પ્રતિપાદિત વિષયઃ
કલ્યાણનો અનાદિ નિર્વિધ્ન માર્ગ.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહમાં અનાદિ સાકાર માનવા.
ર.ભગવાનની સ્વામી સેવકભાવે ઉપાસના કરવી.
૩.નિરાકાર માન્યતાથી અને માનનારાથી દૂર રહેવું.
વિવેચન :–
શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પ્રશ્ન પૂછયો છે જે, આ જીવને કલ્યાણ પામવાનો અસાધારણ માર્ગ એવો કયો છે કે જેમા પ્રવર્તે તો નિશ્ચે તેનું કલ્યાણ થાય અને એ માર્ગમાં મોટું વિધ્ન કયું છે કે જેણે કરીને નિશ્ચય તેમાંથી પડી જાય ?
પછી મહારાજે જ ઉત્તર કર્યો જે, કલ્યાણનો અસાધારણ માર્ગ એ છે જે ભગવાનને તેજના સમૂહમાં અનાદિ સાકાર મૂર્તિ માનવા અને તેના જ સર્વ અવતાર છે તેમ માનવું. તેને વિષે ને અનાદિ પરમાત્માનો જે દિવ્ય આકાર તેમાં સ્વામીસેવકભાવ રાખી ઉપાસના, ધર્મે સહિત ભક્તિ કરવી. આ માર્ગની વધુ ને વધુ પુષ્ટિ થાય માટે સાકાર ઉપાસક ભગવાનના અનન્ય ભક્ત એવા સંતનો નિત્ય સંગ કરવો. જીવના કલ્યાણનો આ અસાધારણઞ્માર્ગ છે. આના જેવો કલ્યાણ થવા માટે બીજો કોઈ નિર્વિધ્ન, વિશ્વાસપાત્ર અને સરળ માર્ગ નથી. એવો મહારાજનો શાસ્ત્રમાંથી તારવેલો સ્વતંત્ર સિદ્ધાંત છે.
આ માર્ગમાં સૌથી મોટું વિધ્ન તે શુષ્ક વેદાંતી એટલે કે ભગવાનને નિરાકાર માનનારા જ્ઞાનીઓનો સંગ છે. મહારાજ કહે છે કે જેમ કોઈકે દુષ્કાળમાં અન્ન આપી જીવાડીને મહા ઉપકાર કર્યો હોય તો આપણને સદાકાળ તેનો ગુણ રહે છે. તેનું ૠણ ચુકવવા તેને સદા આધીન રહીએ છીએ. તેમ શુષ્કવેદાંતી, આત્મા નિર્લેપ છે, તેને પાપ અડતા નથી, તે સ્વંય પરમાત્મા સ્વરૂપ છે એવું સમજાવીને તમામ પુરુષાર્થથી ભ્રષ્ટ કરવારૂપ ઉપકાર બતાવીને પોતાના માર્ગથી પાડે છે. જીવને પણ કાંઈ પુરુષાર્થ કરવો ટળ્યો, એમ મોટો ઉપકાર માની તેનો ગુણ આવે છે. અનાદિ ઉપાસનાના માર્ગથી પડી જાય છે. માટે તેના જેવું કોઈ વિધ્ન નથી.
મહારાજ કહે, અમે ઘણા સિદ્ધ દીઠા છે ને પૃથ્વી પર ઘણા ઠેકાણે ફર્યા છીએ પણ અમે આગળ બતાવ્યો જે ઉપાસના ભક્તિનો સનાતન માર્ગ, સાકાર ભગવાનમાં સ્વામીસેવક ભાવનારૂપ ભાવબંધ સિવાય કોઈ સિદ્ધ થયા હોય એવા દીઠા નથી. જે કોઈ સિદ્ધ થાય છે તે પરમાત્માની ઉપાસનાને બળે જ થાય છે. મહારાજ કહે છે કે શાસ્ત્રમાં સિદ્ધ થવા માટે નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગ કહ્યા છે પણ અમે તેવા કોઈ જોયા નથી. અમે ઘણા સિદ્ધોને મળ્યા છીએ. માટે એ નિર્બીજ સાંખ્યાદિકથી સિદ્ધ થવાય એ વાત ખોટી છે. એ આકાશને ચાટવા જેવી વાત છે. અમારા અનુભવમાં પણ આવતી નથી. માટે બ્રહ્મ જ્યોતિના સમૂહમાં અનાદિ સાકાર મૂર્તિ પરમાત્માની સ્વામીસેવક ભાવની ટેક રાખી સાચા ઉપાસક સંતનો સમાગમ કરવો. તે અનાદિ કલ્યાણનો નિર્વિધ્ન માર્ગ છે. તે માર્ગે ચાલવું એવો અમારો સ્વતંત્ર સિદ્ધાંત છે ને તેમાં કોઈ વિધ્ન નથી.