પ્રતિપાદિત વિષયઃ
જેની સેવા કર્યાથી ભગવાનની સેવા થાય તથા જેનો દ્રોહ કર્યાથી ભગવાનનો દ્રોહ થાય તેવા સંતના લક્ષણો.
મુખ્ય મુદ્દાઃ
૧.જેને મનમાં એક ભગવાનની જ મોટાઈ હોય ને તેને અર્થે જ સર્વસ્વ કુરબાની કરી રાખી હોય તેનો આશ્રય કયારેય ટળે નહિ.
ર.પ્રકૃતિ મરોડે ત્યારે ભક્તનો ગુણ લે અને પોતાનો અવગુણ લે તો તેનો આશ્રય જાય નહિ.
૩.ભગવાન તુલ્ય ગણવા યોગ્ય સંતમાં છ લક્ષણ હોવાં જોઈએ.
વિવેચન :–
શ્રી શુકમુનિએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. જેના હૃદયમાં ભગવાન ને ભગવાનના ભક્તનો દૃઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપત્કાળ આવી પડે ને દેહને સુખ, દુઃખ, માન, અપમાન, દેશકાળનું વિષમપણું ઈત્યાદિકે કરીને પણ જાય નહિ તે કેમ જણાય જે ‘એનો એવો આશ્રય છે’ અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો? આ અર્થાત્જે ભક્તે ભગવાન અને ભગવાનને અર્થે સર્વસ્વ સમર્પણ કરી રાખ્યું હોય, આત્મનિવેદન અથવા સર્વસ્વ સમર્પણ કરીને માલિક તરીકે ભગવાનને સ્વીકારવા તે ભક્તે સર્વસ્વ સર્મપણ કર્યું હોય તે અચળ કેમ થાય ? સુખદુઃખમાં કે ભગવાન માન અપમાન કરે અથવા સાધુ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવા ન દે ત્યારે પોતાનું સમર્પણ પાછું ખેંચી નહિ લે અથવા હવે વધુ સમર્પણ કરતો બંધ નહિ થઈ જાય તે કેવા આચારથી કે માનસિક વલણથી જણાઈ આવે ને ભગવાનને ખાતરી થાય કે આ ભક્ત સમર્પણના માર્ગથી પાછો નહિ જ હઠે ? એ પ્રશ્ન છે.
તેનો ઉત્તર મહારાજે કરતાં કહ્યુ, તે ભક્તના બે પ્રકારના આચારથી ભગવાનને તથા મોટા સંતોને ખાતરી થાય છે કે તે પાછો નહિ પડે. તેમાં એક તો તે સર્વ કરતા મોટ્યપ એક ભગવાનને વિષે સમજતો હોય તેના સિવાય ઈતરને કોઈને તેની જેવા કોઈ વાતમાં ન સમજતો હોય ને ઈશ્વર આગળ બીજાને તુચ્છ જાણતો હોય ને ભગવાનને માટે અથવા (સંત) ભગવાનના ભક્ત માટે પોતાની ગમે તેવી બળવાન પ્રકૃતિ(સ્વભાવ)ને હરખથી છોડવાની પોતાની અગાઉથી તૈયારી હોય. પોતાની પ્રકૃતિને સાધુ મરોડે તો મૂંઝાય નહિ ને દૂર ભાગી જાય નહિ, પણ પ્રકૃતિ મૂકીને જેમ સાધુ કહે તેમ સરળપણે વર્તે અથવા વર્તવાની પૂર્ણ તૈયારી હોય ત્યારે મહારાજ કહે અમને તેના કરેલા સમર્પણનો વિશ્વાસ આવે કે આ એક વખત સમર્પણ કરીને પાછો ફરી નહિ જાય કે ધીમો નહિ પડી જાય અથવા કયાંય ગુમ નહિ થઈ જાય.
ત્યારે શુકમુનિએ પૂછયું કે પ્રકૃતિ મરોડે ત્યારે જીવને મૂંઝવણ તો થાય પણ તેમાં મૂંઝાય તો પણ ભગવાનને વિશ્વાસ આવે એવો કાંઈ ફેર છે કે બધાની મૂંઝવણ સરખી છે ? ત્યારે મહારાજ કહે મૂંઝાઈને પોતાનો જ અવગુણ અને ખામી જુવે તો સારો અર્થાત્તેનો સાધુ તથા ભગવાનને કાંઈક વિશ્વાસ આવે. જો પ્રકૃતિ મરોડે ને સંતો–ભક્તોનો અવગુણ લે તેનો વિશ્વાસ ન આવે ને તેનું કાંઈ ઠેકાણું નહિ.
પછી શુકમુનિએ પૂછયું જે જેને પ્રકૃતિ તો હોય પણ ભગવાન કે સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય તો તેને કેમ ખાતરી થાય કે મારી પ્રકૃતિ મરોડશે તો ઠીક નહિ રહે. કેમ જે, જે વાત અજમાવેલ ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ? અર્થાત્ભગવાન કે સાધુને તેના કોઈ ગુણને યોગે કરીને વ્યાવહારિક જરૂરિયાત(ગરજ)હોય, માટે જાણવા છતાં તેની ખામીને, પ્રકૃતિને છેડતા નથી અને જો છેડે તો ઝાઝું જીવનું બગડે એવા હિસાબથી ચલાવી લે છે. ત્યારે મુમુક્ષુને કેમ ખબર પડે કે મારી પ્રકૃતિ આ છે ને તેમાં મને રોકશે તો મને ઠીક નહિ રહે. ત્યારે મહારાજ બોલ્યા જે, જો પોતાના મનના ઘાટ સામું નિરંતર જોયા કરે તો તેને જણાઈ આવે જે આ વિષય કે સ્વભાવ સંબંધી મને બળવાન ઘાટ થાય છે. તેમાંથી મને સાધુ રોકશે તો મારું ઠીક નહિ રહે. એવા બળવાન ઘાટ જોઈને પોતાનો તપાસ થઈ શકે છે ને યોગ્ય ઉપાય પણ થઈ શકે છે. જો તપાસ ન કરે ને ભગવાન ને સાધુ ટોકે નહિ તો તો પાર ઉતરી જાય ને ટોકે તો દેશકાળે સ્વભાવને ટક્કર થાય તો ઠા રહે નહિ ને સત્સંગમાંથી પડી જાય.
પછી મહારાજે વાર્તા કરી જે સાધુના દ્રોહનું સર્વથી અધિક પાપ છે. તે શા માટે ? તો સાધુના હૃદયમાં સાક્ષાત્ભગવાન નિવાસ કરીને રહ્યા છે. માટે તેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. કંસાદિકનું ભગવાને કલ્યાણ કર્યું તે તો ભગવાનની દયા કહેવાય, પણ તે માર્ગ અસુરનો છે. દૈવી જીવોનો એ માર્ગ છે કે ભગવાન અને સંતને રાજી કરીને પોતાનું કલ્યાણ કરવું.
પછી શુકમુનિએ શ્રીજી મહારાજને પૂછયું જે, હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય અને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય તે સાધુનાં લક્ષણ કયા છે તે કહો ? બીજા અનેક વચનામૃતમાં સાધુનો મહિમા અને લક્ષણો તો કહ્યાં જ છે, પણ અહીં તો જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય. એટલે કે મહારાજે એ સાધુને ભગવાનની કક્ષામાં મૂકી દીધા છે. પરમાત્મા જેમ કલ્યાણની ઈચ્છાવાળાને સર્વસ્વ સમર્પણનું કેન્દ્ર છે તેમ આ સંત પણ સર્વસ્વ સમર્પણનું કેન્દ્ર બને છે. તો એવા નિર્દોષ સમર્પણના કેન્દ્રરૂપ સંત કેવા હોય?
તે લક્ષણનું વિવેચન કરતાં મહારાજ કહે છે કે એક તો તે સાકાર પરમાત્માના ઉપાસક હોય. સાકાર ઉપાસનાનું તાત્પર્ય પૂર્ણ અને અવિનાશી ભક્તિ છે. સાકાર ઉપાસના વિના ધ્યાન, ભજન, સેવા વગેરે સનાતન રહેતાં નથી. સાકાર ઉપાસના વિના પૂર્ણ અને અવિનાશી ભક્તિ સિદ્ધ થઈ શકતી નથી. તેથી તેનો અર્થ એ થયો કે તે સંત મહારાજના પૂર્ણ ભક્ત હોવા જોઈએ. મહારાજ કહે છે કે સાકાર ન માને તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય અર્થાત્એ સંતના અતરમા એવો દૃઢ સનાતન નિર્ણય હોવો જોઈએ કે દેહ છતાં મારે ભગવાન તથા સાચા સંત અને સત્સંગની સેવા કરવી છે અને મૃત્યુ પછી પણ’તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્’ દિવ્ય દેહે મહારાજની સેવા કરવી છે. એવો તેના અંતરનો આશય અને દૃઢ નિર્ણય હોવો જોઈએ. કારણ કે ઉપાસના શબ્દનો અર્થ મહારાજ પરમાત્માની અનન્ય સેવામાં લઈ જાય છે.
મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે નિરાકાર માની પોતાને જ પરમાત્મા માને ત્યારે સેવા કે ભજન કોનું કરવાનું રહ્યું ? જ્યારે પોતાને જ પરમાત્મા માને ત્યારે સ્વામીસેવક ભાવ લુપ્ત થઈ જાય છે. ત્યારે ઉપાસનાનો નાશ થઈ જાય છે.
માટે સાકાર ઉપાસનાનું તાત્પર્ય આ લોક પરલોકમાં પરમાત્માની સ્વામીસેવકભાવે અનન્ય ભક્તિ કરવામાં છે. વળી સાકાર વિના કર્તાપણું સિદ્ધ થતું નથી. જ્યારે ઉપનિષદો, બ્રહ્મસૂત્રોમાં બ્રહ્માંડોનું કર્તાહર્તાપણું એ જ પરમાત્માનું અસાધારણ લક્ષણ કહ્યુ છે. માટે સાકાર સ્વરૂપ ઉપાસનાનું તાત્પર્ય તે સંત પરમાત્માના દૃઢ અને પૂર્ણ ભક્ત છે. એટલું સ્પષ્ટ થવું જરૂરી છે અને લોકમાં પણ અનેક સાધકો તથા મુમુક્ષુના સમર્પણનું કેન્દ્ર પરમાત્મા છે. તેવા જ કેન્દ્ર આ સંત બને તે માટે તે સંતમાં પરમાત્માની પૂર્ણ ભક્તિ તે પ્રથમ જરૂરિયાત છે. તે સંતમાં બીજા સદ્ગુણો હોય પણ જો ભક્તિ ન હોય તો સાધકો અને મુમુક્ષુઓના સમર્પણનું તે કેન્દ્ર બનવા યોગ્ય નથી બનતા અને સમર્પણ કરનારાને પણ સમર્પણ પાછળનો આત્મસંતોષ થવો જોઈએ તે નથી થતો. તે સંત સારા છે પણ મહારાજે નિર્ધારિત કરેલી જે કક્ષા તેવા નથી, થોડા અધૂરા છે. ઘણાં સદ્ગુણો હોય તો તેની મૈત્રી કરવા કે સંબંધ જોડવા માણસો લલચાય છે પણ જ્યાં સુધી તેના અંતરમાં પૂર્ણ ભક્તિ નથી ત્યાં સુધી સમર્પણ કરતા મુમુક્ષુ સાધકોનું મન ખચકાય છે. જે રખેને અમારું અર્પણ કરેલું સમર્પણ પરમાત્મા સુધી નહિ પહોંચે તો ? અથવા વચ્ચે ઓછુ થઈ જશે તો ?
જ્યારે કોઈ પાત્ર એવું છે કે તેમાં નિઃશંક પૂર્ણ ભક્તિ છે, પણ સદ્ગુણો ઝાઝા નથી તો પણ માણસો ભાવનાનું સમર્પણ કરવા લલચાશે. પછી ભલે તેનો વ્યવહાર સદ્ગુણોના અભાવે રૂક્ષ હશે. સાકાર ઉપાસનાનું પૂર્ણ ભક્તિમાં તાત્પર્ય એટલા માટે આપણે લઈએ છીએ કે સાધકો, મુમુક્ષુઓને દરેકને સમર્પણ કરવા પાછળ મનમાં એવી હામ હોય છે કે મે કરેલું શ્રદ્ધા સમર્પણ અખંડ ને અખંડ શ્રીજી મહારાજ પાસે પહોંચે, પણ સમર્પણ કરેલા પાત્રના સ્વાર્થની ચીકાશમાં થોડું ઘણું ચોટી ન રહે. એવી કયા સાધકને ઈચ્છા ન હોય ? અને તે હોવી અયોગ્ય પણ ન ગણાય. એવી અપેક્ષા ન હોય તો ગબરગંડતા ગણાય. એટલે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય તે સંત(અથવા કોઈ પણ ભક્ત)પરમાત્મા પ્રત્યે પૂર્ણ સમર્પિત ભક્ત હોવા જોઈએ એ પ્રથમ લક્ષણ છે.
પછી બીજું લક્ષણ એ છે જે પોતે એ ભગવાનની એકાંતિકી ભક્તિ કરતા હોય અને બીજા કોઈની ભગવાન પ્રત્યે ભક્તિ દેખીને રાજી થાય. અહીં એક પ્રશ્ન થાય છે કે મહારાજને જે પૂર્ણ કક્ષાના સંત કહેવા છે તે શું પ્રથમ લક્ષણથી જ કહેવાઈ જતા નથી કે જેથી આગળનાં લક્ષણો મહારાજને કહેવા પડયાં ?
તો તેનું સમાધાન એ છે કે ભક્તિમાં ક્રિયા કરતાં પણ ભાવનાનો મોટો આધાર છે. કોઈ વ્યક્તિ દિવસના ચોવીસ કલાક ભક્તિ કરે છે તો તે અવશ્ય પૂર્ણ ભક્ત બની જ ગયો એવું નથી કહી શકાતું. માટે તે ખામી ન રહે માટે આગળનાં લક્ષણો કહ્યાં છે. કયારેક કોઈ વ્યક્તિ રાત્રીદિવસ મહારાજની ભક્તિ કરતો હોય તો પણ બીજો કોઈ ભગવાનની ભક્તિ કરવા એ જ પ્લેટફોર્મ ઉપર આવે તો પ્રથમ રાત્રીદિવસ ભક્તિ કરવાવાળો સહન ન પણ કરી શકે(ઈર્ષ્યાના કારણે) અથવા ઝાંખો પડી જાય(માનના કારણે). ત્યારે રાત્રીદિવસ ભક્તિ પાછળ તેનું લક્ષ્ય મહારાજનો શુદ્ધ રાજીપો ન રહ્યો. માટે પૂર્ણ ભક્તિમાં ખામી આવી જશે. જો તેના હૃદયમાં મહારાજ પ્રત્યે શુદ્ધ જ ભક્તિ હોય તો મહારાજ પ્રત્યે બીજાની ભક્તિ જોઈને રાજી થવું, એટલું જ નહિ ઉલ્ટો હરખ વધવો જોઈએ. વાસ્તવિક જગતમાં તેવું બહુ ઓછું બને છે. મોટા ભાગના ભક્તો ઝંખવાણા પડી જાય છે. તે ભક્તના હૃદયમાં ભક્તિની ખામી છે. જે સામાન્ય પરિસ્થિતિમાં જણાતી નથી પણ બરોબરિયાની સામે જણાઈ આવે છે.
પોતે રાત્રીદિવસ (ર૪ કલાકમાં રપ કલાકની) ભક્તિ કરતો હોય! તો પણ તેનું મહારાજના બીજા ભક્તો પ્રત્યે કેવું વલણ છે તેને આધારે પણ મહારાજ પૂર્ણ કક્ષાની ભક્તિની ગણતરી કરે છે. કારણ કે ઘણી વખત ર૪ કલાક ભક્તિ કરવાના કોઈ ભક્તને શ્રદ્ધા ને ઉત્સાહ હોય પણ પોતાના જેવી, બીજો કોઈ ભક્ત મહારાજની ભક્તિ કરતો હોય તો તેને જોઈ શકવાની ક્ષમતા ન હોય અને ભક્તિ કરવાની પડતી મૂકીને પેલાનો સામનો કરવામાં લાગી જાય. તેમાં પણ સમાન ભૂમિકામાં મોટા ભાગે આવી શકયતાઓ હોય છે. એક પૂજારી બીજા પૂજારી પ્રત્યે, સેવક સામે સેવક, દાની સામે દાની. આમ સમાન ભક્તિમાં તો કોઈક વિરલ વ્યક્તિ જ ખુશી થઈ શકે છે. નહિ તો આ પરિસ્થિતિ અંતરની જલન પેદા કરનારી બનતી હોય છે અને તે સાધકની ભક્તિને ખોટય દેનારી બને છે. મહારાજ અહીં કહે છે કે એવી સમાન ભક્તિ જોઈને રાજી થાય એ ભગવાન પ્રત્યે પૂર્ણ ભક્તિનું એક પાસું છે. રાજી થવું એ દૂર રહે છે, પણ મોટે ભાગે સારા ભક્તો પણ આવી પરિસ્થિતિમાં સારો વ્યવહાર કે સારો સંબંધ પણ તેવા ભક્તો સાથે ભગવાનને ખાતર રાખી શકતા નથી. માટે તટસ્થપણે પોતાના અંતરમાં જોઈને એ ખામી દૂર કરીએ તો આપણે ભગવાનના પૂર્ણ ભક્ત બની શકીએ.
ત્રીજું લક્ષણ બતાવતાં મહારાજ કહે છે કે એને ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ભક્તના સંગનો ત્યાગ ન કરે અને પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે, પોતાના સ્વભાવનો અવગુણ લે પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મનમાં ઘાટ પણ ઘડે નહિ એવો હોય. એવી રીતે મહારાજ કહે છે કે ભક્તને માટે પોતાના સ્વભાવને છોડે પણ સ્વભાવને નિભાવવા ભક્તનો ત્યાગ ન જ કરે. એ જ સ્વભાવની કુરબાની કરી ગણાય. માણસને માટે સ્વભાવનું સમર્પણ એ છેલ્લું સમર્પણ ગણાય અને તે ભક્તને ખાતર થાય ત્યારે મહારાજની દૃષ્ટિએ તે સંત ભગવાનતુલ્ય કક્ષામાં આવે છે.
ચોથું લક્ષણ બતાવતાં મહારાજ કહે છે કે સારું વસ્ત્ર, સારું ભોજન તથા જે જે કાંઈ પોતાના મનને માટે સારું માનેલું પદાર્થ પોતાને મળે તો મન એમ ઘાટ કરે જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય. અર્થાત્પોતાની આસક્તિના પદાર્થો પ્રાપ્ત થાય તો તે પોતે ભોગવીને રાજી ન થાય પણ પોતાને પ્રાપ્ત થયેલું આસક્તિનું પદાર્થ તે ભગવાનના ભક્તને આપીને રાજી થાય. એ પરમાત્મામાં આસક્તિનું સાચું લક્ષણ છે. માટે એવા સંતમાં કરેલું સર્મપણ તે ભગવાનને પહોંચે છે, પણ પોતાની આસક્તિનું પદાર્થ ભગવાનના ભક્તને સહેજે પ્રાપ્ત થયું હોય તેને પડાવીને પોતે વાપરે ત્યારે નિરાંત થાય એવી વૃત્તિની અહીં વાત નથી. ભગવાનના ભક્તને સર્મપણનું કેન્દ્ર ભગવાન કે ભગવાનના ભક્ત હોવા જોઈએ તેમાં પણ ભગવાન કરતાં પણ તેના નિર્દોષ ભક્તમાં સમર્પણથી જે ભગવાન રાજી થાય છે એવા તો ખુદ ભગવાનને સર્મપણ કરવાથી પણ રાજી નથી થતા માટે આ સંત તેવા છે.
લોકમાં જરૂરિયાતમંદ અથવા સજ્જન સદ્ગુણી અર્પણનું પાત્ર ગણાય છે, પણ મહારાજની દૃષ્ટિમાં તેની ભગવાનમાં નિષ્ઠા કેટલી છે તેટલું તે અર્પણનું પાત્ર ગણાવું જોઈએ એવી છે. પછી ભલે તેમા કદાચ સદ્ગુણો ઓછા હોય. મહારાજ અને ખાસ કરીને તેના અનન્ય ભક્ત તેના પ્રત્યે નિષ્ઠામાં ખામી હોય તેમાં કરેલું સમર્પણ તેટલા પ્રમાણમાં નિષ્ફળ જાય છે. પછી ભલે તે ગુણનું ધામ હોય. પોતાને વહાલું પદાર્થ તે ભક્તને આપીને રાજી થાય એનો અર્થ શું ? તેનું સમર્પણ (સર્વ સાધારણ નથી) પણ મર્યાદિત છે. કોઈ નિશ્ચિત કેન્દ્રવાળું છે; જરૂરિયાતવાળા બધાજ નથી. તેમાં મહારાજની અનન્ય ભક્તિ હોવી જરૂરી છે. તેમાં સમર્પણ કરવાથી તેને આનંદ થાય છે. મહારાજ કહે, એવી વૃત્તિવાળા જે સંત તે પરમાત્માતુલ્ય સમર્પણનું કેન્દ્ર છે.
પાંચમું લક્ષણ એ છે જે ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે ‘આતો કેટલા વર્ષ ભેળો રહ્યો પણ તેના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ’ એવો ન હોય પણ સરળ સ્વભાવવાળો હોય અર્થાત્ભગવાનના ભક્ત આગળ કુટિલ ન હોય. સરળ સ્વભાવવાળો હોય.
દરેક માણસને પોતાના અંતરની રહસ્યમય બાબતો કહીને અંતરમાં હળવું થવા માટે એક સ્થાન હોય છે. ત્યાં માણસ કાંઈ પણ છુપાવતો નથી. તેની સાથે બિલકુલ અંતર મળી ગયું હોય છે. ચોર ડાકુ હોય તો તેણે પણ અંતર ખુલ્લું કરવાનું ઠેકાણું નક્કી કર્યુ હોય છે. મોટે ભાગે સજાતીય અંતર હોય ત્યાં જ ખુલ્લું કરવામાં પોતાની સલામતી હોય છે અને લાભ પણ હોય છે. તેમ ભગવાનના ભક્તને પણ પોતાનું અંતર ખોલવાનું અને સરળ થવાનું ઠેકાણું હોય છે અને તે સાચા ભગવાનના ભક્ત પાસે પોતાનું અંતર ખુલ્લું કરીને નિખાલસ થઈને હૃદય હળવું કરતા હોય છે, પણ બધી જગ્યાએ નહિ. સરળતા એ ગુણ છે પણ યોગ્ય જગ્યાએ હોય તો ! ધર્મદેવ, ભક્મિાતા અશ્વત્થામા પાસે સરળ થયા તો ઉલ્ટું દુઃખ થયું. માટે બધી જગ્યાએ સરળતાથી ફાયદો થતો નથી ને ભગવાનના ભક્ત પાસે કુટિલતાથી ફાયદો થતો નથી. માટે મહારાજ કહે, ભક્ત આગળ સરળતા એ ભગવાનને રાજી કર્યાનું ને ખરા સંતનું લક્ષણ છે.
છઠ્ઠું લક્ષણ એ છે કે શાંત અને સરળ સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત થાય તો તપી જાય ને સહન ન કરી શકે એવો હોય. ભગવાનનો ભક્ત સરળ હોય પણ નિર્માલ્ય ન હોવો જોઈએ. તેજસ્વી પણ હોવો જોઈએ. કુસંગ થાય તો તેની તેજસ્વિતા પ્રગટ થવી જોઈએ. કુસંગમાં પણ સરળભાવે ભળી શકતો હોય તો સરળતા નથી એ નિર્માલ્યતા છે. તેને ગુણમાં ન ગણવી અને ભગવાનના ભક્તને પોતાનું તેજ બતાવીને દબડાવતો હોય તો તેજ ન માનવું તે આસુરી ભાવ છે એમ જાણવું. માટે ભગવાન તુલ્ય સંતનાં લક્ષણમાં મહારાજ સહજ રુચિની સ્પષ્ટતા કરતાં બતાવે છે કે સરળતા ભલે હોય પણ કુસંગના જોગમાં તે સરળતા રહેતી નથી પણ તેની તેજસ્વિતા ચમકે છે. એવા છ લક્ષણવાળા સંત હોય તેની સેવાથી ભગવાનની સેવા થાય છે અને તેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય છે અર્થાત્તેમાં કરેલ કોઈ પણ સમર્પણ પૂર્ણ રીતે ભગવાન પાસે પહોંચે છે.