પ્રતિપાદિત વિષયઃ
એક ભગવાન વિના બીજી સર્વે વાસનાનો નાશ કરવો.
મુખ્ય મુદ્દાઃ
૧.પંચ વિષયના ત્યાગ તથા ભગવાનની ભક્તિ સંબંધી વધારાના નિયમોનું પાલન કરવાથી એક ભગવાનની જ વાસના રહે છે. બીજી નાશ પમે છે.
ર.હજારો જીવોને ભગવાનના રસ્તે ચલાવવાના શુભાશયથી લીધેલ માર્ગ માટે ક્રોધ થાય તો પણ તેના માર્ગમાં તે ઝાઝો બાધ કરતો નથી.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછયો છે ભગવાન વિના બીજા માયિક પદાર્થની વાસના ન રહે ને એક ભગવાનની વાસના રહે તેનાં બે સાધનો જણાય છે. એક તો ભગવાનમાં પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય. એ બેય અતિ તીવ્રપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય, વિશ્વાસ તો હોય જ. ‘આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે અને મને તે મળ્યા છે. માટે મારું ચોક્કસ કલ્યાણ થયું છે.’ એવું તો હોય પણ વૈરાગ્યના સામાન્યપણાથી ભગવાન સિવાય થોડી થોડી વાસના ઉદય થાય ખરી. માટે ઉપર કહ્યા તે સાધનો ન હોય તો પણ તેના સિવાય બીજો કોઈ ઉપાય છે કે જેણે કરીને એક ભગવાન સિવાય બીજી વાસના ન રહે ?
ત્યારે મહારાજે એ વાતને સ્વીકારીને કહ્યું જે તે વાત સાચી છે. તેના સિવાય પણ એક ત્રીજું સાધન છે. જેણે કરીને ભગવાન વિના ઈતર વાસના નાશ પામીને એક ભગવાનની વાસના જ રહે. તે એ છે કે ભગવાને જે પોતાના આશ્રિતોને પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ કહ્યા છે તે નિયમને ખૂબ સાવધાન થઈને આદરપૂર્વક પાળે તે પોતાના નિયમમાં ન આવતું હોય તો પણ સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે. રમણીય પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ રાખે. વળી પોતે આત્મનિવેદી ન હોય તો પણ આત્મનિવેદન સંબંધી નિયમ રાખે. ભક્તિ સંબંધી સાવધાનીપૂર્વક નિયમ રાખે. ભક્તિ વિના એક ક્ષણ પણ ન વિતાવવી એવો નિયમ રાખે.
આવીરીતે પંચ વિષયના ત્યાગના નિયમ અને ભક્તિના આચરણના નિયમનું જ્યારે એ ભક્ત પાલન કરે ત્યારે તેના હૃદયમાં ભગવાન સંબંધી શુભ સંકલ્પો થવા લાગે છે. જગત વાસનાના સંકલ્પો દબાવા લાગે છે. આવી રીતે શ્રદ્ધા રાખે તો થોડા જ કાળમાં બળિયો થઈ જાય છે અને તેના હૃદયમાંથી જગતની સર્વે વાસના નાશ થઈ જાય છે. જ્ઞાન–વૈરાગ્ય એ વિચારથી વાસનાનો નાશ કરે છે તેમ આદરપૂર્વક અને હૃદયની ભાવનાપૂર્વક સેવન કરાયેલા નિયમો પણ હૃદયની વાસનાનો નાશ કરે છે. માટે સ્વાભાવિક જ્ઞાન–વૈરાગ્ય ન હોય તો પણ હૃદયમાં જો મુમુક્ષુતા પડી હોય તો આદરપૂર્વક નિયમોનું તો જરૂર પાલન કરી જ શકે છે. વળી મહારાજે કહ્યું કે નિયમે કરીને તો વૈરાગ્ય દ્વારા પણ ન જીતાય તેવા અતિશય ઈન્દ્રિયો જીતાય છે. માટે પંચ વિષયના ત્યાગ અને ભગવાનની ભક્તિના નિયમોનું સાવધાનીથી પાલન એ જ્ઞાન–વૈરાગ્ય જેટલી જ હૃદયમાં પડેલી જગતની વાસનાને સાફ કરે છે અને તેના હૃદયમાં ભગવાનની જ વાસના રહે છે.
પછી વળી શુકમુનિએ પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ ! જે ક્રોધ છે તે પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ઉપજે છે. જયારે કામના(ઈચ્છા) ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે.(કામાત્ક્રોધોભિજાયતે) જે ક્રોધ ઉપજે જ. એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહિ ? પ્રશ્નનો આશય એ છે કે મહારાજે વચ.લો.૧મા ક્રોધને બહુ જ ભૂંડો કહ્યો છે. હડકાયા કૂતરાની લાળ કહી છે. સર્પ, વાઘ જેવો ભય ઉપજાવનારો કહ્યો છે. તે અલ્પ હોય તો પણ અનર્થકારી કહ્યો છે. જ્યારે તેનું કારણ–મૂળ હોય ત્યારે અવશ્ય ઉદ્ભવે છે. માટે ઉપજવાનું કારણ હોય તો પણ ન ઉદ્ભવે અથવા ઉદ્ભવે તો તેમાં અનર્થકારીપણું ન હોય એવું બને ખરું ? એવો પ્રશ્નનો આશય મહારાજે આપેલા ઉત્તર પરથી જણાય છે.
મહારાજે તેનો ઉત્તર કર્યો કે કામના ભંગ થાય તો પણ ક્રોધ ન થાય અથવા ક્રોધ થાય તો પણ કોઈનું અનર્થ ન થાય ઉલ્ટું સારું થાય એવો પણ ક્રોધ હોઈ શકે છે. મહારાજ કહે છે કે કોઈક મુમુક્ષુ હોય તેને મોટા સંત સાથે હેત થયું હોય અને તેને વિશે પોતાના કલ્યાણરૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે ‘આ સાધુથી જ મારુ સારુ થશે'(મારું કલ્યાણ થશે) એવો જે મુમુક્ષુ હોય તેને ક્રોધનો સ્વભાવ હોય ને ક્રોધ ઉત્પન્ન થવાનું નિમિત્ત હોય તો પણ તે મોટા સંત ઉપર ક્રોધ તેને ન થાય. તે ક્રોધને મૂકી જ દે. બીજી પરિસ્થિતિ એ છે કે ક્રોધ ઉપજે છતાં તેની અનર્થકારીતા તેમાં ન હોય.
મહારાજ કહે છે કે ભગવાનના મોટા સંત હોય તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદૃષ્ટિએ કરીને અનેક જીવોને ભગવાનને રસ્તે વાળવાનું માહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ કર્યો હોય ને તેમાં પ્રર્વત્યા હોય ત્યારે કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરે ને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવ ઉપર ક્રોધ થાય છે. કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મમર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિક્ષાના વચન ન કહે તો મર્યાદા ભંગ થતી જાય ને જીવોનું સારું ન થાય. આમ એ રીતે ક્રોધ થાય તે ઠીક છે તેમાં કાંઈ બાધ નહિ. અનેકનું સારું કરવાના આશયને નિભાવવામાં થાય તો તે બાધકર્તા ન બને. એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસો રહ્યા હોય. માટે તેને રીસ કરીને કહ્યા વિના કેમ ચાલે ? એ તો જે અનેક જીવોના કલ્યાણનો જ માર્ગ લીધો છે તે છોડી દે ત્યારે શકય બને, પણ એમ તો તેમનાથી કેમ કરાય ? કાં જે શાસ્ત્રદૃષ્ટિએ જીવોને ભગવાનના માર્ગે વાળવાનું મહાફળ તેમણે જાણ્યું છે ને એવી ભગવાનની આજ્ઞાનો મહિમા સમજ્યા છે. માટે ક્રોધ થાય તો પણ પોતાના શુભ સંકલ્પોનો ત્યાગ કરતા નથી. તે ક્રોધ તેને કલ્યાણના માર્ગમાં બાધરુપ પણ થતો નથી. ઉલ્ટો તે માર્ગ ભગવાનના રાજીપાનું સાધન બને છે.
આ સિવાય પદાર્થના લેણદેણ સારુ તુચ્છ પદાર્થને માટે અથવા પોતાના અંગત ક્ષુલ્લુક સ્વાર્થ માટે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનો મહિમા તથા સાધુના માર્ગની મહાનતા સમજાણી જ નથી. બુદ્ધિ હોય તો પણ સાધુ સાથે એવો વ્યવહાર કરે છે તો તેની બુદ્ધિ રાજાના કામદાર જેવી ઈહલૌકિક જાણવી. તેને પરલોકના માર્ગની ખબર જ નથી. એમ સમજવું.