ગી.અ-14, શ્લોક 19 to 27

શ્લોક ૧૯-૨૭

ભગવત્પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતીત પુરુષનાં લક્ષણો

नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति।

गुणेभ्यश्व परं वेत्ति मद्‌भावं सोऽधिगच्छति।।१९।।

અર્થ : જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા નથી દેખતો-સમજતો અને એ ત્રણેય ગુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમજે છે. ત્યારે તે પુરુષ મારા સ્વરૂપને પામે છે. ।।૧૯।।

नान्यं गुणेभ्य: જ્યારે આહારશુદ્ધિ કરતાં કરતાં તથા નિષ્કામ કર્મયોગ અર્થાત્‌અનભિસંહિત ફલાનુસંધિત કર્મો કરવા દ્વારા રજોગુણ તમોગુણને સર્વ પ્રકારે દબાવીને ઉત્કૃષ્ટ સત્ત્વનિષ્ઠ થયેલો સાધક ગુણો સિવાય અન્યને કર્તા જોતો નથી.

-વિવેક પ્રવૃત્તિ, રાગ પ્રવૃત્તિ, મોહ પ્રવૃત્તિનું કર્તૃત્વ ત્રિગુણને આશ્રયે રહે છે. જ્યારે પ્રયત્નાશ્રયપણું-ચેતનને આધારે રહે છે. ‘પ્રયત્નને સીધો આત્મકલ્યાણના ઉદેશ્ય, લક્ષ્ય સાથે જોડી દેવામાં આવે તો ગુણોની અસર ધીરે ધીરે ઓગળી જઈને मद्‌भावं, मम साधर्म्य, अमृतत्व ને પામી જાય છે-

જે ગુણોને જ કર્તા દેખે છે અને गुणेभ्यो परं वेत्ति ગુણોથી પર એવા આત્માને અકર્તા જાણે છે. તે मद्‌भावम्‌ अधिगच्छति ‘તે’ મારા ભાવને પામી જાય છે. તાત્પર્ય એવું થાય છે કે પ્રયત્નના આશ્રયભૂત એવું કર્તૃત્વ એ પુરુષ ધર્મ છે, ચૈતન્ય ધર્મ છે. જ્યારે પૂર્વકર્મ મૂળ ગુણોના સંગ(રાગ પૂર્વકની એકતા)ના નિમિત્તે થયેલા કર્મમાં વિવિધતાનું કર્તૃત્વ ગુણો દ્વારા થયેલું છે. કારણ કે આત્મા સ્વતઃ પરિશુદ્ધ સ્વભાવવાળો છે. તેથી ગુણાશ્રય પ્રવૃત્તિનો તે અનાશ્રય રહે છે. અર્થાત્‌ગુણાશ્રય પ્રવૃત્તિનો અકર્તા અને પ્રયત્નવૃત્તિના આશ્રયરૂપ કર્તા જીવાત્મા છે. ગુણાશ્રય પ્રવૃત્તિ અર્થાત્‌કર્મમાં વિવિધતાનો આશ્રય ગુણો છે. કર્મોમાં વૈવિધ્ય ગુણોને આભારી છે. ચૈતન્યને આધારિત અને આભારી નથી. गुणेभ्यश्च परं वेत्ति मद्‌भावं सोऽधिगच्छति। અહીં ભગવાન એક બીજો ઈશારો પણ સ્પષ્ટ કરે છે કે જીવ અને પરમાત્મામાં ભેદ છે. ગુણોથી પર પોતાને-ચૈતન્યને જાણે છે ત્યારે ભગવાન કહે છે કે, તે મદ્‌ભાવને પામી જાય છે. જો ગુણોથી પર થતા આત્મા-પરમાત્માનો ભેદ બચતો ન હોય અને લુપ્ત થઈ જતો હોત તો ભગવાન એવું કંઈક વાક્ય બોલત કે ‘अकर्तृत्वज्ञानवान्‌ अहं भवामि’ હું અકર્તૃત્વજ્ઞાનવાળો બની જાઉ પણ એવું વાક્ય ન કહીને ગુણોથી પર થયા પછી પણ ભગવાન કહે છે, તે જાણનારો મારાભાવને પામી જાય છે. તેથી સ્વરૂપ ઐકય, ભ્રમને ભગવાન પોતાના વાક્યથી જ દૂર કરે છે. હવે અહીં એક શંકા થાય છે કે, ગુણોનું કર્તૃત્વ છે તે યોગ્ય નથી. કારણ કે જો આત્મા-ચૈતન્યને અકર્તા માનીશું તો ‘कर्ता शास्त्रार्थवत्वात्‌’(ब्र.२.३.३३) શાસ્ત્ર સાથે વિરોધ આવશે. તેનું સમાધાન ભાષ્યકારે કર્યું કે, પુણ્ય પાપરૂપ કર્મોમાં અને લૌકિક(પ્રકૃતિ મંડળના અંદરના અનુસંધાનવાળા તમામ) કર્મોમાં કર્તૃત્વનો આશ્રય ચેતન નથી.(તે તેનો સ્વભાવવિક નથી) પરંતુ મૂળ પ્રયત્નાશ્રયત્વરૂપ જે કર્તૃત્વ એ ચેતન આધારિત છે. આનાથી પર શબ્દ અહીં ચૈતન્ય આત્મા પરત્વે જ લેવાનો છે, પરમાત્માના અર્થમાં લેવાનો નથી. તેથી સાંસારિક સાત્ત્વિક, રાજસ તામસ ભાવમાં ગુણોનું કર્તૃત્વ પ્રાપ્ત થાય છે. પ્રયત્નાશ્રયત્વમાં ચેતનનું કર્તૃત્વ પ્રાપ્ત થાય છે. આવો વિવેક સાક્ષાત ‌કરીને ગુણોનો સંબંધ વિચ્છેદ કરી લે છે. તે ‘मम साधर्म्यमागता:’ કે ‘मद्‌भावम्‌ अधिगच्छति’ પણાને પામી જાય છે.

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्‌भवान्‌।

जन्ममृत्युजरादु:खैर्विमुक्तोऽमृतमश्नुते।।२०।।

અર્થ : દેહી-જીવાત્મા દેહના કારણભૂત એ ત્રણેય ગુણોને ઉલ્લઘંન કરીને ગુણાતીત થઈને જન્મ, મૃત્યુ, જરા એ આદિક દુઃખોથી વિમુક્ત થઈને અમૃતને-મોક્ષને પામે છે. ।।૨૦।।

गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्‌भवान्‌ ઓગણીસમાં શ્લોકમાં બતાવ્યું કે ગુણોથી પર થતા તે ભગવદ્‌ભાવને પામી જાય છે તો તે ભગવદ્‌ભાવ કયા પ્રકારનો છે તે આ શ્લોકથી બતાવે છે.

જો કે વિવેક કુશળ(આત્મા અનાત્માના) મનુષ્યોને દેહની સાથે સંબંધ નથી હોતો તો પણ લોકોની દૃષ્ટિએ તે દેહવાળા હોવાથી देही એવો શબ્દ પ્રયોગ કર્યો છે. અત્યાર સુધી આ અધ્યાયમાં પાંચથી અઢાર શ્લોક સુધી જેમનું વર્ણન થયું છે. એ ત્રણે ગુણોને માટે અહીં एतान्‌ त्रीन्‌ गुणान्‌ શબ્દો વાપર્યા છે. આત્મા અનાત્માના વિવેક કુશળ મનુષ્યો આ ત્રણે ગુણોનું અતિક્રમણ કરીને રહે છે. અર્થાત્‌એમની સાથે પોતાનો સંબંધ માનતા નથી જે પ્રકૃતિમાંથી આ ગુણો ઉત્પન્ન થાય છે, તે પ્રકૃતિ સાથે પણ પોતાને કોઈ સંબંધ નથી તો પછી ગુણો સાથે તેનો સંબંધ કેવી રીતે હોઈ શકે? देह समुद्‌भवान्‌ ગુણોનું તાત્પર્ય છે દેહાકાર પરિણત થયેલી પ્રકૃતિ समुद्‌भवान्‌ ગુણો છે. જ્યારે સાધક આ ત્રણે ગુણોનું અતિક્રમણ કરી જાય છે, ત્યારે તેને જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી રહેતું. તે દુઃખોથી તે છૂટી જાય છે; પરંતુ ચૈતન્યની વૃત્તિ એક સમાન રહે છે. પોતે તેનાથી અસંગ છે. ચૈતન્યનો કદી જન્મ થતો નથી અને તેનું મૃત્યુ પણ નથી. કારણ કે જેનો જન્મ થાય છે તેનું જ મૃત્યુ થાય છે અને તેની જ વૃદ્ધાવસ્થા આવે છે. જેને ગુણોનો સંગ છે તેને જ જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના ગુણો અનુભવાય છે. જે વિવેકદૃષ્ટિથી ગુણોથી નિર્લિપ્તતા કેળવે છે તેને સ્વાભાવિક અમરતાનો અનુભવ થાય છે. દેહની સાથે એકતાનો ભાવ પામી જવાથી જ દેહધારી પોતાને મરવાવાળો સમજે છે. દેહના સંબંધથી થવાવાળા તમામ દુઃખોમાં સહુથી મોટું દુઃખ મૃત્યુનું માનવામાં આવે છે. ચેતન આત્મા તો સદા અમર છે, કદી મરવાવાળો નથી; પરંતુ ભોગ અને સંગ્રહમાં આસક્ત થવાથી પ્રતિક્ષણે નષ્ટ થવાવાળા શરીરને અમર રાખવાના પ્રયાસમાં લાગી પડે છે. તેથી જ તેને પોતાના સ્વરૂપની અમરતાનો અનુભવ નથી થતો. દેહના-પ્રકૃતિના ધર્મો ઉચ્છેદ કરીને ચેતનને પોતાનો સ્વાભાવિક જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ રહિત પોતાના સ્વરૂપનો અનુભવ થવો તેને જ ભગવાને મદ્‌ભાવ, અમૃતપણું કે મમ સાધાર્મ્યતા બતાવી છે.

ગીતામાં जरा मरणमोक्षाय(७/२१) जन्म मृत्यु जरा व्याधि दु:ख दोषानुदर्शनम्‌ (१३/८) અને અહીં પણ जन्म मृत्यु जरा दु:खैर्विमुक्त: (१३/८) આ ત્રણે જગ્યાએ બાલ્ય અને યુવાવસ્થાનું નામ ન લઈને જરા(વૃદ્ધાવસ્થા)નું જ નામ લેવામાં આવે છે. જ્યારે શરીરમાં તો બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થા આ ત્રણે અવસ્થાઓ થાય છે-એનું કારણ એ છે કે બાલ્ય અને યુવા વસ્થામાં મનુષ્ય અધિક દુઃખનો અનુભવ નથી કરતો. કેમ કે આ બન્ને અવસ્થાઓમાં શરીરમાં બળ રહે છે; પરંતુ વૃદ્ધાવસ્થામાં શરીરમાં બળ ન હોવાથી રોગો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ તેના પર આક્રમણ કરી શકે છે અને તેનો તેને સારી રીતે અનુભવ થાય છે. તેથી તેને દુઃખનો અનુભવ થાય છે. એવી જ રીતે જ્યારે પ્રાણ છૂટે છે ત્યારે દેહધારીને ભયંકર દુઃખનો અનુભવ થાય છે. જે ત્રણે ગુણોથી પર થાય છે. તે એ દુઃખોથી મુક્ત થાય છે. તેને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો આવશે જ તો પણ તે પ્રતિકૂળતામાં તે વિકળ નથી થઈ જતો અને ભગવાનનો આશ્રય કરીને તે પરિસ્થિતિમાં પણ સમતા(બેલેન્સ) ધરી રહે છે અને દુઃખોથી મુક્ત થાય છે. આથી પ્રત્યેક મનુષ્યે ઓછામાં ઓછું મૃત્યુની ઘડી આવતાં પહેલાં ત્રણ ગુણોથી પર એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરી લેવો જોઈએ.

અર્જુન બોલ્યા

कैर्लिङ्गैस्त्रीन्‌ गुणानेतानतीतो भवति प्रभो।

किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते।।२१।।

અર્થ : અર્જુન પૂછે છે-આ ત્રણ ગુણોને ઉલ્લઘંન કરીને ગુણાતીત થઈને જન્મ, મૃત્યુ, જરા એ આદિક દુઃખોથી વિમુક્ત થઈને અમૃતને-મોક્ષને પામે છે. ।।૨૧।।

આ શ્લોકમાં અર્જુને ભગવાનને ત્રણ પ્રશ્નો પૂછયા છે. તેમાં એક તો અર્જુન પૂછે છે હે પ્રભો ! તે ત્રણ ગુણોથી અતીત પુરુષનાં લક્ષણો કેવાં હોય? અર્થાત્‌તેનો બાહ્યાચાર કેવો હોય કે જેનાથી સંસારી મનુષ્યથી ગુણાતીત મનુષ્યમાં વિલક્ષણતા આવે છે. એવી આચાર વિલક્ષણતા કઈ છે કે જેનાથી સાધારણ મનુષ્યને અનુભૂતિનો વિષય બને. તેનો બાહ્યાચાર કેવો હોય? અને किमाचार: નું તાત્પર્ય છે, તેના આંતર આચાર ઉપર અર્થાત્‌કઈ વિચારધારા અથવા માન્યતાઓથી તે ઓળખાય છે. જો કે સાધક ગુણોનું અતિક્રમણ કરે છે તે પોતાના આંતર આચારથી જ કરે છે. કારણ કે ગુણ પ્રક્રિયા પ્રથમ અંદરની વાત છે. અંદરની પ્રક્રિયા છે અને તે બિલકુલ સ્વસંવેદ્ય છે. તે બીજા જોઈ જાણી શકતા નથી. છતાં પણ બીજા માણસો બાહ્ય આચારથી અનુમાનથી જાણી શકે છે. તેથી એક પ્રશ્ન બાહ્ય આચાર સંબંધી कैर्लिङ्गै: અને એક પ્રશ્ન આંતર આચાર પોતાની ગુણોથી પર થવા માટેની માન્યતાઓ વિચારધારા કે યુક્તિઓ કે આંતર આચાર છે. તે સંબંધી પ્રશ્ન પૂછયો છે. જેમ કે વચ.ગ.મ.પ્ર.૨૭માં મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પુછયો છે, જે તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે? અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? ને કેવી રીતે ટળે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી અને બીજો શુકજી, ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, કામ ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે. તે એ તમારા જીવમાં રહ્યો છે અને એવી રીતે કામ ક્રોધાદિક ગુણને(દુર્ગુણને) હઠાવે એવું જે જોર છે તે પૂર્વ જન્મનો સંસ્કાર છે. એમનું તાત્પર્ય એ થયું કે ગુણાતીત થવાની પ્રક્રિયા પ્રથમ સાધકના અંતરમાં થાય છે. તે સ્વ સંવેદ્ય જ હોય. જેમ મહારાજે કહ્યું કે, તે(વિચાર) તમારા જીવમાં રહ્યો છે અને તે ગુણોથી પર(પરમાત્મા) વિષયનું ધ્યેય, ઉદ્દેશ્ય નિશ્ચિત કરવાથી દૃઢ થાય ત્યારે તેવો વિચાર ઊઠે છે અને તે સંબંધી ત્રીજો પ્રશ્ન છે એ ત્રણે ગુણોથી પર થવાનું સાધન શું છે? એવો પ્રશ્ન પૂછયો છે.

શ્રી ભગવાન બોલ્યા

प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव।

न द्वेष्टि संम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति।।२२।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાણ્ડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ એ સઘળાં ત્રણ ગુણનાં કર્મો પ્રવર્તેલાને નથી દ્વેષ કરતો કે નિવૃત્તિ પામેલાંને નથી આકાંક્ષ કરતો. ।।૨૨।।

प्रकाशं च… પોતાના આત્મકલ્યાણથી વ્યતિરિક્ત એવા સાંસારિક કે પ્રાકૃતિક હેતુવાળી વ્યક્તિ, પદાર્થ, ઘટના, ક્રિયા, પરિસ્થિતિ વગેરેની પ્રવૃત્તિથી દ્વેષ નથી કરતો, નિવૃત્ત થયેલાને ઈચ્છતો નથી. અહીં તાત્પર્ય એ છે કે આ સંસારમાં બે પ્રકારના વ્યક્તિ, પદાર્થ વગેરે રહેલા છે-એક તો પોતાના આત્મકલ્યાણના સાધનરૂપ બની રહેલા કે તેમાં મદદરૂપ બની રહેલા. બીજા તેનાથી વ્યતિરિક્ત પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિ વગેરે સાંસારિક વસ્તુઓ. તેમાં જે આત્મકલ્યાણથી વ્યતિરિક્ત-વ્યક્તિ, પદાર્થ વગેરે છે. તેમાં બે વિભાગ છે-એક ઈષ્ટ વ્યક્તિ, પદાર્થ, ઘટના, ક્રિયા, પરિસ્થિતિ વગેરે. બીજા અનિષ્ટ ક્રિયા પદાર્થ વગેરે. તેમાં અનિષ્ટ ક્રિયા, પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ અને તેનાં સાધનોના સંયોગમાં દ્વેષ થાય છે અને ઈષ્ટ ક્રિયા, પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ અને તેના સાધનોની નિવૃત્તિ થાય તો ફરીથી કાંક્ષા થાય છે-ઈચ્છા થાય છે. આવું લોકમાં પ્રસિદ્ધ છે. તેમાં આત્મકલ્યાણ વ્યતિરિક્ત પ્રાકૃતિક અને સાંસારિક અનિષ્ટ એવા ગુણ, કાર્યરૂપ ક્રિયા, પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિની સાધનપણે પ્રવૃત્ત થયેલ પ્રકાશ તેનો દ્વેષ કરતો નથી કે ઈષ્ટ સાધ્યના સાધનપણે પ્રવૃત્ત થઈને નિવૃત્ત થાય તો ઈચ્છતો નથી.

સત્ત્વગુણનું કાર્ય પ્રકાશવૃત્તિ છે. તે જો ભય અને તેનાં સાધનોનો પ્રકાશ કરે અર્થાત્‌ભયને ઊભો કરનાર વ્યક્તિ, પદાર્થ, ક્રિયા, પરિસ્થિતિ કે તેનાં સાધનો હોય તો અનિષ્ટરૂપ ગણાય તે સંપ્રવૃત્ત થાય તો પણ તેનો દ્વેષ કરતો નથી અને ઈષ્ટ વિષયના સાધનરૂપ થઈને પછી નિવૃત્ત થાય તો ફરી ઈચ્છતો નથી. આ વિષયમાં શ્રીજી મહારાજ વચ.ગ.મ.પ્ર.૪૬માં કહે છે જે ‘‘આ સંસારને વિષે જે સત્પુરુષ હોય (અર્થાત્‌ત્રિગુણથી પર થયેલા હોય) તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ-વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહિ અને કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે છે ત્યારે ખરખરો થાય છે કાં જે થોડાક કાળ જીવવુંને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે.’’ તેમજ રજોગુણના કાર્યરૂપ પ્રવૃત્તિમાં પણ આત્મકલ્યાણથી વ્યતિરિક્ત એવી ઈષ્ટ તત્સાધનરૂપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ તેની નિવૃત્તિ થાય તો ઈચ્છતો નથી. જેમ કે ઔષધીય વિષયમાં અને અનિષ્ટ તત્સાધન પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ થવાથી તેનો દ્વેષ કરતો નથી. જેમકે કુપથ્ય પ્રવૃત્તિ.

તેવી જ રીતે તમોગુણના કાર્યરૂપ મોહ પ્રવૃત્તિનું જાણવું આત્મકલ્યાણથી વ્યક્તિરિક્ત-પ્રાકૃતિક-સાંસારિક પદાર્થો, ક્રિયા, વ્યક્તિ, પરિસ્થિતિમાં મોહને જે અનુકૂળ હોય તેનાથી પ્રતિકૂળ પ્રવૃત્તિને પ્રવર્તન થાય તો દ્વેષ નથી કરતો અને મોહને પ્રતિકૂળ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય તો તેને વધારે ઈચ્છતો નથી.

અહીં વર્ણવેલા ત્રણ ગુણના કાર્યરૂપ પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહમાં સત્ત્વગુણના કાર્યરૂપ પ્રકાશને બતાવ્યો છે. ખરેખર સત્ત્વગુણનું કાર્ય પ્રકાશ અને જ્ઞાન-એવી બે વૃત્તિ-પ્રવૃત્તિ ભગવાને બતાવી હતી(૧૪/૧૧માં) તેમાંથી અહીં કેવળ પ્રકાશનો જ ઉલ્લેખ કર્યો છે. તેમ જ રજોગુણમાં પણ રાગ અને પ્રવૃત્તિ બન્ને બતાવવામાં આવે છે. રજોગુણના બે સ્વરૂપ માનવામાં આવે છે-રાગ અને ક્રિયા.(પ્રવૃત્તિ) તેમાંથી અહીં કેવળ પ્રવૃત્તિમાંનો જ ઉલ્લેખ કર્યો. રાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેનું તાત્પર્ય એ છે કે ત્રિગુણથી પર થયેલા મહાત્મામાં રાગની સક્રિયતા હોઈ શકે નહિ પણ રાગરહિત પ્રવૃત્તિ તો સંભવે છે. ગુણાતીત મહાત્મામાં પણ નિષ્કામ તથા અનેકના હિતની પ્રવૃત્તિઓ હોઈ શકે છે. એવી ક્રિયાશીલતાને માટે અહીં પ્રવૃત્તિ શબ્દને લીધો છે અને તમોગુણમાં પણ અન્ય પ્રવૃત્તિ તો ઉલ્લેખ ન કરીને મોહનો એકનો જ ઉલ્લેખ કર્યો છે. તેનું તાત્પર્ય પણ એમ છે કે, ગુણોથી પર મહાત્મામાં કદાચ નિદ્રા, આળસ સંભવ બને તો તે તેનું વધારે ખરાબ નહિ કરી શકે પણ મોહ પ્રવૃત્તિનું પરિણામ તો બિલકુલ ઘટતું નથી.

અહીં એક વસ્તુ વિચારણીય છે કે સત્ત્વ, રજ અને તેમના કાર્યરૂપ પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહની સક્રિયતામાં વૃત્તિ-પ્રવૃત્તિ ‘થવી’ અને ‘કરવી’ એ બન્નેમાં ફેર છે ‘થવું’ એ સમષ્ટિ ગત અથવા કુદરતી ક્રમથી હોય છે. જ્યારે ‘કરવું’ એ વ્યક્તિગત પ્રયત્નપૂર્વકનું હોય છે. જે સામાન્ય રીતે થાય તેમાં જ નિદરેષતાની સંભાવના હોઈ શકે પણ ‘કરવા’માં નિદરેષતાની સંભાવના ગણી ન શકાય. તેમાં ‘ઈરાદો’ ભળી જાય છે, માટે તેની જવાબદારી આવી જાય છે. જેથી તે નિર્ગુણ કક્ષામાં ભળી ન શકે માટે ગુણોની સહજપ્રવૃત્તિનું ઘટવા છતાં નિવારણ છે. ઈરાદાપૂર્વક કરીને નિર્ગુણ પુરુષ થવાતું નથી.

उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते।

गुणा वर्तन्त इत्यैव योऽवतिष्ठति नेङ्गते।।२३।।

અર્થ : જે ઉદાસીનની માફક વર્તતો રહીને ગુણો જેને ચળાયમાન કરી શકતા નથી અને સઘળું ગુણોજ કરી રહ્યા છે એમ માનીને જે સ્વસ્વરૂપાનુસંધાન રાખીને પરમાત્મસ્વરૂપમાં સ્થિર વર્તે છે. તો તે પોતાની બ્રહ્મસ્થિતિ થકી ક્યારેય ચળાયમાન થતો નથી. ।।૨૩।।

उदासीनवत्‌ आसीन:… આત્મકલ્યાણથી વ્યતિરિક્ત પ્રવૃત્તિમાં અર્થાત્‌ત્રિગુણ પ્રેરિત સાંસારિક પ્રવૃત્તિમાં ગુણાતીત મહાત્મા ઉદાસીનની જેમ બેસી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિવાદ કે સઘંર્ષ પ્રવર્તતો હોય ત્યારે તે બન્નેમાંથી કોઈ એકનો પક્ષ લેવાવાળો ‘પક્ષપાતી’ કહેવાય છે અને બન્નેનો યોગ્ય ન્યાય કરવાવાળો ‘મધ્યસ્થી’ કહેવાય છે; પરંતુ જે એ બન્નેને દેખે છે તો પણ ન તો કોઈનો પક્ષ લે છે અને ન કોઈનો ન્યાય કરવા જાય છે પરંતુ બન્નેથી અલગ-અલિપ્ત રહે છે. તેને ઉદાસીન કહેવાય છે. તેમ ગુણાતીત મહાત્મા ત્રણે ગુણોની આત્મકલ્યાણ વ્યતિરિક્ત પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહની કાર્યશીલતામાં ન કોઈનો પક્ષ લે છે ન કોઈનો ન્યાય કરીને મઠારીને બેલેન્સ કરવા જાય છે. તે સમગ્ર ગુણોના કાર્યથી ઉદાસીનપણે જોતો થકો બેસી રહે છે.

અહીં ગુણાતીત મહાત્માનાં લક્ષણ સમૂહમાં એક વસ્તુ શબ્દ વિના પણ પ્રગટ થઈ રહી છે અને એ વસ્તુ છે કે ગુણાતીત મહાત્મા કે સાધકને પરમાત્માને પામવાનું દૃઢ ઉદેશ્ય પકડાઈ ગયું હોય છે. અથવા પરમાત્મારૂપી આધારને તેમણે મજબૂતપણે પકડયો હોય છે ત્યારે જ આ લક્ષણો પ્રર્વતમાન થવાની તાકાતને પામે છે. તે વિના ગુણાતીત અવસ્થા સાધ્ય બનતી નથી. यद्‌ विना न निषेधसिद्धि:। ગુણાતીત મહાત્માનાં લક્ષણો બતાવ્યા છે તે મોટે ભાગે નિષેધરૂપ છે પણ જેના વિના નિષેધની સિદ્ધિ થતી નથી તે વિધિરૂપ હોય છે અને તે વસ્તુ છે, પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય(ગોલ) ધ્યેય કે નિષ્ઠા. જેનો શબ્દથી અહીં કયાય ઉલ્લેખ નથી થયો પણ તેને અવશ્ય અધ્યાહારપણે માની લેવો પડે છે. ગુણાતીત મહાત્મા આત્મકલ્યાણથી વ્યતિરિક્ત વિષયમાં ઉદાસીન રહે છે. દ્વેષ કે આકાંક્ષા કરતો નથી. તેનો અર્થ એ છે કે તેને આત્મકલ્યાણમાં અતિશય લગની છે. એ વિષયથી તેને જરૂર આકાંક્ષા રહે છે. તો પણ ગુણાતીત સ્થિતિથી ચલિત થવાતું નથી. गुणै: न विचाल्यते…. ગુણો તેને વિચલિત કરી નથી શકતા. એની સ્પષ્ટતા એ છે કે પ્રથમ તે અવિચલપણે પરમાત્મામાં લાગેલો છે ત્યારે જ તેને વિચલિત થવા ન થવાનો પ્રસંગ આવે છે. અન્યથા વિચલિત કે અવિચલિતનો પ્રસંગ જ કેવી રીતે આવે? योऽवतिष्ठति इत्येव नेङ्गते અચળપણે પોતાની સ્થિતિમાં ઊભો રહે છે, ડોલતો નથી. એ બધાં વાક્યો ધ્યેય ઉદ્દેશ્ય(ગોલ)ની મજબૂતી બતાવનારી બીજી બાજુ છે, બીજુ કાંઈ નથી. આ બધું જ ઉદાસીનતાનું વિશેષ વિવરણ છે.

समदु:खसुख: स्वस्थ: समलोष्टाश्मकाश्चन:।

तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति:।।२४।।

मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो:।

सर्वारम्भपरित्यागी गुणातीत: स उच्यते।।२५।।

અર્થ : જે સુખ-દુઃખમાં સમ વર્તે છે. અખંડ સ્વસ્વરૂપમાંજ રહે છે. કચરો, પત્થર અને કાંચન એ સઘળું જેને સરખું જ છે. પ્રિય-અપ્રિયનો સંયોગ પણ જેને તુલ્યજ ભાસે છે. સદાય ધીરજ રાખનારો છે અને પોતાની નિંદા અને શ્લાઘા પણ જેને સરખીજ લાગે છે. જે માન-અપમાનમાં પણ સમાન રહે છે. મિત્રપક્ષમાં અને શત્રુપક્ષમાં પણ જે સમાન વર્તે છે અને સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે છે. તે પુરુષ ગુણાતીત એવા નામે કહેવાય છે. ।।૨૪-૨૫।।

समसुखदु:ख: स्वस्थ:-પૂર્વકર્મને અનુસાર આવવાવાળી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિને સુખ-દુઃખ કહેવામાં આવે છે. ‘अनुकूल वेदनीयं सुखम्‌ प्रतिकूल वेदनीयं दु:खम्‌’ અર્થાત્‌પ્રારબ્ધના અનુસાર શરીર, ઈન્દ્રિયો વગેરેને અનુકૂળ પરિસ્થિતિને ‘सुख’ કહે છે અને શરીર, ઈન્દ્રિયો વગેરેને પ્રતિકૂળ પરિસ્થિતિને દુઃખ કહે છે. ત્રણ ગુણોથી પર થયેલ મહાત્માઓ આત્મકલ્યાણથી વ્યતિરિક્ત એવી લૌકિક અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુખી દુઃખી થતા નથી. તે અનુકૂળતા-પ્રતિકૂળતા તેના અંતઃકરણમાં ક્ષોભ ઉત્પન્ન કરી શકતી નથી અને એવા સાધક કે સિદ્ધ પુરુષો પોતાના આત્મસ્વરૂપમાં અને પરમાત્માની આરાધનામાં સ્વસ્થપણે રહે છે. समलोष्टाश्मकाञ्चन: એવા મહાત્માઓને માટીનું ઢેફું, પથ્થર અને સુવર્ણમાં સમતા રહે છે. અર્થાત્‌તેને ન તો સુવર્ણમાં આકર્ષણ થાય છે અને ન તો ઢેફા પ્રત્યે વકિર્ષણ(દ્વેષ) થાય છે. ઢેફું, પથ્થર અને સુવર્ણનું જ્ઞાન કે ઓળખાણ ન હોવી તેને સમતા નથી કહેવાતી. એ જ્ઞાન-શૂન્યતા ત્રિગુણથી ઉપર લઈ જનારી સમતા તો તેને કહેવાય કે તે ત્રણેનું યથાર્થ જ્ઞાન હોવા છતાં એમના પ્રત્યે નિર્વિકાર કેટલું રહી શકાય છે. અર્થાત્‌રાગ-દ્વેષ રહિત કેટલું રહી શકાય છે. જ્ઞાન કયારેય દોષી હોતું નથી. તેના આધારે વિકારો થવા એ દોષિત હોઈ શકે છે. ગુણાતીત મહાત્માને ઢેફું, પથ્થર અને સોનાનું યથાર્થ જ્ઞાન હોય છે અને તેને અનુરૂપ યોગ્ય જ વ્યવહાર પણ કરે છે. ઢેફાને ઢેફાની જગ્યાએ રાખે છે ને સુવર્ણને સુવર્ણની જગ્યાએ રાખે છે. તેનો વ્યવહાર વ્યતિક્રમ કરતા નથી. વ્યવહાર કરવા છતાં તેમાં લેશ પણ રાગદ્વેષ કે તિરસ્કાર અથવા આકાંક્ષા ઊઠવા દેતા નથી. અથવા કહો કે તેને તેવા પ્રકારનું તેની સાથે કોઈ પ્રયોજન રહેતું નથી. તે કેવળ આત્મકલ્યાણના પ્રયોજનમાં પ્રર્વતેલા છે. જાણકારીપૂર્વક સાંસારિક પ્રયોજનથી નિવૃત્ત થયેલા છે, પાછા વળેલા છે. તેને ગુણાતીત મહાત્મા કહેવાય છે. તે તેનું લક્ષણ છે.

तुल्यप्रियाप्रिय: धीर: ખરેખર તો સુખ-દુઃખથી પ્રિય અપ્રિય શબ્દો અતિ અલગ નથી. છતાં વધારે સ્પષ્ટીકરણ કરવા એક સાથે પ્રયોગ થયો હોવાથી પ્રિય અથવા અપ્રિય પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ આવી જતાં તે ક્ષોભ પામીને ખળભળી જતા નથી અને તેથી જ ધીર શબ્દ ઉપર બતાવ્યા તમામ લક્ષણોમાં કારણરૂપ એવો ધીર શબ્દ તેને લક્ષણ તરીકે બતાવ્યો છે. આત્મા અનાત્માના વિવેકમાં અતિ કુશળ પુરુષોને અહીં ધીર શબ્દ સુધી ગુણાતીત મહાત્માના આંતર લક્ષણો બતાવ્યા છે. જેની પ્રતિક્રિયા ઘણું કરીને સ્વસંવેદ્ય છે. પરસંવેદ્ય ઘણી જ ઓછી છે. હવે પછીનાં લક્ષણો તે બાહ્યાચાર લક્ષણો રહેશે.

तुल्यनिदात्मसंस्तुति: નિંદા સ્તુતિમાં ગુણ-અવગુણના આરોપની પ્રક્રિયા ચાલે છે. તેમાં કીર્તિ અપકીર્તિની પ્રધાનતા રહે છે. સામાન્ય મનુષ્યોને એક આદત બની ગઈ હોય છે કે તેમને પોતાની નિંદા ખરાબ લાગે છે. પછી તે વાસ્તવિકતા હોય તો પણ. અને પોતાની સ્તુતિ ખૂબ સારી લાગે છે. પછી તે અવાસ્તવિક હોય તો પણ. પરંતુ જેઓ ત્રણે ગુણોથી પર થયા છે તેઓની કોઈ નિંદા કરે તો તેના ચિત્તમાં ખિન્નતા થતી નથી અને કોઈ સ્તુતિ કરે તો ચિત્તમાં પ્રસન્નતા થતી નથી. તેમ જ નિંદા કરવાવાળાઓ પ્રત્યે દ્વેષ થતો નથી અને સ્તુતિ કરવાવાળા પ્રત્યે પ્રસન્નતા થતી નથી. રાગ થતો નથી. તેમને નિંદા સ્તુતિનું જ્ઞાન હોતું નથી એવું નથી. નિંદા સ્તુતિનું જ્ઞાન તથા તેના પરિણામો બરાબર જાણે છે; છતાં તેનો વર્તાવ તેનાથી પ્રભાવિત નથી થતો ને યથોચિત જ રહે છે. તેનામાં નિંદા સ્તુતિને લીધે ખિન્નતા પ્રસન્નતા થતી નથી. નિંદા અને સ્તુતિ એ બન્ને પરકૃત ક્રિયાઓ છે. ક્રિયાઓથી રાજી નારાજ થવું તે ભૂલ છે. કારણ કે જેનો જેવો સ્વભાવ છે, જેવી ધારણા છે. તેવી પ્રતિક્રિયા તે જરૂર કરવાના છે ને તેવું બોલવાના છે. તેઓ આપણને અનુકૂળ જ બોલે આપણી નિંદા ન કરે-એવી અપેક્ષા ન કરી શકાય અને એવી અપેક્ષા કરવી એ યોગ્ય પણ નથી અને તે શક્ય પણ નથી. ઊલટું સાધકોએ નિંદા સાંભળીને અંતરમાં પ્રસન્ન થવું ઘટે કે નિંદા કરનાર આપણા પાપ ઓછા કરે છે, જ્યારે કોઈ પ્રશંસા કરે છે ત્યારે તે આપણા પુણ્ય ઓછા કરે છે.

मानापमानयोस्तुल्य: માનાપમાનમાં તિરસ્કાર, આદરની અભિવ્યક્તિ હોય છે. તેમાં મોટે ભાગે પ્રત્યક્ષપણે અને સ્થૂળભાગમાં-દેહભાવમાં કરવામાં આવે છે. ત્રિગુણથી પર થયેલા મહાત્માઓને પોતાનો કોઈ લૌકિક આદર કરે-અનાદર કરે, માન આપે અપમાન કરે. આ બધી પરકૃત ક્રિયાઓની તેના ઉપર કોઈ અસર પડતી નથી. તેની સામે પોતાની કોઈ પ્રતિક્રિયા ઊઠતી નથી. નિંદા સ્તુતિ અને માનાપમાન આ બન્ને પરકૃત ક્રિયાઓમાં ગુણાતીત મહાત્મા વિકારશૂન્ય રહે છે. પ્રતિક્રિયાશૂન્ય રહે છે. આ બન્ને પરકૃત ક્રિયાઓનું જ્ઞાન થવું એ દોષિત નથી; પરંતુ નિંદા અને અપમાનમાં દુઃખી થવું તથા સ્તુતિ અને માનમાં હર્ષિત થવું એ દોષિત છે. એ પ્રાકૃતિકતા છે, દેહ ભાવના છે. ગુણાતીત મહાત્માને નિંદા સ્તુતિ કે માનાપમાનનું જ્ઞાન, યથાર્થજ્ઞાન જરૂર થાય છે. તો પણ તેને પામીને સુખી દુઃખી કે પ્રતિક્રિયાવાન નથી થતો અને એમ રહેવું તે જ તેની ગુણોથી પર સ્થિતિ છે.

तुल्यो मित्रारिपक्षयो: ત્રિગુણાતીત મહાત્માને મિત્ર-શત્રુ બન્ને સમાન રહે છે. તેનો અર્થ એવો નથી કે, ત્રિગુણાતીત મહાત્મા પારકાની પોતાના પ્રત્યે પ્રયોગ કરાયેલી મિત્રવૃતિ-પ્રવૃત્તિ કે શત્રુવૃત્તિ-પ્રવૃત્તિને જાણતા નથી કે કોણ તેના પ્રત્યે શત્રુવૃત્તિ રાખે છે કે કોણ મિત્રવૃત્તિ રાખે છે. તેને યથાર્થ ઓળખતા નથી. તે યથાર્થપણે બન્નેને ઓળખે છે; છતાં પણ તેના ઉપર કોઈ અસર પડતી નથી. તેની વૃત્તિમાં પ્રતિક્રિયા આવતી નથી. સાધારણ મનુષ્ય ને બીજા લોકો પોતાની ભાવના અનુસાર મિત્ર કે શત્રુ માની શકે છે અને પેલો માણસ જ્યાં સુધી જાણતો ન હોય ત્યાં સુધી તો પ્રતિક્રિયાશૂન્ય રહી શકે છે પણ આ વાતનો તેને પત્તો લાગતાં જરૂર તેના ઉપર અસર પડે છે અને તેના પ્રત્યે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યારે ગુણાતીત મહાત્માને આ વાતનો પત્તો લાગવા છતાં પણ કોઈ અસર થતી નથી તેના પ્રત્યે રાગ દ્વેષ થતો નથી. મિત્ર અને શત્રુભાવનાને કારણે વ્યવહારમાં પાક્ષપાત થાય છે; પરંતુ આવા મહાત્મા આ પ્રકારના પક્ષપાતશૂન્ય હોય છે.

सर्वारम्भपरित्यागी-આત્મકલ્યાણથી વ્યતિરિક્ત, સર્વ આરંભ, સર્વ ઉદ્યમનો ત્યાગ કરનારો. ગુણાતીતનું તાત્પર્ય છે, સંપૂર્ણપણે પરમાત્મામાં જોડાવું. સર્વ આરંભના ત્યાગનું તાત્પર્ય એ છે કે આત્મકલ્યાણને માટે પુરુષાર્થ છે તેના સિવાય ધનસંપત્તિના સંગ્રહ માટે, ભોગો માટે તથા માન, બડાઈ, સત્તા માટે ઉદ્યમ નહિ કરનારો હોય છે. ભગવાનને પામવા માટે અથવા ભગવાનને પ્રસન્ન કરવા માટે કયારેક વિરાટ પુરુષાર્થને પણ કરનારો હોય છે, છતાં તે સર્વારંભ પરિત્યાગી જ રહેશે.

गुणातीत: स उच्यते… આ પ્રમાણે દ્વેષાદિથી રહિતપણું એ આદિ આંતર લક્ષણો અને આરંભ પરિત્યાગાદિ બાહ્ય લક્ષણોથી ગુણાતીત મહાત્મા લક્ષિત થાય છે અને તે લક્ષણો મેળવવા ઉદ્યમ કરવો તે ગુણાતીત થવાના ઉપાયો છે. અહીં ભગવાને સુખ-દુઃખ, પ્રિય-અપ્રિય, નિંદા-સ્તુતિ અને માન-અપમાન આ આઠ નામો લીધા છે. જેઓમાં સાધારણ માણસોને તો વિષમતા થઈ જાય છે; પરંતુ સાધકોને પણ કયારેક કયારેક વિષમતા થઈ જાય છે. આવા આ આઠ કઠિન સ્થળોમાં વિક્રિયાશુન્ય થઈ જાય છે. તેને માટે અન્ય બીજી બધી અવસ્થાઓમાં પ્રતિક્રિયા શૂન્યતા-વિક્રિયા શૂન્યતા રાખવી સુગમ થઈ જાય છે. તેથી ભગવાન આ આઠ સ્થળોનાં નામ લઈ બતાવે છે કે, ગુણાતીત મહાત્માને આ આઠેય સ્થળોમાં વિકારશૂન્યતા સ્વતઃ સ્વાભાવિક હોય છે. ચોવીસ, પચીસ શ્લોકમાં ભગવાને અહીં ગુણાતીત મહાત્માની નિર્વિકારિતાનું વર્ણન કર્યું છે.

मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते।

स गुणान्‌ समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते।।२६।।

અર્થ : વળી-જે મને અવ્યભિચારી-નિશ્ચળ ભક્તિયોગથી નિરંતર સેવે છે-ભજે છે. તે પુરુષ આ ત્રણેય ગુણોને ઉલ્લઘંન કરીને બ્રહ્મરૂપ થવાને માટે યોગ્ય બને છે. ।।૨૬।।

मां च… હવે ભગવાન ગુણોથી પર થવા માટેના હેતુઓમાં સૌથી મુખ્ય ઉપાય ભગવાનની ભક્તિને બતાવી રહ્યા છે. જે ભક્તિ દેવતાન્તરની નિષ્ઠાથી રહિત હોવી જોઈએ. અર્થાત્‌એક જ પરમાત્માની અનન્ય ભાવથી કરવામાં આવેલી હોવી જોઈએ અને આગળ બતાવ્યા જે સદ્‌ગુણોરૂપી ઉપાયો સહિત હોવી જોઈએ. તો તત્કાળ ફલને આપનારી બને છે. તે ભક્તિથી જીવાત્મા ત્રણ ગુણોને ઉલ્લઘીંને બ્રાહ્યભાવને પામી જાય છે. બીજા શ્લોકમાં બતાવ્યા મુજબ ‘मम साधर्म्य’ ને પામી જાય છે.

ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च।

शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च।।२७।।

અર્થ : કારણ કે-અવિકારી અને અવિનાશી અમૃતસ્વરૂપ બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય-આધાર હું જ છું. તેમજ શાશ્વત-સનાતન એકાન્તિક ધર્મનો અને એકાન્તિક-આત્યન્તિક સુખ-આનંદનો આશ્રય પણ હું જ છું. ।।૨૭।।

ब्रह्मणो हि प्रतिष्ठाहम्‌ હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું, આશ્ચર્ય છું. અહીં બ્રહ્મ શબ્દથી પરબ્રહ્મ એવો અર્થ નથી લેવાનો. જો તેમ કરીએ તો વૈયધિકરણતા આવશે. કૃષ્ણ અન્ય છે, ને પરબ્રહ્મ અન્ય છે અને કૃષ્ણ તેની પ્રતિષ્ઠા છે અર્થાત્‌આધાર છે તે યોગ્ય નથી. તેમ જ નિર્વિકલ્પ કે સવિકલ્પનો આધાર છે. માટે બ્રહ્મનો અર્થ છે આગળ. ‘ब्रह्मभूयाय कल्पते’ જીવ બ્રહ્મભાવને પામી જાય છે. એવું જે જીવનું ફળદશામાં સ્વરૂપ બતાવ્યું છે તેને અહીં બ્રહ્મ શબ્દથી બતાવી રહ્યા છે અને તેની પ્રતિષ્ઠા હું છું, અર્થાત્‌તે સ્વરૂપ પામવામાં શાસ્ત્રોક્ત ઉપાયોમાં કયો પ્રધાન ઉપાય છે? તેનો જ્યારે વિમર્શ કરવામાં આવે તો તેની વિશ્રાંતભૂમિ હું છું. અર્થાત્‌અંતિમ અને પ્રધાન ઉપાયભૂત હું છું. મારો આશ્રય કરવો તે છે અર્થાત્‌આત્માનું શુદ્ધ સ્વરૂપ અથવા આત્માનું બ્રહ્મસ્વરૂપને પામવાનું મારા એકથી જ નિર્વાહ્ય અર્થાત્‌મારા ભજનથી જ તે શક્ય બને છે. તેવું ब्रह्मणो हि प्रतिष्ठाह નું તાત્પર્ય છે અને જેને અમૃતપદ, અવ્યયપદ કહે છે તેનો આધાર પણ હું જ છું અર્થાત્‌મારું ભજન-ભક્તિ કરવાથી જ પમાય છે.

शाश्वतस्य च धर्मस्य શાશ્વત ધર્મનું તાત્પર્ય તેના ફળરૂપ એવું અતિશયિત ઐશ્વર્ય તેનો આધાર પણ હું જ છું. ભગવાન એ બતાવવા માગે છે કે સનાતન ધર્મ એ મારું સ્વરૂપ છે. પરમાત્મા એ સનાતન ધર્મનું મૂર્ત સ્વરૂપ છે. ભગવાનને સનાતન ધર્મના રક્ષક બતાવવામાં આવ્યા છે. ભગવાન પૃથ્વી પર અવતાર લઈને આવે છે તે પણ સનાતન ધર્મની રક્ષા કરવા માટે આવે છે.

હિન્દુ(સનાતન), બૌદ્ધ, ઈસાઈ અને મુસ્લિમ-આ ચાર ધર્મો વર્તમાન સમયમાં સંસારમાં મુખ્ય માનવામાં આવે છે આ ચારેયમાંથી એક-એક ધર્મને માનવાવાળાઓની સંખ્યા કરોડોની છે. આમાં બૌદ્ધ, ઈસાઈ અને મુસ્લિમ ધર્મ ચલાવવાવાળાઓ ક્રમશઃ બુદ્ધ, ઈસુ અને મોહમ્મદ માનવામાં આવે છે. આ ત્રણેય ધર્મો અર્વાચીન છે; પરંતુ હિન્દુ ધર્મ કોઈ મનુષ્યના દ્વારા ચલાવાયેલો નથી. અર્થાત્‌આ કોઈ માનવીય બુદ્ધિની ઉપજ નથી. આ તો વિભિન્ન ઋષિઓ દ્વારા કરવામાં આવેલું અન્વેષણ છે, તપાસ છે. તપાસ તેની જ થાય છે. જે પહેલેથી જ ઉપસ્થિત છે. હિન્દુ ધર્મ અનાદિ, અનંત તેમ જ શાશ્વત છે. જેવી રીતે ભગવાન શાશ્વત(સનાતન) છે તેવી જ રીતે હિન્દુ ધર્મ પણ શાશ્વત છે. એટલા જ માટે ભગવાનને અહીં(ગી.૧૪/૨૭)માં સનાતન હિન્દુ ધર્મને પોતાનું સ્વરૂપ બતાવ્યો છે. જ્યારે જ્યારે હિન્દુ ધર્મનો હ્રાસ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લઈને તેની સ્થાપના કરે છે. તાત્પર્ય એ છે કે ભગવાન પણ તેના સંસ્થાપન અને રક્ષણને માટે જ અવતાર લે છે. તેને બતાવવા માટે કે ઉત્પન્ન કરવા માટે નહિ. વાસ્તવમાં અન્ય બધા જ ધર્મો તથા મતમતાન્તરો પણ આ જ સનાતન ધર્મથી ઉત્પન્ન થયા છે. એટલા માટે એ ધર્મોમાં મનુષ્યોના કલ્યાણને માટે જે સાધન બતાવવામાં આવ્યા છે, તેમને પણ હિન્દુ ધર્મની જ દેન માનવી જોઈએ. પ્રાણીમાત્રના કલ્યાણને માટે જેટલો ઊંડો વિચાર હિન્દુ ધર્મમાં કરવામાં આવ્યો છે, એટલો બીજા ધર્મોમાં નથી મળતો. હિંદુ ધર્મના બધા જ સિદ્ધાંતો પૂર્ણતઃ વૈજ્ઞાનિક અને કલ્યાણ કરવાવાળા છે.

ભગવાન કહે છે કે, એકાન્તિક શાશ્વત સુખનો આધાર પણ હું જ છું. જેને અક્ષયસુખ, આત્યંતિકસુખ, અત્યંત સુખ વગેરે શબ્દોથી વર્ણવ્યું છે. તેનો આધાર હું જ છું. અર્થાત્‌મારી આરાધનાથી જ તે પ્રાપ્ત થાય છે અન્યથા નથી થતું.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો ગુણત્રયવિભાગયોગ નામે ચૌદમો અધ્યાય સંપૂર્ણ.