત્મા સાથે એટલા ભાગમાં સામ્યતા અનુભવાય છે. તેથી તેને પોતાનામાં પોતાના અંતર્યામીનું સ્પષ્ટ દર્શન થાય છે અને એ ન્યાયે તેને બીજા આત્માઓના અંતર્યામીરૂપે પણ સ્પષ્ટ દર્શન થાય છે. अन्योन्य साम्यादन्यतरदर्शनेन अन्यतरदपीदृशमिति पश्यति। પોતાને આત્મામાં પરમાત્માનું દર્શન થયું છે. બીજા બધા જ આત્મા પોતા જેવા જ છે, તેથી તે આત્માઓને જોતાં પરમાત્માની પણ યાદ આવી જાય છે. આમ તેને પરમાત્મદર્શન-સમદર્શન થાય છે. કારણ કે આ શ્લોકમાં વર્ણિત સ્થિતિને પ્રથમના શ્લોકમાં વર્ણવેલ સ્થિતિના પરિપાકરૂપે કહી છે. તદ્દન ભિન્ન અલગ પ્રકારની નથી. તેથી આત્માનુસંધાન તો પ્રથમ પક્વ થયું જ હતું પણ હવે અંતર્યામીનું અનુસંધાન પક્વ બને છે માટે અંતર્યામી તો બધાના એક જ છે, તેથી બધામાં તેને એકત્વ દર્શન-સમદર્શન થાય છે. આ શ્લોકમાં વર્ણિત સમદર્શન એ પ્રથમ શ્લોકમાં વર્ણિત સમદર્શન કરતાં જુદું છે. તેના પરિપાકરૂપ છે. પરમાત્માની છાયાથી ભરપૂર છે. પેલું સમદર્શન તો હતું જ પણ આત્મતત્ત્વની છાયાવાળું હતું. તેથી આ સમદર્શન તેનાથી પ્રશસ્ત સ્થિતિનું છે.

ભગવાન કહે છે, તેને હું न प्रणश्यामि અદર્શન થતો નથી. અહીં णश्‌-अदर्शने ધાતુપાઠથી प्रणशन નાશના અર્થમાં નથી પણ અદર્શનના અર્થમાં પ્રયોગ થયો છે અને નાશ તો શક્ય પણ નથી. તેથી ભગવાન કહે છે કે, એવી સ્થિતિવાળા યોગીને બીજાના હૃદયમાં પણ મારી ઉપસ્થિતિ અજાણ રહેતી નથી. મને સાક્ષાત્‌ દેખે છે. તેવો ભક્ત મને સાક્ષાત્‌ મને સર્વત્ર દેખે છે. હું નિરંતર તેની સામે જ રહું છે.

વળી ભગવાન કહે છે, હું પણ તેને બધી જગ્યાએ દેખું છું. ત્યારે કોઈને શંકા થાય કે, ભક્ત છે તે ભગવાનને સર્વત્ર દેખે છે તે તો પ્રમાણિત ગણાય પણ ભગવાન ભક્તને બધે કેમ દેખે? તો પરમાત્માનો નિયમ છે કે ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्‌। (૪/૧૧) તાત્પર્ય એ થયું કે ભગવાનને પણ તેમાં એવી આત્મીયતા થઈ જાય છે, પામી જાય છે કે, તે પણ જ્યાં હોય ત્યાં એ ભક્તની સ્મૃતિને ભૂલી શકતા નથી અને લોકમાં પણ એવું જોવા મળે છે. જેનો જીવ જે સાથે વધુ મળી જાય તો તેની હાજરી ન હોય તો પણ તેના મગજમાં તે છવાયેલો રહી શકે છે. એમ ભગવાન કહે છે હું પણ તેને બધી જ જગ્યાએ અર્થાત્‌ સર્વકાલ યાદ કરું છું.

અહીં એક શંકા થાય છે કે ભગવાનને માટે તો કોઈ અદૃશ્ય નથી वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन। भविष्याणि च भूतानि (૭/૨૬) એનું સમાધાન એ છે કે ભગવાનને માટે તો કોઈ પણ અદૃશ્ય નથી તો ભક્ત અદૃશ્ય કેમ હોઈ શકે? તો પણ ભક્ત ભગવાનને બધી જ જગ્યાએ દેખે છે. તેના ભાવને કારણે (પ્રતિભાવને કારણે) ભગવાન પણ તેને બધી જગ્યાએ દેખે છે; પરંતુ ભગવાનથી જે વિમુખ થઈને સંસારમાં આસક્ત થઈ રહ્યા છે તેને માટે ભગવાન અદૃશ્ય રહે છે. ‘नाहं प्रकाश: सर्वस्य (૭/૨૫) આથી તેના પ્રતિભાવને અનુસંધાને ભગવાનને પણ તે યાદ આવતો નથી એ દૃષ્ટિએ તે ભગવાનથી અદૃશ્ય રહે છે. બાકી ભગવાનને તો ભક્ત કે અભક્ત સચરાચરમાં કોઈ અદૃશ્ય હોતું નથી.

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित:।

सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते।।३१।।

અર્થઃ એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે, સર્વ પ્રકારે વર્તે, તો પણ મારામાં વર્તે છે.

પ્રથમ શ્લોકથી ચૈતન્ય દ્રવ્યાનુસંધાનથી સમદર્શન કહ્યું. ત્યાર પછી અકર્મવશ્યત્વાનુસંધાનથી પરમાત્મસામ્ય અને સવર્ણ પરમાત્માનું પ્રધાનપણાના અનુસંધાનથી પરમાત્મદર્શનરૂપી સમદર્શન બતાવ્યું. હવે આ ત્રીજા શ્લોકથી असंकुचितज्ञानाकारत्व साम्यानुसंधानम्‌ બતાવે છે. અર્થાત્‌ આગળના શ્લોકમાં જે સામ્યદર્શન બતાવ્યું છે તેને કેવળ બુદ્ધિમાં અનુસંધાન કરવાની સ્થિતિ છે. અહીં પ્રેકટીકલ જીવનમાં પણ તે જ્ઞાનાનુસંધાન કહે છે. તેથી ‘भजति’ શબ્દ પ્રયોગ કર્યો છે. ‘पश्यति’ શબ્દ ‘દૃશ્‌ (પશ્ય) દર્શને ધાતુ જ્ઞાનાત્મક દર્શન જ્ઞાનના અર્થમાં વેદાંતમાં વપરાય છે. ‘भज्‌’-ધાતુ તેવા કેવળ જ્ઞાન અર્થમાં પ્રયોગ થતો નથી, પેલો માન્યતા સાથે વધારે સંબંધવાળો છે. જ્યારે ‘भज्‌’-ધાતુ, જીવન જીવવા સાથે વધારે સંબંધ ધરાવે છે. તેથી ધ્યાનકાળમાં જે દર્શન થયું છે, તે વ્યુત્થાન દશામાં પણ જેમનું તેમ રહે છે એ આ દશાની વિશેષતા છે. મોટે ભાગે સાધકને ધ્યાનમાં સમાહિત દશામાં ઘણી ઊંચી સ્થિતિ અનુભવાય પણ વ્યુત્થાન દશામાં કે વ્યવહાર દશામાં કે કહો કે ભોગ દશામાં તે બધું ઝાંખું પડી જાય છે; પરંતુ અહીં બતાવ્યું છે કે ‘सर्वथा वर्तमानोऽपि સંપૂર્ણ વ્યવહાર દશામાં પણ स योगी मयि वर्तते તેમને સમાધિ દશામાં જ જેમ તેમ ભૂલતો નથી. તેવું જ વિશદ દર્શન જાગ્રતમાં પણ રહે છે અને તે પણ એકત્વ-સમત્વ-અનુભૂતિનું જ પરિણામ છે. એવા અભિપ્રાયથી ભગવાન બતાવે છે.

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।

सुखं वा यदि वा दु:खं स योगी परमो मत:।।३२।।

અર્થઃ હે અર્જુન ! જે સર્વ (પ્રાણીઓ)માં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ છે, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે.

હવે आत्मयोग ની છેલ્લી વિપાક દશા આ શ્લોકથી કહે છે. સર્વત્ર કોમળ લાગણીથી સમદર્શન કરવું એ અલગ છે અને સર્વત્ર आत्मौपम्य થી સમદર્શન કરવું એ અલગ છે. જેમ માતાને ચાર પુત્રો હોય તે નાના મોટા હોય પણ માતામાં ‘આ મારા સંતાનો છે’ તેવું સમતા દર્શન હોય છે. તેમનું હિત કરવામાં સમતા દર્શન હોય છે. તેથી એવું ન કહી શકાય કે તેને आत्मौपम्य સમદર્શન છે. તે કયારેક ન પણ હોય, ને હોઈ શકે પણ ખરું.તે ક્યારે ખબર પડે ! તો કયારેક અતિ સંકટ આવી પડે, પ્રાણસંકટ આવી પડે ત્યારે ખબર પડે. વાંદરીને તેનું બચ્ચંુ ખૂબ વહાલું હોય છે. તે હંમેશા છાતીએ લગાવીને જ ફરતી હોય છે. ત્યાં સુધી કે કદાચ બચ્ચું મૃત્યુ પામે ને મૃત શરીર ગંધાવા લાગે તો પણ છોડતી નથી. દક્ષિણ ગુજરાતમાં ઉનાળાના તાપમાં આંબાના બગીચામાં વાંદરા નુકસાન કરે એટલા માટે તેને ચારે બાજુથી ભગાડવામાં આવે. નીચે મુલાયમ રસ્તાની માટી ખૂબ જ તપી ગઈ હોય બીજે કયાંય પેલા બેસવા ન દે અને રસ્તાની ઘુડ્ય ધગેલ હોવાથી બેઠક દાઝી જાય, વાંદરી ખૂબ વિહ્‌વળ બની જાય. ત્યારે વાંદરી છાતીથી બચ્ચાને ઉખેડી જમીન ઉપર રાખી દે ને તેની ઉપર બેસી જાય. આમ તેને બચ્ચંુ વહાલું ખૂબ છે પણ आत्मौपम्य ન ગણાય. આગળના શ્લોકની અને આ શ્લોકની યોગ સ્થિતિમાં આટલો ફેર છે. प्रबलदु:ख हेत्वागमेऽपि निर्विकारत्वापादिका’ આ યોગદશા છે. આત્માની આ યોગદશા ‘सुखदु:खतारतम्य निवृत्यनुसन्धानरुपा’ છે. અર્થાત્‌ યોગી યોગના સ્વાદના બળે પોતાના સુખ-દુઃખમાંથી નિવૃત્ત કેટલો થઈ શકે છે તો જ તે બીજાનાં સુઃખ-દુઃખ યથાર્થ અનુભવી શકશે. ભગવાનના ભક્તો પ્રત્યે ‘आत्मौपम्य’ની લાગણી અનુભવી શકશે અને તે

आत्मयोग છેલ્લી દશા છે.

અહીં ચાર શ્લોકથી ચાર પ્રકારની યોગદશા કહી છે. તે આત્મયોગની સ્થિતિ છે, પરમાત્મયોગની નહિ. અર્થાત્‌ દેહાદિક થકી આત્મા પોતાને પૃથક કેટલો અનુભવી રહ્યો છે, તેની કસોટીના રૂપમાં બતાવી છે. પરમાત્માનો યોગ તો ગીતામાં હજુ આગળ કહેવાશે. તેથી આ ચારે શ્લોકમાં ‘ब्रह्मतद्‌ गुणसम्बन्धेन इतर असम्बन्धेन च साम्यं श्लोकचतुष्टयेनोक्तम्‌’ જીવાત્મામાં, સાધકમાં બ્રહ્મદશાના ગુણો કેટલા આવ્યા અને પ્રકૃતિનો સંબંધ પણ કેટલો ટળ્યો તેના માપથી આ ચારે સ્થિતિઓ બતાવી છે. તેમ પણ ‘श्लोकद्वयेन साम्यानुसंधानोक्ति:’ પ્રથમના બે શ્લોકથી બુદ્ધિમાં સામ્યાનુસંધાનની વાત છે. જ્યારે પછીના બે શ્લોકથી ‘दृढतर दृढतम साम्यानुसन्धान फल’ તે માન્યતા જીવમાં ઊંડે કેટલી ઊતરી છે તે તેની જીવનની ઉપરની સપાટીના ચિહ્નો પરથી માપવા માટે ચેષ્ટાઓમાં બતાવી છે.