ગી.અ-12, શ્લોક 01 to 12

શ્લોક ૧-૧૨

સાકાર અને નિરાકારના ઉપાસકોની ઉત્તમતાનો નિર્ણય તથા ભગવત્પ્રાપ્તિના ઉપાયનો વિષય

અર્જુન બોલ્યા

एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते।

ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा:।।१।।

योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।

અર્થ : અર્જુન કહે છે-જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન-ધ્યાનમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે છે અને જે બીજાઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે. આ બે પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે ? ।।૧।।

પૂર્વ ષટ્‌કમાં જીવાત્માના સાક્ષાત્કારને માટે જ્ઞાનયોગ બતાવ્યો. મધ્યમ ષટ્‌કમાં ભગવાને પોતાના વિષય સંબંધી ભક્તિયોગ પોતાની પ્રાપ્તિના સાધનરૂપ બતાવ્યો છે. હવે ભગવાન વિચારે છે કે, મને અભિપ્રેત એવો અંગાંગીભાવ અર્જુનને યથાર્થ સમજાયો હશે કે કેમ? એવું વિચારીને જે જે અંશો કહેવાના બાકી રહી ગયા છે. તેણે સહિત ઉપાયક્રમને બારમાં અધ્યાયમાં વર્ણન કરે છે. મુમુક્ષુએ કર્મયોગ અને ભક્તિયોગ બન્નેનું અનુષ્ઠાન કરવાનું છે. તે બન્નેનું પૃથક્‌પૃથક્‌ફળ પણ છે. તેમાં પ્રથમ ફળ આત્મપ્રાપ્તિ છે. તેમાં થોડો વિલંબ રહ્યો છે. તેવો જ વિલંબ બીજું ફળ પરમાત્મપ્રાપ્તિમાં પણ હોવો જોઈએ. એવો અર્જુનના મનમાં ભય રહ્યો છે. તેને દૂર કરવા આ અધ્યાયમાં બતાવી રહ્યા છે. ભક્તિયોગથી ભગવાનપ્રાપ્તિમાં વિલંબ રહેશે નહિ તથા સુગમતા પણ રહી છે. અર્જુનના મનમાં એમ છે કે, ભક્તિની પ્રાપ્તિ તો અનેક જન્મોને અંતે થાય છે. (बहूनां जन्मनां अन्ते..) જ્યારે આત્મદર્શન વચ્ચે રહ્યું છે જે વિના વિલંબે થાય છે. કારણ કે જડથી ચૈતન્ય સૂક્ષ્મ છે અને પરમાત્મા તો ચૈતન્યથી પણ સૂક્ષ્મ છે. તેથી તેના દર્શનમાં વધુ કઠિનાઈ હોવી જોઈએ અને આત્મદર્શન યોગ વિલંબથી સંપન્ન થતાં ભક્તિયોગ કરતાં વધારે શ્રેષ્ઠ ગણાય એવી અંતરમાં ધારણા રાખીને અર્જુન ભગવાનને પૂછી રહ્યા છે.

एवं सतत युक्ता ये…एवं શબ્દથી અગિયારમાં અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં ભગવાને બતાવ્યું છે કે,

मत्कर्मकृत्मत्परमो मद्‌भक्त: सङ्गवर्जित:।

निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव।।(ગી. ૧૧/૫૫)

ભગવાનની સાથે ઘનિષ્ઠતા અને સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાનો છે. તે વાતનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાવાળા સાધક ભક્તોનો એક માત્ર ઉદ્દેશ્ય ભગવદ્‌પ્રાપ્તિ હોય છે. તેથી પ્રત્યેક પારમાર્થિક અને વ્યાવહારિક ક્રિયામાં, કાર્યોમાં તેને ભગવાનનો સંબંધ જળવાઈ રહે છે. તેની પારમાર્થિક સાધના સંબંધી ક્રિયા અલગ છે અને શારીરિક અને આજીવિકા સંબંધી ક્રિયાઓ એક ઉદ્દેશ્ય રહેવાથી અલગ અલગ નથી બનતી પણ તમામ ક્રિયાઓ ભગવાનની ઉપાસનાના અંશરૂપ બની રહે છે. તેવા ભક્તોને માટે અહીં ‘सतत युक्ता:’ શબ્દ પ્રયોગ થયો છે.

જેમ પતિવ્રતા સ્ત્રી કયારેક સાસુ સસરાની સેવા કરે છે, કયારેક મહેમાનોની સેવા કરે છે કે ક્યારેક ઘરની તમામ ક્રિયાઓ કરે છે, તો પણ તે સર્વપ્રકારે પોતાના પતિની જ સેવામાં રહી છે. એવો તેમનો મનોભાવ રહે છે. તેમ ભગવાનનો ભક્ત પણ કોઈપણ ક્રિયામાં પોતાના માલિક એવા પરમાત્માની સતત સેવામાં રહે છે. તેને અહીં पर्युपासते શબ્દથી બતાવ્યું છે. તે જે ભક્ત સાધકો એવી રીતે પરમાત્માની ઉપાસના કરે છે તેથી બીજા જે ઉપાસકો છે તે ‘अक्षरमव्यक्तं’ ની ઉપાસના કરે છે અર્થાત્‌પ્રત્યક્ષ આત્મસ્વરૂપની ઉપાસના કરે છે કે નિરાકારની ઉપાસના કરે છે. રામાનુજાચાર્યજી અંતર શબ્દથી આત્મસ્વરૂપ અર્થ લે છે. જ્યારે બીજા વિચારકો અક્ષર શબ્દથી ભગવાનનું નિરાકાર સ્વરૂપ અર્થ લે છે. તે કોઈપણ હોઈ શકે. તે એક પક્ષમાં રાખીને કોણ વધારે શ્રેષ્ઠ છે?’ એવો અર્જુનનો પ્રશ્ન રહ્યો છે.

અર્જુને કરેલા આ પ્રશ્ન પછી ભગવાન આ અધ્યાયના બીજા શ્લોકથી ચૌદમાં અધ્યાયના વીસમાં શ્લોક સુધી ભગવાન અવિરામપણે બોલતા જ રહ્યા છે. તોંતેર શ્લોકોનું આટલું લાંબુ પ્રકરણ ગીતામાં એક માત્ર આ જ છે. એનાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે, ભગવાન આ પ્રકરણમાં કોઈ અત્યંત મહત્ત્વપૂર્ણ તત્ત્વ સમજાવવા ઈચ્છે છે. અહીં ભગવાનની વિશેષ રુચિ માલુમ પડે છે. તાત્પર્ય એ છે કે ભગવાનના હૃદયમાં જીવોને માટે જે પરમ કલ્યાણકારી, અત્યંત ગોપનીય અને ઉત્તમોત્તમ ભાવો હતા. તેમને પ્રગટ કરવાનું શ્રેય અર્જુનના આ ભગવત્પ્રેરિત પ્રશ્નને જ જાય છે.

શ્રી ભગવાન બોલ્યા

मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते।

श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता:।।२।।

અર્થ : શ્રી ભગવાન કહે છે-મારામાંજ મનને એકાગ્ર કરીને જે ભક્તજનો મારામાં જ નિત્યયુક્ત થઈને મારી ઉપાસના કરે છે અને મારામાં જ જેઓ પરમ દૃઢ શ્રદ્ધાએ યુક્ત છે. તેજ મારા ભક્તોમાં અતિ યુક્ત-યોગ્યતાવાળા શ્રેષ્ઠ પામેલા છે. ।।૨।।

ભગવાને બરાબર આજ નિર્ણય અર્જુનના વિના પૂછયે જ છઠ્ઠા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં દઈ દીધો હતો-‘योगिनामपि सर्वेषां मद्‌गतेनान्तरात्मना। श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मत: (६-४७)-પરંતુ એ વિષયમાં પોતાનો પ્રશ્ન ન હોવાને કારણે અર્જુન એ નિર્ણયને પકડી શકયા નહિ. કારણ કે પોતાનો પ્રશ્ન ન હોવાથી સાંભળેલી વાત પણ ઘણું કરીને લક્ષ્યમાં આવતી નથી. એટલા માટે એમણે આ અધ્યાયના પહેલા શ્લોકમાં આવો પ્રશ્ન કર્યો.

આ જ રીતે પોતાના મનમાં કોઈ વિષયને જાણવાની પૂર્ણ અભિલાષા અને ઉત્કંઠાના અભાવમાં તથા પોતાનો પ્રશ્ન ન હોવાને કારણે સત્સંગમાં સાંભળેલી તથા સત્શાસ્ત્રોમાં વાંચેલી સાધન સંબંધી માર્મિક અને મહત્ત્વપૂર્ણ વાતો પ્રાયઃ પોતાની અંદર ઉદ્‌ભવેલા પ્રશ્ન કર્યા પછી સમજાવવામાં આવે તો તેઓ તેને પોતાને માટેની વિશેષરૂપે કહેવાયેલી માનીને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી લે છે અથવા તો પોતે દૃઢપણે ઉદ્દેશ્ય બનાવ્યો હોય પછી તે સંબંધી વાત પોતાના પ્રશ્ન સિવાય પણ સાંભળવામાં આવી હોય તો પણ મારા માટે છે, મને ખૂબ ઉપયોગી છે. એવું માનીને તુરત ગ્રહણ કરી લે છે અથવા વક્તા ઉપર અનહદ શ્રદ્ધા, વિશ્વાસ કે આસ્થા હોય, ત્યારે પણ પોતાના પ્રશ્નો વિના પણ વક્તાનાં વચનો પર પરમ શ્રદ્ધા બેસી જાય તો ગ્રહણ કરી લે છે. બાકી ઘણું કરીને સામાન્યપણે સાંભળેલી અને વાંચેલી વાતોને પોતાને માટેની ન સમજીને તેની ઉપેક્ષા કરી દેતા હોય છે. જો કે તેઓનામાં એ વાતના સંસ્કાર સામાન્ય રૂપે જરૂર રહે જ છે. જે જ્યારે ત્યારે વિશેષ ઉત્કંઠા થવાથી જાગ્રત પણ થઈ શકે છે. આથી સાધકો જે વાંચે અને સાંભળે તેને પોતાને માટેના જ વિશેષરૂપે માનીને જીવનમાં ઉતારવાની તેઓએ ચેષ્ટા કરવી જોઈએ.

मय्यावेश्य मनो ये मां મન ત્યાં જ લાગે છે જ્યાં તેને પ્રેમ હોય છે. જે વસ્તુ તેને પોતાને ગમી જાય છે. જ્યાં પ્રેમ હોય છે, જે પોતાને ગમી જાય છે. તેનું ચિંતન આપ મેળે થાય છે, કરવાનો પ્રયાસ કરવો પડતો નથી.

नित्ययुक्ता: નું તાત્પર્ય એ છે કે સાધક પોતે સર્વ પ્રકારે ભગવાનમાં લાગી જાય. મોટે ભાગે સાધકો શારીરિકપણે ભગવાનમાં લાગે છે. તેથી વિશેષપણે કોઈક માનસિકપણે-ભગવાનમાં લાગે છે પણ કેવળ માનસિક હોવાથી સાતત્ય ટકી રહેતું નથી; પરંતુ સાધક આહંકારિક ભાવનાથી ભગવાનમાં ખૂબ ઓછો જોડાતો હોય છે. આહંકારિકપણે ભાવાત્મક રીતે જોડાવાનું તાત્પર્ય એ છે કે ‘હું ભગવાનનો સેવક છું, દાસ છું અને ભગવાનનો જ દાસ છું, સેવક છું, વગેરે. જે આહંકારિક ભાવ દૃઢપણે આવવો જોઈએ તે જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી સાધક नित्ययुक्त કે सततयुक्त નથી બની શકતો. પ્રયાસ કરવા છતાં પણ તેમાં ખામી રહી જાય છે. જ્યારે ‘મારો ઉદ્દેશ્ય પરમાત્માનો સેવક બનવાનો છે, પરમાત્માને પામવાનો છે.’ એની અતિશય દૃઢતા થાય અને તેના પરિણામરૂપે આહંકારિકપણે ભાવદૃઢતા થાય ત્યારે સાધકને મન, ચિત્ત ભગવાનમાં રાખવા કઠિન માલૂમ પડતા નથી. જ્યારે પોતાની જાતને જ ભગવાનની માની લે છે. ભગવાનમાં જોડી દે છે ત્યારે તેને नित्ययुक्त થવું સહેલું બની રહે છે. સાધક ઘણી વખત પોતાના મન, ચિત્ત, બુદ્ધિ ને ભગવાનમાં જોડવા પ્રયાસ કરતો હોય છે. તેના પર દબાણ લાવતો હોય છે પણ ભાવાત્મકપણે કે આહંકારિક ભાવથી ભગવાનમાં જોડાતો હોતો નથી. તેથી પ્રયાસ કરવા છતાં જેવું જોઈએ તેવું ભગવાનમાં જોડાઈ શકાતું નથી અને એમ ન કરે ત્યાં સુધી છેલ્લી ખામી દૂર થતી નથી.(અનુસંધાન વચ.ગ.મ.પ્ર.૬૨)

उपासते નું તાત્પર્ય છે સ્વયં પોતે પોતાની જાતને ભગવાનને અર્પિત કરવી હું ભગવાનનો જ છું. ભગવાનનો જ સેવક છું અને ભગવાન મારા જ છે. ભગવાન જ મારા માલિક છે. એવું સેવકપણાના ભાવબંધનને उपासते શબ્દથી કહ્યું છે. એવું કરવાથી ભજન, ચિંતન, પૂજા વગેરે આપોઆપ ભગવાન સંબંધી થવા લાગશે. જ્યાં સુધી પ્રકૃતિના કાર્ય એવા શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહં સાથે રાગપૂર્વક તદાત્મકપણું છે ત્યાં સુધી જીવ અંતરના રણકારપૂર્વક ભગવાનને પોતાના માની શકતો નથી અને ભગવાન સાથે તદાત્મક સંબંધ માની લીધો છે તો તેમને કયારેય ભૂલી શકતો નથી. કોઈ પણ અવસ્થામાં તેમનું સ્મરણ-ચિંતન રહે છે. તેવું જ જો શરીરાદિક સાથેથી સંબંધ તોડી ભગવાન સાથે સ્થાપિત થાય તો ભગવાનનું સ્મરણ ચિંતન કરવું ન પડે પણ આપોઆપ થવા લાગે આને ભાવાત્મક પરિવર્તન કહેવાય છે.

જે સાધકનો ઉદ્દેશ્ય સાંસારિક ભોગોનો સંગ્રહ અને તેનાથી સુખ લેવાનો નથી; પરંતુ એક માત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાનો જ છે તેના દ્વારા ભગવાન સાથે પોતાના સંબંધની ઓળખાણનો આરંભ અથવા કહો કે થવાનો પ્રારંભ થઈ ચૂકયો છે. એવું માની લેવું જોઈએ. જ્યાં સુધી વ્યક્તિનો ઉદ્દેશ્ય સાંસારિક ભોગોનો સંગ્રહ અને તેમાંથી સુખ લેવાનો રહે છે, ત્યાં સુધી તે ગમે તેવો જ્ઞાની, ભક્ત કે કોઈ ઉપાધિ ધરાવતો હોય પણ તે ભગવાન સાથે ભાવાત્મક આંતરસંબંધ રાખી શકતો નથી. અર્થાત્‌તેની અનુભૂતિ કરી શકતો નથી. એ નિશ્ચિત વાત છે.

श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता:। સાધકની શ્રદ્ધા ત્યાં જ (તે કેન્દ્રમાં જ) હોઈ શકે છે, જેની તેના અંતરમાં મહત્તા મનાઈ જાય છે અથવા તેના પ્રત્યેની અતિશય રુચિ હોય છે. પરમાત્મામાં શ્રદ્ધા થઈ જતાં અર્થાત્‌બુદ્ધિ જોડાઈ જતાં તે પછી મહારાજના સિદ્ધાંત અનુસાર તેનું સ્વાભાવિક જીવન બનાવી લેશે અને તેમાંથી વિચલિત નહિ થાય.

જ્યાં પ્રેમ હોય ત્યાં મન લાગી જાય છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિ લાગે છે. પ્રેમમાં આલંબન કેન્દ્રના સંગનું(સાંનિધ્યનું) અને શ્રદ્ધામાં આસ્થા કેન્દ્રની આજ્ઞાપાલનનું પ્રાધાન્ય રહે છે.

એક માત્ર ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા હોવાથી ભક્તને ભગવાનની સાથે નિત્ય નિરંતર સંબંધનો અનુભવ થાય છે. કદી વિયોગનો અનુભવ થતો નથી. એટલા માટે ભગવાનને મતે એવા ભક્તો જ વાસ્તવમાં ઉત્તમ યોગવેત્તાઓ છે. અહીં ‘ते मे युक्ततमा मता:’ બહુવચનના પદથી જે વાત કહેવાઈ ગઈ છે, એ જ વાત છઠ્ઠા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં ‘स मे युक्ततमो मत:’ એક વચનાન્ત પદથી કહેલી છે. અગિયારમાં અધ્યાયના ચોપનમાં શ્લોકમાં ભગવાન કહી ચૂકયા છે કે, અનન્ય ભક્તિ દ્વારા સાધક મને પ્રત્યક્ષ દેખી શકે છે, તત્ત્વથી જાણી શકે છે અને મને પ્રાપ્ત થઈ શકે છે. જ્યારેઅઢારમાં અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં ભગવાને નિર્ગુણ-ઉપાસકો માટે (નિરાકાર બ્રહ્મ અથવા કૈવલ્યના ઉપાસકો માટે) પોતાને તત્ત્વથી જાણવા અને પ્રાપ્ત કરવાની જ વાત કહી છે. દર્શન આપવાની વાત કહી નથી. આ જ સગુણ ઉપાસકોની વિશેષતા છે. ખરેખર શ્રીજી મહારાજના મતે તો તેને કોઈ જાતની પ્રાપ્તિ ને ભગવાનનું સુખ પ્રાપ્ત થતું જ નથી. એમ મહારાજ માને છે. આથી ભગવાનને સાકાર માની અને તેમના વ્યક્તિત્વમાં શ્રદ્ધા-પ્રેમ રાખવાળા સાધકને જ સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ બતાવ્યો છે. તાત્પર્ય એ છે કે, ભગવાનને પોતાના માનીને તેમને પરાયણ રહેવાળો સાધક જ વિશેષ પ્રિય છે.

ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते।

सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्‌।।३।।

संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धय:।

ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता:।।४।।

અર્થ : અને જે જનો તો ઈન્દ્રિયોના સમૂહને રૂડે પ્રકારે વશમાં કરીને, નિર્દેશની કરી શકાય એવું અને તેથીજ અવ્યક્ત, એવા કૂટસ્થ, અચળ, અવિનાશી, અક્ષર-બ્રહ્મને ઉપાસે છે અને સર્વત્ર સમ બુદ્ધિ રાખનારા છે અને સર્વ ભૂત-પ્રાણીમાત્રનું હિત કરવામાં જ રાચનારા છે. તો તેઓ પણ મનેજ પામે છે. ।।૩-૪।।

ये तु-તું શબ્દ ભિન્નોપક્રમ માટે વપરાયો છે. અર્થાત્‌ભગવાનની ઉપાસના કરનારા છે, તેનાથી ભિન્ન જે પોતાના વિશુદ્ધ આત્માની ઉપાસના કરનારા છે, તેમાં કલેશ વધારે છે. એમ આગળના શ્લોકમાં બતાવશે.

જે ઈન્દ્રિય સમૂહનો સારી રીતે સંયમ કરીને अचिन्त्यम्‌ મન, બુદ્ધિનો વિષય ન હોવાને કારણે इदं तया અચિંત્ય અને સર્વત્રગમ્‌સર્વદેહોમાં ફરનારો अनिर्देश्यम्‌-જેને इदं तया બતાવી ન શકાય તેવો-કૂટસ્થ-નિર્વિકાર अचल-अव्यक्त એવા વિશુદ્ધ આત્માની ઉપાસના કરે છે. તે પણ મને જ અર્થાત્‌મત્‌સદૃશ સ્વરૂપવાળા વિશુદ્ધ આત્મસ્વરૂપને જ પામી જાય છે. ભગવાને અહીં આત્મસ્વરૂપના ઉપાસકને પણ सर्वभूतहिते रता: અને સર્વત્ર समबुद्धय: વિશેષણો આપીને એ બતાવ્યું છે કે, શરીરથી અલગ વિશુદ્ધ આત્મતત્ત્વને પામવા માટે પણ બીજા પ્રાણીઓનું હિત કરવું તે જરૂરી છે. શરીરને બીજાઓની સેવામાં લગાડવાથી અહંતા જેટલી જલદી ઓછી થાય છે તેટલી એકાંતમાં બેસીને આત્મવિચાર કરવાથી નથી થતી અને પોતાના માનેલા પદાર્થોને બીજાની સેવામાં લગાડવાથી મમતા જેટલી જલદી દૂર થઈ શકે છે, તેટલી વિચારથી જલદી દૂર થઈ શકતી નથી. વાસ્તવમાં અસંગતતા શરીર સાથે કરવાની હોય છે. ભગવાનના ભક્તો સાથે કરવાની હોતી નથી. એવા થઈને સર્વત્ર-સમબુદ્ધિ અર્થાત્‌પરમાત્મબુદ્ધિ કરવાથી વિશુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.

कलेशोऽधिकतरस्तेषांमव्यक्तासक्तचेतसाम्‌

अव्यक्ता हि गतिर्दु:खं देहवद्भिरवाप्यते।।५।।

અર્થ : પરંતુ-અવ્યક્ત અક્ષર-બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે અક્ષરના ઉપાસકોને અતિ અધિક ક્લેશ સહેવો પડે છે અને દેહધારીઓએ આખરે દુઃખપૂર્વક જ તે અવ્યક્ત ગતિ પ્રાપ્ત કરાય છે. ।।૫।।

ભગવાન કહે છે કે, ભગવાનની ઉપાસના વિના કેવળ વિશુદ્ધ આત્માની પ્રાપ્તિમાં અધિક કલેશ રહેલો છે. કારણ કે અવ્યક્ત વિષયમાં મનની વૃત્તિ રહેવી તે અત્યંત કઠિન છે દુઃખપૂર્વક પણ રહેતી થતી. દેહાભિમાની સાધકોને માટે તે અતિ કષ્ટ અનુભવ કરાવનારી છે.

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्परा:।

अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते।।६।।

અર્થ : પણ જે જનો તો મત્પરાયણ થઈને સર્વ કર્મ મારામાં જ સમર્પણ કરીને અનન્ય-એકાન્તિક ભક્તિયોગથી મારું જ ધ્યાન કરતા મારીજ ઉપાસના કરે છે.।।૬।।

અગિયારમાં અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં ભગવાને અનન્ય ભક્તનાં લક્ષણો બતાવ્યાં છે. मत्कर्मकृत्‌, मत्परम:, मद्‌भक्त: તથા सङ्गवर्जित: અને निर्वैर: તે જ વસ્તુનો સાર ભગવાન અહીં આ શ્લોકમાં બતાવી રહ્યા છે.

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य... હવે અહીંથી નિરાકાર, નિર્ગુણ ઉપાસના કે આત્મોપાસનાની અપેક્ષાએ સાકાર ભગવાનની ઉપાસના કરવી તે સુગમ છે. તે પ્રકરણ ભેદ બતાવવા ભગવાન શ્લોકમાં ‘तु’ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે.

જો કે ‘कर्माणि’ શબ્દ પોતે જ બહુવચનમાં હોવાથી સર્વ શબ્દનો બોધ કરાવી આપે છે તો પણ ‘सर्वाणि’ વિશેષણ આપીને કરણત્રય-મન, વાણી અને શરીરથી થતા તમામ લૌકિક શરીરનિર્વાહ અને આજીવિકા સંબંધી તેમ જ પારલૌકિક જપ, તપ, ધ્યાન વગેરે આરાધના સંબંધી શાસ્ત્રવિહિત કર્મોનો સમાવેશ કરી લેવામાં આવે છે.

‘मयि संन्यस्य’ શબ્દોનું તાત્પર્ય એ છે કે ભગવાન ક્રિયાઓનો સ્વરૂપથી ત્યાગ કરાવવા માગતા નથી. કારણ કે એક તો સ્વરૂપથી કર્મોનો ત્યાગ સંભવિત નથી.(ગી.૩/૫)(૧૮/૧૧) બીજું જો સાધક મોહપૂર્વક શાસ્ત્રવિહિત ક્રિયાઓનો સ્વરૂપથી ત્યાગ કરે તો તે ‘तामस’ થશે. (ગી.૧૮/૭) જો દુઃખરૂપ સમજીને શારીરિક કલેશના ભયથી તે તેમનો ત્યાગ કરે તો તે ત્યાગ રાજસ થશે.(ગી. ૧૮/૮) આથી આવી રીતે કર્મોનો ત્યાગ કરવાથી કર્મો સાથે સંબંધ વિચ્છેદ થતો નથી; પરંતુ કર્મબંધનથી મુક્ત થવા માટે સાધક કર્મોમાં મમતા, આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરે. કારણ કે મમતા, આસક્તિ અને ફલેચ્છાથી કરવામાં આવેલાં કર્મો જ બાંધવાવાળાં થાય છે.

જો સાધકનું લક્ષ્ય ભગવત્‌પ્રાપ્તિ હોય તો તે પદાર્થોની ઈચ્છા નહિ કરે અને પોતાની જાતને ભગવાનનો સમજવાને કારણે તેની મમતા પણ શરીર વગેરેથી હઠીને એક ભગવાનમાં જ થઈ જશે. પોતે ભગવાનને અર્પિત થવાથી તેના તમામ કર્મો પણ ભગવદર્પિત થઈ જશે.

ભગવાનને માટે કર્મ કરવાના વિષયમાં કેટલાક પ્રકાર છે. જેમને ગીતામાં मदर्पण कर्म, मदर्थ कर्म અને मत्कर्म નામથી કહેવામાં આવ્યા છે.

(१) मदर्पण कर्म તે કર્મોને કહે છે, જેમનો ઉદ્દેશ્ય પહેલા કંઈ બીજો હોય અથવા સ્પષ્ટ ન હોય; પરંતુ કરતી વેળાએ અથવા કર્મ પૂર્ણ થયે તેમને ભગવાનને સર્મપણ કરી દેવામાં આવે. જેમ કે ધ્રુવજીનું તપ.

(२) मदर्थ कर्म તે કર્મો છે, જે આરંભથી જ ભગવાનને માટે કરવામાં આવે અથવા જે ભગવત્‌સેવારૂપ હોય. ભગવત્પ્રાપ્તિને માટે કર્મ કરવું(લક્ષ્મીજીનું તપ) અથવા ભગવાનની આજ્ઞા માનીને કરવું(અર્જુનનું મહાભારત યુદ્ધ) અને ભગવાનની પ્રસન્નતાને માટે(નારદજીનું તપ) કર્મ કરવું-આ બધાં ભગવદર્થ કર્મો છે.

(३) मत्कर्म ભગવનાનું જ કામ સમજીને તમામ લૌકિક (વ્યાપાર, નોકરી વગેરે) અને ભગવત્સંબંધી (જપ, તપ, ધ્યાન વગેરે) કર્મોને કરવા તે मत्कर्म છે.(હનુમાનજીનું લંકા ગમન અને સીતાજીની શોધ) વાસ્તવમાં કર્મ કોઈપણ રીતે કરવામાં આવે તેમનો ઉદ્દેશ્ય એક માત્ર ભગવદ્‌પ્રાપ્તિ જ હોવો જોઈએ.

ઉપર્યુક્ત ત્રણેય પ્રકારો (મદર્પણ કર્મ, મદર્થકર્મ, મત્કર્મ)થી પ્રાપ્ત કરનારા સાધકનો કર્મો સાથે કિચિંત્માત્ર સંબંધ રહેતો નથી. કારણ કે તેનામાં ન તો ફળેચ્છા અને કર્તૃત્વાભિમાન છે અને ન પદાર્થોમાં અને શરીર, મન, બુદ્ધિ તથા ઈન્દ્રિયોમાં મમતા પણ છે. જ્યારે કર્મો કરવાના સાધનો શરીર, મન, બુદ્ધિ વગેરે પણ પોતાના નથી તો પછી કર્મોમાં મમતા થઈ જ કેવી રીતે શકે? આ રીતે કર્મોથી સર્વથા મુક્ત થઈ જવું. એને જ વાસ્તવિક ‘मयि संन्यस्य’ કહે છે. સિદ્ધ પુરુષોને સહજપણે કર્મો તેવી રીતે થાય છે અને સાધક સાવધાનીપૂર્વક પૂર્ણ સમર્પણનો ઉદ્દેશ્ય રાખીને તેવી રીતે પ્રયત્નપૂર્વક કર્મો કરે છે.

मत्परा: મારા પરાયણ થવાનો અર્થ છે, હું પરમાત્મા જ જેને એક માત્ર પ્રાપ્ય છું એવા, ભગવાનને પરમપૂજ્ય અને સર્વશ્રેષ્ઠ સમજીને સર્વથા ભગવદ્‌પરાયણ બની જવું. ઉપાસક પોતાની જાતને ભગવાનનું યંત્ર સમજીને રહે છે. તેથી જે કાંઈ શુભ ક્રિયાઓ થાય તે ભગવાન દ્વારા કરાવાયેલી માને છે અને સંસારનો ઉદ્દેશ્ય સર્વથા ન રહેવાને કારણે તેનામાં ભોગોની કામના નથી રહેતી અને કામના ન રહેવાને કારણે તેનાથી અશુભ ક્રિયાઓ થતી જ નથી.

अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते… અહીં ઈષ્ટદેવ સંબંધી અને ઉપાય સંબંધી (સાધન તરીકેની પસંદગી સંબંધી) બન્ને પ્રકારની સાધકના હૃદયમાં અનન્યપણાની નિશ્ચિંતતા હોવી જોઈએ એવું બતાવે છે. અર્થાત્‌એ ભક્તને માટે આરાધ્ય કે ઉપાસ્ય એક અને એક માત્ર શ્રીજી મહારાજ છે. એમના સિવાય અન્ય કોઈ તેમની દૃષ્ટિમાં છે જ નહિ અને તેમની પ્રાપ્તિને માટે ઉપાય પણ એક જ છે.(આશ્રય વિધિ) ‘स एव उपाय: અને स एव साध्य:’ તેઓ ભગવત્‌કૃપાથી જ ભગવાનની પ્રાપ્તિ માને છે. પોતાના પુરુષાર્થથી નહિ, છતાં પૂર્ણ પુરુષાર્થ કરે છે. તેમાં જરા પણ ન્યૂનતા કે ગૌણતા આવવા નથી દેતા અને તે પુરુષાર્થને ભગવાનના રાજીપો-પ્રસન્નતા મેળવવાના સાધન તરીકે કરે છે. તેઓ એક માત્ર ભગવાનને જ ઉદ્દેશ્ય બનાવીને ભગવાનની ઉપાસના, ધ્યાન, ભજન કરે છે.

तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्‌।

भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम्‌।।७।।

અર્થ : તો હે પાર્થ ! એ મારામાં જ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોમાં હું થોડા જ સમયમાં મૃત્યુરૂપ સંસાર-સાગરથી ઉદ્ધાર કરનારો થાઉં છું. ।।૭।।

तेषां अहं समुद्धर्ता… જે સાધકોનું લક્ષ્ય, ઉદ્દેશ્ય કે ધ્યેય ભગવાન જ બની ગયા છે, જેમણે ભગવાનમાં જ અનન્ય પ્રેમપૂર્વક પોતાના ચિત્તને લગાડી દીધું છે અને જેઓ પોતે પણ ભગવાનમાં જ લાગી ગયા છે. તેમને જ માટે અહીં ‘मय्यावेशितचेतसाम्‌’ શબ્દ વપરાયો છે.

જેમ સમુદ્રમાં પાણી જ પાણી હોય છે. એવી જ રીતે સંસારમાં મૃત્યુ અને મૃત્યુ જ હોય છે. સંસારમાં ઉત્પન્ન થવાવાળી કોઈપણ વસ્તુ એવી નથી જે કદી ક્ષણભર પણ મોતની થપાટોથી બચતી હોય. અર્થાત્‌ઉત્પન્ન થવાવાળી પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણે મોતના તરફ જ જઈ રહી છે. એટલા માટે સંસારને ‘મૃત્યુસંસારસાગર’ કહેવામાં આવ્યો છે.

મનુષ્યમાં અનુકૂળ અને પ્રતિકૂળ-બન્ને વૃત્તિઓ રહે છે. સંસારની ઘટના, પરિસ્થિતિ તથા પ્રાણી પદાર્થોમાં અનુકૂળ-પ્રતિકૂળ વૃત્તિઓ રાગદ્વેષ ઉત્પન્ન કરીને મનુષ્યને સંસારમાં બાંધી દે છે.(ગી.૭/૨૭) એટલે સુધી કહેવામાં આવે છે કે, સાચા સાધકો સંતો પણ અનુકૂળ પ્રતિકૂળ ભાવનાઓએ કરીને રાગદ્વેષના શિકાર બની જાય છે. જેથી તેઓ પણ સંસાર સમુદ્રથી જલ્દી પાર થઈ શકતા નથી. કારણ કે તત્ત્વને ઈચ્છવાવાળા સાધકને માટે સમજ્યા વિનાનો પક્ષપાત બહુ જ બાધક બને છે. એટલા માટે ગીતામાં ભગવાને ઠેકઠેકાણે દ્વન્દ્વો (રાગ અને દ્વેષ)થી છૂટવાને માટે વિશેષ ભાર દીધો છે.

જો સાધક પોતાની બધી અનુકૂળતા ભગવાનની મરજી, આજ્ઞા કે સિદ્ધાંતોમાં કરી લે અર્થાત્‌એકમાત્ર ભગવાન સાથે જ અનન્ય સંબંધી જોડી લે અને જગતથી વિમુખ થઈ જાય ત્યારે તે તત્કાળ મુક્ત થઈ જાય છે. સંસારમાં જ અનુકૂળતા કે પ્રતિકૂળતા માની લેવી તેને જ સંસારમાં બંધાવું એમ કહેવાય છે.

ભગવાનનો એવો નિયમ છે કે, જે જેવા ભાવથી ભગવાનનું શરણું લે છે એવા જ ભાવથી અર્થાત્‌તેને અનુરૂપ ભાવથી ભગવાન તેને પ્રતિસાદ આપે છે. ये यथा मां प्रपद्यन्ते र्तांस्तथैव भजाम्यहम्‌।(૪/૨૧) આથી ભગવાન કહે છે કે, समोऽहं सर्वभूतेषुसमोऽहं सर्वभूतेषु હું બધામાં સમભાવે રહ્યો છું. તો પણ જે મનુષ્ય એક માત્ર મારામાં જ પ્રીતિ કરે છે-જેને હું એક માત્ર આધાર છું. મારે માટે તમામ કર્મો કરે છે ને મારા જ ધ્યાન,ભજન ચિંતનમાં લાગ્યો રહે છે, એવા ભક્તોનો હું જાતે જ મૃત્યુ સંસાર સાગરથી બહુ જલદીથી ને સંપૂર્ણપણે ઉદ્ધાર કરી દઉં છું. ‘समुद्धर्ता भवामि’ માં ભગવાનનો એ ભાવ વ્યંજિત થાય છે કે, એવા ભક્તનાં સર્વ વિઘ્ન, બાધાઓ મારી કૃપાથી જ દૂર થાય છે. સાધનની ઊણપને પૂરી કરી-કરાવીને હું તેને મારી પ્રાપ્તિ કરાવી દઉં છું. તેમના અંતકરણમાં રહેલા અજ્ઞાનજનિત અંધકારનો નાશ કરી દઉં છું અને વિવેક પ્રગટાવી દઉં છું. તેને તમામ પાપોથી છોડાવી દઉં છું.

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय।

निवसिष्यसि मय्येव अत उर्ध्वं न संशय:।।८।।

અર્થ : માટે તું મારામાં જ મન લગાવી દે ! મારામાં જ બુદ્ધિ પરોવી દે ! હવે પછી તું મારામાં જ નિવાસ પામીશ. આ વાતમાં કાંઈ સંશય ન કરીશ. ।।૮।।

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ભગવાનના મતે એ જ ઉત્તમ યોગી છે, જેનો અંતરાત્મા મદ્‌ગત હોય અર્થાત્‌ભગવાનના સ્વરૂપમાં સ્થાપિત થઈ ગયો હોય. ભગવાન તેને ઉત્તમ યોગી માને છે. વળી ભગવાન તમામ સાધકોને એવા ઉત્તમ યોગી બનાવવાના ઉદ્દેશ્યથી અર્જુનને નિમિત્ત બનાવીને આજ્ઞા આપી દે છે કે મારામાં મન જોડી દે. મારા સ્વરૂપમાં તારી બુદ્ધિને પ્રવેશ કરાવી અર્થાત્‌નિમગ્ન કરી દે.

મન બુદ્ધિ ભગવાનમાં જોડવાનું તાત્પર્ય એ છે કે, અત્યાર સુધી મનુષ્ય જે મનથી જડ એવા સંસારમાં મમતા, આસક્તિ, સુખભોગની ઈચ્છા, આશા વગેરેને કારણે વારંવાર સંસારમાં જ પ્રીતિ કરતો રહ્યો છે, ચિંતન કરતો રહ્યો છે. તે મનને સંસારથી હઠાવીને ભગવાનમાં જોડવું તથા બુદ્ધિના દ્વારા ભગવાનના જ નિર્ણયો લેવા. હું કેવલ ભગવાનનો જ છું. મારે માટે પરમ પ્રાપ્ય એક માત્ર ભગવાન જ છે. આમ કરવાથી સંસારનું ચિંતન અને મહત્ત્વ સમાપ્ત થઈ જશે. આ જ વસ્તુને મન, બુદ્ધિનું ભગવાનમાં જોડવું એમ કહેવાય છે. મન, બુદ્ધિમાં પણ બુદ્ધિનું જોડાવું મુખ્ય છે. કોઈપણ વિષયમાં પહેલાં બુદધિનો પ્રવેશ થાય છે અને પછી બુદ્ધિના એ નિશ્ચયને બીજા અનુસરે છે. સાધન કરવામાં પણ પહેલા ઉદ્દેશ્ય બનાવવામાં બુદ્ધિનું પ્રાધાન્ય હોય છે. જે પુરુષોનું સાચું લક્ષ્ય ભગવત્‌પ્રાપ્તિ નથી તો તેનું ઈચ્છવા છતાં પણ તેના મન આદિ ભગવાનમાં યથાર્થ જોડાશે નહિ. તેથી બુદ્ધિમાં પ્રથમ નિશ્ચય કરી લેવો જોઈએ કે, ‘મારે ભગવત્‌પ્રાપ્તિ-અક્ષરધામની પ્રાપ્તિ કરવી જ છે’ તો આવા નિશ્ચયમાં ભારે શક્તિ રહેલી છે. એવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ થવામાં સૌથી મોટું વિઘ્ન ભોગ અને સંગ્રહનું સુખ લેવું તે છે. ભોગ અને સંગ્રહપ્રધાન વૃત્તિવાળો ભગવાન તરફ જવાનો, બુદ્ધિમાં નિર્ણય પણ કયારેય નથી લઈ શકતો. એવો એ ભારે નિર્ણય છે. આ નિશ્ચયમાં એટલી પવિત્રતા અને શક્તિ છે કે, દુરાચારીમાં દુરાચારી પુરુષને પણ ભગવાન સાધુ જેવો માનવાને તૈયાર થઈ જાય છે. આ નિશ્ચયમાત્રના પ્રભાવથી તે શીધ્ર જ ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેવાવાળી પરમ શાંતિને પ્રાપ્ત કરી લે છે. (૯/૩૦-૩૧)

‘હું ભગવાનનો છું, ભગવાનનો સેવક છું, દાસ છું ભગવાન મારા માલિક છે’ એવો નિશ્ચય ખરેખર તો અહંકારમાં થાય છે. છતાં પણ તે ચૈતન્યમાં એકદમ નજીક થાય છે. અર્થાત્‌તેવો નિશ્ચય ભલે બુદ્ધિ દ્વારા અહંકારમાં થાય છે પણ તે નિશ્ચયનું એવું જોર છે કે તે માયિક અહંકારનો નાશ કરીને ચૈતન્યમાં પ્રવેશ કરી જાય છે. માટે ‘હું’ પણાનો નિશ્ચય અંતે બુદ્ધિ અહંકારનો ન રહીને ચૈતન્યનો બની જાય છે. તેથી ‘હું’ પણાના નિશ્ચયની કદી વિસ્મૃતિ પણ થતી નથી. બુદ્ધિમાં કોઈ માહિતી જ્ઞાનની વિસ્મૃતિ થઈ શકે છે પણ ‘હું પરણેલો છું’, ‘હું વિદ્વાન છું’ વગેરે ‘હું’ પણાના નિર્ણયો કયારેય ભુલાતા નથી. તે વિસ્મૃતિ અવસ્થામાં પણ અટલ રહે છે. તો સ્મૃતિમાં તો તરોતાજા રહે જ છે. માટે એ ચૈતન્યમાં જલદી પેસી જાય છે. તેથી તે વિસ્મૃતિકાળમાં પણ નાબૂદ થતો નથી. તેથી તેવો નિશ્ચય ‘હું’ પણામાં થાય તો ભગવાનમાં જલદી લાગી જવાય છે અને એ ભાવ જેમ જેમ દૃઢ થતો જશે તેમ તેમ નિર્વિકલ્પ ભાવ ભગવાનમાં થતો જશે.

વાસ્તવમાં ‘હું શું છું?’ એનો સાચો પત્તો જીવની જાણકારીમાં નથી; પરંતુ ‘હું છું’. આ હોવાપણામાં થોડો પણ સંદેહ જીવને નથી. વાસ્તવમાં જીવ પરમાત્માનો નિત્ય સેવક છે. તેથી અનુભૂતિ થવી એ હું પણાનો સાચો પત્તો છે. હવે જો બુદ્ધિ દ્વારા અહંકારમાં એ સંબંધી એવો નિર્ણય કરીને પુરુષાર્થ કરી લે તો સાચો સંબંધ જાગ્રત થઈને તાજો થઈ જાય. અત્યારે હું શું છું? એના ઉત્તરમાં હું ફલાણો, ફલાણો વગેરે દેહાનુસંધાનની ઓળખાણ ગોઠવાઈ ગઈ છે. હવે જો પેલી સાચી ઓળખાણ ગોઠવે તો આ ઓળખાણ ધીરે ધીરે દૂર થઈ જાય છે.

निवसिष्यसि मय्येव अत उर्ध्वं न संशय:। ભગવાન કહે છે કે, હે અર્જુન ! મારામાં જ મન, બુદ્ધિ જોડવાથી તું મારામાં નિવાસ કરશે. મારામાં નિવાસ કરવાનું તાત્પર્ય આધાર આધેય ભાવ નથી. એ તો સર્વદા છે જ. બુદ્ધિનું તન્મય થઈ જવું એવું પણ નથી. કારણ કે તેવું તો ભગવાનનું શ્રવણ દશામાં જ સિદ્ધ થઈ જાય છે. માટે નિવાસ કરીશનું તાત્પર્ય છે, તું મુક્તની માફક મારા જે ગુણો છે, તેના અનુભવૈક પ્રવણ બની જઈશ અને બિલકુલ મારે આધીન બની જઈશ. એમાં સંશય નથી. આનાથી એવું પણ માલૂમ પડે છે કે, અર્જુનના મનમાં કાંઈક સંશય છે, ત્યારે જ ભગવાનને ‘न संशय:’ કહેવું પડે છે જો સંશયની સંભાવના જ ન હોત તો ભગવાનને તે શબ્દો આપવાની જરૂરત જ ન પડત તે સંશય શું હોઈ શકે? તો મનુષ્યના હૃદયમાં બહુધા આવી વાત જામેલી રહે છે કે, સર્વ કર્મો છોડી એકાંતમાં માળા લઈને જપ કરવા બેસી જઈશું કે ધ્યાન કરવા બેસી જઈશું ત્યારે જ પરમાત્મતત્ત્વની સાચી અનુભૂતિ થઈ શકશે. કર્મ કરતાં કરતાં તે સંભવિત નથી. તે સંશયને દૂર કરવા ભગવાન કહે છે કે, મારી પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પાકો બનાવીને મારામાં મન, બુદ્ધિનો જોડવા એ જેટલું કિંમતી છે, તેટલું બીજા બધાં સાધન મળીને પણ કિંમતી થઈ શકતા નથી. વળી મારામાં મન રાખીને તું નિષ્કામ કર્મ-નિષ્કામ સેવા યોગ કરીશ તો પછી કર્મ છોડીને એકાંતમાં સાધના કરવાની જરૂર રહેશે નહિ. એમાં સંશય નથી. તને નિશ્ચય જ મારી પ્રાપ્તિ થશે. મારા સ્વરૂપનો અનુભવ થશે. ‘मय्यर्पित मनोबुद्धि र्मामेवैष्यस्यसंशयम्‌’ (ગી. ૮/૭) જ્યાં સુધી બુદ્ધિમાં જગતનું પ્રધાનપણું છે અને અંતઃકરણમાં સંસારિક ભાવોનું જ ચિંતન થતું રહે છે ત્યાં સુધી તે ગમે તે આશ્રમ, સ્થાન કે ક્રિયાઓમાં જોડાયો હોય તો પણ તેની સ્થિતિ સંસારમાં છે. એમ માનવું જોઈએ. સંસાર સ્થિતિ અર્થાત્‌સંસારના ચિંતનથી જ સંસારમાં ઘૂમવું પડે છે.

સાધકને માટે ક્રિયાનો આધાર લઈને કે સાધનાનો આધાર લઈને કે કોઈ ગમે તે આધાર લઈને મન, બુદ્ધિ ભગવાનમાં જોડવા એ જ સૌથી મહત્ત્વનું છે. તમે કયા માધ્યમથી ભગવાનમાં જોડાવ છો. એ માધ્યમોનું એટલું મહત્ત્વ નથી.

कामाद्‌ द्वेषाद्‌ भयाद्‌ स्नेहात्‌ यथा भक्त्येश्वरे मन:।

आवेश्य तदघं हित्वा बहवस्तद्‌गतिं गता:।। ७/१/२९

गोप्य: कामाद्‌ भयाद्‌ कंस: द्वेषाद्‌ चैद्यादयो नृपा:।

सम्बन्धात्‌ वृष्णय: स्नेहात्‌ यूयं भक्त्या वयं विभो:।। ७/१/३०

तस्मात्‌ केनापि उपायेन मन: कृष्णे निवेशयेत्‌।। ७/१/३१

એવી રીતે મન ભગવાનમાં જોડવાથી સંસારનું ચિંતવન નહીં થાય અને બુદ્ધિ ભગવાનમાં જોડવાથી સંસારનો આશ્રય છૂટી જશે. જેથી ભગવાનનું ચિંતન અને ભગવાનનો આશ્રય રહેવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. ભગવાનની પ્રાપ્તિ કોઈ સાધન વિશેષનું ફળ નથી. સાધન વિશેષથી થતી નથી. સાધન તો મન,બુદ્ધિને ભગવાનમાં રાખવા માટેનાં છે. પછી પ્રસન્ન થયેલા ભગવાન જ ભગવાનની પ્રાપ્તિનું સાધન છે. જીવે કરેલા સાધનથી ભગવાન પ્રાપ્ત ન થાય.

अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्‌।

अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय।।९।।

અર્થ : અને જો તું મારામાં સ્થિર ચિત્ત રાખીને ઘણો સમય ધ્યાન કરવા સમર્થ ન થતો હોય, તો હે ધનંજય ! અભ્યાસ-યોગથી તું મને પામવાને ઈચ્છા રાખ ! ।।૯।।

ભગવાનને પામવા માટે ભગવાનની ઉપાસના સર્વ કરતાં શ્રેષ્ઠ છે. એવું બતાવ્યું. માટે તમે મારે વિષે તે અધ્યવસાય કરો. એવો અર્જુનને ઉપદેશ પણ આપ્યો. હવે શબ્દાદિક વિષય વાસનામાં આકૃષ્ટ ચિત્તવાળી વ્યક્તિ-કયારેય અનુભવ નથી કર્યો એવા તમારે વિષે (તમારા સ્વરૂપમાં) કેમ ચિત્ત સમાધાન શકય બને-સ્થિર કરી શકે ? તેવો અર્જુનની અંદર પડેલા આશયને બહાર લાવીને, તેના સામાધાનરૂપે બીજા ઉપાયોનો ભગવાન અહીં ઉપદેશ આપે છે. કયારેય પણ અશક્ય વસ્તુનો ઉપદેશ ઘટતો નથી.માટે ભગવાન કહે છે કે, એકાએક તારે માટે મારા સ્વરૂપમાં મન રાખવું અશક્ય હોય તો બીજો સહેલો રસ્તો બતાવું છું. બાકી પ્રથમ ઉપદેશ અશકય નથી. એવું ભાષ્યમાં(રામા.) ‘सहसा’ શબ્દથી બતાવી રહ્યા છે. અહીં શ્લોકમાં ‘अथ’ શબ્દ ‘यदि’ ના અર્થમાં પ્રયોગ થયો છે ‘જો તું’ આ વાતમાં અસમર્થ હોય તો તું બીજો ઉપાય કર. ભગવાન બતાવી રહ્યા છે કે, મનનો અતિ ચંચળ સ્વભાવ છે. તેને એક જગ્યાએ સ્થિર કરવું તે ‘वायोरिव सुदुष्करम्‌’ છે માટે તે એક વિષયમાં ન રહે તો કાંઈ વાંધો નહિ. મારામાં અનંત એવા કલ્યાણકારી ગુણો છે જે ઈતરપરિહાર હેતુભૂત ગુણો છે. અર્થાત્‌ઈત્તર વ્યાવૃત્તિ કરનારા છે. બીજા સર્વથી વિલક્ષણતા બતાવનારા છે. તેથી વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરનારા છે. સ્વાભાવિક અનવધિકાશય સૌંદર્ય, સૌશીલ્ય, સૌહાર્દ, વાત્સલ્ય, કારુણ્ય, માધુર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, શૌર્ય, વીર્ય, પરાક્રમ, સર્વજ્ઞતા, સત્યકામ, સત્સસંકલ્પ સવેશ્વરત્વ, સકલકારણત્વ, એ આદિક અસંખ્યેય ગુણગણ સાગર છું. તો તે અનંત ગુણોમાં તારા મનને ભ્રમણ કરાવ. તારા મનનો સ્વભાવ ભંગ પણ નહિ થાય. સ્વભાવાનુસાર તને નવીનતા-રસ મળી રહેશે અને આપણને કોઈ નુકશાની નહિ થાય. એવા આશયથી અનેક ગુણોનો નિદેર્શ કરીને બતાવે છે. તે ગુણોનું પ્રેમપૂર્વક, અનુરાગપૂર્વક સ્મૃતિનો અભ્યાસયોગથી ચિત્તનું સમાધાન કરો અને તે ઉપાયથી મને પ્રાપ્ત કરવા ઈચ્છો. આનાથી એવું ઈંગિત થાય છે કે, આવી રીતે પુનઃપુનઃ ભગવાનના ગુણોનું સ્મરણરૂપ જે અભ્યાસયોગ પણ ભગવાનને પામવાનું એક સ્વતંત્ર સાધન છે. જેમ મન, બુદ્ધિનો ભગવાનના સ્વરૂપમાં નિરોધ કરવો, તે ભગવાનને પામવાનું શ્રેષ્ઠ અને ઉત્તમ સાધન છે તેમ જ થોડુંક મન, બુદ્ધિના સ્વાભાવાનસાર ગુણગણ ચિંતન પણ એવું જ શ્રેષ્ઠ સાધન છે ને મન, બુદ્ધિને કષ્ટ ઓછું પડે છે. ભગવાનના વચનનું તાત્પર્ય એ છે કે જો ઉદ્દેશ્ય ભગવત્‌પ્રાપ્તિનો જ હોય અર્થાત્‌ઉદ્દેશ્યની સાથે સાધકની પૂર્ણ એકતા હોય તો કેવળ અભ્યાસથી પણ ભગવાનની પૂર્ણ પ્રાપ્તિ થઈ શકે છે.

अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव।

मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि।।१०।।

અર્થ : એવો અભ્યાસ કરવામાં પણ તું અસમર્થ હોય તો કેવળ મારે માટે જ કર્મ કરવામાં પરાયણ થઈ જા ! મારે માટે જ કર્મ કરતાં કરતાં પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પામીશ. ।।૧૦।।

લાંબા સમયથી પ્રત્યક્ષ અને તત્કાળ પ્રાપ્ત થાય તેવા ભોગ્ય વિષયોમાં આસક્ત મનને ગુણસાગર અને વિશુદ્ધ એવા આપને વિષે પણ અભ્યાસ શક્ય નહિ બને. મનનો તેમાં નિગ્રહ કરવો મુશ્કેલ છે. કર્મમાં તેને વાસના છે, તેથી ભગવાનના ગુણોમાં પણ તેને રસ પડતો નથી. તે છોડીને તે દોડીને કર્મમાં વળગે છે. એવો અર્જુનનો અભિપ્રાય તેને મુખ્ય કરીને અર્જુનના મનને જેવો અભ્યાસ પડી ગયો છે. તેના જેવો ઉપાય ભગવાન બતાવી રહ્યા છે. અહીં પણ ‘अथ’ શબ્દથી અનુવર્તન લેવાનું છે અને તે પણ ‘यदि’ ના અર્થમાં. જો તું એવી રીતે પ્રેમસભર મારા ગુણ ચિંતનમાં મનને રાખવામાં પણ અસર્મથ હો, તો तुं मत्कर्मपरमो भव-મારા કર્મપરાયણ થા. મારા કર્મપરાયણનું તાત્પર્ય છે ભાગવત એકાદશ સ્કંધમાં-૨૭માં અધ્યાયમાં ક્રિયાયોગ વર્ણવ્યો છે. ભગવત્‌પૂજા, ભગવત્‌કીર્તન, ચરિત્ર ચિંતન, ભગવાનનાં મંદિર નિર્માણ, મંદિરમાં વાળવું-લીંપવું થાળ-આરતી વગેરે કરવા. તે પણ અત્યર્થ પ્રીતિપૂર્વક કરવા. શ્લોકનું તાત્પર્ય છે ‘मामिच्छाप्तुं’ આ કર્મો કરીને મારી પ્રાપ્તિ કરવાની ઈચ્છા કર. એટલો ભાગ આગળના શ્લોકથી અનુવર્તન કરવાનો છે. તેથી જે સાધનથી પૂર્વ શ્લોકમાં જે પ્રાપ્તિ બતાવી છે, તે જ પ્રાપ્તિ આ શ્લોકમાં બતાવેલ સાધનથી પણ થાય છે. એવું द्धिमवाप्स्यसि શબ્દથી પ્રતીત થાય છે. તે તે કર્મો અતિ પવિત્ર(સ્વયં) છે અને સાધકને પવિત્ર કરનારાં છે અને તે તે કર્મ કરતાં સહજપણે પરમાત્માનું ચિંતન થઈ શકશે માટે સ્મૃતિનો અભ્યાસ તત્કાળ સિદ્ધ થશે.

अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रित:।

सर्वकर्मफलत्यागं तत: कुरु यतात्मवान्‌।।११।।

અર્થ : અભ્યાસ કરતા જ્ઞાન ઘણું સારું છે. જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારું છે. ધ્યાન કરતાંય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમકે-ત્યાગથી તુરત જ પછી શાંતિ પ્રાપ્ત થાય છે. ।।૧૧।।

अथ मद्योगमाश्रित: एतद्‌ अपि कर्तुं अशक्तोऽसि આમાં પણ ‘જો તું અશક્ત હોય તો’ એમ ભગવાન દરેક શ્લોકમાં કહેતા જાય છે અને તેનાથી હળવા હળવા પગથિયાં બતાવતા જાય છે. આવા વધારે પગથિયાં થઈ શકે છે પણ વિસ્તાર ન કરતાં આ શ્લોકમાં છેલ્લું પગથિયું બતાવી દીધું છે.

અર્જુનની(સાધકની) મનઃ સ્થિતિ એવી છે કે સ્વાર્થિક કર્મોમાં જ જેનું મન ચોટયું છે અને તમે કહો છો. ‘मत्कर्मपरमो भव’ માટે તે કેવી રીતે શકય બને? ત્યારે તેના સમાધાનમાં ઉપાય પરંપરાનો છેલ્લો ઉપાય-ઉપાયકાષ્ઠારૂપ-નિષ્કામ કર્મયોગ જે પ્રથમ ષટ્‌કમાં બતાવ્યો છે. તેને યાદ કરીને કહે છે કે, હવે આનાથી ભક્તિયોગ સહિતવાળું હળવું પગથિયું નથી. માટે તારે નિષ્કામ કર્મયોગ-નિષ્કામ સેવાયોગનું આચરણ કરવું પડશે. તે પણ પરભક્તિને જન્માવનારો સ્વતંત્ર ઉપાય-કે સ્વતંત્ર સાધન છે. ‘मत्प्रियत्वेन मदेक प्राप्यता बुद्धिर्हि प्रक्षीणाशेष पापस्यैव जायते।’ મને અતિ પ્રિય હોવાથી અથવા મારામાં અતિપ્રિતિ કરાવનારી હોવાથી ‘मदेक प्राप्यता बुद्धि:’ મારા એકને વિષે જ પ્રાપ્યતા બુદ્ધિ અર્થાત્‌અંતિમ લક્ષ્ય કહો કે ઉદ્દેશ્ય કહો તે સમગ્ર પાપને પ્રક્ષીણ કરનારી બની રહે છે. તેથી મને પામવાનો ઉદ્દેશ્ય દૃઢ કરીને નિષ્ક ામ કર્મયોગ-નિષ્કામ ભાવથી કરાતી ભગવાનના ભક્તોની સેવા જેને નિષ્કામ સેવાયોગ કહીશું. તે કરવામાં આવે તો તે પણ વિશુદ્ધ ભક્તિ ઉદય કરીને પરમાત્માને પામવાનું સ્વતંત્ર સાધન છે. તે ગીતામાં જ (૧૮/૪૬) કહ્યું છે જે ‘स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: થી માંડીને ‘विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते’ (૧૮/૫૩) मद्‌ मक्तिं लभते पराम्‌ બતાવ્યું છે.

આ શ્લોકમા मद्योगमाश्रित: પદનો સંબંધ ‘अथैतदप्यशक्तोऽसि’ પદની સાથે માનવો એ જ બરાબર માલૂમ પડે છે. કેમ કે જો તેનો સંબંધ ‘सर्वकर्मफलत्यागं कुरु’ ની સાથે માનવામાં આવે તો ભગવાનના આશ્રયનું પ્રાધાન્ય થઈ જવાથી અહીં પણ ‘ભક્તિયોગ’ જ થઈ જશે. એવી દશામાં દસમાં શ્લોકમાં કહેલા ભક્તિયોગના સાધનથી તેની ભિન્નતા નહિ રહે. જ્યારે ભગવાન બન્ને શ્લોકમાં કંઈક ભિન્ન ભિન્ન વસ્તુ કહેવા માગે છે.

બીજું ‘सर्वकर्मफलत्याग’ ની સાથે ‘यतात्मवान्‌’ શબ્દને જોડયો છે. આત્મસંયમની વિશેષ આવશ્યકતા કર્મયોગમાં જ રહે છે. કર્મો કરીને જ તેના ફળમાં બંધાવાની શકયતા રહે છે. કેમ કે આત્મસંયમ વિના સર્વ કર્મફળ ત્યાગ થવો શક્ય નથી.

જેનો ભગવાન પર એટલો વિશ્વાસ નથી. એટલો બધો પ્રેમ નથી અર્થાત્‌જેના હૃદયમાં હજુ ભક્તિ પૂર્ણ નથી, તેને માટે આ સાધન વિશેષ છે. પરંતુ જેને ભગવાનના વિધાનમાં, સામર્થીમાં(પરોક્ષપણે) અધિક વિશ્વાસ છે, તેને માટે ભગવાન આ શ્લોકમાં સર્વ કર્મફળ ત્યાગ રૂપી સાધન બતાવી રહ્યા છે. સર્વ કર્મફળ ત્યાગનો અભિપ્રાય સ્વરૂપથી કર્મોનો ત્યાગ નહી કરીને, કર્મફળમાં મમતા, આસક્તિ, કામના, વાસના વગેરેનો જ ત્યાગ કરવાનો છે. સર્વ કર્મફળ ત્યાગ એ પરમાત્માની પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન છે. તેને એકને જ સારી રીતે કરવાથી ભગવાનની પૂર્ણપણે પ્રાપ્તિ જે કાંઈ કહેવામાં આવે છે, તે સંપૂર્ણ થાય છે.

‘श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्‌ध्यानं विशिष्यते।

ध्यानात्‌ कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्‌।।१२।।

અર્થ : અભ્યાસ કરતા જ્ઞાન ઘણું સારું છે. જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારું છે. ધ્યાન કરતાંય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમકે-ત્યાગથી તુરતજ પછી શાંતિ પ્રાપ્ત થાય છે. ।।૧૨।।

ભગવાને આઠમાં શ્લોકમાં ‘मयि एव मन आधत्स्व’ શ્લોકથી મનબુદ્ધિ પોતાને અર્પિત કરવા બતાવ્યું. અર્થાત્‌અખંડ તૈલધારાવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા બતાવ્યું. તે સ્મૃતિ જો પ્રેમગર્ભિત ન હોય, કેવળ અંતઃકરણની કવાયત રૂપ હોય કેે લૂખી દબાણ પૂર્વક હોય, તો ખરેખર તો સ્મૃતિ અખંડ શકય બનતી નથી. કારણ કે મનનો એવો સહજ સ્વભાવ છે કે તેને જે અતિ ગમતું હોય ત્યાંથી કોઈ તેને ઊખેડી શકતું નથી અને તેને જ્યાં ન ગમે ત્યાં તેને કોઈ રૂંધી શકતું નથી. માટે ભગવાન તેવી અધૂરી સ્મૃતિને બદલે આત્માના અપરોક્ષ સાક્ષાત્‌ અનુભવ જ્ઞાન અથવા એવું કહો કે બ્રહ્મરૂપની ભાવનાપૂર્વક યથાસાધ્ય મૂર્તિનો અભ્યાસ કર. જેને અભ્યાસયોગ એવું નામ આપ્યું, તે કર એમ કહ્યું. એમાં તાત્પર્ય એવું છે કે, એક ઉપાયમાં અનધિકાર થતાં-અસમર્થ થતા, સાધકના હૃદયનો ખેદ નિવારણ કરવા અને તે સાધકને અનુરૂપ સાધન આપી ઉત્સાહ વધારવા નજીકનો જ સમાન ઉપાય બતાવે છે. તે ઉપાય સાધકના અધિકાર-યોગ્યતા પ્રમાણે સુકર(સરળ) છે. એવી પ્રશંસા કરીને આગળના ઉપાયનું પ્રતિપાદન ભગવાન કરી રહ્યા છે. श्रेयो हि જો કોઈ પણ ઉપાયનો યથાર્થપણે અભ્યાસ થાય તો તે પણ કલ્યાણ કરનારો જ થાય છે. ભગવાને અહીં પૂર્વ ઉપાય કરતાં પછીના ઉપાયને શ્રેયસ્‌વધારે કલ્યાણકારી બતાવ્યો છે. તેનું તાત્પર્ય અનધિકારી-અધિકારીની સરખામણીમાં વધારે કલ્યાણકારી છે. ચારેય અથવા તમામ ઉપાયોમાં એકબીજાની તુલનાએ એકબીજાથી શ્રેષ્ઠતા-ફલપ્રાપ્તિમાં હોય તેવું અહીં જણાતું નથી; કારણ કે ભગવાનનું તાત્પર્ય તમામ ઉપાયોથી પોતાને પમાડવાનું છે. પોતાની પ્રાપ્તિ કરાવવાનું છે. ફળરૂપે તો પોતે જ એક જ પ્રાપ્ત થવાના હોવાથી ઉપાયોમાં અધિક ન્યૂન કહી ન શકાય. ઉપાયોમાં અધિક ન્યૂન કહેવું હોય તો સૌકર્યતા(સરળતા)- અસૌકર્યતા કહી શકાય. એ દૃષ્ટિ કદાચ ભગવાનની હોઈ પણ શકે. ઉપાયમાં સૌકર્યતા હોઈને સાધક પૂર્ણ જોશથી કરી શકે તેથી સમય મર્યાદામાં જલદી ભગવાનને પામી શકે. એવું ભગવાનના કહેવામાં હોઈ શકે. કારણ કે આગળ ‘न चिरेणाधिगच्छति’ વગેરે શબ્દો ભગવાને વાપર્યા છે. અસૌકર્ય હોય ત્યારે તે યથાર્થપણે પૂર્ણ ન પણ કરી શકે, તો એવા અધૂરા પૂર્વ ઉપાય કરતાં પૂર્ણ પણે થઈ શકે તેવો પછીનો ઉપાય તે સાધકને વધારે હિત કરનારો બની શકે છે. ભગવાને શરૂઆતમાં જ્યાં જ્યાં કર્મયોગ અને જ્ઞાનયોગની તુલના બતાવી છે ‘कर्म ज्यायोहमकर्मण:’ ત્યાં પણ સૌકર્ય-અસૌકર્યની જ દૃષ્ટિ વધારે રહી છે.

તેનાથી ઊલટું પહેલા સાધનથી બીજું સાધન બતાવ્યું તે નીચા દરજ્જાનું છે. આવો મનોભાવ પણ ન થવો જોઈએ. ભગવાને પહેલા ત્રણ શ્લોકમાં કહેલા સાધનોમાં ફળ નિર્દેશ-ભગવત્‌પ્રાપ્તિની વાત બતાવી છે. ‘निवसिष्यसि मय्येव, मामिच्छाप्तुम्‌ તથા सिद्धिमवाप्स्यसि જ્યારે અગિયારમાં શ્લોકમાં જ્યાં ફ ળ ત્યાગ કરવાની આજ્ઞા આપવામાં આવી ત્યાં તેનું ફળ ભગવત્પ્રાપ્તિનો નિર્દેશ કરાયો નથી. માટે તે નિમ્ન દરજ્જાનું સાધન છે. એવી ધારણાઓને દૂર કરવા માટે અહીં બારમો શ્લોક કહેવામાં આવ્યો છે. આમાં ભગવાને કર્મફળ ત્યાગને શ્રેષ્ઠ અને તત્કાળ પરમશાંતિ આપવાવાળો બતાવ્યો છે. નિષ્કામ કર્મ अनभिसंहित फल પૂર્વક અનુષ્ઠાન થયેલું કર્મ રજો ગુણ અને તમો ગુણ જેના મૂળમાં છે. એવા રાગદ્વેષને જલ્દી નિવૃત્ત કરનાર અને શાંત કરનાર બને છે. તેથી તેના સમગ્ર પાપ શાંત થતા તત્કાળ શાંતિ પમાય છે અને પરમ શાંતિ એટલે ભગવાનની પ્રાપ્તિને જ ગીતામાં બતાવી છે. પાપ શાંત થતાં અને રાગદ્વેષ શાંત થતાં અનાયાસે કોઈપણ સાધનની યોગ્યતા પણ તેમાં આવી જાય છે. શાંત મન થતાં આત્મધ્યાન જલદી સાધ્ય થશે. તેનાથી આત્માનો અથવા પરમાત્માનો અપરોક્ષ અનુભવ જલ્દી સિદ્ધ થશે તેનાથી પરાભક્તિ સિદ્ધ થઈ જશે માટે ભક્તિયોગમાં જેનું મન આસક્ત છે તેમણે પણ કર્મયોગ વધારે શ્રેયસ્કર, ભક્તિનો અધિકારી અને વહેલી સિદ્ધિ અપાવનારો બને છે.

અહીં સમગ્ર ગીતા ઉપર ઊંડી દૃષ્ટિ કરવાથી એવું જરૂર જણાય છે કે ભગવાને એકથી અઢાર અધ્યાયમાં ‘अनभिसंहितफलपूर्वककर्मानुष्ठान’ ને સર્વ કરતાં પ્રાથમિકતા અને સર્વસાધન કરતાં વધારે મહત્ત્વ દીધું હોય એવું લાગે છે. ભગવાને જ્યાં જ્ઞાનના વખાણ કર્યા છે यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन। ज्ञानाग्नि: सर्वकर्माणि भस्मसात्कृरुते तथा(૪/૩૭) न हि ज्ञानेन सद्दशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्ध: कालेनात्मनि विन्दति।।(૪/૩૮) यस्य सर्वे समारम्भा कामसमल्पवर्जिता:। ज्ञानाग्निदग्ध कर्माणं तमाहु: पण्डितं बुधा:।(૪/૧૯) बहवो ज्ञानतपसापूता मद्‌भावमागता:(૪/૧૦) અહીં જે પરમાત્માએ જ્ઞાનની પ્રશંસા કરી છે તે કર્માન્તરગત(જ્ઞાનકર્મસન્યાસયોગ) જ્ઞાનની પ્રશંસા કરી છે, ભગવાને જ્ઞાનયોગની પ્રશંસા નથી કરી. પ્રથમ ષટ્‌ક જ કર્મયોગનું છે. તેમાં જ્ઞાન પ્રશંસા પ્રાસંગિક નથી. કોઈપણ કર્મના અંતર્ગત-પેટાળમાં ત્રણ વિભાગ કરી શકાય છે (૧) કર્મવ્યાપાર કર્મ કરવા માટે કરવો પડતો ઈન્દ્રિય વ્યાપાર અથવા ઈન્દ્રિય-અંતઃકરણનો આયામ(કવાયત) (૨) કોઈપણ ઈન્દ્રિય, અંતઃકરણની ચેષ્ટા તેનો યોગ્ય અર્થ સાધવા માટે જ્ઞાન વિના થતી નથી-જ્ઞાનશૂન્ય પ્રદેશમાં ચેષ્ટા કયારેય પ્રર્વતતી નથી. માટે કોઈપણ કર્મમાં સાથે સાથે (એક કદમ આગળ) કર્મની અંતર્ગત-કર્મનો એક ભાગ થઈને જ્ઞાન પ્રર્વતે છે. એ પણ કર્મ બાહ્ય ભાગમાં રહે છે. જ્ઞાન આંતરભાગમાં રહે છે, તેને કર્માન્તર્ગત જ્ઞાન કહેવાય છે. જ્યારે ભગવાને ઉપર જે જ્ઞાનનો મહિમા બતાવ્યો છે, તે પ્રકરણાનુસાર કર્મયોગને અંતર્ગત પ્રર્વતતું જ્ઞાન છે. તેનો મહિમા બતાવ્યો છે, સ્વતંત્ર જ્ઞાનયોગનો નહિ. જ્ઞાન, કર્મયોગમાં ગૌણપણે પ્રર્વતે છે. તો પણ મહત્ત્વ તેનું છે. સ્થૂળ કર્મનું નહિ અને આંતર ભાગમાં જ્ઞાન પ્રવર્તે ત્યારે જ કર્મયોગ નિષ્કામ થઈ શકે છે અજ્ઞાનથી નિષ્કામ થઈ શકતો નથી. તેવી જ રીતે (૩) ત્રીજો ભાગ છે કર્મની પ્રેરણા-કર્મમાં એક પ્રેરક કેન્દ્ર હોય છે કે, જેના વિના કર્મ-ઉત્થાન થઈ શકતું નથી. તે કેન્દ્ર સંસારમાં ઘણું કરીને રાગ, વાસના, મમતા, આસક્તિ અહંકાર વગેરે ગોઠવાયેલા હોય છે; પરંતુ ભગવાનને માર્ગે ચાલતા સાધકને અહંકાર માટે કર્મયોગ કરવામાં કે કર્મયોગની પ્રેરણા પૂરી પાડવામાં પરમાત્મા પ્રત્યે રાગ, મમતા આસક્તિ પ્રત્યક્ષપણે અથવા પરંપરાથી રહેલી હોય છે. જેને આપણે ભક્તિ કહીશું. તે પણ કર્માન્તરગત રહીને જ પ્રવર્તી કે પ્રસરી શકે છે. મૂળ કર્મ વિના જ્ઞાન કે રાગ(ભક્તિ) સંચાલિત કે સચેત થઈ પ્રવર્તી શકતા નથી.(અમસ્તોએ ભક્તિયોગ પુર્ણકર્મથી સભર છે. કર્મ વિના ભક્તિ પ્રસરણ પામી શક્તિ નથી.) નિષ્કામ કર્મયોગનું પોષક અને ઉદ્‌ભાવક છે. તેથી ભગવાને ગીતામાં દેહધારીની સાથે કર્મનો અવિનાભાવનો સંબંધ જાહેર કર્યો છે.

न हि कश्चित्‌ क्षणमपि जातु तिष्ठति अकर्मकृत्‌।

कार्यते ह्यवश: कर्म सर्व: प्रकृति जैर्गुणै:।।३/५

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत:।

यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते।।१८/११।।

તેથી પરમાત્મા પ્રત્યે ભક્તિ પાંગરે છે, તે પણ નિષ્કામ કર્મયોગની અંતર્ગત જ નિષ્કામ સેવાયોગની અર્તગત જ પાંગરે છે. અને પ્રબળ જ્ઞાન પાંગરે છે, તે પણ નિષ્કામ સેવાયોગની અંર્તગત જ પાંગરે છે. તેનું સૌથી બહારનું કલેવર નિષ્કામ સેવાયોગ રહે છે. तदन्तर्गत ज्ञान योग અને तदन्तर्गत ભક્તિયોગ પુષ્ટ પામીને પૂર્ણ કક્ષાએ પહોંચે છે. જો સાધક નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં અંતર્ગત વિકાસ પામતાં બન્ને યોગોનું અનુસંધાન રાખે તો તે જલ્દી પૂર્ણતાએ પહોંચે છે. નહિ તો ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. જ્યારે યથાર્થપણે अनभिसंहित फल પૂર્વક કર્મયોગ સાધકને પૂર્ણ પરમાત્મા સુધી પહોંચાડે છે. તેની ભગવાને ગીતામાં અનેકવાર ખાત્રી બતાવી છે.

स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर:।१८/४५

यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्‌।

स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव:। १८/४६

सर्वकर्माणि अपि सदा कुर्वाणो मद्‌व्यपाश्रय:।

मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम्‌। १८/५६

ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ्क्षति।

આવી રીતે નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ તેને અવશ્યપણે પ્રેમલક્ષણા ભક્તિ કે પરમાત્માના સ્વરૂપમાં અખંડ તૈલધારાવત્‌અખંડ સ્મૃતિ સંતાનરૂપ એકાંતિકી સ્થિતિ સુધી પહોંચાડે છે. જો જ્ઞાનયોગનું અનુસંધાન કરે તો જનક મહારાજ જેવું જ્ઞાન અથવા જ્ઞાનીની સ્થિતિ પમાડે છે અને તે પણ नचिरेण(જલ્દી) પમાડે છે. સ્વતંત્ર જ્ઞાનયોગ અને સ્વતંત્ર ભક્તિયોગ લાંબે સમયે સિદ્ધ થાય છે, એટલી વિશેષતા છે. श्रेयो हि ध्यानात्‌ कर्मफलत्याग: મનુષ્ય માટે, સાધકને માટે, શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, યોગ્યતા, સામર્થી, પદાર્થ વગેરે જે કાંઈ મનુષ્યની પાસે છે; તે તમામ પરમાત્મા પાસેથી મળેલું છે. તેથી સાધકે કર્મફળનો ત્યાગ કરીને અર્થાત્‌તમામ સામગ્રીને પોતાની અને પોતાને માટે નહિ માનીને, નિષ્કામભાવપૂર્વક ભગવાન અને ભગવાનના સાચા ભક્તના અર્થે સેવામાં લગાડી દેવાથી તેમાં જડતા દૂર થઈ જાય છે અને પૂર્ણ ચૈતન્ય ભાવને પામીને દિવ્ય ભાવને પામી જાય છે. પછી તે ધ્યાનમાં લગાડશે તો પણ કઠિન નહી પડે. જ્યારે સકામ ભાવથી સાધનોમાં જડતા આવી જશે. ત્યારે ધ્યાન કઠિન થઈ પડશે. જ્યારે કર્મયોગીને અલ્પકાળમાં તે સ્થિતિ પ્રાપ્ત થશે. માટે ધ્યાનથી પણ શ્રેષ્ઠ છે. અહીં त्यागाच्छान्तिरनन्तरम ત્યાગાત્‌એ કર્મફળ ત્યાગને માટે જ આવયું છે. આવા ત્યાગના વિશેષ સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે. ત્યાગ ન તો તેનો થઈ શકે છે જે પોતાનું સ્વરૂપ હોય અને ત્યાગ ન તો તેનો થઈ શકે જે પોતાનું (સ્વરૂપ) ન હોય. જેમકે સૂર્ય પ્રકાશ કે ગરમીનો ત્યાગ કરી શકતો નથી. તેમ જ અંધારાનો પણ ત્યાગ કર્યો એવું કહેવું ઘટતું નથી. માટે ત્યાગ તેનો જ થાય છે, જે પોતાનું નથી ને ભૂલથી પોતાનું માની બેઠા હોઈએ અથવા કરી બેઠા હોઈએ. ત્યાગ અસીમ હોય છે. ગ્રહણની સીમા હોય છે. પદાર્થ સીમિત હોવાથી ગ્રહણ સીમિત જ રહેશે. જ્યારે ત્યાગ અસીમ હોય છે ત્યાગથી જ અસીમ એવા પરમાત્માને પામી શકાય છે. સીમિત વસ્તુના મોહને કારણે અસીમ પરમાત્મા સુધી પહોંચી શકાતું નથી ને વચ્ચે રોકાઈ રહેવાય છે. ‘કર્મફળ ત્યાગ’માં સંસાર સાથે માનેલા સંબંધનો ત્યાગ થઈ જાય છે. એટલા માટે અહીં त्यागात्‌ પદ કર્મો અને તેમના ફળની સાથે ભૂલથી માનેલા સંબંધને ત્યાગ કરવાના અર્થમાં જ આવ્યું છે. આ જ ત્યાગનું વાસ્તવિક સ્વરૂપ છે

न हि देहभृतां शक्यं त्यक्तुं कर्माण्यशेषत:।

यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते।।१८/११

અને શાંતિ પદનું તાત્પર્ય પણ ભગવત્‌પ્રાપ્તિ અર્થમાં છે.

અભ્યાસ, જ્ઞાન અને ધ્યાન-ત્રણે સાધનોથી કર્મફળ ત્યાગ રૂપી સાધન શ્રેેષ્ઠ છે. ફલાસક્તિના ત્યાગની જરૂિરયાત ત્રણેય સાધનોમાં પણ છે. આસક્તિ જ અશાંતિનું કારણ છે, કર્મ કે પદાર્થ નથી. જનક રાજાને પ્રવૃત્તિ અને પદાર્થ(રાજ્ય) બન્ને હતા પણ અશાંતિ નહોતી. સૌભરી, નારદ વગેરેને પ્રવૃત્તિ-પદાર્થ કાંઈ નહોતું તોય અશાંતિને કયારેક પામ્યા છે. માટે આસક્તિ સહિતના કર્મ કે પદાર્થ હોય ત્યારે તે અતિ અજંપો ઊભો કરનારા બને છે.

‘કર્મફળત્યાગ’ એ કર્મયોગનું બીજું નામ છે. કારણ કે કર્મયોગમાં કર્મફળત્યાગ જ મુખ્ય છે. આ કર્મયોગ ભગવાન શ્રીકૃષ્ણના અવતારની બહુ જ પહેલાથી લુપ્તપ્રાય થઈ ગયો હતો. (ગી. ૪/૨) ભગવાને અર્જુનને નિમિત્ત કરી કૃપાપૂર્વક આ કર્મયોગને ફરીથી પ્રગટ કર્યો. (ગી. ૪/૩) ભગવાને કર્મયોગને પ્રગટ કરીને પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક મનુષ્યને કલ્યાણનો અધિકાર પ્રદાન કર્યો. અન્યથા અધ્યાત્મમાર્ગના વિષયમાં કદી એ વિચારી જ નથી શકાતું કે એકાંત વિના, કર્મોને છોડયા વિના, તપશ્ચર્યા કર્યા વિના, વસ્તુઓનો ત્યાગ કર્યા વિના, સ્વજનોનો ત્યાગ કર્યા વિના, પ્રત્યેક પરિસ્થિતિમાં મનુષ્ય પોતાનું કલ્યાણ પામી શકે છે.

કર્મયોગમાં ફલાસક્તિનો ત્યાગ જ મુખ્ય છે. ધનિકતા-નિર્ધનતા, માન-અપમાન, સ્તુતિ-નિંદા વગેરે બધી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ કર્મોના ફળરૂપમાં આવે છે. એમની સાથે રાગદ્વેષ રહેવાથી કદી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી.(ગી. ૨/૪૨-૪૪) ઉત્પન્ન-નષ્ટ થવાવાળી તમામ વસ્તુઓ કર્મફળના રૂપમાં હોય છે. જે કર્મના ફળરૂપમાં મળ્યું છે તે સદા રહેવાવાળું નથી હોતું. કેમ કે જ્યારે કર્મ સદા નથી રહેતું ત્યારે તેનાથી ઉત્પન્ન થવાવાળું ફળ સદા કેવી રીતે રહે? એટલા માટે તેમાં આસક્તિ અને મમતા કરવી એ ભૂલ છે. આથી ફલાસક્તિનો ત્યાગ એ કર્મયોગનું બીજ છે. વાસ્તવમાં ક્રિયાઓ કદી બંધનકારક નથી હોતી. બંધનનું મૂળ કારણ કામના અને ફલાસક્તિ છે. કામના અને ફલાસક્તિ દૂર થતાં બધાં કર્મો, અકર્મો થઈ જાય છે.(ગી. ૪/૧૯-૨૩) ભગવાનને મતે, સ્વરૂપથી કર્મોનો ત્યાગ કરવાવાળી વ્યક્તિ(સાચા ભાવમાં) સન્યાસી નથી; પરંતુ કર્મફળનો આશ્રય ન લઈને કર્તવ્યકર્મ કરવાવાળો કર્મયોગી જ સાચો સંન્યાસી (સાધુ) છે.(ગી. ૬/૧) ગીતા ફલાસક્તિના ત્યાગ ઉપર(કર્મયોગના ઉપર) જેટલો ભાર આપે છે એટલો બીજા કોઈ સાધન ઉપર નહિ. બીજા સાધનોનું વર્ણન કરતી વખતે પણ કર્મફળના ત્યાગને તેમની સાથે રાખવામાં આવે છે. ભગવાનના મત અનુસાર સાચો ત્યાગ એ જ છે. જેમાં નિષ્કામ ભાવે પોતાના કર્તવ્યનું પાલન થાય અને ફળોમાં કોઈ પ્રકારની આસક્તિ ન થાય.(ગી.૧૮/૬) ઉત્તમમાં ઉત્તમ કર્મોમાં પણ આસક્તિ ન હોવી જોઈએ અને સાધારણમાં સાધારણ કર્તવ્ય કર્મનો દ્વેષ કે નિમ્નભાવ ન હોવો જોઈએ. તેથી જ ભગવાન બતાવે છે કે રાગદ્વેષથી રહિત મનુષ્યની સામે સમસ્ત પ્રાણીઓના સંહારરૂપી કર્તવ્યકર્મ કદાચ આવી જાય તો પણ તે બંધાતો નથી. (ગી.૧૮/૧૭) એટલા માટે જ ભગવાન ‘કર્મફળ ત્યાગ’ ને તપ, જ્ઞાન, કર્મ(સામાન્ય) અભ્યાસ, ધ્યાન વગેરે સાધનોથી શ્રેષ્ઠ બતાવી રહ્યા છે. બીજા સાધનોમાં કર્મયોગમાં બતાવી તેવી(ગી.૧૮/૧૭માં) જીવને સંસારથી છોડાવવાની સામર્થી બતાવી નથી અને કર્મયોગ પણ અંતર્ગત જ્ઞાન ભક્તિના અનુસંધાનવાળો હોવો જોઈએ. તેને જ સાચા અર્થમાં કર્મયોગ કહી શકાય છે.