ગમ–૫૪ : સર્વ સાધન થકી સત્સંગ અધિક કહ્યાનું, ગોખરનું, આત્મબુદ્ધિનું

પ્રતિપાદિત વિષયઃ

સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાયો હોય તેનાં લક્ષણ.

મુખ્ય મુદ્દો :

૧.જેને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થઈ હોય તેને જ સર્વ સાધનથી સત્સંગ અતિ જણાયો છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતો પ્રત્યે પ્રશ્ન પૂછયો જે એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે ”અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞો અને દાનાદિક તેણે કરીને હું એવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને થાઉં છું.’ આમ સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન કરતાં સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય ? ત્યારે જેને જેવું સમજાયું તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર થયો નહીં.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ હોય. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે પછી તે દીકરો તેને ગાળો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં. કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. શા માટે ? જે એને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી રીતે જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેને જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે…

યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઈજ્યધીઃ ।

યત્તીર્થ બુદ્ધિઃ સલિલે ન કર્હિચિત્‌જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ।।૧૦–૮૪–૧૩।।

અહીં મહારાજ સત્સંગ એટલે શું ? તે સમજાવે છે. સંગ શબ્દ અહીં આસક્તિના અર્થમાં વપરાયો છે. સંગનો એક અર્થ આસક્તિ પણ થાય છે. સત્સંગ એટલે સત્‌વસ્તુમાં આસક્તિ. સંગનો અર્થ સાથે રહેવું એવો પણ થાય છે; પણ અહીં ફક્ત તે અર્થમાં વપરાયો નથી. મહારાજે આસક્તિ એવો સંગનો અર્થ કર્યો છે. દૃષ્ટાંત આપ્યું કે જેમ કોઈ રાજા હોય અને તે વાંઝિયો હોય અને તેને વૃદ્ધપણામાં દીકરો થાય પછી તે દીકરામાં તેને જેવી આસક્તિ થાય, આત્મબુદ્ધિ થાય છે તેવી તેને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય તેને સત્સંગ કહેવાય છે. સત્સંગના મહિમાને કહેનારી ને વધારનારી બે કથા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને મહાત્માઓના મુખે ખૂબ જ કહેવાયેલી છે. તેને આપણે અહીં જરૂર યાદ કરીશું. એક તો નારદજી અને નારાયણ ભગવાનના પ્રસંગથી કહેવાયેલી.

કહેવાય છે કે નારદજી એક વખત વૈકુંઠ–ભગવાનના દર્શને ગયા ને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મને સત્સંગનો યથાર્થ મહિમા કહો. ત્યારે ભગવાને સ્વયં કાંઈ ન કહ્યું પણ નારદજીને જંગલમાં એક કાચિંડા પાસે મોકલ્યા. નારદજીએ ત્યાં જઈને કહ્યું કે ‘ભો ભો કૃકલાસ….’ તું મને સત્સંગનો મહિમા કહે. આમ કહેતા તો નારદજીની નજર સામે કાચિંડો તરફડી મૃત્યુ પામ્યો. નારદજી પાછા ભગવાન પાસે ગયા. વળી પોપટ, વાછરડો, રાજાનો કુંવર વગેરે જગ્યાએ નારદજીને મોકલ્યા દરેક જગ્યાએ એ જ પરિસ્થિતિ થઈ. નારદજી કહે, મહારાજ આ બધાને મરાવો છો શા માટે ? આપ જ કહો ને ! ત્યારે ભગવાને સ્પષ્ટતા કરી કે નારદજી હું આ બધાને મરાવતો નથી સત્સંગનો મહિમા આપને સમજાવું છું. આપ જેવા સત્પુરુષનો લવ સત્સંગ થવા માત્રથી તે જીવ કાચિંડાથી ઉર્ધ્વગતિ પામી વૈકુંઠનો અધિકારી થયો છે.

બીજું દૃષ્ટાંત એ છે કે વિશ્વામિત્ર અને વસિષ્ઠજીની કથા. વસિષ્ઠજી વિશ્વામિત્રના આશ્રમે ગયા તો સન્માનમાં ૬૦ હજાર વર્ષનું તપ અર્પણ કર્યું. ફરી પછી વિશ્વામિત્રજી વસિષ્ઠ મુનિના આશ્રમે ગયા તો વસિષ્ઠજીએ લવ સત્સંગનું ફળ અર્પણ કર્યુ. વિશ્વામિત્રને ખોટું લાગ્યું. સમાધાન માટે શેષજી પાસે ગયા. શેષજી કહે, તમો મારા શિર પર પૃથ્વીનો ભાર છે તો તમારુ તપ ક્રમશઃ મૂકો. જેનાથી પૃથ્વી ઊંચી થાય, મને વિશ્રાંતિ થાય તો પછી સમાધાન કરીએ. પ્રથમ તપ મૂકયું તો પૃથ્વી ઊંચી ન થઈ પછી લવ સત્સંગનું ફળ મૂકયું તો પૃથ્વી ઊંચી થઈ. વિશ્વામિત્રજી કહે, હવે નિર્ણય આપો. ત્યારે શેષજી કહે, નિર્ણય થઈ ચૂકયો. પૃથ્વી ઊંચી થઈ અને ન થઈ એ જ નિર્ણય બતાવે છે. માટે ૬૦ હજાર વર્ષના તપ કરતાં પણ લવ સત્સંગનું ફળ વધારે છે.

લવ એટલે કે સેકન્ડથી પણ ઓછો સમય. તેમા સત્સંગ શું થઈ શકે ? સંત પાસે બેસીને કયા વિચારની આપલે થઈ શકે ? ન જ થઈ શકે. પણ આસક્તિ રૂપ સત્સંગ થઈ શકે. એટલે કે તે પૂર્ણ આસક્નિો અમુક અંશ આસક્તિ થાય તો મોટું ફળ થાય છે અને તે વાત જ મહારાજે શ્લોક દ્વારા પણ કહી છે. જેવી આ જીવને ત્રિધાતુ કે કુણપે ત્રણ ધાતુ–વાત પિત્ત અને કફથી બનેલા આ શરીરમાં આત્મબુદ્ધિ છે અને પુત્ર–પત્નીમાં મમત્ત્વ બુદ્ધિ છે તથા યજ્ઞાદિકમાં સમર્પણ ભાવના છે તથા ગંગા આદિમાં પવિત્ર બુદ્ધિ છે તેવી આત્મબુદ્ધિ, સમર્પણ, મમત્ત્વ, પવિત્રતાની ભાવના જો પરમાત્માના સત્પુરુષમાં નથી તો તેને મનુષ્ય નહીં પણ બળદ અને ગધેડો કહેવો. તે બળદ અને ગધેડા તુલ્ય છે. માટે શ્લોકમાં પણ પરમાત્માના ભક્તમાં આત્મબુદ્ધિ કરવાની કહી છે. આસક્તિ–ભક્તિ કરવાની કહી છે.

અહીં બીજી આપણું ધ્યાન ખેંચે એવી એક વાત છે. એ વાત એ છે કે સત્સંગમાં તો ચાર વાનાં આવે છે. સત્‌એવા પરમાત્મા, સત્‌એવો પોતાનો આત્મા, સત્‌એવાં શાસ્ત્રો, સત્‌એવા પુરુષો. એ ચારમાં આસક્તિ કરવી તેને સત્સંગ કહેવાય છે. અહીં વચનામૃતમા ચારેનો નિર્દેશ નહીં કરતા એકલા સત્પુરુષની વાત કરી છે. બીજા ત્રણની સાથે આત્મબુદ્ધિની વાત નથી કરી. અને જો ચારમાંથી એકને જ લેવા હોત તો પણ સત્‌એવા પરમાત્મામાં આસક્તિ લેવી જોઈએ. કારણ કે મુખ્ય તો તે ગણાય અને સંત તો ત્યાર પછી ગણાય. તો પણ મહારાજે સત્‌પુરુષમાં આસક્તિ થાય તેને સત્સંગ ગણાવ્યો છે. કારણ એ છે કે જેને સાચા સંતમાં આસક્તિ થાય એટલે તમામમાં થઈ જાય છે. સંત એ ભગવાનમાં આસક્તિ કરાવનારા છે અને જો તે ન કરાવે તો તે સંત પણ ન કહેવાય.

સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ ટૂંકું પણ સચોટ કહ્યું છે કે ”જે ભગવાનમાં જોડે તે સંત અને પોતામાં જોડે તે અસંત” અને સદ્‌. બ્રહ્માનંદ સ્વામીએ પણ પ્રથમ એ વાત કહી કે ‘પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ……’ પરમાત્મામાં જોડે છે. માટે મહારાજ કહે છે કે સંગ શબ્દ આસક્તિ પયાર્ય અત્રે વપરાયો છે ને તે પણ પરમાત્માના સંતને વિષે આસક્તિ કરવી. ત્યારે સત્સંગનો મહિમા યથાર્થ સમજાયો છે ને તેને સર્વ સાધનથી સત્સંગ અધિક જણાયો છે.