ગી.અ-08, શ્લોક 01 to 07

શ્લોક ૧-૭

બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ વગેરેના વિષયમાં અર્જુનના સાત પ્રશ્નો અને એમનો ઉત્તરો

અર્જુન બોલ્યા

किं तद्‌ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम।

अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते।।१।।

अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन।

प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि:।।२।।

અર્થઃ હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ શું ? અધિભૂત શું કહેવાય ? અને અધિદૈવ શું કહેવાય છે ? હે મધુસુદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ ? અને તે કેવો જાણવો ? અને મનને જીતનારાઓએ અન્તકાળે તમને કેવી રીતે જાણવા ? એ બધુંય મને કહી સમજાવો ! ।।૧-૨।।

किं तद्‌ब्रह्म-હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે અર્થાત્‌બ્રહ્મ શબ્દથી શું સમજવું જોઈએ?

किमध्यात्मम्‌-અધ્યાત્મ શબ્દથી આપનો શો અભિપ્રાય છે?

किं कर्म-કર્મ શું છે? અર્થાત્‌કર્મ શબ્દથી આપનો શો ભાવ છે?

अधिभूतं च किं प्रोक्तम्‌-આપે જે અધિભૂતિ શબ્દ કહ્યો છે તેનું શું તાત્પર્ય છે?

अधिदैवं किमुच्यते-અધિદૈવ કોને કહેવામાં આવે છે?

अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्‌-આ પ્રકરણમાં અધિયજ્ઞ શબ્દથી કોને લેવું જોઈએ? તે આ દેહમાં કેવી રીતે છે?

प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि:?-હે મધુસૂદન જે પુરુષો વશીભૂત અંતઃકરણવાળા છે અર્થાત્‌જેઓ સંસારથી સર્વથા હઠીને અનન્યભાવે કેવળ આપમાં જ લાગેલા છે, તેઓ દ્વારા અંતકાળે આપ કેવી રીતે જાણવામાં આવો છો? અર્થાત્‌તેઓ આપને કયા રૂપે જાણે છે અને કઈ રીતે જાણે છે?

શ્રી ભગવાન બોલ્યા

अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते।

भूतभावोद्भवकरो विसर्ग: कर्म संज्ञित:।।३।।

અર્થઃ પરમ-સર્વોત્કૃષ્ટ એવું જે અક્ષર એજ બ્રહ્મ છે અને ક્ષેત્રજ્ઞોનો સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય છે. ભૂતપ્રાણીમાત્રના દેવમનુષ્યાદિક જુદા જુદા ભાવ અને તેની ઉત્પત્તિ કરનારો વિસર્ગ એ કર્મ નામે કહેવાય છે. ।।૩।।

अक्षरं ब्रह्म परमम्‌-બ્રહ્મ એટલે ક્ષેત્રજ્ઞ એવો આત્મા અને પરમ બ્રહ્મ એટલે પ્રકૃતિથી વિમુક્ત થયેલો, મુક્ત સ્થિતિને પામેલો આત્મા. જો કે ગીતામાં બ્રહ્મ શબ્દ પ્રણવ, વેદ, પ્રકૃતિ વગેરેનો વાચક પણ આવ્યો છે. તો પણ અહીં બ્રહ્મ શબ્દની સાથે પરમ અને અક્ષર વિશેષણ આવવાથી આનો અર્થ મુક્ત આત્મા અથવા પરમાત્મા પણ લઈ શકાય છે.

स्वभावोऽध्यात्ममुच्यते-स्वभाव: प्रकृति:। आत्मनि अधिवसनात्‌ सम्बन्ध्यमानम्‌ इति अध्यात्मम्‌ अतएव अनात्मत्वम्‌ ખરેખર તો आत्मनि अधि इति अध्यात्मं-व्युत्पति થાય આત્માને સંબંધિત થઈને જે વળગી રહ્યું છે. દેહ, અંતકરણ તેની વાસના, અજ્ઞાન આ તમામ અધ્યાત્મમાં ગણાય છે. આ બધા ભાવોથી પોતાનું સ્વરૂપ અલગ સમજવું તે પણ અધ્યાત્મ કહેવાય છે. તે બધાના સ્વરૂપને યથાર્થ જાણી તેના ભાવથી અલગ શુદ્ધ આત્મભાવ કે અક્ષરબ્રહ્મની ભાવનામાં વર્તવાને અધ્યાત્મ કહેવાય છે. તેથી ‘અધ્યાત્મ નિત્યા’ (ગી. ૧૫/ ૫ )માં બતાવ્યું છે.

भूतभावोद्‌भवकरो विसर्ग: कर्मसंज्ञित: ભૂતભાવ એટલે મનુષ્યાદિ શરીરભાવ ને ઉત્પતિ નિમિત્ત વિસર્ગ અર્થાત્‌રક્ત સંબંધ તેને કર્મ કહેવામાં આવે છે. તે પરમાત્મા સંકલ્પ કરે છે. ત્યારે પોતપોતાના સંચિત કર્મ સહિત પ્રકૃતિમાં લીન થયેલા જીવોનો પ્રકૃતિ સાથે સંબંધ કરાવીને સૃષ્ટિમાં ભગવાનના સંકલ્પથી લાવે છે. તે બીજપ્રદ પિતા સમગ્ર સૃષ્ટિના ભગવાન છે. તે ભગવાનનું વિસર્ગ કર્મ ગણાય છે તેનાથી વિસર્ગ સૃષ્ટિ થાય છે. બીજું જીવને માટે શરીરના પિતાના વિસર્ગથી માતાના ઉદરમાં જીવનો સંબંધ થઈને તેના કર્મો સક્રિય થાય છે તે કર્મ છે. જેને પંચાગ્નિ વિદ્યામાં જીવને ધૂમ્રમાર્ગની પુનરાવૃતિ કેમ થાય છે, તે બતાવ્યું છે. તે વિદ્યા પણ ઉપનિષદમાં જાણવા યોગ્ય બતાવી છે. જેને અહીં કર્મ કહ્યું છે. તેનું તાત્પર્ય છે કે પ્રાકૃત પિતા કે પરમ પિતાના નિસર્ગથી જીવના સુષુપ્ત કર્મો સક્રિય થઈને સૃષ્ટિ રૂપે, અત્રે પ્રારબ્ધરૂપે જીવને સંબંધ કરાવી આપનારું કર્મ છે, એવો છે.

अधिभूतं क्षरो भाव: पुरुषश्चाधिदैवतम्‌।

अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर।।४।।

અર્થઃ પ્રાણીઓનો ક્ષર ભાવ એ અધિભૂત છે અને પુરુષ એ અધિદૈવત છે અને દેહધારીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન ! આ દેહમાં-મારા શરીરભૂત બ્રહ્માદિક દેવોમાં, અધિયજ્ઞ યજ્ઞોમાં અગ્રપૂજ્ય તો હું જ-સર્વાત્મા છું.।।૪।।

अधिभूत क्षरो भाव: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતોથી બનેલી, પ્રતિક્ષણે પરિવર્તનશીલ અને ક્ષરણ સ્વભાવવાળી-નાશવાન્‌સૃષ્ટિને અધિભૂત કહે છે.

पुरुषश्चाधिदैवतम्‌ देवतोपरि वर्तमानम्‌ इति अधिदैवतम्‌ આ પદથી અહીં ઈન્દ્રાદિ દેવતાથી ઉપરપણે વર્તનારા હિરણ્યગર્ભાદિ (બ્રહ્માદિ) દેવતાને કહ્યા છે. આ સર્ગના પ્રથમ ભાગમાં ભગવાનના સંકલ્પથી સર્વ પ્રથમ બ્રહ્માજી પ્રગટ થયા છે અનેે તેઓ જ સર્ગના આદિમાં બધી જ સૃષ્ટિ કરે છે.

अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर।। હે દેહધારીઓમાં શ્રેષ્ઠ ! આ દેહમાં અધિયજ્ઞ હું જ છું. અહીં ‘अत्र देहे’ આ મનુષ્ય શરીરમાં કહેવાનું તાત્પર્ય એ છે કે તેમાં ભગવાનની પ્રેરણાને સમજવાનું, સ્વીકાર કરવાનું અને તેના અનુસાર આચરણ કરીને તત્ત્વને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય છે. અન્ય શરીરોમાં અંતર્યામીરૂપે પરમાત્માના રહેવા છતાં પણ એ પ્રાણીઓમાં એ તત્ત્વની તરફ દૃષ્ટિ નાખવાની સામર્થી નથી. મનુષ્ય શરીરમાં જે વિવેક પ્રાપ્ત છે, તે વિવેક એ શરીરોમાં જાગ્રત નથી. આથી મનુષ્યોએ આ શરીરમાં રહીને એ તત્ત્વને પ્રાપ્ત કરી લેવું જોઈએ. આ દુર્લભ પ્રાપ્તિને વ્યર્થ ન જવા દેવી જોઈએ.

બીજી યોનિમાં તો પૂર્વકૃત કર્મોનો ભોગ હોય છે. નવાં કર્મો નથી બનતા; પરંતુ આ મનુષ્ય શરીરમાં નવા કર્મો પણ બને છે. તે કર્મોના પ્રેરક અંતર્યામી ભગવાન હોય છે. કર્મોની પ્રેરણા ભગવાન મનુષ્યોના સ્વભાવ અનુસાર કરે છે. જો સ્વભાવમાં રાગદ્વેષ હોય તો તે રાગદ્વેષને વશીભૂત થવું અથવા ન થવું એ મનુષ્યના હાથમાં છે. તે અંતરથી પ્રેરણા (અંતર્યામી દ્વારા) થતા કર્મો પણ જો રાજસ, તામસ ભાવવાળા હોય તો ઓળખીને શાસ્ત્ર, સંત તથા ભગવાનનો આશ્રય લઈને પોતાના સ્વભાવને બદલી શકે છે. તે કર્મોને રોકી શકે છે, ફેરવી શકે છે કે સુધારી શકે છે. જ્યાં મનુષ્ય રાગદ્વેષ નથી કરતો, ત્યાં તેના બધાં કર્મો ભગવાનની પ્રેરણાથી શુદ્ધ જ થાય છે. અર્થાત્‌બંધનકારક નથી બનતા. જ્યાં રાગદ્વેષને કારણે ભગવાનની પ્રેરણા પામીને શુદ્ધ કર્મો નથી કરતો, ત્યાં તેના કર્મો બંધનકારક થાય છે. કારણ કે રાગ અને દ્વેષ મનુષ્યના મહાન શત્રુ છે. (ગી. ૩/૩૪) તાત્પર્ય એ થયું કે ભગવાનની પ્રેરણાથી કદી નિષિદ્ધ કર્મો તો મનુષ્ય પોતાની કામના કે રાગને વશીભૂત ન થાય તો તેના દ્વારા સ્વાભાવિક રીતે જ વિહિત કર્મો થશે જ. જેમને અઢારમાં અધ્યાયમાં ચારે વર્ણના સહજ સ્વભાવ નિયત કર્મોના નામથી બતાવ્યા છે, અને જે પરમાત્માને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે તો યજ્ઞસ્વરૂપ બની રહે છે.

સંસારમાં પરમાત્મ પ્રાપ્તિને માટે પોતાના કલ્યાણને માટે સાધના કરવાવાળા જેટલા કંઈ સાધકો છે તે બધા સંસારથી છૂટવા માગે છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા માગે છે. કારણ કે સંસારની સાથે સંબંધ રાખવાથી અર્થાત્‌સંસારી ભાવો હૃદયમાં આવવા દેવાથી શાશ્વત કહી શકાય તેવી શાંતિ અને સુખ કયારેય પણ નથી મળી શકતા; પરંતુ સદા અશાંતિ ને દુઃખ મળતા જ રહે છે.

સદા રહેવાળી શાંતિ અને અનંત સુખ મળે, જેમાં અશાંતિ અને દુઃખનો લેશ પણ ન હોય-એવો વિચાર કરવાવાળા અને એમ વર્તવાવાળા ‘સાધકો’ કહેવાય છે; પરંતુ જેઓ સંસારમાં જ રહેવાને ઈચ્છે છે, સંસારથી જ સુખ લેવાને ઈચ્છે છે, સાંસારિક સંગ્રહ અને ભોગોમાં જ વળગી રહેવાને ઈચ્છે છે અને સંસારના સુખદુઃખને ભોગવતા રહે છે તેઓ ‘સંસારી’ ગણાય છે. પછી તે ગમે તે આશ્રમધારી હોય પણ સંસારી છે ને તેઓ જન્મ-મરણના ચક્કરમાં પડતા રહે છે.

પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છવાવાળા સાધકો બે પ્રકારના હોય છે-એક વિવેકપ્રધાન અને એક શ્રદ્ધાપ્રધાન અર્થાત્‌એક મસ્તિષ્કપ્રધાન હોય છે અને એક હૃદયપ્રધાન હોય છે. બન્નેમાં બન્ને વસ્તુ તો હોય છે, છતાં પણ પ્રધાન અને ગૌણતા થોડા થોડા રહે છે.

સાધક ચાહે વિવેકપ્રધાન હોય અથવા શ્રદ્ધાપ્રધાન હોય; પરંતુ સાધનામાં તેની પોતાની રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને યોગ્યતાનું પ્રાધાન્ય રહે છે. રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને યોગ્યતા એક સાધનમાં હોય તો સાધક એ તત્ત્વને જલ્દી પામી જાય છે. રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ હોવા છતાં પણ એવી યોગ્યતા ન હોય અથવા યોગ્યતા હોવા છતાં પણ એવી રુચિ, શ્રદ્ધા વિશ્વાસ ન હોય તો સાધકને સાધ્ય પામવામાં કઠિનતા પડે છે. રુચિ હોવાથી મન સ્વભાવિક રીતે લાગી જાય છે, શ્રદ્ધા વિશ્વાસ હોવાથી શંકા થતી નથી, યોગ્યતા હોવાથી યથાર્થ સાધન થઈ રહે છે.

अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्‌।

य: प्रयाति स मद्‌भावं याति नास्त्यत्र संशय:।।५।।

અર્થઃ અને અન્તકાળે સર્વાત્મા વાસુદેવ એવા મનેજ સંભારતા સંભારતાં શરીરનો ત્યાગ કરીને જાય છે. તે મારાજ સ્વરૂપને પામે છે આમાં કાંઈ સંશય નથીજ. ।।૫।।

अंतकाले च ઉપાસકોમાં ત્રણ પ્રકાર અહીં બતાવ્યા છે. એક તો ઐશ્વયાર્થીઓ, કૈવલ્યાર્થીઓ અને પરમાત્માનો યથાર્થ મહિમા જાણીને પરમાત્માની નિષ્કામ સેવકભાવે ઉપાસના કરનારા જ્ઞાનીઓ. આ ત્રણ પ્રકાર બતાવ્યા છે. આ ત્રણ શ્લોકમાં અંતિમ પ્રત્યય સ્મરણનો મહિમા બતાવ્યો છે તે ત્રણેય ઉપાસકોને સાધારણ બતાવ્યો છે અર્થાત્‌જ્ઞાની કરે તો જ ફળ મળે,એમ નથી. કોઈ પણ ઉપાસક શ્લોકમાં બતાવ્યા પ્રમાણે કરે, ત્યારે તેમાં કહેલા ફળની પ્રાપ્તિને પામે. તેમાં યોગ્યતા કે પૂર્વ સાધના કે ઊંચી-નીચી સ્થિતિને ભગવાન ધ્યાનમાં લઈને ફળ આપતા નથી; પરંતુ જે કોઈ અંતિમ પ્રત્યયમાં જે સ્મરણ કરે તેને તે તે ભાવને પમાડી દે છે. પછી તે આદિભરત જેવા અતિ સમર્થ હોય કે અજામેળ જેવા અતિ પાપી હોય, તેમાં કોઈનો કોઈ વિશેષ નથી. સ્મરણનો જ વિશેષ છે. જ્ઞાની માત્રને જ એવી પ્રાપ્તિ કરાવે છે ને અજ્ઞાની સ્મરણ કરે તો ય તેવી પ્રાપ્તિ કરાવતા નથી એવું નથી.

ભગવાન કહે છે અંતકાળે પણ મારું જ સ્મરણ કરતો કરતો જે પ્રયાણ કરે છે, અર્થાત્‌ત્યારે જેવી રીતે મારું અનુસંધાન કરે છે, તેવો તે થઈ જાય છે. જેમ આદિ ભરત મૃગાકાર બની ગયા. કોઈને એમ શંકા થાય કે તે તો શ્રુતિ વિરુદ્ધ થશે, બીજો ભગવાન બની જશે. તો એમ નથી. સામ્યનું તાત્પર્ય શ્રુતિમાં બતાવ્યા મુજબ ‘अपहतपाप्मा…’ થી બતાવેલ ગુણાષ્ટકની પ્રાપ્તિ છે. સ્વામી સેવક ભાવ તો સદા રહે જ છે. (વચ.ગ.મ. ૬૭)

અંતકાળે સ્મરણથી તેવા ભાવને પામે છે. તેનું તાત્પર્ય એ થયું કે આ મનુષ્ય જીવનમાં સાધન ભજન કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો ભગવાને અવસર આપ્યો હતો; પરંતુ તે માહ્યલું તેણે કાંઈ જ કર્યું નથી. હવે બિચારો અંતકાળમાં બીજું કાંઈ સાધન કરવા અસમર્થ છે. એવો પ્રહ્‌વી ભાવ કરીને કેવળ મારે શરણે આવીને, છેલ્લા શ્વાસે મારું સ્મરણ માત્ર કરી લે, તો હું તેને મારી પ્રાપ્તિ કરાવી દઉં છું. મારા ભાવને પમાડી દઉં છું. એવી ભગવાનની અતિ દયા છે. એવો ભાવ છે. અહીં अन्तकाले च…मां, च નો અર્થ ‘अपि’ એવો છે. અંતકાળે પણ… એવો અર્થ લેવાનો છે. જેઓએ જીવન દરમિયાન મારી ઉપાસના કરી છે, તેને તો પ્રાપ્તિ થાય જ છે પણ અંતકાળે પણ જો છેલ્લા શ્વાસમાં મારી મૂર્તિને યાદ કરી લે, મારી લીલાને યાદ કર લે, મારા ગુણોને યાદ કરી લે તો પણ તે જીવને મારી પ્રાપ્તિ થઈ જાય છે. જેવી રીતે ગુણોમાં સ્થિતિ રહેવાવાળાની (ગી.૧૪/૧૮) તથા અંતકાળે જે ગુણનો સંબંધ વધારે રહેવાથી જીવની તે ગુણાનુસારે ગતિ થાય છે. (ગી. ૧૪/૧૪-૧૫) તેવી જ રીતે અંતે જેને ભગવાન યાદ આવી જાય તેને પણ ઉપાસકોની જેમ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. ગુણોનો સંબંધ તો પ્રકૃતિને પમાડીને સંસારમાં ફેરવીને જન્મ-મરણને પમાડે છે. ભગવાનનો સંબંધ તેના બધા સંંબંધોથી છોડાવે છે.

ભગવાને આ એક વિશેષ છૂટ આપેલી છે અને તે એક મનુષ્ય યોનિમાં જ લાભ મેળવી શકાય છે કે મરણાસન્ન વ્યક્તિના જીવન દરમિયાન ગમે તેવા આચરણ રહ્યા હોય, હીન કક્ષાનું જીવન વીત્યું હોય; પરંતુ અંતિમ પ્રત્યયમાં અંતકાળે ભગવાનના સ્વરૂપમાં મન રાખી લે તો તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. ભગવાને જીવના આત્મોદ્ધાર માટે મનુષ્ય શરીર આપ્યું હતું. તે તો કાંઈ આ જીવે કર્યું નથી. ત્યારે અતિ દયાળુ પરમાત્મા કહે છે કે ભાઈ ! તારીને મારી બન્નેની ઈજ્જત રહી જાય, જો આટલું જ કરી લે કે જતાં જતાં અંતકાળે પણ મને યાદ કરી લે. હું તારું બધું જ માફ કરી દઈને મારી પ્રાપ્તિ કરાવી દઈશ.

ભગવાનની ઉપર્યુક્ત છૂટ અથવા દયાનો મનુષ્ય માત્રે વિશેષ લાભ લેવો જોઈએ. કોઈપણ મરણાસન્ન વ્યક્તિ હોય તો તેમના અંતેવાસીઓની પવિત્ર ફરજ છે કે તેમને ભાન ન હોય તો પણ તેના ઈષ્ટદેવનું ચિત્ર કે મૂર્તિના દર્શન થાય કે તેમાં વૃતિ રહે, તેવું આયોજન કરવું જોઈએ. જે સ્વરૂપમાં તેને શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા હોય તેનું ભજન કીર્તન કરી તેને યાદ કરાવી દેવા જોઈએ. સંતોના દર્શન થાય તેવું આયોજન કરવું જોઈએ. આવા શ્લોકોની યાદી કરાવી દેવી જોઈએ. તો તેમના ઉપર પાછલા માણસોનો મોટો ઉપકાર કર્યો ગણાશે. જેની કિંમત કોઈ સાધનાથી પણ આંકી શકાશે નહીં.

यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम्‌।

तं तमेवैति कौन्तेय सदा तद्‌भावभावित:।।६।।

અર્થઃ વધારે શું ? અન્તકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, તો તે માણસ હે કૌન્તેય ! સદાય તે ભાવથી-વાસનાથી વાસિત થયેલો હોવાથી તે તે ભાવનેજ પામે છે. ।।૬।।

અંતકાળે જેઓ મારું સ્મરણ કરે છે તેઓ તો મને જ પ્રાપ્ત થાય છે;પરંતુ જેઓ મારું સ્મરણ ન કરીને અન્ય કોઈનું સ્મરણ કરે છે, તેઓ કોને પ્રાપ્ત થાય છે? તેનો ઉત્તર આ શ્લોકમાં ભગવાન બતાવે છે. અંતિમ સ્મરણથી તદ્‌ભાવની પ્રાપ્તિ થાય એવો કેવળ પરમાત્માના સંબંધમાં જ નિયમ નથી. સાર્વત્રિક જ એવો નિયમ છે. એવું આ શ્લોકથી બતાવી રહ્યા છે.

આ શ્લોકમાં ‘અંતે’નો અર્થ પૂર્વ શ્લોકમાં ‘અંતકાળે’ના અર્થમાં લેવાનો છે. અંતિમ પ્રત્યયનો પ્રભાવ બતાવવા જ ‘स्मरन्‌’ શબ્દ બતાવ્યો છે. ‘यं यं वाऽपि’ તેમાં ‘वाऽपि’ કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ શુભ પદાર્થનું ચિંતન જ તદાકાર કરે છે અથવા અતિ અશુભ પદાર્થ ચિંતન તકાદાર કરે છે, એવું કોઈ નિયમ ભેદ નથી. ‘तं तं’ તે તે-નું તાત્પર્ય છે. તે જ વસ્તુનું તદાકારપણું તેનાથી આઘંુ પાછું નહિ, પ્રાપ્ત થાય છે. પ્રબળ પુણ્ય સમૂહ પણ તેનું દુર્વારણ કરી શકતું નથી. દા.ત. ભરતજીનું. तं तं एव एति માં एव નું તાત્પર્ય છે. મરણાન્તર પછી તુરત જ તેની વચ્ચે કોઈ જન્મારાનું વ્યવધાન થઈ શકતું નથી.

ભગવાને દયાથી ભરેલી એક વિલક્ષણ વાત આ નિયમમાં બતાવી છે કે અંતિમ ચિંતન અનુસાર મનુષ્યને તે તે યોનિ પ્રાપ્ત થાય છે. જ્યારે એ નિયમ હોય તો મારી સ્મૃતિથી મારી પ્રાપ્તિ થશે જ. પરમ દયાળુ પરમાત્માએ પોતાને માટે અલગ કોઈ વિશેષ નિયમ બતાવ્યો નથી; પરંતુ સામાન્ય નિયમમાં જ પોતાને સામેલ કરી દીધા છે. ભગવાનની દયાની એ કેટલી વિલક્ષણતા છે કે જેટલા પુરુષાર્થ-મૂલ્યથી કૂતરાની યોનિ મળી જાય છે, એટલા જ પુરુષાર્થ-મૂલ્યમાં ભગવાન જેવા ભગવાન પણ મળી જાય છે.

सदा तद्‌भावभावित: નું તાત્પર્ય એ છે કે અંતકાળમાં જે ભાવનું જે કોઈનું ચિંતન થાય છે, ત્યારે શરીર છોડયા બાદ તે જીવ જ્યાં સુધી બીજું શરીર ધારણ નથી કરી લેતો, ત્યાં સુધી એ તે જ ભાવથી ભાવિત રહે છે. એવું કહેવાય છે કે જો ભગવાન પાસે તે જીવ ન ગયો હોય, તો યમદંડમાં બતાવ્યા મુજબ પછી દસ દિવસ તેની ઉત્તરક્રિયા સુધી અહીં જ રહે. પછી રસ્તો, યમપુરી, યમનો નિર્ણય, ગર્ભવાસ પછી જન્મ. તેટલો સમય સુધી પૂર્વનું અંતિમ સ્મરણ પૂર્ણપણે તે જીવમાં ભરાઈ રહે છે. ઉપરાંત તે સમય ઘણો જ લાગણી પ્રધાન-દુઃખદ હોય છે. તેથી તે અંતિમ સ્મરણ જીવમાં અતિ આરપાર ઉતરી રહે છે, તેવું સમગ્ર જીવન દરમિયાન કરેલ પુરુષાર્થથી સ્મરણ ભક્તિ વગેરે જીવમાં આરપાર ઉતરતા નથી. તેથી જ આ એક સ્મરણ પણ આખી જિંદગીની સાધના-ઉપાસના કરતાં ફળમાં વિશેષ વધી જાય છે. તેના તુલ્ય સમગ્ર જીવનની સાધના પણ ચેતન ને એવી અસર કરતી નથી. અર્થાત્‌ભાવિત કરી શકતી નથી. મરણ ફટકાના પ્રલયતુલ્ય દુઃખમાં પરમાત્માની સ્મૃતિની જે સુખદાયકતા જીવને એક પ્રત્યયથી ભગવાન સાથે ભાવિત કરે છે તે જીવતાં જીવતાં કરોડ કરોડ સ્મરણ-પ્રત્યયો એવા ભાવિત કરી શકતા નથી. તેથી જ તો ભગવાન આવા ન માની શકાય તેવા નિયમનો ઉલ્લેખ કરી રહ્યા છે. ભરતજી તથા અજામેલ વગેરે શાસ્ત્રના ઉદાહરણો છે. જીવ અંતિમ પ્રત્યય લઈને પ્રયાણ કરે છે, ત્યારથી માંડી બીજું શરીર ધારણ કરે છે, તેની વચ્ચે અંતકાળે કરેલા ચિંતનને બદલવાનો કે બદલાવવાનો કોઈ મોકો નથી. કોઈ શક્તિ નથી. તે ચિંતનને બદલવાની જીવ પાસે સ્વતંત્રતા પણ નથી અને નવું ચિંતન કરવાનો કોઈ અધિકાર કે પેસવાનો કોઈ મોકો નથી હોતો. ત્યારે તેની પાસે તેવાં સાધનો કે સંજોગો હોતા નથી. જીવ ચિંતન તો જીવીત અવસ્થામાં જ બદલી શકે છે, પછી નહી. તેથી તે જીવમાં રૂંધાયેલા ‘પ્રત્યય’ અંતિમ સ્મરણ પ્રત્યયનો-બરાબર પાક આવે છે અને એમાં પણ તેના પર મરણની પીડાનો વજ્રાઘાત થાય છે. આ બધા સંજોગો અંતિમ પ્રયત્નને બીજાં સ્મરણો કરતાં અતિ વિલક્ષણ અને મહત્ત્વપૂર્ણ બનાવી દે છે. જેનો શ્રીજી મહારાજે પણ વચ.ગ.પ્ર.પ્ર.૩માં ઉલ્લેખ કર્યો છે. આવી રીતે જીવ અંતિમ પ્રયત્નને પોતાની ચેતનામાં ભંડારીને આગળ વધે છે ત્યારે જો તે ભગવાન સંબંધી હોય તો તો અહીં બતાવ્યા મુજબ (શ્લો.૫ માટે) ભગવાનને પામે છે, નહિ તો પછી તે જીવના પ્રબળ કર્મો આગેવાની લઈને તેને જેની સાથે કર્મસંબંધ હોય તે જાતિના પુરુષમાં વાયુ, જળ કે ખાદ્ય પદાર્થ દ્વારા પ્રવિષ્ટ થાય પછી સ્ત્રી જાતિમાં પછી જન્મ લઈને તે યોનિને પામે છે. જેમ કે કૂતરાનું પાલન કરનારો કોઈ મનુષ્ય અંત સમયે કૂતરાને યાદ કરતો કરતો શરીર છોડે ત્યારે તેનું માનસિક શરીર પ્રથમ કૂતરાનું થઈ જાય છે. જેનાથી ક્રમશઃ તે કૂતરો બની જાય છે. અર્થાત્‌કૂતરાનો જન્મ લે છે. જો ભગવાનને યાદ કરતો કરતો શરીર છોડે ત્યારે પ્રથમ તેનું માનસિક શરીર ભગવાનને અનુરૂપ (ભગવત્‌સેવક) બને છે. પછી દિવ્ય દેહને પામીને ભગવાનનો સેવક બનીને ભગવાનને પામે છે, ધામને પામે છે. આ રીતે અંતકાળે જે કોઈ સ્મરણ થાય છે તેના જ અનુસાર જન્મ લેવો પડે છે; પરંતુ એનું તાત્પર્ય એ નથી કે મકાનને યાદ કરતાં શરીર છોડે તો મકાન બની જશે. ધનને યાદ કરતાં શરીર છોડવાથી ધન બની જશે કે ભગવાનને યાદ કરતો કરતો શરીર છોડે તો ભગવાન બની જાય છે વગેરે; પરંતુ મકાનનું ચિંતન થવાથી તે એ મકાનમાં ઉંદરડો, ગરોળી વગેરે બનીને રહેશે. ધનનું ચિંતન કરવાથી સાપ બની જશે. ભગવાનનું ચિંતન કરવાથી તેનો પાર્ષદ-સેવક બનીને રહેશે વગેરે. તાત્પર્ય એ થયું કે અંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓને માટે જ છે, નિર્જીવ પદાર્થોમાં ‘ગંગાયામ ઘોષઃ’ની જેમ તે સંબંધિત કોઈ સજીવ પ્રાણી થાય છે.

મનુષ્યેતર-પશુ, પક્ષી વગેરે પ્રાણીઓને સંપૂર્ણપણે પોતપોતાનાં કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અથવા તો ભગવાને તેના પૂર્વ કર્માનુસાર નક્કી કરેલ રસ્તા પ્રમાણે જ જવાનું હોય છે અને તેના જ અનુસારે તેનો આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળમાં સ્મરણનો કાનૂન બધી જગ્યાએ લાગુ પડે છે. મહારાજે તેને કોઈક સ્થાને ગૌણ બતાવ્યો છે. તે ભક્તિની પ્રબળતાના અનુસંધાનમાં બતાવ્યો છે અને શ્રીજી મહારાજનું વિશેષ કર્તા કે સર્વોપરીપણું બતાવ્યું છે. છતાં પણ તે ભરતજી જેવા દૃષ્ટાંતોથી કંઈક અંશે તેને પણ સાવધાની તો જરૂરી છે જ. આ નિયમ તેને બિલકુલ લાગુ પડતો નથી એવું તો નથી જ. મનુષ્ય શરીરમાં બીજાં શરીરો કરતાં એ વિશેષતા છે કે તેનું અંતકાળનું સ્મરણ કર્મોને આધીન નથી; પરંતુ પુરુષાર્થને આધીન છે. અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થાય, તેવો પુરુષાર્થ જીવે કરી છૂટવો જોઈએ. પુરુષાર્થમાં મનુષ્ય સર્વથા સ્વતંત્ર છે. તેથી જ તો અન્ય યોનિઓની અપેક્ષાએ તેનો અધિક મહિમા છે.

મનુષ્ય યોનિમાં માનસિક સંબંધ જોડવાની અંતકાળે પણ સ્વતંત્રતા છે. મનુષ્ય કોઈ પણની સાથે માનસિક સંબંધ જોડી શકે છે, તોડી શકે છે. ભગવાન સિવાય ઈતરની સાથે જ્યાં કયાંય અંતકાળે સંબંધ જોડી લે છે ત્યારે તે સંબંધ પ્રમાણે ત્યાં તેનો જન્મ થાય છે, જન્મ લેવો પડે છે; પરંતુ અંતકાળે જો ભગવાનનું સ્મરણ કરી લે તો ભગવાન સાથે સંબંધ જોડાય જાય છે, ત્યારે તેના બીજા સંબંધો આપો આપ તૂટી જાય છે. કારણ કે તે બધા વાસ્તવિક નથી, કૃત્રિમ છે. માટે તેમાંથી નિવૃત્ત થઈ જાય છે.

અંતકાળે જેનું સ્મરણ થાય છે તેવો તેનો બીજો જન્મ આવે છે. જેવો જેનો સ્વભાવ હોય તેવું જ અંતકાળે બહુધા તેને ચિંતવન થાય છે. જેમ જેને કૂતરાં પાળવાનો સ્વભાવ હોય ને કૂતરા ઘણા ગમતા હોય, ત્યારે અંતકાળે તેને કૂતરાનું ચિંતન થશે જ. ત્યારે તે બીજા જન્મે કૂતરાની યોનિમાં જન્મ લે છે. મનુષ્યજીવન દરમિયાન તેને ભગવાન ખૂબ જ હૃદયપૂર્વક ગમતા હોય, કે તેના ભક્ત ગમતા હોય, તો તેને અંતકાળે તે જ યાદ આવશે.

અંતકાલીન ગતિના નિયમમાં ભગવાનનું ન્યાયીપણું અને દયાળુપણું આ બન્ને પ્રગટ થાય છે. સાધારણ દૃષ્ટિએ ન્યાય અને દયા-બન્ને પરસ્પર વિરુદ્ધ માલુમ પડે છે. જે ન્યાય કરે તે દયા ન રાખી શકે. જે દયા રાખે તે ન્યાય ન કરી શકે. ન્યાયમાં છૂટ નથી હોતી, દયામાં છૂટ હોય છે. કોઈ બંધન નથી હોતું; પરંતુ આ વસ્તુ મનુષ્યને બાધ કરશે ભગવાનને નહિ. ભગવાનનો ન્યાય પણ દયાથી નીતરતો જ હોય છે, અને દયા પણ ન્યાયથી નીતરતી જ હોય છે. મનુષ્ય અંતકાળે જેવું સ્મરણ કરે છે, તેના જ અનુસાર તેની ગતિ થાય છે. જો કોઈ અંતકાળે કૂતરાનું સ્મરણ કરી લે ત્યારે તે આગળના જન્મમાં કૂતરો બની જશે. આ ભગવાનનો મનુષ્ય માત્ર પ્રત્યેનો નિયમ અથવા ન્યાય છે. કેમ કે ભગવાને મનુષ્ય માત્રને એ સ્વતંત્રતા આપી છે કે મનુષ્ય અંતકાળે ચાહે મારું સ્મરણ કરે, ચાહે અન્ય કોઈનું. (કૂતરાંનું) એ ભગવાનનો નિયમ કે ન્યાય છે. જેટલા મૂલ્યમાં-પુરુષાર્થમાં કૂતરાની યોનિ મળે છે, એટલા જ મૂલ્યમાં-પુરુષાર્થમાં ભગવાન પણ મળી જાય. આનાથી મોટી ન્યાયની સાથે દયા કઈ હોઈ શકે? એનો જો ખ્યાલ કરવામાં આવે તો તેનું ભગવાનમાં આકર્ષણ થઈ જાય છે.

तस्मात्‌ सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।

मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्य संशयम्‌।।७।।

અર્થઃ માટે તું પણ સર્વ કાળમાં મારું જ સ્મરણ કરતો રહે અને સ્વધર્મરૂપ યુદ્ધ પણ કર ! અને મારામાં જ મન અને બુદ્ધિને સર્વથા અર્પણ કરવાથી મને જ પામીશ. આમાં કાંઈ સંશય નથી. ।।૭।।

આ પ્રમાણે ‘अन्तिम प्रत्ययाधीन्‌ फलम्‌’ અંતિમ પ્રત્યક્ષ સ્મરણ પ્રમાણે પછીના જન્મરૂપ ફળ થાય છે અને ‘अन्तिम प्रत्ययं अनवरतभावनाधीनम्‌’ અંતિમ પ્રયત્ન છે, તે જીવિત અવસ્થા વેળાએ જે વિષયમાં અનવરત-સતત જે વિષયમાં ભાવના-પ્રયત્ન-પુરુષાર્થ કર્યો હોય, તે વિષયની થાય છે. ‘अन्तिम प्रत्यय पूर्व भावितविषये एव जायते’ માટે શ્રી ભગવાન કહે છે, હે અર્જુન ! તમારે પણ અત્યારથી જ પરમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરવાનો છે. શ્રુતિ-સૂત્રોમાં પણ છેલ્લા શ્વાસ સુધી તેનો અભ્યાસ કરવાનું કહે છે. પરમાત્માને પામેલા છે તેમણે પણ મરણપર્યંત એનો અભ્યાસ કરેલો છે.

सर्वेषु कालेषु’ શબ્દોનો સંબંધ કેવળ સ્મરણ સાથે જ છે, યુદ્ધ સાથે નહિ. વળી ‘યુદ્ધ કર’નું તાત્પર્ય વર્ણ આશ્રમ સંબંધી કર્તવ્ય કર્મ કરવાનું છે. પોત પોતાના વર્ણશ્રમ સંબંધી કર્તવ્ય કર્મ કરતો કરતો ‘सर्वेषु कालेषु माम्‌ अनुस्मर’ મારું સ્મરણ કર. વર્ણઆશ્રમ સંબંધી કર્મ પર કયારેય છોડી દેવાનું નથી પણ તે સંબંધી ફલાનુંસઘંાન છોડી દેવાનું છે. ફલાનુસંધાન રાખવાનું નથી. પરમાત્માના સ્મરણનું અનુસંધાન રાખવાનું છે અને કર્તવ્ય કર્મનું કાળજીપૂર્વક અનુષ્ઠાન કરવાનું છે. ક્રિયા તો સમયે સમયે જ હોય છે. તેનો આરંભ અને સમાપ્તિ થાય છે. સ્મરણનો આરંભ હોઈ શકે છે, સમાપ્તિ થવા દેવાની નથી.

मय्यर्पित मनोबुद्धि:-‘अनुस्मरण एव मनोऽर्पणम्‌’ મનને અખંડ ભગવાનના સ્વરૂપમાં રાખવું તે જ મન અર્પણ કર્યું ગણાય છે અને પરમાત્માના સ્વરૂપ સંબંધી અતિ આસ્તિકતા કે પરમાત્મા સર્વકર્મના યથાયોગ્ય ફળપ્રદાતા છે. તેમાં જરા પણ આડાઅવળું થવા દેતા નથી,એવી બુદ્ધિમાં આસ્તિકતા રાખીને તેનો આશ્રય કરવો, તે બુદ્ધિનું અર્પણ કર્યું કહેવાય અને એમ કરવાથી તું મને જ પામીશ એમાં સંશય નથી.

સ્મરણ ત્રણ પ્રકારે કરી શકાય છે-બોધજન્ય, સંબંધજન્ય અને ક્રિયાજન્ય. બોધજન્ય એટલે સહજ સ્મરણ. કોઈ પણ ઉપાય કર્યા વિના. જેમ પોતાનું વ્યક્તિત્વ કયારેય ભૂલાતું નથી. માણસ પોતાને કયારેય ભૂલી જતો નથી, તેમ સહજપણે ભગવાનને પણ ભૂલ્યા વિના સ્મરણ કર્યા કરે, તેને બોધજન્ય કહેવાય. તે તો સિદ્ધ પુરુષો સહજપણે ભગવાનને યાદ કરે છે. તે દા.ત. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તારા દેહને તું ભૂલી જાય છે? તું તારા દેહને ભૂલી જાય તો હું મહારાજને ભૂલું. બીજું સંબંધજન્ય સ્મરણ છે. જેની સાથે જીવે સંબંધ માની લીધો તેનું સ્મરણ વિના યાદ કર્યે પણ થયા જ કરે છે તેમ, શરીરને દૃઢપણે પોતાનું માનવાથી તે કયારેય ભૂલાતું નથી. ગમે તેટલા દૂર હોય પણ જેને પોતાના માન્યા હોય તે સાંભરે છે તેમ. જ્યારે ભગવાન સાથે પોતાપણાનો કોઈ અંતરથી સંબંધ સ્થાપિત થાય ત્યારે તેમાં પ્રીતિ પણ ઘાટી થઈ જાય છે અને તેની સ્મૃતિ પણ થાય છે.

ત્રીજું ક્રિયાજન્ય સ્મરણ કહેવાય છે. ક્રિયાના માધ્યમથી ભગવાનને યાદ કરવા તેને ક્રિયાયોગ પણ કહેવામાં આવે છે. ભગવાનને યાદ કરવામાં ક્રિયાને માધ્યમ બનાવવું. તેમને અર્થે ક્રિયા કરવી અથવા ક્રિયાના માધ્યમથી ભગવાનને યાદ કરવા. અર્થાત્‌નવધા ભક્તિ કરવી, ભગવાન સંબંધી જ ક્રિયા કરવી. જેથી ભગવાન યાદ આવે. ઘોડેસવાર,પાણિયારી, ડ્રાઈવર વગેરે બે અવધાન રાખીને ક્રિયા કરે છે તેમ. ક્રિયા પણ સંભારતા જાય ને ભગવાન પણ યાદ કરતા જવાય છે. ક્રિયાના માધ્યમથી ભગવાનને યાદ કરવામાં ત્રણ પ્રકાર છે. એક તો વ્યવહારિક ક્રિયા કરતાં કરતાં ભગવાન યાદ કરવા. તેમાં કાર્ય મુખ્ય છે, ને ભગવાન યાદ કરવા ગૌણ છે. જ્યારે તક મળે ત્યારે યાદ કરી લેવા. જેટલી વ્યવહાર ક્રિયામાં આસક્તિ ઓછી થાય, આસક્તિ ઓછી કરે તેમ તેમ વધુ સ્મરણ થતું રહે. બીજું ભગવાન યાદ કરતાં કરતાં ક્રિયા કરવી. તેમાં સ્મરણ મુખ્ય થઈ જાય ને ક્રિયા ગૌણ થઈ જાય છે અને ત્રીજું કાર્યને જ ભગવાનનું સમજવું અથવા એવું કાર્ય કરવું જેને ભગવાનનું કહી શકાય, ગણાવી શકાય. જે ભગવાનની સેવા માની શકાય. એવી ક્રિયા કરવામાં આનંદ જ કંઈક ઓર હોય છે. જેમ હનુમાનજી રામનું કામ માનીને સીતાજીની શોધ કરવા લંકા ગયા. જેમ શ્રીજી મહારાજ પણ અનેક ભક્તોને એવું કામ સોંપતા તેમાં એક વિલક્ષણ આનંદ રહે છે. તેને અહોભાગ્ય મનાય છે કે હું ભગવાનનું કાર્ય કરું છું. મને ભગવાનની સાક્ષાત્‌સેવા મળી છે. તેથી તેના હૃદયમાં ભગવાનની સ્મૃતિ રહે છે. લૌકિક રીતે કોઈ સજ્જન પોતાની કન્યાના વિવાહ કાર્યને માટે કન્યાને માટે જાત જાતની વસ્તુઓ ખરીદે છે, અનેક ક્રિયાઓ તૈયારી રૂપે કરે છે, અનેકને નિમંત્રણ આપે છે પણ દરેકમાં તેને સ્મરણ રહે છે કે કન્યાનો વિવાહ કરવો છે, સારો કરવો છે, વગેરે. ત્યારે ભગવાનમાં જે પૂજ્યભાવ હોય, તે ત્યાં નથી હોતો, તો પણ તેની યાદ નિરંતર રહે છે તો પછી અંતરની પ્રામાણિકતાથી ભાવના કરે તો તેને ભગવાનની સ્મૃતિ દરેક ક્રિયામાં જરૂર રહેશે. ભગવાન તેને મદદ કરશે.