પ્રતિપાદિત વિષયઃ
આત્મા–પરમાત્માનો વેગ લગાડવો.
મુખ્ય મુદ્દાઃ
૧.પોતાને દેહથી પૃથક્આત્મા માનવો.
ર.મહારાજે બતાવેલા દૃષ્ટિકોણથી ભગવાનનો મહિમા સમજવો.
૩.ઉપરના બન્નેનો પોતાના અંતરમાં વેગ લગાડી દેવો.
વિવેચન :–
મહારાજે પ્રથમ આ વચનામૃતમાં વાત કરી જે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી. એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેમાં માયા તે કઈ ? તો દેહને વિષે અહંબુદ્ધિ અને દેહસંબંધી પદાર્થને વિષે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. પૂર્વે જે મોટા મોટા ભક્ત થયા તેમણે એટલું જ માગ્યું છે જે એ અહં મમત્વરૂપ જેતે માયાથકી રક્ષા કરજો ને તમારે વિષે પ્રીતિ થજો. એ માયાને તર્યા હોય એવા સાચા સંતનો સંગ થજો અને તેને વિષે આત્મબુદ્ધિ થજો. આપણે પણ તે માગવું એનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો.
વળી મહારાજે વાત કરી જે, ભગવાનના ભક્તને આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના માહાત્મ્યનુ બળ રાખવું. તેમાં આત્મનિષ્ઠા એટલે પોતાને દેહથી નોખો માનવો. જો એમ માનીએ તો ભગવાનના ભક્ત ભેળા રહેતાં કોઈ રીતે બોલાચાલી થાય અથવા માન, ક્રોધાદિક અંતઃશત્રુની પ્રવૃત્તિ થાય તો પણ સાધુનો અવગુણ ન આવે. પોતાના દેહનો અવગુણ આવે ને જે કાંઈ ટકરામણ થાય તે દેહથી સહન કરી શકાય પણ જો પોતાને દેહરૂપ માને તો સહન ન થાય. ભક્ત સાથે વેરવિરોધમાં છેલ્લી કક્ષા સુધી પહોંચી જવાય. પોતાને દેહથી અલગ આત્મારૂપ માને તો વેરવિરોધ થવાનો સંભવ રહે નહિ. માટે મહારાજે વચનામૃતમાં કહેલા વિચારનું મનન, નિદિધ્યાસ કરીને પોતાને દેહથી નોખો આત્મા માનવો.
પછી મહારાજે ભગવાનનું માહાત્મ્ય કેમ સમજવું ? તેની વિસ્તારથી વાત કરી છે. આ વચનામૃત પણ આત્મા પરમાત્માનો વેગ લગાવી દીધાનું છે. પરમાત્માનો વેગ કેમ ચડાવવો ? પરમાત્માની પ્રાપ્તિમાં જે ભક્તિ આદિક સાધનો તેમાં વેગ ચડાવવો એટલે પરમાત્માનો વેગ લગાડયો ગણાય. વચ.ગ.મ.ર૯મા કહ્યા મુજબ ભગવાનની કથા સાંભળવાનો, નવધા ભક્તિ કરવાનો, સંત સમાગમનો અને સેવા સમર્પણનો વેગ. એવી જ રીતે ભગવાનને માર્ગે ચાલવામાં આવતા વિધ્નો સાથે પ્રચંડ શક્થિી લડાઈ લઈને વિધ્નો પાર કરવા. આ ભગવાનનો વેગ ગણાય. આવી ભગવાન સંબંધી સાધના અને ક્રિયાનો વેગ લાગે કેમ ? તો તેમની પાછળ કોઈ પ્રેરણાબળ જોઈએ. ક્રિયાની પાછળ જેટલી પ્રબળ પ્રેરણા હોય તેટલો ક્રિયામાં વેગ આવે છે. તે પ્રેરણા રાગની હોય અથવા મહિમાથી પ્રેરિત હોય. જે વસ્તુમાં રાગ હોય ત્યાં વેગને આમંત્રણ દેવું પડતું નથી. જો ગોપીઓની જેમ પરમાત્મામાં રાગ–પ્રેમ ઊભો થઈ જાય તો વેગ ચડી જાય અને નહિ તો મહિમા સમજવાથી વેગ ઊભો થાય છે. તે પરમાત્માનો મહિમા તો અનંત છે છતાં મહારાજે તે દિશામાં ચાલવા માટે થોડા દૃષ્ટિકોણ આપ્યા છે તે વિચારીએ.
મહારાજ કહે છે કે ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે. એટલે કે મહારાજ અનંત કોટિ બ્રહ્માંડની સત્તા(શાસન)ના કેન્દ્ર છે. જીવને સત્તામાં અતિ રાગ છે. ભોગ કરતાં પણ સત્તા વધારે રાગનું કેન્દ્ર છે. માણસને સંપૂર્ણ ભોગ પ્રાપ્ત થાય પછી પણ સત્તાની તીવ્ર લાલસા રહે છે. આ સત્ય સમજાય તો પણ મહારાજમાં રાગ થાય અને થવો જોઈએ. મહારાજ તો કેટલા બ્રહ્માંડના રાજા છે તે પણ તેની પાસે ગણતરી નથી ‘દ્યુપતય એવ તેનયયુરન્ત મનન્તતયા’ આ લોકની સત્તાનો કેટલો મહિમા જાણવામાં આવે છે ? એ જ ગણતરીથી ભગવાનની સત્તાનું સમજે તો ભગવાનમાં પ્રીતિ જોરાવરીએ થઈ જાય. માટે મનન કરીને એ મહિમા પોતાના જીવમાં ઉતારવો.
મહારાજ બીજી વાત એ કહે છે કે જીવને બીજું આકર્ષણનું કેન્દ્ર સુખ છે. સુખ માટે અનંત કોટિ બ્રહ્માંડના જીવ વલખા મારે છે. સૌથી મોટું સુખનું કેન્દ્ર મહારાજનું સ્વરૂપ પોતે જ છે. મહારાજ કહે છે કે અનંત કોટિ બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો પણ પરમાત્માના સુખના રોમના કોટિમા ભાગના પાસંગમાં પણ ન આવે એવા મહા સુખનું કેન્દ્ર ભગવાનની મૂર્તિ છે. એવો મહિમા વિચારવો ને જીવમાં માન્યતા સ્થિર કરવી. ભગવાનનું સુખ તો જગત સુખ કરતાં અતિ વિલક્ષણપણે છે. મહારાજ કહે છે કે સુષુપ્તિમાં જીવ અજ્ઞાન દશામાં ભગવાનની સમીપે જાય છે તો પણ ગમે તેવી વેદનાનું દુઃખ વીસરી જાય છે. એવો સાંનિધ્યમાત્રનો પ્રભાવ છે. તો પછી જ્ઞાનપૂર્વક પ્રાપ્તિના સુખની વાત શી કહેવાય ? એવું ભગવાનું સુખ છે. જેની આગળ બ્રહ્માદિકનું સુખ તો મોટા ગૃહસ્થે કૂતરાને નાખેલ બટકું રોટલા જેવું છે.
વળી આલોકમાં જેને મોટાઈ પ્રાપ્ત થાય, એમાં પણ માણસને ખૂબ સુખ આવે છે. મહારાજ કહે છે કે એ ભગવાનના ચરણકમળની રજને તો બ્રહ્મા, શિવ, રાધા, લક્ષ્મી, નારદ, શુક, સનકાદિક આદિક બ્રહ્માંડના મોટેરા છે તે પણ ચડાવે છે. એવી ભગવાનમાં મોટાઈ છે અને તેને ભજવાથી ભક્ત પણ મોટાઈને પામે છે.
વળી પરમાત્મા, સૃષ્ટિની સર્વ કળાનું કેન્દ્ર છે. કળા છે તે પણ લોકના આકર્ષણનું સ્થાન છે. એ દૃષ્ટિથી પરમાત્મામાં કેવી અજબ કળા છે ? તેથી અજબ સૃષ્ટિનું સર્જન પરમાત્મા કોઈના આધાર વિના સ્વતંત્ર બુદ્ધિથી કરે છે. જેમાં કોઈની બુદ્ધિ પણ પહોંચતી નથી. જેથી કવિઓએ ગાયું છે ‘કળા અપરંપાર વાલા તારી કળા અપરંપાર…’ ભગવાને સૃષ્ટિમાં જે કળા દાખવી છે જેની નકલ પણ કોઈ કરી શકવાને સમર્થ નથી. એવી અનંત કલાના ધામ પરમાત્મા (મહારાજ) છે. તે ઉપરાંત તમામ પ્રકારની સિદ્ધિઓ, સંપત્તિ, બુદ્ધિ તેના એક માત્ર કેન્દ્ર પરમાત્મા (મહારાજ) છે. એવી રીતે ભગવાન (મહારાજ)ની મૂર્તિનું માહાત્મ્ય જાણે ને તેને સુખમય જાણે, તો બીજા સર્વ પદાર્થમાંથી વૈરાગ્ય થાય છે અને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે.
એવી રીતે પોતાના આત્મસ્વરૂપનું ભાન(જ્ઞાન)અને પરમાત્માના મહિમાનું જ્ઞાન જેને સિદ્ધ થાય છે તે ગમે તેવા રમણીય પંચવિષયના સુખમાં પણ બંધાતો નથી. આ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને તેનો પોતાના અંતરમાં મહારાજે દૃષ્ટાંત આપ્યા મુજબ વેગ લગાડી દેવો. ત્યારે એ જ્ઞાન સિદ્ધ થાય છે. જ્યારે એ જ્ઞાન સિદ્ધ થાય છે ત્યારે જેમ વિશલ્યકરણી ઔષધિ પીવાથી શરીરમાંથી તમામ શલ્યો બહાર નીકળી જાય છે તેમ ઈન્દ્રિયોના ભોગની ઈચ્છારૂપી શલ્યો તે સાધકના અંતરમાંથી બહાર નીકળી જાય છે ને એક ભગવાનના સ્વરૂપમાં જ તેની વૃત્તિ વળગે છે.
મહારાજ કહે છે, સત્સંગી પણ તેને જ કહેવાય કે જે સત્યસ્વરૂપ એવો જે પોતાનો આત્મા તથા પરમાત્મા તેનો જેને આવી રીતે સંગ થાય છે તે જ સાચો સત્સંગી કહેવાય છે. આવી પોતાના આત્મકલ્યાણની જે વાત છે તે દૈવી જીવને સાંભળતાં જ હૃદયમાં લાગીને રગરગમાં ઉતરીને લોહીમા પ્રસરી જાય છે, પણ આસુરી જીવને એવી પોતાના આત્મકલ્યાણની વાત સાંભળવી પણ સારી લાગતી નથી. જેમ શ્વાન ખીર ખાય તો ઉલ્ટી થઈ જાય તેમ આસુરીને ઉલ્ટી થઈ જાય છે. તેને તો ભોગની વાત જ હૃદયમાં ઉતરે છે, પણ ભગવાનના માર્ગની વાત આસુરીના હૃદયમાં પેસતી જ નથી.
બીજી વાત એ છે કે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજા ઘણાક ભગવાનને ભજી ભજીને ભગવાનના સાધર્મ્યપણાને પામી ગયા છે, પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. જો ભગવાન જેવા થાય તો ઝાઝા ભગવાન થાય અને આ સૃષ્ટિ સરખી ચાલે નહિ. આ સૃષ્ટિના નિયમ પ્રમાણે સૃષ્ટિ અદલ ચાલે છે. માટે ભગવાન એક જ છે. બીજા બધા તેના સેવકો છે. આટલી વસ્તુ જેને સમજાઈ જાય તેને કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. મહારાજ કહે, આ બધી વાત અમારા અનુભવમાં આવેલી છે. બુદ્ધિની કે કલ્પનાની નથી. કાનને મીઠી લાગે માટે કહેતા નથી અથવા સિદ્ધાઈ જણાવવા કહેતા નથી. કેમ જે અમારે બંધનકારી પદાર્થોનો ભારે જોગ છે તથાપિ પોતાના અંતરમાં દૃષ્ટિ કરીએ છીએ તો આ બધાની પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ થઈ જાય છે. જો બીજો કોઈ આ વાત સિદ્ધ કરે તો તેને પણ અમારી પેઠે જ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની જરૂર છે. એમ પોતાના દૃષ્ટાંતથી મહારાજે કૃપા કરીને ભક્તોને માર્ગદર્શન કરાવ્યું.