ગી.અ-08, શ્લોક 23 to 28

શ્લોક ૨૩-૨૮

શુક્લ અને કૃષ્ણમાર્ગનો વિષય

यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन:।

प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ।।२३।।

અર્થઃ હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું. ।।૨૩।।

આને આ જન્મે મૃત્યુ થતાં જ પરમાત્માના ધામમાં પહોંચી જવાય તેને ‘सद्योमुक्ति’ કહેવાય છે અને જેઓ જીવતે છતે જ દેહાદિ આસક્તિના સ્થાનોથી આસક્તિ છોડીને મુક્તદશાને પામી જાય છે, તે અત્યારે ‘જીવન મુક્ત’ કહેવાય છે ને મૃત્યુ પછી ‘સદ્યોમુક્તિ’ને પામે છે. જેઓને અહીં જ ભગવત્‌પ્રાપ્તિ થઈ ગઈ અર્થાત્‌ભગવાનમાં અનન્ય ભક્તિ, અનન્ય પ્રેમ થઈ ગયો તેઓ તો અહીં જ પરમ સંસિદ્ધિને પામી ગયા કહેવાય. બીજા જે સાધકો કોઈ સૂક્ષ્મ વાસનાને કારણે બ્રહ્માજીના લોકમાં જઈને ક્રમશઃ બ્રહ્માજીની સાથે મુક્ત થઈ જાય છે. તેમની મુક્તિને ‘ક્રમ મુક્તિ’ કહે છે. જેઓ કેવલ સુખ ભોગવવાને માટે જ અને ઐશ્વર્ય ભોગવવાને માટે જ બ્રહ્માના લોકમાં અથવા બીજા કોઈ દેવતાના લોકમાં જાય છે, તેઓ પુણ્ય ખૂટતા પાછા ફરીને આવે છે. તેને ‘પુનરાવૃત્તિ’ કહેવાય છે. સદ્યોમુક્તિનું વર્ણન આગળ કરવામાં આવ્યું; પરંતુ ‘ક્રમમુક્તિ’ અને ‘પુનરાવૃત્તિ’નું વર્ણન બાકી રહ્યું છે. તેનું વર્ણન કરવાને માટે ભગવાન આગળના પ્રકરણનો પ્રારંભ આ શ્લોકથી કરે છે.

અહીં કાળ શબ્દ માર્ગ જે રસ્તે સંવત્સર વગેરે કાલાભિગામી દેવતા લઈ જાય છે તે રસ્તાને માટે ‘काल’ શબ્દ વપરાય છે. કારણ કે આગળ છવ્વીસમાં અને સત્યાવીસમાં શ્લોકમાં આજ કાળ શબ્દને માર્ગના પર્યાયવાચી ‘ગતિ’ અને ‘સૃતિ’ શબ્દોથી કહેવામાં આવ્યો છે.

अनावृत्तिमावृत्तिम्‌’ કહેવાનું તાત્પર્ય એ છે કે અનાવૃત્ત જ્ઞાનવાળા પુરુષો જ અનાવૃત્તિમાં જાય છે અને આવૃત્તિ જ્ઞાનવાળા પુરુષો જ આવૃત્તિમાં જાય છે. જેઓ સાંસારિક પદાર્થો અને ભોગોથી વિમુખ થઈને પરમાત્માને સન્મુખ થયા છે, તેઓ અનાવૃત્ત જ્ઞાનવાળા છે. અર્થાત્‌તેઓનું જ્ઞાન (વિવેક) ઢંકાયેલું નથી; પરંતુ જાગ્રત છે. એટલા માટે તેઓ અનાવૃત્તિના માર્ગમાં જાય છે. જ્યાંથી ફરી પાછા ફરવું નથી પડતું. નિષ્કામભાવ હોવાથી તેઓના માર્ગમાં પ્રકાશ રહે છે. અર્થાત્‌વિવેક રહે છે.

સાંસરિક પદાર્થો અને ભોગોમાં આસક્તિ, કામના અને મમતા રાખવાવાળા જે પુરુષો તે પોતાના સ્વરૂપથી (આત્મસ્વરૂપથી) અને પરમાત્માના સ્વરૂપથી વિમુખ થઈ ગયા છે. તેઓ આવૃત્ત જ્ઞાનવાળા છે. અર્થાત્‌તેઓનું જ્ઞાન (વિવેક) ઢંકાયેલું છે. એટલા માટે તેઓ આવૃત્તિને માર્ગે જાય છે. જ્યાંથી ફરીથી પાછા વળીને જન્મ-મરણના ચક્કરમાં આવવું પડે છે. સકામભાવ હોવાથી તેઓના માર્ગમાં અંધકાર અર્થાત્‌અવિવેકનું પ્રાધાન્ય રહે છે.

જેઓનો પરમાત્મપ્રાપ્તિનો ઉદ્દેશ્ય છે; પરંતુ અંતરમાં આંશિક વાસના રહેવાથી જેઓ અંતકાળમાં વિચલિત મનવાળા થઈને પુણ્યકારી લોક (ભોગભૂમિઓ)ને પ્રાપ્ત કરીને પછી ત્યાંથી પાછા વળીને આવે છે, એવા યોગભ્રષ્ટોને પણ આવૃવિવાળાઓના માર્ગની અંતર્ગત ગણી લેવાને માટે અહીં ‘चैव’ પદ આપ્યું છે.

અહીં ‘योगिन:’ પદ નિષ્કામ અને સકામ-બન્નેને માટે આપ્યું છે.

अग्निर्ज्योतिरह: शुक्ल: षण्मासा उत्तरायणम्‌।

तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जना:।।२४।।

અર્થઃ અગ્નિ, જ્યોતિ, દિવસ, શુકલ પક્ષ, ઉત્તરાયનના છ માસ, આ કાળમાં જનારા બ્રહ્મવિત્‌પુરુષો બ્રહ્મને પામે છે. ।।૨૪।।

જે શુક્લમાર્ગમાં અર્થાત્‌પ્રકાશ બહુલતાવાળા માર્ગમાં જવાવાળા છે. તેઓ સહુથી પહેલાં જ્યોતિસ્વરૂપ અગ્નિદેવતાના અધિકારમાં આવે છે. જ્યાં સુધી અગ્નિદેવતાનો અધિકાર છે ત્યાંથી પાર કરાવીને અગ્નિદેવતા એ જીવને દિવસના દેવતાને સોંપી દે છે. દિવસના દેવતા એ જીવને પોતાના અધિકાર સુધી લઈ જઈને શુક્લપક્ષના અધિકારી દેવતાને સમર્પિત કરી દે છે. એ શુક્લપક્ષના દેવતા પોતાની સીમાને પાર કરાવીને એ જીવને ઉત્તરાયણના અધિપતિ દેવતાને સુપ્રત કરી દે છે. પછી એ પછી ઉત્તરાયણના અધિપતિ દેવતા તેમને બ્રહ્મલોકના અધિપતિ દેવતાને સમર્પિત કરી દે છે. આ રીતે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોક સુધી પહોંચી જાય છે. બ્રહ્માજીના આયુષ્ય સુધી તેઓ ત્યાં રહે છે. પછી મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઈને પરમાત્મા પ્રત્યે જાય છે.

અહીં ‘ब्रह्मविद:’ પરમાત્માને પરોક્ષરૂપે જાણવાવાળા મનુષ્યોનું વાચક છે. અપરોક્ષરૂપે અનુભવ કરવાવાળા જ્ઞાનીઓનું નહિ. કારણ કે જો તેઓ અપરોક્ષ જ્ઞાની હોત તો અહીં જ મુક્ત(સદ્યોમુક્તિ કે જીવનમુક્ત) થઈ જાત અને તેને બ્રહ્મલોકમાં જવું ન પડત.

‘धूमो रात्रिस्तथा कृष्ण: षण्मासा दक्षिणायनम्‌।

तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते।।२५।।

અર્થઃ ધૂમ, રાત્રિ તથા કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ માસ, તે કાળમાં જનારો યોગી ચંદ્રના લોકને પામીને પુણ્ય ખૂટતાં પાછો ફરે છે. ।।૨૫।।

સ્થળ અને કાળની દૃષ્ટિએ જેટલો અધિકાર અગ્નિ અર્થાત્‌પ્રકાશના દેવતાનો છે, તેટલો જ અધિકાર ધૂમ અર્થાત્‌અંધકારના દેવતાનો છે. તે ધૂમાધિપતિ દેવતા કૃષ્ણ માર્ગેથી જવાવાળા જીવોને પોતાની સીમાથી પાર કરાવીને રાત્રીના અધિપતિ દેવતાને આધીન કરી દે છે. રાત્રીના અધિપતિ દેવતા એ જીવને પોતાની સીમાથી પાર કરીને કૃષ્ણપક્ષના અધિપતિ દેવતાને આધીન કરી દે છે તેમજ દક્ષિણાયન, ચંદ્રલોકને પામે છે. જ્યાં અમૃતનું પાન થાય છે. એવા સ્વર્ગાદિ દિવ્યલોકોને પ્રાપ્ત થાય છે. પછી પોતાના પુણ્ય અનુસાર ન્યૂનાધિક સમય ત્યાં રહીને અર્થાત્‌ભોગ ભોગવીને પાછા ફરે છે.

અહીં એક વાત ધ્યાન દેવાની એ છે કે જે ચંદ્રમંડળ દેખાય છે એ ચંદ્રલોક નથી. કારણ કે આ ચંદ્રમંડળ તો પૃથ્વીની ખૂબ જ નજીક છે. જ્યારે અહીં વર્ણવેલો ચંદ્રલોક સૂર્યથી પણ ઊંચો માનવામાં આવે છે. એ ચંદ્રલોકથી અમૃત ચંદ્રના મંડળમાં આવે છે જેનાથી શુક્લપક્ષમાં ઔષધીઓનું પોષણ થાય છે.

બીજી સમજવાની વાત એ છે કે અહીં જે કૃષ્ણમાર્ગનું વર્ણન છે, તે શુકલમાર્ગની અપેક્ષાએ કૃષ્ણમાર્ગને, ન્યૂન છે. વાસ્તવમાં તો આ માર્ગ પૃથ્વી કરતાં ઊંચા ઊંચા લોકોમાં જવાનો માર્ગ છે. સામાન્ય મનુષ્યો મર્યા પછી મૃત્યુલોકમાં જન્મ લે છે. જેઓ પાપી હોય છે, તે નરકોમાં જાય છે. ભક્તદ્રોહી આસુરી થાય છે. એ બધા કરતાં તો કૃષ્ણમાર્ગવાળા શ્રેષ્ઠ છે. તેઓ ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત કરે છે. એવું કહેવાનું આ જ તાત્પર્ય છે કે સંસારમાં જન્મમરણના જેટલા માર્ગો છે, એ બધા માર્ગોથી આ કૃષ્ણ માર્ગ (ઊર્ધ્વગતિનો હોવાથી) શ્રેષ્ઠ છે અને તેમની અપેક્ષાએ પ્રકાશમય છે ફકત જ્યોતિમાર્ગથી ન્યૂન છે. જન્મમરણ પામવાનો માર્ગ છે. કૃષ્ણમાર્ગથી પુણ્ય ખૂટતાં જીવ પાછા ફરતી વેળાએ પ્રથમ આકાશમાં આવે છે પછી વાયુને આધીન થઈને વાદળોમાં આવે છે અને વાદળોમાંથી વર્ષા દ્વારા ભૂમંડળ પર આવીને અન્નમાં પ્રવેશ કરે છે. પછી કર્માનુસાર પ્રાપ્ત થવાવાળી યોનિના પુરુષમાં અન્ન દ્વારા પ્રવેશ કરે છે અને પુરુષ દ્વારા સ્ત્રીજાતિમાં જઈને શરીર ધારણ કરીને જન્મ લે છે. આ રીતે તે જન્મ-મરણના ચક્કરમાં પડી જાય છે.

અહીં સકામ મનુષ્યને પણ ‘યોગી’ શા માટે કહેવામાં આવ્યો છે? એનાં અનેક કારણો હોઈ શકે છે. જેવાં કે (૧) આમા મરવાવાળાની ઊર્ધ્વગતિનું વર્ણન થયું છે. તેથી અધોગતિથી તે શ્રેષ્ઠ હોવાને કારણે અહીં સકામ મનુષ્યને પણ યોગી કહેવામાં આવ્યો હોય.(૨) જે કેવળ ભોગ ભોગવવા જ ઊંચા લોકમાં જાય છે. તેમણે પણ આ લોકના ભોગનો તો સંયમપૂર્વક ત્યાગ કરવો જ પડે છે. તેથી આંશિક ભાગમાં તે યોગી છે. જેમનોે ઉદ્દેશ્ય પરમાત્મપ્રાપ્તિનો છે; પરંતુ અંતકાળમાં કોઈ સૂક્ષ્મ વાસનાને કારણે તેઓ યોગથી વિચલિત મનવાળા થઈ જાય છે. તો તેઓ બ્રહ્મલોક વગેરે ઊંચા લોકમાં જાય છે અને ત્યાં બહુ જ સમય સુધી રહીને પછી અહીં ભૂમંડળ ઉપર આવીને શુદ્ધ શ્રીમાનોના ઘરમાં જન્મ લે છે. એવા યોગભ્રષ્ટ મનુષ્યોનો પણ જવાનો આજ માર્ગ હોવાથી અહીં સકામ મનુષ્યને પણ યોગી કહી દીધો છે.

અહીં આ ગતિમાં કેટલીક વિશેષતાઓ છે, તે જાણવા યોગ્ય છે. જેઓનો ઉદ્દેશ્ય પરમાત્મપ્રાપ્તિનો છે; પરંતુ સુખભોગની (અનુકૂળભોગની) સૂક્ષ્મવાસના સર્વથા દૂર થઈ નથી,તેઓ શરીર છોડીને બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્મલોકના ભોગ ભોગવતાં ભોગવતાં તેમની એ વાસના દૂર થઈ જાય તો તેઓ કલ્પજીવી થઈને બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. (વાસનાની ખામી છે) જેમનો ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિનો જ છે અને જેઓમાં ન અહીંના ભોગોની વાસના છે તથા ન બ્રહ્મલોકના ભોગોની વાસના છે; પરંતુ જેઓ અંતકાલીન સમયમાં કોઈ કારણને લઈને ઉપાસનામાંથી વિચલિત થઈ ગયા છે, તો તેઓ બ્રહ્મલોક વગેરે લોકમાં નથી જતા. તેઓનો તો સીધો જ યોગીઓના કુળમાં જન્મ થાય છે. અર્થાત્‌જ્યાં સારી રીતે અધૂરું સાધન પૂરું થઈ શકે છે. એવા કુળમાં જન્મ લઈ સાધન કરીને મુક્ત થાય છે (ગી.અ.૬/૪૨-૪૩) (ઉપાસનાની ખામીવાળા છે) ઉપર્યુક્ત બન્ને સાધકોનો ઉદ્દેશ્ય તો એક જ રહ્યો છે; પરંતુ વાસનામાં અંતર રહેવાથી એક બ્રહ્મલોકમાં જઈને ક્રમમુક્તિથી ભગવાન પાસે જાય છે. બીજો યોગીઓના કુળમાં જન્મ લઈ સીધો જ સદ્યોમુક્તિથી ભગવાનના ધામમાં જાય છે.

જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે ઊંચા ઊંચા લોકના ભોગ સુખ ભોગવવાનો છે, ત્યારે યજ્ઞ વગેરે શુભ કર્મો કરીને ઊંચા લોકમાં જાય છે. ત્યાંના દિવ્ય ભોગોને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં પાછો પૃથ્વી પર આવે છે. અર્થાત્‌જન્મ-મરણમાં ફરે છે.

જેનો ઉદ્દેશ્ય તો પરમાત્મપ્રાપ્તિનો જ રહ્યો છે પણ સાંસારિક સુખ ભોગની વાસનાને તે દૂર કરી નથી શકયો તેથી યોગથી વિચલિત થઈને તે સ્વર્ગ વગેરે લોકમાં જઈને ત્યાંના ભોગ ભોગવે છે અને પછી પાછો ફરીને પવિત્ર શ્રીમંતને ઘેરે જન્મ લે છે. ત્યાં તે પૂર્વજન્મ કૃત સાધના અધૂરી રહી હતી, તેને પૂરી કરવામાં લાગી જાય છે. પૂરી થયે મુક્ત થઈ જાય છે. (ગી.૬/૪૧, ૪૪-૪૫)

ઉપર્યુક્ત બન્ને સાધકોમાંથી એકનો ઉદ્દેશ્ય જ સ્વર્ગના સુખ ભોગનો છે. એટલા માટે તે પુણ્યકર્મો અનુસાર ત્યાંના ભોગો ભોગવીને પછી પાછો ફરીને આવે છે; પરંતુ જેનો ઉદ્દેશ્ય ભગવાનને પામવાનો છે અને તે વિચાર દ્વારા ભોગોનો ત્યાગ પણ કરે છે, છતાં પણ વાસના નથી દૂર થતી. અંતમાં ભોગોની યાદી આવવાથી તે સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે તો પણ તેણે સાંસારિક ભોગોનો ત્યાગ કર્યો છે, તેનું મોટું માહાત્મ્ય છે. એટલા માટે એ લોકમાં લાંબા સમય સુધી ભોગ ભોગવીને પાછો પૃથ્વી પર પવિત્ર ઘરે જન્મ લે છે.

જીવને ભગવાન પાસે ભગવાનના ધામમાં પહોંચવા વચ્ચે રોકનાર ખામીઓ બે પ્રકારની છે. તેમાં એકતો ઉપાસનાની ખામી. જે ઈષ્ટદેવની ઓળખાણની ખામી છે. બીજી ધર્મ, વૈરાગ્યાદિક આચરણની ખામી. આચરણની ખામી હોય તો બ્રહ્માદિના લોકની અંદર જ સ્વર્ગાદિક ભોગમાં લિપ્ત થઈને રોકાઈ જાય છે અને પરમાત્માની ઓળખાણમાં અર્થાત્‌ઉપાસનામાં ખામી રહી જાય તો ઐશ્વર્યાર્થીઓમાં કે કૈવલ્યાર્થીમાં લોપાઈને ભગવાન પાસે પહોંચી શકતો નથી. વિલંબ થાય છે અથવા તો જન્મ-મરણના ચક્કરમાં ચડી જાય છે.

ગીતાના આ અધ્યાયના આધારે તથા સામાન્ય માણસો એવી ધારણા કરે છે કે જે દિવસમાં શુકલ પક્ષમાં અને ઉત્તરાયણમાં મૃત્યુ પામે છે, તેઓ તો મુક્ત થઈ જાય છે; પરંતુ જેઓ રાતમાં કૃષ્ણપક્ષમાં અને દક્ષિણાયનમાં મરે છે. તેઓની મુક્તિ નથી થતી. આ ધારણા ઠીક નથી. કારણ કે અહીં શુકલમાર્ગ અને કૃષ્ણમાર્ગનું વર્ણન છે નહિ કે સમય સૂચક નામ છે. ઘણાનાં નામ પોતે ભ્રમણા પેદા કરનારા હોય છે. જેમ કે ‘વિનોબા’ તે પુરુષ કે સ્ત્રી? તેવી ભ્રમણા અજાણ્યા માણસોને ઉપજાવે, તેમ અહીં પણ સમયવાચક શબ્દોથી રસ્તાનો નિર્દેશ કર્યો છે. જે બન્ને ઊર્ધ્વગતિને પમાડનારા જ છે પણ તે બન્નેમાં ભેદ છે. તે એ છે કે પુનરાવૃત્તિ, અપુનરાવૃત્તિ. માટે જો એમ જ માની લેવામાં આવે કે દિવસ વગેરેમાં મરવાવળા મુક્ત થાય છે અને રાત વગેરેમાં મરવાવાળા મુક્ત નથી થતા. તો પછી અધોગતિવાળા કયારે મરશે? તેને માટે તો બીજો સમય જ નથી. બન્ને તો ઊંચે લઈ જનારા માર્ગો છે. માટે વાસ્તવમાં મરવાવાળા પોતપોતાના કર્મો અનુસાર ઊંચનીચ ગતિઓમાં જાય છે. તેઓ ચાહે દિવસમાં મરે, ચાહે રાત્રે મરે વગેરે કોઈ નિયમ નથી. જેવા કર્મ તે પ્રમાણે ગતિ પામે. ક્યારે મર્યો તે પ્રમાણે નહિ.

शुक्लकृष्णे गती ह्येते जगत: शाश्वते मते।

एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुन:।।२६।।

અર્થઃ આ શુકલ અને કૃષ્ણ એ બન્ને માર્ગો જગત્‌ના અનાદિજ માનેલા છે. તેમાંથી એકથી જનાર અનાવૃત્તિ-મુક્તિ પામે છે અને બીજાથી જનાર પાછો આવે છે. ।।૨૬।।

શુકલગતિ અને કૃષ્ણગતિ-આ બન્ને પ્રવાહો જીવ પ્રવાહની સાથે અનાદિથી જોડાયેલા છે. જ્યાં સુધી મનુષ્યના અંતરમાં અસત વસ્તુઓનો આદર છે કે કામના છે ત્યાં સુધી તેઓ ગમે તેટલીય ઊંચી ભોગ ભૂમિઓમાં ચાલ્યા ગયા હોય પણ અસત્‌વસ્તુનું મહત્ત્વ રહેવાથી તેમની ગમે ત્યારે પણ અધોગતિ થઈ શકે છે. કયારેય પણ તે પોતાની ઊર્ધ્વગતિ કરી શકતા નથી. એટલા માટે સાધકે પોતાના વિવેકને હરદમ સજાગ રાખવો જોઈએ અને પોતાના અંતઃકરણમાં વિનાશી વસ્તુઓને મહત્ત્વ નહિ આપવું જોઈએ. ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને યોગને અવ્યય કહ્યો છે. તેમ અહીં પણ આ બન્ને ગતિઓને-અનાદિ પ્રવાહને શાશવત ગણાવી છે. તે પ્રવાહ અનાદિનો છે અને અનંતપણે ચાલ્યે જ રાખવાનો છે. એકથી અનાવૃત્તિ અર્થાત્‌શુક્લ ગતિથી અનાવૃત્તિ થાય છે. ફરી પાછું આવવું પડતું નથી. બીજીથી આવૃત્તિ થાય છે અર્થાત્‌વારંવાર આવાગમન-જન્મમરણ થાય છે.

नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन।

तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन।।२७।।

અર્થઃ હે પાર્થ ! આ બન્ને માર્ગ સમજનારો કોઈ પણ યોગી ક્યારેય મોહ પામતો નથી. માટે હે અર્જુન ! તું સર્વ કાળમાં યોગમુક્ત થા ! ।।૨૭।।

હે પાર્થ ! અને માર્ગ-શુક્લમાર્ગ અને કૃષ્ણમાર્ગને સારી રીતે જાણતો અર્થાત્‌તેના ફળને જાણતો એવો યોગી કયારેય મોહ પામતો નથી. અર્થાત્‌વિવેકથી શુક્લમાર્ગને છોડીને કૃષ્ણમાર્ગમાં કયારેય ચાલતો નથી અહી આ બન્ને રસ્તાને જાણનારને યોગી બતાવ્યો છે. યોગનું તાત્પર્ય એકાગ્રતાપૂર્વક ચિંતન કરનારો છે. પેલો યોગી શબ્દ અહીં ઘટિત ન હોવાથી, યથાર્થ ચિંતન કરનારો મોહ નહિ પામે ને હેયનો ત્યાગ કરી ઉપાદેયને ગ્રહણ કરી લેશે. માટે હે અર્જુન ! તું પણ એ બે ગતિનું ચિંતન કરીને શુકલગતિને માર્ગે ચાલ.

वेदेषु यज्ञेषु तप:सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम्‌।

अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्‌।।२८।।

અર્થઃ વેદોમાં, યજ્ઞોમાં, તપમાં અને સર્વ દાનોમાં જે પુણ્યફળ કહેલું છે. તે સર્વ ફળ ઉલ્લંબી જઈને આ બન્ને માર્ગના તત્ત્વને જાણનારો યોગી આદ્ય સનાતન પરમ સ્થાનને પામે છે. ।।૨૮।।

આ સાતમાં અને આઠમાં એમ બન્ને અધ્યાયમાં જે ભગવાનનું માહાત્મ્ય કહેવામાં આવ્યું છે, તેને જાણીને એવું મોટું ફળ થાય છે કે તે વેદોનું અધ્યયન કરવાનું ફળ, યજ્ઞ, દાન, તપ વગેરેના પુણ્યફળથી વધી જાય છે તેનું તાત્પર્ય એ છે કે વેદાધ્યયનાદિ ક્રિયાઓથી પુણ્યફળ કમાઈને જીવ ઊંચા લોકમાં પુણ્ય બળથી જાય છે; પરંતુ એક દિવસ તેને પાછું પડવાનું થાય છે. જ્યારે સાતમાં અને આઠમાં અધ્યાયમાં અનેક પ્રકારે જે પરમાત્માનું માહાત્મ્ય તથા પરમાત્મા અને તેના માર્ગની વિલક્ષણતા બતાવવામાં આવી છે, તે જો જીવના હૃદયમાં ઠરે ને બેસી જાય તો બન્ને વચ્ચેનો વિવેક ઉદય થઈ જાય, અને તે ફળોથી પ્રાપ્ત થતાં લોકો અને તેના ભોગ સુખમાં વિતૃષ્ણા-વૈરાગ્ય ઉદય થઈ જાય છે. તેથી તેના અંતરમાં તુચ્છતા જણાય છે અને તે સાચો જ્ઞાની એકાંતિક ભક્ત થઈને ભગવાનના ધામ સિવાય અન્યને તુચ્છ માનવા લાગે છે ને એક પરમાત્માપરાયણ થઈને પરમાત્માના ધામમાં પહોંચી જાય છે. જે સર્વથી અતિલઘંિત-ઉત્કૃષ્ટ સ્થાન છે અને ફળનું પરિણામ છે.

શ્રીમદ્‌ભગવદ્‌ગીતાઃ આધ્યાત્મિક ચિંતનનો અક્ષરબ્રહ્મયોગ નામે આઠમો અધ્યાય સંપૂર્ણ.