ગમ–૨૧ : મુદ્દાનું

પ્રતિપાદિત વિષયઃ

કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન.

મુખ્ય મુદ્દા        

૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું.

ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે બધા જ ગ્રંથો અમે સૂરત દઈને સાંભળ્યા છે. તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત અને જીવના કલ્યાણના સાધન માટે એટલી જ વાત છે કે આ સર્વ જગતના કર્તા–હર્તા ભગવાન છે, શ્રીજી મહારાજ છે તથા પરોક્ષ ભગવાનના અવતાર તથા પરોક્ષ ભક્તો તથા નારદ, સનકાદિક, શુકદેવ, હનુમાન ઈત્યાદિકનું માહાત્મ્ય જાણે છે તેવું માહાત્મ્ય પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ તથા તેના ભક્ત સાધુનું સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. તેને કલ્યાણના માર્ગનું સર્વ શ્રેષ્ઠ સાધન હાથમાં આવ્યું છે. મહારાજ કહે છે કે તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે.

જેમ બ્રહ્મમિમાંસામાં બ્રહ્મ જે પરમાત્માના સર્વ પાસાંઓની મિમાંસા કરવામાં આવી છે કે દેવતાઓને પરમાત્મા કહેવાય કે નહિ ? જીવને કહેવાય કે નહિ ? માયાને કહેવાય કે નહિ ? ન કહેવાય. શા માટે ? તેની મિમાંસા કરવામાં આવી છે. તેવી જ રીતે વ્યાસજીના કરેલા ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે પરમાત્માને પામવાનાં સાધનોની પણ મીમાંસા કરવામાં આવી છે. ભગવાનને પમાડવામાં કયા સાધનની કેટલી તાકાત છે. તેના સર્વ પાસાંઓનો વિચાર કરવામાં આવ્યો છે. ભગવાન તો એક જ છે; પણ તેને પામવાનાં સાધનો અનેક છે. તેથી તેની મીમાંસા કરવાની વધુ જરૂર પડે છે અને થોડી મુશ્કેલ પણ છે છતાં પણ ગ્રંથોમાં કરી છે. મહારાજે વચનામૃતમાં પણ તેનો દૃષ્ટિકોણ બતાવ્યો છે.

ગ.મ.૧૦મા વચનામૃતમા પ્રશ્ન છે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ દૈવત કયા સાધનમાં છે અથવા વિશેષ કારણ કયું છે ? ત્યાં મહારાજે ત્રણેય સાધનનું સ્વતંત્ર નિરૂપણ કરી તુલના કરીને કહ્યું કે ભક્તિમાં દૈવત વધારે છે. એ જ દૃષ્ટિકોણથી ત્રણ સાધનો જ નહીં, પણ ભગવાનને પામવાનાં સમગ્ર સાધનોની મીમાંસા ને તુલના કરવામાં આવે તો ભગવાનમાં જોડવા માટે કયા સાધનમાં સૌથી અધિક દૈવત છે તેની અહીં મીમાંસા કરવાની છે.

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધ્યાન વગેરે સાધનો જેમ ભગવાનમાં પ્રીતિ કરાવનાર સાધનો છે તથા ભગવાનમાં જોડનાર અને જગતથી તોડનાર સાધનો છે તેમ ભગવાનના પ્રત્યક્ષ સંતને પણ જગતનું બંધન તોડનાર અને જીવની વૃત્તિ ભગવાનમાં જોડનાર એક કલ્યાણનું સાધન ગણવામાં આવ્યું છે. તેની જ્યારે બીજા સાધનો સાથે તુલના કરવામાં આવે તો વધારે દૈવત કયા સાધનમાં છે, તે જણાઈ આવશે.

શ્રીજી મહારાજે જ ગ.મ.પ૪મા વચનામૃતમા કહ્યું છે કે એકાદશ સ્કંધના ૧રમા અધ્યાયમા શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહ્યું છે કે જપ, તપ, યોગ, યજ્ઞ ઈત્યાદિક સાધને કરીને હું એવો વશ થતો નથી, જેવો ભગવાનના સાચા સતમાં પ્રીતિ કરવાથી વશ થાઉં છું. માટે ભગવાનમાં જોડવા માટે અને ભગવાનને વશ કરવા માટે ભગવાનના ભકતરૂપી સાધનમાં સર્વ કરતાં વધારે દૈવત છે એમ વ્યાસજીએ ભાગવતમાં લખ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે તે જ વાત મહારાજે વચનામૃતમાં કહી છે.

ભક્તિ આદિક સાધનો દિવ્ય છે, પણ સ્વયં ચૈતન્ય નથી. ભક્તિ આદિક ગુણ છે. જ્યારે સંત વ્યક્તિ છે. ગુણોને પ્રવર્તાવવા પડે છે. જ્યારે સંત આપણા કલ્યાણ માટે સ્વયં પ્રવર્તે છે. ભગવાન જેમ કેવળ કરુણાથી આપણા કલ્યાણ માટે સ્વયં પ્રવૃત્તિ કરે છે તેમ સંત પણ કરુણાર્દ્ર હૃદયથી જીવના કલ્યાણ માટે સ્વયં પ્રવર્તે છે. ભક્તિ આદિક સાધનો કલ્યાણકારી છે; પણ તેનો યોગ્ય વિનિયોગ સાધકોએ કરવો પડે છે. તેમા ઘણી વખત જોઈએ તેવી સફળતા પણ મળતી નથી. જ્યારે સંત એવું સાધન છે કે તેનો વિનિયોગ કેમ કરવો તે માટે તે સ્વયં પ્રવર્તે છે. પેલાં બધાં મૃત સાધનો છે. સંત કલ્યાણનું મૂર્તિમંત સાધન છે. તેની મીમાંસા અપાર છે. માટે મહારાજ કહે કે પોતાના કલ્યાણના માટે જેને ભગવાનના સાચા સંતમાં નિષ્ઠા થઈ તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે. તે કોઈ કાળે પાછો પડવાનો નથી. બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ આદિક કામાદિકે કરીને ધર્મ થકી પડયા પણ આ પ્રતીતિ અખંડ હોવાથી કલ્યાણના માર્ગમાંથી પડયા નહીં અને વિધ્નોનો નાશ કરી ફરી પાછા કલ્યાણને માર્ગે આગળ આવ્યા. માટે સર્વ શાસ્ત્રનું કલ્યાણને માટે આ રહસ્ય છે.

વળી મહારાજે પ્રશ્ન કર્યો કે સ્વપ્ન સૃષ્ટિના ભોગ દેખાય છે તે સૃષ્ટિ રૂપે જીવ પોતે થાય છે કે પોતે સર્જન કરે છે. તેમજ ઈશ્વરને વિશે છે ? તેનો ઉત્તર પણ પોતે કર્યો કે તે જીવ સૃષ્ટિરૂપે થતા પણ નથી ને સર્જતા નથી. એ તો કર્મફળપ્રદાતા ભગવાન તેના કર્માનુસાર સર્જી આપે છે અને તેમા અસ્થિરપણું અને ભ્રાંતપણું તે તો કંઠ દેશને યોગે કરીને છે. કંઠ દેશ જ એવો છે કે ત્યાં એકનું અનેક રૂપે દેખાઈ આવે છે.

પછી મહારાજ કહે, જ્ઞાની હોય તે દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, જ્યા કાળનું હોય ત્યાં કાળનું જ સમજે ને જ્યાં પરમેશ્વરનું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે પણ બધી જગ્યાએ એક વાત ન ચાલે. મહારાજે સૃષ્ટિનું સર્જન કરીને સત્ય સંકલ્પપણે સૃષ્ટિ ચલાવવા માટે હેતુ, ઉદ્દેશો ને નિયમો (TERMS AND CONDITIONS,RULES AND REGULATIONS) કરી રાખ્યા છે. તેમા બે વિભાગ કરી રાખ્યા છે.

જેમ દેશના શાસનમાં રાષ્ટ્રપતિ પણ છે ને ગવર્નર, કલેકટર, મામલતદાર વગેરે પણ છે પણ તેના નિયમો, ક્ષેત્ર અને મર્યાદા છે. પોત પોતાના અધિકાર છે છતાં એક બીજાના વિરોધી નથી; એક બીજાના પૂરક છે. કાર્ય એક જ છે, છતાં ભેદ ઘણા છે. રાષ્ટ્રપતિનું કેન્દ્ર લેવલ અને ગવર્નરનું સ્ટેટ લેવલ છે. કલેકટરનું જિલ્લા લેવલ છે. બધાની શક્તિ પણ અલગ અલગ છે. કોઈ જગ્યાએ બધાનું ક્ષેત્ર એક બની આવે ત્યારે તે કામ કોણે કર્યું; કોની શક્તિનું સર્જન થયું તે નિશ્ચય કરવું કઠણ પડે. કોઈ જિલ્લા લેવલે મહત્ત્વનો નિર્ણય લેવાયો હોય ત્યારે પ્લેટફોર્મ ઉપર તો વધારે કલેકટર જ દેખાય અને ગવર્નર ન દેખાય અને રાષ્ટ્રપતિ તો બિલકુલ ન દેખાય તેથી તે નથી એવું નથી, પણ તે છે જ. તેમ સર્જનમાં આખરી સત્તા તો પરમેશ્વરની જ છે.