ગઅ–૩ર : મહાત્મ્યના ઓથે પાપ કર્યાનું

પ્રતિપાદિત વિષયઃ

વાસના દૂર કરવાનું સાધન તથા મહિમા પાપ દૂર કરે કે વધારે ?

મુખ્ય મુદ્દાઃ

૧.તપશ્ચર્યાના સહકાર વિના એકલી ભક્તિ વાસનાનો નાશ જલ્દી કરી શકતી નથી .

ર.મહિમા પાછળ શુદ્ધ આશય ન હોય તો જીવનમાં પાપનો વધારો થાય છે.

વિવેચન :

આ વચનામૃતમાં મહારાજે પૂછયું કે ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન’… એ શ્લોકનો અર્થ કરો ત્યારે સંતોએ રામાનુજ ભાષ્યે સહિત અર્થ કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો તો અમે એમ નિશ્ચય કર્યો છે જે… અહીં મહારાજ પોતાનો સ્વતંત્ર વિશેષ અભિપ્રાય રજૂ કરે છે. ભાષ્યના ઊંડાણમાં પડેલા અભિપ્રાયને પ્રગટ કરે છે. જે સામાન્ય વિદ્વાનોના મગજમાં ન દેખાય, ખુદ આચાર્યોએ પણ વધારે સ્પષ્ટીકરણ કર્યું નથી તે વસ્તુને મહારાજે સહજ રીતે ગર્વરહિત ભાષામાં સ્પષ્ટ કરી દીધી છે. ‘અમે એમ નિશ્ચય કર્યો છે જે’… એનાથી શાસ્ત્રો ઉપરની પોતાની મૌલિકતા પણ સ્પષ્ટ થાય છે.

મહારાજ કહે છે કે જેને યુવા અવસ્થા હોય તેણે આહાર ક્ષીણ કરવો ને યુક્ત આહારવિહારપણે રહેવું. આ સમગ્ર વાત જોતા એમાં બે મુદ્દા તરી આવે છે. એક તો તપશ્ચર્યા… આહાર ક્ષીણ કરવો. એ ઘણી આકરી તપશ્ચર્યા છે. બીજો મુદ્દો ભગવાનની ભક્તિ… નવ પ્રકારની ભક્તિ. રુચિ સહિત કરે અને ભક્તિમાં પ્રીતિ રાખે એટલે કે હૃદયપૂર્વકની ભક્તિ કરે. જ્યારે ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ, રસવર્જ્યમ્‌।[‘ વિષયનો ત્યાગ કરવાથી બાહ્ય વિષયો દૂર થઈ જાય છે પણ રસવર્જ્યમ્‌– તે વિષયોની હૃદયમાં પડેલી વાસના તત્કાળ દૂર થતી નથી. ઉપવાસથી બાહ્ય વિષયો–સ્થૂળ વિષયો દૂર થાય છે,પણ વાસના દૂર થતી નથી. ઉલ્ટું તે સ્થૂળ વિષયોની ગેરહાજરીમાં વધુ આતુર બને છે. તે વાસના શા ઉપાયથી દૂર થાય ? તો ભક્તિથી દૂર થાય છે. પરં દૃષ્ટવા નિવર્તતે । દૃષ્ટવા અર્થાત્‌ઉપાસનં કૃત્વા નિવર્તતે – પરમાત્માની ભક્તિ કરવાથી વાસના દૂર થાય છે.

અહીં મીમાંસા એ કરવાની છે કે વાસનાને મૂળમાંથી નિવર્તન કરનાર ભક્તિ છે કે તપશ્ચર્યા ? આપાતતઃ એવું દેખાય છે કે તપશ્ચર્યા એ વાસના પર સીધો કુઠારઘાત કરે છે. તેથી તપશ્ચર્યાથી વાસના દૂર થાય એમ ભાસે છે; પરંતુ શાસ્ત્રમાં વર્ણવેલા ઈતિહાસો જોતાં કાંઈક જુદું દેખાય છે. સૌભરી, પરાશર, વિશ્વામિત્ર વગેરે મહા તપસ્વીઓ તીવ્ર તપસ્યા કરીને પણ વાસનાના મૂળ ઉખેડી શકયા નથી. જેની તપશ્ચર્યા તો પારાકાષ્ઠાની હતી. ત્યારે એવું દેખાય છે કે વાસનાનું નિવર્તન કરવા માટે અંતે પરમાત્માની ભક્તિની જરૂર પડે છે. ગોપીઓ, મીરા કે અંબરીષ જેવા ભક્તો તપસ્વી દેખાતા નથી છતાં વાસનાનું નિવર્તન સારી રીતે કરી શકયા છે. તેમાં વધુ ઊંડા ઉતરીએ તો હજુ એ પ્રશ્ન ઊઠે છે કે ભક્તિ વાસનાની ચોક્કસ નિવૃત્તિ કરે કે વધારે પણ ખરી ? ભક્તિનો માર્ગ લપસણો છે. તેમાં ભોગનો જોગ વધારે છે. તેથી તેમા તપશ્ચર્યાનો તીવ્ર અંકુશ નહિ હોય તો ભક્તિ વાસનાનો નાશ કરવાને બદલે વાસનાને બહેકાવી પણ શકે ખરી.

મહારાજે વચ.ગ.મ.૩ મા કહ્યું છે કે રસિક માર્ગે હજારોને લાખો પડી ગયા છે. બગાડ ઘણાને થયો છે. સારું તો કોઈકનું જ થયું છે. આમ તપશ્ચર્યા ભક્તિને સહાયક બની ભક્તિની શુદ્ધિ કરે છે ને તેણે યુક્ત એવી ભક્તિ તે વાસનાનાં મૂળ ઉખેડે છે; પરંતુ એકલી તપશ્ચર્યા વાસના ઉપર ઝાઝી કામયાબ થતી નથી. ઉલ્ટી ભગવાનની ભક્તિરહિત તપશ્ચર્યાનો અતિરેક અહંકારનો વધારો પણ કરે છે. માટે તપશ્ચર્યા તેના સ્થાનમાં રહીને ભક્તિના રક્ષણ માટે અને શુદ્ધિ માટે બની રહે અને તેની સહાય લઈને ભક્તિ પ્રબળ બને તો વાસનાનો મૂળથી નાશ થાય છે. ગીતામાં કહ્યા મુજબ પરં દૃષ્ટવા નિર્વતતે એ સિદ્ધ થાય છે. માટે મહારાજ કહે છે કે આહાર ક્ષીણ કરે ને ભક્તિમાં પ્રીતિ હોય તો તેનો સત્સંગ પાર પડે છે. નહિ તો ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ તેને ભય છે તો બીજાની શી વાત કરવી !

વચનામૃતના બીજા ભાગમાં મહારાજ કહે છે કે સાચા ભક્તને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીતિ છે ? તો અતિ મહિમા સમજીને ભગવાને બાંધેલી ધર્મમર્યાદામા વર્તે અને તેને અતિ દૃઢ બનાવે. તે ભક્તને ભગવાનનો મહિમા ધર્મમર્યાદામાં રહેવા માટે મદદરૂપ થાય છે. જ્યારે કુબુદ્ધિવાળા છે તે પણ મહિમા તો ઘણો જ સમજે છે પણ તે મહિમાનો ઉપયોગ ધર્મમર્યાદા લોપવામાં કરે છે. એ એમ સમજે છે જે એવા મોટા ભગવાન એ તો પતિતપાવન અને અધમઉદ્ધારણ છે. માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે. એવો ઓથ લઈને મૂળગો પાપ કરવાથી ડરે નહિ.‘એવો જે હોય તો તે પાપી છે, દુષ્ટ છે.’ તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો. કારણ કે મહિમા બતાવવા પાછળ અથવા બીજાને મહિમાની વાત કહેવા પાછળ તેનો અંદરનો છુપો ઈરાદો કાંઈક જુદો છે. તે પૂરો કરવા બીજા કરતાં વધારે મહિમા મુખપાઠ કરી બતાવે છે, પણ તેનો મૌન ઈરાદો તેની પોતાની નબળાઈને પોષણ કરવાનો હોય છે. આવું દેખાય ત્યારે મહારાજ પાસે જવાની ઈચ્છાવાળાએ ચેતવું જોઈએ. મહારાજ કહે, તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ કયારેય ન કરવો.

અહીં આ વિષયમાં એક મુદ્દો વિચારણીય છે કે ભગવાનનો જે મહિમા છે તે ભક્તના જીવનમાં પાપવૃત્તિ દૂર કરે છે કે પાપવૃત્તિને વધારે છે ? ત્યારે મહારાજના આ વચનામૃતના શબ્દો તથા જીવતા ઈતિહાસની ભૂગર્ભ પ્રવૃત્તિઓનો આશય જોતાં જરૂર કહેવું જોઈએ કે મહિમા સ્વયં કોઈ દિશા નક્કી કરી દેતો નથી. તે ભક્તના અંદરનો મૌન આશય કેવો છે તે જોઈને મહિમા કામ કરે છે. ભક્તના હૃદયમાં નબળાઈ પડી હોય ને તેનો આશય થોડો નબળો હોય તો તેના જીવનમાં મહિમા પાપનો વધારો કરે, પણ ભગવાને બાંધેલી મર્યાદામાં તેના જીવને લાવી ન શકે. તેને એમ થયા કરે કે થોડું આમ થયું એમાં શું ? પણ પોતાના જીવનમાં પાપને રોકી ન શકે.

મહિમાનું પરિણામ કે સરવાળો સ્વનિગ્રહમાં થાય તો તે સાચો મહિમા ગણાય અને ભક્તને ફાયદારૂપ બને છે; પરંતુ તે જ મહિમા જો ભગવાને બાંધેલ મર્યાદામાં છીંડાં પાડવામાં ઓથરૂપ થતો હોય તો પાપનો વધારો કરે છે અને આસુરીભાવ વધારનારો બને છે. મહિમાના ઓથવાળો જે નિઃશંકભાવે પાપ કરે છે તેટલી નિઃશંકતા મહિમાના ઓથ વિનાના હોય તેને નથી આવતી. માટે મહિમાને ઓથે જે પાપ ફૂલે ફાલે છે તથા જેટલો બહેકાવ આવે છે તેવો મહિમાના આધાર વિનાના માનવીમાં આવી શકે નથી. અધર્મની સમાજમાં પ્રતિષ્ઠા હોતી નથી. માટે તે મહિમાનો પછેડો ઓઢી લે પછી તેને કોઈ રોકી ટોકી ન શકે અને મુક્ત વિહાર કરી શકે છે. એે એટલો આગળ વધે છે કે સાચા ધર્મને પણ પાછળ રાખી દે છે. લોકો પણ તેને સુધારો–નવીનતા–મૌલિકતા જેવા રૂપાળાં બિરુદ આપીને ફૂલડે વધાવે છે. તેથી મહિમા ખાલી પાપ નાશ જ કરે છે એવું નથી પાપનો વધારો પણ કરી શકે છે. ભગવાનના સાચા ભક્તે નિર્મળ હૃદયથી પોતાના સામે જોઈને તેનો તપાસ કરવો ઘટે છે.